ઈલાપીડે (Elapidae) કુટુંબના ચાર સાપ

(46) નાગ, દ્વીચમી નાગ, (47) મલાક્કા દરીયાઈ સાપ, બહુદંતી દરીયાઈ સાપ, (48) કેન્ટરનો સાંકડા માથાનો દરીયાઈ સાપ અને (49) મલાબાર દરીયાઈ  સાપની સચીત્ર જાણકારી પ્રસ્તુત છે.

કુટુંબ : ઈલાપીડે (Elapidae)

–અજય દેસાઈ

46. નાગ, દ્વીચમી નાગ ઝેરી
Spectacled Cobra, Binocellate Cobra (Naja naja)

આપણે ત્યાં થતાં બધા સાપમાં, સહુથી પ્રખ્યાત–કુખ્યાત, ધાર્મીક દૃષ્ટીએ અને દંતકથાઓમાં સહુથી વધુ વણાયેલો આ સાપ છે. સાપનાં પર્યાયરુપ બની ચુકેલો આ સાપ, આપણા લગભગ બધાં પુરાણો, ધાર્મીક ગ્રંથો, બોધ કથાઓ વગેરેમાં મહત્ત્વ ધરાવે છે. વળી માનવ વસવાટની અંદર અને આસપાસ રહેવાની ખાસીયતને લઈને સહુથી વધારે નજરે પણ પડે છે અને તેની અધ્ધર થવાની ક્ષમતાને લઈને સામાન્ય લોકો પણ તેને ઓળખી લે છે. આ સાપ જયારે શરીરનો આગળનો ભાગ અધ્ધર કરી ગળાના ભાગની પાંસળીઓ પહોળી કરે છે, ત્યારે ભવ્ય લાગે છે. આ પહોળી થયેલી પાંસળીઓના સહારે જ તે અધ્ધર રહી શકે છે. આ રીતે તે અધ્ધર થાય છે, ત્યારે તેની પીઠના ભાગે જોવાતાં, બે આંખો જેવા ચીન્હોને લઈને તે દ્વીચક્ષ્મી પણ કહેવાય છે. આવું નીશાન ફકત પાછળના ભાગે જ હોય છે. ગળાનાં ભાગમાં આવું નીશાન ન હોતાં તેના બદલે બે કાળા, મોટા ટપકાં હોય છે. સામાન્ય સંજોગોમાં તે અધ્ધર નથી હોતો ત્યારે અન્ય સાપની જેમ જ તેનું ગળુ સંકોચાયેલું હોય છે, ત્યારે આવી સ્થીતીમાં ગળાનો એટલો ભાગ કાળો કે ઘટ્ટ રંગનો જણાય છે. જો કે નાગ એટલે દ્વીચક્ષ્મી જ હોય તેવું નથી હોતું, કોઈ પણ જાતનાં નીશાન વગરના પણ નાગ હોય છે. તે પણ આના જેટલો જ વ્યાપક છે, નાગની અધ્ધર થઈ શકવાની ક્ષમતા અને લોકોનાં મનમાં ઘર કરી ગયેલી ધાર્મીક માન્યતાઓ, ખાસ કરીને શંકર ભગવાનના ગળામાં તેનાં સ્થાન અંગેની દંતકથાઓને લઈને મદારીઓ આ સાપને જ મહત્ત્વ આપે છે અને તેથી જ સહુથી વધુ અત્યાચાર–ક્રુરતા આ સાપ સહન કરે છે. Cobra એ પોર્ટુગીઝ ભાષાનો શબ્દ છે. તે ભાષામાં તેનો અર્થ સાપ થાય છે. તેઓ તેને Cobra de Capello કહેતાં (Serpant with a hood).

બદામી, પીળો બદામી, ભુખરો, કાળો, કાળાશ પડતો ભુખરો વગેરે રંગમાં તેનો વાન હોય છે, કયારેક ઋતુ અનુસાર તેમાં આંશીક ફેર પણ થતો હોય છે. આવા વાન ઉપર કયારેક સફેદ કે ઝાંખા પીળા રંગની તુટક રેખાઓ હોય છે. ગળા ઉપરનો રંગ ઘટ્ટ હોય છે. સાપ યુવાન કે તરતનો જન્મેલો હોય છે ત્યારે આવો રંગ વધુ ઘેરો કાળો હોય છે. નર નાગ, ગળાની પાંસળીઓ માદા કરતાં વધુ પહોળી પ્રસરાવી શકે છે. તેની ગળાના ભાગની પાંસળીઓ ગળાનાં સામાન્ય ઘેરાવા કરતાં ચાર ગણી ચોડાઈમાં ફેલાવી શકે છે. જરાક પણ છંછેડાતાં કે, આક્રમક થતાં જ, જમીનથી અધ્ધર થઈને શરીરને થોડુંક હલાવતાં હલાવતાં પાછળની બાજુએ, અધ્ધર થયેલો ભાગ નમાવતાં, પાંસળીઓ પ્રસરાવી દે છે. આ પાંસળીઓની રચના એવી હોય છે કે જેનાથી તે સીધી ખેંચાઈ શકે અને તેના ઉપરની ચામડી પણ નરમ હોઈ, ખેંચાઈ શકે છે. આ રીતે જયારે તે અધ્ધર હોય છે ત્યારે તેનું ગળું પહોળું હોય છે અને આ તબકકે તેના ગળાની પાછળના ભાગમાં જોવાતાં વીવીધ આકારનાં દ્વીચક્ષ્મી ચીતરામણો અને રંગને લઈને ખુબ જ ભવ્ય અને સુંદર લાગે છે. ભીંગડાં સુંવાળા, નરમ હોય છે, જયારે આંખો ગોળ, સમ્પુર્ણ કાળી, રંધ્ર પણ કાળુ તથા ગોળ હોય છે. નસકોરાં પ્રમાણમાં મોટા હોય છે.

શરીરના પીઠની મધ્યમાં, મહત્તમ રુપની હરોળમાં ભીંગડાં હોય છે. પેટાળનાં ભીંગડાં નરમાં 171થી 179 અને પુંછડીના પેટાળના ભીંગડાં 53થી 67 હોય છે. જયારે માદાના પેટાળના ભીંગડાં 178થી 196 અને પુંછડીના પેટાળના ભીંગડાં 50થી 65 હોય છે. પુંછડીના ભીંગડાં બન્નેમાં વીભાજીત હોય છે. નર કરતા માદા વધુ લાંબી હોય છે; પરન્તુ માદા કરતાં નરની પુંછડી વધુ લાંબી હોય છે.

પરીસ્થીતી અનુકુળ હોય, તે મુજબ દીવસે કે રાત્રી દરમીયાન પ્રવૃત્ત હોય છે. ડુંગરાઓ, ખડકો, ગીચ જંગલો, ઝાડી પસંદ નથી. ખેતરોમાં, છુટાછવાયા જંગલોમાં, અનાજનાં ગોદામોમાં, મકાનોમાં, ઘાસની ગંજીઓમાં, મનુષ્ય વસવાટની આસપાસ કે જયાં ઉંદરો પુષ્કળ હોય ત્યાં બધે દેખાય છે. ઉંદરના દર, રાફડાઓ, વૃક્ષોના પોલાણોમાં, ઈંટો, પત્થરોનાં ઢગલામાં રહે છે.

ખુબ જ ચપળ અને સ્ફુર્તીલો એવો આ સાપ જરાક અમસ્તો છંછેડાતાં હુમલો કરવા તત્પર થઈ જાય છે. તેની પાંસળીઓ ફેલાવી અધ્ધર થઈ જાય છે. નસકોરાં વાટે, ફેફસાંની મદદથી જોરથી હવા બહાર ફેંકી ફુત્કારે છે, ફુંફાડે છે અને ખુબ જ આવેગથી હુમલો કરે છે. આપણે ત્યાં સાપ દંશથી મૃત્યુ પામતાં કીસ્સાઓમાં સહુથી વધુ આ સાપના દંશ કારણભુત હોય છે, તેનું વીષ ન્યુરોટોકસીક અસરો ઉપજાવતું છે. જ્ઞાનતંતુઓને અસર કરે છે. જો યોગ્ય સારવાર ન અપાય તો તેનું થોડુંક વીષ પણ પ્રાણઘાતક બની શકે છે.

મુખ્ય ખોરાક ઉંદર છે, પણ કર્તરનાર પ્રાણીઓ (rodent), પક્ષીઓ (ખાસ કરી મરધીનાં બચ્ચાં), ઈંડા અન્ય સાપ, તેનો મુખ્ય ખોરાક છે.

તેઓ વસંત ઋતુમાં સંવનન કરે છે. ઘણીવાર બે નર નાગ, પોતાની મહત્તા સીધ્ધ કરવાં “યુધ્ધ” કરતાં હોય છે. ઘણીવાર તે વખતે, તેમનો તાલમેલ એવો હોય છે કે તેઓ આપણને નૃત્ય કરતાં લાગે છે. આવું ઘણીવાર, કલાકો સુધી ચાલે છે. એક વખત એક નર શરણાગતી સ્વીકારી લે પછી તેનો અંત આવે છે. વરસાદની શરુઆતમાં પ્રજનન થાય છે. એક પ્રજનનમાં 12થી 30 ઈંડા મુકે છે. માદા ઈંડા સેવવા પુરતી જવાબદારી નીભાવે છે. જયાં સુધી ઈંડા સેવાઈને બચ્ચાં બહાર નથી આવતાં ત્યાં સુધી માદા ત્યાં જ રહે છે. ફકત ખોરાક શોધવા પુરતી બહાર જાય છે. લગભગ 55થી 60 દીવસનાં સેવનકાળ પછી બચ્ચાં બહાર આવે છે. તરતનાં બહાર આવેલા બચ્ચાં પણ અધ્ધર થઈ શકે છે, પાંસળીઓ ફેલાવી શકે છે અને દંશી શકે છે. જે ઘાતક પણ નીવડી શકે છે. બચ્ચાં ચોમાસામાં બહાર આવતાં હોઈ પુષ્કળ ખોરાક મળી રહે છે. લગભગ 4 વર્ષની વયે તો તે 4 ફુટથી 5 ફુટની લંબાઈ સુધી પહોંચી જાય છે.

જન્મ સમયે બચ્ચાની લંબાઈ 12 ઈંચ જેટલી હોય છે. આ સાપની સરેરાશ લંબાઈ 39 ઈંચ હોય છે. મહત્તમ લંબાઈ 7 ફુટ 3 ઈંચ નોંધાઈ છે. સમગ્ર ગુજરાતમાં જોવા મળે છે.

47. મલાક્કા દરીયાઈ સાપ, બહુદંતી દરીયાઈ સાપ
Malacca Sea Snake, Many–toothed Sea Snake, Dwarf Sea Snake (Hydrophis caerulescens)

શરીરનો ઉપરનો ભાગ ઘટ્ટ ભુરો – કાળાશ પડતો હોય છે. જેની ઉપર 40થી 60 પીળા પટ્ટા હોય છે. આવા પટ્ટા શરીરની મધ્યમાં પાતળા અને પડખામાં જતાં પહોળા થતા જાય છે. સાપ જુવાન હોય છે ત્યારે આવા પટ્ટા ઘટ્ટ હોય છે, જે સાપની ઉમ્મર વધતાં ઝાંખા થતાં જાય છે. પેટાળ ઝાંખુ પીળું કે ગંદુ સફેદ હોય છે. પેટાળમાં પણ શરીરની ઉપરના ભાગમાં હોય છે તેવા જ પટ્ટા હોય છે. પડખામાં આવા પટ્ટા થોડા ઉપસેલા હોય છે. શરીરની ઉપરના ભીંગડા ષષ્ટકોણીય અને છાપરા પરના નળીયાની જેમ એકબીજાને દબાવતા હોય છે. જે પેટાળના ભીંગડા કરતાં લગભગ બમણાં મોટા હોય છે. માથું સપ્રમાણ, મોભનો ભાગ થોડો સાંકડો અને દબાયેલો હોય છે. આખું શરીર પણ સપ્રમાણ જાડાઈનું લાગે છે. અલબત્ત આગળનો ભાગ થોડોક પાતળો હોય છે. માથું ગળા કરતાં સહેજ પહોળું હોય છે. આંખોની આસપાસના ઘટ્ટ કાળા કે ભુખરા રંગમાં પીળા રંગની બે આડી રેખાઓ અને ધબ્બા હોય છે. આંખો મધ્યમ કદની છે. જેનો રંધ્રનો રંગ કાળો હોય છે. શરીરની ઉપરના મધ્ય ભાગમાં 31થી 43 ભીંગડા હોય છે. પેટાળના ભીંગડા 253થી 334 હોય છે. આ સાપની મહત્તમ લંબાઈ 42 ઈંચ નોંધાઈ છે.

ઈલાપીડે કુળનો સાપ છે. વીષની અસરો ન્યુરોટોક્ષીક છે.

ખોરાકમાં માછલી મુખ્ય છે, બચ્ચાં જણતો સાપ છે. બીજા દરીયાઈ સાપ જેવો જ દેખાતો હોઈ ઓળખવો સરળ નથી.

સમગ્ર ગુજરાતના દરીયાકાંઠાઓમાં જોવા મળે છે; પણ સામાન્ય નથી.

48. કેન્ટરનો સાંકડા માથાનો દરીયાઈ સાપ ઝેરી
Cantor’s Narrow headed Sea Snake (Hydrophis cantoris)

માથું ખુબ નાનું અને સાંકડું હોય છે. કાયા પાતળી, લાંબી છે અને તેમાંય આગળનાં ભાગમાં વધુ પાતળી હોય છે. તેનાં શરીરની મધ્યનો સહુથી પહોળો ભાગ, ગળા કરતાં 3થી 5 ગણો મોટો હોય છે. ઉપરના જડબાંનો મોભનો ભાગ, નીચેના જડબાં કરતાં આગળ હોય છે. આંખો પ્રમાણસર છે. નસકોરાં પ્રમાણમાં મોટા છે.

ઘટ્ટ લીલો બદામી કે ભુખરો વાન ધરાવે છે. તેની ઉપર પીળાં પટ્ટા હોય છે, જે પુંછડી તરફ પટ્ટા સ્વરુપે ન રહેતાં, ટપકાં સ્વરુપે હોય છે. શરીર ઉપર કાળા પટ્ટા હોય છે, જે યુવાન સાપમાં ઘટ્ટ હોય છે. જે ઉમ્મર વધતા પીળા થતાં જાય છે, અને દેખાતાં પણ નથી હોતાં. પેટાળનો ભાગ પીળો હોય છે. ક્યારેક પેટાળમાં લાંબી રેખાઓ હોય છે. યુવાન સાપને માથું કાળું હોય છે. પુખ્ત સાપનું માથું ભુખરું કે પીળુ કે લીલું હોય છે.

શરીરનાં મધ્યભાગમાં મહત્તમ 48ની હરોળમાં ભીંગડાં હોય છે. પેટાળનાં ભીંગડાં 404થી 468 સુધી હોય છે. ખુબ જ ચપળ તરવૈયો છે. ઝેર ઘાતક હોય છે, પરન્તુ સ્વભાવે આક્રમક નથી. માછલીઓ મુખ્ય ખોરાક છે. બચ્ચાં જણતો સાપ છે. આ સાપની મહત્તમ લંબાઈ 6 ફુટ 3 ઈંચ જેટલી હોય છે.

ગુજરાતના દરીયાકાંઠાઓનો દુર્લભ સાપ છે.

49. મલાબાર દરીયાઈ સાપ ઝેરી
Short Sea Snake, Show’s Sea Snake, Malabar Sea Snake (Lapemis curtus)

નાની, પણ મજબુત કાયા ધરાવતો સાપ છે. તેનું મોટું માથું એકદમ બુદું થઈ જતું જણાય છે. માથું ગળા કરતાં પહોળું નથી હોતું, પીળો બદામી વાન ધરાવે છે, તેની ઉપર 45 જેટલાં કાળા કે ઘટ્ટ ભુખરા પટ્ટા હોય છે. આવા પટ્ટા શરીરની મધ્યમાં પહોળા તો પેટાળમાં જતાં સાંકડાં થઈ જાય છે. પેટાળ પાસે જતાં આવા સાંકડા પટ્ટા ઉપસેલાં લાગે છે. પીઠ ઉપરના પહોળાં થતાં પટ્ટા ક્યારેક એકબીજાની સાથે જોડાઈ જતાં લાગે છે. માથા ઉપર કાળા ટપકાં હોય છે. યુવાન સાપનું માથું પટ્ટાઓ જેવું કાળું હોય છે. પુંછડી કાળી તથા ચપટી હોય છે. પેટાળ પીળાશ પડતું સફેદ હોય છે.

શરીરના મધ્યભાગના ભીંગડાં નર સાપમાં મહત્તમ 39ની હરોળમાં જયારે માદા સાપનાં ભીંગડાં મહત્તમ 43ની હરોળમાં હોય છે. પેટાળના ભીંગડાં નર સાપમાં 154થી 168 અને માદા સાપના 160થી 194 હોય છે.

મુખ્યત્વે નીશાચર છે. ખુબ સારું તરી શકતો આ સાપ જમીન ઉપર ધીમી ચાલે, ખેંચાતો ચાલતો લાગે છે. કીનારાનાં છીછરા પાણીમાં મળી આવે છે, કયારેક દરીયાને મળતી મીઠા પાણીની નદીમાં ઠેઠ સુધી જોવાય છે. એકદમ નરમ પ્રકૃતીનો સાપ છે, તેનુ વીષ ન્યુરોટોકસીક અસરો ઉપજાવે છે.

મુખ્ય ખોરાક માછલીઓ છે. બચ્ચાં જણતો સાપ છે. એક પ્રજનનમાં 3થી 6 બચ્ચાં જણે છે. બચ્ચા જન્મ સમયે 14 ઈંચ જેટલાં હોય છે. જયારે મહત્તમ લંબાઈ 34 ઈંચ નોંધાઈ છે.

સમગ્ર ગુજરાતનાં દરીયાકાંઠે મળી આવે છે.

અજય દેસાઈ

પ્રકૃતી અને પર્યાવરણપ્રેમી શ્રી. અજય દેસાઈનો ગ્રંથ ‘સર્પસન્દર્ભ’ (પ્રકાશક : પ્રકૃતી મીત્ર મંડળ, ‘પ્રકૃતી ભવન’, અમૃતવાડી સોસાયટી પાસે, રેલ્વે સ્ટેશન રોડ, દાહોદ – 389 151 સેલફોન : 98793 52542 ઈ.મેલ : pmm_dhd@yahoo.com  છઠ્ઠી આવૃત્તી : એપ્રીલ, 2017 પાનાં : 250, કીમ્મત : રુપીયા 250/–)માંથી લેખક, પ્રકાશક અને તસવીરકારોના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : શ્રી. અજય મહેન્દ્રકુમાર દેસાઈ, 24, ‘પ્રકૃતી’, વૃંદાવન સોસાયટી, માર્કેટ રોડ, દાહોદ – 389151 સેલફોન : 94264 11125 ઈ.મેલ : desaiajaym@yahoo.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેલ : govindmaru@gmail.com

1 Comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s