માનવતાની સીદ્ધીનો સંકલ્પ

માનવતાની સીદ્ધી પ્રાપ્ત કરવા માટે મનુષ્યે શું કરવું પડે? જ્ઞાન, વીદ્યા, ધન, કળા વગેરે સીદ્ધી સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે? શું તે વારસામાં મળી શકે?

માનવતાની સીદ્ધીનો સંકલ્પ

–કેદારનાથજી

જ્ઞાન, વીદ્યા, ધન, કળા વગેરેમાંથી કોઈ પણ સીદ્ધી સહેલાઈથી પ્રાપ્ત થઈ શકતી નથી. તેને માટે પરીશ્રમ કરવો પડે છે. તેમાંથી ધન કદાચ વારસામાં મળી શકે; પરન્તુ બીજી કોઈ સીદ્ધી અથવા વીશેષતા પ્રાપ્ત કરવા માટે મનુષ્ય પોતે જ પ્રયત્ન કરવો પડે છે. યોગ્ય માર્ગ વગર તેમાં સફળતા મળતી નથી. તે પ્રમાણે માનવતાની સીદ્ધી પણ યોગ્ય માર્ગ વીના મળી શકતી નથી. મનુષ્યનું શરીર કુદરતી ધર્માનુસાર વધે છે. બુદ્ધી પણ ઉમ્મર પ્રમાણે વધે છે; પરન્તુ જેમને પોતાનું શરીર એક વીશેષ પ્રકારનું અથવા શક્તીશાળી બનાવવાની ઈચ્છા હોય, અથવા જેમને પોતાની બુદ્ધીનો વીકાસ વીશેષ પ્રમાણમાં કરવો હોય, એ બધાએ તે પ્રકારનું શરીર બનાવવાને માટે તેમ જ બુદ્ધી પ્રાપ્ત કરવા માટે કંઈક વીશેષ પ્રયત્ન કરવો પડે છે અને તે યોજનાપુર્વક અને સાચી રીતે કરવો પડે છે. કુદરતે મનુષ્યને જે વીશેષ શક્તીઓ આપી છે, કે મનુષ્ય પોતે પ્રાપ્ત કરી છે, તેમાં સંકલ્પશક્તી એ ઘણી મહત્ત્વની શક્તી છે. કોઈ પણ સીદ્ધી કે કોઈ પણ પ્રકારની સફળતા પ્રાપ્ત કરવા માટે મનુષ્ય પહેલાં દૃઢ સંકલ્પ કરવો પડે છે. શરીરને ઉત્કૃષ્ટ અને બળવાન કરવાની જેને ઈચ્છા હોય તેને તે પ્રકારનો સંકલ્પ પ્રથમ કરવો પડે છે અને તે પ્રકારના આદર્શને સદૈવ પોતાની દૃષ્ટી સામે રાખવો પડે છે. રુસ્તમ, સેમસન, સેન્ડો વગેરેમાંથી કોઈનું પણ ચીત્ર આદર્શ તરીકે મનમાં રાખવું પડે છે. ભવીષ્યમાં શરીર કેવું હોય તેનું ઉત્તમમાં ઉત્તમ કલ્પનાચીત્ર નજર સામે રાખવું પડે છે. ધનવાન બનવાની ઈચ્છા કરનાર ધનના ચીંતન સાથે કોઈ ધનવાન, કે પોતાના ધનવાનપણાનું ચીત્ર મનમાં રાખે છે અને તેનું ચીંતન કરે છે. જેનો જે પ્રકારનો સંકલ્પ અને આદર્શ હોય તે પ્રમાણે તેનું ચીંતન ચાલે છે. તેને અનુરુપ તે ભવીષ્યકાળના જીવનનો નકશો બનાવે છે, અને સાથે સાથે દૃઢતાથી તે દીશામાં પ્રયત્નશીલ રહે છે. કેવળ સંકલ્પથી સીદ્ધી પ્રાપ્ત થતી નથી. તેને માટે દીર્ધ પ્રયત્ન, દૃઢતા, ધૈર્ય, સહીષ્ણુતા, યોજનાશક્તી વગેરે સગુણોની આવશ્યકતા રહે છે. ચારીત્ર્યની સીદ્ધી માટે, માનવતાની સફળતા માટે આ રીતે પ્રયત્નશીલ રહેવું પડે છે. ચારીત્ર્ય કે માનવતાની સીદ્ધી યોગ્ય પરીશ્રમ વગર સહેજે પ્રાપ્ત થાય તેવી નથી. સાચો સંકલ્પ અને સાથે સાથે આદર્શ બન્નેનું સદૈવ અનુસંધાન રાખીને પ્રયત્નશીલ રહેવાથી તે સીદ્ધી પ્રાપ્ત થાય છે.

જીવનનો સાચો આદર્શ શો છે તે આપણા રાતદીવસના ચીંતન પરથી અને આપણા વહેવારના અંતીમ હેતુ પરથી આપણે સમજી શકીએ છીએ. રોજ જાગૃતીથી માંડી નીદ્રાધીન થવા સુધી આપણે કયા વીષયનું ચીંતન કરીએ છીએ, ધન, માન, પ્રતીષ્ઠા, સત્તા, ચારીત્ર્ય વગેરેમાંથી કઈ વસ્તુ મળવાથી આપણે ધન્યતા અને પ્રસન્નતા માણીએ છીએ તે આપણે રોજ ને રોજ જોતા રહીએ, તો આપણો જીવનઆદર્શ ક્યો છે તે આપણે સમજી શકીશું. રોજના આપણા આચરણ પરથી આપણો આદર્શ શો છે તે સમજમાં આવી જશે. માનવતા સીવાય બીજી કોઈ પણ સફળતા આપણને ઉન્નત કરી શકશે નહીં એ સીદ્ધાંત પર આપણી શ્રદ્ધા હોવી જોઈએ. વહેવારમાં આપણે આ પ્રકારના જીવનની સફળતાની દૃષ્ટી રાખવી જોઈએ. ધનલોભી મનુષ્ય પોતાના રોજના વહેવારમાં માનવતા ગુમાવીને ધનપ્રાપ્તીમાં સંતોષ માને છે. તેમાં તેને ધન્યતા લાગે છે; પણ માનવતાનું મુલ્ય સમજાતું ન હોવાથી તે ધનલોભમાં ફસાઈ જાય છે. તે પ્રમાણે માનસન્માન, પ્રતીષ્ઠા, ઐશ્વર્ય તથા વીલાસમાં મગ્ન રહેનાર બધા પોતપોતાના વીષયની તૃપ્તીમાં સંતુષ્ટ થઈને ધન્યતા માને છે. એવા પ્રયત્નમાં માનવતા નષ્ટ થાય છે કે નહીં તે તરફ તેમનું ધ્યાન જતું નથી. પરન્તુ માનવતાની સીદ્ધી જેઓ ઈચ્છે છે તે પોતાના રોજના વહેવારમાં તેની રક્ષા કરવાનો, તેને વૃદ્ધીગત કરવાનો પ્રયત્ન કરતા રહે છે. તેને માટે ધન ગુમાવવાનો પ્રસંગ આવે, માન, પ્રતીષ્ઠા, ઐશ્વર્ય, સત્તા છોડવાનો પ્રસંગ આવે તો પણ તેની પરવા કરતા નથી. બધું ગુમાવીને તેઓ માનવાની સફળતા ઈચ્છે છે, અને તેને જ માટે પ્રયત્નશીલ રહે છે. આ પ્રમાણે રોજના જીવનવહેવારમાં જેઓ આ દૃષ્ટી રાખે છે, તેઓ માનવતાના સાચા ઉપાસક છે. માનવતાની સીદ્ધી તેમને જ પ્રાપ્ત થાય છે.

તે પરથી એવો અર્થ કોઈ ન કરે કે જીવનમાં ધન, જ્ઞાન, બળ, વીદ્યા, કળા, સામર્થ્ય, સત્તા વગેરેની કંઈ કીમ્મત નથી. તેમાંની પ્રત્યેક સીદ્ધી અથવા બીજી કોઈ વીશેષતાની જીવનમાં કીમ્મત છે એમાં શંકા નથી; પણ બધાની કીમ્મત માનવતા માટે છે તે આપણે કદી ભુલવું ન જોઈએ. માનવતા ગુમાવીને પ્રાપ્ત કરવા લાયક કોઈ પણ સીદ્ધી નથી એમ આપણે ખાતરીપુર્વક સમજવું જોઈએ. આ દૃષ્ટીથી આપણે આપણા જીવન તરફ, જીવનના ક્રમ તરફ અને જીવનના વહેવાર તરફ જોઈને સાવધ રહેવું જોઈએ. કુદરતે આપણને માનવજન્મ આપ્યો છે. તેથી આપણે માનવધર્મથી ચાલવું જોઈએ. માનવતાની સીદ્ધી અને સફળતાનો સંકલ્પ કરવો જોઈએ. તે દીશામાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. સાચું પુછીએ તો આપણે રોજ જાગ્રત રહીને જીવનનો હીસાબ જોવો જોઈએ; પરન્તુ કોઈ કારણથી આ વાત આપણાથી ન બની શકે તો ઓછામાં ઓછું પર્વના દીવસોમાં અને આનંદના દીવસોમાં – આપણે આ વીષયમાં અવશ્ય જાગ્રત રહેવું જોઈએ.

–કેદારનાથજી

શ્રી. રમણીકલાલ મગનલાલ મોદી સમ્પાદીત શ્રી. કેદારનાથજીના ‘જીવનવીષયક અને માનવતાની વીચારસરણી’નો વીશદ ખ્યાલ આપતો સંગ્રહ ‘વીચારદર્શન’ [પ્રકાશક : નવજીવન પ્રકાશન મન્દીર, અમદાવાદ –380 014; ચોથું પુનર્મુદ્રણ : 2008; પાનાં : 294 મુલ્ય : રુપીયા 35/– (ચાર પુસ્તકોના સમ્પુટની રાહત દરની કીમ્મ્ત છે)]માંથી, લેખક, સમ્પાદકો અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : અફસોસ, શ્રી. કેદારનાથજી હવે આપણી વચ્ચે નથી.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત ‘અભીવ્યક્તી’ રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે અને સોમવારે મળી, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 22/04/2022

2 Comments

  1. ખૂબ સુંદર લેખમા –
    ચિતમા મઢી રાખવા જેવી વાત
    ‘માનવતા ગુમાવીને પ્રાપ્ત કરવા લાયક કોઈ પણ સીદ્ધી નથી એમ આપણે ખાતરીપુર્વક સમજવું જોઈએ. આ દૃષ્ટીથી આપણે આપણા જીવન તરફ, જીવનના ક્રમ તરફ અને જીવનના વહેવાર તરફ જોઈને સાવધ રહેવું જોઈએ. કુદરતે આપણને માનવજન્મ આપ્યો છે. તેથી આપણે માનવધર્મથી ચાલવું જોઈએ. માનવતાની સીદ્ધી અને સફળતાનો સંકલ્પ કરવો જોઈએ. તે દીશામાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. સાચું પુછીએ તો આપણે રોજ જાગ્રત રહીને જીવનનો હીસાબ જોવો જોઈએ; પરન્તુ કોઈ કારણથી આ વાત આપણાથી ન બની શકે તો ઓછામાં ઓછું પર્વના દીવસોમાં અને આનંદના દીવસોમાં – આપણે આ વીષયમાં અવશ્ય જાગ્રત રહેવું જોઈએ”
    ધન્યવાદ આ.કેદારનાથજી અને શ્રીમાન ગોવીંદજી

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s