આજે ગાંધીવાદી અને માર્કસવાદી સેક્યુલરીઝમમાં રહેલ ભેળસેળ અને વીરોધાભાસ વીશે તેમ જ અખાના શબ્દોમાં હૉચપોચ સેક્યુલરીઝમની નીરર્થકતાને યાદ કરીએ…
સેક્યુલરીઝમ : ભેળસેળ અને વીરોધાભાસ?
(અંતીમ ભાગ)
– રમેશ સવાણી
[નીવૃત્ત આઈ.પી.એસ.]
[સેક્યુલરીઝમ : ભેળસેળ અને વીરોધાભાસ (ભાગ–1) માણવા માટે લીન્ક : https://govindmaru.com/2022/03/25/ramesh-savani-51/ ]
માર્કસવાદી સેક્યુલરીઝમમાં સ્થગીતતા જોવા મળે છે. કલ્યાણ રાજ્યના ખ્યાલમાં ‘રાજ્ય’ વીકરાળ થતું જાય છે જેથી સ્વતન્ત્રતા જોખમાય છે. આર્થીક સમાનતા સ્વતન્ત્રતાના ભોગે લાવવી છે કે કેમ? આ પ્રશ્ન અગત્યનો છે. મુડીવાદી, સામ્યવાદી વ્યવસ્થાનો વીકલ્પ સહકારી વ્યવસ્થા બની શકે કે કેમ? ફ્રેન્ચ ક્રાંતીએ માનવસમાનતાની ઘોષણા કરી હતી. તે સમયે ભૌતીક સાધનો મર્યાદીત હતાં. આજે ભૌતીક સાધનોમાં પ્રચંડ વધારો થયો છે. છતાં ગરીબી, નીરક્ષરતા, વંચીતતા, અસમાનતા અને સામાજીક અન્યાયથી બહુમતી લોકસંખ્યા પીડાય છે. શક્તીશાળી લઘુમતી, ભદ્ર સમાજ બહુમતીને પોતાના સાધ્યના એક સાધન તરીકે જ ઉપયોગ કરે છે. પરીણામે અસમાનતા વધારે તીક્ષ્ણ બને છે. વીકસીત અને વીકાસશીલ રાષ્ટ્રો વચ્ચેની ખાઈમાં ત્રણ ગણો વધારો થયો છે. ભારતમાં સમ્પત્તીની વાજબી અને ન્યાયી વહેંચણીના અભાવે શ્રીમંત વધારે શ્રીમંત થયો અને ગરીબ વધારે ગરીબ બન્યો. પરીણામે માનવઅધીકારો, મુલ્યો કચડાય છે.
સામ્યવાદી કે માર્કસવાદી સેક્યુલરીઝમ સુત્રાંધ છે, સ્વમતાગ્રહી છે. પરીણામે વીચારોની ગતી રુંધાય છે. અને એક વખત વીજ્ઞાન આધારીત વીચારધારા વીકૃતી પામે છે, અવનતી પામે છે. વીચારધારા પણ બંધીયાર, મતાગ્રહી, રુઢીચુસ્ત પ્રથા સર્જે છે. જે મુક્ત વીચારણાને અવરોધે છે. કોઈ વીચારધારા કે મુલ્ય આધારીત વ્યવહારોમાં નીરંતર ચકાસણી, ફેરવીચારણા અને સુધારણાને અવકાશ રહેવો જોઈએ. આ સન્દર્ભમાં માર્કસવાદી સેક્યુલરીઝમ જડ, મતાગ્રહી જણાય છે. સામ્યવાદી તન્ત્રમાં વ્યક્તી સામે રાજ્ય અતી પ્રબળ તાકાત બની જાય છે. આ વ્યવસ્થામાં રાજ્ય ધીમે ધીમે વીલીન થઈ જશે એ વાત ઝાંઝવાનાં જળ સમાન લાગે છે. સંસદીય લોકશાહીમાં લોકો રાજ્યના સંચાલન ઉપર અંકુશ રાખી શકતા નથી. પાંચ વર્ષે પોતાના પ્રતીનીધીઓને ચુંટી કાઢવાની વ્યવસ્થામાં, બે ચુંટણી વચ્ચેના ગાળામાં, લોકો દરેક બાબતે શક્તીહીન બની જાય છે. સંસદીય લોકશાહી લોકો માટેનું રાજ્ય આપે છે. નહીં કે લોકોનું અને લોકો વડે ચાલતું રાજ્ય. આમ સામ્યવાદી કે સંસદીય લોકશાહીના વીકલ્પે સત્તાના વીકેન્દ્રીકરણનો ખ્યાલ ઉદ્ભવ્યો. ‘લોકોના હાથમાં સત્તા’ આ આદર્શ અમલમાં મુકવામાં માર્કસવાદી સેક્યુલરીઝમ પાછળ છે, જયારે સમાનતા અને સામાજીક ન્યાયને ક્ષેત્રે આગળ છે. લોકશાહીમાં મુખ્યત્વે આર્થીક રીતે બળવાન જુથો જ સત્તા હાંસલ કરી શકતાં હોય છે. ચુંટણીમાં નાણાંની અનીવાર્યતા જોતાં ચુંટણી એ કેવળ વાઘ અને ઘેટાં વચ્ચેનું ધર્મયુદ્ધ જ બની રહે છે. આપણે લોકશાહી વ્યવસ્થાને વ્યક્તીસ્વાતન્ત્ર્યપુર્ણ કહીએ છીએ, પણ બાળમજુરો માટે, વંચીતો માટે એ ‘ટોટેલીટેરીયન’ જ કહેવાય. અમેરીકામાં આઠ લાખ, બ્રીટનમાં સાત લાખ, સ્પેન અને જર્મનીમાં ત્રણ–ત્રણ લાખ, ઈજીપ્તમાં દસ લાખ, પાકીસ્તાનમાં પંદર લાખ, કોલંબીયામાં ત્રીસ લાખ, ભારતમાં પચાસ લાખ બાળમજુરો ગુલામીની દશા ભોગવે છે. જ્યારે, સોવીયેટ સંઘ અને સમાજવાદી દેશોમાં એક પણ બાળમજુર નથી. લોકશાહી વ્યક્તીસ્વાતન્ત્ર્ય એટલે શોષણનું, લુંટનું, મારવાનું સ્વાતન્ત્ર્ય અને બીજે પક્ષે મરવાનું સ્વાતન્ત્ર્ય. જે મજુરો સંગઠીત નથી, છુટક મજુરી કરી, ગમે તેમ રોટલો રળી ખાનારા છે તેમને સંઘબળના અભાવે કશા લાભ જ ન મળે, કોઈ સલામતી નહીં. આ સ્થીતીમાં પ્રગટબ્રહ્મસ્વરુપ ધર્મગુરુઓ ખર્ચાળ આધ્યાત્મીક મેળાઓ, પારાયણો યોજી ધર્મસ્વાતન્ત્ર્યનો ગેરલાભ ઉઠાવી શ્રદ્ધાળુઓનું શોષણ કરે છે. આ શ્રદ્ધાળુ લોકો બાળમજુરોનું, વંચીતોનું શોષણ કરે છે. આ ચક્ર ચાલ્યા કરે છે. ‘સર્વધર્મ સમભાવ’ના આદર્શ હેઠળ તેને ગતી મળ્યા કરે છે. માર્કસવાદી સેક્યુલરીઝમે આ ચક્રને સ્થગીત કરી દીધું છે. માર્કસવાદ અહૈકીતાને પ્રાધાન્ય આપે છે અને ધર્મનો નકાર કરે છે તો તે સેક્યુલર કહેવાય? ના. સેક્યુલરીઝમના કેન્દ્રમાં માનવ છે, જયારે માર્કસવાદના કેન્દ્રમાં ‘દ્વંદ્વાત્મક ભૌતીકવાદ’ની વીચારસરણી છે. વીચારસરણીને પ્રથમ સ્થાન અને માનવને ગૌણ સ્થાન અપાય ત્યારે માનવકલ્યાણ ગૌણ બને છે.
ગાંધીવાદી સેક્યુલરીઝમ એટલે અલ્લાહુ અકબર. હર હર મહાદેવ. બીજા શબ્દોમાં સર્વધર્મ સમભાવ. બધા ધર્મો પ્રત્યે સરખી દૃષ્ટી કોઈનો તીરસ્કાર નહીં, કોઈની તરફેણ નહીં. કોઈ પણ ધર્મમાં દખલગીરી નહીં. પ્રથમ દૃષ્ટીએ આ સીદ્ધાંતો સારા લાગે છે, પણ તેમાં વીકૃતી પ્રવેશતાં ભયંકર પરીણામો આવ્યાં છે. કલ્યાણ રાજ્યની વીભાવના સ્વીકૃત બની છે ત્યારે કોઈ પણ રાષ્ટ્રમાં કોઈ પણ ધર્મની જાહેર સ્વીકૃતીને સ્થાન જ રહેતું નથી. પ્રજાનું હીત જો સરકારનું પ્રથમ અને સર્વોચ્ચ ધ્યેય હોય તો જયાં જયાં ધર્મ પ્રજાકલ્યાણની આડે આવે ત્યાં ત્યાં રાજયે ધર્મના નીયમો, ફરમાનોનું ઉલ્લંઘન કરવું જ જોઈએ. એમાં ધાર્મીક સ્વાતન્ત્ર્ય કે બીનદખલગીરીનો જરીપુરાણો સીદ્ધાંત જાળવી શકાય જ નહીં. સાચું ‘સેક્યુલર સ્ટેટ’ સર્જવું હોય તો સરકારે ધાર્મીક બાબતોમાં સક્રીય રીતે વચ્ચે પડવું જ જોઈએ. જ્યાં ધર્મ પ્રજાકલ્યાણને હાની કરતો હોય ત્યાં તંત્રે ધર્મને પડકારવો જ જોઈએ. ભારતમાં ઉલટું બન્યું છે. પ્રજાકલ્યાણને હાની કરતાં ધાર્મીક ફરમાનોનું સરકારે સમર્થન કર્યું છે.
આર્થીક સમાનતા અંગે ગાંધીજીના વીચારો નૈતીક હતા, ધર્મ આધારીત હતા. ગાંધીજીના રાષ્ટ્રવાદે જમીનવાળા અને જમીનવીહોણા, ધનીક અને ગરીબ, અધીકાર ધરાવતા અને અધીકાર વગરનાને ‘નૈતીક એકતા’ના માર્ગે આગળ ચલાવવાનો પ્રયત્ન કર્યો. આ એક એવી એકતા હતી, જેમાં પ્રભુત્વ ધરાવનારાઓ તેમનું પ્રભુત્વ જાળવી રાખતા હતા અને નબળાઓએ આ પ્રભુત્વને વીના આનાકાનીએ અને ઈર્ષ્યાભાવ વગર ભારતના અધ્યાત્મીક વારસાના નામે સ્વીકારવાનું હતું. આ દૃષ્ટીબીંદુથી સેક્યુલરીઝમ અને લોકશાહીની નવી વ્યાખ્યા કરવામાં આવી. પરીણામે સર્વધર્મ સમભાવ આદર્શ તરીકે અને બહુમતીવાદ વાસ્તવીકતા તરીકે બહાર આવ્યા. ગાંધીજીનો ટ્રસ્ટીશીપનો સીદ્ધાંત બર્કના સીદ્ધાંત આધારીત હતો. 1770માં બર્કે દલીલ કરી હતી કે ‘રાજા લોકોનો પ્રતીનીધી છે. એ જ રીતે ઉમરાવો પણ અને ન્યાયાધીશો પણ. તેઓ પ્રજાના ટ્રસ્ટીઓ છે, બર્કના રાજાઓ, ઉમરાવો અને કુદરતી ઉમરાવશાહીની ભુમીકા ગાંધીજીના રામરાજ્યમાં મીલકતવાળા અને ધનવાન વર્ગોએ ભજવવાની હતી. ભારતમાં એક ધનીક એટલે અનેક ગરીબો, એક ધનીકની સમૃદ્ધી ગરીબની ગરીબીને ઉશ્કેરે છે અને શ્રીમંતની સમ્પત્તી ઉપર હુમલો કરવા અનેકની ગરીબીની ધારણા કરે છે. ધનીકની સમૃદ્ધી ગરીબીને પ્રેરે છે. રાજ્ય આ મીલકતનું રક્ષણ કરે છે, જેથી મુલ્યવાન મીલકતનો માલીક સલામતીપુર્વક સુઈ શકે. આમ રાજ્ય ગરીબોનું નહીં, મીલકતવાળાઓનું પ્રતીનીધીત્વ કરે છે. શોષીતનું નહીં, શોષકનું પ્રતીનીધીત્વ કરે છે. ગાંધીવીચારમાં ‘ઈશ્વર’ છે. ઈશ્વર સંસ્થાનો એક મુળભુત મહત્ત્વપુર્ણ સીદ્ધાંત એ છે કે દેવની ઈચ્છાથી બધું થાય છે, દેવની કૃપા હોય તો બધા પ્રકારનાં દુ:ખ, સંકટ, કષ્ટ ટળી જાય છે. ઈશ્વરસંસ્થા, ધર્મસંસ્થા, ઉચ્ચ, ધનીક, સત્તાધારી વર્ગ દ્વારા નીર્મીત વીચારધારામાંથી નીર્માયેલ સંસ્થા છે. વરીષ્ઠ સત્તાધારી શોષક વર્ગ સામે શોષીત વર્ગ વીદ્રોહ ન કરે, શાંતી કાયમ રહે એટલા માટે સામાજીક વીષમતા અને સુખદુઃખની સમ્પુર્ણ જવાબદારી ભગવાનને માથે નાખી અને આ ભગવાનની સંકલ્પનાને શોષીત વર્ગે વાસ્તવીક માની, ધર્મ, શોષીત બહુજન સમાજ માટે જેની લત લાગી ગઈ હોય એવું અફીણ છે. આ અફીણના નશામાં રહીને શોષીત વર્ગ શોષણજન્ય દુઃખોને ચુપચાપ સહન કરી શકે છે. ધર્મ પરમ શાંતીનો માર્ગ છે. એ સીદ્ધાંતનો અર્થ શોષક અને શોષીતો માટે અલગ અલગ છે. શોષક વર્ગને શોષણ કરતાં કરતાં શાંતી મળતી રહે છે, જ્યારે શોષીત વર્ગને શોષણ સહન કરીને શાંતી જાળવવાની છે.
આમ આપણું સેક્યુલરીઝમ હૉચપૉચ – ખીચડી સ્વરુપનું છે. તેમાં ભેળસેળ અને વીરોધાભાસ છે. રાજકીય પક્ષો મતો મેળવવાની લાલચે સેક્યુલર મુલ્યનો ભોગ લે છે અને પોતાનો સ્વાર્થ સાધે છે. પરીણામે આર્થીક વીકાસ, આર્થીક સમાનતા અને માનવગૌરવ જોખમાય છે. સામાજીક ન્યાય દુર જ રહે છે. હૉચપોચ સેક્યુલરીઝમની નીરર્થકતાને શબ્દબદ્ધ કરવી હોય તો અખાને યાદ કરીએ :
જોજો રે મોટાના બોલ,
ઉજડ ખેડે બાજ્યું ઢોલ.
અન્ધેઅન્ધ અન્ધારે મળ્યા,
જ્યમ તલમાં કોદરા ભળ્યા.
ન થાયે ઘેંસ કે ન થાય ઘાણી,
કહે અખો એ વાત અમે જાણી.
આંધળો સસરો ને સરંગટ વહુ,
એમ કથા સાંભળવા ચાલ્યું સહુ.
કહ્યું કાંઈ ને સમઝ્યું કશું,
આખ્યનું કાજળ ગાલે ઘસ્યું.
ઉંડો કુવો ને ફાટી બોક,
શીખ્યું સાંભળ્યું સર્વે ફોક.
(સમાપ્ત)
–રમેશ સવાણી
[નીવૃત્ત આઈ.પી.એસ.]
શ્રી રમેશ સવાણી [નીવૃત્ત આઈ.પી.એસ.] લીખીત પુસ્તીકા ‘સાંચ બીના સુખ નાહી’ (પ્રકાશક : ‘માનવવીકાસ ટ્રસ્ટ, ગુજરાત’ 10, જતીન બંગલો, ફાયર સ્ટેશન રોડ, બોડકદેવ, અમદાવાદ – 380 054, ઈ.મેલ : rjsavani@gmail.com )માંથી.. લેખકના અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…
લેખક સમ્પર્ક : શ્રી. રમેશ સવાણી, નીવૃત્ત આઈ.પી.એસ. અધીકારી ઈ.મેલ : rjsavani@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 28–03–2022
બહુ સાચી માહીતિ આપતો લેખ બહુ સરસ
LikeLiked by 1 person
દ્વંદ્વાત્મક ભૌતીકવાદ’ની વીચારસરણીને પ્રથમ સ્થાન અને માનવને ગૌણ સ્થાન અપાય ત્યારે માનવકલ્યાણ ગૌણ બને છે.
સંપૂર્ણ લેખ સત્ય ઉજાગર કરે છે.
LikeLiked by 1 person
ભેળસેળ ધર્મ અને રાજ્ય વચ્ચે થયેલી છે. સેક્યુલિરીઝમ એટલે ધર્મનિરપેક્ષ રાજ્ય. મુડીવાદીઓ દુનિયાના સંગઠિત થઈ ગયા છે. તેઓ સમજે છે કે તેમના વગર કંઈ પણ શક્ય નથી. કોરોના એનું જીવંત ઉદાહરણ છે. વિજ્ઞાનમા માનનારાઓ દ્વિધામાં પડી ગયા છે. બધા હાથ ધરી ચમત્કારની આશા રાખીને બેઠા છે.
LikeLiked by 1 person
‘રાજકીય પક્ષો મતો મેળવવાની લાલચે સેક્યુલર મુલ્યનો ભોગ લે છે અને પોતાનો સ્વાર્થ સાધે છે.’ આવી વાતો હવે સામાન્યપ્રજાને પણ સમજાયું છે–તેમા કોઇ દીવ્ય શક્તી મદદ કરે તેમ નથી આમા પ્રજાએ જાગ્રત થવુ પડશે
LikeLiked by 1 person