શું કોઈ વીચીત્ર કે વીકૃત માણસના ભેજાની કમાલે માણસને ઉંચ–નીચના વાડામાં ગોઠવ્યો હશે? શું વગર વીચારે કેટલાક લોકોએ આભડછેટને ધર્મ સાથે જોડ્યું? શું ધર્મ સાથે કોઈ ચીજ જોડાય પછી માણસ પોતાનું મગજ વાપરવાનું સદંતર બંધ કરી દે છે?
સૌથી પહેલો માણસ કોઈ જાતી સાથે જન્મેલો?
–મિતલ પટેલ
‘એ આવો બા..’ કહીને જેઠાકાકાએ મીઠો આવકારો આપ્યો. મેં મજાકમાં કહ્યું, ‘ભમરાજીના ઘેર તમે અમને આવકારો. તમારા ઘેર બોલાવો તો ખરા?’
‘તે આવો ને બેન, અમારે તમારા જેમ ચાં મેડીઓ સે. મોંગી–ભીખીને લાયેલી હાડીઓમાંથી બનાયેલા સાપરામોં પડ્યા સીએ. તમારા જેવા અમારા ઘેર પધારે એવું ભાગ અમારું ચોથી?’
ભાગ્યની વાત સાંભળીને ગમ્યું નહીં. મેં એમને કહ્યું, ‘કાકા ભાગ્યની વાતને હું કાંઈ બહુ માનુ નહીં. મને તો બાવડાના બળ પર વધારે ભરોસો અને આ ભાગ્યને ચમકાવવાની ચાવી અમારી પાસે છે તમારે એ જોઈતી હોય તો ક્યો?”
‘તે એવી સાવીઓ જડે તો અમને હૌને દેતા જજો બેન અમને ઈનો ખપ ઘણો સે…’ એવું કહેતા ભમરાજી એમના આંગણામાંથી બહાર નીકળી અમારી સામે આવ્યા.
મે કહ્યું, ‘ચાવી તો તમારા જેવા બધાયને અમારે દેવી છે; પણ એ ચાવી કાંઈ બધાને છાજે નહીં? જે માણસને પોતાનામાં વીશ્વાસ હોય, જેની કાંઈક કરી શકવાની ઘગશ હોય એવાને જ એ ચાવી છાજે’
સાંભળીને જેઠાકાકા અને ભમરાજી બેય હસ્યા.. અને આ મધુર હાસ્ય સાથે જ અમે ભમરાજીના આંગણામાં પ્રવેશ્યા. ભમરાજીએ આંગણામાં સરસ મજાના લીમડા વર્ષો પહેલાં ઉગાડેલા જે આજે ઘટાદાર થઈ ગયેલા. જેની નીચે પાંચેક ખાટલા ઢાળેલા હતા. એમાંથી કેટલાક પર ગામના કેટલાક આગેવાનો બેઠા હતા. મુળ રાંટીલામાં વસતા વીચરતી જાતીના ચૌદ પરીવારોને અમારા પ્રયત્નોથી ગામમાં રહેણાંક અર્થે પ્લોટ ફળવાયા હતા; પણ એ પ્લોટ પર કેટલાક લોકોએ પોતાનો કબજા કરેલો એટલે સરકારી ચોપડે મળેલા પ્લોટનો ખરેખર કબજો આ પરીવારોને મળેલો નહીં. એટલે ગામના આગેવાનો સાથે બેઠક કરાવવાનું અમે ભમરાજીને કહી રાખેલું. જેથી એમની સાથે આ મુદ્દે વાત થાય. તે એ આગેવાનો પણ આવીને ખાટલે બેઠેલા. અમે સૌને રામ રામ કર્યા અને એમણે ખાટલામાં બેસવા અમારા માટે જગ્યા કરી. અમે ખાટલામાં ગોઠવાયા; પણ અમારી સાથે આવેલા જેઠાકાકા ખાટલામાં બેઠાં નહીં. એ અમારી બાજુમાં કોઈ અડકે નહીં એમ જરા છેટા ઉભા રહ્યા. મેં ખાટલાંમાં જગ્યા કરી એમને બેસવા કહ્યું; પણ કાકાએ ના પાડી. મેં વધુ આગ્રહ કર્યો અને જગ્યા છે એવું ભાર પુર્વક કહ્યું ત્યારે ભમરાજી બોલ્યા; ‘ઈમનાથી ખાટલે ના બેહાય.’
હું આગળ કશું પુછું એ પહેલાં જ તેઓ પોતાના આંગણામાંથી એક કોથળો લઈ આવ્યા અને અમે જ્યાં બેઠા હતા ત્યાં વચ્ચોવચ્ચ કોથળો પાથર્યો. કાકા એ કોથળા પર ગોઠવાયા.
જેઠાકાકા ભરથરી સમુદાયમાં જન્મેલા. તેમના બાપા ને દાદા બધાય રાવણહથ્થો વગાડીને ગુજારો કરતા. શીક્ષણ અને ફદીયા બેયના અભાવે જેઠાકાકા પણ બાપીકા ધંધામાં જ આગળ વધ્યા. રોજ સવાર પડે ને નક્કી કરેલા ગામોમાં ખભે રાવણહથ્થો લઈને કાકા હાલરડાં અને ભજનો સંભળાવવા નીકળી પડતાં. બદલામાં સાડીઓ અને અનાજ એમને મળતા જેને ખપ પુરતું પોતાની પાસે રાખી બાકીનું તેઓ વેચી દેતા અને એમાંથી શાકભાજી અને અન્ય જરુરી ચીજો ખરીદી જીવન ગુજારો કરતા. ભરથરીને રાજા ભરથરીના વંશજ હોવાનું સૌ કહે. જેઠાકાકા કોથળા પર બેઠા ત્યાં સુધીમાં મારું મન તેમના ઈતીહાસમાં આંટો મારી આવ્યું.
ગામના આગેવાનો સાથે વીચરતી જાતીઓને ફાળવાયેલી જમીન ખુલ્લી કરાવવા અંગે વાત કરી રહ્યા હતા, ત્યાં ભમરાજી ઘરમાંથી ચાની કીટલી લઈને આવ્યા. અમારા બધાના હાથમાં તેમણે એ વીસ્તારની પરમ્પરા પ્રમાણે સ્ટીલના વાટકા પકડાવ્યા અને એમાં એમણે ચા આપવાનું શરુ કર્યું. ખાટલામાં બેઠેલા તમામને ચા આપી દીધા પછી એ જેઠાકાકા તરફ વળ્યા. કાકાએ હમ્મેશાં એમના ખભે રહેતી લાંબી થેલીમાંથી વાટકો કાઢ્યો અને ભમરાજીએ એમને એમાં ચા આપી. ભમરાજીના હાથમાં વાટકો હતો; પણ એ વાટકો એમણે જેઠાકાકાને આપ્યો નહીં. જોઈને અજુગતું લાગ્યું. ભરથરી સમાજ સાથે આભાડછેટ? પાછું આભડછેટ રાખનાર અન્યોની તો મારે વાત નથી કરવી પણ વીચરતી જાતીઓ જ આ સમાજ સાથે આભડછેટ રાખે? માનવામાં આવતું નહોતું. વળી પાછું ખાટલામાં બેસવાની જગ્યા હતી; છતાં ભમરાજી જેઠાકાકાથી દુર નીચે જમીન પર જ બેઠા. મુળ તો ગામના આગેવાનો જે ઉંચી જાતીના હતા તેમની સામે ખાટલાં માથે બેસાય નહીં એવું ભમરાજી માને એટલે.
વ્યક્તીગત રીતે મને કોઈ માણસને એની જાતીના આધારે ઉંચો કે નીચો માનવામાં આવે એ વાત જ યોગ્ય લાગતી નથી. આભડછેટ કહીએ કે અસ્પૃશ્યતા એ માનવજાતનું કલંક છે. પૃથ્વી પર જન્મનાર પહેલો માણસ કોઈ જાતી સાથે નહોતો જન્મ્યો; પણ કાળક્રમે કોઈ વીચીત્ર કે વીકૃત માણસના ભેજાની કમાલે માણસને એના કાર્યોના આધારે ઉંચ–નીચના વાડામાં ગોઠવ્યો. અને પછી વગર વીચારે આપણા જ કેટલાક લોકોએ એને ધર્મ સાથે જોડ્યું અને ધર્મ સાથે કોઈ ચીજ જોડાય પછી માણસ પોતાનું મગજ વાપરવાનું સદંતર બંધ કરી દે છે. આપણે એના કેટલાય જીવતા જાગતા દાખલાય જોયા છે. જેમ કે ગણપતી દુધ પીતા હોવાની વાત સાંભળીને લાખો લોકો દુધ લઈને ગણપતી મન્દીર આગળ લાઈનોમાં ઉભા રહી ગયેલા…
આ બધા મનોમંથન વચ્ચે અમે ગામમાં આ પરીવારોને ફાળવાયેલા પ્લોટની જગ્યા આ જ પરીવારોને ઝટ સોંપાય તે માટે યોગ્ય કરવાની વાત કરી. એ પછી થોડી આડી અવળી વાત કરી એ લોકો નીકળ્યા અને એમની પાછળ અમે પણ ઉભા થયા. અમને ઝાંપા સુધી વળાવવા ભમરાજી અને જેઠાકાકા બેય આવ્યા. એમના આંગણામાંથી બહાર નીકળતા હતા ત્યાં ભમરાજીએ કહ્યું, ‘બેન પેલી સાવી તો બતાડો?’
‘એ બતાવીશ પણ એ પહેલાં મને એક જવાબ આપો…’
‘શેનો જવાબ?’ ‘તમે ખાટલા માથે કેમ બેઠાં નહીં?’
‘ગોમના મોટા લોકો ખાટલે બેઠાં હોય તાણે અમારે આમાન્યા જાળવવી પડે’
‘ખાટલા પર ન બેસીને જ આમાન્યા જળવાય? આ તો પેલી વહુ જેવું થયું. વહુને આમાન્યા જાળવવા સાસરીવાળા ઘુંઘટ કઢાવે અને એ વહુ ઘુંઘટમાં સાસુ–સસરાને બેફામ ગાળો ભાંડે! આવી આમાન્યા જાળવીને કોઈ ફાયદો ખરો? વ્યક્તીગત રીતે તમને આ રીતે નીચે બેસવું ગમે ખરું? મનમાં એમ તો થાય ને કે હુંયે આમની જેમ મુછો પર તાવ દેતો એમની હારે બેસું?”
ભમરાજી મારી વાત સાંભળીને હસ્યા અને પછી કહ્યું, ‘બેન આપણો અવતાર જ બળ્યો.’
અવતાર બળ્યો નથી. ગામલોકો તમારી સાથે જે રીતે વર્તે એ રીતે તમારે કોઈ બીજા સાથે શું કામ વર્તવું? એમના વ્યવહારથી તમને તકલીફ થાય છે તો તમારા વ્યવહારથી બીજાને તકલીફ થાય કે નહીં? એ આપણે વીચારતા નથી. જેઠાકાકા સાથે તમે જે વ્યવહાર કર્યો એ મને જરાય ગમ્યો નથી. તમે ગવારીયા જેઠાકાકા કરતાં ઉંચા ક્યારથી થઈ ગયા? કુદરતે માની કુખે બધાને માણસ તરીકે જન્માવ્યા. આપણે એમાં જાતીનું લટકણ ભેળવ્યું. હું પટેલ છું તો મારેય તમારી હારે બીજા વર્તે એવું વર્તવું પડે ને? હું એવું વર્તું તો તમને ગમે?’
‘તમે એવું ના કરો બેન.. તમારો ગુણ જુદો સે…’
‘મારો ગુણ જુદો ને તમારો નહીં? મારી સાથે રહીને તમે તમારો આવો ગુણ નહીં પણ દુર્ગુણ ભુલો; નહીં તો વાંક મારો એવું મને લાગે અને સેવા કરવાનો મને કોઈ અધીકાર નથી એવુંયે મને લાગે’ મારી વાતનો કોઈ ઉત્તર ભમરાજીએ વાળ્યો નહીં. મેં આગળ કહ્યું, ‘તમે હમ્મેશાં હું તમારી શું આગતા–સાગતાં કરું, તમને શું આલું એવું કહેતા હોવ છો ને તે આજે મારે તમારી પાસે કશુંક માંગવું છે આપશો?’
‘મારા ગજાનું માંગજો બેન, જીવ કેશો તોય કાઢીને આલી દઈશ.’
મે હસીને કહ્યું, ‘મારે જીવ નથી જોઈતો પણ જેઠાકાકા સાથે હવે આવો આભડછેટ તમે તો નહીં જ પાળો. એમને માણસ તરીકે જાશો. બોલો મારા માટે આટલું કરી શકશો?’
ભમરાજી એ કહ્યું, ‘હોવે જાવ વચન આલ્યું.’ સાંભળીને ‘ગમ્યું’ એવું હું બોલી. સાચું કહું તો આટલું ઝટ એમનું માનસ બદલાશે એવું મેં માન્યું નહોતું; પણ બદલાયું અને એનું વચનેય મળ્યું હતું.
જેઠાકાકા પણ આ વાતથી રાજી થયા. જો કે એમણે શબ્દોમાં આ વ્યક્ત ન કર્યું; પણ એમના મોંઢા પરના સ્મીતથી ખ્યાલ આવ્યો કે એ રાજી થયા છે. મેં જેઠાકાકા અને ભમરાજી બેય સામે જાઈને કહ્યું, ‘તમે પેલી ચાવી તો ભુલી ગ્યા..’
‘આ માળુ વાતોમોં રઈજ જ્યું.’
‘બોલો ચાણ આલો સો ચાવી…’ એટલું બોલી ભમરાજી મરક મરક હસ્યા…
‘લોકો પાસે માંગવા ભીખવાનું બંધ કરી, જેમાં તમને વીશ્વાસ આવે એવા સ્વતન્ત્ર વ્યવસાયો કરવાનું શરુ કરો. એ મારી ચાવી’
“ઓહોહો… ધંધા કરવાના વીચાર તો ધૈઈક આવે પણ ઈના માટે ફદીયા ચોથી લાબ્બા?
ભમરાજીની વાત સાચી હતી. આ જાતીમાં હજારપતીએ પાકેલા જોયા નહોતા ત્યાં આમને ધંધા માટે મદદ કરે એવા વીરલા તો ક્યાંથી શોધવા? બેંકો આવા પરીવારોને ધંધા માટે લોન આપતા હોવાનું સાંભળેલું, સરકારની બેંકેબલ યોજના આવા જ પરીવારો માટે બનેલી. એટલે આ દીશામાં તપાસ કરવાનું નક્કી કરી હું રાંટીલાથી નીકળી…
–મિતલ પટેલ
‘ગુજરાત ગાર્ડિયન’ દૈનીકમાં દર મંગળવારે (18 જાન્યુઆરી, 2022) પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘વીચરતી જાતી’માંથી લેખીકાના અને ‘ગુજરાત ગાર્ડિયન’ના સૌજન્યથી સાભાર…
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@yahoo.co.in
પોસ્ટ કર્યા તારીખ : 30–05–2022
Analytical and appropriate article … I respect the author for an effort to promote awareness … and this is the real perception of GOD!
LikeLiked by 1 person
શ્રી મિતલ પટેલની વાત સાંપ્રત સમયે નવાઇ જેવી લાગે કે આવો ભેદભાવ પણ હોઇ શકે! તો બીજી તરફ વિશ્વમા બધા જ સમાજમા આવા ભેદભાવ જોવા મળે છે! કહેવાતા પ્રગતિશીલ સમાજમા પણ કોઇ ચામડીના રંગથી,કોઇ આતંકવાદ વિચાર શ્રેણી અને ઉદારતા મતવાદી , તો કોઇ માઓવાદી વિચારશ્રેણી અને તેમા ન માનનારા અને કહેવાતા બુધ્ધિશાળી અને શ્રધ્ધાથી જીવનારા સામાન્ય તો જુદી જુદી પોલીટીકલ પાર્ટીઓ પોતાની જ વિચારશ્રેણી અંગે યુધ્ધમા પણ ઉતરે ત્યારે બધા જ ધર્મોનો સાર પ્રેમ, ઇશ્કે હકિકિ અને અનકંડીશનલ લવ છે.
LikeLike
I liked the word, Shri Gandhi wrote..” appropriate “…subject. ABHIVYAKTI is created for such subjevts.
Very much related to this story or reality, is a book written by Swami Sachhidanandji “, ADHOGATI NU MUL VARNAVYAVASTHA” And that has proved right. Congratulations to Mital Patel for this excellent presentation.
LikeLiked by 1 person
કોઈ કોઈ લોકો કહે છે કે ભેદભાવ તો બધે જ હોય છે, માત્ર આપણા ભારતમાં જ નહીં. ભલા માણસ ભારતમાં જે ભેદભાવ છે એવો તો ક્યાંય કદાચ નહીં હોય. એક માણસ બીજા માણસને અડી જાય તો પાપ લાગે, પણ કુતરાં-બીલાડાંને અડવામાં વાંધો નહીં. વળી આ ઉંચનીચના ખ્યાલને ધર્મ સાથે તો મને નથી લાગતું કે કોઈ બીજા દેશમાં જોડી દેવામાં આવ્યો હોય. ગાંધીજી જેવાએ પણ આભડછેટને હીન્દુ ધર્મનું કલંક કહ્યું,પણ જ્ઞાતીપ્રથાને હીન્દુ ધર્મનો પાયો જણાવેલો. એ મારા મગજમાં તો ઉતરતું નથી. મારી દૃષ્ટીએ તો માત્ર આભડછેટ જ નહીં જ્ઞાતીપ્રથા હીન્દુ ધર્મનું કલંક છે.
LikeLiked by 1 person