ગાંધી–આંબેડકરજી વીશે લોકોમાં ઘણી ગડમથલ ચાલતી હોય, વાંધા–વચકા હોય, જાણવું–સમજવું હોય તેઓ શ્રી. ચાવડા સાહેબનો ગ્રંથ ‘ગાંધી–આંબેડકર સંઘર્ષ અને સમન્વય’ ખુલ્લું મન રાખીને વાંચશે તેમના માટે ગાઈડ બનશે..
ગાંધી–આંબેડકર સંઘર્ષ અને સમન્વય
– ગોવીન્દ મારુ
અમદાવાદથી પ્રકાશીત થતું ‘દીશા’ પાક્ષીકની ‘વીવેક–વીહાર’ કૉલમમાં કડોદના શ્રી. એન. વી. ચાવડા સને 1996થી રૅશનલ લેખો લખે છે. ‘ગાંધી–આંબેડકર સંઘર્ષ અને સમન્વય’ લેખમાળાના માધ્યમથી એક જાગૃત વીચારક તરીકે શ્રી. ચાવડા સાહેબે ભારતનો ઈતીહાસ નવેસરથી લખવાનો પ્રયાસ કર્યો હતો. અમદાવાદના નવભારત સાહીત્ય મન્દીરે આ લેખોને ગ્રંથસ્થ કરી, 200 + 4 પાનાંનો દળદાર ગ્રંથ પ્રગટ કર્યો. તા. 9 ફેબ્રુઆરીએ તથાગત્ બુદ્ધ કોમ્યુનીટી હૉલ, મોરબી ખાતે સુપ્રસીદ્ધ કવી, વીવેચક, સાહીત્યકારો, મુમ્બઈ/ગુજરાતના પ્રાધ્યપકો અને સાહીત્ય રસીકોની ઉપસ્થીતીમાં ‘ગાંધી–આંબેડકર સંઘર્ષ અને સમન્વય’ ગ્રંથનો લોકાર્પણ યોજાઈ ગયો.
(1) પુર્વભુમીકા (2) ઈતીહાસ લેખનનો ઈતીહાસ (3) ગાંધી–આંબેડકર સંઘર્ષના ઈતીહાસના સંશોધન અને લેખનનો આધાર (4) કૉંગ્રેસી નેતાઓ અને ગાંધીજીનો અંગ્રેજ પ્રેમ (5) સાઉથબરો કમીશન અને તેને અનુષાંગીક ઘટનાઓની ઈતીહાસમાં ઉપેક્ષા કેમ? (6) અંગ્રેજોના અન્ધભક્ત ગાંધીજીએ આઝાદીનું આંદોલન કેમ શરુ કર્યું? (7) આઝાદીની લડાઈનું સત્ય (8) ગાંધીજીએ વર્ણાશ્રમને હીન્દુધર્મના પાયા તરીકે કેમ ઘોષીત કર્યો? (9) ગાંધીજીનું આંદોલન સત્ય–અહીંસા પર આધારીત હતું! (10) ગાંધી–આંબેડકર સંઘર્ષ : આર્ય–અનાર્ય સંસ્કૃતીઓનો સંઘર્ષ (11) અનેક મહામાનવો ગાંધીજીને કેમ છોડી ગયા? (12) આજે આંબેડકરની તાબડતોડ જરુર છે – અરુંધતી રોય (13) બાબાસાહેબ અંગ્રેજોના પીઠું હતા? (14) પ્રથમ ગોળમેજી પરીષદમાં આંબેડકર (15) બીજી ગોળમેજી પરીષદમાં ગાંધીજી (16) બીજી ગોળમેજી પરીષદમાં ગાંધીજી (ભાગ–2) (17) પુના કરારનું દુષ્પરીણામ (18) પુના કરાર : આંબેડકર સાથે વીશ્વાસઘાત (19) પુના કરારમાં ડૉ. આંબેડકરે સહી કેમ કરવી પડી? (20) ગાંધીજીએ 1935માં કોંગ્રેસ છોડી દઈને રાજકીય સંન્યાસ કેમ જાહેર કર્યો? (21) ગાંધીજીએ 1942માં ‘ક્વીટ ઈન્ડીયા’ આંદોલન કેમ શરુ કર્યું? (22) અલગ મતદારમંડળો પાછા આપો (23) ગાંધીજીએ એકલે હાથે પોતાનું બંધારણ કેમ ઘડ્યું? (24) ગાંધીજીએ સરદાર વલ્લભભાઈ પટેલને વડાપ્રધાન બનતાં કેમ અટકાવ્યા? (25) ગાંધી કોઈને કેમ સમજાતા નહોતા (26) ગાંધીજીએ ખીલાફત ચળવળને ટેકો કેમ આપ્યો? (27) અસ્પૃશ્યતાની જનેતા : વર્ણવ્યવસ્થા (28) જાતીપ્રથા વીશે ગાંધીજી અને બાબાસાહેબ (29) આઝાદી પછી ભારતીય પ્રજાનું પતન કેમ? (30) અંગ્રેજોના ઉપકારો (31) ગાંધી–આંબેડકર વચ્ચે સમન્વયનો સેતુ (32) આંબેડકરનો બંધારણસભાપ્રવેશ ગાંધીજીને આભારી? નેવર… (33) ગાંધીવાદ વીશે ભગતસીંહ (34) ગાંધીજી અને ગાંધીવાદ વીશે ઓશો (35) ગાંધી આશ્રમ કે ભ્રષ્ટાચારીઓનો અડ્ડો? (36) ગાંધીજી : સ્ત્રીઓને જાહેરમાં લાવનાર પ્રથમ વ્યક્તી? (37) બ્રહ્મચર્ય અને ગાંધીજી (38) ગાંધીજીની કુટીલ રાજનીતી (39) ગાંધીજીનાં આંદોલનો સત્ય અને અહીંસા પર આધારીત હતાં? (ભાગ–2) (40) જગતના વીરલ અર્થશાસ્ત્રી ગાંધીજી?! (41) આજે એક ભારતમાં બે ભારત કેમ? (42) વરીષ્ઠ કૉંગ્રેસીઓનો દંભી દલીતપ્રેમ (43) ભારતીય પ્રજાના સાચા મુક્તીદાતા ડૉ. બાબાસાહેબ આંબેડકર (44) બંધારણ ભારતીય સંસ્કૃતી મુજબનું નથી? (45) આર્ય સંસ્કૃતી વીરુદ્ધ અનાર્ય સંસ્કૃતી (46) ગાંધી V/S આંબેડકર : કેટલીક રસપ્રદ તુલનાઓ (47) ભારતીયો ગાંધીજીનો જયજયકાર કેમ કરે છે? (48) ડૉ. આંબેડકર બંધારણના એકમાત્ર ઉદ્ગાતા ખરા, પરંતુ એક માત્ર ઘડવૈયા હરગીજ નહીં (49) આઝાદીનાં 72 વર્ષ પછી આદીવાસીઓ હીન્દુસંસ્કૃતી છોડીને કેમ ભાગ્યા? વગેરે લેખો આ ગ્રંથમાં સમાવીને લેખકે આપણા ઈતીહાસનું નવું જ દર્શન કરાવ્યું, તેમાં મને ખુબ જ રસ પડ્યો. રસ ધરાવતા વાચકમીત્રોને આ ગ્રંથ ઉપયોગી માર્ગદર્શન પુરું પાડશે એવી અનુભુતી સાથે લેખક શ્રી. ચાવડા સાહેબને હું અભીનનદન પાઠવું છું.
ગાંધી–આંબેડકરજી વીશે લોકોમાં ઘણી ગડમથલ ચાલતી હોય, વાંધા–વચકા હોય, જાણવું–સમજવું હોય તેવા સર્વ ગુજરાતીઓને, અને તેમાંય મુળનીવાસીઓ [એસ.સી., એસ.ટી. તથા ઓ.બી.સી. (બક્ષી–મંડલ) સમાજના] આગેવાનો, સરકારી અધીકારો, સાહીત્યકારો, લેખકો, પ્રાધ્યાપકો, કર્મચારીઓ અને શીક્ષીતો જો ખુલ્લું મન રાખીને વાંચશે તો તેમના માટે આ ગ્રંથ ગાઈડ બની રહેશે.
‘ભારતનો ઈતીહાસ નવેસરથી લખવો જોઈએ’ શીર્ષક હેઠળ શ્રી. ચાવડા સાહેબે 18 પાનાં (6,133 શબ્દો)માં રસપ્રદ પ્રસ્તાવના લખી છે; પરન્તુ સ્થળસંકોચને કારણે તેના કેટલાક ફકરાઓ જ સાભાર પ્રસ્તુત છે…
જો ડૉ. બાબાસાહેબ આંબેડકરનું ભારતના રાજકારણમાં આવવાનું બન્યું જ ન હોત તો અન્ય રાજનેતાઓ ભલે મહાનતમ હતા તો પણ તેઓએ આજના બંધારણની કદીયે કલ્પના ન કરી હોત. કારણ કે ગાંધીજી જેવા યુગપુરુષ પણ અતીચુસ્ત વર્ણવ્યવસ્થાવાદી હતા અને તેમની પાછળ વર્ણવ્યવસ્થાવાદી બ્રાહ્મણ રાજનેતાઓ અને ધનવાન ઉદ્યોગપતીઓનું પીઠબળ હતું, તેથી ગાંધીજી સર્વેસર્વા હતા. સરદાર પટેલ અને જવાહરલાલ ગાંધીજીની વીરુદ્ધમાં જવાની સ્થીતીમાં જ નહોતા. ગાંધીજીની સામે ફક્ત બાબાસાહેબ જ બે માથાના હતા તેથી ટકી શક્યા. બાબાસાહેબનો દૃઢ સંકલ્પ, એ સંકલ્પને પાર પાડવા માટેની સજ્જતા માટેની જ્ઞાનસાધના, અવીરત પુરુષાર્થ, વીપરીત સંજોગોમાં અપાર અડગતા અને ધૈર્ય, સત્યવક્તાપણું, નીડરતા, ક્ષણેક્ષણનો ઉપયોગ, અંતીમ સમય સુધીની કાર્ય મગ્નતા, વીશુદ્ધ ચરીત્ર અને ચારીત્ર, નીષ્કલંક જીવન, ત્યાગ અને બલીદાનયુક્ત અપાર દેશભક્તી અને સમાજપ્રેમ, આકર્ષક વ્યક્તીત્વ અને વકતૃત્વ, અનેક વીષયોનું પ્રકાંડ પાંડીત્ય વગેરે દ્વારા ગાંધીજી સામે અડગ રહીને તેમણે નુતન ભારતનું નીર્માણ કર્યું હતું.
આપણા ગાંધીવાદી, કૉંગ્રેસી, વર્ણવ્યવસ્થાવાદી અને જાતીવાદી ઈતીહાસકારો, સાહીત્યકારો, કટારલેખકો, ચીંતકો અને પ્રવચનકારો બાબાસાહેબ આંબેડકરનો, ગાંધીજી અને આંબેડકર વચ્ચે થયેલા સંઘર્ષનો સાચો ઈતીહાસ જણાવતા જ નથી, તેથી ભારતની પ્રજા પોતાના સાચા મહાન જનનાયકને જાણીપ્રમાણી શકતી નથી. પરંતુ આપણા આ બધાં બુદ્ધીજીવી વીદ્વાનો દ્વારા જે પક્ષપાતી, ભેદભાવયુક્ત, અન્યાયી અને અંશતઃ સત્ય ઈતીહાસ રજુ થાય છે, જે બહુધા ઉલટો હોય છે, તેથી સાચા ઈતીહાસના તીવ્ર અભાવે તે પોતાનો નુતન ઈતીહાસ ભવ્ય બનાવવાને બદલે પતનની ઉંડી ખીણમાં ખાબકી છે. આપણી પ્રજા આજની 21મી સદીમાં 11મી સદીની બર્બરતા, જંગલીયત, ક્રુરતા અને અમાનવીયતામાં પશુથી બદતર સ્થીતીમાં સબડી રહી છે. તેમ છતાં દેશના મોટાભાગના બુદ્ધીજીવી વીદ્વાનો પોતાની વીચારણા અંગે પુનઃ વીચાર કરવા માગતા નથી. તેઓ બાબાસાહેબનો અને ગાંધી–આંબેડકર સંઘર્ષનો સાચો ઈતીહાસ પ્રજા સમક્ષ રજુ કરતાં નથી. પરંતુ ગાંધીવાદી અને કૉંગ્રેસી ઈતીહાસકારો દ્વારા લખાયેલો પક્ષપાતી અને અર્ધસત્ય ઈતીહાસ પ્રજા સમક્ષ રજુ કરી રહ્યાં છે.
એવું નથી કે આપણા આ બુદ્ધીજીવી વીદ્વાનો માત્ર આઝાદીની લડાઈનો કાળનો અને ગાંધી–આંબેડકર સંઘર્ષનો જ સાચો ઈતીહાસ છુપાવે છે, પરંતુ તેઓ તે પહેલાના મધ્યયુગનો, બૌદ્ધયુગનો, વૈદીકયુગનો અને સૌથી પ્રાચીન 5,000 વર્ષ પહેલાંના મોહનજો–દડો અને હડપ્પાની સીંધુ સંસ્કૃતીનો સાચો ઈતીહાસ પણ છુપાવીને ભારતની પ્રજાને અર્ધસત્ય અને અંશતઃ સત્ય ઈતીહાસનો ભોગ બનાવીને તેને તથા ભારતના ધર્મ, સંસ્કૃતી અને ઈતીહાસને પણ અન્યાય કરીને એમને ભયંકર નુકસાન પહોંચાડી રહ્યાં છે, કારણ કે તેઓ તેમ કરીને ભારતની પ્રજાને સ્વવીનાશક વીદેશી વર્ણવ્યવસ્થામાં ફસાવી સ્થાપીતહીતોનો શીકાર બનાવી તેને તન–મન–ધનથી લુંટાઈને બરબાદ થવા માટે મજબુર કરી રહ્યાં છે.
ગાંધીજીએ બાબાસાહેબ સામે જે આમરણ અનશન કરેલાં તેને તેઓ (અર્થાત્ ગાંધીજી) ઈશ્વરનો આદેશ કહેતાં હતાં. સવીનય ભંગના આંદોલનને તેઓ પોતાની નહીં પરંતુ ઈશ્વરે સુઝાડેલી વસ્તુ હતી એમ કહેતાં હતાં, ખીલાફતને તેઓ અલ્લાનું સર્જન કહેતાં હતાં, પોતે પોતાની જે આત્મકથા ‘સત્યના પ્રયોગો’ લખતાં હતાં તે વીશે તેઓએ લખ્યું છે કે આ હું નથી લખતો, ઈશ્વર જેમ લખાવે છે તેમ હું લખું છું, તો આ બધી ઈશ્વરની ભેળસેળવાળી વાતો ગાંધીજીના છેતરપીંડીયુક્ત યા અન્ધશ્રદ્ધાયુક્ત જુઠાણાં નહોતાં?
જવાહરલાલને આઝાદીનાં અનેક વર્ષો અગાઉ પોતાનો રાજકીય વારસ ઘોષીત કરવાનો એમને કયો અધીકાર હતો? જવાહરલાલને જ જો વડાપ્રધાન બનાવવા હતા તો ચુંટણી યોજવા કેમ દીધી? સરદાર પટેલની જીત થઈ એટલે તેમનું અપમાન કરીને તેમને ખદેડી મુકીને જવાહરલાલને વડાપ્રધાન બનાવ્યા એમાં સચ્ચાઈ, નીતીમત્તા અને લોકશાહીનું ખુન નથી?
આજના આપણા મોટાભાગના બુદ્ધીજીવી વીદ્વાનો ગાંધીવાદી ઈતીહાસકારો દ્વારા લખાયેલા ઈતીહાસનું અન્ધ અનુકરણ કરી એ સંઘર્ષમાં પણ ગાંધીજીને જ સાચા ઠેરવવાનો અઘટીત પ્રયાસ કરતાં રહે છે, પરંતુ તેના સાચા ઈતીહાસનું સંશોધન કરવાથી પ્રયત્નપુર્વક યા બદઈરાદાપુર્વક દુર રહે છે. તેથી બાબાસાહેબની મહાન છબી તેઓ સમાજ સમક્ષ પેશ કરી શકતાં નથી. ખેદ અને લજ્જાની બાબત એ છે કે મોટા દલીત સાહીત્યકારો પણ આ વીષયમાં કાફી ઉણાં ઉતર્યાં છે. કેટલાંક દલીત સાહીત્યકારો તો માન–સન્માન, ઈનામ–અકરામ અને એવોર્ડની લાલચે ગાંધીવાદીઓની કૃપા પ્રાપ્ત કરવા માટે ગાંધીજીના બેફામ ગુણગાન ગાય છે. વાસ્તવમાં દેશના વર્ણવ્યવસ્થાવાદી સ્થાપીત હીતો દ્વારા આવા ષડ્યંત્રમાં ઉચ્ચવર્ણ અને અવર્ણના સાહીત્યકારોને ગાંધી ગુણગાનમાં ફસાવવામાં આવ્યા છે.
મહત્ત્વનો વીચારણીય પ્રશ્ન અહીં એ ઉપસ્થીત થાય છે કે આપણા પુર્વજોનો સાચો ઈતીહાસ તો પછી ગયો ક્યાં? શું આપણા પુર્વજો ઈતીહાસ નહોતાં લખતાં? આ પ્રશ્નનો જવાબ એ છે કે આપણા પુર્વજોના ઈતીહાસના, ધર્મના, સંસ્કૃતીના અને જ્ઞાન–વીજ્ઞાનના પુસ્તકોનો તક્ષશીલા અને નાલંદા વીદ્યાપીઠનો નાશ દ્વારા સર્વનાશ કરી નાખવામાં આવ્યો છે. અહેવાલો છે કે નાલંદા વીશ્વવીદ્યાલયમાં નવ માળની લાઈબ્રેરી હતી જેમાં હજારો–લાખો પુસ્તકો હતાં. આ લાઈબ્રેરીને વીદેશી હુમલાખોરોએ સળગાવી મારી હતી અને તે છ મહીના સુધી સળગતી રહી હતી. તાત્પર્ય એ છે કે પ્રથમ તક્ષશીલા અને પછી નાલંદા વીદ્યાપીઠના નાશ દ્વારા આપણા પુર્વજોના સાચા ઈતીહાસ ગ્રંથોનો નાશ કરાવી નાખવામાં આવ્યો છે. બુદ્ધની જાતક કથાઓ, થેરીગાથાઓ અને ત્રીપીટકના ગ્રંથો શ્રીલંકામાં સુરક્ષીત રહી જવા પામ્યાં હતાં તેથી તે આજે આપણને ઉપલબ્ધ છે.
અંગ્રેજ શાસન અને આઝાદીના લડતના કાળની કેટલીક એવી બાબતો આપણા બુદ્ધીજીવી વીદ્વાનો અને ઈતીહાસકારો છુપાવે છે, એમાં એમની ભ્રષ્ટતા અને બેઈમાની છે. દા.ત., અંગ્રેજોએ આપણી પ્રજા અને દેશ ઉપર જે મહાન ઉપકારો કર્યા છે, તે તેઓ છુપાવે છે. અલબત્ત અંગ્રેજોએ આપણું જે પાશવી શોષણ કરી આપણને બેરહમપણે લુંટ્યા છે અને આપણા ઉપર અનરાધાર અમાનુષી અત્યાચારો કર્યા છે, તે બદલ આપણે એમને કદીયે માફ ન કરી શકીએ, પરંતુ તેની સાથે સાથે અંગ્રેજોએ આપણા ઉપર જે ઉપકારો કર્યા છે તે એવા અનન્ય, અનોખા અને મહાન છે કે જે આપણે કદીયે ભુલી શકીએ નહીં જ. પ્રથમ અતી મહાન ઉપકાર એ છે કે અંગ્રેજોએ આપણને વીદ્યાનું દાન કર્યું છે. આપણા પુર્વસુરીઓ કહી ગયા છે કે બધાં દાનોમાં વીદ્યા દાન સર્વશ્રેષ્ઠ દાન છે. જે આપણી પ્રજાને અંગ્રેજોએ કર્યું છે. છેલ્લાં લગભગ 2000 વર્ષથી મનુસ્મૃતની વર્ણવ્યવસ્થાના કાયદાઓ હેઠળ તમામ વર્ણની સ્ત્રીઓ અને કથીત શુદ્રો (આજના એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી. સમાજના લોકો)ને શીક્ષણ પ્રાપ્ત કરવાના, સમ્પત્તી ભેગી કરવાના અને હથીયાર ધારણ કરવાના અધીકારો નહોતાં. અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે આપણી સ્ત્રીઓ અને કથીત શુદ્રો શીક્ષણ અને સંસ્કાર વીના પશુથીયે બદતર સ્થીતીમાં અનેક પ્રકારના અત્યાચારો અને અનાચારોમાં સબડતાં હતાં. અંગ્રેજોએ 1813માં ચાર્ટર્ડ એક્ટ બનાવી આ તમામને શીક્ષણ લેવાનો અધીકાર આપ્યો. અર્થાત્ વીદ્યાદાન યા જ્ઞાનદાન કર્યું. જેના પાવન પરીણામે આપણા દેશમાં 18મી સદીના બીજા દશકામાં શુદ્ર સમાજની માળી જ્ઞાતીમાંથી જ્યોતીબા અને સાવીત્રી ફુલે દંપતીનો આવીષ્કાર થયો. જેમણે સમાજ સુધારણાનું અપુર્વ અને જોખમી કામ હાથમાં લેવા ઉપરાંત અછુત પ્રજાના સંતાનોને શીક્ષણ આપવાનું ક્રાંતીકારી કાર્ય શરુ કર્યું. જેના પરીણામે શુદ્ર સમાજની એક મહીલા (સાવીત્રી ફુલે) ભારતવર્ષની પ્રથમ મહીલા શીક્ષીકા બની અને જ્યોતીબા ફુલે ભારતના પ્રથમ મહાત્માનું પદ પામ્યા, જેમણે પ્રથમ વાર આધુનીક ભારતનો પાયો નાંખ્યો, જે કાર્ય ઉચ્ચવર્ણના લોકો નહોતાં કરતાં બલ્કે તેમાં રોડાં નાખતાં હતાં તે કામ શુદ્ર સમાજના લોકો (દંપતીએ) કરી બતાવ્યું. એમનામાંથી પ્રેરણા લઈને ભારતમાં એક અપુર્વ ઐતીહાસીક પુરુષનો આવીષ્કાર થયો એનું નામ છે બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર. એ સમયે બાબાસાહેબને એવા બે શુદ્ર સમાજના રાજવીઓનો પણ સક્રીય સહકાર મળ્યો જેમાંના એક હતા વડોદરા – ગુજરાતના નરેશ સયાજીરાવ ગાયકવાડ અને બીજા હતા મહારાષ્ટ્રના કોલ્હાપુરના રાજર્ષી છત્રપતી શાહુ. જેમના અપુર્વ સહયોગને કારણે ભીમરાવ રામજી આંબેડકર બાદમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના દેદીપ્યમાન નામે સુપ્રસીદ્ધ થયા હતા. તેથી કહી શકાય કે આધુનીક ભારતના ઘડતરમાં શુદ્રોનો ફાળો અપુર્વ, અનન્ય, અનોખો અને બેમીસાલ છે જેનું કારણ અંગ્રેજોએ તેમને આપેલા શીક્ષણ પ્રાપ્તીનો અધીકાર છે.
આપણા અનેક ધાર્મીક અને સામાજીક દુષણો અંગ્રેજોએ કાયદાઓ બનાવી નાબુદ કરેલાં જેમાં સતીપ્રથા નાબુદી, વેઠ પ્રથા નાબુદી, બાળલગ્ન નાબુદી, વીધવાપ્રથા નાબુદીને મુખ્ય ગણી શકાય.
દેશમાં આધુનીક વીજ્ઞાન, ટેકનોલૉજી અને વૈજ્ઞાનીક અભીગમનો પાયો પણ અંગ્રેજોએ જ નાખ્યો હતો. તાર–ટપાલ, ટેલીફોન, રેલ્વે અને યંત્રયુગનો પાયો પણ દેશમાં સૌ પ્રથમ અંગ્રેજોએ જ નાખ્યો. અંગ્રેજોએ આપણને ભણાવીને, આપણામાં અનેક મહામાનવો અને નેતાઓ પેદા કરીને, આપણને જ્ઞાન–વીજ્ઞાન આપીને સુધારીને એમણે પોતાના પગ ઉપર પોતે જ કુહાડો મારવા માટે આપણને તૈયાર કર્યા પછી જ તેઓ ભારત છોડીને ગયા. અર્થાત્ આપણું નુતન ભારતીય બંધારણ તૈયાર થયું પછી જ તેઓ ગયા. જો અંગ્રેજો આપણા દેશમાં ન આવ્યા હોત તો આપણો દેશ આજે અંધારીયો ખંડ હોત. આપણને આધુનીક વીકાસશીલ બનાવનાર અંગ્રેજોનો ઉપકાર આપણે કેમ ભુલી શકીએ? આપણા બુદ્ધીજીવી વીદ્વાનો અંગ્રેજોના આ ઉપકારો છુપાવીને આપણને ભુલાવીને પોતે કૃતઘ્ન બને છે અને સાથે આપણને પણ કૃતઘ્ની બનાવે છે. આપણે આજે જો આ ઈતીહાસ ભુલી જઈશું તો આપણે ક્યારેય આપણો નુતન ઈતીહાસ દેદીપ્યમાન બનાવી શકીશું નહીં.
સર્વશ્રી ચંદ્રકાંત બક્ષી લખે છે કે, ગૌતમ બુદ્ધનો ઉપદેશ માત્ર એમના અનુયાયીઓને જ નહીં પરંતુ સમગ્ર વીશ્વને પ્રેરણારુપ છે. ડૉ. આંબેડકરની સીદ્ધીઓનું આલેખન થાય છે ત્યારે હીન્દુસ્તાનમાં એમણે બુદ્ધના ધર્મને ફરીથી સજીવન કર્યો એ પ્રવર્તક ઘટનાને નજર અંદાજ કરવામાં આવે છે. સ્પષ્ટ છે કે આજે પણ આપણી પ્રજાને ઈતીહાસથી અજ્ઞાન રાખવામાં આવી રહી છે. વાસ્તવીકતા એ છે કે આજે આપણે ગાંધીજીના ટ્રસ્ટીશીપનો સીદ્ધાંત, ઈશ્વરવાદ અને વર્ણાશ્રમને નહીં પરંતુ બુદ્ધ અને બાબાસાહેબના ઉપદેશને અનુસરવાનું છે. જે આજે આપણા ભારતીય બંધારણના આમુખના ઉમદા આદર્શોરુપે ઉપસ્થીત છે. પરંતુ બંધારણના અમલ પછી પણ આપણા દેશના મોટા ભાગના બુદ્ધીજીવી વીદ્વાનોએ આપણા જ ભગવાન બુદ્ધના નીરીશ્વરવાદી, માનવવાદી અને વીજ્ઞાનવાદી ધર્મની તીવ્ર ઉપેક્ષા કરી બહુધા વર્ણવ્યવસ્થાવાદી ધર્મની માનસીક ગુલામીમાં સપડાવતો ભક્તી આરાધનાનો અને ૩૩ કરોડ દેવી–દેવતાઓની મુર્તીપુજા–આરતી–છપ્પનભોગનો ઉપદેશ જ ચાલુ રાખ્યો છે.
આઝાદી પછીના ગુજરાતના સૌથી સુવીખ્યાત ધર્મપ્રચારકો રામકથાકાર મોરારી બાપુ, સ્વામી સચ્ચીદાનંદ અને ગુણવંત શાહને મેં (આ લખનાર એન. વી. ચાવડાએ) જાહેર પત્ર લખીને ભગવાન બુદ્ધના ઉપદેશનો પ્રચાર કરવાની નમ્ર અપીલ કરી હતી. ‘પીંજરામાં પુરાયેલા ત્રણ (નર) સીંહોને’ શીર્ષકસ્થ એ જાહેર લેખ (પત્ર) અમદાવાદથી પ્રસીદ્ધ થતા પાક્ષીક ‘નયામાર્ગ’ના તા. 1.07.2001ના અંકમાં પ્રસીદ્ધ થયો હતો. ઉપરોક્ત ત્રણેય મહાનુભાવોને મેં એની એક–એક કોપી મોકલી હતી. છતાંય એમના અભીગમમાં કોઈ ફેર પડ્યો નહોતો. તેમ છતાંય પુનઃ એવી જ વીનંતી કરતો જાહેરપત્ર જામનગરથી પ્રગટ થતા માસીક ‘મુક્તીનાયક’ના એપ્રીલ–2018ના અંકમાં પ્રસીદ્ધ થયો હતો. એની પણ એક–એક કોપી એ ત્રણેય મહાવીદ્વાનોને મોકલી હતી. પરંતુ મારા જેવા સામાન્ય લેખકની સાચી વાત તેઓ કાન પર ધરે ખરા? જુઓ, આજે આપણા સમાજની પરીસ્થીતી કેવી બીહામણી થઈ ગઈ છે? લોકો અસત્ય ઈતીહાસથી એવા ટેવાઈને અજ્ઞાનના અન્ધકારમાં ફસાઈ ગયા છે કે સત્યના જ્ઞાન–પ્રકાશનું એક બીંદુ પણ સહન કરી શકે એવી સ્થીતીમાં તેઓ રહ્યા નથી. જેનું પ્રબળ પ્રમાણ એ છે કે મોરારી બાપુએ પ્રથમ વાર શ્રીકૃષ્ણ વીશે જરાક સાચું વીધાન કર્યું કે તરત જ તેમના ઉપર શાબ્દીક અને શારીરીક એમ બન્નેય હુમલાઓ થયા. તાત્પર્ય એ છે કે હજી પણ આપણા બુદ્ધીજીવી વીદ્વાનો આપણો સાચો ઈતીહાસ આપણી પ્રજા સમક્ષ રજુ નહીં કરે તો કદાચ 2025માં અવકાશમાં જઈને પણ આપણી પ્રજા ત્યાં લડાઈ કરશે.
રૅશનાલીસ્ટ એન. વી. ચાવડા લીખીત ‘ગાંધી–આંબેડકર સંઘર્ષ અને સમન્વય’ ગ્રંથ (પ્રકાશક : શ્રી. મહેન્દ્ર પી. શાહ, નવભારત સાહીત્ય મન્દીર, જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ – 1 ફોન : (079) 22139253/22132911 ઈ.મેલ : info@navbharatonline.com વેબસાઈટ : www.navbharatonline.com પ્રથમ આવૃત્તી : 2022, પાનાં : 200 + 4, કીમ્મત : રુપીયા 275/–)માંથી, લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…
પુસ્તક–લેખક–સમ્પર્ક : શ્રી. એન. વી. ચાવડા, શીક્ષક સોસાયટી, કડોદ – 394 335 જીલ્લો : સુરત સેલફોન : 63597 46102
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો ‘અભીવ્યક્તી’ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.
અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 21–02–2022
‘ગાંધી–આંબેડકર સંઘર્ષ અને સમન્વય’ લેખમાળાના માધ્યમથી એક જાગૃત વીચારક તરીકે શ્રી. ચાવડા સાહેબે ભારતનો ઈતીહાસ નવેસરથી લખવાનો પ્રયાસ કર્યો . તેમણે આઝાદીનો ઈતિહાસ અંગે અટપટા પ્ર્રશ્નોના સરળ ભાષામા સમજાવ્યા તે બદલ ધન્યવાદ બાકી ઇતિહાસ અંગે કહેવાય છે કે કોણ ઇતિહાસ લખાવે છે અને કોણ લખે છે તે અગત્યનું છે.
મા અકબર ઇલાહાબાદી કહે છે તેમ
‘ પ્રેસ બ્યુરોકી રીપોર્ટસે યે જાહીર હોતા હૈ
ફતેહ સરકારકી હોતી હૈ , કબ્જા ઉનકા હોતા હૈ’
સંતોનું કહેવું છે કે આવી સ્થિતીમા દ્વેષદ્વંદનું ચક્કર માનસીક અસ્થીરતા લાવે છે.આપણા રાજકરણીઓ જો બધા પોતપોતાની ખુર્શી છોડીને ખાલી ભારત બચાવવાનું વિચારે તો કદાચ કોઇ આંતંકવાદી આપણી ભારત ભુમી નાં આવા ચીથરે હાલ ન કરી શકે..
LikeLiked by 1 person
શ્રી ચાવડા સાહેબને મળવાનો પ્રસંગ સાંપડ્યો હતો. તે સમયે કશી માહિતિ ન હતી. ઈતિહાસ, સુધારવો આવશ્યક છે. આજની ભારતની પરિસ્થિતિ જોતા નથી લાગતું , હવે પછીના ઈતિહાસમાં શું ,શું સમાવવામાં આવશે ? વર્તમાન જ આગળ જતા ઈતિહાસ સર્જે છે. ખૂબ દયનિય પરિસ્થિતિમાંથી દેશ પસાર થઈ રહ્યો છે. દિમાગ કામ કરતું નથી. કોઈ કિનારો નજરે પડવાની શક્યતા જણાતી નથી.
જય હિંદ
આજના મતૃભાષા દિવસની મંગલ કામના . ” હું ગુજરાતી, મારી માતૃહાષા ગુજરાતી'”.
LikeLiked by 1 person
ખુબ સુંદર જાણવા લાયક માહીતી. બહુ જ રસપુર્વક આખો લેખ વાંચ્યો. આ અમુલ્ય ગ્રંથ અહીં ન્યુઝીલેન્ડમાં હાલના સંજોગોમાં તો કેવી રીતે મેળવી શકાય? આ માહીતી માટે ગોવીન્દભાઈ આપનો તથા ભાઈ એન. વી. ચાવડાનો ખુબ આભાર.
LikeLiked by 1 person
તમારા સમ્બન્ધી કે મીત્ર નવસારીથી ન્યુઝીલેન્ડ જવાના હોય અને મારો સમ્પર્ક કરશે તો તેમની સાથે ‘ગાંધી–આંબેડકર સંઘર્ષ અને સમન્વય’ની એક કોપી મોકલીશ. ધન્યવાદ..
LikeLike
નમસ્કાર સાહેબ મારે આ પુસ્તક ખરીદવું છે! માહિતી આપશો જી!
LikeLike
‘ગાંધી–આંબેડકર સંઘર્ષ અને સમન્વય’ પોસ્ટમાં લેખક અને પ્રકાશકના સમ્પર્કની વીગતો આપી જ છે.
પ્રકાશક : શ્રી. મહેન્દ્ર પી. શાહ, નવભારત સાહીત્ય મન્દીર, જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ – 1 ફોન : (079) 22139253/22132911 ઈ.મેલ : info@navbharatonline.com વેબસાઈટ : http://www.navbharatonline.com
પ્રથમ આવૃત્તી : 2022, પાનાં : 200 + 4, કીમ્મત : રુપીયા 275/–
પુસ્તક–લેખક–સમ્પર્ક : શ્રી. એન. વી. ચાવડા, શીક્ષક સોસાયટી, કડોદ – 394 335 જીલ્લો : સુરત સેલફોન : 63597 46102
LikeLike
આભાર સાહેબ! આપના મેસેજ ના આધારે મે બુક મંગાવી લીધી છે…
LikeLiked by 1 person
ધન્યવાદ… વીપુલભાઈ,
LikeLike
બિલકૂલ બરાબર
LikeLiked by 1 person