પેન્ગ શુઈલીન

જેની પાસે પુર્ણ શરીર નથી કે પુર્ણ પગ નથી અને ફક્ત 78 સે.મી.ની ઉંચાઈ હોવા છતાં અસીમ અવરોધો પર વીજય મેળવનાર પેન્ગ શુઈલીનને તમે આજે મળવાના છો. શું તમે પેન્ગ શુઈલીનના જીવનને જાણ્યા પછી ક્ષુલ્લક બાબત પર રોદણાં રડશો?

પેન્ગ શુઈલીન

ડૉ. જનક શાહ અને ભારતી શાહ

        જીંદગીમાં આપણે હમ્મેશાં ફરીયાદ કરતા જ રહીએ છીએ કે કેમ આમ છે કે કેમ મને આ મળ્યું નથી. અર્ધી જીંદગી આપણે અસંતોષથી જ જીવતા હોઈએ છીએ. મળ્યું છે તે પુરેપુરું માણી શકતા નથી અને તેને માટે કુદરતનો આભાર માનવાને બદલે નીઃસાસા નાખી જીંદગી પુરી કરતા હોઈએ છીએ. તગડા લોકો કહેશે મારે દુબળા થવું છે, જ્યારે દુબળા લોકો કહેશે કે અમારે તગડા થવું છે. ગરીબને શ્રીમંત થવાની ઝંખના હશે અને શ્રીમંત પોતાની પાસે જે કાંઈ હશે તેનાથી સંતુષ્ટ નહી હોય. માનવીની જીજીવીષાનો ક્યારેય અંત નથી આવતો.

ચાલો, આજે એક એવા માનવીની વાત વાંચીએ કે જેને હસતે મુખે જીંદગી જીવતો જોઈને બળ મેળવીએ. વાત છે ચીનના હુનન રાજ્યમાં જન્મેલા પેન્ગ શુઈલીનની. તેની ઉંચાઈ આજે ફક્ત 78 સે.મી. છે. તે 1995માં શેનઝહનમાં રસ્તે પસાર થતો હતો ને તેના શરીર પર એક સામાન ભરેલ ટ્રક શરીરના અડધેથી બે કટકા કરીને પસાર થઈ ગયો. શરીરનો નીચેનો ભાગ અને બન્ને પગ શરીરથી જુદા થઈ ગયા હતા અને તેને જીવીત કરી શકાય તેવી કોઈ શક્યતા ન હતી. સર્જનોને તેના પેટ નીચેના ભાગને સીવી લીધા સીવાય કોઈ છુટકો ન હતો.

ચીનના સર્જનો માટે તેનું જીવવું એક પડકારરુપ હતું. સર્જનોએ તેને જીવાડવા પ્રયત્ન કર્યો અને તે જીવી ગયો. 37 વર્ષના પન્ગે દક્ષીણ ચીનમાં લગભગ બે વર્ષ શેનઝહનની હૉસ્પીટલમાં વીતાવ્યાં. શરીરના બાકીના દરેક મુખ્ય અવયવોની પ્રક્રીયા નીયમીત કરવા માટે ડૉક્ટરોએ તેના પર અસંખ્ય ઑપરેશનો કર્યા અને તેને જીવાડ્યો. હવે તેના માટે ફક્ત હાથ જ એનું ચેતનવંતું અવયવ હતું કે તેને હેરવી–ફેરવી શકે. સૌપ્રથમ તો તેણે કસરતો કરીને હાથને તાકાતવાન બનાવ્યા. તે હાથ વડે પોતાના ચહેરાને ધોઈ શકે અને પોતાના દાંતને બ્રશથી સાફ કરી શકે તેટલા તેણે સક્ષમ બનાવ્યા. દરેક વીષમતા સામે તે ઝઝુમ્યો અને જીવી ગયો.

ડૉક્ટરોએ એક દસકા પછી તે ફરીથી ચાલી શકે તેવા પ્રયત્નો શરુ કર્યા. ચીનના બેઈઝીંગમાં આવેલ ચાઈના રીહેબીલેશન રીસર્ચ સેન્ટરના ડૉક્ટરોએ તે પોતે પોતાના પગ પર ચાલી શકે તેવા યુક્તીભર્યા સર્જનાત્મક સાધનનું સર્જન કર્યું. તેમણે અર્ધ ઈંડા આકારનું પોતાના શરીરને ઉંચકી શકે તેવું એક પોચું, સુંવાળું બીબું બનાવ્યું અને તેની સાથે બાયોનીક પગ જોડ્યા.

પગ જોડવાનું આ કામ કાંઈ સહેલું ન હતું. ડૉક્ટરે પોતાની બુદ્ધી લડાવી, કુશળતાથી માપ લીધું, નીષ્ણાત ટૅકનીશ્યનોની આવડતનો ઉપયોગ કરી આ બીબા સાથે પગ જોડીને પ્રથમ તો તેને ઉભા રહેતાં શીખવ્યું. ભાંખોડીયા ચાલતું બાળક ચાલતાં પડી જાય તો જમીનનો ટેકો લઈને પણ ઉભું થઈ જાય પણ પેન્ગ માટે આ શક્ય ન હતું. ખાસ ચાલવા માટે બનાવેલા પગ પાસે કુદરતે સર્જેલા પગ જેવી કળા અને સ્વયંસંચાલીત તાકાત હવે તેનામાં રહી ન હતી. પીડા હરનાર ડૉક્ટરોએ શક્ય એટલી પોતાની કારીગીરીથી ચાલવા માટે તેને સક્ષમ પગ બક્ષ્યા હતા. તેને કોરીડોરના પાઈપને પકડીને પ્રથમ તો પા–પા પગલી પાડતો કર્યો અને પછી ઘોડીથી ચાલતો કર્યો.

ખાસ ડોલ જેવા સોકેટની સાથે ઓર્થેટીક પગ જોડીને ડૉક્ટરોએ કમાલ કરી દીધી. બન્ને પગ સાથે બે કેબલ જોડ્યા હતા જે એક પગ આગળ જાય તો બીજા પગને પાછળ રાખે અને જેમ આપણે ચાલીએ છીએ તેમ ચાલવામાં મદદરુપ થાય. પગ પર વજન ન આવવા દે અને વળાંક વળવામાં મદદરુપ થાય તેવી રીતે તેની રચના કરી હતી. દસ વર્ષ પછી અર્ધા શરીર સાથે ચાલી શકતા પેન્ગને જોઈને હૉસ્પીટલના વાઈસ–પ્રેસીડેન્ટ બોલી ઉઠ્યા, “અમે તેને તપાસી લીધો છે. તેની ઉમ્મરના મોટા ભાગના પુરુષો જેટલો જ સક્ષમ છે.”

ચાલતા થયા પછી પેન્ગની હીમ્મત વધી. તેણે પોતાનો સ્ટોર શરુ કર્યો, જેનું નામ રાખ્યું : ‘અર્ધા માનવીનો અર્ધી કીમ્મતનો સ્ટોર.’ આજે આ 37 વર્ષનો માનવી એક કુશળ વેપારી બની ગયો છે અને તે એમ્પ્યુટીઝ (હાથ–પગ કપાયેલા માનવીઓ) માટે રોલ મોડલ પણ બન્યો છે. 2 ફુટ અને 7 ઈંચની ઉંચાઈવાળો પેન્ગ વ્હીલચેરમાં બેસી અપાહીજ લોકોની નીરાશા ખંખેરી નાખવા પ્રવચનો આપવા જાય છે. તેનો અભીગમ નવાઈ પમાડે તેવો છે. તેને કોઈ ફરીયાદ નથી. તે પોતાની જાતની સંભાળ રાખે છે; પરન્તુ તેની સફળતાનું રહસ્ય આનન્દીપણું છે. કોઈ બાબત તેને ઉતરતો હોવાનો અહેસાસ કરાવતી નથી.

તમારી પાસે પુર્ણ શરીર છે. તમારે પુર્ણ પગ છે. તમે આજે એવા માણસને મળ્યા છો જેની પાસે પુર્ણ શરીર નથી કે પુર્ણ પગ નથી. તેની જીંદગી સાહસ અને સહનશીલતા દ્વારા અસીમ અવરોધો પર વીજય મેળવનારની એક કહાની છે. શું તમે આ વ્યક્તીના જીવનને જાણ્યા પછી ક્ષુલ્લક બાબત પર રોદણાં રડશો?

પેન્ગ શુઈલીન હકારાત્મક વીચારસરણીવાળો અભીગમ કેળવનાર અસાધારણ સંકલ્પશક્તી અને સફળતાનું એક જીવંત ઉદાહરણ છે. તેની કથની કરુણ છે પણ તેના અર્ધ શરીર સાથે જીવવાની તક 30 ટકા જ હોવા છતાં તેની અસાધારણ સંકલ્પશક્તીએ તેને જીવાડ્યો. અકસ્માત પછી તેની જીંદગી નાટ્યાત્મક રીતે બદલાઈ છતાં દરેકને નવાઈ પમાડે તેવા આ અર્ધ નરે પોતાની જાતને હરવાફરવા માટે સક્ષમ બનાવી. પોતાના શક્તીશાળી અવયવોને ચેતનવંતા કરવા માટે ગણી ન ગણાય તેટલી સર્જરી કરાવી, વેદના વેઠી જીંદગીમાં અનેક બાબતો ગુમાવી; પણ 70 સે.મી.ની ઉંચાઈ ધરાવનાર આ માનવીનું કદ સંકલ્પશક્તીના આધારે કલ્પના ન કરી શકાય તેટલી ઉંચાઈએ પહોંચ્યું. આખા ચીનમાં અર્ધ માનવીના હુલામણા નામે ઓળખાતા તેણે પોતાનો સ્ટોર શરુ કરવા સંકલ્પ કર્યો. આજે ચીનના લાખોપતી વેપારીઓની યાદીમાં તેનું નામ ગણાય છે. પોતાના સ્ટોરને ‘અર્ધ માનવીનો સ્ટોર કે જ્યાં દરેક ચીજ – અર્ધી કીમ્મતે મળે’ તે મુદ્રાલેખથી શરુ કર્યો. પોતાનાં સ્વપ્નોને સાકાર કરવા સફળતાની ચાવી જો કોઈ હોય તો તે સંકલ્પશક્તી છે. તેની મોટી સાબીતી છે આખા ચીનમાં ચાલતા તેના સ્ટોરની શૃંખલા.

જીંદગીમાં હકારાત્મક અભીગમ હોવો બહુ મોટી વાત છે. પેન્ગની વીચારસરણી આફતોને ગણકાર્યા વગર, આંધીઓની દરકાર કર્યા વગર જોમથી શ્વાસ લેવાની હતી. પછી ભલે તે શ્વાસ તુટવા લાગે, ફરીફરી શ્વાસ લઈને જીવનને ભરી દેવું હતું, કારણ કે તે જાણતો હતો, હું ડરી જઈશ તો શ્વાસ તુટી જશે. પ્રયત્ન કરીશ તો આ દીવસો લાંબો સમય ટકશે નહીં પણ પલકારામાં પસાર થઈ જશે અને સોનેરી પ્રભાત ઉગી નીકળશે.

એવા અનેક માનવી હોય છે જેના મનમાં ડર એવો ઘર કરી જાય છે કે તે તેમની પ્રગતીને રુંધે છે. પેન્ગની સારવાર કરનારા ડૉક્ટરો પણ નાસીપાસ ન થયા. તેમણે પણ હૃદયમાં હામ ધરી અને તેઓ જાતજાતના ઉપાયો અપનાવતા રહ્યા. પેન્ગને ચાલતો કરવા તેઓ કૃતનીશ્ચયી હતા. જીંદગીને આપણે કેવી દૃષ્ટીથી જોઈએ છીએ તેના પર આપણી પ્રગતીનો આધાર રહેલો હોય છે. આપણે કયા પ્રકારના વીચારોને કેન્દ્રીત કરીને જીવીએ છીએ તે ઘણું અગત્યનું હોય છે. પેન્ગે દેખીતી રીતે કહીએ તો કોઈ જ પ્રકારની વેદના, ડર કે નીષ્ફળતાઓ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રીત ન કર્યું. બાઈબલે જે વાત કરી છે તે જ ‘As a (person) thinketh in (their) heart, so (are they)’ તેણે જીવનમાં ઉતારી (કર વીચાર તે પામ). આ માનવીનું જીવનવૃત્તાંત સાબીત કરે છે ‘Change your thinking – change your life’ – ‘વીચારસરણી બદલો અને જીંદગીને બદલો’.

પેન્ગ ખરેખર અર્ધ માનવી નથી. તે જે કાંઈ છે તેનાથી કાંઈક વીશેષ છે. પ્રથમ તો પેન્ગ બીજાની જેમ કોઈ કાર્ય અડધું છોડતો નથી. તે પોતે સતત પોતાના શરીર અને જીંદગીની વીષમતા સાથે રોકાયેલો હતો. આપણા બધા માટે તે એક અદ્ભુત દૃષ્ટાંત છે જેને જોઈને કે જેના વીશે વીચારીને જીંદગીની કમી માટે આપણી પાસે કોઈ ફરીયાદ નહીં હોય. જીંદગીમાં ગમે તેવી વીષમતાઓનો ભલે સામનો કરવો પડે પણ માનવીના મનનો અભીગમ બદલાવો ન જોઈએ. પેન્ગનો ખુબ ખુબ આભાર કે તેણે આપણને જીવવા માટે ખુબ સરસ રસ્તો બતાવી દીધો છે. જીંદગીમાં કાંઈક અલગ જ જીવન જીવી શકાય તેવો રાહ તેણે હકારાત્મક જીવન જીવી જઈને આપણને દર્શાવ્યો છે. તેણે અદ્ભુત પ્રેરણા આપી છે. કદી હાર કબુલ ન કરી અને આજે તે વીરતાભર્યું જીવન જીવનાર એક જીવંત ઉદાહરણ બન્યો છે. દરેક વીપદા પર કેવી રીતે વીજય મેળવી શકાય છે તે આપણને અનોખી રીતે તેણે બતાવી આપ્યું છે. સલામ છે પેન્ગ સુઈલીનને…

કોઈકે જીંદગી વીશે બહુ સરસ કહ્યું છે.

Life Is a Gift

Today before you say an unkind word –
Think of someone who can’t speak.
Before you complain about the taste of your food –
Think of someone who has nothing to eat.
Before you complain about your husband or wife –
Think of someone who’s crying out for a companion.
Today before you complain about life –
Think of someone who went too early to heaven.
Before whining about the distance you drive
Think of someone who walks the same
distance with their feet.
And when you are tired and complain
about your job –
Think of the unemployed, the disabled,
and those who wish they had your job.
And when depressing thoughts
seem to get you down –
Put a smile on your face and think :
You’re alive and still around.

જીંદગી કુદરતે બક્ષેલ એક ભેટ છે

કઠોર શબ્દ ઉચ્ચારતા પહેલાં જેને કુદરતે વાચા નથી આપી, જન્મથી જ જે મુંગા છે તેનો તમે કદીએ વીચાર કર્યો છે? તમારા આહારના સ્વાદ વીશે તમે ફરીયાદ કરો છો ત્યારે તમે જેને અન્નનો એક પણ દાણો મળતો નથી તેનો વીચાર કર્યો છે? તમારા પતી કે પત્ની વીશે તમે ફરીયાદ કરો છો ત્યારે જેનું કોઈ સાથી નથી અને સાથી મળે તે માટે ઝુરતા હોય છે તેવા લોકોનો કદી વીચાર કર્યો છે? જીંદગી વીશે ફરીયાદ કરતાં પહેલાં જેઓ વહેલાં ફાની દુનીયાને અલવીદા કરી ગયા છે તેનો તમે કદી વીચાર કર્યો છે? લાંબા અંતર સુધી હંકારીને જવું પડે છે તેવાં રોદણાં રડતા પહેલાં જેઓને તેટલું જ અંતર ચાલીને કાપવું પડે છે તેનો કદી વીચાર કર્યો છે? તમે થાકી ગયા હો અને તમારી નોકરીની ફરીયાદ કરતા હો તો ત્યારે જેઓ બેકાર છે, જેઓ સક્ષમ નથી અને જેઓ તમારા જેવી નોકરી હોય તેવી ઝંખના સેવે છે તેના વીશે તમે કદી વીચાર કર્યો છે? જીંદગી નીરસ લાગે, ન જીવવા જેવી લાગે, આત્મહત્યા કરવાનો વીચાર આવે ત્યારે વીચારો ચેતનાથી ભરપુર, સંકલ્પના સહારે સંસારસાગર તરી જઈને એક સર્વોત્તમ ઉદાહરણ પુરું પાડનાર આ પેન્ગ જેવા માનવીને યાદ કરી તમારા ચહેરા પર સ્મીત લાવી વીચારો કે તમે જીવીત છો અને તમારા હાથ–પગ ચાલે છે.

        ડૉ. જનક અને ભારતી શાહ

‘ડીસેબલ્ડ’ નહીં પણ ‘સ્પેશ્યલી એબલ્ડ – ફીઝીકલી ચેલેન્જ્ડ’ માનવીઓના મનોબળની વીરકથાઓનો સંગ્રહ અડગ મનના ગજબ માનવી’ ‘અભીવ્યક્તી બ્લૉગને ભેટ મોકલવા બદલ ડૉ. જનકભાઈ શાહ અને સુશ્રી. ભારતીબહેન શાહનો દીલથી આભાર..  ..ગોવીન્દ મારુ..

શાહદમ્પતીનું  પુસ્તક અડગ મનના ગજબ માનવી (પ્રકાશક : માનવવીકાસ અને કલ્યાણ ટ્રસ્ટ, એમ–10, શ્રીનન્દનગર, વીભાગ–4, વેજલપુર, અમદાવાદ–380 051 પૃષ્ઠ : 90+4, મુલ્ય : રુપીયા 120/– ઈ.મેલ : madanmohanvaishnav7@gmail.com )માંથી, લેખકદમ્પતીના અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : ડૉ. જનક શાહ અને સુશ્રી. ભારતી શાહ, 101, વાસુપુજ્ય–।।, સાધના હાઈ સ્કુલ સામે, પ્રીતમનગરના અખાડાની બાજુમાં, એલીસબ્રીજ, અમદાવાદ – 380 006 સેલફોન : +91 94276 66406 ઈ.મેલ : janakbhai_1949@yahoo.com  વેબસાઈટ : http://janakbshah.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ…

પોસ્ટ કર્યા તારીખ : 20–05–2022

10 Comments

  1. –ડૉ. જનક અને ભારતી શાહની પેન્ગ શુઈલીન અંગે પ્રેરણાદાયી સચિત્ર માહિતી માણી આનંદ થયો
    ‘પેન્ગ શુઈલીન હકારાત્મક વીચારસરણીવાળો અભીગમ કેળવનાર અસાધારણ સંકલ્પશક્તી અને સફળતાનું એક જીવંત ઉદાહરણ છે. તેની કથની કરુણ છે પણ તેના અર્ધ શરીર સાથે જીવવાની તક 30 ટકા જ હોવા છતાં તેની અસાધારણ સંકલ્પશક્તીએ તેને જીવાડ્યો. ‘ વાત ચિતમા જડાઇ ગઇ.આપણા જેવાને કેટલી બધી સગવડ હોવા છતા ફરિયાદ હોય છે તે સુધારવો જોઇએ

    Liked by 1 person

  2. Very inspiring for people who have no choice but to struggle and move on 👍! Those who are fortunate, should support unfortunate people anyway they can!

    Liked by 1 person

    1. આદરણીય વલીભાઈ,
      નમસ્તે…
      ‘માનવધર્મ’ બ્લૉગ પર ‘પેન્ગ શુઈલીન’ પોસ્ટને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      –ગોવીન્દ મારુ

      Like

  3. સ્નેહીશ્રી ગોવીંદભાઇ,
    ઉત્સાહજનક પ્રોત્સાહન આપનાર પેન્ગના જીવન વિષે વાંચીને બે પ્રકારના માનવીઓને
    હાર્દિક અભિનંદન આપવા મારું મન મને કહેવા લાગ્યું.
    ૧. પૈન્ગને તેની શારિરિક શક્તિ માટે અને માનસિક શક્તિ માટે…
    ૨. ડોક્ટરોના ગ્રુપને….જે પ્રકારના દર્દીને તેમણે તેમના જીવનમાં જોયો
    ન્હોતો કે વિચ્ાર્યો ન્હોતો તેને જીવનદાન આપ્યુ અને સક્ષમ બનાવ્યો….જેને હવે
    દુનિયા અેક ‘ દાખલા ‘ તરીકે જૂઅે છે…માને છે….
    I have read,… “The best way to predict the future is to create yourself. ”
    પેન્ગને તેની મકસદ, મુરાદ મેળવવા માટે, પૂરી કરવાના સપનાઓને પૂર્ણ કરવા માટે
    મદદ કરનાર ડોક્ટરોનો ફાળો નાનો ન્હોતો….અને હોસ્પીટલો…અને કેટકેટલાં
    મદદગારોઅે મદદ કરી હશે…તે સૌનો આભાર માનવો જ રહ્યો…
    આભાર,
    અમૃત હઝારી.

    Liked by 1 person

  4. બહુ જ પ્રેરણાદાયી લેખ. આમાં કદાચ ચીન દેશની પ્રગતીશીલ ટેક્નોલોજીનો પણ ફાળો હશે, પણ પેન્ગની અદ્ભુત સંકલ્પશક્તી, સહનશક્તી અને કોઈપણ પરીસ્થીતીમાં હાર ન માનવાનું પ્રબળ મનોબળ બહુ મહાન ગણાય. આવા સુંદર લેખનો પરીચય કરાવવા બદલ ગોવીન્દભાઈ આપનો તથા એના લેખકો ડૉ. જનક શાહ અને સુશ્રી. ભારતી શાહનો હાર્દીક આભાર.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s