સેક્યુલરીઝમ : ભેળસેળ અને વીરોધાભાસ

જે દેશમાં મોટાભાગના લોકોને બે ટંક જમવાનું મળતું ન હોય ત્યાં ક્રીયાકાંડો ઉપર સેક્યુલર રાજ્યે ત્વરીત પ્રતીબંધ મુકવા જોઈએ, પરન્તુ આપણે ત્યાં ક્રીયાકાંડોને રાજ્ય તરફથી પ્રોત્સાહન આપવામાં આવે છે. મુખ્ય પ્રધાનો, વડા પ્રધાનો સરકારી ખર્ચે મસ્જીદો, મન્દીરોની મુલાકાત લે છે અને ધર્મગુરુઓને વંદન કરી અલૌકીક પ્રેરણાઓ મેળવે છે. આ મહાનુભાવો મંચ ઉપર સેક્યુલરીઝમની વાતો કરે છે.

સેક્યુલરીઝમ : ભેળસેળ અને વીરોધાભાસ

– રમેશ સવાણી
[નીવૃત્ત આઈ.પી.એસ.]

સેક્યુલર એટલે ઐહીક એવી સ્પષ્ટ વ્યાખ્યા હોવા છતાં આપણા રાજકીય પક્ષોએ પોતપોતાને અનુકુળ આવે તેવી સેક્યુલરીઝમની વ્યાખ્યા કરી છે. એક પક્ષ બીજાને સ્યુડો સેક્યુલર કહે છે, જગત માયા નથી એ જ સાચું છે. જ્યારે પરલોક માયા છે. ધાર્મીક શ્રદ્ધાઓ માયા છે તેથી તેમાં પડવાનું ન હોય, આ સેક્યુલર વીચાર બીલકુલ સ્પષ્ટ હોવા છતાં આપણે સેક્યુલરીઝમમાં ભેળસેળ કરી છે. સેક્યુલરીઝમને ખીચડી માનવામાં આવે છે. પરીણામે જુદાં જુદાં સેક્યુલરીઝમ જોવા મળે છે :

(1) હીન્દુ સેક્યુલરીઝમ, (2) મુસ્લીમ સેક્યુલરીઝમ, (3) માર્કસવાદી સેક્યુલરીઝમ, (4) ગાંધીવાદી સેક્યુલરીઝમ.

હીન્દુ સેક્યુલરીઝમ એટલે શું?

ભારતીય જનતા પક્ષ હકારાત્મક સેક્યુલરીઝમની વાત કરે છે. પોઝીટીવ સેક્યુલરીઝમ એટલે ‘સર્વધર્મ સમભાવ’ નહીં, પરન્તુ ‘બહુમતી ધર્મ માટેનો ભાવ’ એવો અર્થ તારવી શકાય. કોંગ્રેસ પક્ષે સેક્યુલરીઝમનો અર્થ ‘ગાંધીવાદી સેક્યુલરીઝમ’ એટલે કે ‘સર્વધર્મ સમભાવ’ એવો અર્થ કરેલો. આ અર્થની સામે ‘હકારાત્મક સેક્યુલરીઝમ’ એટલે કે ‘હીન્દુ સેક્યુલરીઝમ’નો વીચાર રજુ થયો. તેમાં ‘હીન્દુત્વ’ ઉપર ભાર મુકાયો. આ પ્રકારના સેક્યુલરીઝમને બહુમતીવાદી સેક્યુલરીઝમ તરીકે પણ ગણી શકાય. ઈંદીરાજીએ અંતીમ વર્ષોમાં વ્યુહાત્મક ‘હીન્દુ’ સેક્યુલરીઝમનો પ્રયોગ કર્યો. જેથી ભાજપ અને આર.એસ.એસ.ને યુક્તીપુર્વકનો પરાજય આપી શકાય. પંજાબમાં અકાલી દળ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ પ્રત્યેની તેમની નીતીમાં આ બાબત જોવા મળતી. રાજીવ ગાંધીએ બીજી મુદત માટેના પ્રચારની શરુઆત ભારતમાં ‘રામરાજ્ય’ની સ્થાપના પોતે કરશે તેવા વચનથી કરી હતી. આ પ્રકારનું બહુમતીવાદી સેક્યુલરીઝમ ભારતની આજની કટોકટીના મુળમાં રહેલું છે. બહુમતીવાદની આ અભીમુખતાએ લઘુમતીઓનાં રાજકીય સંગઠનોને આતંકવાદ, મુળભુતવાદ અને અલગતાવાદનું વલણ લેવા તરફ વાળ્યાં છે. મોટા ભાગના રાષ્ટ્રવાદી નેતાઓ એવું માનતા હતા કે હીન્દુવાદ પોતે લોકશાહી ધરાવતો હતો અને પ્રકૃતીએ સહીષ્ણુ તથા અનેકમતવાદી હતો તેથી તેનામાં કોમવાદની કે મુળભુતવાદની કોઈ સંભાવના જ નહોતી, પરન્તુ આ ભ્રમ છે. ‘હીન્દુત્વ’ કે ‘સંસ્કૃતી’ કે ‘ભારતીયતા’નો દાવો કરનારાં હીન્દુવાદી સંગઠનોએ અન્ધશ્રદ્ધાનો, વહેમોનો, ધાર્મીક શોષણનો વીરોધ ન થઈ શકે તેવું વાતાવરણ ઉભું કર્યું છે. અમુક ફીલ્મ સંસ્કૃતી વીરોધી છે કે ‘ભારતીય’ નથી તેમ કહીને થીયેટર ઉપર હુમલા કરવામાં આવે છે. હીન્દુ સંગઠનો અને ધર્મસંસદ કહે છે કે અયોધ્યા વીવાદમાં સુપ્રીમ કોર્ટનો નીર્ણય અમને બંધનકર્તા રહેશે નહીં. ‘પવીત્ર મુદાઓ’ અંગે નીર્ણય કરવાની કોર્ટને કોઈ સત્તા નથી.

આજે કોઈને કોમવાદી કે સામંતવાદી કહેવું તે તેને ગાળ દીધા બરાબરનું ગણાય છે, પરન્તુ સામાન્ય માણસને માટે કોણ સેક્યુલર અને કોણ કોમવાદી છે તે પારખી કાઢવાનું અઘરું છે. સેક્યુલરીઝમનો ભારતીય અર્થ ધર્મથી અલગ એવું સુચવતો નથી, પરન્તુ બહુમતીવાદી લોકશાહી માળખામાં સર્વધર્મ સમભાવ શીખવે છે. તેથી કોઈ વ્યક્તીની કે પક્ષની સેક્યુલરીટીને માપી શકાય તે સ્થીતી નથી, આથી કોમવાદી પક્ષો પોતાને રાષ્ટ્રવાદી તરીકે ઓળખાવે છે અને બહુમતીવાદી માળખામાં પોતાને સેક્યુલર ઠસાવે છે. હીન્દુ સેક્યુલરીઝમ રાષ્ટ્રીય એકતા ક્યારેય સ્થાપી શકે નહીં. કેમ કે ‘હીન્દુત્વ’માં આંતરવીરોધ છે. વેદ, ઉપનીષદ, ગીતા, બ્રાહ્મણસંહીતા, પુરાણ, આરણ્યક, મનુસ્મૃતી, કૌટીલ્યના અર્થશાસ્ત્રમાં કે તુલસી વગેરેમાં ક્યાંય હીન્દુ શબ્દનો ઉલ્લેખ જોવા મળતો નથી. પ્રાચીન ધર્મગ્રંથોમાં આ ધર્મનો વર્ણાશ્રમ અને બ્રાહ્મણધર્મ તરીકે ઉલ્લેખ થયેલો છે. અસમાનતાનું, અન્યાયનું મુળ અહીં છે. ‘હીન્દુત્વ’ વંશાનુગત શ્રમવીભાજન છે. આ બ્રાહ્મણવાદી માળખામાં ઉચ્ચ વર્ણોને શ્રમજીવી શુદ્રોનું પેઢી દર પેઢી ભવીષ્ય નક્કી કરવાનો એકાધીકાર મળે છે. આજનો દલીત પોતાનું ભાવી બ્રાહ્મણધર્મ દ્વારા નક્કી કરાવવા જરા પણ તૈયાર નથી. તે પોતે જ પોતાના ભવીષ્યનો નીર્માતા છે. આમ કરવામાં જો ‘હીન્દુત્વ’ તેની સામે આવશે તો ચોક્કસ તે ધર્માંતર કરશે. આમ ભારતને ‘હીન્દુ રાષ્ટ્ર’ બનાવવામાં આવે તો તેનું બંધારણ મનુસ્મૃતી અને કૌટીલ્યના અર્થશાસ્ત્રના આધારે ઘડવામાં આવે, બ્રાહ્મણો સીવાયની જ્ઞાતીઓને શીક્ષણથી વંચીત રાખવામાં આવે, બ્રાહ્મણ અપરાધ કરે તો તેને છોડી મુકવામાં આવે અને એવો જ અપરાધ જો શુદ્ર કરે તો તેના ટુકડા કરવામાં આવે, જનતન્ત્રની જગ્યાએ મનુતન્ત્ર આવે! ‘હીન્દુત્વ એટલે શું? વીરોધાભાસનો સમુહ. આર્યસમાજ મુર્તીપુજામાં, અવતારવાદમાં માનતો નથી. કોઈ જ્ઞાનની ગાદીમાં માને છે, તો કોઈ જન્મની ગાદીમાં માને છે. કોઈ નીરાકારમાં માને છે તો કોઈ આકારમાં માને છે. કોઈ દ્વૈતમાં માને છે તો કોઈ અદ્વૈતમાં માને છે. કોઈ ભગવાં વસ્ત્રોમાં માને છે તો કોઈ વસ્ત્રવીહીન દશામાં માને છે. આમાં એકતા કઈ રીતે શક્ય બને? ‘વૈદીક હીન્દુત્વ’ મુર્તીપુજા, અવતારવાદનો વીરોધ કરે છે, જ્યારે ‘પૌરાણીક હીન્દુત્વ’ અવતારવાદ અને મુર્તીપુજા ઉપર જ આધારીત છે. આ વીરોધાભાસ ‘ડબલ થીંક’ ગણાય. કોઈ પણ બીનપ્રગતીવાદી અને આપખુદ તન્ત્ર માટે એ જરુરી છે કે તે પરસ્પરવીરોધી એવાં બે વીધાનોને એકસાથે સ્વીકારે એટલું જ નહીં, એ બન્નેને સત્ય માને. ‘વીરોધાભાસનો વાંધો નહીં’ એ એમનો મુદ્રાલેખ છે, જે તેમને કોઈ પણ પ્રકારની આલોચનામાંથી છટકી જવાની છટકબારી પુરી પાડે છે. આવી સ્થીતી ‘હીન્દુત્વ’ની છે.

ધાર્મીક મુલ્યો ગરીબી સર્જે છે, તેથી શોષણ અને અન્યાય સહન કરવો પડે છે. હીન્દુઓ અધ્યાત્મવાદી છે. ભૌતીકવાદી નથી. અધ્યાત્મવાદીઓ યોગ, ભજન, કીર્તન, સત્સંગમાં સમય બગાડે છે. ગુઢતત્ત્વોની પુજા કરે છે. ‘સેક્યુલર સ્ટેટ’ ગરીબીને દુર કરવા વીજ્ઞાન અને ટેક્નોલૉજીનો ઉપયોગ કરે છે. જ્યારે અધ્યાત્મવાદીઓ ચમત્કારોમાં માને છે. સેક્યુલર સ્ટેટ પરલોકની ચીંતા કરવાને બદલે આ લોકની ચીંતા કરે છે. દરેક હીન્દુ ‘ધાર્મીક સંસ્કૃતી’નો ભોગ બનીને એમ માને છે કે તેણે પોતાનું જીવન પ્રભુભક્તી પાછળ ગાળવું જોઈએ. ‘ત્યાગ દ્વારા ભોગવ’ આ એક શબ્દપ્રપંચ છે. તક મળતાં જ અમાપ સમ્પત્તી કે સત્તા ભેગી કરવા સૌ પ્રયત્નશીલ રહે છે! હીન્દુ સંસ્કૃતી ઐહીક જીવનને નાશવંત માનીને તેની ઉપેક્ષા કરે છે. ઐહીક જીવન કરતાં પરલોક જીવન વધુ ઈચ્છવાયોગ્ય છે તેમ માનનાર ‘હીન્દુ ધર્મ’ ગરીબી દુર કરી શકે નહીં. હીન્દુ ધર્મ ભુતકાળલક્ષી છે. ભવીષ્યલક્ષી નહીં. ભુતકાળમાં રામરાજ્ય હતું અને હવે કળીયુગને કારણે દુ:ખો પડે છે તેમ હીન્દુઓ માને છે. હીન્દુ ધર્મ, હીન્દુ સંસ્કૃતી વીજ્ઞાન અને ટેકનોલૉજીનો વીરોધ કરે છે. 1901માં ભારતીય જનનું સરાસરી આયુષ્ય માત્ર 21 વર્ષનું હતું. તેમાંથી 61 વર્ષનું થયું તેમ છતાં આપણે વીજ્ઞાન અને ટેકનોલૉજીને શંકાની નજરથી જોઈએ છીએ. ‘હીન્દુત્વ’ પરમ્પરામાં માને છે. ધાર્મીક ગ્રંથોમાં લખેલી માન્યતાઓને પડકારવાનું આપણને સુઝતું નથી. કુદરતની પુજા કરીએ છીએ, કુદરત પર વીજય મેળવવાનું આપણને સુઝતું નથી. કુદરત માતા નથી. તે માનવજીવન પરત્વે તટસ્થ છે. હવે કેમ પ્લેગ, શીતળા, કોલેરામાં માણસો મરી જતા નથી? આ ધાર્મીક ચમત્કાર નથી, વીજ્ઞાનનો વીજય છે. ગાયત્રી મંત્રના જાપ જપવાથી અધ્યાત્મીકતાની કે પવીત્રતાની લાગણી થતી હશે, પરન્તુ તેનાથી ગરીબી દુર ના થાય. ધર્મસંસદથી સમાનતા ના આવે. પચાસ ટકાથી વધુ પ્રજા અભણ હોય ત્યાં સંસ્કૃતીની જ પુજા થાય, વીજ્ઞાનને સમજી ન શકે. આ કારણથી જ આપણે પરમાણુબોમ્બ, સેટેલાઈટ, સુપરકૉપ્યુટર બનાવી શકીએ છીએ, પણ આપણી ગરીબી દુર કરી શકતા નથી. આમ ‘હીન્દુત્વ’ કે ‘હીન્દુ સંસ્કૃતી’ હીન્દુઓને એક રાખી શકે નહીં, તેમની વચ્ચે અસમાનતા, અન્યાય, શોષણ જ વીસ્તૃત કરી શકે. આમ ‘હીન્દુત્વ’ કે ‘સાંસ્કૃતીક રાષ્ટ્રવાદ’ એ ‘રીલીજીયસ રીફોર્મીઝમ’ કહેવાય. સર્જક રમણ પાઠક કહે છે, મડદાની હજામત ન હોય, તેને તો બાળી નાખવાનું હોય!

મુસ્લીમ સેક્યુલરીઝમ એટલે શું?

જેવું હીન્દુઓનું હીન્દુત્વ એવું મુસલમાનોનું મુસ્લીમપણું, કબીર કહે છે : ‘હીન્દુન કી હીન્દુઆઈ દેખી તુરકન કી તુરકાઈ.’ ધર્મને આધારે રાષ્ટ્રનું નીર્માણ ન થઈ શકે તેનો પુરાવો પાકીસ્તાન છે. પાકીસ્તાનની રચના પછી મહમ્મદ અલી ઝીણા પ્રથમ વખત ઢાકા યુનીવર્સીટીની મુલાકાતે ગયા ત્યારે તેમણે કહેલું કે પાકીસ્તાનની લોકભાષા ઉર્દુ રાખવામાં આવશે. તરત જ હજારો વીદ્યાર્થીઓએ ઉગ્ર વીરોધ કર્યો અને બંગાળીને રાષ્ટ્રભાષા બનાવવાની માગણી કરી. આ મુસલમાનો થકી જ પાકીસ્તાનનું વીભાજન થયું અને બાંગલાદેશનું નીર્માણ થયું. ‘ઈસ્લામ’ બન્ને દેશોના વીભાજનને અટકાવી ન શક્યો. પાકીસ્તાનમાં મુહાજીરો, સીંધીઓ, પંજાબીઓ, પઠાણ, બલુચી વચ્ચે રાષ્ટ્રીયતાનો સંઘર્ષ ચાલુ છે. ઈસ્લામનું સુત્ર રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં કેમ મદદરુપ બનતું નથી? ઝીણાએ જે ભુલ કરી તે ભુલ ભારતને ‘હીન્દુ રાષ્ટ્ર’માં ફેરવવા માટે વીશ્વ હીન્દુ પરીષદ કરી રહી છે. ખીલાફત આંદોલનથી માંડીને શાહબાનું પ્રકરણ સુધીના ગાળામાં કોંગ્રેસે, ઈમામો અને મુલ્લાઓની સલાહ માનીને રુઢીચુસ્ત અભીગમ અપનાવ્યો, જે સામાન્ય મુસ્લીમની વીરુદ્ધ સાબીત થયો. સ્ત્રીની આગળ હીન્દુ કે મુસ્લીમ શબ્દ મુકવાથી એના અધીકારો છીનવાઈ જાય છે. મુસ્લીમ કાયદો પુરુષને વધુ પત્નીઓ કરવાની છુટ આપે છે અને છુટાછેડા લેવાની પણ છુટ આપે છે. તેથી મુસ્લીમ સ્ત્રી અને બીનમુસ્લીમ સ્ત્રી વચ્ચે અસમાનતા ઉભી થાય છે. અનેક મુસ્લીમ દેશોમાં બહુપત્નીત્વ પર પ્રતીબંધ છે. ભારતમાં આવો પ્રતીબંધ મુકવા સામે રુઢીચુસ્ત મુસ્લીમો વીરોધ કરે છે. સમય અનુસાર સમાજની પરીસ્થીતી અને આવશ્યકતા બદલાતી રહે છે. તેથી સમય સાથે ચાલવા માટે માન્યતાઓ, રીતરીવાજો અને કાયદાઓમાં ફેરફાર કરવો પડે. સમાન નાગરીક ધારો મુસ્લીમ મહીલાઓને ન્યાય અપાવી શકે. કોંગ્રેસ કે ભારતીય જનતા પક્ષની સરકારોએ સમાન નાગરીક ધારો ઘડવા નક્કર પગલાં ભર્યા નથી. સેક્યુલર સ્ટેટ આવું કામ પ્રથમ કરે. આ તો ધાર્મીક માન્યતાઓ છે. ધર્મગ્રંથોની વાતો છે તેથી માથું ન મરાય એવું સેક્યુલર સ્ટેટ કહી શકે નહીં. વાસ્તવમાં ધર્મમાં માથું મારે તે સેક્યુલર સ્ટેટ કહેવાય. મુલ્લાઓ કે મોરારીબાપુઓની કથાઓમાં પાંચ લાખ માણસોએ ભેગા થવું ન જોઈએ તેમ રાજય કહે તો તે સેક્યુલર કહેવાય. રથયાત્રા અને તાજીયાના ઘોંઘાટ, પ્રદુષણ ફેલાવતાં જુલુસો કાઢવાની ના પાડે તો સેક્યુલર કહેવાય. જે દેશમાં મોટાભાગના લોકોને બે ટંક જમવાનું મળતું ન હોય ત્યાં આ પ્રકારનાં ક્રીયાકાંડો ઉપર સેક્યુલર રાજ્યે ત્વરીત પ્રતીબંધ મુકવા જોઈએ, પરન્તુ આપણે ત્યાં આવા ક્રીયાકાંડોને રાજ્ય તરફથી પ્રોત્સાહન આપવામાં આવે છે. મુખ્ય પ્રધાનો, વડા પ્રધાનો સરકારી ખર્ચે મસ્જીદો, મન્દીરોની મુલાકાત લે છે અને ધર્મગુરુઓને વંદન કરી અલૌકીક પ્રેરણાઓ મેળવે છે. આ મહાનુભાવો મંચ ઉપર સેક્યુલરીઝમની વાતો કરે છે. ભારતના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જુઓ, માતાજીના ફોટાઓ અવશ્ય હશે. સેક્યુલર કાયદાઓના અમલ માટે માતાજીના ફોટાઓ આવશ્યક નથી, અપ્રસ્તુત છે. એટલી સમજ પણ પ્રાપ્ત થઈ નથી. બીનહીન્દુઓ આ બધું જોઈને વધુ કટ્ટરતા તરફ ધકેલાય છે. અંતે સેક્યુલર મુલ્યો નંદવાય છે. કોઈ સમાજ સેક્યુલર મુલ્યોનો આદર ન કરે તો રાજયે તે માટે ઉપાયો કરવા પડે.

મુસ્લીમ સેક્યુલરીઝમ ‘ઈસ્લામ’ને કેન્દ્રમાં રાખે છે. સુધારાની આડે આવતા ધર્મના આદેશો સામે ધર્મગ્રંથોમાંથી જ દલીલ શોધી વીરોધ કરવાનું વલણ છે. મુસ્લીમ સ્ત્રી ભરણપોષણ માગી શકે નહીં તેવી રુઢીચુસ્ત દલીલ સામે મુસ્લીમ સ્ત્રીને અન્યાય કરી શકાય તે મતલબની સેક્યુલર દલીલ ધર્મગ્રંથોમાંથી શોધવામાં આવે છે. બીજી દલીલો જોઈએ તો : ‘લકુમ, દીન કુમ વલીયદીન’ એટલે તમને તમારો ધર્મ મુબારક, મને મારો ધર્મ મુબારક. સર્વધર્મ સમભાવ ઈસ્લામમાં છે તેમ દર્શાવાય છે. ‘લા ઈકરાફીદીન’ આનો અર્થ છે, ધર્મમાં બળજબરી હોઈ ન શકે. સલમાન રશ્દીને ફાંસી આપવાનો ઈરાનનો નીર્ણય ઈસ્લામીક દેશોની પરીષદ સમક્ષ આવ્યો ત્યારે સાઉદી અરેબીયાએ એનો વીરોધ કર્યો અને દલીલ કરી કે ઈસ્લામ ક્ષમા અને ઉદારતામાં માને છે. બદલો લેવામાં નહીં. મુસ્લીમ સેક્યુલરીઝમ એવા પ્રકારનું છે, જેમાં રુઢીચુસ્તતાનો વીરોધ કરવો હોય તો તેમાં ઈસ્લામની મદદ લેવી પડે. ધર્મગ્રંથના આધારો ટાંકવા પડે. આ પ્રકારના સેક્યુલરીઝમને કારણે મુસ્લીમ દેશો પછાત રહી ગયા છે. અન્યાય, શોષણ, અસમાનતા, બંધીયારપણું અને કટ્ટરતા આ બધામાં અટવાયેલો મુસ્લીમ સમાજ જોવા મળે છે. રીલીજીયસ રાષ્ટ્રવાદ, સેક્યુલર રાષ્ટ્રવાદનું સ્થાન લઈ શકે નહીં.

નોંધ :  આ લેખનો બીજો અને અંતીમ ભાગ તા. 28 ફેબ્રુઆરીએ પ્રગટ થશે. ગોવીન્દ મારુ

–રમેશ સવાણી
[નીવૃત્ત આઈ.પી.એસ.]

શ્રી રમેશ સવાણી [નીવૃત્ત આઈ.પી.એસ.] લીખીત પુસ્તીકા ‘સાંચ બીના સુખ નાહી’ (પ્રકાશક : ‘માનવવીકાસ ટ્રસ્ટ, ગુજરાત’ 10, જતીન બંગલો, ફાયર સ્ટેશન રોડ, બોડકદેવ, અમદાવાદ – 380 054, ઈ.મેલ : rjsavani@gmail.com )માંથી.. લેખકના અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક : શ્રી. રમેશ સવાણી, નીવૃત્ત આઈ.પી.એસ. અધીકારી ઈ.મેલ : rjsavani@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 25–03–2022

8 Comments

 1. મારા ખ્યાલમાં તો સેક્લયુરીઝમ એટલે સર્વધર્મસમભાવ એવું હતું. પણ ખરેખર ભાઈ રમેશ સવાણીનો અર્થ જ બરાબર લાગે છે. આભાર આપનો તથા ભાઈ શ્રી ગોવીન્દભાઈનો આ લેખ વાંચવા મળ્યો તે બદલ.

  Liked by 1 person

 2. “આપણે ત્યાં ક્રીયાકાંડોને રાજ્ય તરફથી પ્રોત્સાહન આપવામાં આવે છે. મુખ્ય પ્રધાનો, વડા પ્રધાનો સરકારી ખર્ચે મસ્જીદો, મન્દીરોની મુલાકાત લે છે અને ધર્મગુરુઓને વંદન કરી અલૌકીક પ્રેરણાઓ મેળવે છે.” << ખરેખર આવા સમાચારો જોઈને બહુ અકળામણ થાય છે.
  બહુ સચોટ લખાણ છે. આભાર.
  સરયૂ પરીખ.

  Liked by 1 person

 3. લેખ સચોટ પણ રૂઢિચુસ્ત આ લખાણને માણસે કે ? દરેક ધર્મમાં બધા જ પરમપુરાનુસાર રીત રિવાજોને માનવતાના જ. નૈવેદ, માનતા, અગડ, સ્વાર્થ માટે જાત્રા એવા અનેક રિવાજો કોઈ કાળે બદલવાના નથી. વધારે શું લખું ગોવિંદભાઇ. જયજિનેંદ્ર .

  Like

 4. જે દેશમાં મોટાભાગના લોકોને બે ટંક જમવાનું મળતું ન હોય ત્યાં ક્રીયાકાંડો ઉપર સેક્યુલર રાજ્યે ત્વરીત પ્રતીબંધ મુકવા જોઈએ,

  Liked by 1 person

  1. Frank Opinions are presented by the Writer.
   Though one may not agree with all the content, yet it is thought-provoking.
   Worth Appreciating…!

   Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s