દુ:ખીયાના બેલી – સુરતી દમ્પતી

જેઓને સાચવવાવાળું કોઈ જ નથી તેવા 30 જેટલા વડીલોની પોતાના સગા મા–બાપની જેમ ચાર વરસથી સેવા કરનાર સુરતના માનવતાવાદી દમ્પતી લતાબહેન અને ગુણવંતભાઈ વીશે આ લેખ પ્રસ્તુત છે.

દુ:ખીયાના બેલી – સુરતી દમ્પતી

–ફીરોજ ખાન

આજે ફરી એક વખત એક એવા દમ્પતીની વાત કરી રહ્યો છું કે જેમણે માનવસેવાનો ભેખ લીધો છે. દુ:ખીયાની–જરુરતમંદોની સેવા કરવાથી વધુ સારું કામ મારી નજરમાં બીજું કોઈ નથી, આવ લોકો વીષે લખતાં મને ખરેખર આનન્દ થાય છે. આવી સેવા કરનારા ઘણાય છે, અને છતાં ઘણાની વધુ જરુરત છે. દુનીયાના લગભગ દરેક ધર્મોમાં માનવતા અને માનવસેવા પર ભાર મુકવામાં આવ્યો છે. માનવસેવા અનેક પ્રકારે અને અનેક રીતે થાય છે. ગમે તે રીતે કે પ્રકારે હોય; પરન્તુ મારુ માનવું છે કે માનવસેવા કરનારા ખરેખર પ્રશંશાને પાત્ર છે. આ લેખ લખતાં મને વીશેષ ખુશી થઈ રહી છે; કારાણ કે હું સુરતનો છું અને સુરતના દમ્પતી વીશે લખી રહ્યો છું.

માનવસેવા કરનારા બે પ્રકારના હોય છે. એક, પોતાના ખર્ચે માનવસેવા કરનારા અને બીજી, સંસ્થા બનાવી સમાજ પાસેથી પૈસા| ભેગા કરી માનવસેવા કરનારા. આમ તો બન્ને વખાણવા/ધન્યવાદને લાયક છે; પરન્તુ પોતાના ખર્ચે સેવા કરનારાઓનું મહત્ત્વ વધારે છે. સુરતના આ દમ્પતીએ માનવસેવા કાર્યની શરુઆત પોતાના ખર્ચે કરી હતી. મેં ઘણા બધા લોકોને જોયા છે કે જેમણે સ્વેચ્છાથી માનવસેવાના કાર્યની શરુઆત કરી; પરન્તુ સમય જતાં એમની પોતાની નબળી આર્થીક સ્થીતી અને સમાજના સપોર્ટના અભાવે એ લોકોને એ કાર્ય બંધ કરવું પડ્યું.

દરેક ધર્મમાં દાનનો મહીમાં કરવામાં આવ્યો છે, ઈસ્લામમાં તો રમજાનના પવીત્ર માસમાં દરેક મુસ્લીમે એની ચળ અચળ સમ્પત્તી, ઘરેણાં, સોનું, ચાંદી, સેવીંગ્સ વીગેરેનો સરવાળો કરી જે રકમ બનતી હોય એના 2.5 ટકા ઝકાત ગરીબો માટે કાઢવી પડે છે. આ રીતે ભેગા થતાં કરોડો રુપીયામાંથી અનેક સ્કુલ, કૉલેજ, દવાખાનાઓ, હૉસ્પીટલો અને સેવાકાર્યો કાર્યરત છે. અનેક વીધાર્થીઓને સ્કૉલરશીપ અપાય છે. મને અન્ય ધર્મોની ખબર નથી એટલે તે ધર્મ અંગે કશું લખતો નથી.

સુરતના દમ્પતીની વાત કરું. ભાઈશ્રી ગુણવંત ઘાડીયા અને એમના પત્ની લતાબહેન ઘાડીયા વર્ષોથી સુરતમાં રહે છે. ગુણવંતભાઈ આમ તો વેપારી, હીરાઉધોગ સાથે સંકળાયેલા. હીરા ઘસવાના મશીનની પ્લેટો એટલે કે સારણોને માંજવાનું કામ કરવાનું એમનું પોતાનું કારખાનું હતું. કામકાજ સરસ ચાલી રહ્યું હતું. આ દમ્પતી અવારનવાર વૃદ્ધાશ્રમની મુલાકાત લેતા અને યથાશક્તી સહાયતા પણ કરતા. ઘણી વખત એમને વીચાર આવતો કે જો વૃદ્ધાશ્રમો ના હોત તો વડીલોને પોતાના ઘર છોડવા પડ્યા ના હોત,

એક દીવસ આ દમ્પતી એક વૃદ્ધાશ્રમની મુલાકાતે ગયા, ત્યાં એમણે એક વડીલની દર્દભરી દાસ્તાન સાંભળી અને એમણે એમના વીચારો બદલ્યા, એમને લાગ્યું કે જો વૃદ્ધાશ્રમો ના હોત તો આ વડીલો એમના અંતીમ દીવસોમાં એમના પોતાના જ લોકો દ્વારા હડધુત થઈ અપમાનીત થયા હોત. આ જ વીચારે એમની જીંદગી બદલી નાખી, 2018માં એક મકાન ભાડે રાખી શરુઆતમાં જ જરુરતમંદ વડીલોને આશ્રય આપ્યો, એ વડીલોને સાચવવાનો સમ્પુર્ણ ખર્ચ આ દમ્પતી પોતે કરતા, એક પૈસો લેતા નહીં. તેઓએ જણાવ્યું કે લોકોને જયારે આ સેવા કાર્યની ખબર પડી ત્યારે વધુ ને વધુ લોકો અમારી પાસે આવવા લાગ્યા. ટુંક સમયમાંજ વડીલોની સંખ્યા 4 થી 20 થઈ ગઈ. આજે આ દમ્પતી ‘શ્રી લોક સેવા સદ્ભાવના વૃદ્ધાશ્રમ’ના નેજા હેઠળ 30 વડીલોની સારસંભાળ રાખી રહ્યા છે. તેઓ જણાવે છે કે દર મહીને એમને લગભગ 70,000/- રુપીયાનો ખર્ચ થાય છે,

ગુણવંતભાઈએ જણાવ્યું કે હજુ તો અમે સેવાની શરુઆત કરી હતી ત્યાં કોરોના આવી પહોંચ્યો, ધંધામાં સારી એવી ખોટ ગઈ, અને અમારું કારખાનું બંધ કરવું પડ્યું. જેથી 20 વડીલોને સાચવવાનું મુશ્કેલ થઈ પડ્યું. અમે વીચાર કરતા હતા કે જે વડીલોને અમે લાવ્યા તેઓને બીજા વૃદ્ધાશ્રમોમાં શીફ્ટ કરીએ. સદ્ભાગ્યે અમારા એક હીતેચ્છુ શ્રી અરવીંદભાઈ ભંડેરી સામે ચાલીને મદદ કરવા આવ્યા. તેઓની સહાયતાના કારણે અમે ઉગરી ગયો અને અમારી સેવા ચાલું રહી. આજે પણ તેઓ સહાયતા કરે છે.

કારખાનું હજુ પણ બંધ છે. ભુતકાળમાં ખરીદેલી અમુક દુકાનોના ભાડાના પૈસા અને બે દીકરાઓના જોબમાંથી થતી આવકના કારણે આ સેવાકાર્ય ચાલે છે. અરવીંદભાઈ અને લતાબહેન આજે પણ મદદ કરી રહ્યા છે.

જો તમે આ દમ્પતીનો સમ્પર્ક કરી તેઓને યથાશક્તી મદદ કરવાની ઈચ્છતા ધરાવો છો તો સેલફોન નંબર : 99258 99043 અથવા 96015 50342 પર તેઓનો સમ્પર્ક કરી શકો છો.

સલામ છે લતાબહેન અને ગુણવંતભાઈને…

–ફીરોઝ ખાન

કેનેડાના ‘ગુજરાત ન્યુઝલાઈન’ સાપ્તાહીકમાં પ્રગટ થતી વરીષ્ઠ પત્રકાર, લેખક અને સમાજસેવક જનાબ ફીરોઝ ખાનની લોકપ્રીય કટાર ‘પર્સનાલીટી’ (તા. 22 એપ્રીલ, 2022)માંથી લેખકના અને ‘ગુજરાત ન્યુઝલાઈન’ના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : Mr. Firoz Khan, 23 Duntroon Cres. Etobicoke,  ON. M9V 2A1, CANADA સેલફોન : +1 416 473 3854 ઈ.મેલ : firozkhan42@hotmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 27–05–2022

3 Comments

  1. ” માનવસેવા કરનારા બે પ્રકારના હોય છે. એક, પોતાના ખર્ચે માનવસેવા કરનારા અને બીજી, સંસ્થા બનાવી સમાજ પાસેથી પૈસા ભેગા કરી માનવસેવા કરનારા. ”

    વ્યાવહારિક રીતે (practically) જોવા માં આવેલ છે કે સંસ્થા બનાવી ને પારકે પૈસે માનવસેવા નો ડોળ કરી ને નામ કમાવનારાઓ ખરી રીતે પોતાના અને પોતાના કુટુંબ નું ગુજરાન આ પારકે પૈસે ચલાવે છે. આવા બનાવો મેં મારી સગી આંખો એ જોયા છે.

    ખરી માનવસેવા તો એ છે કે ગાંઠ ના ગોપીચંદ ખર્ચી ને માનવ સેવા કરો અને તે પણ માનવતા અને ઈશ્વર, ગોડ, અલ્લાહ ની ખાતર, અને ન કે વાહ વાહ ની ખાતર.

    મુસ્લિમ ધર્મશાસ્ત્ર માં ઘણી જગ્યાએ કહેવામાં આવેલ છે કે માનવસેવા એ આજીવિકા થી કરો જે તમને તમારા પરમેશ્વર, ગોડ, અલ્લાહે આપેલ છે ( પારકે પૈસે નહિ ).

    Liked by 1 person

  2. શ્રી ફીરોજ ખાને-અમારા હુરટના માનવતાવાદી દમ્પતી લતાબહેન અને ગુણવંતભાઈ પોતાની નબળી આર્થીક સ્થીતી હોવા છતા આ સેવાનો ભેખ લીધો તેની પ્રેરણાદાયી વાતે આનંદ.આ વાતે પ્રેરણા લઇ
    સેવાભાવીઓ તરફથી દાનનો પ્રવાહ વધુ વેગ પકડશે
    ધન્યવાદ

    Liked by 1 person

  3. જનાબ ફિરોઝ ખાને ” માનવ સેવા એજ પ્રભુ સેવા” છે એ વિચારને વળેલા દંપત્તિની સેવાકાર્યની સરાહનીય નોંધ લઈ સમાજ સુધી રજૂ કરી જે અભિનંદનીય છે.
    સ્વખર્ચે નિરાધારો નો આધાર બનેલાં દંપત્તિને વંદન સહ અભિનંદન. ધંધો સાવ બંધ પડેલ હોવા છતાં સેવાકાર્ય ચાલુ જ રાખ્યું છે એ જ દર્શાવે છે કે પરમેશ્વર આવા વ્યકિતને પોતાના ફરિશ્તા તરીકે પસંદ કરે છે અને તેમના પાસે સેવા કરાવી,મદદરૂપ થઈ નિરાધારોના બેલી બને છે.
    વંદનીય લતાબેન અને ગુણવંતભાઈનાં મૂલ્યનિષ્ઠ જીવનને પ્રભુ તંદુરસ્ત અને પ્રફુલ્લિત રાખે તેવી પ્રાર્થના સહ પ્રણામ. 🙏🙏🙏

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s