ખળભળતી નદીઓ થઈ વહીશું

‘સાત પગલાં આકાશમાં’ કે ‘સળગતી હવાઓ’ કે ‘બત્રીસ પુતળીની વેદના’ને તે વળી સાહીત્ય કહેવાય?” નારીવાદી, ઉગ્રવાદી’ રચનામાં ‘સૌન્દર્ય’ હોય? એમ કહી સમાજનાં અને સાહીત્યનાં સ્થાપીતહીતોએ સીધી યા આડકતરી રીતે આવા જોખમ ખેડનારાઓની અભીવ્યક્તીને રુંધી છે?

ખળભળતી નદીઓ થઈ વહીશું

– સરુપ ધ્રુવ

સ્ત્રી એટલે બોલકું પ્રાણી, વાતોડીયું જણ, વાતવાતમાં પલપલીયાં પાડીને કે ખી… ખી… હસીને મનનાં દુઃખ – સુખને સપાટામાં બહાર કાઢી નાંખનારું માણસ; બીલાડીના પેટમાં ખીર ના ટકે ને બૈરાંના પેટમાં વાત ના ટકે… આવું બધું આપણે વારસામાં શીખતાં, માનતાં, વર્તતાં આવ્યાં છીએ. લાગે તે કહી દેવું ને ટાણું કટાણું ના જોવું એ સ્ત્રીસ્વભાવ છે– એવું પણ જગવીખ્યાત સત્ય છે; છતાં સ્ત્રીના અવાજનું કેટલું ઉપજે છે એ તો આ સમાજ જ જાણે!

એક રીતે જોઈએ તો સર્જન ને ઉત્પાદનની પ્રક્રીયામાં સ્ત્રી સમુદાયનો મોટો ફાળો રહ્યો છે. શ્રમ અને આર્થીક પ્રવૃત્તી સાથે પણ સ્ત્રીને સાંકળ્યા વગર છુટકો નથી રહ્યો. અડધી દુનીયા રોકીને ને અડધું આકાશ સાહીને ઉભેલી સ્ત્રીની વાતના વજુદને, આમ છતાં આ સમાજે ક્યાં વીસાતમાં ગણ્યું છે?!

બીજી તરફ જોઈએ તો આર્થીક પ્રવૃત્તી અને શ્રમ સાથે સંકળાયેલી સ્ત્રીઓ, જેને ‘એસ્થેટીકલ’ કહેવાય એવું સર્જનપ્રદાન કરતી જ રહી છે. જગતભરના લોકસાહીત્યની જનેતા સ્ત્રી છે. જન્મ પહેલાંથી માંડીને, મરણ પછી પણ ગવાતાં ગીતો, હાલરડાં, મરસીયા, ખાંપણા, રાજીયા, જોડકણાં, ફટાણાંની સર્જક છે સ્ત્રીઓ, અસંખ્ય ગરબા, રાસ, રાસડા, ગરબીઓ, ભજનો, પદોની સર્જક છે સ્ત્રીઓ. લોકસાહીત્ય, લોકસંગીત, લોકકળાઓના સર્જનમાં સ્ત્રીનો ‘સીંહણ–ફાળો’ કેવી રીતે નજરઅંદાજ કરી શકાય? … પણ એ સઘળા સાહીત્યની આ સર્જકો અનામી છે, નામહીન છે, ચહેરાવીહીન છે. લોકસાહીત્યની આ સર્જક બહેનો ‘ટોળું’ છે, ‘બૈરાં’ છે.

એ મધ્યકાળ હોય – ભક્તીયુગ હોય – સામંતીયુગ હોય – સામ્રાજ્યવાદી યુગ હોય… કે પછી આજની મુડીવાદી – બજારચાલીત કહેવાતી લોકશાહીનો યુગ હોય… જે તે કાળનાં પરમ્પરાવાદી અને પીતૃપ્રધાન મુલ્યોએ સ્ત્રીને વ્યક્ત તો થવા દીધી છે પણ એની અભીવ્યક્તી ઉપર મહોર નથી મારી, ગણતરીમાં નથી લીધી, દુય્યમ દરજ્જો (સેકન્ડરી સ્ટેટસ) જ આપ્યું છે. આજની તારીખમાં પણ શાળા–મહાશાળાઓમાં પણ લોકસાહીત્યને સાંસ્કૃતીક દસ્તાવેજ તરીકે નહીં પણ સામુદાયીક અભીવ્યક્તી તરીકે જ શીખવાડાય છે ને એમાંની સામગ્રીને માત્ર ‘ભાવાભીવ્યક્તી’ના રુપે જ જોવાય છે. આ બધું ‘રોણું’ ને ‘ગાણું’ સાચા માપદંડોથી મુલવવા બેસીએ તો આપણી કહેવાતી મહાન સંસ્કૃતીના પડ પડમાં પડેલાં અન્યાય અને શોષણ સાવ જ ઉઘાડા પડી જાય! યાદ આવે છે ને પેલું લોકગીત… વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ !..

વ્યક્તીગત સાહીત્યસર્જન (શીષ્ટ સાહીત્ય)ની વાત કરીએ ત્યારે આપણી સ્ત્રી–સર્જકો સામે ‘સામાજીક સેન્સરશીપ’નો હાઉ સતત ખડો થતો રહે છે એની વાત કરવી જરુરી છે. સામાજીક સેન્સરશીપનું એક વરવું રુપ છે ‘સેલ્ફ સેન્સરશીપ’, ‘હું આવું લખીશ તો મારા ઘરની આબરુ તો નહીં જાય ને?’ ‘સ્ત્રી થઈને અમુક ભાવ – લાગણી – વૃત્તીઓની વાત ન કરાય!’ ‘સ્ત્રી તો સુરુચી ને સુનીતીની રખેવાળ કહેવાય’. આવા વીચારોથી લગભગ દરેક લેખીકાની કલમ ઉપર બેડીઓ જકડાઈ જતી હોય છે. ખાસ કરીને વ્યક્તીગત ઈચ્છાઓ – અસંતોષ – જાતીયભાવોનું નીરુપણ કરવામાં આ ખચકાટ બહુ મોટો અવરોધ બની રહે છે. આજે એકવીસમી સદીમાં પણ આપણા સમાજમાંથી વડીલશાહી, પુરુષપ્રધાન, પુરાતન મુલ્યોની જડતા નથી ઓસરી; ત્યારે એ પણ ન ભુલવું જોઈએ કે સ્ત્રી પોતે પણ આ જ મુલ્યોની પેદાશ છે. જાણ્યેઅજાણે આ મુલ્યો–વલણોની સામે થવા કરતાં એમાં જ સલામતી માની લેવાની શાહમૃગવૃત્તી એક સ્વાભાવીક બાબત છે. એની સામે અવાજ ઉઠાવનારની કાં તો અવગણના થાય છે, કાં તો તીરસ્કાર! વ્યક્તીગત અને સામુદાયીક અન્યાય, અત્યાચાર અને શોષણ વીશે સ્ત્રીસર્જક જો સાચુકલી વાત કરે, ખુદવફાઈથી કરે તો તો માત્ર કુટુંબવ્યવસ્થા જ નહીં; આ આખી ખોખલી, શોષણમુલક સમાજવ્યવસ્થા પણ હચમચી ઉઠે! આ ‘મારગ’ તો કપરો છે ને એટલે જ એના પર ચાલનારાં ઓછાં છે ને જે ચાલે છે એમની હામને ભાંગી નાખવાના પ્રયાસો પણ અનેકગણા થાય છે. કમલા દાસ કે આશાપુર્ણાદેવી, મહાશ્વેતાદેવી કે નાદની ગોદનીમૅર, માયા એન્જેલો કે સીલ્વીયા પ્લાથ બની રહેવું કંઈ સહેલું નથી! કદાચ આવા જોખમ ઉઠાવવાનું આપણી સુઘડ, ઠાવકી, ઠરેલ ગુજરાતી લેખીકાબહેનો ભાગ્યે જ પસન્દ કરે છે… “મીરા યાજ્ઞીકની ડાયરી” પછી નામ લખી શકાય એવું વ્યક્તીગત ભાવાનુંભવોનું બીજું પુસ્તક ક્યાં છે આપણી પાસે?!…

આવી હીમ્મત કરનારી લેખીકાઓને ‘સાહીત્યકાર’ કે ‘સર્જક’ જ ન ગણવી ને સાહીત્યજગતમાંથી એમનો કાંકરો જ કાઢી નાખવો… એ બીજા પ્રકારની સેન્સરશીપ છે… જેને ‘સાહીત્ત્યીક સેન્સરશીપ’ કહીશું. એના મુળમાં પણ પેલા પુરાતન – વડીલશાહી – પુરુષપ્રધાન મુલ્યો જ છે. સાહીત્યજગત આ મુલ્યોની છડેચોક લ્હાણ કરી રહ્યું છે. એની સામે મુક્કી વીંઝનારું કોઈ ‘સાત પગલાં આકાશમાં’ કે ‘સળગતી હવાઓ’ કે ‘બત્રીસ પુતળીની વેદના’ લઈને આવે છે ત્યારે “આને તે વળી સાહીત્ય કહેવાય?” – એમ કહીને આઘું મેલવાની વાત કંઈ હવે નવી નથી રહી! આ તો ‘નારીવાદી’ છે, આ તો ‘ઉગ્રવાદી’ છે, એમની રચનામાં ‘સૌન્દર્ય’ ક્યાં છે? – એવા પ્રહારો સાહીત્યના રજવાડાના મહારથીઓ છાશવારે કરતા રહ્યા છે. પોતાનું આસન ડોલી ઉઠે, જૈસે–થે પરીસ્થીતી હાલવા લાગે એવું સર્જન લઈને કોઈ સ્ત્રી આવે ત્યારે એને બીનસાહીત્યીક ઠરાવી દેવું એ હાથવગું હથીયાર છે. પેલી લેખીકા એનાથી ઘવાય મરણતોલ થાય ને લખતી જ બંધ થઈ જાય એવું પણ બને છે. કાં તો પછી ‘એ લોકો’ની ભાષા બોલતી થઈ જાય, ‘એ લોકો’ને રાજી રાખતી થઈ જાય ને ચંદ્રકો – ઍવોર્ડો સ્વીકારતી થઈ જાય – પદવીઓ સંભાળતી થઈ જાય એવું પણ બને! જે તમારી સામે વીદ્રોહ ઉઠાવે એને કાં તો મારી નાખો, કાં તો ખરીદી લો… બસ, આ જ સહેલો રસ્તો છે કોઈક સર્જકને ખતમ કરી નાખવાનો.

અલબત્ત, આ ‘કારહો’ કંઈ સ્ત્રીસર્જકો સામે જ અજમાવાય છે એવું નથી. આપણા સમાજમાં જેને જેને પછાત રાખવામાં આવ્યા છે, બોલવા દેવામાં નથી આવ્યા, વીરોધ કરવા દેવામાં નથી આવ્યા… એવા તમામ સમુદાયોની આ સ્થીતી છે. સમાજનાં અને સાહીત્યનાં સ્થાપીતહીતોએ સીધી યા આડકતરી રીતે આવા જોખમ ખેડનારાઓની અભીવ્યક્તીને રુંધી જ છે. આ દૃષ્ટીએ જોતાં પ્રશ્ન ઉઠે છે કે તસલીમા નસરીન, દીપા મહેતા, કમલા દાસ, સુમા જોસન જેવાં વીદ્રોહી સર્જકો જન્મ–જાતે ‘સ્ત્રી’ છે તેથી જ તેમના ઉપર તવાઈ આવી હશે કે પછી એમની સાચુકલીદૃઢ, ન્યાયપરક અને પ્રગતીશીલ વીચારસરણીને કારણે? જો કે એટલું ચોક્કસ કે આ વીકૃત સમાજને ‘સ્ત્રી’ સામે કાદવ ઉછાળવાનો જે પાશવી આનન્દ આવે છે તે અનોખો (!) હોય છે… છતાં સર્જકોના અભીવ્યક્તીસ્વાતન્ત્ર્યના મુદે આ પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયાસ કરવો બહુ જરુરી છે કે સમાજનાં સ્થાપીત, જડસુ, પુરાતનપંથીઓ અને સત્તાખોરોને કાંકરી ક્યાં ખુંચે છે?!

સાથે સાથે સર્જકબહેનો સાથે પણ સંવાદ છેડવા – છંછેડવા જેવો છે કે સૌને રાજી રાખવાની આપણી જુગજુની ટેવ, સર્જન જેવું ગંભીર કાર્ય હાથ પર લીધા પછી પણ કેમ નથી છુટતી? આપણી વૈયક્તીક ગુંગળામણોમાંથી બહાર ડોકીયું કરીને, બીજા આવા જ રુંધાયેલા અને પીડીત સમુદાયો પ્રત્યે સંવેદનશીલ બનીને, એમની સાથે મળીને ‘સાચાં સર્જક’ બનવાનું શરુ કરીએ, તો પેલાં બંધન – બેડીની તે શી વીસાત છે ભલા?! આ જ સમય છે, આ જ વખત છે જ્યારે સાહીત્ય – સમુહ માધ્યમો – શીક્ષણ અને સાંસ્કૃતીક અભીવ્યક્તીના તમામ ક્ષેત્રો ઉપર ફાસીવાદી મુલ્યો – વલણો અને અમલનો સકંજો મજબુત બનવા માંડ્યો હોય ત્યારે… સમાજનાં સૌથી વધુ સંવેદનશીલકલ્પનાશીલ અને સક્ષમ સર્જકોએ આગળ આવીને, એક બનીને, પોતપોતાની રીતે વીદ્રોહ અને પરીવર્તનના અક્ષર આલેખવાનો.

– સરપ ધ્રુવ

લેખક–સમ્પર્ક : સરપ ધ્રુવ, 4, લલીતકુંજ સોસાયટી, વીંગ. 1, સ્વસ્તીક ચાર રસ્તા પાસે, નવરંગપુરા, અમદાવાદ-380 009 ફોન : (R) (079) 2644 4066 (O) 2681 5484 ઈ-મેલ : saroop_dhruv@yahoo.co.in  

શ્રી રમેશ સવાણી સમ્પાદીત નદીની મોકળાશ કાંઠા વચ્ચે’ પુસ્તીકા (સમ્પાદક–પ્રકાશક : ‘માનવવીકાસ ટ્રસ્ટ, ગુજરાત’ 10, જતીન બંગલો, ફાયર સ્ટેશન રોડ, બોડકદેવ, અમદાવાદ – 380 054, ઈ–મેલ : rjsavani@gmail.com )માંથી, લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ  ઈ–મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ :  18/03/2022

5 Comments

  1. ખૂબ જ હૃદયસ્પર્શિ, સ્ત્રિની વેદનાને ઉજાગર કરનાર, આસ્થાની હકીકત વર્ણનાર.

    Liked by 1 person

  2. સાંપ્રદાયિક ફાસીવાદ ના આ સમય માં વીદ્રોહ અને પરીવર્તન ની અભિવ્યક્તિ સાથે સમાનતા ના અક્ષર આલેખવાનો આ સમય છે.

    Liked by 1 person

    1. Very nicely described gender differences since ages & of femine power raise voice how it’s supressed….further writer applied it to any downtrodden same technique to supress him.
      In this condition either one is supressed or converted to dominating power .
      First it’s very very difficult to outstand even in this 21st century of male dominant society.

      Liked by 1 person

  3. સાહિત્ય ક્ષેત્રે ‘ભૂચાલ’ લાવવાની હિંમત સ્ત્રીમાં છે ! “સાત પગલાં આસમાન”, 
    વાંચીને પહેલી નવલકથાનું સર્જન કર્યું હતું .
    ‘એક ડગ ધરા પર’ .
     તમારા અભિપ્રાય આવકાર્ય છે.  આ ઊંઝા જોડણી, આંખોને રુચી નથી !

    Liked by 1 person

  4. મહિલા વેદનાને ઉજાગર કરનાર પ્રેરણાદાયી લેખ બદલ ધન્યવાદ

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s