રૅશનાલીઝમ એટલે રૅશનાલીસ્ટ રીતે વીચારવાનો, વ્યવહાર કરવાનો અભીગમ, વ્યક્તી ગમે તે દેશ, રાજ્યનો નાગરીક હોય, તે ગમે તે ધર્મ કે સમ્પ્રદાયનો અનુયાયી હોય, તે ગમે તે રાજકીય, સામાજીક વીચારસરણી ધરાવતો હોય, ગમે તે વીષયનો અભ્યાસી હોય, દરેકને માટે સાચી રીતે વીચારવાનો, જીવનવ્યવહારનો અભીગમ તો એક અને એક જ છે, રૅશનાલીઝમ.
રૅશનાલીઝમ એક વીચારધારા
–ડૉ. બી. એ. પરીખ
Rationalism શબ્દનો મુળ શબ્દ છે Rational. Rational એટલે બુદ્ધીનીષ્ઠ, Man is a Rational animal એવું વીદ્વાનોએ કહ્યું છે. Rational શબ્દ ઉપરથી Rationality, Rationalist, Rationalism શબ્દો ઉતરી આવ્યા છે.
Rationalism ‘રૅશનાલીઝમ’ પદ આજે આપણે એક વૈચારીક ચળવળ, વૈચારીક અભીગમના સન્દર્ભમાં પ્રયોજીએ છીએ. રૅશનાલીઝમને ‘બુદ્ધીવાદ’, ‘બુદ્ધીનીષ્ઠા’, ‘તર્કવાદ’, ‘તર્કપ્રામાણ્યવાદ’, ‘વીવેકબુદ્ધીવાદ’ એવા જુદા જુદા શબ્દો દ્વારા સમજવાનો પ્રયાસ થાય છે; પરન્તુ રૅશનાલીઝમ એટલે માત્ર બુદ્ધીવાદ, બુદ્ધીનીષ્ઠા (intellectualism) નહીં; કારણ પ્રખર બુદ્ધીશાળી તેમ જ પોતે બુદ્ધીપુર્વક વીચારીને જે નીર્ણયો કરે છે એવું કહેનારા માણસો તટસ્થ, ખુલ્લા મનના હોતા નથી. તેઓ ઘણીવાર સંકુચીત માનસ ધરાવતા હોય છે, વહેમ – અન્ધશ્રદ્ધામાં રાચતા હોય છે. કેટલીકવાર સામાન્ય બુદ્ધીશાળી કે અભણ માણસ પણ રૅશનાલીસ્ટ વલણ ધરાવતા હોય છે. રૅશનાલીઝમ એટલે માત્ર તર્કવાદ પણ નહીં, રૅશનાલીસ્ટ વીચારપ્રક્રીયામાં કારણ–કાર્ય સમ્બન્ધ સમજવા માટે તર્ક (reasoning) તો કરવા જ પડે; પરન્તુ તાર્કીક રીતે વીચાર કરનાર માણસ પાસે તર્કના આધાર માટેની વીગતો ખોટી હોય, અધુરી હોય. વળી, વકીલની જેમ માત્ર એકપક્ષી અનુકુળ વીગતો રજુ કરી તર્ક કરવામાં આવે તે રૅશનાલીસ્ટ વીચારક્રીયા નથી. રૅશનાલીઝમને પ્રામાણ્યવાદ (Logical) કહીએ, એટલે કે તર્કના પ્રમાણ, આધાર ઉપર જ સ્વીકાર કરવામાં આવે છે; પરન્તુ અહીં પણ તર્કદોષો થવાનો સમ્ભવ તો છે જ. રૅશનાલીઝમ એટલે ‘વીવેકબુદ્ધી’ એમ પ્રયોજન થાય છે. એટલે કે સારા–નરસા, યોગ્ય–અયોગ્ય, સમ્બન્ધીત–અસમ્બન્ધીત વચ્ચેનો વીવેક જાળવી વ્યક્તી પોતાની વાત બુદ્ધી અને તર્કથી રજુ કરે. ‘વીવેકબુદ્ધી’ શબ્દમાં રૅશનાલીઝમ કે રૅશનાલીસ્ટ વલણનું હાર્દ મહદ્ અંશે સમાય છે. એટલે આપણે કાર્યસાધક હેતુસર એવો અર્થ કરીએ કે રૅશનાલીઝમ એટલે બુદ્ધીનીષ્ઠાના આધાર ઉપર વીવેકપુર્વક વીચાર, વ્યવહાર વર્તન કરવાનું વલણ તેમ જ વીચારધારા.
રૅશનાલીઝમ એક વીચારધારા
છતાં Rationalism અંગ્રેજી શબ્દમાં જે અર્થછાયા છે તે સ્પષ્ટ કરે તેવો શબ્દ ગુજરાતી ભાષામાં મેળવવો મુશ્કેલ છે. વળી, રૅશનાલીઝમ શબ્દ અને ખ્યાલમાં જે અર્થો અભીપ્રેત છે તે સીધા શબ્દોમાં સ્પષ્ટ કરવાનું પણ મુશ્કેલ છે. આથી અત્રે રૅશનાલીઝમની અર્થછાયાઓ, વ્યાખ્યા, સ્વરુપ વગેરે વીશાળ અર્થમાં સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે.
Ism એટલે વાદ, વીચારધારા, જેમ કે Hinduism, Jainism, Buddhism વગેરે. આ ધાર્મીક વીચારધારાઓ છે. Socialism, Communism, Imperialism. Fascism વગેરે રાજકીય વીચારસરણીની વીચારધારાઓ છે. Realism, Nominalism તેમ જ Intellectualism, Empiricism વગેરે તત્ત્વજ્ઞાનની અને જ્ઞાનમીમાંસાની વીચારધારાઓ છે. આમ Ism અથવા વીચારધારા એ કોઈ પણ ક્ષેત્રમાં ધર્મ, રાજકારણ, તત્ત્વજ્ઞાન વગેરેમાં સમસ્યાઓના સમાધાન, નીરાકરણ અંગે કઈ કઈ રીતે વીચારી શકાય તે વીષેના વીવીધ દૃષ્ટીકોણ, સૈદ્ધાંતીક વીચારસરણીઓનો નીર્દેશ કરે છે. દરેક ક્ષેત્રમાં આ રીતે સમસ્યાઓ અંગે એક કરતાં વધારે રીતે વીચારી શકાય છે, વીચારવામાં આવે છે. આ વાદો અથવા વીચારસરણીઓ મહદ્ અંશે એકબીજાથી ઘણી બધી ભીન્ન હોય છે, પરસ્પરવીરોધી પણ હોય. આ વીચારધારાઓમાંથી જેને જે યોગ્ય લાગે તેને તે અનુસરે, તે અનુસાર વીચાર કરે. એક વીચારધારા સાચી અને બીજી વીચારધારા ખોટી એવું સાદું તારણ કે સમીકરણ પણ કરી શકાય નહીં. દા.ત.; આજે હીન્દુ, જૈન, બૌદ્ધ, ખ્રીસ્તી એમ તમામ ધર્મોની વીચારધારાઓ અસ્તીત્વમાં છે. રશીયામાં એક સમયે તેમ જ હાલ ક્યુબા અને પુર્વ યુરોપમાં સામ્યવાદી, ભારતમાં સમાજવાદી, લોકશાહીવાદી રાજ્યવ્યવસ્થાઓ છે વગેરે. દરેકના ફાયદા–ગેરફાયદા હોય; પરન્તુ તેને સાચું યા ખોટું એવું કહેવાય નહીં.
આમ માનવ મન અને સ્વભાવમાં વૈવીધ્ય જોતાં જુદાં જુદાં ક્ષેત્રોમાં એક કરતાં વધારે વીચારસરણીઓ, ism–વાદો સમ્ભવી શકે છે. આ પરીપ્રેક્ષ્યમાં Rationalismનો અર્થ અને સ્વરુપ તપાસીએ :
રૅશનાલીઝમ એક વીશીષ્ટ પ્રકારની, અદ્વીતીય વીચારધારા છે, તે કોઈ સમ્પ્રદાય કે ફાંટો નથી જેની સમકક્ષ કે વીરોધમાં બીજી કોઈ વીચારધારા હોય. રૅશનાલીઝમ એ એક પ્રકારનો જીવન અને ઘટનાઓ પ્રત્યેનો, તેમના વીશે વીચારવાનો અભીગમ છે. આ રૅશનાલીસ્ટ દૃષ્ટીએ વીચારીએ, વ્યવહાર કરીએ તો જ સમસ્યા વીષે સાચી માહીતી અને ઉકેલ મળે. રૅશનાલીસ્ટ ન હોય એવું, રૅશનાલીઝમનું વીરોધી વલણ અથવા અભીગમ તે ઈરૅશનલ વલણ, ઈરૅશનાલીઝમ કહેવાય; જે વલણ, અભીગમ અપનાવવાથી સાચી માહીતી અને જ્ઞાન ન મળે અને સાચો ઉકેલ પણ ન મળે. જેમાં ધાર્મીક માન્યતાઓ, રુઢીપરમ્પરાઓ, પક્ષપાત, પુર્વગ્રહ, લાગણીઓનું દબાણ, તાર્કીકતાનો અભાવ, ભેદભાવ, અન્ધવીશ્વાસ, માનસીક જડતા, વીવેકબુદ્ધીનો અભાવ વગેરે હોય તેવા પ્રકારના વીચાર, વર્તન rational ન કહેવાય, તે irrational કહેવાય. બધા જ માણસો બધી જ બાબતોમાં, બધા જ પ્રસંગોએ રૅશનલ દૃષ્ટીએ વીચારે એવું આપણે ઈચ્છીએ. એ આદર્શ છે. વાસ્તવમાં રૅશનલ કરતાં ઈરૅશનલ વીચાર અને વ્યવહારનું પ્રભુત્વ અનેકગણું છે. એથી જ આપણો સમાજ અજ્ઞાનતા, અન્ધકાર, સંકુચીતતા અને સમસ્યાઓથી ઘેરાએલો છે. આ સન્દર્ભમાં રૅશનાલીઝમ એટલે શું તે લોકોને સમજાવી ને રૅશનલ અભીગમનો પ્રચાર થાય અને લોક તેનો સ્વીકાર કરે, તે પ્રમાણે વીચાર, આચરણ કરે એ માટે પ્રચાર, શીક્ષણ અને ઝુમ્બેશની જરુર છે.
રૅશનલ અને ઈરૅશનલ
રોજબરોજના વ્યવહારમાં જોવા મળતાં ઈરૅશનલ વીચાર વર્તનના કેટલાંક ઉદાહરણો જોઈએ :
- બાળકને શીતળા, અછબડાની માંદગી આવે ત્યારે માબાપ શીતળા માતા, બળીયાદેવની પુજા કરે છે.
- ઘરમાં ગમ્ભીર માંદગી, આફત કે સમસ્યા હોય ત્યારે તેના ઉકેલ વીષે શાંતચીત્તે વીચારીને નીષ્ણાત ડૉક્ટરની સલાહ લેવાને બદલે કોઈ પણ દેવ, માતાના આશીર્વાદ, ભસ્મ, પ્રસાદ લેવા દોડી જાય. ભગત–ભુવા, તાન્ત્રીક કે જ્યોતીષી પાસે દોડી જાય. આવું કરે કે વીચારે તે સમસ્યા સાથે જરા પણ સંગત કે સમ્બન્ધીત હોતું નથી, બુદ્ધીગમ્ય પણ ન લાગે. આવું વર્તન તદ્દન વાહીયાત ‘ઈરૅશનલ’ કહેવાય. સાચી રૅશનલ રીત તો એ છે કે માણસે લાગણીઓ તેમ જ પુર્વગ્રહોને વશ થયા વગર સમસ્યાના કેન્દ્રને સ્પર્શે અને જેનો અમલ થઈ શકે તેવા, સમસ્યાનું સમાધાન કે ઉકેલ લાવે તેવા, ઉપાયો વીચારવા જોઈએ.
આ ઉપરથી એટલું સ્પષ્ટ થશે કે રૅશનાલીઝમ એટલે રૅશનાલીસ્ટ રીતે વીચારવાનો, વ્યવહાર કરવાનો અભીગમ, વ્યક્તી ગમે તે દેશ, રાજ્યનો નાગરીક હોય, તે ગમે તે ધર્મ કે સમ્પ્રદાયનો અનુયાયી હોય, તે ગમે તે રાજકીય, સામાજીક વીચારસરણી ધરાવતો હોય, ગમે તે વીષયનો અભ્યાસી હોય, દરેકને માટે સાચી રીતે વીચારવાનો, જીવનવ્યવહારનો અભીગમ તો એક અને એક જ છે, રૅશનાલીઝમ.
– ડૉ. બી. એ. પરીખ
અન્ધશ્રદ્ધા, વહેમ, કુરીવાજો વગેરેનાં તાળાં ખોલવા માટે રૅશનાલીસ્ટ ઈન્દુકુમાર જાની દ્વારા સમ્પાદીત પુસ્તક ‘રૅશનાલીઝમ : નવલાં મુક્તીનાં ગાન…’ની ‘ઈ.બુક’ (પ્રકાશક : મણી મારુ પ્રકાશન, વીજલપોર–નવસારી – 396 450 ઈ.મેલ : govindmaru@gmail.com )માંથી લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…
લેખક સમ્પર્ક : ડૉ. બી. એ. પરીખ, 154, સર્જન સોસાયટી, પાર્લે પોઈન્ટ, સુરત–395 007 સેલફોન : 99241 25201 ઈ.મેલ : bhanuprasadparikh@yahoo.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ–મેલ : govindmaru@gmail.com
ખૂબ સરસ લેખ. વિવેકબુદ્ધિ, વાણી વર્તન સાથે આવશ્યક છે અને તે એક વ્યક્તિને વિભિન્ન સ્તરો પર પહોંચાડે છે.
સરયૂ પરીખ
LikeLiked by 2 people
Very well depicted subject from all angle thx Dr Parikh & Govindbhai Maru
LikeLiked by 1 person
‘રૅશનાલીઝમ એટલે બુદ્ધીનીષ્ઠાના આધાર ઉપર વીવેકપુર્વક વીચાર, વ્યવહાર વર્તન કરવાનું વલણ તેમ જ વીચારધારા.’
અને
‘સાચી રૅશનલ રીત તો એ છે કે માણસે લાગણીઓ તેમ જ પુર્વગ્રહોને વશ થયા વગર સમસ્યાના કેન્દ્રને સ્પર્શે અને જેનો અમલ થઈ શકે તેવા, સમસ્યાનું સમાધાન કે ઉકેલ લાવે તેવા, ઉપાયો વીચારવા જોઈએ’
વાતે
‘સાચી રૅશનલ’ અને ‘બીજી કોઇ રેશનલ’ ન હોઇ શકે. રેશનલ એટલે જ સત્ય. આ અંગે આદી કાળથી દરેક પોતાને રેશનલ માને છે પણ તેના અમલ પર સમજાવવા જરુરી રહે દા.ત. માનસિક રોગો અને ચેપી રોગો પર તબીબની સારવાર લેવી જોઇએ. અહી દરેક પધ્ધતિના તબીબ પોતાને રેશનલ માને તો કોને સ્વીકારવા ? ઘણી વાર તો એક પધ્ધતિના તબીબ પોતાને રેશનલ માને અને અન્ય તબીબ ઇરેશનલ માને! મજાનુ
વૈજ્ઞાનિક સત્ય વાત એ આવે છે કે તબીબો જ્યારે હડતાલ પર જાય ત્યારે દર્દીઓના મરણ પ્રમાણ ઘટે છે અને અમેરીકા જેવા દેશમા પણ તબીબોની ભુલો મરણ નુ ત્રીજુ મુખ્ય કારણ છે ! A recent study revealed that the 3rd-leading cause of death in the U.S. is a medical error!
અને
Whenever medical doctors go on strike, a most interesting phenomenon occurs – death rates go down!
બીજી વાત જે લોકો અંધશ્રધ્ધા માનતા પોતાની પધ્ધતિનો પ્રાણપ્રશ્ન કે સારવાર પોષણક્ષમ્ય બનાવવી જરુરી છે .બને તો ગરીબો માટે મફત હોવી જોઇએ.તેવી દરેક ઇરેશનલ વાતે ન કેવળ ભાષણો પણ તેના સટિક ઉપાયો અપનાવી તેનાથી સુખી થયેલાના દ્ર્ષ્ટાંત જણાવવા જોઇએ અને દરેક રેશનલોએ મા. ગોવીન્દભાઇની જેમ પોતાનો દાખલો બેસાડવો જોઇએ જેમકે મરણોતર વીલ ઇ.
LikeLiked by 1 person
રેશનાલીઝમની સમજણ ખુબ સારી રીતે આપી. ગમ્યું. આભાર ગોવીન્દભાઈ તથા ડૉ. બી.એ. પરીખનો.
LikeLiked by 1 person
👍🙏
LikeLiked by 1 person