ઈલાપીડે (Elapidae) કુટુંબના ચાર સાપ

(50) બંગડીયો દરીયાઈ સાપ, (51) પટીત દરીયાઈ સાપ, (52) સાંકડા માથાનો દરીયાઈ સાપ, નાના માથાનો દરીયાઈ સાપ અને (53) કાળા માથાનો દરીયાઈ સાપની સચીત્ર જાણકારી પ્રસ્તુત છે.

કુટુંબ : ઈલાપીડે (Elapidae)

–અજય દેસાઈ

50. બંગડીયો દરીયાઈ સાપ ઝેરી
Annulated Sea Snake, Blue–banded Sea Snake (Hydrophis cyanocinctus)

ગંદા લીલા ભુખરા કે લીલા બદામી કે પીળા બદામી વાન ઉપર 50થી 75 સંખ્યામાં વાદળી–કાળા એવા ઘટ્ટ રંગના પટ્ટા હોય છે. જે ગળાથી લઈ પુંછડીના છેડા સુધી હોય છે. આવા પટ્ટા શરીરના મધ્ય ભાગમાં પહોળા અને પડખે જતાં સાંકડા થઈ જાય છે. કયારેક આવા પટ્ટા આખા શરીર ફરતે ગોળ હોય છે તેથી જ તેને બંગડીયો સાપ કહે છે. પેટાળ પીળું હોય છે. માથું કાળુ કે લીલુ બદામી હોય છે. શરીરના પટ્ટાઓમાં વૈવીધ્ય હોય છે. ઘણીવાર સાપ પુખ્ત થતાં આવા પટ્ટા નહીંવત થઈ જતાં હોય છે. માથું પ્રમાણસર છે. માથું ગળા કરતાં થોડું જ વધુ પહોળું હોય છે. આંખ પ્રમાણમાં નાની અને કાળી હોય છે. કીકીનું રંધ્ર પીળી ધારીવાળું છે. પુંછડી તો ચપટી હોય છે જ; પરન્તુ પાછલા શરીરનો કેટલાક ભાગ પણ ચપટો હોય છે. માથા ઉપર યુવાન સાપને ઘોડાના પગની ખરી જેવું, કાળા રંગનું નીશાન હોય છે.

શરીરના વચ્ચેના ભાગની જાડાઈ, ગળાની જાડાઈ કરતા બમણી હોય છે. શરીર ઉપર મધ્યમાં મહત્તમ 47ની હરોળમાં ભીંગડાં ગોઠવાયેલાં હોય છે. પેટાળનાં ભીંગડાં 290થી 390 હોય છે.

ચેર (મેન્ગ્રુવ)ના જંગલો, છીછરા દરીયાકાંઠાનાં કીનારાઓમાં મળી આવતો આ સાપ દરીયા કીનારાઓથી 30 કી.મી. દુર સુધી જોવા મળે છે. ઝેરી સાપ છે. દંશના કીસ્સા કવચીત્ નોંધાયા છે ખરાં! મુખ્ય ખોરાક માછલી અને વામ (ઈલ) છે.

3થી 16 બચ્ચાં જણે છે. બચ્ચાં જન્મ સમયે 15 ઈંચના હોય છે. સરેરાશ લંબાઈ 4 ફુટ 6 ઈંચ હોય છે. જયારે મહત્તમ 6 ફુટ 2 ઈંચ નોંધાયો છે.

સમગ્ર ગુજરાતના દરીયા કાંઠે મળી આવતો સામાન્ય સાપ છે.

51. પટીત દરીયાઈ સાપ
Banded Sea Snake (Hydrophis fasciatus)

આ સાપની દેખાવની મુખ્ય ખાસીયતમાં તેનું માથુ પ્રમાણમાં ખુબ નાનું છે, શરીર આગળના ભાગમાં વધુ પડતુ પાતળું, લાંબુ અને દબાયેલું હોય છે. જયારે શરીરનો મધ્ય ભાગ ગળા કરતાં લગભગ ચાર ગણો મોટો હોય છે. આંખો મધ્યમ અને ગોળ તથા કાળી હોય છે. ગળા પરના ભીંગડા 28થી 33 હારબંધ ગોઠવાયેલા હોય છે. જ્યારે શરીરની મધ્યમાં આવા ભીંગડા 47થી 58 અને લગભગ ષષ્ટકોણીય ગોઠવણીમાં હોય છે. પેટાળના ભીંગડા 414થી 514 જેટલા હોય છે. માથું, ગળુ અને શરીરનો આગળનો ભાગ ચળકતો કાળો કે ઘટ્ટ ભુખરો કાળો હોય છે. જેની ઉપર પીળાશ પડતાં લંબગોળ મોટા ટપકાં હોય છે જે પેટાળ તરફ જતાં પાતળા થતા જાય છે. પટ્ટા સ્વરુપ થઈ જાય છે જે પડખામાં જતાં ભળી જાય છે. સાપ જ્યારે જુવાન હોય છે ત્યારે આવા પટ્ટા ખુબ જ સ્પષ્ટ હોય છે. ઉમ્મર વધે તેમ તેમ તે ઝાંખા થતાં જાય છે. આવા પટ્ટા 48થી 71 હોય છે. ખોરાકમાં અન્ય દરીયાઈ સાપોની જેમ જ માછલી મુખ્ય છે. છીછરા પાણીમાં, રેતીમાં – ખડકોમાં રહે છે.

ઈલાપીડે કુળનો સાપ છે. તેના વીષની અસરો ન્યુરોટોક છે. આ સાપ દેખાવમાં મલાબાર દરીયાઈ સાપ અને બહુદંતી દરીયાઈ સાપને મળતો આવે છે. જોકે ગુજરાતના દરીયાકાંઠા માટે આ સાપ અસામાન્ય છે.

મહત્તમ લંબાઈ 36 ઈંચ હોય છે.

52. સાંકડા માથાનો દરીયાઈ સાપ, નાના માથાનો દરીયાઈ સાપ
Common Small–headed sea snake (Microcephalophis gracillis)

ઉપરથી ઘેરો ભુખરો અને નીચે પેટાળમાં ઝાંખો ભુખરો રંગ ધરાવતા આ સાપનું માથું પીળા રંગનું કે ભુખરા લીલા રંગનું છે. આ સાપ જુવાન હોય, ત્યારે કાળાશ પડતો રંગ હોય છે અને આવા રંગ ઉપર સફેદ લંબગોળ ટપકાં અને કયારેક, અપુરતા એવા પટ્ટા હોય છે. જેની સંખ્યા 40થી 60 સુધી હોય છે. યુવાની ઉતરતાં આ બધુ અદૃશ્ય થઈ જાય છે. તેનું માથું નાનું છે. કાયા પાતળી અને લાંબી છે. પાછળથી એ વધુ ચપટી જણાય છે. ગળા કરતાં મહત્તમ જાડાઈવાળો ભાગ 4થી 5 ગણો વધુ પહોળો હોય છે. મોંની ઉપરના જડબાંનો ભાગ નીચેના જડબાં કરતા વધેલો જણાય છે. આંખો મધ્યમ કદની છે.

શરીરની મધ્યમાં મહત્તમ 43ની હરોળમાં ભીંગડાં હોય છે. ખોરાકમાં માછલીઓ તથા વામ મુખ્ય છે. બચ્ચાં જણતો સાપ છે.

આ સાપની મહત્તમ લંબાઈ ૬ ફુટ હોય છે. ગુજરાતના દરીયાકાંઠાઓમાં છુટા છવાયો મળી આવે છે.

53. કાળા માથાનો દરીયાઈ સાપ ઝેરી
Black Headed Sea Snake, Persian Gulf Sea Snake
Arabian Gulf Sea Snake (Hydrophis lapemodes)

1947માં Grayએ આની પહેલી ઓળખ કરી હતી. નાની પણ મજબુત કાયા ધરાવતા આ સાપનો વાન પીળો, ઝાંખો ગંદો લીલો કે ભુખરો સફેદ હોય છે. તેની ઉપર ઘટ્ટ કાળા પટ્ટા હોય છે. આવા પટ્ટાની સંખ્યા 33થી 43 હોય છે. શરીરની મધ્યમાં પટ્ટા પહોળા અને પડખા તરફ જતાં સાંકડા થઈ જાય છે. માથે ગળા કરતાં મોટું છે પરન્તુ શરીર મધ્યભાગેથી, ગળા કરતાં બેથી ત્રણ ગણું વધારે પહોળું તથા મોટું હોય છે. માથું કાળુ હોય છે, અને આવા કાળા માથા ઉપર પીળા રંગનાં વળાંકોવાળા નીશાન હોય છે. આંખો મધ્યમ અને ગોળ છે. નસકોરાં છેક કપાળનાં ભાગમાં હોય છે અને નસકોરાંની રચના વાલ્વ જેવી હોય છે. તે દરીયાના પાણીની અંદર હોય છે, ત્યારે નસકોરાંના વાલ્વ બંધ થઈ જાય છે જેથી દરીયાના પાણી અંદર ભરાય નહીં, જયારે સપાટી ઉપર આ સાપ આવે છે ત્યારે વાલ્વ ખુલી જાય છે.

શરીરની પીઠ ઉપર મધ્ય ભાગે મહત્તમ 51ની હરોળમાં ભીંગડાં હોય છે. પેટાળમાં 314થી 372 ભીંગડાં હોય છે. પુંછડી અન્ય દરીયાઈ સાપની જેમ જ ચપટી અને લાંબી છે.

ખુબ સામાન્ય સાપ નથી. ઉંડા દરીયાના પાણીમાં વધુ રહે છે; પરન્તુ કીનારાના હુંફાળા પાણીમાં પરવાળાના ખડકો ઉપર પણ જોવા મળે છે. સમગ્ર જીવન દરીયામાં વ્યતીત થાય છે. કયારેય કીનારા ઉપર નથી આવતો. આ સાપનુ વીષ ઘાતક અસરો ધરાવે છે; પરન્તુ આક્રમક સ્વભાવનો સાપ નથી. ખોરાકમાં માછલી તથા વામ મુખ્ય છે. બચ્ચાં જણતો સાપ છે. આ સાપની મહત્તમ લંબાઈ 33 ઈંચ જેટલી નોંધાઈ છે. સમગ્ર દરીયાકાંઠે મળી આવે છે; પણ દુર્લભ છે.

–અજય દેસાઈ

પ્રકૃતી અને પર્યાવરણપ્રેમી શ્રી. અજય દેસાઈનો ગ્રંથ ‘સર્પસન્દર્ભ’ (પ્રકાશક : પ્રકૃતી મીત્ર મંડળ, ‘પ્રકૃતી ભવન’, અમૃતવાડી સોસાયટી પાસે, રેલ્વે સ્ટેશન રોડ, દાહોદ – 389 151 સેલફોન : 98793 52542 ઈ.મેલ : pmm_dhd@yahoo.com  છઠ્ઠી આવૃત્તી : એપ્રીલ, 2017 પાનાં : 250, કીમ્મત : રુપીયા 250/–)માંથી લેખક, પ્રકાશક અને તસવીરકારોના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : શ્રી. અજય મહેન્દ્રકુમાર દેસાઈ, 24, ‘પ્રકૃતી’, વૃંદાવન સોસાયટી, માર્કેટ રોડ, દાહોદ – 389151 સેલફોન : 94264 11125 ઈ.મેલ : desaiajaym@yahoo.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ govindmaru@gmail.com

1 Comment

  1. શ્રી અજય દેસાઈએ ઈલાપીડે (Elapidae)કુટુંબ અંગે રસપ્રદ માહિતી બદલ ધન્યવાદ

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s