જાતીય અજ્ઞાન, પાર્ટનર વગરની સેક્સ્યુઆલીટી અને લગ્નજીવનની જાતીય નીરસતા – આ ત્રણેય જાતીય જીવનની ગંભીર સમસ્યાઓ છે. તેના ઉકેલ માટે એકડે એકથી વીચારવું જોઈએ. સેક્સને નીરંકુશતા, દબાણ, શરમ, ગીલ્ટ વગેરેની બેડીઓમાંથી મુક્ત કરી સમજ, સ્વસ્થતા, સ્વીકૃતી જેવાં ઉપકરણોથી સજ્જ કરવાનો સમય આવ્યો છે. ડૉ. મુકુલ ચોકસીએ શક્ય એટલા વીવેકથી મનુષ્યની સૅક્સલાઈફનાં અનેકાનેક પાસાંઓની તલસ્પર્શી છણાવટ કરતું પુસ્તક ‘જાતીય પ્રશ્નાવલી’ લખવાનો સન્નીષ્ઠ પ્રયત્ન કર્યો છે. આ પુસ્તકની હારમાળા બીજા સોમવારે અને ચોથા સોમવારે ‘અભીવ્યક્તી’ બ્લૉગ પર પ્રગટ થશે. આશા છે કે સમ્બન્ધકર્તાઓને તેમના જાતીય પ્રશ્નોના ઉકેલ તેમાંથી મળશે.
– ગોવીન્દ મારુ
1
સેક્સ એ શીખવાની વસ્તુ છે?
–ડૉ. મુકુલ ચોકસી
પ્રશ્ન : મને હમણાં મૅલેરીયા થઈ ગયો હતો. હવે હું સાજો છું. સેક્સ ભોગવવાની શરુઆત ક્યારથી કરી શકું?
ઉત્તર : તમને અને તમારાં પત્નીને ઈચ્છા થવા માંડે ત્યારથી.
પ્રશ્ન : અમારાં લગ્ન થયાને ચાર મહીના થયા છે. તો પણ મારી વાઈફને મહીના નથી રહ્યાં તેનાં સેક્સના દ્વારમાં કંઈક તકલીફ હોય એમ લાગે છે. કેમ કે સંભોગ બાદ વીર્ય તરત જ તેના શરીરમાંથી બહાર નીકળી આવે છે. અમે ઘણી બધી સ્થીતીમાં કોશીશ કરી જોઈ પણ દરેક સ્થીતીમાં આમ જ બને છે. આને કારણે તેને મહીના નથી રહેતાં.
ઉત્તર : આપની ધારણા ખોટી છે કે, સ્ત્રીનાં દ્વારની તકલીફને લીધે, આપ સંતાનસુખથી વંચીત રહ્યા છો. વીર્યમાં શુક્રાણુઓ (પુરુષબીજ, સ્પર્મ્સ, શુક્રજંતુઓ) ઉપરાંત પ્રવાહી (સેમીનલ ફલ્યુઈડ) હોય છે. વીર્યનો નવ્વાણું ટકાથીય વધારે ભાગ આ સેમીનલ ફલ્યુઈડથી બનેલો હોય છે. આપની પત્નીના જાતીય દ્વારમાંથી સમાગમ બાદ જે કંઈ બહાર નીકળી આવતું દેખાય છે તે સેમીલન ફલ્યુઈડ માત્ર છે. વાસ્તવમાં શુક્રાણુ કે જે ફલન તથા ગર્ભધારણ માટે જરુરી છે તે તો યોનીમાર્ગની દીવાલો સાથે ચોંટીને ગર્ભાશય તરફ ગતી કરી જાય છે. આથી બહાર નીકળી જતાં પ્રવાહીમાં ગતીશીલ શુક્રાણુઓ ખાસ હોતાં નથી. આથી આપે ચીંતા કરવી જરુરી નથી.
વળી આપનાં લગ્નને હજુ ચાર જ મહીના થયા હોવાથી શકય છે કે, આપના બેઉમાંથી કોઈનામાં કશી ખામી ન હોય. પ્રયત્નો છતાંય લગ્નબાદના પહેલા ચાર છ મહીના ગર્ભ ધારણ ન થાય એ કુદરતી રીતેય શકય છે. મારી સલાહ છે કે, આપનાં પત્નીને કોઈ સારવાર તપાસની જરુર નથી.
પ્રશ્ન : સેક્સ એ શીખવાની વસ્તુ છે? કે પછી એમ જ આવડી જતી વસ્તુ છે?
ઉત્તર : સેક્સ એ મુલતઃ ઈન્સ્ટીંકટ છે. જેમ ભુખ, તરસ, ઉંઘની જરુર માણસને આંતરે આંતરે (ચક્રાકારે) ઉદ્ભવે છે. આથી જેમ ખાતા, પીતા અને ઉંઘતા બાળકને જન્મ સમયથી આવડી જાય છે તેમ સેક્સ ભોગવતાં પણ ઉમ્મર થતાં આવડી જવું જોઈએ. અલબત્ત, પ્રાણીઓ સેક્સ ભોગવે જ છે. તેઓ કયાંય શીખવા નથી જતાં; પરન્તુ સમાજમાં રહેતા મનુષ્યની વાત અલગ છે. ઉંઘ, ભુખ ભોગવવામાં કોઈ સામાજીક અંતરાય નથી.
જ્યારે સેક્સ ભોગવવા આડે અનેક મર્યાદાઓ, નીયંત્રણો છે. વળી સેક્સ ન કરી શકાય તો વ્યકીત અનહદ અપમાનીત થાય છે. આમ તેણે સતત માનસીક દબાણ હેઠળ રહેવું પડે છે. જાતીયતા અંગેના છોછને લીધે લોકોને સેક્સ પાર્ટનરની શરીરચનાની પુરતી માહીતી પણ નથી હોતી. આ બધાં કારણોસર સેક્સ પ્રાકૃતીક હોવા છતાં ઘણા માણસોએ તે અંગે કેટલુંક અવશ્ય શીખવું પડતું હોય છે.
પ્રશ્ન : અમારે સમાગમની સંખ્યા બાબતે ઘણીવાર ગંભીર ઝગડો થાય છે. અમારા બન્નેની ઉમ્મર અઠ્ઠાવીસ વર્ષની છે. અમે ત્રણ વર્ષ પુર્વ પ્રેમલગ્ન કર્યા છે. અઠવાડીયામાં કેટલીક વાર સંભોગ કરીએ તો નોર્મલ કહેવાય તે જણાવશો. અમારા આખા જીવનનો સવાલ છે.
ઉત્તર : આનો ઉત્તર મેળવતાં પહેલાં કેટલીક ઐતીહાસીક વીગતો જોઈએ. ફ્રેંચ નૉવેલીસ્ટ સાઈમેનોને એવું જાહેર કર્યું હતું કે, તેણે દસ હજાર સ્ત્રીઓ સાથે સહશયન કર્યું હતું. તો ફીલોસૉફર ઈમેન્યુઅલ કાન્ટે પોતાના આખા જીવન દરમીયાન ક્યારેય જાતીય સમાગમ કર્યો જ નહોતો! ફ્રેંચ રીવૉલ્યુશન પહેલા થઈ ગયેલા કોઈક મેલે ડુબોઈસ નામના શખ્સે પોતાના જીવનભરના શૈયાસાથીઓની આખી દીર્ઘ યાદી બનાવી હતી, જેમાં સોળ હજાર પાંચસો સત્તાવીશ નામો હતાં. તો અનેક સાધુ–સાધ્વીઓ એવા પણ હોય છે, જેઓએ જીવનપર્યંત એકેય વાર જાતીય સહચર્ય ન ભોગવ્યું હોય!
આ વીગતનું તાત્પર્ય ચર્ચતા પ્રસીદ્ધ સાઈકોલૉજીસ્ટ આઈઝેન્ક કહે છે કે, માનવ સ્વભાવ અમર્યાદીત વેરીએશન્સ ધરાવે છે. સમાગમની સંખ્યામાં આ જ વાત છે. બોસ્ટન સ્ટેન્ગલરની પત્નીએ પોતાની જુબાનીમાં જણાવ્યું હતું કે, તેનો શૈયાસાથી રોજ ઓગણીસવાર તેણીને પરાણે સમાગમ કરવા માટે દબાણ કરતો હતો. તો કેથેરાઈન ધ ગ્રેટે રોજ છ વાર સંભોગ કરવાનો અનુરોધ કર્યો હતો. તે પોતે પણ પોતાના અનુરોધનું પાલન કરતી હતી. આફ્રીકાના ટોંગા પ્રદેશના રાજા ‘લાપેટાકાકા બીજા’ને જ્યારે કૅપ્ટન કુક મળ્યા ત્યારે તેઓ (રાજા)ની ઉમ્મર એંશી વર્ષની હતી. તે વખતે પણ તેઓ પોતાની કહેવાતી ફરજના ભાગ રુપે ટોંગા પ્રદેશની દરેક કુંવારી છોકરીને પહેલીવાર ભોગવવાનું કર્મ (કે દુષ્કર્મ?) દીવસમાં દસેકવાર કરતા હતા.
આ બધી હકીકતો સત્ય હોય તો પણ આવી વાયકાઓએ સમાજમાં સરવાળે તો ગેરસમજ જ ફેલાવી છે. હકીકતમાં મોટાભાગનાં સ્ત્રીપુરુષો સરવાળે અઠવાડીક બેથી પાંચ વાર જાતીય સમાગમ કરતાં હોય છે. લગ્નજીવનના શરુઆતનાં વર્ષોમાં આ સંખ્યા સહેજ વધારે હોય છે; પણ આ આંકડો મોટાભાગના લોકોનો છે. બધાં લોકોનો નહીં. લગભગ પાંચેક ટકા લોકો એવા હશે, જેઓ રોજ એકવાર (અને ક્યારેક એકથીય વધારે વાર) જાતીય સુખ માણતા હોય. તો બીજા પાંચ સાત ટકા એવા હશે, જેઓ મહીને એકાદ બે વાર જ સેક્સનો આનંદ લેતા હોય! બન્ને છેડે આવેલા આ દસ–પંદર ટકા લોકો પણ નોર્મલ જ છે. ‘ધ સાઈકોલૉજી ઑફ સેક્સ’ નામના પોતાના પુસ્તકમાં ‘હ્યુમન ડાઈવર્સીટીઝ તથા વેરીએબીલીટી’ અંગેની આ વાત આઈઝેન્કે ખુબ જ સરસ રીતે દર્શાવી છે.
કેટલાક નવપરીણીત યુગલો ટુંકા સમયગાળા માટે જરા પણ જાતીય પ્રવૃત્તીઓ નથી કરતા હોતા તો કેટલાક યુગલો દીવસમાં ઘણીવાર સમાગમરત થતાં હોય છે. આ બન્ને વસ્તુઓ અલ્પગાળા માટે નોર્મલ હોઈ શકે છે. સામાન્ય રીતે મનાય છે કે, જેમ જેમ લગ્નજીવન આગળ વધે છે તેમ તેમ સમાગમની સરેરાશ સંખ્યા ઘટે છે; પણ હમ્મેશાં એવુંય નથી હોતું. કેટલાંક યુગલો સ્પષ્ટ રીતે જેમજેમ સમય વધે છે, તેમતેમ વધુ રોમાંચ કેળવતા જાય છે અને તેઓની સમાગમ સંખ્યા પણ ધીમે ધીમે વધે છે. વળી, ભણતર કે સામાજીક દરજ્જાને પણ સમાગમની સંખ્યા સાથે ઝાઝો સમ્બન્ધ નથી. અને ધાર્મીક સંસ્કારોનો પ્રભાવ પણ અચોક્કસ છે. સામાન્ય રીતે ધાર્મીક રુઢીચુસ્ત કુટુંબમાંથી આવતાં સ્ત્રીપુરુષો ઓછી માત્રામાં કામક્રીડા આચરતા જોવા મળે છે; પણ રેડબુક સર્વેમાં આ પ્રચલીત માન્યતા કરતાં ઉંધું જ પરીણામ જોવા મળ્યું હતું. તેમાં એવું જણાયું કે, ધાર્મીક રીતે કેળવાયેલી સ્ત્રીઓ પણ બીનધાર્મીક સ્ત્રીઓ જેટલી માત્રામાં જ સમાગમ ઈચ્છે તથા કરે છે. અલબત્ત, આ તારણ આપણા સમાજનું નથી.
તમે એટલું સમજજો કે, ઘણીવાર સમાગમની સંખ્યા અંગે પતી–પત્ની વચ્ચે મતભેદ પ્રવર્તતો હોય છે. તે દુર કરવા કોઈ નીયમ ન ટાંકી શકાય. તમે અઠવાડીયે પાંચ વાર સેક્સ ભોગવવા ઈચ્છતા હોય અને પત્ની બે જ વાર તૈયાર હોય તો? આ સમસ્યાના નીવારણ માટે બન્નેએ અત્યાગ્રહો, આક્ષેપો પડતા મુકવા પડે. બન્નેએ સ્વીકારવું પડે કે, બન્ને નોર્મલ હોવા છતાંય આવું બની શકે. “તમે પશુ જેવા છો” કે “હું તને ગમતો જ નથી” – જેવા આરોપોથી કોઈ સમસ્યા ઉકલતી નથી, બલકે વધી જાય છે.
પ્રશ્ન : સેક્સ પ્રોબ્લેમ્સ ઉકેલવા કોની પાસે જવું? સેક્સ તથા તેમાં પડતી તકલીફો અંગે માર્ગદર્શન લેવા કયાં જવું? નાનાં ગામડાંઓમાં સેક્સોલૉજીસ્ટો નથી હોતાં.
ઉત્તર : આજે જ્યારે શાળા, કૉલેજો કે યુનીવર્સીટીમાં સેક્સ ઍજ્યુએશન ઉપલબ્ધ નથી ત્યારે આપનો પ્રશ્ન એકદમ પ્રસ્તુત બની રહે છે.
વાસ્તવમાં સેક્સની સમસ્યાઓ અંગે સાચી સલાહ આપી શકે એવાં કેન્દ્રો આપણે ત્યાં જુજ છે. સેક્સની મુંઝવણો તથા બીમારીઓનું જે પ્રમાણ આપણા સમાજમાં પ્રવર્તે છે તેના પ્રમાણમાં આ કેન્દ્રોની સંખ્યા નગણ્ય કહેવાય. આપણે ત્યાં યુનીવર્સીટી કક્ષાએ ફોર્મલ સેક્સ ઍજ્યુકેશન એક વીષય યા અભ્યાસક્રમ તરીકે આવવાને હજુ વાર છે. ત્યારે યુવાનો માર્ગદર્શન માટે વ્યકીતગત ધોરણે સમ્પર્ક કરી શકે એ માટે ઘણાં કેન્દ્રો હોવાની જરુર છે.
મારી જાણમાં આવું એક સક્રીય કેન્દ્ર મુમ્બઈની કે. ઈ. એમ. હૉસ્પીટલનું છે. ત્યાં પ્રૉ. ડૉ. પ્રકાશ કોઠારીના માર્ગદર્શન હેઠળ ડીપાર્ટમેન્ટ ઑફ સેક્સોલૉજીનો વીભાગ ચાલે છે. જેમાં બુધવારે ચાલતી ઓ.પી.ડી.માં સોથી સવાસો મુલાકાતીઓ પોતાની જાતીય મુંઝવણના હલ માટે આવે છે. કે. ઈ. એમ. હૉસ્પીટલના આ સેક્સથેરાપી કેન્દ્રમાં તમામ જાતીય સમસ્યાઓ માટે વીનામુલ્યે નીદાન, સલાહ તેમજ ચીકીત્સાની વ્યવસ્થા છે.
ફેમીલી પ્લાનીંગ એસોસીયેશન ઑફ ઈન્ડીયા (એફ.પી.એ.આઈ.) તરફથી જે એસ.ઈ.સી.આર.ટી. પ્રોજેકટ હાથ ધરાયો છે તે પણ નોંધપાત્ર છે. સેક્સ ઍજ્યુકેશન, કાઉન્સેલીંગ, રીસર્ચ, ટ્રેનીંગ ઍન્ડ થેરાપીના આ પ્રોજેકટમાં મુમ્બઈ, રાજકોટ સહીત અનેક દેશભરમાં ઘણાં એસ.ઈ.સી.આર.ટી. કેન્દ્રો સ્થાપવામાં આવ્યાં છે. લોકોને નીઃશુલ્ક જાતીય મુંઝવણોમાં માર્ગદર્શન આપતાં આ કેન્દ્રોનો કમનસીબે હજુ બહોળા પ્રમાણમાં લાભ લેવાતો નથી. જે લેવાવો જોઈએ. સેસીલ કોર્ટ, પાંચમા મજલે, મહાકવી ભુષણ રોડ, બૉમ્બે ખાતે સ્થપાયેલા કેન્દ્રમાં ડૉ. મહીન્દર વાત્સા, ડૉ. જે. વી. ભટ્ટ, રાજ બ્રહ્મભટ્ટ, ડૉ. રુપીન શાહ જેવા નીષ્ણાત તબીબોના માર્ગદર્શન ઉપલબ્ધ બને છે. જ્યારે સંગીતા ગુરુકુળ નજીક, ઢેબરભાઈ રોડ, રાજકોટ ખાતે આવેલ કેન્દ્રમાં ડૉ. પંડ્યા તથા ડૉ. નાગેચા જેવા નીષ્ણાત તબીબો માર્ગદર્શન આપે છે. એસ.ઈ.સી.આર.ટી. – દીલ્હી, પુના, જબલપુર તથા ત્રીવેન્દ્રમ જેવા કેન્દ્રોનો લાભ લોકો સુધી વધુ ને વધુ માત્રામાં પહોંચવો જરુરી છે.
આજે ખરેખર જાતીય મુંઝવણોની બાબતમાં જે કાંઈ બની રહ્યું છે તે ઘણું દુઃખદ છે કે, લોકો પોતાને સાચા સ્થળોની માહીતી ન હોવાને કારણે રેલવે સ્ટેશનો નજીક મોટી દીવાલો પર ચીતરાયેલા બની બેઠેલા સેક્સોલૉજીસ્ટોના ભ્રામક પાટીયાંઓથી છેતરાઈને તેઓ પાસે પહોંચી જાય છે અને પંદર વીસ હજાર રુપીયાની કહેવાતી જાદુઈ તાકાતવાળી ગોળીઓ ખાઈને ઉપરથી પોતાની મુશ્કેલી વધારી બેસે છે. આવા પોસ્ટર છાપ સેક્સોલોજીસ્ટોમાંના ઘણાંખરાં તો “દર્દીઓને આપને હસ્તમૈથુન કરકે અપને આપકો નામર્દ કર ડાલા હૈ” અથવા તમારું “કીંમતી દ્રવ્ય બહુ વહી જવાથી તમે ખલાસ થઈ ગયા છો–” જેવી ડરાવનારી વાતો કરીને દર્દીને બીવડાવી મારે છે. જેથી દર્દી મોંઘીદાટ જાદુઈ દવાઓ ખાવા માટે મજબુર બની જાય છે. આ દર્દીઓ બીચારા બાપડા સાજા ન થાય તોય પોતાની વીતક શરમનાં માર્યા કોઈને કહેવા તૈયાર થતાં નથી. અને એ જ તો તકલીફ છે જેનો ગેરલાભ અનક્વોલીફાઈડ તકસાધુ ઉઠાવે છે. હકીકતમાં આજે તો ગામેગામ ડૉક્ટરો ઉપલબ્ધ છે. સરકાર દ્વારા એમ.બી.બી.એસ. ઉપરાંત આયુર્વેદીક અને હોમીયોપેથીની ડીગ્રી પ્રમાણીત છે. આ બધાય તબીબો પોતાની શાસ્ત્રીય રીતોથી જાતીય તકલીફો ઉકેલી શકે તેમ હોય છે. બધાં નહી તો તેમાંના કેટલાક તો અચુક તકલીફો દુર કરી શકતા હોય છે પણ સેક્સ પ્રોબ્લેમ્સમાં પીડાતા દર્દીઓ પોતાની મુંઝવણ તેઓને જણાવતા જ નથી.
મારા એક દર્દીને ખરેખર કોઈ તકલીફ જ નહોતી. તેને કેવળ વીર્ય સ્ખલન અંગે થોડી ઘણી જાણકારી આપવાની હતી. મેં તેને પુછ્યું કે, ભાઈ, આ મુંઝવણ તારા પોતાના ફેમીલી ડૉક્ટર પણ બહુ સારી રીતે ઉકેલી શક્યા હોત. તું તેમની પાસે જ ગયો હોત તો! તો તરત તેણે સંકોચાઈને કહ્યું કે, સાહેબ, અમારા ફેમીલી ડૉક્ટર બહુ સારા છે અને અમારે તો એમની સાથે ઘર જેવું છે; પણ એમને આવી બધી વાત થોડી કરાય! આવા તો અનેક લોકો હશે જેઓ પોતાના ફેમીલી ડૉક્ટર બહુ નજીકના થઈ ગયા હોવાને લીધે બાકી બધા રોગો માટે તેમની પાસે જશે, પણ સેક્સની સમસ્યા માટે તેઓ પાસે કોઈ કાળે નહી જાય. જો આ મનોસ્થીતી સુધારી શકાય તો સેક્સોલૉજીને નામે થતી શોષણખોરીમાંથી અનેક લોકોનું શોષણ અટકે. પોતપોતાના ફેમીલી ડૉક્ટર પાસે જ લોકો સેક્સ અંગેની સલાહો લેતાં થાય.
આમાં બીજો એક મહત્ત્વનો મુદો એ પણ છે કે, કેટલાક ફેમીલી ફીઝીશીયનો પોતે જ સેક્સ પ્રોબ્લેમ્સની વાત આવતાં અસ્વસ્થ બની જાય છે, જે યોગ્ય નથી. પોતાની સ્વની સેકસ્યુઆલીટીથી જે માણસ કમ્ફર્ટેબલ હોય તે અન્યોની સેકસ્યુઆલીટીથીય કમ્ફર્ટેબલ રહી શકે.
અમુક ફેમીલી ડૉકટર્સ પોતે સેક્સ પ્રોબ્લેમ્સ અંગેની પુરતી જાણકારી ધરાવતા નથી. જેમાં તેમનો નહીં પણ તેમના ક્ષતીવાળા અભ્યાસક્રમો અને શીક્ષણપ્રથાનો વાંક છે. ઘણાંખરાં ડૉક્ટરો સામાન્ય જાતીય બીમારીઓથી જ્ઞાત હોય છે; પણ તેઓને દવા, ઈંજેકશન પુરતી જ ફાવટ રહે છે. માંડીને ચર્ચા કરવાનું તેમને રુચતું નથી. અલબત્ત, કેટલાક ડૉક્ટરો વાત કરવા અને જાતીય સમસ્યાઓ હલ કરવા તત્પર હોય છે; પણ તેઓને પુરતો સમય નથી મળતો. કેટલાકને વળી એકાંત યા મોકળાશપુર્ણ જગ્યા નથી મળી રહેતી. ચીક્કાર ગીરદીથી ઉભરાતાં દવાખાનાંઓમાં કેટલાક દર્દીઓ વાત કરવાનું મુનાસીબ નથી સમજતાં હોતા.
લોકો ઈચ્છે તો સુરત, જામનગર, અમદાવાદ, વડોદરા જેવાં મોટાં શહેરોમાં સીવીલ હૉસ્પીટલો હોય છે ત્યાંય જઈ શકે. દરેક હૉસ્પીટલમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપાર્ટમેન્ટ્સ કાર્યરત હોય છે. જેમાંના સાઈકીઆટ્રી (મનોચીકીત્સા) વીભાગનાં ઘણાં ડીપાર્ટમેન્ટો મનોજાતીય રોગોમાં મદદરુપ થઈ શકે છે. ગુપ્ત રોગોમાં સ્કીન, વીનરોલૉજી, ડર્મેટોલૉજી તેમ જ મેડીસીન, સર્જરી વીભાગોય મદદરુપ થઈ શકે.
આજે સેક્સોલૉજી એ મેડીકલ સાયન્સની કોઈ માન્ય શાખા નથી. જેને પરીણામે ગાયનેકોલૉજીસ્ટો, યુરોલૉજીસ્ટો, સાઈકીઆટ્રીસ્ટો તથા અન્ય ઘણી શાખા–પ્રશાખાઓના તબીબો તેમાં રસ લે છે. જ્યાં સુધી સેક્સોલૉજી પોતે એક માન્ય તબીબી શાખા ન બને ત્યાં સુધી આમ જ રહેવાનું. આથી લોકોને મુંઝવણ પણ રહેવાની જ છે. આપના પ્રશ્નોનો ઉપર્યુક્ત ખુલાસામાં જવાબ મળ્યો હશે એવી અપેક્ષા રાખું છું.
પ્રશ્ન : જાતીય સમાગમ દરમીયાન કયું આસન શ્રેષ્ઠ ગણાય? પતી–પત્નીની કઈ સ્થીતી સર્વોત્તમ કહેવાય?
ઉત્તર : કામ આસનો અનેક પ્રકારનાં હોય છે. વાત્સ્યાયનથી માંડીને આધુનીક સેક્સ મેડીસીનના તજજ્ઞોએ અનેક આસનો વીષે ચર્ચા કરી છે; પણ એમાં ફલાણું શ્રેષ્ઠ કે ઢીકણું ખરાબ એવું કશું નથી. વ્યક્તીની ઉમ્મર, બાંધો, ગર્ભાવસ્થા, આવડત, વ્યક્તીગત ગમા–અણગમા, ફાવટ, ટેવ, જનનાંગોની અવસ્થા, કોઈ ખાસ બીમારી વગેરે પરીબળો ઉપર આસનની પસંદગી નીર્ભર છે. મોટાભાગના લોકો આંતરસુઝ પ્રમાણે વર્તે છે અને પસંદગી કે અજમાયશ કરે છે.
–ડૉ. મુકુલ ચોકસી
સાઈકીઆટ્રીસ્ટ તથા સૅક્સ થૅરાપીસ્ટ ડૉ. મુકુલ ચોકસીનું મનુષ્યની સૅક્સલાઈફનાં અનેકાનેક પાસાંઓની તલસ્પર્શી છણાવટ કરતું પુસ્તક ‘જાતીય પ્રશ્નાવલી’ (પ્રકાશક : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395003 ફોન : (0261) 7431449 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવા સીદી, ગોપીપુરા, સુરત – 395003 ફોન : (0261) 7427882/7432563 પાનાં : 124, મુલ્ય : રુપીયા 90/–)માંથી લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..
લેખક સમ્પર્ક : DR. MUKUL M. CHOKSI “ANGAT CLINIC” 406, WESTERN BUSINESS PARK, OPP. S. D. JAIN SCHOOL, VESU CHAR RASTA, UNIVERCITY ROAD, SURAT–395 007. Phone : (0261) 3473243, 3478596 Fax : (0261) 3460650 e.Mail : mukulchoksi@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 11–04–2022
સાઈકીઆટ્રીસ્ટ તથા સૅક્સ થૅરાપીસ્ટ ડૉ. મુકુલ ચોકસી શક્ય એટલા વીવેકથી મનુષ્યની સૅક્સલાઈફનાં અનેકાનેક પાસાંઓની તલસ્પર્શી છણાવટ કરતો આ લેખ સંવેદનશીલ વિષયના ઘણા પ્રશ્નો -જે સામાન્યવ્યક્તીઓ અને ઘણા તબીબોને પણ ખબર નથી હોતી- તે સમજાવે છે . લેભાગુ નિષ્ણાત સામાન્યજનોની મુંઝવણોનો ખોટા ઉકેલો દ્વારા નુકશાન કરે અને લુંટે છે.ઘણાની સ્થિતી કહેવાય નહીં અને સહેવાય નથી એવી હોય છે.
જયારે સેકસના ખુલ્લાપણાંની વાત આવે, ત્યારે અચૂકપણે ‘પશ્ચિમી સંસ્કૃતિના આક્રમણ’ની વાત ચર્ચાય છે! કામકળાનું ઉદ્દગમસ્થાન જ ભારત હતું! ભારતીય સંસ્કૃતિમાં શારીરિક સંબંધનું જે માઘુર્ય ‘અનાવૃત’ થયું છે.
LikeLiked by 1 person
ખૂબ ખૂબ આભાર .. આપે સચોટ માહિતી પીરસી ને સરસ જ્ઞાન આપ્યું છે જે ખરેખર ઉપયોગી છે ધન્યવાદ
LikeLiked by 1 person
આપણે ત્યાં આ પ્રકારના સાચા જ્ઞાનની અને બને તેટલા વધુ પ્રસારની ખાસ જરુર છે, જેથી લોકો ખોટી જગ્યાએ ફસાઈ ન જાય. ધન્યવાદ અને આભાર મુકુલભાઈ તથા આપનો ગોવીન્દભાઈ.
LikeLiked by 1 person
ડો. મુકુલભાઈ નું માર્ગદર્શન બહુજ ઉપયોગી છે આભાર
LikeLike