ઈ.બુકનો આવકાર

કેટલાંક લોકોની દલીલ છે કે ઘી ઢોળાઈ તેના વીશે બોલો છો, બકરી ઈદના દીવસે બકરાં કપાય છે, તેના વીશે કેમ બોલતા નથી? શ્રદ્ધાળુઓ કદી એવું વીચારતા નથી કે મન્દીર/મસ્જીદ/ચર્ચમાં ચોરી કેમ થાય છે? મન્દીર/મસ્જીદ/ચર્ચ તરફ જતાં કે આવતાં અકસ્માત કેમ થાય છે? ‘ભગવાન તમારું ભલું કરશે’ એવા આશીર્વાદ આપનારનું ભલું ભગવાન કેમ કરતો નથી? બાપના કુવામાં ડુબી મરાય!

સર્વશક્તીમાન ઈશ્વર પોતાને માટે
કંઈ પણ કરવા અશક્તીમાન છે!

–રમેશ સવાણી

વીચારપ્રેરક નાનકડી પુસ્તીકા છે– ‘રૅશનાલીઝમ’. લેખક છે ડંકેશ ઓઝા. આ પુસ્તીકાને ‘ઈ.બુક’માં ઢાળી છે ‘અભીવ્યક્તી’ બ્લૉગના સર્જક ગોવીન્દભાઈ મારુએ. લેખકે રૅશનાલીઝમ વીશે બહુ ટૂંકમાં સરસ માહીતી આપી છે.

તા.ક.; રાજ્ય સરકારના નીવૃત્ત સંયુક્ત સચીવ ડંકેશ ઓઝાની ઈ.બુક ‘રૅશનાલીઝમ’ ડાઉનલોડ કરવા માટે લેખના અંતે લીન્ક આપવામાં આવી છે.

રૅશનાલીઝમ એટલે બુદ્ધીવાદ? ના, કેમ કે બધા બુદ્ધીજીવીઓ રૅશનલ હોતા નથી. બુદ્ધીશાળી વૈજ્ઞાનીકો/ડૉક્ટર્સ/એન્જીનીયર્સ/અન્ધશ્રદ્ધામાં માનતા હોય છે! રૅશનાલીઝમ એટલે નાસ્તીકવાદ? ના, તે નાસ્તીકવાદથી આગળની વીચારધારા છે. રૅશનાલીઝમ એટલે વીવેકબુદ્ધીવાદ કહી શકાય. દરેક ધર્મ ઈશ્વરમાં માને છે; અને પોતાનો ધર્મ જ સાચો એવું માને છે. જેણે ધર્મની શરુઆત કરી તેમને તત્કાલીન કે તે પછીના સમાજે ઈશ્વરીય કક્ષાએ સ્થાપી દીધા. ઈશુ/બુદ્ધ/મહાવીર/હઝરત મહંમદ આવી રીતે કાળક્રમે માણસમાંથી ઈશ્વર બની ગયા! રૅશનાલીઝમનો વ્યાપ વીશાળ છે. માનવ અધીકાર/માનવવાદ રૅશનાલીઝમનું ટોચનું શીખર છે. રૅશનાલીઝમનો એક છેડો અન્ધશ્રદ્ધા નીવારણ છે તો બીજા છેડે માનવમુલ્યો સાથેના અધીકારની પરીપુર્ણતા છે. રૅશનાલીસ્ટ, ધર્મના વીકલ્પે માનવધર્મની વાત કરે છે. ધર્મમાં ઈશ્વર કેન્દ્રસ્થાને છે, તો માનવધર્મમાં ઈશ્વરના સ્થાને માનવ છે! દરેક ધર્મ, આકાશી દેવ/ઈશ્વર આધારીત છે; તેમાં પુર્વજન્મ/પુન:જનમ/સ્વર્ગ/નરક વગેરે કાલ્પનીક બાબતોનું મહત્ત્વ હોય છે. રૅશનલ માણસ આવી કલ્પનાઓમાં માનતો નથી, અને ઐહીક બાબતોને/હાલના વર્તમાન જીવાતા જીવનને મહત્ત્વ આપે છે. મોક્ષ/પુનર્જન્મ/કયામત/પુનરુત્થાનના ખ્યાલ કરતાં ઐહીક એટલે કે આ જગતનું દુન્યવીજીવન વધુ મહત્ત્વનું છે, તેમ માને છે. તેમાં બુદ્ધી અને પુરુષાર્થ દ્વારા કંઈક કરવું તે આપણા હાથમાં છે. ઉદાહરણ તરીકે દુનીયાના એક પણ ધર્મગ્રંથોમાં મોબાઈલ ફોનનો ઉલ્લેખ નથી કે કોઈ ઈશ્વર કે તેમના દુતો પાસે પણ મોબાઈલ ફોનની સવલત ન હતી; જે આજે સામાન્ય માણસ પાસે છે!

કવી જલન માતરી કહે છે : ‘શ્રદ્ધાનો વીષય હો તો પુરાવાની શી જરુર? કુરાનમાં તો પયગંબરની ક્યાંય સહી નથી!’ ઈશ્વરનું અસ્તીત્વ શ્રદ્ધામાં છે. શ્રદ્ધાળુઓ કદી એવું વીચારતા નથી કે મન્દીર/મસ્જીદ/ચર્ચમાં ચોરી કેમ થાય છે? મન્દીર/મસ્જીદ/ચર્ચ તરફ જતાં કે આવતાં અકસ્માત કેમ થાય છે? ‘ભગવાન તમારું ભલું કરશે’ એવા આશીર્વાદ આપનારનું ભલું ભગવાન કેમ કરતો નથી? ધર્મનો પાયો શ્રદ્ધા છે, વીજ્ઞાનનો પાયો તર્ક અને સંશોધન છે. ધર્મગુરુઓ કહે છે : “સંશયાત્મા વીનશ્યતી–સંશય કરનારનો નાશ થાય છે! ધર્મ જે કહે છે તે સનાતન સત્ય છે!” જ્યારે વીજ્ઞાનમાં સંશય જ મહત્ત્વનો છે. વૈજ્ઞાનીક સત્ય લોકપ્રીય ન હોય/સત્ય કડવું પણ હોય/લોકમાન્યતાથી જુદું પણ હોય! પાલીતાણામાં એક જૈન મુની સમજાવે છે કે પૃથ્વી સપાટ છે! શ્રદ્ધાળુઓ સમજવા તૈયાર નથી કે જો પૃથ્વી સપાટ હોય તો નદીના પાણી હજારો કીલોમીટરની મુસાફરી કઈ રીતે કરે? શીવલીંગ ઉપર ઉંદર ફરતા જોઈને સ્વામી દયાનંદ સરસ્વતીએ વીચાર્યું કે સર્વશક્તીમાન ઈશ્વર પોતાને માટે કંઈ પણ કરવા અશક્તીમાન છે! તેમણે મુર્તીપુજાનો/મન્દીરનો સખ્ત વીરોધ કર્યો. રાજા રામમોહન રાયે સતીપ્રથાનો સખ્ત વીરોધ કર્યો. ડર/અસલામતી અને લાલચના કારણે લોકો ધર્મમાં માને છે. નરક/આવતા જન્મમાં આવનાર દુ:ખોથી લોકો ડરીને પ્રાયશ્ચીત માટે ધર્મને શરણે જાય છે. નીતી/સદાચારના મુલ્યો ધર્મએ વણી લીધાં એટલે લોકો માનતા થઈ ગયા કે ધાર્મીક મુલ્યો એ જ સામાજીક મુલ્યો છે, નૈતીક મુલ્યો છે. એક માણસ બીજા માણસ ઉપર હુમલો કરતો નથી, તેનું કારણ ધર્મ નથી, રૅશનલ/સેક્યુલર મુલ્યો છે. મારી ઉપર કોઈ હુમલો કરે તો મને ન ગમે; તો મારે પણ બીજા પર હુમલો ન કરવો જોઈએ; રૅશનાલીઝમ આવું સ્વીકારે છે. ઉપરાંત નબળાની સુરક્ષા કરવી/શોષણ અટકાવવા કાયદા કરવા/ પર્યાવરણની રક્ષા કરવી/સામાજીક ન્યાય હાંસલ થાય તે દીશામાં કામ કરવું/ભેદભાવ દુર કરવા/અસ્પૃશ્યતા દુર કરવી વગેરે સેક્યુલર મુલ્યો છે. રૅશનાલીઝમમાં માનવ અધીકાર/માનવ મુલ્યો પ્રત્યે નીસબત હોય છે. રૅશનાલીસ્ટમાં માનવીય લાગણીઓ હોય છે, તે બીજાના દુખે દુખી થાય છે અને બીજાના સુખે સુખી થાય છે. રૅશનાલીઝમે ‘ઈશ્વર’ની જગ્યાએ ‘માનવ’ને સ્થાપ્યો છે!

એક વખત, ગોરધનદાસ ચોખાવાળાના પ્રમુખપદે સુરત–કૉલેજમાં ‘સત્યશોધક સભા’ની મીટીંગ ચાલતી હતી. સાદા કપડામાં એક ભાઈ પ્રમુખ પાસે ગયા. સો રુપીયાની પાંચ નોટ ટેબલ પર મુકીને બોલ્યા : “મારુ નામ અહમદભાઈ કટપીસવાલા. ચોકબજારમાં મારી નાનકડી કાપડની દુકાન છે. મારી દુકાનેથી સવારથી સાંજ અનેક ઘરાકો લાલ ચુંદડી/કાળી ચુંદડી/કાપડના નાનામોટા ટુકડાંઓ બાધા ચઢાવવા/માનતા પુરી કરવા લઈ જાય છે. આ ગરીબ માણસો પૈસા બગાડે છે. તમે લોકો સારું કામ કરો છો. તમારું કામ ફેલાશે અને લોકો વહેમ–અન્ધશ્રદ્ધામાંથી છુટશે તો મારો ધંધો પડી ભાંગશે; પરન્તુ મને તેનું દુ:ખ નથી. તમારી પ્રવૃતી વધે તે માટે રુપીયા 500/-ની આ ભેટ આપું છું, તે સ્વીકારશો!

‘બાપના કુવામાં ડુબી ન મરાય!’

રૅશનાલીઝમ; રાજાશાહી/સરમુખત્યારશાહીનો વીરોધ કરે છે અને લોકશાહીની તરફેણ કરે છે. લોકશાહીમાં હીંસાને કોઈ સ્થાન નથી, હીંસાની તરફેણ નથી, હીંસા એ ગુનો છે. બીજી વ્યક્તી અલગ વીચાર ધરાવે છે, જે મને પસન્દ નથી તેથી તેને ખતમ કરવી; એ લોકશાહી વીચાર નથી. લોકશાહી દેશોમાં સામ્યવાદી પક્ષ હોય છે; પરન્તુ સામ્યવાદી દેશમાં લોકશાહી પક્ષને સ્થાન હોતું નથી. લોકશાહી મોકળું મેદાન આપે છે અને રૅશનાલીઝમ વ્યક્તીને તર્કસંગત/બુદ્ધીયુક્ત રીતે સમસ્યાઓની વીચારણા કરવા ક્ષમતા બક્ષે છે. જેથી માનવ ઉત્થાન/સાંસ્કૃતીક વીકાસ શક્ય બને છે. પરમ્પરાથી ઉફરા ચાલવું મુશ્કેલ છે. આપણે ત્યાં અમુક ધર્મ/સમ્પ્રદાયના લોકો લસણ/ડુંગળી/કંદમુળ ખાતા નથી; કીડીયારું પુરે છે. કેટલાંક લોકો પશુનું દુધ કે તેની બનાવટો પણ ખાતા નથી. તો બીજી તરફ માંસાહારી લોકો પણ છે. બીજાએ શું ખાવું–પીવું તે આપણે નક્કી કરવા બેસીએ ત્યારે સમાજમાં સંઘર્ષ થાય છે. વીશ્વમાં માંસાહારી લોકોની બહુમતી છે. વીવેકાનંદ માંસાહારી હતા તે આપણે સ્વીકારી શકતા નથી. ભગતસીંહ નીરીશ્વરવાદી હતા, તેનો મોટાભાગના લોકોને ખબર નથી. એવા વીરલાઓ પણ હોય છે, જેઓ ઈશ્વરની/શ્રદ્ધાની/પરમ્પરાની ટેકણલાકડી વીના પોતાના પગ પર/આત્મવીશ્વાસ પર આધાર રાખીને જુદી કેડી કંડારતા હોય છે. રૅશનલ મુલ્યો માણસને બંધનમુક્ત કરે છે. આપણા 4 પુરુષાર્થ– ધર્મ/અર્થ/કામ/મોક્ષમાંથી ચાર્વાક માત્ર અર્થ અને કામને સ્વીકારે છે; કેમકે ઐહીક સુખ જ જીવનનું ધ્યેય છે. ઐહીક સુખમાં પોતાના તથા અન્યના સુખનો સમાવેશ થાય છે.

આપણું મન અનેક બાબતોમાં ટેવાયેલું હોય છે. કેટલીક બાબતોમાં જકડાયેલું હોય છે. સવારે પુજા કરવાની ટેવ છુટતી નથી. ધાર્મીકગ્રંથોને ઈશ્વર સર્જીત માને છે. તેમાં લખાયેલ વાતોને આખરી માને છે. મનોવીજ્ઞાનીઓ આ સ્થીતીને ‘કન્ડીશન્ડ માઈન્ડ’ કહે છે. કહેવત છે કે ‘બાપના કુવામાં ડુબી ન મરાય!’ એટલે કે કુટુંબની પરમ્પરા/વંશની પરમ્પરા સારી હોય તો જ તેનો સ્વીકાર કરવો જોઈએ; અન્યથા તેનો ત્યાગ કરવો જોઈએ. આજે પણ અમુક જ્ઞાતીઓમાં વીધવા લગ્ન માન્ય નથી; પરન્તુ વીધુર લગ્ન માન્ય છે! ધર્મના નામે બાળદીક્ષા પણ ખતરનાક બાબત છે! એક તરફ કુપોષણની સમસ્યા હોય અને બીજી તરફ ધર્મને નામે કરોડો રુપીયાનું ઘી ઢોળી પ્રદુષણ કરવાની બાબત બીલકુલ ઉચીત નથી! કેટલાંક લોકોની દલીલ છે કે ઘી ઢોળાઈ તેના વીશે બોલો છો, બકરી ઈદના દીવસે બકરાં કપાય છે, તેના વીશે કેમ બોલતા નથી? પ્રથમ દૃષ્ટીએ આ દલીલમાં વજુદ લાગે; પરન્તુ બકરાંની કતલ ખોરાક માટે થાય છે; જ્યારે ઘી ખાવા માટે ઢોળાતું નથી! શ્રદ્ધાળુઓનું માનવ ગૌરવ જાળવવું પડે, તેમની મજાક ઉડાડવાને બદલે તેઓ વીક્ટીમ છે, તેમ માની સમજણ રોપવાનું કામ રૅશનાલીસ્ટ વ્યક્તીનું છે. આપણે રૅશનલ હોઈએ પણ મા–બાપને મારીને રૅશનલ ન બનાવાય! તેમને મન્દીરે જવાથી સંતોષ મળતો હોય તો તેમને રોકવા ન જોઈએ! રૅશનલ અભીગમ માનવ સંસ્કૃતીની ઉત્ક્રાંતીમાં મહત્ત્વની ઘટના બની શકે, જો આ અભીગમ લોકોના મનમાં ઉતરે/સ્વીકૃત બને. વર્ણભેદ, રંગભેદ, જ્ઞાતીપ્રથા, અસ્પૃશ્યતા, અસહીષ્ણુતા, સાંપ્રદાયીકતા, લૈંગીક અસમાનતા, બાળ–મજુરી, યૌનશોષણ વગેરે મુદ્દાઓને તર્કયુક્ત/ વીવેકબુદ્ધીપુર્વક જોવાની જરુર છે; એ બાબતે આપણા વીચારોમાં ફેરફાર કરવાની જરુર છે. કોઈ પણ સમાજ કેટલાંક પાયાના મુલ્યો વીના ટકી શકતો નથી કે પ્રગતી કરી શકતો નથી. આ મુલ્યોની માવજત એક કાળે ધર્મ કરતો હતો; હવે આ મુલ્યોની રખેવાળી બંધારણ/શીક્ષણ/કાયદાઓ/માનવઅધીકાર કરે છે. બર્ટ્રાન્ડ રસેલ કહે છે : “ત્રણ ભાવાવેગોએ મારા જીવનનું નીયન્ત્રણ/સંચાલન કર્યું છે–પ્રેમની ઝંખના/જ્ઞાનની ખોજ/માનવજાતની યાતનાઓ પ્રત્યેની કરુણા–દયા. પ્રેમ અને જ્ઞાન જેટલાં મળી શક્યાં તેટલાં, મને ઉર્ધ્વ માર્ગે સ્વર્ગ તરફ દોરી ગયા; જ્યારે દયા હમ્મેશાં મને પૃથ્વી પર પાછો ખેંચી લાવી છે. વેદનાના આર્તનાદો મારા હૈયામાં પડઘાયા કરે છે. ભુખમરામાં સબડતા બાળકો/ક્રુર દમનકારોના ત્રાસનો ભોગ બનતા મજબુર માનવીઓ/અપંગ વૃદ્ધજનો/દરીદ્રતા/યાતનાઓનો આ સંસાર; માનવજીવન જેવું હોવું જોઈએ એની ક્રુર મજાક ઉડાવે છે. આ અનીષ્ટ દુર કરવા હું ઉત્કટપણે ઝંખું છું.”

રૅશનાલીઝમની આ પુસ્તીકા ગાગરમાં સાગર સમાન છે. લોકજાગૃતી માટે, લેખક ડંકેશ ઓઝાને તથા આ વીચારોને ‘ઈ.બુક’ મારફતે વહેંચણી કરનાર ગોવીન્દભાઈ મારુને ધન્યવાદ ઘટે છે.

નીવૃત્ત સંયુક્ત સચીવ ડંકેશ ઓઝાની ઈ.બુક ‘રૅશનાલીઝમ’ ડાઉનલોડ કરવા માટે સ્રોત :  https://govindmaru.files.wordpress.com/2022/04/ebook_59_dankesh_oza_rationalism_2022-04-18-1.pdf

‘રૅશનાલિઝમ’ ઈ.બુકનો આવકારમાંથી, લેખકના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક : શ્રી. રમેશ સવાણી, નીવૃત્ત આઈ.પી.એસ. અધીકારી સેલફોન : 99784 06070 ઈ.મેલ : rjsavani@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ –  govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 18–04–2022

7 Comments

  1. Quite clear explanation of Rationalism and Rationalist, what it is and what not in simple lucid style. Hope that many people will read this and try to put into the day to day practice of their lives.
    Congratulations and thanks to all involved.

    Liked by 2 people

  2. Do rationalist always have to compete with religious ideology? Can both co-exist? If blind faith is a pre requisite for religious followers, what is the pre-requisite for a rationalist? Can common sense prevail?

    Liked by 2 people

  3. “કોઈ પણ સમાજ કેટલાંક પાયાના મુલ્યો વીના ટકી શકતો નથી કે પ્રગતી કરી શકતો નથી.”👍

    Liked by 2 people

  4. રૅશનાલીઝમની પુસ્તીકા અંગે શ્રી ડંકેશ ઓઝાને ધન્યવાદ સાથે વીજ્ઞાન , અંધશ્રધ્ધા , અને ધર્મોના પાયા વિષે સમજવા પ્રયત્ન કરીએ-
    વીજ્ઞાનનો પાયો તર્ક અને સંશોધન જે અવાર નવાર બદલાતા રહે છે દા ત E=Mc2 -Reasons for criticism of the theory of relativity have included alternative theories, rejection of the abstract-mathematical method, and alleged errors of the theory. According to some authors, anti-Semitic objections to Einstein’s Jewish heritage also occasionally played a role in these objections.
    પ્રખર રેશનાલીસ્ટ કબિરજી તેમના ભજનમા કહે છે કે
    મો કો કહાં ઢૂંઢે રે બન્દે, મૈં તો તેરે પાસ મેં
    ના તીરથ મેં, ના મૂરત મેં, ના એકાન્ત નિવાસ મેં
    ના મન્દિર મેં ના મસ્જિદ મેં, ના કાબા કૈલાસ મેં
    ના મૈં જપ મેં ના મૈં તપ મેં, ના મૈં બરત ઉપવાસ મેં
    ના મૈં ક્રિયા કર્મ મેં રહતા, નહીં યોગ સન્યાસ મેં
    નહીં પ્રાણ મેં, નહીં પિંડ મેં, ન બ્રહ્માંડ આકાશ મેં
    ના મૈં ભ્રુકુટી ભઁવરગુફા મેં, સબ શ્વાસન કી શ્વાસ મેં
    ખોજ્યો હોય તુરત મિલી જાઉં પલભર કી તલાશ મેં
    કહત કબીર સુનો ભાઈ સાધો, મૈં તો હૂઁ વિશ્વાસ મેં. સમજવાનું સરળ છે
    સંતો આદિકાળથી કહે છે કે- ‘ત્રિવિધ રત્નો એટલે કે જ્ઞાાન, ભક્તિ અને કર્મ આ ત્રણે રત્નો સ્વસ્થતાપૂર્વક જીવનમાં અહંકાર અને રાગદ્વેષ છોડીને આચરણ કરવાથી જ મનુષ્યમાં મનુષત્વ પ્રાપ્ત થાય છે અને સત્યતા પ્રસ્થાપિત થાય છે આ સનાતન ધર્મ કહેવાય છે. જરા શાંત ચિત્તે આગ્રહો અને હઠાગ્રહો છોડીને સમત્વ ધારણ કરીને શુદ્ધ બુદ્ધિ અને શુદ્ધ મન કરીને વિચારો કે આજે ધર્મના નામે ચાલતા ઝગડાઓમા પોષાતી અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસ સ્પષ્ટ લાગી રહ્યો છે.પ્રેમને દરેક ધર્મે સ્વીકાર્યો છે.
    ‘પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, ઠગ ઠાકોર ઓરચોર,
    બીના પ્રેમ રીઝે નહીં, તુલસી નંદ કિશોર ।।’
    બીજા ધર્મો વિષે થોડુ સમજુ તે પ્રમાણે –
    ઇશ્વર પ્રત્યેનો પ્રેમ તે ઈશ્કે હકીકી
    જબ ઉમડા દરિયા ઉલ્ફતકા, હર તરફ આબાદી હૈ ।
    હરેક રાત નથી શાદી હૈ, હરરોજ મુબારકબાદી હૈ ।।
    અને God is love, and all who live in love live in God, and God lives in them. God is love, and he who abides in love abides in God, and God in him.
    આમ ઘણા ખરા ધર્મોનો સાર પ્રેમ છે અંધશ્રદ્ધા નહીં.

    Liked by 1 person

  5. .

    નેટ ઉપર ઈબુકનો ઈતીહાસ જોવા જેવો છે. ૧૯૭૧થી શરુઆત થઈ ૧૯૯૧ સુધી માંડ દસ વીસ ઈબુક બની હશે.

    ૨૦૦૦ સુધી વરસે ૩૦ – ૪૦ બુક તૈયાર થતી. ૨૦૦૫ સુધી માંડ પંદર વીસ હજાર તૈયાર થઈ હશે. પ્રોજેક્ટ ગુટેનબર્ગ ઉપર ઈતીહાસ જોવા જેવો છે.

    એ હિસાબે મણી મારુ પ્રકાશન અને ગોવીન્દભાઈ મારુની પ્રવૃતીએ ઘણી કાર્યવાહી કરી છે. ખરેખર ગોવીન્દભાઈ મારુને ધન્યવાદ….

    .

    Liked by 1 person

    1. વહાલા વોરા સાહેબ,
      આપના પ્રતીભાવ/કદરદાની માટે હું કૃતજ્ઞ છું.
      પુસ્તકની કીમ્મત કરતાં તેને મોકલવાનો કુરીયર ખર્ચ વધી જતો હોવાથી દેશ–વીદેશના વાંચકો તરફથી ‘ઈ.બુક્સ’ની માંગ આવતી હતી. આ માંગને સંતોષવા માટે વય નીવૃત્તીથી નીવૃત્ત થયા પછી ‘મણી મારુ પ્રકાશન’ના નેજા હેઠળ રૅશનલવીચારો અને સદ્વીચારોનો તદ્દન મફ્ફતમાં પ્રચાર–પ્રસાર કરવા માટે ઈ.બુક્સનું પ્રકાશન કરવાનું કાર્ય અમે ઉપાડી લીધું છે. આજે 9 વરસ અને 5 મહીનામાં અમે 60 ઈ.બુક્સ તૈયાર કરી છે. આગામી 29 એપ્રીલને શુક્રવારે 60મી ઈ.બુકનો લોકાર્પણ થશે.
      ધન્યવાદ…
      –ગોવીન્દ મારુ

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s