આપણી આજુબાજુ સ્વાર્થી લોકોનું જમઘટ હોય ત્યારે ની:સ્વાર્થ સેવા કરનારા લોકો બહુ જુજ હોય છે. પરન્તુ ખુશીની વાત છે કે ગરીબોની સેવાના ભેખધારીઓ છે એટલે જ આપણું આ જગત જીવવા લાયક છે.
ગરીબોની અસલ સેવા કરતું દવાખાનું
–ફીરોજ ખાન
હૈ તેરે જહાંમેં લોગ કૈસે, કૈસે.
દોસ્તો, ગરીબોની અનેક રુપે સેવા કરનારાઓ અસંખ્ય છે. આ અગાઉ ‘વ્યક્તી વીશેષ’ કૉલમમાં સેવાભાવી લોકો વીશે ઘણું લખાયું છે. મને એમના વીશે લખવું ગમે છે કારણ કે, જ્યાં આપણી આજુબાજુ સ્વાર્થી લોકોનું જમઘટ હોય ત્યારે ની:સ્વાર્થ સેવા કરનારા લોકો બહુ જુજ હોય છે. પરન્તુ ખુશીની વાત છે કે આવી સેવાના ભેખધારીઓ છે એટલે જ આપણું આ જગત જીવવા લાયક છે.
જો તમને યાદ હોય તો અમુક મહીનાઓ પહેલાં મેં એક લેખ લખ્યો હતો ‘પાંચ રુપીયાવાળા ડૉક્ટર.’ વાચકમીત્રોએ આ લેખ ખુબ પસંદ કર્યો હતો. આજે પણ લોકો આ લેખ અને ડૉ. શ્યામલ ચેટર્જીને યાદ કરે છે. (સ્રોત : https://govindmaru.com/2021/04/30/firoz-khan-4/ ) ત્યારબાદ મેં મુમ્બઈ સ્થીત શ્રી સાવલાભાઈ વીશે પણ એક લેખ લખ્યો હતો જેમાં તેઓ છેલ્લા 30 વર્ષોથી ટાટા કેન્સર હોસ્પીટલમાં ઈલાજ માટે આવતા દર્દીઓના સાગાસંબંધીઓને બે વખતનું જમવાનું મફત આપે છે એમના વીશે પણ લખેલું. એ લેખ પણ વાચકમીત્રોને ખુબ પસંદ પડેલો.
જુવાનીથી મને એક શૉખ છે. આવા અને સમાજ માટે સેવા આપનારાઓ વીશે લખવાનો. મારા અન્ય મીત્રો સેલેબ્રીટીઓ વીશે લખતા હોય છે કારણ કે ત્યાં એમને પરબીડીયાં મળતાં હોય છે. હું કોઈ દીવસ પરબીડીયાં પાછળ ગયો નથી. ફેમસ કાર્ટુનીસ્ટ આર. કે. લક્ષમણની જેમ મારા માટે સામાન્ય જન ‘હીરો’ કે ‘હીરોઈન’ છે. એ સીવાય એમની સેવાઓને મીડીયામાં ઉજાગર કરવી એમ મારુ માનવું છે કારણ કે એમનો એટલો તો હક બને છે. તદુપરાંત મારો બીજો ધ્યેય એ છે કે જો કોઈ વ્યક્તી આવા લોકોની સેવાઓથી પ્રભાવીત થાય, કોઈ એક વ્યક્તી પણ આવી સેવા કરવા આગળ આવે તો હું સમજીશ મારા લેખો કામે લાગ્યા.
આજે આપણી સમક્ષ એક પારીવારીક ટ્રસ્ટની જનસેવાઓની વાત કરવી છે. આ ટ્રસ્ટ ગુજરાતના પાલનપુરમાં 1979થી એક દવાખાનું ચલાવે છે. આ દવાખાનું આમ તો ગરીબ લોકો માટે છે; પરન્તુ ઘણાબધા મધ્યમ વર્ગના અને પૈસાવાળા પણ આ ટ્રસ્ટની સેવાઓનો લાભ લઈ રહ્યા છે. એનું મુખ્ય કારણ ત્યાં મળતી મફત સેવાઓ જ નથી; પરન્તુ ક્વૉલીટી સેવાઓ મળે છે એ છે.
પાલનપુરમાં આવેલું આ દવાખાનું કોઠારી પરીવાર દ્વારા સ્થાપીત અને ‘કોઠારી ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા ચલાવામાં આવે છે. આ દવાખાનું 1979થી ખુબ જ સારી સેવા આપી રહ્યું છે. જે લોકો ડૉક્ટરોની સો, બસ્સો રુપીયાની ફીસ પણ ચુકવવાને શક્તીમાન નથી તેવા ગરીબ દર્દીઓ અહીં આવે છે. હા, અમુક સધ્ધર લોકો પણ આ સેવાનો લાભ લે છે.
આ દવાખાના વીશે એક ખાસ વાત જણાવવાની કે અહીં સમ્પુર્ણ પ્રશીક્ષીત સ્ટાફ દ્વારા નીયમીત બીમારીઓનો ઈલાજ એક ફુલ્લી ક્વૉલીફાયડ ડૉક્ટર દ્વારા થાય છે. આ દવાખાનનાની શરુઆત જયારે 1979માં થઈ, ત્યારે પાલનપુર અને આસપાસના ગામડાઓમાં રહેતાં ગરીબો કે અન્ય પાસેથી એ સમયના ફક્ત ચાર આના લઈને ઈલાજ થતો. આજે ફક્ત એક રુપીયામાં ઈલાજ થાય છે; પરન્તુ લોકો આજે પણ એને ‘ચાર આનાનું દવાખાનું’ કહે છે. ડૉક્ટર જે દવા લખી આપે છે તે ગરીબોને મફત આપવામાં આવે છે. દવાખાનું ચલાવવા અને દવાઓ આપવાનું કામ ‘કોઠારી ચેરીટેબલ ટ્રસ્ટ’ કરે છે. હા, અહીં એક ચોખવટ કરવાની કે એક રુપીયો મુલાકાત દીઠ લેવામાં આવે છે. આજે આપણે કોઈ પણ ડૉક્ટર પાસે જઈએ ત્યારે સો–બસ્સો રુપીયા તો ડૉક્ટર સ્હેજમાં ચાર્જ કરે છે. આવા સમયે ફક્ત એક રુપીયામાં ડૉક્ટર દ્વારા તપાસ અને ઈલાજ કરવામાં આવે છે એ તો સહેજ માનવામાં પણ નહીં આવે.
શરુઆતમાં આ દવાખાનું ડૉ. રમણીકભાઈ એસ. કોઠારી ચલાવતા. ત્યારબાદ લગભગ 20 વર્ષો સુધી ડૉ. કાંતીભાઈ મેહતાએ સેવાઓ પુરી પાડી. અત્યારે ડૉ. બેલાબહેન ત્રીવેદી સેવાઓ આપી રહ્યા છે. ડૉ. બેલાબહેનના જણાવ્યા મુજબ આ દવાખાનામાં રોજના 100થી 200 દરદીઓ સેવા લેવા આવે છે. ઘણા લોકો આર્થીક રીતે પ્રાઈવેટમાં ઈલાજ કરાવવા સક્ષમ હોવા છતાં અહીં આવે છે કારણ કે એમને અહીંના ઈલાજમાં સમ્પુર્ણ ભરોષો છે.
આજના આર્થીક રીતે કપરા સમયમાં આટલા સસ્તા દરે સરસ સેવા આપવાનું ભાગીરથી કાર્ય ‘કોઠારી ચેરીટેબલ ટ્રસ્ટ’ કરી રહ્યું છે.
સલામ છે… આ ટ્રસ્ટને અને સેવા આપનારા ડૉક્ટરને તથા અન્ય સ્ટાફને…
ભારત કે જ્યાં ગરીબોની વસ્તી વધારે છે ત્યાં આવા દવાખાનાઓની સખત જરુરત છે. આપણે આશા કરીયે વધુ લોકો આગળ આવે.
–ફીરોઝ ખાન
કેનેડાના ‘ગુજરાત ન્યુઝલાઈન’ સાપ્તાહીકમાં પ્રગટ થતી વરીષ્ઠ પત્રકાર, લેખક અને સમાજસેવક જનાબ ફીરોઝ ખાનની લોકપ્રીય કટાર ‘પર્સનાલીટી’ (તા. 25 ફેબ્રુઆરી, 2022)માંથી લેખકના અને ‘ગુજરાત ન્યુઝલાઈન’ના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : Mr. Firoz Khan, 23 Duntroon Cres. Etobicoke, ON. M9V 2A1, CANADA સેલફોન : +1 416 473 3854 ઈ.મેલ : firozkhan42@hotmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.
અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 21–03–2022
ગરીબોની સેવા કરવી એ મહાન માનવ સેવા એ ખરો ધરમ છે..
LikeLiked by 1 person
ખુશીની વાત છે કે આવી સેવાના ભેખધારીઓ છે એટલે જ આપણું આ જગત જીવવા લાયક છે.
LikeLiked by 1 person
Very nice service of Humanity. Show must goon🙏👌🏻
LikeLiked by 1 person
Dr. D. U. Patel. આપના મત સાથે હુ સંપુરણ સહમત છુ .
LikeLiked by 1 person
‘ગરીબોની અસલ સેવા કરતું દવાખાનું’
મા ફીરોજ ખાનન્પ પ્રેરણાદાયી લેખ બદલ ધન્યવાદ
LikeLiked by 1 person