શું વધુ પડતા સેક્સના વીચારો કરવાથી સેક્સ મેનીઆક થઈ જવાય?

આજના ઉપક્રમમાં સેક્સ સાથે સમ્બન્ધ ધરાવતા તેમ જ મનોવૈજ્ઞાનીક–જાતીય સારવારની જરુર હોય તેવા 10 પ્રશ્નોના ડૉ. મુકુલ ચોકસીએ ઉત્તરો આપવાનો સન્નીષ્ઠ પ્રયત્ન કર્યો છે.

4

શું વધુ પડતા સેક્સના વીચારો કરવાથી
સેક્સ મેનીઆક થઈ જવાય?

–ડૉ. મુકુલ ચોકસી

[‘જાતીય પ્રશ્નાવલી’ – 3 માણવા માટે લીન્ક : https://govindmaru.com/2022/05/09/dr-mukul-choksi-25/ ]

પ્રશ્ન : છેલ્લા એક વર્ષમાં મારા ત્રણ મીત્રોનાં લગ્ન થયાં. અમારી બધાની ઉમ્મર સરખી જ લગભગ ચોવીસેકની આસપાસ હશે. મેં જોયું છે કે, લગ્ન પછી તેઓ બધાના વજનમાં સરેરાસ પાંચથી સાત કીલોનો વધારો થયો છે. આમ અમે સહુ પાતળા હતાં. તેઓ બધાં હવે સમતોલ લાગે છે. તો શું લગ્ન બાદ સેક્સ કરવાથી તેઓના વજનમાં વધારો થયો હશે? શું સેક્સથી વજન વધે છે?

ઉત્તર : જી, ના. આપ માનો છો તેનાથી તદ્દન ઉંધી માન્યતા ધરાવનારાઓય અનેક છે. વધુ પડતા સેક્સથી પોતે કદાચ સુક્કા, નબળા, પાતળા કે પૌરુષહીન થઈ જશે એ બીકે ઘણાં લોકો પોતાની સેક્સ પ્રવૃત્તી ઉપર અકારણ અંકુશ રાખવાની કોશીશમાં રહેતા હોય છે. વાસ્તવમાં જાતીય પ્રક્રીયા શરીરની અન્ય ફીઝીયોલૉજીકલ પ્રક્રીયા જેવી જ એક સાધારણ પ્રક્રીયા છે. એનાથી વજનમાં નથી તો ખાસ વધારા થતા અને નથી તો એવા કંઈ મોટા ઘટાડા થતા! તેમ છતાં આપનું નીરીક્ષણ સાચું છે કે, કેટલાક છોકરાઓ લગ્ન પછીના ગાળામાં અવશ્ય તંદુરસ્ત અથવા જાડા થતાં લાગે છે.

જો આ ઘટનાને સેક્સ સાથે જરાયે સમ્બન્ધ હોય તો મારા મતે આ હોઈ શકે કે લગ્ન પુર્વ ઘણાં બીનઅનુભવી છોકરાઓ પોતે સેક્સ ભોગવવા સક્ષમ હશે કે નહીં તેની ચીંતા કરતા રહેતા હોય છે. સતત માનસીક તાણ કે મનોસંઘર્ષની દશા અવશ્ય વજનમાં ઘટાડો નોતરી શકે. આવા યુવકો લગ્ન બાદ પોતાની વર્ષો જુની મુંઝવણ ઉકેલાઈ જવાથી સ્વસ્થ બને છે. જે તેમની શારીરીક તંદુરસ્તીમાં વધારો કરે છે. અલબત્ત, આ એક ધારણા છે.

કદાચ એવું બનતું હોય કે, લગ્ન બાદ જીવન થોડું બેઠાડુ બનતું હોય, રખડવાનું ઘટી જવાથી ખાવાપીવાનું નીયમીત થતું હોય, ઉંઘ આરામની ટેવ વધારે ચોકસાઈભરી થતી હોય, કાળજી લેનાર પત્ની મળે તો ખોરાકનું પ્રમાણ પણ વધતું હોય, આવા સેક્સ સીવાયનાં અન્ય કારણો પણ લગ્ન બાદના વધતા વજન માટે જવાબદાર હોઈ શકે.

અલબત્ત, એવાં ઘણા કીસ્સાઓ અમે જોયા છે, જેમાં હસ્તમૈથુન યા નીંદ્રાસ્ખલન યા ઘાત વગેરેથી અકારણ ગભરાતો છોકરો ચીંતાગ્રસ્ત હાલતમાં ફર્યા કરતો હોય. એવું માનતો હોય કે, તેના વીર્યસ્ત્રાવને કારણે તે દુબળો પડી ગયો છે. હકીકતમાં તે તેની ખોટી ચીંતાને લીધે દુર્બળ બન્યો હોય છે. આ છોકરો લગ્ન બાદ માનો કે હૃષ્ટપુષ્ટ થાય તો સેક્સને લીધે નહીં બલકે સેક્સની ચીંતામાં થતા ઘટાડાને લીધે – એમ માનવું.

વજનના વધારા–ઘટાડા આ સીવાય પણ અનેક બાબતો પર આધાર રાખે છે. જેમ કે વારસાગત વલણો, જીવનના તબક્કાઓ ઉમ્મર વગેરે, આ બધાં પરીબળો ધ્યાનમાં રાખીને જ કોઈ પણ તારણ પર પહોંચી શકાય.

જો કે સેક્સ અને ભુખમાં આમ ઘણી રીતે સામ્ય છે. વ્યવહારમાં વપરાતી ભાષામાં ઘણીવાર આપણે સેક્સને બદલે શરીરભુખ જેવા શબ્દો પ્રયોજીએ છીએ. વાસ્તવમાં બન્ને ચીજો શરીરની ‘બાયોલૉજીક રીધમ’નો એક ભાગ છે. જેનું નીયંત્રણ મગજની સુપરલોક ઉર્ફે ‘હાઈપોથેલેમ્સ’માંથી થાય છે. તમામ ગ્રંથીઓનું સંચાલન કરનાર હાઈપોથેલેમ્સ જ બગડે તો ભુખ, સેક્સ તથા વજનમાં ઘણાં ફેરફારો જોવા મળે છે.

પ્રશ્ન : હું જ્યારે અઢાર વર્ષનો હતો અને બેંગ્લોર ભણવા ગયો હતો ત્યારે પહેલવહેલી વાર હૉસ્ટેલમાં રહેવાનો પ્રસંગ આવ્યો હતો. તે વખતે મારી સાથે રહેતા આસામ તરફના ચારેક વીદ્યાર્થીઓએ મારી ઉપર રેગીંગ કર્યું હતું. તેઓએ મારા શીશ્ન સાથે ગંદા ચેનચાળા કર્યા હતા. આજે મારી ઉમ્મર ત્રીસ વર્ષની છે. અને હું લગ્ન કરનાર છું. મને એ વાતની ચીંતા સતાવે છે કે, મારી ઉપર થયેલા રેગીંગને કારણે મારામાં કોઈ ખામી કે ખોડખાંપણ તો નહીં આવી ગયાં હોય ને?

ઉત્તર : આપે રેગીંગ અંગેની જે વીગતો જણાવી છે તે જોતાં આપને કોઈ શારીરીક નુકસાન થયું હોય એવું લાગતું નથી. ઘણા યુવાન પુરુષોને લગ્ન પહેલાં પોતે બરાબર છે કે નહીં એ ચીંતા સતાવતી હોય છે. જે મહદ્અંશે બીનજરુરી હોય છે. હૉસ્ટેલમાં રેગીંગ થવું એ નવી વાત નથી. શરમાળ, નવા, જુદા પડતા થતા એકલવાયા છોકરા–છોકરીઓ ઉપર એ વધુ પ્રમાણમાં થાય છે. રેગીંગથી જે માનસીક ત્રાસ પહોંચે છે તેનાથી તરુણ કે તરુણી હતપ્રભ થઈ જઈ શકે છે અને એની અસર લાંબા ગાળા સુધી તેના ચીત્ત ઉપર રહે એ શક્ય છે; પરન્તુ મોટાભાગના યુવકો રેગીંગના આઘાતજનક અનુભવમાંથી પસાર થયા બાદ પણ સ્વસ્થતા હાંસલ કરી લેતા હોય છે. તમે પણ વચગાળાનાં વર્ષોમાં કાંઈ મુશ્કેલી અનુભવી નથી. અત્યારે શીશ્ન અંગેની આ ચીંતા ફરીવાર અચાનક ઉભરી આવવાનું કારણ એ છે કે, તમારા લગ્ન અંગેની વાતો ચાલી રહી છે. મારું આપને સુચન છે કે, આપ સ્વસ્થતાપુર્વક વીચારશો તો જણાશે કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં આપે સેક્સ કે શીશ્ન અંગે કોઈ તકલીફ અનુભવી નથી. વળી આપ સાથે જે રેગીંગના નામે હળવી છેડછાડો કરાઈ છે, તે વખતે આપ યુવાન હતા. આથી એ અણગમાપ્રેરક અનુભવને આપ ભુલી શકો અથવા અવગણી શકો એમ છો. તેમ છતાંય આ કાલ્પનીક ભય મનમાંથી ન નીકળે તો આપ મનોચીકીત્સકની સલાહ લઈ શકો.

પ્રશ્ન : મારા એક મીત્રની સમસ્યા એ છે કે, તે ખુબ પાતળો છે. તેને ચીંતા છે કે, પોતે હૃષ્ટપુષ્ટ ન હોવાથી સેક્સ બરાબર નહીં માણી શકશે. શું તેની આ ચીંતા યોગ્ય છે?

ઉત્તર : તંદુરસ્ત જાતીય જીવન માટે તંદુરસ્ત શરીર તથા તંદુરસ્ત મન હોવાં જરુરી છે; પણ જેનો બાંધો એકવડો હોય અગર જે પાતળા હોય કે સુકા હોય તેઓ અસમર્થ નથી બની જતાં. જો તેમને કોઈ મોટી શારીરીક બીમારી ન હોય તો ચીંતાનું કોઈ કારણ જણાતું નથી. ઉલટું, વધુ પડતા જાડા માણસો કરતાં વધુ પડતા પાતળા માણસો આસનો વગેરેમાં વધારે ફેરફારો લાવી શકતા હોય છે.

પ્રશ્ન : મારો એક મીત્ર હરહમ્મેશ સેક્સને લગતી ફરીયાદો કરતો ફરે છે. ક્યારેક તે કહે છે કે, તેના શીશ્નમાં ‘ફોર્સ’ નથી. તો ક્યારેક કહે છે કે, ‘નસો નબળી પડી ગઈ છે.’ એક દીવસ તો તેણે હઠ પકડી કે, મારે બસ લીંગનો એક્સ–રે પડાવીને જોવડાવવું છે કે, અંદર કશીક ખોડખાંપણ તો નથીને? પોતાની આ ફરીયાદો લઈને તે અનેક ડૉકટરો, વૈદો, હકીમો તથા અન્ય લેભાગુઓ પાસે ભટકે છે. કોઈક મલમપટ્ટી કરી આપે છે, તો કોઈક કહે છે, ‘હશે… આવી જશે.’ ડૉકટરે આપેલ સાંત્વનથી તેને એકાદ–બે દીવસ સારું લાગે છે; પરન્તુ ફરી પાછી તેની ચીત્ર–વીચીત્ર ફરીયાદો શરુ થઈ જાય છે. ‘ડૉક્ટર, તમે કહો છો કે, અંદર કંઈ ખરાબી નથી. હું પણ જાણું છું; પણ તો પછી ઈન્દ્રીયની અંદર શુન્યાવકાશ જેવું કેમ લાગ્યા કરે છે? અને લીલું શાક ખાઉં તો ખેંચાણ કેમ થાય છે? શું અંદર નસો ફુલી ગઈ હશે? કે પછી એ સાવ બગડી જ ગઈ હશે? ક્યારેક તો અંદર એવી બળતરા થાય છે, કે ન પુછો વાત! અને કબજીયાત થાય ત્યારે નસોમાં ઝણઝણાવટી ઉપડવી શરુ થઈ જાય.

કોઈવાર એટલો “પાવર” આવી જાય કે, જાણે હમણાં સારો થઈ જઈશ, એવું લાગે; પરન્તુ ફરી પાછી નબળાઈ જ પકડી લે.’

મારા આ મીત્રને સેક્સની આ કંઈ બીમારી છે? અને એનું શું કરવું?

ઉત્તર : તમારો આખો પત્ર વાચતાં લાગે છે કે, તમારા આ મીત્રને મુલતઃ સેક્સની કોઈજ બીમારી નથી. અલબત્ત, તેનાં લક્ષણો સેક્સને લગતાં છે; પરન્તુ અન્ય કેટલીક ‘માનસીક’ બીમારીઓમાંથી પણ આવાં લક્ષણો આવી શકે છે. જેમ કે ‘હાઈપોકોન્ડીઆસીસ’ નામની બીમારીમાં વ્યકીતને એવું લાગે છે કે, તેના શરીરના કોઈક અવયવમાં ગંભીર રોગ પ્રસરી રહ્યો છે. ‘સાઈકોજેનીક પેઈન ડીસઑર્ડર’ નામના રોગમાં અવયવમાં કશીય ખામી–બીમારી ન હોવા છતાં ત્યાં દુઃખાવો થાય છે. અને ‘સોમેટાઈઝેશન ડીસઑર્ડર’ નામના એક અન્ય માનસીક રોગમાં શરીરને લગતા ‘નબળાઈ, દુઃખાવાઓ, અશક્તીઓ, તક્લીફો’ જેવાં અનેક લક્ષણો ઉભરી આવે છે. તમારા મીત્રને મનોચીકીત્સકની સારવારની જરુર હોય એમ જણાય છે.

પ્રશ્ન : મોટી સમસ્યા સર્જાઈ છે. મારા પતી દીલ્હી આવ–જાવ કરે છે. મારા દીયરને અહીં એક શરમજનક ટેવ પડી છે. તેઓ કોઈ ને કોઈ સ્ત્રી સામે નીર્વસ્ત્ર થઈ જાય છે. બીજી બધી રીતે તેઓ બરાબર છે; પણ ઘણીવાર નાની બાળકી સમક્ષ પણ વસ્ત્રો કાઢીને ઉભા રહી જાય છે. આઘાત પામેલી કેટલીક સ્ત્રીઓએ ફરીયાદ પણ કરી છે. મારા દીયર આવું ક્યાંથી શીખી લાવ્યા હશે? શું કરું?

ઉત્તર : આ વર્તન શીખવાથી નથી આવતું. આ એક મનોજાતીય બીમારી છે જે ‘એકઝીબીશનીઝમ’ કહેવામાં આવે છે. પેરાફીલીયા અથવા કામવૃત્તીઓ તરીકે ઓળખાતી આ બીમારીને લીધે તેઓ આવું કરી રહ્યા હશે. તમે મનોચીકીત્સકની સલાહ લો. તમારા પતી તથા ઘરના અન્ય વડીલોને વીશ્વાસમાં લઈ તમારા દીયરની મનોવૈજ્ઞાનીક–જાતીય સારવાર શરુ કરાવો.

પ્રશ્ન : હું જ્યારે 11માં ધોરણમાં ભણતો હતો ત્યારે ખુબ તોફાની હતો. અમારી સામેના પરીવારમાં બે બહેનો રહેતી હતી. તેમાંની નાની છોકરી જે બીજા ધોરણમાં ભણતી હતી તે મારી લાડકી હતી. સ્ટાર ટીવીની ચેનલો જોતાં જોતાં એકવાર મને શું સુઝયું તે મેં એના મોં પર કીસ કરવા માંડી. મને એ એટલી તો ગમવા માંડી કે, હું એના પ્રેમમાં પડી ગયો. તેણે મને આવું ફરી કરવાની ના પાડી છે. તે હજી તો બાળક છે પણ હું હવે પસ્તાવો અને પ્રેમ બેવડી લાગણીથી પીડાઉ છું. બી.ઈ. (ઈલેકટ્રીકલ)ની ફાઈનલ પરીક્ષા વખતે હવે હું ભણી નથી શકતો. મને કંઈક રસ્તો બતાવો.

ઉત્તર : સેક્સ થેરાપીસ્ટ તરીકે મારે પહેલા તો એ જાણવું પડે કે, કેવળ આ એક જ નાની બાળકી પ્રત્યે આપને જાતીય આકર્ષણ જન્મ્યું છે, કે અન્ય બાળકીઓ પ્રત્યે પણ જાગ્યું છે. જો વારંવાર નાના બાળકો માટે આપને જાતીય આકર્ષણ જાગતું હોય તો એને ‘પેડોફીલીયા’ નામની મનોજાતીય વીકૃતી કહેવાય છે જે ગંભીર વસ્તુ છે. ‘માઈકલ જેકશન’ ઉપર તે ‘પેડોફીલીક’ હોવાનો આરોપ હતો. આપે એ માટે મનોચીકીત્સકને મળવું જોઈએ; પરન્તુ જો માત્ર એક જ વાર આ એકમાત્ર બાળકી પ્રત્યે આપને પહેલી અને છેલ્લીવાર આકર્ષણ જાગ્યું હોય તો તેને કેવળ અકસ્માત ગણી શકાય.

તેમ છતાં આ વાત બતાવે છે કે, આપના મનનો કોઈ ખુણો હજુ અપરીપકવ છે. આપ પુખ્ત વયના વીજાતીય સ્ત્રી મીત્રોમાં વધારો કરો. આપના સર્કલમાં છોકરીઓ હોય એ જરુરી છે. જેથી આપના આકર્ષણને યોગ્ય દીશા મળે અને આમ બીનજરુરી જગ્યાએ એ પ્રગટ ન થાય. પસ્તાવાની લાગણી ભલે થતી; પણ પ્રેમની લાગણી એ બાળકી સમક્ષ બને તો વ્યક્ત ન કરશો કેમ કે એની છ સાત વર્ષની વય કંઈ જાતીય આકર્ષણ કે અનુભવોની વય નથી. તમે લખ્યું છે કે, બાળકીને પણ તમે ખુબ ગમો છો. તો એ સંજોગોમાં એને છેક છોડીને ચાલ્યા જવુંય ઉચીત નથી. એને બદલે જે રીતે અન્ય લોકો એડલ્ટ ચાઈલ્ડની ભેદરેખા જાળવીને એ બાળકી સાથે બીનજાતીય સમજણપુર્વકનો વ્યવહાર કરે છે, તે રીતે આપ પણ કરો. યાદ રાખો, બાળકી સાથેની કોઈ પણ અઘટીત છેડછાડ એની આવનારી આખી જીંદગી માટે સમસ્યારુપ બની જઈ શકે છે.

પ્રશ્ન : હું અઢાર વર્ષનો તરુણ છું. મને આજકાલ કાયમ સેક્સના જ વીચારો આવ્યા કરે છે. શું મને સેક્સમેનીયા થઈ ગયો હશે? મારે શું કરવું જોઈએ?

ઉત્તર : તમારે વધારે વીગત લખવાની જરુર હતી. ખેર, આટલી માહીતી પરથી એવું ન કહી શકાય કે, તમે સેક્સમેનીયાક છો.

આ ઉમ્મરે સેક્સના વીચારો આવવા સ્વાભાવીક છે. તમે જેને ‘વધારે’ કહેતા હોવ તેને કોઈ ‘સામાન્ય’ પણ ગણતું હોય. કોઈક સાઈકીઆટ્રીસ્ટને મળીને તમારી મનોદશાની ચર્ચા કરી શકો. ક્યારેક હતાશમાં કે ઓબ્સેસીવ જેવી અવસ્થામાં પણ માણસ સેક્સની બાબતોમાં વધુ પડતો ખુપી જતો જણાય તો મનોચીકીત્સકની સારવાર એમાં મદદરુપ થઈ શકે. વળી એ વીચારોને આધારે તમે વર્તણુક કરી બેસો છો કે કેમ, એ વીચારો. તમને આનન્દપ્રદ, બોજારુપ કે કષ્ટદાયક લાગે છે વગેરે વસ્તુની જાણકારી પણ જરુરી છે.

તમે જેને સેક્સમેનીયાક કહો છો એ એવા ક્યારેક જ જોવા મળતા માણસો છે. જેઓ અસામાજીક, ગેરકાયદે એવી જાતીય પ્રવૃત્તીમાં સંડોવાયેલા હોય અને જેઓને લગ્નજીવન દ્વારા પુરતો સેક્સ મળતો હોવા છતાં ઈતરવીકૃત, કામપ્રવૃત્તીઓમાંથી સેક્સનો આનન્દ લેવાની ટેવ પડી ગઈ હોય! જો તમે આવા ન હોવ તો ચીંતાની જરુર નથી. કદાચ તમે એ સામાન્ય કીશોર છો જે ઉમ્મર મુજબ તીવ્ર જાતીય આવેગોની સાહજીક અનુભુતી કરી રહેલ છે. મહત્ત્વનું એ છે કે, એ વીચારોને તમે કઈ રીતે મેનેજ કરો છો. કેવી રીતે હેન્ડલ કરો છો.

પ્રશ્ન : જ્યારે જ્યારે હું છોકરીના વીચારો કરું છું ત્યારે ત્યારે મને હમ્મેશાં છીંક આવે છે. કોઈ પણ સેક્સ બાબતની કલ્પના આવતાની સાથે જ મને છીંક આવી જાય છે. અમારા ઍપાર્ટમેન્ટમાં રહેતી એક છોકરીને ચુંબન કરતા પહેલાય મને છીંક આવી ગઈ. તો આવું કેમ થતું હશે તે સમજાતું નથી.

ઉત્તર : સેક્સને કે તેના વીચારોને છીંક કે નાક–ગળા સાથે કોઈ દેખીતો સમ્બન્ધ હોતો નથી. આપની સમસ્યા મનોવૈજ્ઞાનીક પ્રકારની લાગે છે. આપની જેમ જ કેટલાંક સ્ત્રી કે પુરુષોને સેક્સ કર્યા બાદ છાતીમાં બળતરા થવી, પીઠમાં ખંજવાળ આવવી, જેવાં અણધાર્યા લક્ષણો થતાં જણાય છે. હીપ્નોટીઝમ, પન્ટોથાલ ઈન્ટરવ્યુ કે મનોચીકીત્સક દ્વારા ઈન્ટરવ્યુ યોજીને આના કારણ તથા ઉકેલની દીશામાં પ્રયત્ન કરવો જોઈએ.

પ્રશ્ન : મારા લગ્ન થયાને ચાર મહીના વીતી ગયા છે. તેમ છતાં હજુ અમે પતીપત્ની સેક્સ ભોગવી શક્યા નથી. મારી પત્ની કોણ જાણે કેમ પણ સાંભોગની શરુઆત વખતે જ જોરથી ડરી જઈને ચીસ પાડી ઉઠે છે અને હું હતપ્રભ થઈને નાસીપાસ થઈ જાઉં છું. અમારે શું કરવું? બાકીના સમયે તો મારી પત્ની ખુબ પ્રેમાળ અને મળતાવડી છે. યોગ્ય ઉપાય સુચવશો.

ઉત્તર : આ એક સામાન્ય મનોજાતીય બીમારી હોવાનો સંભવ છે. જેને ‘વજાઈનીસ્મસ’ તરીકે ઓળખવામાં આવે છે. ઘણી છોકરીઓ લગ્ન પછીના તરતના ગાળામાં આ બીમારીનો સામનો કરતી હોય છે. ખાસ કરીને નાની ઉમ્મરની ચીંતાતુર, બીનઅનુભવી અને રુઢીચુસ્ત કુટુંબમાં ઉછરીને સેક્સને પાપ કે દુષણ માનતી છોકરીઓ. સેક્સ થેરાપીસ્ટ કે સ્ત્રીરોગ તજજ્ઞ દ્વારા આ સમસ્યા ઉકેલી શકાય છે. હળવે હળવે યોનીસંકોચન દુર કરી શકાય છે. તે માટે રીલેક્સ થવાની પદ્ધતીઓ શીખવાડવામાં આવે છે. મોટાભાગની છોકરીઓ આ સમસ્યા ડૉક્ટરની મદદ વડે હલ કરી શકતી હોય છે. યોનીદ્વારની આસપાસના સ્નાયુઓ ઈન્દ્રીયના યોનીપ્રવેશના ક્ષેત્રે જોરથી સંકોચાઈ જતાં યોનીદ્વાર સાંકડું બનવાથી સ્ત્રીને દર્દ થતું હોય છે. જેને કારણે તમારા પત્નીથી ચીસ પડાઈ જાય છે.

પ્રશ્ન : છેલ્લા થોડા સમયથી મને તથા મારા મીત્રોને અલગ અલગ સ્થળે પરન્તુ એક જેવી જ લાગતી સમસ્યાઓનો સામનો કરવાનો આવ્યો છે. મોટેભાગે સાંજે કે રાત્રે બસમાં મુસાફરી કરતાં સહપ્રવાસી પુરુષ દ્વારા ધીરે ધીરે હાથ દ્વારા અમારા ગુપ્તાંગનો સ્પર્શ કરવામાં આવે છે. થોડો ગુસ્સાભર્યો, પ્રતીકાર ન કરીએ ત્યાં સુધી તેઓની હરકતો ચાલુ રહે છે. જેને પરીણામે જગ્યા બદલવાનો વારો આવે છે. રાજકોટ, વડોદરા, અમદાવાદ વગેરે સ્થળે બનતા આવા બનાવો વેળા શું કરવું?

ઉત્તર : આપના વર્ણન ઉપરથી જણાય છે કે, આપની સાથેના સહપ્રવાસી કે જે આપના ગુપ્તાંગને સ્પર્શ કરી રહ્યા હતા તે સજાતીય ઉર્ફે હોમો–સેકસ્યુઅલ હોવા જોઈએ. સજાતીય પુરુષોની એ ખાસીયત હોય છે કે, તેઓ ઘણા પુરુષોમાં જાતીય રસ દાખવે છે, કેજ્યુઅલ સેક્સ માણી લે છે અને અજાણ્યા પુરુષોનેય આ રીતે ‘ટ્રાઈ આઉટ’ કરી જુએ છે. મારા મતે આપે જે તે સજાતીય સહપ્રવાસીને સ્પષ્ટ શબ્દોમાં તમારો નકાર જણાવી દેવો જોઈએ. એ માટે થોડા સખત થવું પડે તો વાંધો નહીં. યાદ રાખો સજાતીય પુરુષો કંઈ અસામાજીક કે ગુંડામવાલી કે જોખમી હોતાં નથી પણ પોતાની જાતીય કુટેવો અંગે લાચાર હોય છે. જો થોડાઘણા લોકો તીવ્ર પ્રતીકાર કરે તો જ તેઓ અન્યો સાથે ફાવે ત્યાં આવી હરકતો કરતાં રોકાશે. કમનસીબે આ જ રીતે તેઓ અન્ય સજાતીય કે દ્વીજાતીય પાર્ટનરોને શોધી કાઢતાં હોય છે. આથી તેઓની આવી હરકતો સમ્પુર્ણપણે રોકવી શક્ય નથી.

–ડૉ. મુકુલ ચોકસી

સાઈકીઆટ્રીસ્ટ તથા સૅક્સ થૅરાપીસ્ટ ડૉ. મુકુલ ચોકસીનું મનુષ્યની સૅક્સલાઈફનાં અનેકાનેક પાસાંઓની તલસ્પર્શી છણાવટ કરતું પુસ્તક ‘જાતીય પ્રશ્નાવલી’ (પ્રકાશક : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395003 ફોન : (0261) 7431449 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવા સીદી, ગોપીપુરા, સુરત – 395003 ફોન : (0261) 7427882/7432563 પાનાં : 124, મુલ્ય : રુપીયા 90/–)માંથી લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક : DR. MUKUL CHOKSI “ANGAT CLINIC” 406, WESTERN BUSINESS PARK, OPP. S. D. JAIN SCHOOL, VESU CHAR RASTA, UNIVERCITY ROAD, SURAT–395 007.  Phone : (0261) 3473243, 3478596 Fax : (0261)  3460650 e.Mail : mukulchoksi@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 23–05–2022

2 Comments

  1. ડૉ. મુકુલ ચોકસીએ મનોવૈજ્ઞાનીક–જાતીય સારવારની જરુર હોય તેવા ૧0 પ્રશ્નોના ઉત્તરો આપવાનો સન્નીષ્ઠ પ્રયત્ન કર્યો છે. કેટલાક પ્રશ્નો અને તેના ઉતરથી નવુ જાણવાનુ મળ્યું.

    ધન્યવાદ

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s