(54) બોમ્બે અખાતનો દરીયાઈ સાપ, (55) અલંકૃત દરીયાઈ સાપ, કોચીનનો દરીયાઈ સાપ, (56) પીળા પેટાળનો દરીયાઈ સાપ અને (57) ચંચુ દરીયાઈ સાપ, ચાંચીયો દરીયાઈ સાપની સચીત્ર જાણકારી પ્રસ્તુત છે.
કુટુંબ : ઈલાપીડે (Elapidae)
–અજય દેસાઈ
54. બોમ્બે અખાતનો દરીયાઈ સાપ ઝેરી
Bombay Gulf Sea Snake, Broad banded Sea Snake (Hydrophis mamillaris)
માથું નાનું છે. આગળથી પાતળી અને પુંછડી તરફ જતાં ચપટી થતી જતી કાયા ધરાવતા આ સાપના શરીર વચ્ચેનો ભાગ ગળા કરતાં 3થી 4 ગણો જાડો–પહોળો હોય છે. આંખો મધ્યમ છે. પીળો કે ભુખરો પીળો વાન ધરાવતા આ સાપના શરીર ઉપર 44થી 55ની સંખ્યામાં પહોળા કાળા પટ્ટા હોય છે. બધા દરીયાઈ સાપમાં આ સાપનાં, આવા પટ્ટા સહુથી વધુ પહોળા હોય છે. આવા પટ્ટા શરીરનાં વાનના મુખ્ય રંગ કરતાં બમણા પહોળા હોય છે. પીઠ ઉપરના ભાગમાં મધ્યમાં થોડાક વધુ પહોળા હોય છે, પડખામાં થઈ પેટાળને આ પટ્ટા સ્પર્શ છે. માથું સંપુર્ણ કાળું હોય છે કે કવચીત્ કપાળના ભાગે પીળી રેખાઓ હોય છે.
શરીરના મધ્ય ભાગમાં 43ની મહત્તમ હરોળમાં ભીંગડાં હોય છે. આવા ભીંગડાં ષટ્કોણીય હોય છે. પેટાળના ભીંગડાં 312થી 390 હોય છે.
ખોરાકમાં દરીયાઈ માછલી મુખ્ય છે. બચ્ચાં જણતો સાપ છે.
આ સાપની મહત્તમ લંબાઈ 36 ઈંચ હોય છે. દુર્લભ સાપ છે.
55. અલંકૃત દરીયાઈ સાપ, કોચીનનો દરીયાઈ સાપ ઝેરી
Cochin Banded Sea Snake, Ornate Sea Snake (Hydrophis ornatus)
ગળા કરતાં પહોળું અને મોંટું માથુ છે. માથા પરનાં ભીંગડાં ચોકકસ અને મોંટા છે. પુંછડી ચપટી, આંખો મોંટી, માથું અને રંધ્ર ગોળ, કાળું છે. શરીર ઉપરનો રંગ જાંબુડી કાળો અથવા કાળો હોય છે, તેના ઉપર પીળાં, ભુરા કે પીળાશ પડતાં ભુખરા પટ્ટા હોય છે. આવા પટ્ટા 30થી 60 હોય છે. આ પટ્ટા વચ્ચેનાં ભાગ કરતાં પડખામાં થોડાક પાતળા હોય છે અને પડખાના છેડા તરફ જતાં ખુબ પાતળા થઈ જાય છે. માથાનો રંગ કાળો કે ભુખરો કાળો હોય છે મોંના મોંભ ઉપર સફેદ કે ઝાખા પીળા નીશાન હોય છે. પેટાળ સફેદ કે ઝાંખુ પીળુ હોય છે.
શરીરની મધ્યમાં મહત્તમ 59 ભીંગડાંની હરોળ હોય છે. પેટાળના ભીંગડાં 243થી 336 સુધી હોય છે. ભીંગડાં બરછટ છે.
નીશાચર છે. બીજા અન્ય દરીયાઈ સાપની જેમ કીનારાના છીછરાં પાણી પસંદ છે. જમીન ઉપર તદ્દન અસહાય થઈ જાય છે. 30 મીટર ઉંડે પાણીમાં પણ પ્રવૃત્ત રહે છે. આક્રમક સાપ છે. કાયા મજબુત છે, ઝેર ઘાતક હોય છે. તેના ઝેરથી અનેક મૃત્યુના કીસ્સા નોંધાયા છે. ખુબ સારો તરવૈયો છે.
મુખ્ય ખોરાક નાની માછલી તથા વામ (ઈલ) છે. બચ્ચાં જણે છે.
આ સાપની મહત્તમ લંબાઈ 37 ઈંચ નોંધાઈ છે. સમગ્ર ગુજરાતનાં દરીયાકાંઠાંઓમાં મળી આવે છે.
ખુબજ દુર્લભ સાપ છે.
56. પીળા પેટાળનો દરીયાઈ સાપ ઝેરી
Black and Yellow Sea Snake, Yellow bellied Sea Snake Flat–tail Sea Snake
(Pelamis platurus)
પ્રમાણમાં લાંબુ માથું આગળથી સાંકડું થઈ જાય છે. ગળા કરતા માથું વધુ પહોળું હોય છે. આંખો સંપુર્ણ કાળી–ગોળ હોય છે. પુંછડીનો ભાગ ચપટો છે; પરન્તુ શરીરનો પાછળનો કેટલાક ભાગ પણ ચપટો હોય છે. શરીરનો રંગ ઉપરથી કાળો કે, ઉદા કાળો હોય છે, તેની ઉપર કોઈ પણ પ્રકારનાં નીશાન નથી હોતાં. માથું પણ આવા જ રંગનું કોઈ પણ નીશાન વગરનું હોય છે, જયારે પેટાળ સળંગ પીળું હોય છે. આવો પીળો રંગ પડખામાં પણ હોય છે, પુંછડીમાં આવો પીળો રંગ સફેદ થઈ જાય છે. પુંછડીના પેટાળમાં અને ઉપરનાં ભાગમાં, શરીરના ઉપરના વાન જેવાં ટપકાં કે ધબ્બા હોય છે. કયારેક આ સાપ આખો જ પીળો પણ જોવા મળે છે.
શરીરના મધ્યભાગમાં મહત્તમ ભીંગડાં 67ની હરોળમાં હોય છે, તે ષટ્કોણ કે ચતુષ્કોણ પણ હોઈ શકે છે. પેટાળના ભીંગડાં 264થી 476 હોય છે જે ખુબ નાના હોય છે.
દરીયા કીનારાના છીછરા પાણીમાં, મીઠા પાણીની નદીઓમાં ઠેઠ સુધી અને દરીયામાં પણ ઉંડા પાણીમાં જોવા મળે છે. આપણા ગુજરાતના દરીયાકાંઠાઓમાં ખુબ જ સામાન્ય એવો સાપ છે, ભરતી બાદ, ઓસરેલા પાણી પછી, દરીયા કીનારાની રેતીમાં આ સાપ અસહાય થઈ પડેલા જોવાય છે.
તેની વધારાની ખાસીયત કેટલાંક અંશે પાછળની બાજુ ઉંધો જઈ શકે છે અને એકબાજુ એ પણ તરી શકે છે. મુખ્યત્વે દીવાચર સાપ છે. પાણીની અંદર ત્રણેક કલાક જેટલો સમય બહાર શ્વાસ લેવા આવ્યા સીવાય રહી શકે છે. દરીયો શાંત હોય છે, ત્યારે સપાટી ઉપર વધુ જોવાય છે. આક્રમક નથી, પકડીએ છીએ છતાં કરડવાનો પ્રયત્ન નથી કરતો.
ખોરાકમાં અન્ય દરીયાઈ સાપની જેમ જ માછલીઓ છે.
2થી 6 બચ્ચાં જણે છે. જન્મ સમયે બચ્ચાં લગભગ 10 ઈંચ જેટલાં હોય છે. બચ્ચાં જન્મે ત્યારથી જ સ્વનીર્ભર હોય છે. સરેરાશ લંબાઈ 30 ઈંચ જેટલી હોય છે. જયારે મહત્તમ 39 ઈંચ નોંધાયો છે.
સમગ્ર ગુજરાતના દરીયા કાંઠે મળી આવે છે.
57. ચંચુ દરીયાઈ સાપ, ચાંચીયો દરીયાઈ સાપ ઝેરી
Hook–nosed Sea Snake, Common Sea Snake, Beaked Sea Snake
(Enhydrina schistosa)
પીળો ભુખરો, ઉદો ભુખરો કે લીલો ભુખરો વાન હોય છે તેના ઉપર તે જ રંગના ઘટ્ટ પટ્ટા હોય છે. ગળું અને માથુ લગભગ સરખી ચોડાઈનાં જ હોય છે. પુંછડી ટુંકી, ચપટી છે. મોં ઉપર કોઈ જ પ્રકારના ધબ્બા કે પટ્ટા ન હોતાં, જે રંગના શરીર ઉપર પટ્ટા હોય છે, તેવા જ રંગનું મોં હોય છે. મોં આગળથી સાંકડું હોય છે. ઉપરના જડબા સ્થીત હોંઠ, ઉપરનાં ભીંગડાં, નીચેના જડબાનાં ભીંગડાં કરતાં વધુ આગળ ખેંચાયેલા હોઈ ચાંચ જેવું લાગે છે. ભીંગડાં ષટ્કોણીય છે અને ભીંગડાં વચ્ચેથી ઉપસેલા હોય છે, જેને લઈને આ સાપ કાનસીયા સાપ જેવા ભીંગડાં ધરાવતો લાગે છે. પેટાળ સફેદ છે.
ભીંગડાં શરીરની મધ્યમાં 49થી 60ની હરોળમાં હોય છે.
દરીયા કીનારાના છીછરા પાણીમાં મળી આવે છે. જો કે ઉંડા પાણીમાં પણ મળી આવે છે. ખાસ્સી સંખ્યામાં હોઈ માછીમારોની જાળમાં તે પકડાઈ આવતો હોય છે. રાત્રી અને દીવસ દરમીયાન પ્રવૃત્ત રહે છે. દરીયાની અંદર પાંચ કલાક સુધી રહી શકે છે અને 100 મીટર ઉંડે સુધી ડુબકી મારી શકે છે. અન્ય દરીયાઈ સાપની જેમ તે પણ ઝેરી સાપ છે; પરન્તુ તેનાં કરડવાના કીસ્સા નહીંવત હોય છે. નાગ કરતા તેનું વીષ 8 ઘણું ઘાતક હોય છે.
ખોરાકમાં દરીયાઈ સાપ હોવાના લીધે વીવીધ માછલીઓ આરોગે છે.
બચ્ચાં જણતો સાપ છે. એક પ્રજનનમાં 4થી 33 બચ્ચાં જણે છે. જન્મ સમયે બચ્ચાં 6 ઈંચથી 11 ઈંચના હોય છે. સાપની સરેરાશ લંબાઈ 40 ઈંચ જેટલી હોય છે. મહત્તમ 62 ઈંચ સુધી નોંધાયો છે.
સમગ્ર ગુજરાતમાં દરીયાઈ કાંઠાઓમાં મળી આવે છે. આપણા દરીયાકાંઠાઓનો સહુથી સામાન્ય સાપ છે.
અજય દેસાઈ
પ્રકૃતી અને પર્યાવરણપ્રેમી શ્રી. અજય દેસાઈનો ગ્રંથ ‘સર્પસન્દર્ભ’ (પ્રકાશક : પ્રકૃતી મીત્ર મંડળ, ‘પ્રકૃતી ભવન’, અમૃતવાડી સોસાયટી પાસે, રેલ્વે સ્ટેશન રોડ, દાહોદ – 389 151 સેલફોન : 98793 52542 ઈ.મેલ : pmm_dhd@yahoo.com છઠ્ઠી આવૃત્તી : એપ્રીલ, 2017 પાનાં : 250, કીમ્મત : રુપીયા 250/–)માંથી લેખક, પ્રકાશક અને તસવીરકારોના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : શ્રી. અજય મહેન્દ્રકુમાર દેસાઈ, 24, ‘પ્રકૃતી’, વૃંદાવન સોસાયટી, માર્કેટ રોડ, દાહોદ – 389151 સેલફોન : 94264 11125 ઈ.મેલ : desaiajaym@yahoo.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com
–
શ્રીઅજય દેસાઈનો ઈલાપીડે (Elapidae) મા બોમ્બે અખાતનો દરીયાઈ સાપ, અલંકૃત દરીયાઈ સાપ, કોચીનનો દરીયાઈ સાપ, પીળા પેટાળનો દરીયાઈ સાપ અને ચંચુ દરીયાઈ સાપ, ચાંચીયો દરીયાઈ સાપની સચિત્ર જાણકારી અંગે ખૂબ સ રસ લેખ
ધન્યવાદ
LikeLiked by 1 person