રમણ પાઠકને વાંચવાથી જે વીચાર–ભાથું મળે છે તે બીજે ક્યાંય મળી શકે તેમ નથી. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા યુવાનો જો રમણ પાઠકને વાંચે તો કોઈ પણ પ્રશ્નોનું એનાલીસીસ પરફેક્ટ રીતે કરી શકે!
ન તો ભગવાનનું ભોજન થઈ શકે છે
કે ન તો ખુદાને ખાઈ શકાય છે!
–રમેશ સવાણી
માનવજાતને સર્વ વાતે સુખી કરવાનો/માનવકલ્યાણનો સર્વોચ્ચ માર્ગ ક્યો? શું આત્મા/પરમાત્મા, આધ્યાત્મીકતાની વાતોથી જનકલ્યાણ થઈ શકે? શું આધ્યાત્મનું કોઈ પ્રદુષણ હોય છે? શું ધર્મ અને વીજ્ઞાનનો સમન્વય શક્ય છે? સામુહીક યોગ/યોગનું ઉદ્યોગીકરણ એ વંચીતો વીરુદ્ધનું કાવતરું નથી? શું વૈજ્ઞાનીકો રૅશનલ અભીગમ ધરાવતા હોય છે? શું શ્રદ્ધા અને અન્ધશ્રદ્ધા એક જ છે? શું ઈશ્વર છે? જો ઈશ્વરે આ દુનીયા સર્જી હોય તો આટલાં દુ:ખ કેમ? છઠ્ઠી ઈન્દ્રીય હોય છે? ધાર્મીક સ્વાતન્ત્ર્ય એટલે અવૈજ્ઞાનીક માન્યતાઓઓનો બેફામ પ્રચાર કરવાની છુટ? શુભ–અશુભ જેવું કંઈ હોય છે? શું વાસ્તુશાસ્ત્ર ફરેબ છે? શું દીશા એ માનવ કલ્પના નથી? શું ધર્મોએ ભારતને કેદખાના જેવું બનાવી દીધું છે? શાળામાં બાળકો પ્રાર્થના કરે છે, તેથી વીદ્યાર્થીઓ પરવશ/નમાલા/માયકાંગલા બને છે? જીવનમાં રૅશનલ અભીગમ કઈ રીતે અપનાવી શકાય? તેનાથી ફાયદો શું? રૅશનલ અભીગમ એટલે શું? વગેરે બાબતો વીશે સ્પષ્ટ ચીંતન રજુ કરતું પુસ્તક છે– ‘રૅશનાલીઝમના રંગ’. લેખક છે પ્રસીદ્ધ રૅશનાલીસ્ટ રમણ પાઠક, સંપાદક છે સુનીલ શાહ અને આ પુસ્તકને ‘ઈબુક’માં ઢાળ્યું છે ગોવીંદભાઈ મારુએ.
રૅશનાલીઝમ/વીવેકબુદ્ધી એટલે જીવનની વ્યર્થ પળોજણથી દુર રહેવું! શ્રદ્ધા/ અન્ધશ્રદ્ધાથી દુર રહેવું! પુર્વગ્રહોથી મુક્ત બની આનન્દમય જીવન જીવવું! માણસ જો રૅશનલ અભીગમ અપનાવે તો પોતાની/સમાજની મોટાભાગની સમસ્યાઓ ઉકલી જાય! લેખક કહે છે : “એક પુત્ર તો જોઈએ જ– એવી સલાહ આપનારા મનેય ઘણા શાણા મુરખો મળ્યા; આજે મારે પુત્ર નથી, એ કદાચ મારા માટે સુખનું મોટું કારણ છે. વસ્તી ભયંકર, વીનાશક પ્રમાણમાં વધી ગઈ છે; જે આ દેશનો ની:શંક નાશ કરશે. એમાં મારો કોઈ ફાળો નહીં – એ કાંઈ જેવા તેવા સંતોષની, ગૌરવની હકીકત છે! રૅશનાલીઝમે મને સત્યમાર્ગ ચીંધ્યો. રૅશનાલીઝમ એ જીવનના તમામ ક્ષેત્રે ઉચીત રીતે જીવવાની કળા છે. થોડાં વર્ષો પુર્વે લેખક ગુણવંત શાહે પડકાર ફેંક્યો કે ‘રમણ પાઠક આસ્તીક છે!’ પછી એમણે કોથળામાંથી બીલાડું કાઢ્યું કે જયંત પાઠકના વીદાય સમારંભમાં રમણ પાઠકની આંખમાં પાણી આવી ગયેલાં, માટે તે આસ્તીક છે! રૅશનાલીસ્ટ તો રડે જ. કારણ કે તેને મન આ દેહ જ, અર્થાત્ જીવતો માણસ જ સર્વસ્વ છે; લોહીના સમ્બન્ધોનું વાસ્તવીક મુલ્ય તે સ્વીકારે છે. આસ્તીકો ન રડે, કેમ કે તે માને છે કે આત્મા અમર છે, મરનારનો પુનર્જન્મ થવાનો જ છે; દેહ તો માત્ર લોહીમાંસનો લોચો છે. મૃત્યુ એટલે જુના કપડાં બદલી નવા કપડાં ધારણ કરવા, એવું શાસ્ત્રો કહે છે, એમાં રડવાનું શું? એમ આસ્તીકો માને છે !”
પ્રત્યેક રૅશનાલીસ્ટ/વીવેકબુદ્ધીવાદી સેક્યુલર હોય જ; પુરા માનવવાદી હોય જ! વડોદરા સ્થીત લઘુફીલ્મ નીર્માતા અને પાક્કા રૅશનાલીસ્ટ ધીરુ મીસ્ત્રીએ બાળપણના મીત્ર અલ્લારખાને સારી નોકરીએ લગાડી દીધો. એક પત્રકારે ધીરુ મીસ્ત્રીને પુછ્યું : “2002ના કોમી વેરઝેરના માહોલમાં અલ્લારખાને, એક મુસલમાનને તમે મદદ કરી રહ્યા છો; શા માટે તમારો કીંમતી શ્રમ/સમય વેડફી રહ્યા છો?” ધીરુ મીસ્ત્રીએ જવાબ આપ્યો : “તમે કેવી વાત કરો છો? મને આવો ગંદો વીચાર ન આવે! હું રૅશનલ છું, સેક્યુલર છું. હું માનું છું કે ન તો ભગવાનનું ભોજન થઈ શકે છે કે ન તો ખુદાને ખાઈ શકાય છે! અમારો ધર્મ જ માણસનો; અને એમાંય મૈત્રી–ધર્મ સૌથી ઉંચો! અલ્લારખા માણસ છે, વળી મારો મીત્ર છે, એ મારા માટે પુરતું છે! સમગ્ર દેશ રામ–રહીમની ચીંતા છોડી રૅશનાલીસ્ટ થઈ જાય તો આ દેશની બધી જ સમસ્યાઓ પળવારમાં ઉકલી જાય!” રૅશનાલીસ્ટ મીત્રોની એક કાયમી દુ:ખદ ફરીયાદ છે કે ભલે આપણે રૅશનાલીસ્ટ બની રહીએ; તો પણ આપણા વડીલોનું વીચાર પરીવર્તન કરી શકતા નથી. પરીણામે કેટલાંક રુઢીગત કર્મકાંડ આપણે કરવાં પડે છે અને કરવા દેવા પડે છે! પરન્તુ પ્રભાવી રૅશનાલીસ્ટ ધીરુ મીસ્ત્રી આ મર્યાદાને આસાનીથી ઉલ્લંઘી ગયા! એમના 80 વરસના માતૃશ્રીએ સંતાનોને મક્કમ સલાહ આપી કે “મારી ઈચ્છા છે કે, મારાં અસ્થી કોઈ પણ નદીમાં પધરાવશો નહીં, એથી તો નદીનાં પાણી ગંદાં જ થાય. અસ્થી એકઠાં જ ન કરશો! એની શી જરુર? એ તો એક જડ નાશવંત પદાર્થ છે. છતાં તમને શોખ થતો હોય અને સમાજને બોધપાઠ આપવો હોય તો, મારાં અસ્થી એકઠાં કરી વડોદરાની કોઈ ગટરમાં પધરાવી આવજો!”
– ● – ● – ● – ● – ● –
ખુશ ખબર
રૅશનાલીઝમ/વીવેકબુદ્ધીવાદનું વીચાર–ભાથું પુરું પાડતું
પ્રા. રમણભાઈ પાઠકનું પુસ્તક ‘રૅશનાલીઝમના રંગ’ની
‘ઈ.બુક’નો લોકાર્પણ રમણભાઈના સમૃતીદીવસે
[તા. 12.03.2022ના રોજ] ‘મણી મારુ પ્રકાશન’ કરશે.
‘અભીવ્યક્તી’ બ્લૉગના મથાળે ‘ઈ.બુક્સ’ વીભાગ
https://govindmaru.com/ebooks/ પરથી
આ ઈ.બુક ડાઉનલોડ કરવાની સુવીધા છે.
જો કોઈ વાચકમીત્રને આ વીધી ન ફાવે
અને તેઓ પોતાનું નામ, પુરું સરનામું, ફોન નંબર
સાથે મને લખશે તેમને હું આ ‘ઈ.બુક’
ઈ.મેઈલ/વોટ્સએપ/ટેલીગ્રામથી મોકલી આપીશ.
●ગોવીન્દ મારુ●
– ● – ● – ● – ● – ● –
વીવેકબુદ્ધી; અસત્યો માંહેથી પરમ સત્યે લઈ જાય છે!
કેટલાંક ચાલાક ધર્મગુરુઓ સાયકોલૉજીની વાત ઉપર અધ્યાત્મનો રંગ ચડાવે છે! ગુરુઓ અધ્યાત્મને વૈજ્ઞાનીકતાના વાઘા પહેરાવવાની કોશીશ કરે છે. ધર્મ/ અધ્યાત્મ અને વીજ્ઞાનનો સમન્વય શક્ય નથી. એ બે ન બને–સેંથો ને ટાલ; એમ અખો કહી ગયો છે. દીવ્ય અનુભુતી/સીદ્ધી/સાક્ષાત્કાર વડે લોકોને છેતરવામાં આવે છે. ગુરુઓ/સ્વામીઓને કોઈ પુસ્તકોમાંથી નહીં; પરન્તુ કોઈ વૃક્ષ નીચે કે ટેકરી ઉપર છઠ્ઠી ઈન્દ્રીય વડે જ્ઞાન પ્રાપ્ત થાય છે! સવાલ એ છે કે આ છઠ્ઠી ઈન્દ્રીય શરીરમાં કઈ જગ્યાએ છે? શું દરેકના શરીરમાં આ છઠ્ઠી ઈન્દ્રીય હોય કે ખાસ ગુરુઓના શરીરમાં જ હોય છે? શું ઓચીંતો વીચાર આવે તે છઠ્ઠી ઈન્દ્રીયના કારણે? છઠ્ઠી ઈન્દ્રીય ક્યારેક જ જાગે એવું કેમ? આ છઠ્ઠી ઈન્દ્રીય મોબાઈલ/ઈન્ટરનેટ/સેટેલાઈટ વીશે કેમ અજ્ઞાન છે? શું મનુષ્યની પ્રગતી અધ્યાત્મ/ધર્મના કારણે થઈ છે કે રૅશનાલીટીના કારણે? બૌદ્ધીક અભીગમનું મીશ્રણ કરીને speculative–સ્પેક્યુલેટીવ/ ધારણાવાદી ફીલોસોફીનો પ્રચાર કરનારા ઓશો જેવા વીચારકો અંતે તો મીસ્ટીક–રહસ્યવાદીઓ જ ઠરે! ઈશ્વર કેવો છે? એણે સૃષ્ટી શા માટે સર્જી? એનું સંચાલન તે કેવી રીતે કરે છે? દેહમાં જે ચૈતન્ય છે એ ક્યો પદાર્થ છે? આત્મા–પરમાત્મા વચ્ચેનો શું સમ્બન્ધ છે? આત્માનો સાક્ષાત્કાર કરવા કેવા કર્મકાંડ કરવા જોઈએ? એથી લાભો ક્યા, ક્યા? મરણોત્તર ગતી શું? ગંતવ્ય શું? મોક્ષ કશું? આમાંના એકેય પ્રશ્નને આપણી ગરીબી/યાતનાઓ/શોષણ/અન્યાય સાથે કોઈ સમ્બન્ધ છે ખરો? વળી આવા પ્રશ્નોના ઉત્તર ધર્મ વાઈઝ/ગુરુ વાઈઝ અલગ અલગ શા માટે? રૅશનાલીઝમને મળતા વીચારોનો ગમે તેટલો આશ્રય લે, પ્રચાર કરે, તો પણ જો કોઈ પંથ કે આશ્રમ ઉભો કરવો હોય તો મીસ્ટીસીઝમનો સહારો અંતે લેવો જ પડે! મીસ્ટીક ક્યારેય રૅશનલ હોઈ શકે નહીં. રૅશનાલીઝમ માને છે કે– બ્રહ્મ મીથ્યા, જગત સત્યમ્! કેટલાંક ‘યોગ’ને ચમત્કારની દૃષ્ટીએ જુએ છે. કેટલાંકે યોગના નામે સામ્રાજ્યો ઉભા કર્યા છે. સામુહીક યોગ એ ધંધો છે, જેના પેટ ખાલી છે તેમના વીરુધ્ધનું કાવતરું છે! યોગસીદ્ધના 8 પગથીયાં છે : યમ/નીયમ/આસન/પ્રાણાયામ/ પ્રત્યાહાર/ધારણા/ધ્યાન/ સમાધી. સમાધી એ ઈશ્વર સાક્ષાત્કારની અવસ્થા છે. ધ્યાનની તીવ્રતમ પરાકાષ્ઠા એટલે સમાધી! ‘યોગવાસીષ્ઠ’માં યોગનો અર્થ છે– સંસારસાગર તરી જવાની યુક્તી! સવાલ એ છે કે સંસાર ખરેખર ત્યજવા યોગ્ય છે? મનની શાંતી માટે બીજા કોઈ સરળ રસ્તા નથી? શાંતીની અપેક્ષાએ આનન્દ એ શું ઉચ્ચતર અવસ્થા નથી? વૈજ્ઞાનીક સાધનો અને સુખસગવડોએ માણસને જે શાંતી બક્ષી છે, એ યોગથી મળતી માનસીક શાંતીથી ભીન્ન છે? સમાધી અને બેહોશી વચ્ચે શું ફરક? માણસને શાંતી નહીં, આનન્દની જરુરીયાત છે. આનન્દ જ માનસીક શાંતીનો પાયો છે. કુદરત બહુ જ કઠોર અને જીદ્દી છે, તે કદાપી પોતાના નીયમોમાં રજ માત્રનોય ફેરફાર કરતી નથી; તો યોગીઓ/ગુરુઓ યોગસાધનાથી ફેરફાર કરી શકે? કુમારીલ ભટ્ટે આઠમી સદીમાં કહ્યું હતું કે જગતના કાર્યકારણને નહીં ગાંઠનારું એવું કોઈ કામ યોગીઓ પણ કરી શકતા નથી!
માણસને સત્યપંથે જતા આ ચાર બાબતો રોકે છે : [1] અસત્ય. ગુરુગ્રંથ. [2] પરંપરા. માન્યતાઓ. રુઢીવાદ. [3] પુર્વગ્રહો. [4] મીથ્યા આત્માભીમાન. વીદ્વાન માણસો પણ આ ચાર અંતરાયો ઓળંગી શકતા નથી; તેથી જ આમ સમાજ અસત્યમાં અટવાય છે. પરીણામે અસંખ્ય, કઠોરતમ બંધનો તથા અંધારાથી તે પીડીત છે. શ્રદ્ધાભાવમાં માણસનો એક પ્રકારનો જક્કી અહંભાવ ગોપીત હોય છે, જે તેને સત્યનો સ્વીકાર કરતા રોકે છે. શીતળા કોઈ માતાજીના કારણે થાય છે, એમ માનીને આપણે શ્રદ્ધાથી બેસી રહ્યા હોત તો? સુર્ય પૃથ્વીના ચક્કર લગાવે છે, એમ માનીને બેસી રહ્યા હોત તો? શું આપણે અવકાશના રહસ્યો પામી શક્યા હોત? સેટેલાઈટ કોમ્યુનીકેશન કરી શક્યા હોત? શ્રદ્ધા નહીં સંશય આપણને પ્રગતીના પંથે લઈ જાય છે. મનોબળ/વીશ્વાસ/નીર્ધાર વગેરે મનોવૈજ્ઞાનીક શબ્દપ્રયોગો છે, જ્યારે શ્રદ્ધા એ ધાર્મીક/આધ્યાત્મીક પરીભાષા છે. શ્રદ્ધા એટલે ઈશ્વર/ગ્રંથ/ગુરુમાં વીશ્વાસ કરવો; જ્યારે અન્ધશ્રદ્ધા એટલે ભુત/ડાકણ/ મન્ત્રતન્ત્ર/મેલીવીદ્યામાં વીશ્વાસ કરવો – એવો તફાવત પાડવામાં આવે છે; પરન્તુ રૅશનાલીઝમમાં ઈશ્વર કે ભુતની કલ્પના સરખી માનવામાં આવે છે! સાઈબાબા કે જલારામ બાપાની માનતા માનવાથી નોકરી મળી જશે/કેન્સર મટી જશે; એમ માનવું તે શ્રદ્ધા છે. વીવેકબુદ્ધી; અસત્યો માંહેથી પરમ સત્યે લઈ જાય છે. સત્ય વીના સુખ શક્ય નથી. દુ:ખનું કારણ અજ્ઞાન છે, સંકુચીતતા છે, રુઢીવાદ છે. માનવ–ઉત્ક્રાંતીની યાત્રામાં ધર્મ અને ઈશ્વર તો ઘણા પાછળથી પ્રવેશ્યા. માણસની નીતીમત્તાનો આધાર ધર્મ/સમ્પ્રદાય નથી. પરન્તુ મનુષ્યમાં રહેલી વીવેકશક્તી છે!
Philosophy is doubt–સમગ્ર ચીંતન સંશયલીલા છે. સંશયાત્મા વીનશ્યતી–એ ધર્મ આદેશથી વીરુદ્ધ જઈને બૃહસ્પતી/કપીલ/ચાર્વાક/કણાદ/બુદ્ધ વગેરેએ સંશયસાધના કરી; અને વાસ્તવવાદી ચીંતનધારાનો વીશાળ પ્રવાહ પણ વહેતો કર્યો. ચાર્વાકે કહ્યું કે સ્વર્ગ જેવું કોઈ સ્થળ નથી, તેમ નરક પણ નથી; આત્માય નથી, ત્યાં પરલોક કે મોક્ષની સંભાવના જ નથી! માન્ય/પ્રતીષ્ઠીત/સ્થગીત વીચારોને સ્વીકારવાને બદલે એના પ્રતી સંશય દાખવી, તત્ત્વને કંઈક જુદી રીતે ઉથલાવી જોવું, અને નવાં તથ્યો શોધવા; એમ કરવાથી નવી નવી શોધો, વીજ્ઞાનના વણપ્રીછ્યાં સત્યો પ્રગટ થાય છે. એને આધારે નવાં નવાં સુખ–સગવડ શોધાય છે. વીજ્ઞાને આપણી જીંદગીને અનેકગણી સુખી/સમૃદ્ધ બનાવી છે. તેની પાછળ વૈજ્ઞાનીકોના સંશયવાદનો પ્રચંડ ફાળો છે. માનવજીવનમાં શ્રદ્ધાનું કોઈ મુલ્ય નથી. શ્રદ્ધા હંમેશા સત્યની સામે હોય છે! શ્રદ્ધા, વારસામાં મળેલો જીવલેણ રોગ જેવો ચેપ છે! જેમાંથી સંશય દ્વારા જ મુક્તી મળી શકે, અને તો જ સત્યના દ્વાર ખુલે. શાળા/મહાશાળાઓમાં સર્વત્ર શ્રદ્ધાની વાતો ધમધોકાર ચાલે છે. જ્યારે સંશયવાદનો ઉલ્લેખ ભાગ્યે જ થાય છે. ખુદ વીજ્ઞાનના વર્ગમાં સંશય નથી શીખવાડવામાં આવતો! વીજ્ઞાન એ સંશયનું મોટામાં મોટું પુરસ્કર્તા પરીબળ છે. બીજી બાજું, રાજકારણ/અર્થકારણ/જાહેરાતોનું શાસ્ત્ર તથા ધર્મોને ભોળાં જનોની શ્રદ્ધા જ અનુકુળ આવે છે. એથી એવાં સ્થાપીત હીતો પોતાની તાકાત/તરકીબોથી સંશયવાદને પ્રવેશતો અટકાવે છે. આમ, બાપડું સત્ય હંમેશા ન્યાત બહાર જ રહી જાય છે! આત્મા/પરમાત્મા એ માત્ર કલ્પનાઓ છે. મનુષ્ય જન્મે છે ત્યારે પાપ–પુણ્યના પોટલાં સાથે લઈને નથી આવતો; એ તો કેવળ આનુવંશીક ગુણધર્મ સાથે જ જન્મે છે. તેનું જીવન એટલે જન્મ અને મૃત્યુ વચ્ચેનો ગાળો. એની પુર્વ કે પછી– પુર્વજન્મ કે પુનર્જન્મ કશું જ અસ્તીત્વ ધરાવતું નથી. જે ગુરુઓ આત્મા/પરમાત્મા, સ્વર્ગ/નરકની વાતો કરે તે ચાલાક ઢોંગી હોય છે. ગુરુઓ અપ્રામાણીક હોય છે, પોતે જે જાણતા નથી, તે બીજાને શીખવે છે! સુખી લોકો કથા સાંભળવા વધુ જાય છે. શ્રમજીવીઓને એ પોસાય નહીં. સુખી લોકોને ઈશ્વરની કલ્પના માફક આવી ગઈ. શોષણખોરોને ઈશ્વરની કલ્પના બહુ ઉપયોગી નીવડી! કોર્પોરેટ કથાકારો/આત્મા–પરમાત્માની મોહક શૈલીમાં વાતો કરનારા સદ્ગુરુઓ/રહસ્યવાદીઓએ ભૌતીક સામ્રાજ્ય ઉભું કરી દીધું! ધર્મના નામે આતંકવાદ ફેલાવનારા/ધર્મનો લોકોને નશો કરાવી સત્તા ભોગવનારાઓને ધર્મ ઉપયોગી થયો છે. માણસ રૅશનલ બને તો જગતની તમામ સમસ્યાઓનો અંત આવે! એટલે જ ભતૃહરી કહે છે : વીવેક ભ્રષ્ટતાનામ્ ભવતી વીનીપાત: શતમુખ: અર્થાત્ જો વીવેકબુદ્ધી/ રૅશનાલીઝમ ચુક્યા, તો તમારું અનેકવીધ અન્ધ:પતન નીશ્ચીત જ સમજવું!
રમણ પાઠકને [30 જુલાઈ, 1922–12 માર્ચ, 2015] મેં પ્રથમ વખત 1980માં સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના પત્રકારત્વ ભવનમાં સાંભળ્યા હતા ત્યારથી લઈને આજ સુધી તેમના વીચારો મારા માટે માર્ગદર્શક રહ્યા છે. તેમના વીચારો સરળ/સ્પષ્ટ/તર્ક આધારીત/શબ્દાડંબર વગરના હોય છે. આજના યુવાનો મોટીવેશનલ લેખકોને/ લોકપ્રીય લેખકોને વાંચે છે અને દીશાહીન રહી જાય છે. Ph.D. થયેલાં યુવાનો પણ પોતાના કાંડે રક્ષાપોટલી બાંધતા હોય છે/નંગોની વીંટી ધારણ કરતા હોય છે! રમણ પાઠકને વાંચવાથી જે વીચાર–ભાથું મળે છે તે બીજે ક્યાંય મળી શકે તેમ નથી. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા યુવાનો જો રમણ પાઠકને વાંચે તો કોઈ પણ પ્રશ્નોનું એનાલીસીસ પરફેક્ટ રીતે કરી શકે! ‘રૅશનાલીઝમના રંગ’ પુસ્તકમાં રમણ પાઠકના 38 લેખો છે. આ લેખો વાંચવાથી રૅશનાલીઝમ/વીવેકબુદ્ધીવાદનો સ્પષ્ટ ચીતાર મળે છે; અને તે હેતુથી સંપાદક સુનીલ શાહે લેખોની પસંદગી કરી છે, તેથી તેમને ધન્યવાદ ઘટે છે. ‘અભીવ્યક્તી’ બ્લૉગના સર્જક ગોવીંદભાઈ મારુના પરીશ્રમના કારણે આ પુસ્તક ‘ઈ.બુક’ રુપે મળ્યું છે, તેથી વીશ્વ–ગુજરાતીઓ તેમના આભારી રહેશે.
–રમેશ સવાણી
‘રૅશનાલીઝમના રંગ’ ઈ.બુક [ભાગ–1]ની ‘પ્રસ્તાવના’માંથી, લેખકના સૌજન્યથી સાભાર…
લેખક સમ્પર્ક : શ્રી. રમેશ સવાણી, નીવૃત્ત આઈ.પી.એસ. અધીકારી સેલફોન : 99784 06070 ઈ.મેલ : rjsavani@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 11–03–2022
ખુબ સુંદર લેખ. હાર્દીક આભાર ગોવીન્દભાઈ આપનો તથા રમેશભાઈનો. ‘રેશનાલીઝમના રંગ’ ઈ-બુક માટે પણ આપનો ખુબ ખુબ આભાર ગોવીન્દભાઈ. એને મેં ડાઉનલોડ કરી લીધી છે.
LikeLiked by 1 person
મિત્રો,
આજના લેખમાં અેક સરસ સવાલ પૂછવામાં આવ્યો છે.
શું દીશા અે માનવ કલ્પના નથી ?
સરસ સવાલ.
દીશા અંતરીક્ષમાં ફરવા માટે વૈજ્ઞાનિક નિયમો હેઠળ નક્કી કરાયેલું પ્રતિપાદન
છે. જે માનવીને જ્યાં જવું હોય ત્યાં લઇ જવામાં…સફળતાપૂર્વક લઇ જવામાં
મદદરુપ થાય છે. ચન્દ્ર ઉપર, મંગળ ઉપર લઇ જાય છે. ગ્રહોના નામો પણ માનવસર્જીત જ
તો છે.
રેશનાલીઝમ પુસ્તકને પાને સોહે છે. રોજીંદા સામાજીક જીવનમાં, પ્રેક્ટીકલી
ઉતારવામાં સફળતા પ્રાપ્ત થઇ નથી. સામાન્ય માણસનું રોજીંદુ જીવન
ક્યાંથી….બુઘ્ઘિવિષયક…સમજદારીપૂર્ણ, વિવેકબુઘ્ઘ્િ,
બુઘ્ઘિસ્વાતંત્રવાદ….બુઘ્ઘિપૂર્વક વિચારીને ખરા…ખોટાની ચકાસણી કરી શકે ખરો
?
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
સરસ લેખ
LikeLiked by 1 person