માનવી સુખદુ:ખોનાં કારણોના કેટલા પ્રકારો છે? દુ:ખમાંથી મુક્તી અને સુખની પ્રાપ્તી અને વૃદ્ધી કરવા માટે આપણું કર્તવ્ય શું છે? શું દુર કરવાથી અને શેના પર વીશેષ ભાર આપવાથી સાચું સુખ પ્રાપ્ત થશે?
દુ:ખનીવૃત્તી અને સુખપ્રાપ્તી
–કેદારનાથજી
માણસ અને બીજાં પ્રાણીઓ – બધાંમાં સુખદુ:ખનું જ્ઞાન છે. દુ:ખનીવૃત્તીની ઈચ્છા અને સુખની ઈચ્છા એ પણ માણસની જેમ બીજાં પ્રાણીઓમાં છે એમ દેખાય છે. માણસમાં આ જ્ઞાન અને આ ઈચ્છા સ્પષ્ટપણે દેખાય છે. બીજાં પ્રાણીઓમાં તે ઓછી સ્પષ્ટ એટલે કંઈક અંશે સુપ્તપણે હશે. બીજાં પ્રાણીઓમાં જ્ઞાન સ્પષ્ટપણે દેખાય છે, ઈચ્છા તેટલી સ્પષ્ટપણે દેખાતી નથી. કદાચ તે તેમને માણસ જેટલી બતાવતાં આવડતી નહીં હોય અથવા આપણે તે સ્પષ્ટ સમજી શકતા નહીં હોઈએ એટલું જ. બાકી માણસ અને બીજાં પ્રાણીઓમાં જ્ઞાન અને ઈચ્છા બન્ને છે. માણસનાં બુદ્ધી અને મનનો વધારે વીકાસ થયેલો હોવાથી તેનામાં સુખદુ:ખનું જ્ઞાન અને ઈચ્છા વધારે તીવ્રતાથી અને વીવીધ પ્રકારે હોય છે. માણસમાંયે નાનપણમાં આ જ્ઞાન અને ઈચ્છાના પ્રકારો ઓછા પ્રમાણમાં દેખાય છે. જેમ જેમ મન અને બુદ્ધીનો વીકાસ થતો જાય છે, તેમ તેમ આ પ્રકારો વધારે અંશે અને વીવીધપણે થવા લાગે છે. શબ્દ, સ્પર્શ, રુપ, રસ અને ગંધની સંવેદનાઓ પાંચ જ્ઞાનેન્દ્રીયો દ્વારા માણસને થાય છે. તેમાંની અનુકુળ કે પ્રતીકુળ સંવેદનાઓ પ્રમાણે માણસને સુખ કે દુ:ખની પ્રતીતી થાય છે. તે જ પ્રમાણે કેટલાક માનસીક ભાવો, કંઈક આનંદ તો કંઈક દુ:ખ અને ક્ષોભ ઉત્પન્ન કરે છે એવું માણસના અનુભવમાં આવે છે. માણસનો પ્રયત્ન દુ:ખનીવૃત્તી અને સુખપ્રાપ્તી તથા તેની વૃદ્ધી માટે સદૈવ ચાલુ છે. બીજા પ્રાણીઓની બુદ્ધી કેવળ નૈસર્ગીક અને મર્યાદીત હોવાથી તેમનામાં તે વીશેના પ્રકારો અને પ્રયત્નની વૃદ્ધી થઈ નથી. માણસની બુદ્ધી જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ શબ્દ, સ્પર્શ વગેરે બધા વીષયોના પ્રકારો તે વધારે છે. તે તેમાંના સુખાનુભવોને લે છે અને તેને લીધે થનારાં દુ:ખો ટાળવાના પ્રયત્નો કરે છે. કુદરતી ધર્મને શકય તેટલો પોતાના કાબુમાં લાવીને તેનાથી દુ:ખની નીવૃત્તી અને સુખની પ્રાપ્તી કરવાના પ્રયત્નમાં અનાદી કાળથી તે છે. તેના જ્ઞાનની વૃદ્ધી પ્રમાણે આ માર્ગમાં તેને કંઈક યશ પણ મળે છે. સૃષ્ટીના ધર્મોને માણસ પહેલાંના કરતાં હવે વધારે જાણવા લાગ્યો છે. ભૌતીક શાસ્ત્રોની– વીજ્ઞાનની વૃદ્ધી આજે ખુબ ઝપાટાથી ચાલુ છે. અનાવૃષ્ટી, અતીવૃષ્ટી, જળપ્રલય, અગ્નીપ્રલય, દુકાળ અને પહેલાં અસાધ્ય મનાયેલા જુદા જુદા રોગોમાંથી પોતાને બચાવવાના ઉપાયો માણસે પહેલાંના કરતાં આજે વધારે સાધ્ય કરેલા છે. નવી નવી ઔષધીઓની શોધો થતી હોવાથી મરણસંખ્યા ઓછી થાય છે. દુનીયામાં ગમે ત્યાં માણસ આજે સહેજે થોડા વખતમાં જઈ શકે છે. જવા–આવવાનાં સાધનો વધ્યાં છે. કલ્પનાતીત પ્રમાણમાં તેમની ગતી વધતી ચાલી છે. માણસ પૃથ્વીના પેટાળમાં ઘણે ઉંડે સુધી હવે જવા લાગ્યો છે. પાણી પર અને અંદર પણ તે આજે ગમે ત્યાં જઈ શકે છે. આકાશમાં જવામાં તેણે અતીશય ગતી અને શક્તી સીદ્ધ કરેલી છે. અન્ન–ધાન્યનું ઉત્પાદન, માણસને જરુરી એવી વસ્ત્ર, પાત્ર વગેરે વસ્તુઓ અને બીજા જીવનોપયોગી પદાર્થો પહેલાંના કરતાં વધારે સંખ્યામાં અને થોડા સમયમાં નીર્માણ થાય છે. તે જ પ્રમાણે માણસનો સંહાર કરવાનાં સાધનોની ભયંકરતા, ઉગ્રતા અને વીધ્વંસકતા એ બધું પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. માણસની બૌદ્ધીક શક્તીનો આ આશ્ચર્યકારી પ્રભાવ છે અને આ બધી બાબતો માણસે દુઃખનીવૃત્તી અને સુખપ્રાપ્તી અને વૃદ્ધીના હેતુથી પેદા કરી છે. આ બધાની પાછળ માણસના હૃદયનો આ જ મુખ્ય હેતુ છે.
માનવી સુખદુ:ખોનાં કારણોના મુખ્યપણે ત્રણ પ્રકારો છે, એમ વીચાર કરતાં જણાય છે. નીસર્ગની અનુકુળતા અને પ્રતીકુળતા એ પહેલો પ્રકાર. માણસ અને તેને ઉપયોગી થનારાં અને ન થનારાં પશુ વગેરે પ્રાણીઓ તરફથી મળતી અનુકુળતા અને પ્રતીકુળતા એ બીજો પ્રકારના અને માણસના પોતાના મનની સ્વાધીનતા કે પરાધીનતા એ ત્રીજો પ્રકાર, મુખ્યપણે આ ત્રણ બાબતોમાંથી જ માણસનાં સુખદુ:ખનાં કારણો મળી આવે છે. નીસર્ગ, સૃષ્ટી અને પંચમહાભુતોના ગુણધર્મો જાણીને તેમની અનુકુળતા પ્રાપ્ત કરીને પ્રતીકુળતાથી પોતાનું રક્ષણ કરવાનો ઉપાય માણસ શોધી કાઢે છે. ગરમી, પવન, વરસાદ અને ઠંડીના ઉપદ્રવોથી બચવા માટે માણસ પહેલાં ગુફાનો આશ્રય લેતો હતો અને વલ્કલનો ઉપયોગ કરતો હતો. પછી વધેલા અને વધતા જતા જ્ઞાનથી ઝુંપડીઓ, ઘર વગેરે બાંધીને તે પહેલી અડચણોમાંથી નીકળી જઈ હવે સારી રીતે સુખસગવડમાં રહેવા લાગ્યો છે. ગમે તેવા વરસાદથી જરાયે ન ભીંજાતાં મોટર, આગગાડી, સ્ટીમર અને વીમાનની મદદથી તે હવે સેંકડો માઈલ જઈ શકે છે. આ રીતે જ્ઞાનથી પાંચ મહાભુતોને અનુકુળ કરી લઈને તેની પ્રતીકુળતામાંથી, સૃષ્ટીના કોપમાંથીયે તે પોતાને બચાવે છે. જ્વાળામુખી અને ભુકંપ જેવી સૃષ્ટીની પ્રલયશક્તીમાંથી પણ પોતાને બચાવવાના ઉપાય તેને કંઈક અંશે સીદ્ધ થયા છે. આ પ્રમાણે દુ:ખની નીવૃત્તી સાથે જ સુખના વીવીધ પ્રકારો અને તેનાં સાધનો તેણે નીર્માણ કર્યા છે. અને તેમાંથી મળતાં સુખ શાશ્વત – નીદાન વધુ કાળ ટકાવવાનો માણસનો પ્રયત્ન ચાલુ છે. અન્નધાન્ય અને ફળના બનાવેલા ખાદ્યપેય પદાર્થો લાંબો કાળ ઉપભોગ્ય રહી શકે એવા પ્રયોગો થઈ રહ્યા છે. માણસનાં રુપ, રંગ અને શબ્દ નશ્વર છે. શબ્દ તો તરત જ હવામાં નાશ પામે છે. પણ આ બધાને શાશ્વતપણું, ચીરંતનપણું આપવાનો માણસનો પ્રયત્ન ચાલુ છે. તે માટે જ કૅમેરા, ગ્રામોફોન, રેડીયો, સીનેમા જેવી કળાઓ તેણે નીર્માણ કરી છે. આ કળાઓની શોધ બેત્રણ હજાર વર્ષ પહેલાં થઈ હોત તો ગૌતમ બુદ્ધ અને મહાવીર જેવા પુર્વે થઈ ગયેલા મહાન પુણ્યવાન પુરુષોનાં જીવનચરીત્ર આપણે જોઈ શક્યા હોત. ગૌતમબુદ્ધ, મહાવીર, શંકરાચાર્ય, જીસસ, મહંમદ, જ્ઞાનેશ્વર, કબીર, નાનક, તુકારામ અને રામદાસ વગેરેનાં પ્રવચનો અને સંવાદો આજે આપણે સાંભળી શક્યા હોત. અશોક, હર્ષવર્ધન, રાણા પ્રતાપ અને શીવાજી છત્રપતી જેવી પ્રતાપી વીભુતીઓનાં કાર્યો આજે પ્રત્યક્ષ થતાં હોય એમ આપણે જોઈ શક્યા હોત. માણસ મર્ત્ય હોય અને તેની હાલચાલ, તેના હાવભાવ, તેના શબ્દો – એ બધું ક્ષણભંગુર હોય તોયે તેમને જુદી રીતે અમર અને ચીરંતન કરી રાખવાનો માણસ પ્રયત્ન કરે છે. પોતાને અનુકુળ હોય તેવા સૃષ્ટીના ગુણધર્મોને પોતાની જરુરીયાત પ્રમાણે જાગ્રત કરીને, તેમને વધારીને તેમના પોતાના સુખ માટે ઉપયોગ કરવા તરફ માણસ નીરંતર પ્રયત્નશીલ છે અને તે સાથે પ્રતીકુળ ગુણધર્મોને દુર કરવાનું તે સાધે છે. તેમાં વધતી રહેલી વીધ્વંસક શક્તી પણ સુખના ચીરંતનપણા માટે જ તે ઉપયોગમાં લે છે.
બીજા પ્રકારનો પ્રયત્ન એટલે માણસોની અને બીજાં પ્રાણીઓની અનુકુળતા પ્રાપ્ત કરી લઈ પ્રતીકુળતા ટાળવાનો. આ પ્રયત્નમાંથી જ પોતાને સુખ આપનારા માણસોનું અને બીજાં પ્રાણીઓનું પાલન, પોષણ, વર્ધન અને રક્ષણ, તથા હીંસક પ્રાણીઓનો અને પોતાના સુખનો નાશ કરનારા અને પોતાને દુ:ખ દેનારા માણસોનો સંહાર – આ પ્રકાર નીકળેલા છે. આ પ્રયત્નમાંથી જ એકાકીપણા કરતાં સંઘ કરીને રહેવામાં સુરક્ષીતતા અને નીર્ભયતા વધારે છે, સુખાનુભવ વધારે છે એ માણસ સમજ્યો. વાત્સલ્ય, પ્રેમ, કૃતજ્ઞતા અને ઉદારતા – એ ભાવો આ જ અવસ્થામાં માણસના મનમાં જાગ્રત થયા. તેમાંથી જ તેને સંઘશક્તી વધારવાની કલ્પના સુઝી. અને તેમાંથી જ આગળ કુટુંબ, જાતી, ગામ, પ્રાંત, દેશ અને રાષ્ટ્ર એમ એક કરતાં એક વધારે વ્યાપક અને બળવાન સંસ્થાઓ માનવસૃષ્ટીમાં નીર્માણ થઈ. વ્યાપકતાના પ્રમાણમાં માણસમાં ત્યાગ, ધૈર્ય, શૌર્ય, સાહસ વગેરે ભવ્ય ભાવો પેદા થતા ગયા. પોતાના પ્રાણ આપીને પણ પોતાના માનેલાઓનું પાલન, પોષણ, વર્ધન અને રક્ષણ કરવા જેટલા તે ભાવો પરાકાષ્ઠાએ પહોંચ્યા. પોતાપણાની મુળ સંકુચીત વૃત્તીમાંથી સંઘશક્તીમાંના સામર્થ્યના અનુભવ પરથી ભાવો જાગ્રત થયા. ભાવ જાગૃતી અને તેની વૃદ્ધીમાંથી વ્યાપકતા વધતી ગઈ અને વ્યાપકતા સાથે ભાવનાઓની વૃદ્ધી થઈ. આ પ્રમાણેના અન્યોન્ય સમ્બન્ધમાંથી માનવજાતી આજે આટલી વીશાળ થયેલી છે. નાની નાની કુટુંબ–સંસ્થામાંથી આગળ વીશાળ કટુંબો નીર્માણ થયાં. અનેક કટુંબોની મળીને જાતી, અનેક જાતીઓ મળીને ગામ – આ ક્રમે એક કરતાં એક વધારે વ્યાપક અને સમર્થ એવી સમાજરુપી સંસ્થાઓ બનતી ગઈ. તે બધાનો મળીને કોઈ વાર પ્રાંતના તો કોઈ વાર દેશના, કોઈ વાર ભાષાના તો કોઈ વાર ધર્મના રક્ષણ કે અભીમાનને નીમીત્તે મહાન માનવસમાજ બનતો આવ્યો છે. આ પ્રકારની દરેક ઘટનાના પ્રસંગે પોતાના તરીકે માનેલા મર્યાદીત સમાજનાં પાલન, પોષણ અને રક્ષણ માટે માણસ પ્રેમ, સ્વાર્થત્યાગ અને ઉદારતાથી વર્તતો આવ્યો છે અને પારકા તરીકે માનેલા માનવસમુહ કે સમાજ સાથે પોતાની બધી ઉગ્ર અને વીનાશક વૃત્તીઓ અને શક્તીઓથી તે ઝઘડતો આવ્યો છે. આ રીતના ‘આપ–પર’ ભેદમાંથી કુટુંબથી માંડીને રાષ્ટ્ર કે ખંડ સુધીના મીત્ર અને શત્રુભાવ પેદા થયેલા છે. આમાંથી કુટુંબથી માંડીને રાષ્ટ્ર સુધી જુદા જુદા વ્યાપક સ્વરુપના સંપ્રદાયો અને ધર્મો નીર્માણ થયેલા છે. સંપ્રદાય કે ધર્મની ઉત્પત્તી પ્રથમ પરલોકના સુખ કે કલ્યાણના હેતુથી થઈ હોય તો તે સંપ્રદાય કે ધર્મને માનનારાઓની પહેલી દૃષ્ટી ઈહલોકના દુ:ખમાંથી મુક્તી અને સુખની પ્રાપ્તી અને વૃદ્ધી પર જ હોય છે. અને આ હેતુ સાધ્ય થાય તે માટે પ્રત્યેક ધર્મસ્થાપકે અને સંપ્રદાયપ્રવર્તકે સંગઠન પર ઘણો ભાર મુકેલો છે એમ જણાઈ આવે છે. કેવળ પરલોકના કલ્યાણ માટે સંગઠન કે વધારે લોકસંખ્યાની કદીયે જરુર હોતી નથી. આ પરથી વીચાર કરતાં લાગે છે કે કોઈ પણ સંસ્થા હોય, પછી તે રાજકીય, સામાજીક કે ધાર્મીક હોય તેને લોકશક્તી અને તે માટે સંગઠનની જરુર હોય છે. ઈહલોકમાં આ જન્મમાં જ દુ:ખ–નીવૃત્તી અને સુખની પ્રાપ્તી, સ્થીરતા અને શાશ્વતી – આ મુખ્ય માનવી સ્વભાવસીદ્ધ ઈચ્છામાંથી કુટુંબથી લઈને સંપુર્ણ માનવજાતીના ઐક્ય સુધીની કલ્પના અને ભાવના નીર્માણ થયેલી છે. માણસમાં પરસ્પરના પ્રતીકુળ ભાવો જેમ જેમ નાશ પામશે અને અનુકુળ ભાવો નીર્માણ થઈ વધતા જશે, તેમ તેમ આપસમાં એકતા નીર્માણ થશે. આપણાં સુખદુ:ખનાં કારણોના પ્રકારોમાં આપણી એકબીજાની એકબીજાને અનુકુળતા અને પ્રતીકુળતા એ એક મહત્ત્વનો પ્રકાર છે. અનુકુળતા વધારીને પ્રતીકુળતાનો નાશ કરવો એ આપણું કર્તવ્ય છે, તેથી આપણે તે વીષે વીવેકપુર્વક અને સાવધપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ.
સુખદુ:ખનાં કારણો પૈકી ત્રીજો પ્રકાર પોતાના મનની સ્વાધીનતા અને પરાધીનતા છે. માણસનાં સુખદુ:ખો માટે જે પ્રમાણે નીસર્ગની, માનવસમાજ અને બીજાં પ્રાણીઓની અનુકુળતા અને પ્રતીકુળતા કારણ છે, તે પ્રમાણે પોતાના મનની સ્વાધીનતા અને પરાધીનતા પણ ઘણી વેળા કારણભુત હોય છે. પહેલા બે પ્રકારનાં કારણો એ બાહ્ય કારણો છે. પરંતુ માણસનું મન અને તે સાથે જ તેનું શરીર એ તેની પાસેનાં અને પોતાની અંદરનાં કારણો છે. મનની સ્વાધીનતા સાથે જ શરીરની સ્વાધીનતા પણ માણસે પ્રાપ્ત કરવી જરુરી છે. બાહ્ય વસ્તુઓ માણસને અનુકુળ હોય કે ન હોય, પરંતુ પોતાનું શરીર અને પોતાનું મન તો તેને અનુકુળ થવાં જ જોઈએ. તે વગર તે દુ:ખની નીવૃત્તી અને સુખની પ્રાપ્તી કરી શકશે નહીં. બાહ્ય પ્રતીકુળતાઓ તે ટાળે અને અનુકુળતા પ્રાપ્ત કરે તોયે પોતાના પ્રયત્નમાં જો તેનું શરીર અને મન માણસને અનુકુળ ન થાય તો તેનો કશો ઉપયોગ નથી. માણસનાં કાન, ચામડી, આંખ, જીભ, નાક એ જ્ઞાનેંદ્રીયો અને બીજી કર્મેન્દ્રીયો શુદ્ધ અને કાર્યક્ષમ ન હોય તો શબ્દ, સ્પર્શ, રુપ, રસ અને ગંધમાંના સુખદાયક પ્રકારોનું તેને જ્ઞાન થશે નહીં. તે જ પ્રમાણે કોઈ પણ સુખદુ:ખની પ્રતીતી જેની દ્વારા થાય છે તે મન જ જો શુદ્ધ ન હોય તો કેવળ બાહ્ય વસ્તુથી માણસ સુખી થઈ શકશે નહીં. આ બધી વાત જાણીને માણસે પોતાનાં સુખદુ:ખનાં સાચાં કારણો શોધી કાઢવાં જોઈએ. માણસના અહંકાર કે અવીવેકને લીધે પોતાના કોઈ પણ દુ:ખ માટે તે (તેનું નાલાયક શરીર કે તેનું અશુદ્ધ મન અથવા દોષ) કારણ ન હોઈ બીજાં જ કોઈ કારણ છે એમ તેને લાગે છે. અહંકારને લીધે શરીરની અપાત્રતા, બુદ્ધીની મંદતા, મનની મલીનતા અને પોતાના દોષ માણસના લક્ષમાં જ આવતાં નથી. અને કદાચ કોઈ આ બાબતો તેના લક્ષમાં લાવે તોયે પોતામાં તેનો દોષ ન સમજતાં પોતાના નસીબને– પોતાના કર્મને એટલે પુર્વજન્મના કર્મને દોષ દઈ માણસ મોકળો થાય છે. ગમે ત્યાંથી હાલનો ‘હું’ આ દુ:ખ માટે કારણ નથી, પુર્વજન્મનો ‘હું’ કારણ હશે કદાચ. એટલી કબુલાત કરવા તે લાચારીથી તૈયાર થાય છે. અને સુખની બાબતમાં પોતાનો પુરુષાર્થ, પોતાના અનેક સદ્ગુણો કેવળ બધી રીતે કારણ છે એમ પણ અહંકારને લીધે તે દૃઢપણે માને છે. અહંકારને લીધે માણસની સદસદ્–વીવેકબુદ્ધી પક્ષપાતરહીત રહી શકતી નથી. તેનામાં સમતોલપણું રહેતું નથી. સત્ય પર તે ટકી શકતો નથી. પણ મન સ્વાધીન રાખવાની બાબતમાં પોતાને નડતા આ મહાન દોષો છે એ વાત માણસના લક્ષમાં આવે એ જરુરી છે. તે માટે તેણે પ્રથમ પોતાના દોષો શોધવાનું શીખવું જોઈએ. કોઈ પણ અપ્રીય વાત બની આવે ત્યારે તેનાં સાચાં કારણો શોધી કાઢવાની માણસે પોતાને ટેવ પાડવી જોઈએ. અને તે પ્રયત્નમાં તેણે પ્રથમ પોતાથી – પોતાની બાજુથી શોધવાની શરુઆત કરવી જોઈએ. આ પ્રયત્નમાં પોતાને વીષે ન્યાયનીષ્ઠુર થયા વગર આ વાત તે સાધી શકશે નહીં. આપણા બધાની દૃષ્ટી મોટે ભાગે બહીર્મુખ હોવાથી આ વીષયમાં આપણા તરફથી ભુલો થાય છે એ માણસે લક્ષમાં લઈને હમ્મેશાં અંતર્મુખ થઈ પોતાના તરફથી થતી ક્રીયાઓ અને વીચારોને તપાસવાની ટેવ તેણે પોતાની જાતને પાડવી જોઈએ. અંતર્મુખતા એ અરીસા પ્રમાણે છે. માણસ કેટલોયે જ્ઞાની અને હોશીયાર હોય તોયે પોતાના મોંને શું લાગેલું છે તેને તે સમજી શકતો નથી. પણ અરીસામાં જોયા પછી એકાદ મુર્ખ પણ તે બાબતમાં પોતા વીશે જાણી શકે છે. સુખદુ:ખનાં સાચાં કારણો જ માણસ ન સમજે તો તે વીશે હમ્મેશાં ઉલટી દીશાથી તે પ્રયત્ન કરતો રહેવાનો. અને ખરેખર માણસ તરફથી કેટલીક બાબતોમાં હજુયે કેવળ ઉલટી દીશાથી પ્રયત્ન થતા આવ્યા છે. તેથી જ આ પ્રયત્નમાં પોતાના મનની સ્વાધીનતાનું મહત્ત્વ માણસના લક્ષમાં આવવું જોઈએ. સુખદુ:ખની પોતે બનાવેલી વ્યાખ્યા પણ તેણે બરાબર તપાસવી જોઈએ. પોતાની વાસ્તવીક જરુરીયાતો કઈ અને પોતાની અભીલાષાઓ કઈ તે તેણે તપાસવું જોઈએ. પોતાની આવશ્યકતાઓ અને પોતાની ઈચ્છા, વાસના, આશા અને તૃષણા વચ્ચેનો ફરક તેના ધ્યાનમાં આવવો જોઈએ. આપણે જેને દુ:ખ સમજીએ છીએ તેમાં ખરેખર દુ:ખનો સમ્બન્ધ ન હોઈ પોતે માનેલા સુખવસ્તુપણાને લીધે કેટલીક સગવડોના અભાવને આપણે દુ:ખ સમજીએ છીએ કે કેમ તે તેણે શોધવું જોઈએ. સુખને તપાસતાં એ સુખ છે કે સ્વછંદ છે, સુખવસ્તુપણામાં સદાચાર કેટલો અને દુરાચાર કેટલો એ બધાની શોધ કરતાં તેને આવડવું જોઈએ. મનની સ્વાધીનતા સાધવી હોય તો વીવેક અને સંયમનો આશ્રય લીધા વગર તે સાધી શકાશે નહીં. સંયમના અભાવે સહન કરવાં પડતાં દુ:ખો સંયમથી જ ટાળતાં આવડવાં જોઈએ. શરીર, બુદ્ધી અને મનની શક્તીઓનો તથા તેના પાવીત્ર્યનો નાશ કરનારાં સુખોને માણસે સ્વછંદ સમજીને તેને દુર કરવાથી જ સાચું સુખ પ્રાપ્ત થશે એ તેણે લક્ષમાં લેવું જોઈએ. તો જ મનની સ્વાધીનતાનું મહત્ત્વ તે સમજશે અને તે માર્ગે તે સુખદુ:ખ વીષે પ્રયત્નશીલ રહેશે.
દુઃખનીવૃત્તી અને સુખપ્રાપ્તીના પ્રયત્નમાં આજે આપણે નીસર્ગની બધી પ્રતીકુળતાઓ ટાળીને અનુકુળતા સાધવા પાછળ છીએ. માણસ અને બીજાં પ્રાણીઓ તરફથી થતી પ્રતીકુળતાઓ ટાળીને અનુકુળતા પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં જ આપણે કુટુંબથી લઈને બધી માનવજાતીનો સમાવેશ થઈ શકે એવી સામાજીક, રાજકીય અને ધાર્મીક સંસ્થાઓ નીર્માણ કરી છે. આ પ્રયત્નમાં માણસને કંઈક અંશે સંયમ, ત્યાગ, સદાચાર, પ્રેમ વગેરેની ઉપાસના કરવી પડી છે અને પડે છે અને તેને લીધે જ મનની સ્વાધીનતા કંઈક અંશે તે સાધી પણ શક્યો છે, કારણ તે તેટલી સ્વાધીનતા સાધ્યા વગર સમાજ એકત્ર બની વ્યવહાર ચાલી શકવાનો જ નહીં. પરંતુ તેટલી સ્વાધીનતા સીદ્ધ કર્યાથી પોતાનું જીવનવીષયક કર્તવ્ય પુરું થયું એમ માણસે સમજવું ન જોઈએ. કેવળ દુ:ખનીવૃત્તી અને ચાલુ સુખપ્રાપ્તી એ માનવી જીવનનો હેતુ ન હોઈ તેના કરતાં કોઈ શ્રેષ્ઠ અને ઉદાત્ત હેતુ માટે આપણો જન્મ છે. જેટલે અંશે આપણે મનની સ્વાધીનતા સાધી શકીએ, તેટલે અંશે સહજ પ્રસન્નતા આપણે પ્રાપ્ત કરી શકીશું. માનવતાના માર્ગમાં આપણે તેટલા જ આગળ વધી શકીશું, ઉન્નત થઈ શકીશું. સ્વાધીનતા સાધવા પાછળ આ ઉદ્દેશ હોવો જોઈએ. બાહ્ય સુખની લાલચથી કે દુ:ખના ભયથી જે સ્વાધીનતા આપણને પ્રાપ્ત થાય છે તે આપણો સ્વભાવ બની શકતી નથી, કારણ બાહ્ય વસ્તુઓની લાલચ કે દબાણથી લાચારીએ તે પ્રાપ્ત કરવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. તેને લીધે સંયમ, ત્યાગ અને પ્રેમ એ આપણો સ્વભાવ બની શકતો નથી. અને એવો આપણો સ્વભાવ બન્યા વગર આપણે માનવતા સીદ્ધ કરી શકીશું નહીં. તે માનવતા સાધ્ય કરવી એ જીવનનો મુખ્ય હેતુ છે. દુ:ખનીવૃત્તી અને સુખપ્રાપ્તીની ઈચ્છા બધાં પ્રાણીઓમાં છે. માણસમાંયે કેવળ તેટલી ઈચ્છા હોય અને જીવનભર તે માટે તે પરીશ્રમ કરે તો તેને લઈને માણસની કીમ્મત વધતી નથી. દુ:ખનીવૃત્તી અને સુખપ્રાપ્તીના પ્રયત્નમાં માનવી સંસ્કૃતીનો વીકાસ સાધતા રહેવું એ જીવનની દૃષ્ટીથી મુખ્ય અને મહત્ત્વની બાબત છે. અને એ વીકાસ કેટલો સધાયો છે એ પર માણસની કીમ્મતનો આધાર છે. તે વીકાસ સાધવા માટે કયારેક માણસે પોતે થઈને પોતાની ખુશી અને સંતોષથી દુ:ખ સ્વીકારવું જોઈએ, તો કયારેક ન્યાય અને ઉચીત સુખનો ત્યાગ કરવો જોઈએ. એવે સમયે સહન કરવાં પડતાં દુ:ખોને અને સુખત્યાગને દુ:ખ ન માનતાં માનવતાની સાધના માનવી એ યોગ્ય થશે. તે દુ:ખ અને ત્યાગમાં કષ્ટો પડશે અને તેવીયે સ્થીતીમાં મનમાં લાચારી અને દીનતાનો ભાવ ન હોઈ ગૌરવ અને ધન્યતાનો ભાવ હશે એમાં શંકા નથી. માણસનાં સુખદુ:ખનાં કારણોના ત્રણ પ્રકાર મેં પહેલાં જ કહ્યા છે તેમાં મનની સ્વાધીનતાનો પ્રકાર મહત્વનો છે, એ વાત ધ્યાનમાં લઈને આપણે દુ:ખનીવૃત્તી અને સુખપ્રાપ્તીના પ્રયત્નમાં તે પર વીશેષ ભાર આપવો જોઈએ. બીજા બે પ્રકારોમાં માણસે યશ સંપાદન કર્યો છે તે તેને ધન્યતા આપવા જેવું છે. તો પણ માણસે તે ધન્યતાના ઉભરામાં માનવતા માટે ખાસ જરુરી એવી મનની સ્વાધીનતા વીસારે ન પાડવી જોઈએ, એ જ નમ્રતાપુર્વકની સુચના છે.
–કેદારનાથજી
શ્રી. રમણીકલાલ મગનલાલ મોદી સમ્પાદીત શ્રી. કેદારનાથજીના ‘જીવનવીષયક અને માનવતાની વીચારસરણી’નો વીશદ ખ્યાલ આપતો સંગ્રહ ‘વીચારદર્શન’ [પ્રકાશક : નવજીવન પ્રકાશન મન્દીર, અમદાવાદ –380 014; ચોથું પુનર્મુદ્રણ : 2008; પાનાં : 294 મુલ્ય : રુપીયા 35/– (ચાર પુસ્તકોના સમ્પુટની રાહત દરની કીમ્મ્ત છે)]માંથી, લેખક, સમ્પાદકો અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : અફસોસ, શ્રી. કેદારનાથજી હવે આપણી વચ્ચે નથી.
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત ‘અભીવ્યક્તી’ રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે અને સોમવારે મળી, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 28/02/2022
સુખપ્રાપ્તી જેવા અગત્યના વિષય પર આ –કેદારનાથજી દ્વારા ‘નીસર્ગની અનુકુળતા અને પ્રતીકુળતા એ પહેલો પ્રકાર. માણસ અને તેને ઉપયોગી થનારાં અને ન થનારાં પશુ વગેરે પ્રાણીઓ તરફથી મળતી અનુકુળતા અને પ્રતીકુળતા એ બીજો પ્રકારના અને માણસના પોતાના મનની સ્વાધીનતા કે પરાધીનતા એ ત્રીજો પ્રકાર, મુખ્યપણે આ ત્રણ બાબતોમાંથી જ માણસનાં સુખદુ:ખનાં કારણો મળી આવે છે’ દ્વારા સ રસ સમજુતી
ધન્યવાદ
LikeLiked by 1 person
A very long but an important Article by Kedarnathji.
Ultimately Man is responsible for and of his actions and he should accept the consequences. Humans have tried hard and fast to search for a ‘comfortable’ life for himself disregarding all the rest of Living Creatures including the Nature or Mother Earth. Why is he complaining about Happiness and Unhappiness? Should he really?
If I take one step deeper, Modern Man looks at the Materialistic World only aka the Physical World. He has forgotten that HE does not own this Earth, he has to share it with others too. And, what happened to his ‘Inner Self?’
His Atman and the path to Spirituality is more important specially in our Sanatan Dharma.
Moreover, after creating all the Luxuries for himself including the Social Media, he is still not Happy! Isn’t that great News? Now he competes with ‘others’ on Social Media by resorting to more lies…. He lives in a fictitious World. He had chopped his own legs by his own Greed!
What happened to Ram Rajya Dream? The Satya Yug? It’s only his making that these periods have disappeared in the lap of Time. Progress is good, indeed, but not by destroying other Lives. He shouldn’t complain that he is ‘Unhappy’ should he?
May be this Man is confused and doesn’t understand what ‘Real Happiness’ means.
It’s called Satisfaction in whatever he has.made by himself and for himself without being in Competition with fellow human beings. Well, he should ditch those buttons ( I mean Mobile Phones and other Gadgets)
The only way to return to find Happiness is; Look Within. Know your Real Dharma. Empathy is the word of the day!
Am I talking Sense?
LikeLiked by 1 person
“પોતાના મનની સ્વાધીનતા અને પરાધીનતા છે. માણસનાં સુખદુ:ખો માટે જે પ્રમાણે નીસર્ગની, માનવસમાજ અને બીજાં પ્રાણીઓની અનુકુળતા અને પ્રતીકુળતા કારણ છે, તે પ્રમાણે પોતાના મનની સ્વાધીનતા અને પરાધીનતા પણ ઘણી વેળા કારણભુત હોય છે.” મનની અનુકુળતા, સુખ દુઃખના અનુભવ માટે મહદ અંશે જવાબદાર છે… મારી દ્રષ્ટિએ. સરયૂ
LikeLiked by 1 person