આપણે ગમે તેટલી ફીલોસોફી ફાડીએ પણ સુખદુઃખની લાગણીઓ ઉપર કાબુ કરી શકતા નથી. દરેક જણ મૅમલ બ્રેઈન ધરાવે છે અને દરેક જણ હૅપી કેમીકલ્સનો સ્ત્રાવ વધે તેમ ઈચ્છતા જ હોય છે. એના માટે જાતજાતના રસ્તા અખત્યાર કરતા હોય છે. દુઃખી કેમીકલ્સથી દુર રહેવા ઈચ્છતા હોય છે.
પ્રાણીઓ વચ્ચે માનવ પ્રાણી
–ભુપેન્દ્રસીંહ રાઓલ
[‘રાસાયણીક ગીતા’નું પ્રકરણ–1 ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન (Evolutionary psychology) માણવા માટે લીન્ક : https://govindmaru.com/2022/02/04/raolji-4/ ]
મેમલ (Mammal) એટલે સસ્તન પ્રાણીઓના બ્રેઈન વીશે ઘણું બધું વાંચ્યા પછી આ દુનીયાને જેવી છે તેવી સ્વીકારવામાં મને ખુબ મદદ મળી છે, પણ એનો એવો અર્થ નથી કે હું આજથી લાંચ લેવાનું શરુ કરી દઉં કે કોઈ માફીયા ટોળીનો સભ્ય બની જાઉં. લોકોના આપખુદ વલણ કે જોહુકમી કરવાની આદત જોઈ મને ખુબ ગુસ્સો આવતો, પણ હવે થાય છે કે આ લોકો ફક્ત એમની ન્યુરોકેમીસ્ટ્રીને અનુસરે છે. કેમકે દરેક મેમલને કોઈ ને કોઈ ઉપર સત્તા ચલાવવાનું ગમતું હોય છે.
આ ન્યુરોકેમીસ્ટ્રી વારસામાં મળેલી છે. દરેક મેમલ પાસે એક બ્રેઈન (Brain) સ્ટ્રક્ચર હોય છે જે રસાયણોનો સ્ત્રાવ કરતું હોય છે જેને આપણે માનવો સુખ, આનન્દ કે હૅપીનેસ તરીકે જાણીએ છીએ તે dopamine, serotonin, oxytocin and endorphins જેવા બીજાં અનેક ન્યુરોકેમીકલ્સનું પરીણામ હોય છે. કમનસીબે મેમલ બ્રેઈન કાયમ આનો સ્ત્રાવ કરી શકતું નથી. પણ સર્વાઈવલ માટે કશું કરીએ ત્યારે એના રીવૉર્ડ તરીકે આ કેમીકલ્સનો સ્ત્રાવ થાય છે અને દરેક મૅમલ સુખની અનુભુતી કરતું હોય છે.
મૅમલ્સ સામાજીક છે, સમુહમાં રહેવા ઈવોલ્વ થયેલા છે, અને દરેક સમુહને એક નેતાની જરુર હોય છે. એટલે દરેક સસ્તન પ્રાણીઓનો કોઈ નેતા હોય છે. આ રીતે સુખના કારણભુત રસાયણનાં સ્રાવ માટે સત્તા એક સાધન બની જાય છે. આપણે માનીએ છીએ કે પ્રાણીઓ સુખદુઃખની લાગણીઓ અનુભવી શકતા નહીં હોય, પણ એવું નથી.
આપણે મનુષ્યો પાસે લીમ્બીક સીસ્ટમ છે જે દરેક પ્રાણી જગત પાસે સામાન્યતઃ છે. એ સીવાય આપણી પાસે મોટું Cortex છે. એ ચોક્કસ છે કે આપણે પશુઓ કરતા થોડા જુદા છીએ. શરીરનાં પ્રમાણમાં સરખાવીએ તો કોઈ પણ પ્રાણી કરતાં આપણી પાસે સૌથી મોટું બ્રેઈન છે. આપણી પાસે વીચાર કરી શકે તેવું મોટું બ્રેઈન છે. તેના વડે આપણે ન્યુરોકેમીકલ્સના ધક્કાને રોકી શકીએ છીએ, કશું નવું વીચારી શકીએ છીએ. પણ આપણું કોર્ટેક્સ આપણને સુખી આનન્દીત કરી શકતું નથી. કારણ હૅપી કેમીકલ્સ ઉપર તેનો કોઈ કંટ્રોલ નથી. એટલે ગમે તેટલી ફીલોસોફી ફાડીએ આપણે સુખદુઃખની લાગણીઓ ઉપર કાબુ કરી શકતા નથી. જે કહેતા હોય કે તેઓ કરી શકે છે તે ખોટું છે.
એટલે તમે સતત સુખમાં રહી શકતા નથી તેમ સતત દુઃખીમાં રહી શકતા નથી, કારણ આ રસાયણો ઉપર મૅમલ બ્રેઈનનો કાબુ છે. મૅમલ બ્રેઈન પાસેથી જ તમે એને મેળવી શકો છો, અને તે મેમલ બ્રેઈન એને વધારાના શક્તીના પુરવઠા તરીકે જ વાપરતું હોય છે જે સર્વાઈવલ માટે મદદરુપ થાય.
સર્વાઈવલ આપણે સમજીએ તે નહીં, મેમલ બ્રેઈન જે આપણને પ્રાણીઓ પાસેથી લાખો કરોડો વર્ષોના અનુભવો થકી સર્વાઈવલ ટેક્નીક શીખીને વારસામાં મળેલું છે તે જે સમજે છે તે સમજવું. એટલે ઓચીંતો સર્પ નજીક આવી જાય તો ભલભલા આત્મજ્ઞાની કુદી પડતા હોય છે. આપણે જેને માથાની પાછળના ભાગે આવેલું નાનું મગજ કહીએ છીએ તે જ આ મેમલ બ્રેઈન કે લીમ્બીક સીસ્ટમ છે.
એટલે જ્યારે તમે નાનામાં નાની બાબતમાં પણ બીજા કોઈથી પોતાને જરા એકાદ ઈંચ પણ ઉંચા સાબીત કરો ત્યારે મેમલ બ્રેઈન તેને નોટીસ કરતું હોય છે, અને પ્રતીભાવમાં હૅપી કેમીકલનો સ્ત્રાવ કરતું હોય છે જે તમને સુખ અર્પતું હોય છે. જેમ કે, ‘મેરી શર્ટ તુમ્હારી શર્ટ સે જ્યાદા સફેદ હૈ.’ અહી પૈસાનો કોઈ સવાલ નથી. અમીરી, હાઈ–સ્ટેટસ તો સુખ અર્પે જ છે, પણ બીજાની સરખામણીએ આપણા પોતાના મનમાં કેટલા ઉંચા સાબીત કરીએ તેનો સવાલ છે. એમાં સાવ નગણ્ય ગણાય તેવી બાબતો સામેલ થઈ જાય, પણ એવું કરવામાં ઉંચા સાબીત કરવામાં જીવનું જોખમ આવી ના પડે તે પણ મેમલ બ્રેઈન ધ્યાન રાખતું હોય છે. ક્યારે સત્તા ચલાવવી અને ક્યારે સત્તાશાળી સામે સમર્પીત થઈ જવું તે મેમલ બ્રેઈન જાણતું હોય છે અને તે અનુભવો પોતાના વારસદારોને જીનમાં આપતું જતું હોય છે.
જ્યારે કોઈ આપણા ઉપર સત્તા ચલાવી જાય ત્યારે મેમલ બ્રેઈન દુઃખી કરતા કેમીકલ્સ છોડતું હોય છે જેનાથી દુર રહેવા અને એનો ઉપાય કરવા પ્રેરાતા હોઈએ છીએ જેથી સારી લાગણી અનુભવી શકાય. કંઈક નવું પ્રાપ્ત કરીએ ત્યારે મેમલ બ્રેઈન Dopamine રીલીઝ કરતું હોય છે તેવી રીતે કોઈના ઉપર સત્તા જમાવવાનો ચાન્સ મળી જાય ત્યારે serotonin સ્રવતું હોય છે, અને જ્યારે કોઈની સાથે લાગણી વડે જોડાઈએ જે ભવીષ્યમાં સર્વાઈવલ માટે જરુરી છે ત્યારે Oxytocin અવતું હોય છે.
મેમલ બ્રેઈન વીશે પહેલા ખાસ કોઈ સંશોધન થયેલું નહોતું. અતી પ્રાચીન લીમ્બીક સીસ્ટમ વીશે આપણે કશું જાણતા નહોતા. ભારતમાં તો આ વીશે કે બ્રેઈન વીશે કે મનોવીજ્ઞાન કે ન્યુરોસાયન્સ વીશે કશું સંશોધન થતું નથી. એવી બધી માથાકુટ કોણ કરે? પશ્ચીમના વૈજ્ઞાનીકો કરશે પછી અપનાવી લેશું અને સાથે સાથે એ ભૌતીકવાદીઓને ગાળો દેતા જઈશું.
આપણે કોઈ એક નેતાને ગાળો દઈએ છીએ, પણ દરેક નેતાને ગાળો પડતી જ હોય છે. ગાંધીજી હોય, જવાહર હોય કે વલ્લભભાઈ એમના સમયમાં એમને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. કારણ લોકો વધારે પાવરફુલ નેતાનો કે ગ્રુપનો સાથ ઈચ્છતા હોય છે જેથી એમની પર્સનલ જરુરીયાતો સંતોષી શકાય. તેવું બને નહીં તો હતાશ નીરાશ થઈ જતા હોય છે, અપસેટ થઈ જતા હોય છે અને તે ગ્રુપ છોડી દેતા હોય છે. કોઈના દ્વારા સત્તા ચલાવાય તેવું કોઈને ગમતું નથી, સાથે સાથે ભુલાઈ જતું હોય છે કે તેઓને પણ સત્તા ચલાવવાનું ગમતું જ હોય છે. સવાલ આપણો સમાજ નથી, સવાલ છે સુખ અર્પતા રસાયણોનાં સ્રાવની ખોજનો.
હું હમ્મેશાં લો–પ્રોફાઈલ રહ્યો છું, કોઈ મોટું પદ પ્રતીષ્ઠા ઈચ્છતો નથી, કે ડીઝાઈનર કપડા પહેરી કૉક્ટલ પાર્ટીમાં જતો નથી. પણ હું હૅપી કેમીકલ્સ ઈચ્છું અને અનહૅપી કેમીકલ્સની અવગણના કરું તે સ્વાભાવીક છે. આપણે કાયમ હૅપી કેમીકલ્સનો ધોધ સદા વહે તેવી રીતે ઈવૉલ્વ થયા નથી, તેવી રીતે બન્યા નથી. હૅપી કેમીકલ્સની અવીરત શોધ માનવીને ક્યારેક સેલ્ફ destructive બનાવી દેતી હોય છે. અને વધુ દુઃખ પામતા હોય છે.
જો આપણે આપણી બ્રેઈન કેમીસ્ટ્રી સમજી શકીએ તો દુઃખદાયી ઘટનાઓ નીવારી શકીએ છીએ. માનો કે મારા હૅપી કેમીકલ્સને મૅનેજ કરવાનું શીખી લઉં, છતાં મારે આ દુનીયામાં જીવવાનું છે જ્યાં દરેક જણ મૅમલ બ્રેઈન ધરાવે છે. અને દરેક જણ હૅપી કેમીકલ્સનો સ્ત્રાવ વધે તેમ ઈચ્છતા જ હોય છે. અને એના માટે જાતજાતના રસ્તા અખત્યાર કરતા હોય છે. દુઃખી કેમીકલ્સથી દુર રહેવા ઈચ્છતા હોય છે. આમ હું બીજા મેમલ્સ વચ્ચે અવશ્યંભાવી, અપરીહાર્ય મૅમલ છું.
–ભુપેન્દ્રસીંહ રાઓલ
શ્રી. ભુપેન્દ્રસીંહ રાઓલ લીખીત ઉત્ક્રાંતીના મનોવીજ્ઞાન આધારીત અભીપ્રેરણાત્મક લેખોનો સંગ્રહ ‘રાસાયણીક ગીતા’ (Hard Truths About Human Nature) [પ્રકાશક : YUTI Publication, 6, સત્તાધાર ચૅમ્બર, ચંદ્રપ્રસાદ દેસાઈ હૉલની સામે, ટોલનાકા, બાપુનગર, અમદાવાદ. સેલફોન : 91732 43311 ઈ.મેલ : utipublication2008@gmail.com વેબસાઈટ : www.wbgpublication.com બીજી આવૃત્તી : 2018 પાનાં : 280, કીમ્મત : રુપીયા 300/-]માંથી લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : Bhupendrasinh Raol, Scranton, PA. 18508 (USA) સેલફોન : +1 732 406 6937 ઈ.મેલ : brsinh@live.com વેબસાઈટ : http://raolji.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 01–04–2022
સરસ માહીતીપુર્ણ લેખ. ખુબ રસથી વાંચ્યો. આભાર ભાઈ ભુપેન્દ્રસીંહનો તેમજ ગોવીન્દભાઈ આપનો.
LikeLiked by 1 person
A proverb: Man is social animal માનવી એક સામાજિક પ્રાણી છે
સાદી ભાષા માં કહીયે તો માનવી ક્યારેક ખરેખર પ્રાણી સમાન બની જાય છે એટલે કે તેમાં પ્રાણીઓ જેવા ગુણો આવી જાય છે, અને આવા કિસ્સા સમાજ માં બનતા રહે છે, જયારે તે ખુની કે બળાત્કારી બની જાય છે. આ અનુસાર માનવી ને સામાજિક પ્રાણી કહી શકાય.
LikeLiked by 1 person
Parexcellent sure will read rasayanik Gita – very perfect name to chemical locha as said in one famous movie ?!!
LikeLiked by 1 person
Very good information about human nature thanks sir! 🙏🙏🙏
LikeLiked by 1 person
માહીતીપુર્ણ સુંદર લેખ.
શ્રી ભુપેન્દ્રસીંહને ધન્યવાદ
LikeLiked by 1 person