સમગ્ર માનવજાત રૅશનાલીસ્ટ બની રહે તો તમામ સમસ્યા ઉકલી જાય – મીસ્ત્રી

જો સમગ્ર ભારતરાષ્ટ્ર રામ–રહીમની ચીંતા છોડી સંનીષ્ઠ રૅશનાલીસ્ટ થઈ જાય, તો આ દેશની બધી જ સમસ્યાઓ, પળવારમાં ઉકલી જાય. ખરેખર તો, સમગ્ર માનવજાતનો ખરો ધર્મ છે, ફક્ત એ જ : પ્રેમ અને માનવતા.

સમગ્ર માનવજાત રૅશનાલીસ્ટ બની રહે
તો તમામ સમસ્યા ઉકલી જાય – મીસ્ત્રી

–રમણ પાઠક (વાચસ્પતી)

સેક્યુલરીઝમનો સૌથી મહત્ત્વનો જો કોઈ આધારસ્તંભ હોય તો તે છે, માનવવાદ (હ્યુમેનીઝમ). માનવવાદ સ્વયં એક વીચારદર્શન છે, ફીલસુફી છે. વ્યક્તી માત્રની એક મનુષ્ય તરીકે પ્રતીષ્ઠા થવી જોઈએ એમ તે દૃઢપણે માને છે. એ મનુષ્યને જ સ્વયમેવ ધ્યેય માને છે. માણસને એ કશા ઈતરનું સાધન માનતો નથી, અને એથી જ અન્ય કશા ખાતર (રાષ્ટ્ર, સમાજ, ધર્મ, સમ્પ્રદાય, વર્ગ, જાતી, જ્ઞાતી વગેરે ખાતર) તેનો ભોગ આપી શકાય નહીં, એવી એની દૃઢ પ્રતીતી છે. બીજું, માનવવાદ મનુષ્યને જ પોતાની નીયતીનો, નીર્માતા માને છે. એ માટે ઈશ્વર, નસીબ યા આકાશના ગ્રહોને જવાબદાર કે દોષીત ગણતો નથી. સેક્યુલર સ્ટેટની નજરમાં બધા નાગરીકો સરખા છે. આપણા બંધારણની કલમ 14–માં આ બાબત બીલકુલ સ્પષ્ટ ઘોષીત કરવામાં આવી છે. –દીનેશ શુક્લ

હમણાં કોઈકે ક્યાંક લેખીત ધમકી ઉચ્ચારેલી વાંચવામાં આવી કે, અમુક જુથના સફાયા પછી સેક્યુલરીસ્ટો અને રૅશનાલીસ્ટોનો વારો આવશે, લોકો તમારું નીકંદન કાઢી નાખશે!! આ તો અમને બહુ સારી ધમકી લાગી, ભાઈ!! આ દેશમાં હવે કશુંય જીવવા જેવું રહ્યું છે ખરું? હીટલરે યહુદીઓનો સફાયો કર્યો ને પછી ઘોર હીંસક યુદ્ધ ખેલાયું, ત્યારે યુરોપના કેટલાક સંવેદનશીલ માનવતાવાદીઓએ આત્મહત્યા કરેલી – એ ઘટના ઐતીહાસીક છે. માનવતાના નીકંદન બાદ માનવી તરીકે જીવવું ખરેખર દુ:ખદ તેમ જ શરમજનક રીતે દુષ્કર છે. હત્યા ય ક્યારેક ઉપકારક બની રહે છે. હમણાં જ મારા એક માનવવાદી મીત્રે કહ્યું કે, હવે ઘોર હતાશા જ છે, જીવવું નથી, કીંતુ અમુક એક વ્યક્તીનો પ્રેમ મને જીવાડી રહ્યો છે, જીવવાની ફરજ પાડી રહ્યો છે. ઘણાખરા માનવવાદીઓની આ જ નીયતી છે. માનવ તરીકે તો નહીં, કીંતુ કોઈ માણસ પ્રતીની માણસાઈને નાતે તેઓ જીવી રહ્યા છે, ત્યારે આવ ભાઈ, હે સફાયાકાર, તારી જ રાહ જોઉં છું.

ના, પણ બધા રૅશનાલીસ્ટો ને સેક્યુલરીસ્ટો આવા કે આટલા હતાશ નથી, એય એક ઉષાકીરણ છે. હમણાં એક લેખ વાંચવામાં આવ્યો, જેમાં વડોદરાના દસ્તાવેજી ફીલ્મ નીર્માતા, પાક્કા અને સારા રૅશનાલીસ્ટ શ્રી ધીરુભાઈ મીસ્ત્રી હીમ્મતભેર કહે છે.. પ્રસંગ આ પ્રમાણે છે : એક પત્રકારે શ્રી મીસ્ત્રીને પુછ્યું, ‘ધીરુભાઈ, અત્યારના કોમી વેરઝેરના માહોલમાં, 2002માં તમને પુછવાનો એક પ્રશ્ન ઉઠે છે કે, આ અલ્લારખાને દોસ્તીદાવે મદદ કરતાં તમને એવો વીચાર ન આવ્યો કે એક મુસલમાનને તમે મદદ કરી રહ્યા છો, અને એમ એક વીરોધી જુથના જણ ખાતર તમારો કીમતી શ્રમ–સમય વેડફી રહ્યા છો?’

આ પ્રશ્નનો જવાબ સાંભળવા જેવો છે : ધીરુ મીસ્ત્રી બોલ્યા, ‘તમે તે કેવી વાત કરો છો? મને આવો ગંદો વીચાર આવે! હું તો પાક્કો ને કટ્ટર રૅશનાલીસ્ટ (વીવેકબુદ્ધીવાદી) છું. અમે ધર્મનીરપેક્ષ રૅશનાલીસ્ટો છીએ, અમે માનીએ છીએ કે, ન તો ભગવાનનું ભોજન થઈ શકે છે કે ન તો ખુદાને ખાઈ શકાય છે! અમારો તો મઝહબ જ માણસનો અને એમાંય મૈત્રીનો ધર્મ વળી સૌથી ઉંચો! અલ્લારખા માણસ છે અને વળી મારો મીત્ર છે, એ જ મારે માટે બસ પુરતું છે.’

અને પછી ધીરુભાઈએ ઉમેર્યું કે, ‘જો સમગ્ર ભારતરાષ્ટ્ર રામ–રહીમની ચીંતા છોડી સંનીષ્ઠ રૅશનાલીસ્ટ થઈ જાય, તો આ દેશની બધી જ સમસ્યાઓ, પળવારમાં ઉકલી જાય. ખરેખર તો, સમગ્ર માનવજાતનો ખરો ધર્મ છે, ફક્ત એ જ : ‘પ્રેમ અને માનવતા.’ વડોદરાના જીવંત રૅશનાલીસ્ટ શ્રી ધીરુ મીસ્ત્રી અમારા જેવા હતાશ કે નીરાશાવાદી નથી, માટે જ હું તેઓને ‘જીવંત’ કહું છું. તેઓ જીવનવાદી છે. આમ તો, વ્યવસાયે તેઓ લઘુદસ્તાવેજી ફીલ્મનીર્માતા છે, જેમાં વળી તેઓનાં કૌશલ્ય–સીદ્ધી એટલાં તો ઉંચાં છે કે, તેઓની આવી એક મુવી ‘સાથ કુછ ના જાએગા’ બદલ તેઓને રાષ્ટ્રપતી દ્વારા રાષ્ટ્રીય ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. ધીરુભાઈ પુરા પ્રગતીશીલ વીચારના રૅશનાલીસ્ટ છે, એથી તેઓએ આ ફીલ્મ ચક્ષુદાન ઉપર બનાવેલી છે. રૅશનાલીસ્ટનું સૌથી મોટું લોક હીતકારક સુખ એ કે, તે તમામ ધાર્મીક, પરમ્પરાગત ગ્રંથીઓથી મુક્ત હોય છે. માટે જ શ્રી ધીરુ મીસ્ત્રી પ્રચારે છે કે, મૃત્યુપ્રસંગે તમારાં ઉપયોગી અંગોનું દાન કરતા જાઓ, જેથી મરતાં મરતાંય તમે અન્યને જીવાડી જાઓ! ધીરુભાઈની ફીલ્મોય માનવતાવાદી–રૅશનાલીસ્ટ ઝોકવાળી હોય છે.

જાહેરાત

રૅશનાલીઝમ/વીવેકબુદ્ધીવાદનું વીચાર–ભાથું પુરુ પાડતું પ્રા. રમણભાઈ પાઠકનું પુસ્તક ‘રૅશનાલીઝમના રંગ’ની ‘ઈ.બુક’નો લોકાર્પણ રમણભાઈના સમૃતી દીવસે [12.03.2022ના રોજ] ‘મણી મારુ પ્રકાશન’ કરશે. 

‘અભીવ્યક્તી’ બ્લૉગના મથાળે ‘ઈ.બુક્સ’ વીભાગ https://govindmaru.com/ebooks/રથી આ ઈ.બુક ડાઉનલોડ કરવાની સુવીધા છે. જો કોઈ વાચકમીત્રને આ વીધી ન ફાવે અને તેઓ પોતાનું નામ, પુરું સરનામું, કૉન્ટેક્ટ નમ્બર સાથે લખશે તેમને હું ‘ઈ.બુક’ ઈ.મેઈલ/વોટ્સએપ/ટેલીગ્રામથી  મોકલી આપીશ.

–ગોવીન્દ મારુ

શ્રી ધીરુ મીસ્ત્રી વડોદરા પી.યુ.સી.એલ. (નાગરીક સ્વાતન્ત્ર્યો માટેની લોકસંસ્થા)ના અગ્રણી સભ્ય પણ છે, અને એ હેસીયતમાં જે સેવાપ્રવૃત્તી ચલાવી રહ્યા છે, એની વાત વર્ણવું, એ પહેલાં રૅશનાલીસ્ટો માટે પ્રેરણાદાયી એવો એક સુખદ–રસપ્રદ કીસ્સો પ્રસ્તુત કરું : અમારા રૅશનાલીસ્ટ મીત્રોની એ કાયમી દુઃખદ ફરીયાદ છે કે, ભલે આપણે પુરા રૅશનાલીસ્ટ બની રહીએ, તો પણ આપણા વડીલોનું વીચાર પરીવર્તન સાધી શકતા નથી. પરીણામે કેટલાંક રુઢીગત કર્મકાંડ આપણે કરવાં પડે છે અને કરવા દેવાં તો પડે જ છે. પણ કુશળ ને પ્રભાવી રૅશનાલીસ્ટ ધીરુભાઈ તો આ મર્યાદાને પણ આસાનીથી ઉલ્લંઘી ગયા! તેમનાં શ્રીમતીજી કે સુપુત્ર ઋષીરાજ રૅશનાલીસ્ટ હોય, એ તો જાણે સ્વીકારી શકાય, પરન્તુ એંશી આસપાસના માતુશ્રી પણ રૅશનાલીસ્ટ અભીગમ દાખવે, ત્યારે આનન્દવીભોર થઈ, ધીરુભાઈ પાસે આવા સાફલ્યની વીદ્યા શીખવા જવાની ઈચ્છા થાય! અંતીમ પળે, માજીએ સંતાનોને પોતાની સમક્ષ એકઠાં કરી મક્કમ સલાહ આપી કે,

‘મારી પાકી ઈચ્છા છે કે, મારાં અસ્થી કોઈ પણ નદીમાં પધરાવશો નહીં, એથી તો નદીનાં પાણી ગંદાં જ થાય. અસ્થી એકઠાં જ ના કરશો! એની શી જરુર? એ તો એક જડ નાશવંત પદાર્થ છે. છતાં, તમને શોખ થતો હોય અને સમાજને બોધપાઠ આપવો હોય તો, મારાં અસ્થી એકઠાં કરી વડોદરાની કોઈ ગટરમાં પધરાવી આવજો!’

બોલો, કોઈ વૃદ્ધ ડોસીમાનો અભીગમ આવો સરીતાપ્રેમી રૅશનાલીસ્ટ હોય ખરો? આ હકીકત, શ્રી ધીરુભાઈ મીસ્ત્રી (+91 97275 55331)ના જીવનાભીગમનો પ્રભાવ છે; તો સાથે સાથે એટલો જ માજીના અજ્ઞાત છતાં વૈજ્ઞાનીક માનસનો પણ પ્રભાવ છે. ધીરુભાઈ તથા તેઓના અન્ય બંધુઓએ અસ્થી તો એકઠાં ના જ કર્યા અને પછી પણ, મરણોત્તર ક્રીયાપાણી, શ્રાદ્ધ કે તર્પણની કોઈ જ વીધી કર્યો નહીં. છેલ્લાં ત્રીસ વર્ષથી, ધીરુ મીસ્ત્રી નામના રૅશનાલીસ્ટ, સેક્યુલરીસ્ટ તથા સેવાભાવી લઘુ–દસ્તાવેજી ફીલ્મ નીર્માતાએ કદાપી જ કોઈ ધાર્મીક વીધી કર્યો–કરાવ્યો નથી. એમના નવાનક્કોર અને મોંઘાદાટ ડીજીટલ કૅમેરાને પણ પ્રારંભે ધુપદીપ કે પુષ્પો ચઢાવ્યાં નથી કે લીંબુ–મરચાં બાંધ્યાં નથી!

હવે પેલા મુસ્લીમ મીત્ર અલ્લારખાની જરુરી કહાણી પણ કહી લઉં, જેથી કુતુહલ વણસંતોષ્ય ના રહે : બન્યું એવું કે, વડોદરા મ્યુઝીયમ ખાતે આ ભાઈ અલ્લારખા કેન્ટીન ચલાવે, પણ ધંધામાં કોઈ બરકત નહીં, પેટીયું માંડ રળે! એક વાર આ મ્યુઝીયમના ઑડીટોરીયમમાં ઉકાઈ–યોજનાની ફીલ્મ પ્રદર્શીત કરીને, ધીરુભાઈ બહાર નીકળ્યા, ત્યાં આ બચપનનો દોસ્ત અલ્લારખા મળી ગયો. ભાવે ભેટ્યા. બન્ને ભાઈ! ત્યારે અલ્લારખા કહે, ‘ધીરુ યાર, આ ધંધામાં કશી બરકત નથી, કુછ નોકરી દીલવા દે! તુમ તો બડા આદમી હો ગયા હૈ ના?’ અને ધીરુભાઈએ એ પુરાણા યારને, ઉમ્મર ખાસ્સી મોટી થઈ ગઈ હોવા છતાંય, જી.ઈ.બી.માં સારી નોકરીએ લગાડી દીધો! નાસ્તીકો, રૅશનાલીસ્ટો પાકા સેક્યુલરીસ્ટો તો હોય જ, પુરા માનવવાદી પણ હોય. માટે જ ધીરુ મીસ્ત્રીની જેમ, અમેય ભારપુર્વક કહેતા રહીએ છીએ કે પાંચ હજાર વર્ષ પુરાણા (કુ) સંસ્કાર છોડી દઈ, જો સમગ્ર માનવજાત રૅશનાલીસ્ટ બની રહે, તો બધી જ જટીલ તથા જીવલેણ સમસ્યાઓ પળભરમાં ગાયબ થઈ જાય, આ પૃથ્વીપટે જ સ્વર્ગ સર્જાય.

વળી, શ્રી ધીરુ મીસ્ત્રી મારી જેમ કેવળ ચીંતા–ચીંતન કરીને હતાશ બેસી રહેતા નથી, તેઓ માનવસેવામાં પુરા સક્રીય છે. પીયુસીએલના અગ્રગણ્ય સભ્ય તરીકે, આખા વડોદરા જીલ્લામાં ઘુમતા રહે છે, અને દુષ્કાળની અને અછતની પરીસ્થીતી, આદીવાસીઓ પર ગુજરતો સીતમ તથા તેઓની ગેરકાનુની ધરપકડો ને મારઝુડ, જેલમાં થતાં શંકાસ્પદ મૃત્યુ, બાળમજુરો પર ગુજરતો ત્રાસ અને તેઓના અપમૃત્યુ – આવી બહુવીધ સમસ્યાઓનો તેઓ અભ્યાસ કરે છે, અને એના નીવારણનાં ત્વરીત પગલાં લે છે… આવા રૅશનાલીસ્ટો જ રાષ્ટ્રની આશા છે, તો એમને અભીનન્દન તથા દીર્ધાયુની શુભેચ્છા!

ભરતવાક્ય

સેક્યુલરીઝમનાં ચાર ચરણ તથા આચરણમાં બીજું એક આધારભુત અંગ તે રૅશનાલીઝમ – વીવેકબુદ્ધીવાદ : માણસે પોતાની બુદ્ધી વડે કુદરતી પરીબળો પર તો કાબુ મેળવ્યો, પરન્તુ તેના વ્યવહારમાં જે નીતીમત્તાનું મહત્ત્વ સ્થાપીત થયું, એનો આધારસ્તંભ તો તેની વીવેકબુદ્ધી જ છે. આથી જ રૅશનાલીઝમ માને છે કે, માણસની નીતીમત્તાનો આધાર ધર્મ કે સમ્પ્રદાય નથી, પણ મનુષ્યમાં રહેલી વિવેકશક્તી છે. માનવ–ઉત્ક્રાંતીની યાત્રામાં ધર્મ અને ઈશ્વર તો ઘણા પાછળથી પ્રવેશ્યા.

(‘નીરીક્ષક’માંથી સાભાર : શ્રી દીનેશ શુક્લના લેખના આધારે.)

–રમણ પાઠક (વાચસ્પતી)

રૅશનાલીસ્ટ સુનીલ શાહ દ્વારા સમ્પાદીત પુસ્તક ‘રૅશનાલીઝમના રંગ’ (પ્રકાશક : જમનાદાસ કોટેચા, માનસ પ્રદુષણ નીવારણ કેન્દ્ર, જોરાવરનગર – 363 020 પ્રથમ આવૃત્તી : માર્ચ, 2009, પાન : 212, આ પુસ્તક આઉટ ઓફ પ્રીન્ટ છે)માંથી લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખક સંપર્ક : અફસોસ, પ્રા. રમણ પાઠક (વાચસ્પતી) હવે આપણી વચ્ચે નથી.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 4/03/2022

6 Comments

    1. ‘માનવધર્મ’ બ્લૉગ પર ‘સમગ્ર માનવજાત રૅશનાલીસ્ટ બની રહે તો તમામ સમસ્યા ઉકલી જાય – ધીરુ મીસ્ત્રી’ પોસ્ટને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..

      Like

  1. Reblogged….best humanaterian article – explained deeply.
    Love & Humanity no religion – no nationality – no colour & creed –
    Human to human bonding then there is no war & we can over come any calamity easily as fellow Human.

    Liked by 1 person

    1. ‘કાન્તી ભટ્ટની કલમે’ બ્લૉગ પર ‘સમગ્ર માનવજાત રૅશનાલીસ્ટ બની રહે તો તમામ સમસ્યા ઉકલી જાય – ધીરુ મીસ્ત્રી’ પોસ્ટને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s