આપણો સમાજ હજુ સેક્સની બાબતમાં વીદેશ કરતાં ઓછો વીકસીત છે. તો પછી સેક્સ એજ્યુકેશનને નામે આવી બધી ચીજવસ્તુઓ અમને શા માટે શીખવાડાય છે? આજના ઉપક્રમમાં ડૉ. મુકુલ ચોકસીએ 13 પ્રશ્નોના ઉત્તરો આપ્યા છે.
3
સુહાગરાતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
–ડૉ. મુકુલ ચોકસી
[‘જાતીય પ્રશ્નાવલી’ – 2 માણવા માટે લીન્ક : https://govindmaru.com/2022/04/25/dr-mukul-choksi-23/]
પ્રશ્ન : મારે એ જાણવું છે, કે કોઈ પણ પુરુષ માટે સમગ્ર શરીર પર રુવાંટી હોવી એ પુરુષત્વની નીશાની ગણાય છે, તો જે પુરુષના શરીર પર નહીંવત્ રુવાંટી હોય તેને પુરુષત્વની ખામી છે એવું કહી શકાય કે કેમ?
ઉત્તર : ના, ક્યારેક બંધારણીય રીતે અમુક પુર્ણ પુરુષાતન ધરાવતા પુરુષોના શરીર પર પણ ઓછી રુવાંટી હોવાનુંય શક્ય છે. તે જ રીતે સામાન્ય પૌરુષ ધરાવતા પુરુષો અત્યંત વધારે પડતા વાળ ધરાવતા હોવાનુંય શક્ય છે. એ સાચું છે. પૌરુષપ્રદ હોર્મોન્સ (ટીસ્ટોસ્ટેરોન)ની અસરમાં પુરુષના શરીર પર રુવાંટી ઉગે છે અને શરીરનો ઘાટ ઘડાય હોય છે. અને પૌરુષીય ઈચ્છાઓ પણ એની અસરમાં જ જન્મે છે. તોય જેટલી વધારે રુવાંટી તેટલો વધારે પૌરુષપ્રદ યુવક એવું સમીકરણ માંડવું જોખમી છે. હા– રુવાંટીના અભાવના કારણે, જેની ત્વચાનું પોત સ્ત્રી જેવું હોય, તેનો અવાજ, પેઢુ તથા છાતીનો પ્રદેશ પણ સ્ત્રી જેવા જણાય તે પુરુષની જાતીય ચકાસણી થવી જોઈએ. બાકી રુવાંટીમાં થોડીઘણી વધઘટ હોવી એ કુદરતી તથા બંધારણીય હોય છે.
પ્રશ્ન : હું સેક્સના વીચારો કરું છું એટલે મને ખીલ થતા હશે?
ઉત્તર : ના. પ્રકૃતી, ઉમ્મર, મોંની ત્વચાની ચીકાશ, જીવાણું વગેરે પરીબળો મહત્ત્વના હોય છે. એવું સમજીને દુઃખી ન થતાં કે સેક્સના વીચારો કેવળ આપ જ કરો છો.
પ્રશ્ન : મારા વીવાહ થયાને એક વર્ષ થયું. મારા ફીયાન્સ તથા મારી વચ્ચે અત્યંત પ્રેમ છે; પણ છેલ્લા થોડા વખતથીતે સેક્સ કરવાની માગણી કરે છે. હું રુઢીચુસ્ત કુટુંબમાંથી આવતી હોવાથી આવું કરવા માગતી નથી; પણ એ મારી ‘ના’થી અકળાઈ જઈને મારા પર શંકા કરે છે. મારે શું કરવું?
ઉત્તર : કોઈએ સેક્સ માણવો કે નહીં તે વ્યક્તીગત પસન્દગીનો પ્રશ્ન છે. તમે પોતે જો એમ કરવા નહીં ઈચ્છો તો કોઈ દાબદબાણ ન કરી શકે. તમારા ફીયાન્સને સમજાવી શકાય કે તમે ના પાડો છો તેમાં કોઈ અણગમો, બેવફાઈ, પ્રેમનો અભાવ કે રોષ નથી. બલકે એક સાહજીક ટેવ, એક સંસ્કાર છે. આથી તેમણે ગુસ્સો કે શંકા કરવાની જરુર નથી. એ જ રીતે તમારે પણ સમજવું જોઈએ કે, લગ્ન પહેલા જાતીય છુટછાટો લેવાનું વલણ કેટલાકને મન ખુબ જ સાહજીક હોય છે. તેમને હતાશ કરવાથી રોષ પ્રગટે તો ધીરજથી કામ લો. જાતીય સમાગમને બદલે ચુંબન, આલીંગન, સ્પર્શ જેવી શારીરીક નીકટતા આણતી કરામતો અજમાવી જુઓ. તમારા ફીયાન્સને એવી અનુભુતી કરાવો કે, જેથી તે જાતીય સમાગમની અવેજીમાં હુફ માણી શકે અને પોતાના કામાવેગોના તણાવથી મુક્ત થઈ શકે. ઘણા અપરીણીત (પણ વીવાહીત) યુવકો સમાગમ સીવાયની રીતો દ્વારા ચરસસીમા હાંસલ કરીને વૈકલ્પીક સુખની વ્યવસ્થા કરી લેતાં હોય છે.
પ્રશ્ન : હું નવપરીણીત યુવક છું. મને સતત એ મુંઝવણ રહે છે કે, એકવારના સમાગમ પછી કેટલા સમય બાદ બીજીવાર સમાગમ કરી શકાય?
ઉત્તર : આ અંગે બધાને લાગુ પાડી શકાય એવો કોઈ નીયમ નથી. ઈન્દ્રીયનું ઉત્થાન અનેક પરીબળો ઉપર આધાર રાખે છે. એકવારના સમાગમ પછી શીથીલ થઈ ગયેલી ઈન્દ્રીયને પુનઃ ઉત્થાનીત થતાં થોડો સમય લાગે છે. એ સમયગાળાને ‘રીફ્રેકટરી પીરીયડ’ કહેવામાં આવે છે. અર્થાત્ એ સમય જેમાં સ્ખલન પછી ઈન્દ્રીય ઉત્થાનીત ન થઈ શકે. આ સમયગાળો વ્યક્તીએ–વ્યક્તીએ, ઉમ્મરે–ઉમ્મરે અને સંજોગે–સંજોગે બદલાય છે. તે કેટલીક મીનીટોથી માંડીને કેટલાક કલાકો સુધીનો હોઈ શકે. નાની ઉમ્મરે તથા આપના જેમ નવપરીણીત અવસ્થામાં આ ગાળો ટુંકો હોય છે. વૃદ્ધાવસ્થામાં આ ગાળો લાંબો હોય છે. તમે પોતે ‘ટ્રાયલ ઍન્ડ એરર’ દ્વારા તમારા પોતાના કીસ્સામાં નક્કી કરી શકો; પણ હા– તાત્કાલીક બીજી વાર સમાગમ કરવો જ જોઈએ એવુંય જરુરી નથી, કેમ કે કામાનન્દ વીશેષતઃ સંખ્યા નહીં પણ ગુણવત્તા પર નીર્ભર હોય છે.
પ્રશ્ન : આપણો સમાજ હજુ સેક્સની બાબતમાં વીદેશ કરતાં ઓછો વીકસીત છે. અમારા જેવી હજારો છોકરીઓને હોમોસેક્સ કે લેસ્બીયન કે એવી બધી વાતો વીષે ઝાઝી ગતાગમ નથી. તેમ છતાં અમે કંઈ અધુરાં નથી રહી જવાના. તો પછી સેક્સ એજ્યુકેશનને નામે આવી બધી ચીજવસ્તુઓ અમને શા માટે શીખવાડાય છે? એનાથી અમારામાં આ બધી વીકૃતીઓ નહીં પ્રવેશે?
ઉત્તર : જી, ના. લોકોની જાતીય રીતભાતો વીષે કેવળ અભ્યાસાર્થે માહીતી શીખવાડવાથી આપ વીકૃત નથી બની જવાના. તમારાં જેવી જ ભલીભોળી છોકરીઓ ઉપર બળાત્કાર થાય છે. તેઓ ટીનએજ પ્રેગ્નન્સી કે વીનરલ ડીઝીઝ કે એઈડ્સનો શીકાર બની શકે છે. શું તેઓએ જાણવું ન જોઈએ કે, આ બધું કેમ, ક્યારે, શી રીતે બને છે? તમે કહો છો કે, આપણે ત્યાં વીદેશમાં હોય છે એટલી વીકૃતી નથી. સાચી વાત છે. પણ તોયે લગ્નબાહ્ય, લગ્નેતર સંબંધો, બહુગામીત્વ, તરુણાવસ્થામાં ગર્ભપાત, લગ્નપુર્વેનું સાહચર્ય વગેરેની માત્રા ઓછી નથી. વીદેશમાં બધું જાહેરમાં થાય છે. આપણે ત્યાં ખાનગીમાં થાય છે. અને એટલે જ યુવાન–યુવતીઓમાં જાતીયતા પ્રત્યે તંદુરસ્ત વલણ કેળવાય એ જરુરી છે. યોગ્ય સેક્સ એજયુકેશન દ્વારા જ આ થઈ શકશે.
પ્રશ્ન : હું વ્યવસાયે એક ડૉકટર છું. મેં મારી લાંબા ગાળાની પ્રેક્ટીસમાં અનેક જુવાનોને ધાત, વીર્યસ્ત્રાવ, રાત્રીસ્ખલન, વેટડ્રોમ્સ વગેરેની ફરીયાદ લઈને આવતા જોયા છે. આપણું એલોપેથીક સાયન્સ કહે છે કે, આ ‘ધાતસીન્ડ્રોમ’ જેવી કોઈ શારીરીક બીમારી છે જ નથી અને ચાલી આવતી ખોટી માન્યતાને કારણે દર્દી ગભરાય તથા પીડાઈ છે. આપ પણ આમ જ કહો છો; પરન્તુ જો ખરેખર આવી કોઈ બીમારી હોય જ નહીં તો દર્દીઓને સમજાવટ, સલાહસુચન, સમજ વગેરે કામ કેમ નથી આવતા? અરે, ઘણીવાર ચીંતાજનક દવાઓ પણ તેમની ચીંતાને મટાડી શકાતી નથી. વર્ષો સુધી તેઓ પોતાની ‘કાલ્પનીક’ બીમારીને લઈને ડૉક્ટરો પાસે શા માટે ભટક્યા કરે છે?
ઉત્તર : આનું કારણ કદાચ એ છે કે, ‘વીર્ય શક્તીનો સ્ત્રોત છે.’ એવી માન્યતા સદીઓથી આપણા મનમાં પેસી ગયેલી છે. માત્ર હીંદુ સંસ્કૃતીમાં જ નહીં, બર્મા, શ્રીલંકા, થાઈલૅન્ડ, ચાઈના જેવા પુર્વ એશીયાઈ દેશોમાંય પરાપુર્વથી ‘વીર્ય શક્તીવર્ધક છે તથા તેને ગુમાવવાથી પૌરુષ હણાઈ જાય છે’ – એવી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. પશ્ચીમી સંસ્કૃતીય આમાંથી બાકાત નથી. વીકેટોરીયન યુગમાં વીર્યને ‘શરીરના શુદ્ધતમ પ્રવાહી’ તરીકે વર્ણવાયું હતું. એક જમાનો એવો હતો કે, જ્યારે શરીર તથા મનની શક્ય એટલી તમામ બીમારીઓ હસ્તમૈથુન કે વીર્યસ્ખલનથી થતી હોવાનું માનવામાં આવતું હતું. હોલર નામના વૈજ્ઞાનીકે 1974માં જણાવ્યા પ્રમાણે પ્રાચીન કાળમાં વીર્યસ્ત્રાવને રોકવા અનેક ઢંગધડા વગરની, મુર્ખામી ભરેલી રીતરસમ અપનાવવામાં આવતી. કેટલાક પોશાબની નલીકાને ઈલેકીટ્રક કરંટથી સીવી દેવાનું સુચવતા. તો કેટલાક મળાશયમાં કબુતરનાં ઈંડાં જેવડા લાકડાના ટુકડાઓ ખોસી દેતા, જેથી પ્રોસ્ટેટ ગ્રંથી દબાયેલી રહે. 1840માં લેન્સેટ જેવી સર્વ સ્વીકૃતી મેડીકલ જર્નલમાં ‘વીર્ય ગુમાવવાને કારણે સજાતીય શારીરીક, માનસીક તેમ જ નૈતીક અધોગતી’ વીષય પર અગ્રલેખ લખાયો હતો. સર આઈઝેક ન્યુટને એવું કહ્યું હોવાનું મનાય છે કે, તેણે જીંદગીભર વીર્યનું એકકેય ટીપું બગાડ્યું નહોતું. આમ સદીઓની સદીઓ વીર્યને અનીવાર્યપણે શક્તીવર્ધક માનવામાં વીતી ગઈ. ધીમે ધીમે એકત્રીત થતા તબીબી જ્ઞાનને આધારે છેલ્લા કેટલાક દાયકાઓથી જ તબીબી જગત એવું સ્વીકારતું થયું છે કે, અગાઉની માન્યતા ખોટી છે. જેમ હવે પશ્ચીમી જગતના સામાન્ય લોકો નીદ્રાસ્ખલન, સ્લીપ ડીસ્ચાર્જ વગેરેને સાહજીકપણે સેક્સના ‘નીરોગી પ્રગટીકરણ’ તરીકે સ્વીકારતા થયા છે, તેમ વખત જતાં આપણે ત્યાંના લોકો પણ સ્વીકારશે.
પ્રશ્ન : શું સમાગમ દરમીયાન રુમમાં અન્ધકાર હોય તે જરુરી છે? આ અંગે અમારી પતીપત્ની વચ્ચે તીવ્ર મતભેદ પ્રવર્તે છે.
ઉત્તર : આના કોઈ નીતીનીયમો નથી હોતાં. ઘણીવાર પતીપત્નીમાંથી કોઈ એક (મહદંશે) પત્ની શરમ કે સંકોચને લીધે અન્ધકાર પસન્દ કરે છે. કેટલાંક પોતાના જનન અવયવોની લંબાઈ–પહોળાઈ, રમણીયતા કે પુષ્ટતા પરત્વે સાશંક હોય છે. આથી લઘુતાગ્રંથી અનુભવે છે. અન્ધકાર આપની મુક્તતા જાગ્રત કરતી હોય તો તેમાં કશો વાંધો નથી. આ માટે સમ્પુર્ણ અન્ધકારને બદલ આછો પાતળો અન્ધકાર વધુ સારું. તેમાં આપ એકમેકની કાયા નીહાળી શકો, કામતૃપ્તી અનુભવી શકો અને શરમ સંકોચનેય અલગ રાખી શકો. અલબત્ત, પુર્ણ પ્રકાશીત વાતાવરણમાં સેક્સનો આનન્દ લઈ શકનારાંય હોય છે. તેઓ પણ નોર્મલ જ છે. શ્રેષ્ઠ ચીજ એ છે કે, તમે બન્ને એકમેકના ગમા–અણગમાનું કારણ જાણો. પછી જ પસ્પરની ફાવટ તથા અનુમતીને આધારે અન્ધકાર કે ઉજાસ રાખવો તે નક્કી કરો. અને હા, દરેક પ્રસંગે એક જ પ્રકારનું અન્ધકારમય કે પ્રકાશીત વાતાવરણ રાખવું જરુરી નથી. એમાં સંખ્યાબંધ ફેરફોરોનેય અવકાશ છે જ.
પ્રશ્ન : મારે એક બૉયફ્રેન્ડ છે. ગયા અઠવાડીયે અમે દરીયાકીનારે ફરવા ગયા હતા. ત્યાં એકાંત મળતા તેણે મને ચુંબન કર્યું હતું. તેણે મારા ગુપ્તાંગોને પણ સ્પર્શ કર્યો હતો. મને ડર લાગે છે કે, હું પ્રેગ્નન્ટ તો નહીં થઈ જાઉં ને?
ઉત્તર : પુરુષનું વીર્ય સ્ત્રીની યોનીમાં (અથવા જુજ કીસ્સાઓમાં યોનીમુખ આગળ) સ્ખલીત થાય તો જ પ્રેગ્નન્સી રહી શકે. કેવળ ચુંબન અથવા ગુપ્તાંગોના સ્પર્શથી ગર્ભાવસ્થા રહી શકે નહીં. તમે પુરી વીગતો લખી નથી; પરન્તુ જો તમે લખો એટલું જ બન્યું હોય તો ચીંતા કરવાની જરુર નથી. તેમ છતાં હવે પછી આવનાર પીરીયડમાં માસીક સમયસર ન આવે તો સ્ત્રીરોગ નીષ્ણાતને મળવું. હકીકતમાં આ બધી જાણકારી રોમાન્સ કર્યા પહેલા મેળવી લેવી જોઈએ, ત્યાર બાદ નહીં.
પ્રશ્ન : હું ખુબ દુઃખી છું કેમ કે મારાં પતી મને શરીર સુખ નથી આપી શક્યા. બે મહીના પુર્વે મારાં લગ્ન થયા હતાં. સુહાગરાત્રે ખુબ કોશીશ બાદ પણ મારા પતી સફળ ન થઈ શક્યા. મને તીવ્ર માનસીક આઘાત લાગ્યો. આથી ચારેક દીવસ પછી હું પીયર પાછી ચાલી આવી છું. હજુ સુધી સાસરે ગઈ જ નથી. તેઓ મને પાછી બોલાવે છે પણ હું ત્યાં જઈને શું કરું? આ અંગે યોગ્ય માર્ગદર્શન આપશો.
ઉત્તર : માફ કરજો, પણ આપે યોગ્ય પગલું નથી ભર્યું. આપે પતીને ત્યજીને પાછા આવતા પહેલાં કોઈક સખી–સહેલી કે વડીલ સ્ત્રીની સલાહ લેવી જોઈતી હતી. તમને કદાચ ખ્યાલ નહીં હોય; પણ અનેક યુગલો સુહાગરાત્રે સેક્સનો પુર્ણ આનન્દ લેવામાંથી વંચીત રહી જતાં હોય છે. અનેક પુરુષો સુહાગરાત્રે નીષ્ફળ જતાં હોય છે. લગ્નપ્રસંગની દોડધામ પછીનો થાક, નવા જીવનમાં પ્રવેશ પહેલાની ચીંતા, જીવનસાથી સાથેનો પહેલો પ્રસંગ હોવાને કારણે ઉભી થતી માનસીક તાણ, પોતે બરાબર પરફોર્મ કરી શકશે કે નહીં તે અંગેની શંકાકુશંકા, મીત્રોએ કરેલાં સાચાજુઠાં વર્ણનો યાદ આવવાથી થતો ગભરાટ, નવોઢાનું અનપેક્ષીત વલણ, અણઆવડત, સુહાગરાત અંગેની અવાસ્તવીક અપેક્ષાઓ, દુઃખાવો થશે કે લોહી પડશે તો શું થશે– એવી ચીંતા, આ બધું કેટલાક લાગણીશીલ પુરુષોને હતપ્રભ કરી મુકે છે. જેને કારણે તેઓ નીષ્ફળ જાય છે. પણ વાત અહીંથી પુરી થતી નથી. તેઓ એકવાર નીષ્ફળ જાય છે અને ત્યારબાદ નીષ્ફળતાઓની હારમાળા સર્જાય છે. કેમ કે ‘પહેલીવારની નીષ્ફળતા’ અંગે નવવધુ શું વીચારશે? હું નામર્દ તો નથી થઈ ગયો ને? હું હવે પછી સફળ થઈ શકીશ ખરો ને? નપુંસક છું? વગેરે પ્રકારની ચીંતાથી તેઓ ઘેરાઈ જાય છે. અને આ વધુ પડતી ચીંતા જ તેઓને બીજી, ત્રીજી, ચોથી વાર પણ નીષ્ફળતાના ઉમ્બરે લાવીને મુકી દે છે. જો વ્યક્તી પહેલીવારની નીષ્ફળતાને સાહજીક તથા સામાન્ય ગણી લે અને પત્ની પુરુષ ઉપર માનસીક દબાણ લાવવાને બદલે તેને વધારે આનન્દીત, પ્રોત્સાહીત કરે તો બે પાંચ પ્રયત્નોમાં જ ઘણા પુરુષો સફળ થઈ જતા હોય છે. ભાગ્યે જ કોઈ એવો પુરુષ હશે જે લગ્નપુર્વ જાતીય આકર્ષણ, ઉત્થાન, સ્ખલન બરાબર અનુભવી શકતો હોવા છતાં પણ લગ્નબાદ કાયમ માટે નીષ્ફળ જાય! આપ પતીગૃહે પાછા જાવ, અને બન્ને સાથે ચીકીત્સકને મળો તો વધુ યોગ્ય થશે.
પ્રશ્ન : મારા મીત્રો એકાંતમાં ઘણીવાર સેક્સને લગતી વાતો કરે છે. તેઓને એમાં મજા આવે છે; પણ મને એમાં જરાય આનન્દ ન આવતો હોવાથી હું તેઓની ચર્ચામાં ભળતો નથી. તેઓ મને નમાલો કહે છે. મારે શું કરવું?
ઉત્તર : તેઓની વાત પર ઝાઝું ધ્યાન ન આપો. કોઈના કહેવાથી કોઈ, નમાલા નથી થઈ જતાં. તમને સેક્સમાં રસ છે અને તમે અંગત રીતે એને માણી શકો છો એ પુરતું છે. સમુહમાં અશ્લીલ વાતો કરી અને એનો આનન્દ લેવો એ એક સામાજીક પ્રથા છે. ઘણાય સંસ્કારી, સભ્ય તથા અંતર્મુખ લોકોને આ પસન્દ નથી હોતું. એનો અર્થ એવો નથી કે, તેઓમાં પૌરુષ, મર્દાનગી કે પુરુષાતનનો અભાવ છે. જાહેરમાં બીભત્સ રસ દર્શાવવામાં કશું પૌરુષ નથી. ક્યારેક સભ્યતા, સૌજન્ય અને મર્યાદા દ્વારા વધારે પૌરુષ પ્રગટાવી શકાતું હોય છે.
પ્રશ્ન : સમ્બન્ધ દરમીયાન ક્યારેક પત્ની નખ મારી દે છે અથવા હાથપગ પર દાંત દબાવી દે છે તો એ કઈ રીતે રોકવું?
ઉત્તર : ઉત્તેજીત અવસ્થામાં આમ થવું સ્વાભાવીક છે. આ અનુભવ ઘણાં યુગલોનો છે; પણ જો આવું ક્યારેક જ બનતું હોય અને ગંભીર ઈજાઓ થતી હોય તો એને રોકવાની કોઈ જરુર નથી. એને માણતાં શીખો.
પ્રશ્ન : મારા લગ્ન થયે ત્રણ વર્ષ થયાં તોય મારી પત્ની મને ચાહતી નથી. તેની ઉમ્મર ઓગણીસ વર્ષની છે. કેવળ ચુંબનનો પ્રયત્ન કરવા જાઉં તોય તે મોં ફેરવી લે છે. તો મારે શું કરવું?
ઉત્તર : આપની પત્ની સાથે વાત કરી તેના વીચારો જાણ્યા વગર આપના પ્રશ્નનો ઉત્તર આપવો અઘરું છે. સ્ત્રીને સેક્સની ઈચ્છા ન હોવાનાં ઘણાં કારણો હોઈ શકે. આ ઉમ્મરે સહેજ શરમ સંકોચથી માંડીને જે તે વ્યકીત પ્રત્યેના અણગમતા સુધીના અનેક કારણો જવાબદાર હોઈ શકે. ક્યારેક અણઆવડત, ગેરસમજ, રુઢીચુસ્તતા, ડર પણ ભાગ ભજવી જાય છે. પતી વ્યસની હોય, ક્રુર હોય, બરછટ કે રુક્ષ વર્તન કરનારો હોય તો પત્નીને અકળામણો થઈ પડે. તો ક્યારેક સ્ત્રી અન્ય પુરુષને ચાહતી હોવાને લીધેય પતી પ્રત્યે બેપરવા, અનાસક્ત કે ઉદાસીન હોય શકે. જો સ્ત્રીને આ પહેલા પુરુષ તરફથી ખરાબ, નીમ્ન કે ધૃણાસ્પદ અનુભવ થયો હોય તો તેય સ્ત્રીના ‘સેકસ્યુઅલ એવર્ઝન’ (કામવીષયક અણગમો, તુચ્છકાર) માટે જવાબદાર હોઈ શકે. ક્યારેક પુરુષ નાજુકાઈ, સલુકાઈ કે પ્રણયની કોમળતા ન દાખવે તો સ્ત્રી અસંતુષ્ટ તથા અળગી રહી જવા પામે! સ્ત્રીને પ્રણયોન્મુખ, કામાભીમુખ યા સીડ્યુસ કરવી એ પણ એક કળા છે. જે ઘણાં પુરુષો જાણતા હોતા નથી. સ્ત્રીને સમાગમ કે પ્રણયચેષ્ટા દરમીયાન પીડા, અસુખ કે અન્ય શારીરીક તકલીફ થતી હોય તોય તે કામક્રીડાથી દુર રહેવાનું વલણ દાખવે! મેં કેટલાય એવા કીસ્સાઓ જોયા છે. જેમાં પતીથી દુર, અસ્પૃશ્ય રહેતી સ્ત્રી આખરે સજાતીય (લેસ્બીયન) હોવાનું જાણવા મળ્યું હોય! ક્યારેક સ્ત્રીની અપેક્ષાઓ વધુ પડતી હોય એવું બને! તો ક્યારેક સાસરીયાંનો ત્રાસ, પતી સાથેના અણબનાવો, રોજબરોજના ઝઘડાઓ, નોકરીનો ભાર વગેરેથી ત્રાસેલી સ્ત્રી પણ સેક્સમાંથી રસ ગુમાવી દે છે. આ યાદી ખુબ લાંબી થાય એમ છે. આપના કીસ્સામાં કારણ જાણ્યા પછી જ કંઈક કરી શકાય.
પ્રશ્ન : હું નવપરીણીત યુવક છું. હજુ ગયા મહીને જ મારા લગ્ન થયાં છે. લગ્ન બાદ અમે માઉન્ટ આબુ જવા તરત રવાના થઈ ગયાં. સુહાગરાત અમે ત્યાં જ મનાવી પણ પહેલીવાર સેક્સ કરવા જતાં મને અસહ્ય પીડાનો અનુભવ થયો. બે દીવસ બાદ ફરીવાર પ્રયત્ન કરી જોયો, તોય પીડા થઈ. હીલસ્ટેશન પર કોને પુછીએ એમ વીચારી પાછા ફર્યા છીએ. મેં સ્ત્રીને થતી પહેલીવારની પીડા અંગે વાંચ્યું હતું; પણ મને એટલે કે પુરુષને આવું થાય તો શું કરવું?
ઉત્તર : આપને સમાગમ પહેલા, સમાગમની શરુઆત વખતે, ચાલુ સમાગમે કે સ્ખલન વખતે પીડા થાય છે તે જાણવું જરુરી છે. આ ચારેય તબક્કા દરમીયાન પીડા થવાનાં કારણો તથા તેના ઉપાયો અલગ અલગ હોય છે. તદુપરાંત આપનાં જનનાંગોનું પરીક્ષણ કરવું પણ જરુરી છે, જેથી કોઈ દેખીતી ત્રુટી હોય તો ઈલાજ કરી શકાય.
સમાગમ શરુ થતાં પહેલાં જ જો પુરુષને પીડા શરુ થાય તો તેનાં બે કારણો હોઈ શકે. જો શીશ્નની અગ્રત્વચા તંગ હોય અને શીશ્ન ઉપર સરળતાથી સરકી શકતી ન હોય એ અવસ્થા સહેજ પીડાદાયક હોઈ શકે, (ફાઈમોસીસ) લીંગ સુષુપ્તાવસ્થામાં હોય ત્યારે આ મુશ્કેલી આવતી નથી; પણ સમાગમ પહેલાંના રોમાન્સ દરમીયાન લીંગ ઉત્તેજીત થતાં અગ્રત્વચા ઉપર સરકવાની શરુઆત કરે છે. એમાં તંગ અગ્રત્વચાને લીધે રુકાવટ આવતાં આછી વેદના થઈ શકે. અગ્રત્વચા શીશ્ન સાથે જે પેશીથી જોડાયેલી હોય છે એને ‘ફ્રેન્યુલમ’ કહેવાય છે. જો એ નાનું અથવા ટાઈટ હોય તોય ત્વચા સરળતાથી સરકી જતી નથી અને સહેજસાજ દુ:ખે છે; પણ આ બન્ને (ફાઈમોસીસ અને ટાઈટ ફ્રેનમ) સમસ્યાઓમાં ખરી પીડા સમાગમની શરુઆત વખતે થાય છે. સમાગમ પહેલાં થતી પીડા નહીંવત્ યા ઓછી જ હોય છે. ઘણુંખરું તો ભુતકાળમાં થયેલ હસ્તમૈથુન વખતે યુવાનને પોતાની આ તકલીફની જાણ થઈ જતી હોય છે.
સમાગમની શરુઆત ‘પેનીટ્રેશન’ યા ‘યોનીપ્રવેશ’થી થાય છે. ઉપરોક્ત સમસ્યાઓમાં એવું બની શકે કે, ખેંચાયેલી, શીશ્નમણી પર વધુ સરકવા અશક્તીમાન ત્વચા યોનીપ્રવેશના ધક્કા સાથે ખેંચાઈને ઉપર ચડી જાય છે. દરમીયાન અસહ્ય પીડા થઈ શકે છે. ટાઈટ ફેન્યુલમ પણ જો યોનીપ્રવેશ વેળા ઘસારા યા ધક્કાથી તુટી જાય યા ઈજાગ્રસ્ત થાય તો અસહ્ય પીડા ઉદ્ભવી શકે છે. સમાગમની શરુઆતમાં જ થતી આ પીડાજનક સ્થીતીઓની આગોતરી જાણ જેણે કદીય સમાગમ ન કર્યો હોય એવા યુવાનને નથી થતી. નીરોધ, પીડાશામક દવાઓ, એનેસ્થેટીક ઑઈન્ટમેન્ટ અથવા લ્યુબ્રીકેટીંગ જેલીથી કેટલાક સાદા કીસ્સાઓમાં રાહત મળે છે. પણ ઘણીવાર આ ઉપાયો કારગત ન નીવડવાથી અગ્રત્વચા ફ્રેનમની શસ્ત્રક્રીયા (સર્કમસીઝન કે ફ્રેન્યુલોપ્લાસ્ટી) કરાવવી પડે છે.
આપને જીવનમાં પહેલી વહેલી વાર સમાગમનો અવસર આવ્યો હતો. તે વખતે ઉદ્ભવેલી સમસ્યાનાં કારણો ઉપર મુજબના હોઈ શકે. જે વ્યક્તી પહેલાં સરળતાથી સમાગમ કરી શકી હોય તેને ઉપરોક્ત પ્રશ્ન નથી હોતા. તેમાં લીંગ કે એની અંદરની મુત્રનલીકાની અન્ય બીમારીઓ કારણભુત હોઈ શકે. દાખલા તરીકે યુરેથ્રા (મુત્ર નલીકા)ના ચેપ, તેમાં પથરી, સોજો, પ્રોસ્ટેટનું ઈન્ફલેમેશન વગેરે બીમારીઓમાં સમાગમ પુરુષ માટે કષ્ટદાયક નીવડી શકે. આ બીમારીઓમાં થતી પીડા સામાન્યતઃ ચાલુ સમાગમે યા સ્ખલનની ક્ષણો વખતે મહત્તમ હોય છે.
અગ્રત્વચા કે ફન્યુલમની સમસ્યા હોય તો જનનાંગોના પરીક્ષણથી જાણી શકાય છે. યુરેથ્રા કે પ્રોસ્ટેટની તકલીફ વગેરેથી યા પેશાબ/મળદ્વારના પરીક્ષણથી જાણી શકાય છે.
એક એવો કીસ્સો મારા ધ્યાનમાં આવ્યો હતો, જેમાં ઉપરોક્ત કોઈ સમસ્યા ન હોવા છતાં પતીને લગ્ન બાદ નવાસવા સંભોગના પ્રસંગોમાં તકલીફ અને કષ્ટ અનુભવતા હતા. બધી તપાસોનાં પરીણામો નોર્મલ આવ્યા બાદ પતીપત્નીને ઝીણવટથી વીગતો પુછવામાં આવી તો જણાયું કે, તેઓને કામક્રીડાની કોઈ જ આવડત નહોતી. નીર્વસ્ત્ર થયા બાદ ચોક્કસપણે શું કરવાનું તેની બેઉને કશી ગતામત નહોતી. આથી બને એવું કે, સ્ત્રી આંખો મીચીને પતી એની મેળે ક્રીડા કરી લેશે એમ માનીને સુઈ રહે અને પતી અન્ધકારમાં યોનીપ્રવેશ માટે ગમે ત્યાં જનનાંગો પર દબાણ આપે જેમ કરવા જતાં તેને પીડા થાય અને છેવટે અસફળ રહેતાં તેઓ પોતાનો પ્રયાસ માંડી વાળે.
આમ અપુરતી સમજણ અથવા ખોટી પદ્ધતી (ફૉલ્ટી ટેકનીક) પણ પીડા થવાનું કારણ બની શકે. યોનીમાં સીધી રેખાને બદલે ત્રાંસો પ્રવેશ કરવા જતાં જે ખામીયુક્ત ‘એકસીયલ પ્રેશર’ અપાઈ જાય તો લીંગનું ફ્રેકચર થવાના પીડાદાયક કીસ્સાઓય અપવાદરુપે નોંધાયા છે. અલબત્ત, આ પુરક માહીતીઓ આપને માટે નહીં, પીડા અનુભવતી અન્ય વ્યકીતઓ માટે છે.
–ડૉ. મુકુલ ચોકસી
સાઈકીઆટ્રીસ્ટ તથા સૅક્સ થૅરાપીસ્ટ ડૉ. મુકુલ ચોકસીનું મનુષ્યની સૅક્સલાઈફનાં અનેકાનેક પાસાંઓની તલસ્પર્શી છણાવટ કરતું પુસ્તક ‘જાતીય પ્રશ્નાવલી’ (પ્રકાશક : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395003 ફોન : (0261) 7431449 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવા સીદી, ગોપીપુરા, સુરત – 395003 ફોન : (0261) 7427882/7432563 પાનાં : 124, મુલ્ય : રુપીયા 90/–)માંથી લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..
લેખક સમ્પર્ક : DR. MUKUL M. CHOKSI “ANGAT CLINIC” 406, WESTERN BUSINESS PARK, OPP. S. D. JAIN SCHOOL, VESU CHAR RASTA, UNIVERCITY ROAD, SURAT–395 007. Phone : (0261) 3473243, 3478596 Fax : (0261) 3460650 e.Mail : mukulchoksi@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 9–05–2022
ડૉ. મુકુલ ચોકસીએ સુહાગરાતે ધ્યાનમાં રાખવા જેવી ખૂબ અગત્યની બાબતોના ૧3 પ્રશ્નોના સરસ ઉત્તરો આપ્યા છે.
હવે એવા પુષ્કળ પુરાવા છે કે ફાર્માસ્યુટિકલ કંપનીઓની સંડોવણી તબીબી વિજ્ઞાનને ભ્રષ્ટ કરે છે. તેમા ધ લેન્સેટ, બ્રિટિશ મેડિકલ જર્નલની સ્થાપના 1823માં થઈ હતી. જર્નલના સ્થાપક અને પ્રથમ સંપાદક થોમસ વેકલી હતા, જે તે સમયે કટ્ટરવાદી સુધારક માનવામાં આવતા હતા. જે લેન્સેટની ધારથી અસત્યનો સામનો કરે છે. તેણે 1840માં લેન્સેટ જેવી સર્વ સ્વીકૃતી મેડીકલ જર્નલમાં ‘વીર્ય ગુમાવવાને કારણે સજાતીય શારીરીક, માનસીક તેમ જ નૈતીક અધોગતી’ વીષય પર અગ્રલેખ લખાયો હતો. તેમા ‘સદીઓની સદીઓ વીર્યને અનીવાર્યપણે શક્તીવર્ધક માનવામાં વીતી ગઈ. ધીમે ધીમે એકત્રીત થતા તબીબી જ્ઞાનને આધારે છેલ્લા કેટલાક દાયકાઓથી જ તબીબી જગત એવું સ્વીકારતું થયું છે કે, અગાઉની માન્યતા ખોટી છે.’ છતા આ વાત મનાવતા કદાચ વધુ સમય જશે. આ અંગે વધુ વિચારણા કરવાની જરુર છે.
આપણા અનેક સંતો-સાધકો શાસ્ત્ર સમજાવે છે -જે આપણે ખોરાક જમીએ એનુ પાચન થાય ત્યાર બાદ લોહી બને,, લોહી માથી,, માંસ,, માંસમાથી મેદ,, મેદમાથી મજજા,, અને મજજા માથી વિર્ય બુંદ બને છે, એ બુંદ લોહીનુ અને ખોરાકનુ જ રૂપાંતરણ છે, અનેક મહાપુરુષો થઈ ગયા છે, જે સાધના દ્વારા કામ ઉર્જા ને ઓજસ માં રૂપાંતર કરી શકે, આજના પ્રત્યક્ષવાદી વિજ્ઞાનને આયુર્વેદની આ ઓજની વાત માન્ય વિના છૂટકો નથી.
આ ઓજસ શરીરમાં સર્વત્ર વ્યાપ્ત હોવા છતાં તેનું મુખ્ય સ્થાન હૃદય હોવાથી હૃદયની તંદુરસ્તી એ ઓજસને આધારિત છે એટલેકે સત્ય, સંતોષ, સેવા, જ્ઞાન, દાન, તપ, બ્રહ્મચર્યને શરીરની રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર એ સાતેય ધાતુઓની શુદ્ધતા ઉપર આધારિત છે. સાતેય ધાતુઓનું તેજ એટલે ઓજ. ઓજ એટલે જ બળ, રોગ અને આરોગ્યનું કારણ પણ. ધ્યાન અને સાધનામાં મદદગાર પણ ઓજ.
LikeLiked by 1 person
It is a very informative and helpful article for all of us. I liked it.
Thanks
Pradeep H. Desai
USA
LikeLiked by 1 person
જાતીય જ્ઞાન ખુબ જરુરી સેકસ નું અજ્ઞાન ઘણી ગેરસમજો પેદા કરે છે જે ના કારણે ઘણી માનસિક શારીરિક સમસ્યા નો ભોગ લોકો બને છે માટે આ વિષય માં વૈજ્ઞાનિક અભિગમ જરૂરી છે
LikeLiked by 1 person
Main myth of semen loss – true we all are having mental block – as in words of Mahatma Gandhi also loss of semen once is like loosing one brick from your mention.
And many other mytgs are also clarified by Dr Mukul Bhai like getting pregnant by kissing & touching your private parts.
Many pschycoligical myths are also broken
LikeLiked by 1 person
Very informative keep it up Sir ……
LikeLiked by 1 person
if roleplay of BDSM is require of any type for set, romance
LikeLike