ઉત્ક્રાંતીનું મનોવીજ્ઞાન (Evolutionary psychology)

ઉત્ક્રાંતીનું મનોવીજ્ઞાન (Evolutionary psychology)ક્ષેત્ર ખુબ જ વીશાળ છે. એમાં ઈવોલ્યુશનરી સાયન્સ, સાઈકૉલૉજી અને ન્યુરોસાયન્સ પણ સમાયેલું છે. ઈવોલ્યુશનરી સાઈકૉલૉજીમાં દાદા ડાર્વીન અને દાદા સીંગમડ ફ્રૉઈડ બન્નેનો સંગમ કરાયો છે.

ઉત્ક્રાંતીનું મનોવીજ્ઞાન
(Evolutionary psychology)

–ભુપેન્દ્રસીંહ રાઓલ

ભારતમાં મનોવીજ્ઞાનની બહુ કદર થતી નથી. મનોવીજ્ઞાન વીષય લઈને ભણનારા બહુ ઓછા લોકો હોય છે. મનોવીજ્ઞાનમાં ભારતીયોને ખાસ રસ હોતો નથી કે એનું મહત્ત્વ પણ જણાતું નથી. એટલે જ ખુબ પ્રાચીન સંસ્કૃતી હોવા છતાં આપણે કોઈ સીંગમડ ફ્રૉઈડ જેવો મનોવીજ્ઞાની પકવી શક્યા નથી. ફ્રોઈડને આધુનીક મનોવીજ્ઞાનનો જનક કહેવામાં આવે છે. એના પછી ઍડલર, પછી કાર્લ જુંગ, આપણે આમાંનો કોઈ હજુ સુધી પકવી શક્યા નથી, ઈચ્છા પણ લાગતી નથી.

આટલાં મોટા ગુજરાત રાજ્યમાં સાઈકીયાટ્રીસ્ટ કેટલા? કૉલેજમાં આર્ટ્સનાં વીદ્યાર્થી નાછુટકે મનોવીજ્ઞાન લેતા હોય છે. આપણા લેખકો, પત્રકારો પણ મનોવીજ્ઞાન વીશે ખાસ લક્ષ ધરાવતા નથી હોતા. આપણી કૉલેજમાં મનોવૈજ્ઞાનીક રીસર્ચ બહુ ઓછું થતું હશે. પશ્ચીમના દેશો આ વીશે ખુબ સંશોધન કરતા હોય છે. બહુ બહુ તો ભણવા ખાતર મનોવીજ્ઞાન ભણી લઈએ છીએ, પણ નવું એમાં કશું ઉમેરી શકતા નથી. અરે લેટેસ્ટ અપડેટ થયેલું મનોવીજ્ઞાન પણ કૉલેજોમાં ભણાવતા હશે કે કેમ?

સામાન્યતઃ શરુઆત તો આપણે કરીએ છીએ, પણ પછી શું થાય છે કે બધું ઠપ્પ. 2500 વર્ષ પહેલા બુદ્ધે થોડા મનોવૈજ્ઞાનીક સત્યો કહેલા. ન્યુઅરૉ-સાયંસનાં ખાં લોકોમાં બુદ્ધ આજે પણ પ્રીય છે. આપણા દરેક બુદ્ધીજીવીને જરા આગળ પ્રગતી જણાય કે આધ્યાત્મીકતાનો આફરો ચડી જતો હોય છે, અને પ્રખર ચીંતક બનવાનો રોગ લાગી જતો હોય છે. આત્મસાક્ષાત્કારની પળોજણમાં એમની અંદર રહેલા પ્રતીભાના આત્માને ભુલી જતા હોય છે.

એવી જ રીતે આપણે ઉત્ક્રાંતીના વીષયને પણ બહુ અગત્યતા આપતા નથી. આપણે ઉત્ક્રાંતીમાં ખાસ માની શકતા નથી. એટલે જ આપણે ડાર્વીન પકવી શક્યા નથી. આપણી પુનર્જન્મની ધારણા, લોક પરલોક, સ્વર્ગ, નર્ક, મોક્ષ વગેરે ધા૨ણાઓ ઉત્ક્રાંતીના ક્રમ, વીકાસના ક્રમને માનવા ઈનકાર દેતી હોય છે. એક કોષી જીવથી માંડીને આજના મનુષ્ય સુધી બહુ લાંબી મજલ આપણે કાપી છે, પણ આપણે માની શકતા નથી. એક કોષી જીવનથી માંડીને આજે આધુનીક મનુષ્ય તરીકે જન્મ્યા તે પહેલાના તમામ જીવન વીશેના અનુભવ આપણે જીનમાં (Gene) સાથે લઈને જન્મ્યા છીએ તેને ઉજાગર કરવાનું વીજ્ઞાન એટલે ઈવોલ્યુશનરી સાઈકૉલૉજી, ઉત્ક્રાંતીનું મનોવીજ્ઞાન.

ઈવોલ્યુશનરી સાઈકૉલૉજી મનોવીજ્ઞાન કરતા કંઈક વધુ છે. એમાં ખાલી મનોવીજ્ઞાન નથી. Human Nature, Social sciences, Psychology, physiology, evolutionary physiology, computational theory of mind, cognitive psychology, evolutionary biology, behavioral ecology, artificial intelligence, genetics, ethology, anthropology, archaeology, biology, Zoology, sociobiology, આ બધું આમાં લક્ષ્યમાં. લેવામાં આવે છે. એમાં ઈવોલ્યુશનરી સાયન્સ, સાઈકૉલૉજી અને ન્યુરોસાયન્સ પણ સમાયેલું છે. ઈવોલ્યુશનરી સાઈકૉલૉજીનાં મુળીયા ડાર્વીનના થીયરી ઑફ નૅચરલ સીલેક્શનમાં સમાયેલા છે. ડાર્વીને એના પુસ્તકમાં શું ભાખેલું તે જોઈએ,

‘In the distant future I see open fields for far more important researches. Psychology will be based on a new foundation, that of the necessary acquirement of each mental power and capacity by gradation.’

– Charles Darwin, The Origin of Species, 1859, p. 449

20મી સદીના અડધમાં W. D. Hamilton નામના વૈજ્ઞાનીકે 1964માં Inclusive Fitness ઉપર એક રીસર્ચ પેપર પ્રસીદ્ધ કર્યું હતું અને Robert Trivers નામના વૈજ્ઞાનીકે 1972માં Reciprocity અને Parental investment એવી બે થીયરી આપી જેણે મનોવીજ્ઞાનમાં ઉત્ક્રાંતી વીશે વીચારવા વૈજ્ઞાનીકોને મજબુર કરવાનું શરુ કર્યું. માનવ પોતાના જેનીસ (genes) દ્વારા એના અનુભવો સંતાનોમાં ટ્રાન્સફર કરતો હોય છે. હેમીલ્ટનની થીયરીએ માનવમાં પરોપકારની વૃત્તી, આત્મબલીદાન, સ્વબલીદાનની ભાવના કઈ રીતે વીકસી તેનું કારણ શોધી કાઢેલું. પરોપકાર, પરમાર્થ બલીદાન સાથે સ્વાર્થની ભાવના પુર્વજો પાસેથી વારસામાં મળતી હોય છે. ઘણી જાતો પ્રજાતીઓ પુષ્કળ વારસો પેદા કરતી હોય છે અને કેટલીક જાતીઓ પ્રજાતીઓ ઓછા વારસદાર પેદા કરતી હોય છે. સર્વાઈવલની આ બધી ટૅકનીક છે. ઓછા પણ ખુબ મજબુત વારસો પેદા કરવા અથવા વધુ સંખ્યામાં પેદા કરવા જેથી સર્વાઈવ થઈ જવાય.

નૅચરલ સીલેક્શન, સેક્યુઅલ સીલેક્શન, અડૉપ્શન (અનુકુલન) બધું આમાં આવરી લેવાય છે. આપણા પુર્વજો કેવી રીતે કઈ કઈ નવી ટૅક્નીક વીકસાવીને સર્વાઈવ થયા હશે તે તમામ અનુભવો જેનીસ (Genes-જનીન તત્ત્વ) દ્વારા આપણને મળતા જ હોય છે. અને હાલના આપણાં અનુભવો આપણે આપણાં સંતાનોમાં આપણે ટ્રાન્સફર કરતા હોઈએ છીએ. આમ ઈવોલ્યુશનરી સાઈકૉલૉજીનું ક્ષેત્ર ખુબ વીશાળ છે.

પ્રાણીઓની વર્તણુકનો ખુબ અભ્યાસ થઈ રહ્યો છે, કારણ આપણે પણ એક રીતે પ્રાણી જ છીએ. પ્રાણીઓ પાસેથી આપણને લીમ્બીક સીસ્ટમ (Limbic system) મળેલી છે. લીમ્બીક સીસ્ટમ ન્યુરોક્રેમીકલ્સ છોડે છે. લીમ્બીક સીસ્ટમ શબ્દોની ભાષા જાણતી નથી, એની ભાષા ન્યુરોકૅમીકલ્સ છે. પ્રાણીઓ પણ હર્ષ શોક, પીડાની લાગણી અનુભવી શકે છે. ઉત્ક્રાંતીના ક્રમમાં લાખો કરોડો વર્ષો થયાં છે માનવ અવસ્થાએ પહોંચતા. જેથી લાખો કરોડો વર્ષોના અનુભવો આપણાં જીનમાં છે. માનવીય વર્તણુક ઉપર આ બધાની શું અસર પડતી હોય છે તેનો સમાવેશ અને અભ્યાસ આમાં થતો જ હોય છે.

ઉત્ક્રાંતીનું મહત્ત્વનું પરીબળ છે મ્યુટેશન. DNA-RNA વીશે આપણે હવે ઘણું જાણતા થઈ ગયા છીએ. આપણને આપણા પુર્વજો તરફથી જાતજાતના જેનીસ (Genes) મળતા હોય છે. In genetics, a mutation is a change of the nucleotide sequence of the genome of an organism, virus, or extrachromosomal genetic element. આમ જેનીસમાં નજીવો ફેરફાર થતો રહેતો હોય છે અને ઉત્ક્રાંતી આગળ ધપતી રહેતી હોય છે. મ્યુટેશન થાય છે માટે સજીવોમાં વીવીધતા આવતી રહે છે. મ્યુટેશન અસર કરે અને ના પણ કરે. મ્યુટેશન દેખાય અને ના પણ દેખાય.

કલ્ચરની અસર જીન (Gene) ઉપર પડતી હોય છે અને જીનની અસર કલ્ચર ઉપર દેખાતી હોય છે. નેચર અને નર્ચર નો વીવાદ ચાલતો રહેતો હોય છે પણ બધું પરસ્પર દેવો ભવઃ જેવું છે. સીધી સાદી ભાષામાં કહીએ તો ઈવોલ્યુશનરી સાઈકૉલૉજીમાં દાદા ડાર્વીન અને દાદા સીંગમડ ફ્રૉઈડ બન્નેનો સંગમ કરાયો છે.

હું પુનર્જન્મમાં માનતો નથી, કે હું ફરી જન્મ લઈશ, પણ મારા જીન (Gene) મારા ત્રણ દીકરાઓમાં છે. એ રીતે મારો પુનર્જન્મ થઈ ચુક્યો છે; પણ એક સમયે આ જેનીસ (Genes) જીવજંતુ, સરીસર્પ, પશુ, એપ્સ અને આદીમાનવ હશે. આજે મારામાં આધુનીક માનવ તરીકે લાંબી મજલ કાપીને ઉપસ્થીત થયા છે અને આમ આગળ વધતા જશે, નવી નવી પરીસ્થીતીઓને અનુકુળ થતા જશે, યેનકેન પ્રકારે સર્વાઈવ થતા જશે, અને તમામ અનુભવો સાથે આગળ વધતા જશે, ઈમ્પ્રુવ થતા જશે. એટલે જ મારી રીતે ઈવોલ્યુશનરી સાઈકૉલૉજીને જન્મોજન્મના સંસ્કારનું વીજ્ઞાન સમજુ છું.

–ભુપેન્દ્રસીંહ રાઓલ

શ્રી. ભુપેન્દ્રસીંહ રાઓલ લીખીત ઉત્ક્રાંતીના મનોવીજ્ઞાન આધારીત અભીપ્રેરણાત્મક લેખોનો સંગ્રહ ‘રાસાયણીક ગીતા’ (Hard Truths About Human Nature) [પ્રકાશક : YUTI Publication, 6, સત્તાધાર ચૅમ્બર, ચંદ્રપ્રસાદ દેસાઈ હૉલની સામે, ટોલનાકા, બાપુનગર, અમદાવાદ. સેલફોન : 91732 43311 ઈ.મેલ : utipublication2008@gmail.com વેબસાઈટ : www.wbgpublication.com બીજી આવૃત્તી : 2018 પાનાં : 280, કીમ્મત : રુપીયા 300/-]માંથી લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : Bhupendrasinh Raol, Scranton, PA. 18508 (USA) સેલફોન : +1 732 406 6937 ઈ.મેલ : brsinh@live.com વેબસાઈટ : http://raolji.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ,   ઈ.મેલ :  govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 4–02–2022

6 Comments

  1. Beautiful article. Congratulations !
    Our bloated pride in ancient stories stops us from learning from modern thinkers.
    Strongly entrenched belief in Rebirth prevents us from looking at modern sciences like Psychology and Evolution.
    આત્મસાક્ષાત્કારની પળોજણમાં એમની અંદર રહેલા પ્રતીભાના આત્માને ભુલી જતા હોય છે.” Religion holds us back.
    “આપણા દરેક બુદ્ધીજીવીને જરા આગળ પ્રગતી જણાય કે આધ્યાત્મીકતાનો આફરો ચડી જતો હોય છે, અને પ્રખર ચીંતક બનવાનો રોગ લાગી જતો હોય છે.
    Good ideas. Please keep writing. Thanks. Subodh Shah — USA.

    Liked by 1 person

  2. સ્નેહીશ્રી ગોવીંદભાઇ,
    આભાર.
    આજે તમે જે આર્ટીકલ લઇને આવ્યા છો તેના લેખક અેક મિત્ર છે.
    તેમના લેખો અને પુસ્તકો તે તે વિષયોમાં રેફરન્સો સાથે સંપૂર્ણ હોય છે. ખૂબ
    ચાહત મેળવી છે.
    આજનો વિષય અેક કોષી જીવથી માંડીને આપણા જેવા માણસની ઉત્પત્તિ કે ઉત્ક્રાન્તિ
    કેવી રીતે થઇ તે સમજાવતા વિષયોની નૂક્તેચીની સાથે થઇ છે.
    ભારત અેક દેશ છે જ્યાં ફોલોઅર્સની જમાત…ઘેંટાશાહી…રાજ કરે છે અેવું કહી
    શકાય. વિજ્ઞાન ? ટોળાશાહીની પરંપરાઅે ભારતમાં વિજ્ઞાનને મહત્વ આપ્યું નથી તે
    પણ કહી શકાય.
    તેમણે જે વિષયોના અભ્યસની જરુરત બતાવી છે, તે કરવા વિના આ મનોવિજ્ઞાન સમજવું
    અશક્ય જ બને.
    આપણા ઘરેલું ગુજરાતી વાચકોને માટે આ પ્રકારના લેખોની મોટી જરુરત છે.. ઘરમાં
    કે સમાજમાં પણ વર્તણુંક સમજવા માટે પણ મનોવીજ્ઞાન જરુરી બને છે….આ તો
    વિજ્ઞાન છે.
    ગોવિંદભાઇ અને ભૂપેન્દ્રસીહજીને હાર્દિક અભિનંદન. આ તો વિષયની ઓળખવિઘિ થઇ
    છે…વઘુ આર્ટીકલો આપો.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  3. ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન અંગે શ્રી ભુપેન્દ્ર રાઓલના લેખમા અંધશ્રદ્ધા અને અવૈજ્ઞાનિક માન્યતાઓ વિરુદ્ધ તર્કબધ્ધ લેખ
    ‘લિમ્બિક સિસ્ટમ ન્યુરોકેમિકલ્સ છોડે છે. લિમ્બિક સિસ્ટમ શબ્દોની ભાષા જાણતી નથી, એની ભાષા ન્યુરોકેમિકલ્સ છે. પ્રાણીઓ પણ હર્ષ શોક, પીડાની લાગણી અનુભવી શકે છે. જેવી વાતો વૈજ્ઞાનિક
    રીતે સાબિત થઇ તેના ઘણા વર્ષો પહેલા સ્વિકારાયલી હતી
    ‘આજે મારામાં આધુનિક માનવ તરીકે લાંબી મજલ કાપીને ઉપસ્થિત થયા છે, અને આમ આગળ વધતા જશે, નવી નવી પરિસ્થિતિઓને અનુકૂળ થતા જશે, યેનકેન પ્રકારે સર્વાઇવ થતા જશે, અને તમામ અનુભવો સાથે આગળ વધતા જશે, ઇમ્પ્રૂવ થતા જશે. એટલે જ મારી રીતે ઇવલૂશનરી સાઇકૉલોજીને જન્મોજન્મના સંસ્કારનું વિજ્ઞાન સમજુ છું.’ સરસ તાર્કીક વાત

    Liked by 1 person

Leave a comment