વઢવાણમાં બેઠાબેઠા દીલ્હીના વડાપ્રધાનના પુત્રના અવસાનની આગાહી કરી શકે છે તે પશુપાલક યુવાનના ખુનની વાત કરવા વખતે નમાલો, બીચારો અને બાપડો બની જાય, એનાથી વધુ મોટી કરુણતા પાઠક માટે બીજી શું હોઈ શકે?
તરકટી અને બનાવટી –
ઠગવીદ્યા ભરેલી આગાહી!
–જમનાદાસ કોટેચા
‘ચમત્કાર કે ફરેબ!’ (1981) પ્રગટ થયા પછી મને મળેલા કેટલાય અભીપ્રાયોમાં અને મળેલા અભીનન્દન પત્રોમાં ‘પાઠકને ખુલ્લા પાડ્યા તે સારું કર્યું’ એવો સુર નીકળે છે : અમદાવાદના એક દૈનીકના તન્ત્રીની ઑફીસમાં તો એક ભાઈએ ભાવાવેશમાં આવી જઈને મારા બન્ને હાથ પકડી લઈ ચુમી લઈ અભીનન્દન આપતા મને કહ્યું : “પાઠકને તમે બરાબરનો પાઠ ભણાવ્યો; પણ શું થાય? (તન્ત્રી તરફ નજર ફેરવીને) આવા માણસો જ તેની બોગસ અને તરકટી જાહેરખબરો છાપીને તેને ચડાવી મારે છે, ત્યાં આપણી મહેનત એળે જાય એમાં નવાઈ શું?” આટલું કહી આ ભાઈ હસ્યા – જ્યારે તન્ત્રી મહાશયે થોડી શરમ અનુભવતા નીચી નજરે જરાતરા મલકી લીધું.
મને કેટલાય પત્રો મળતા હોય છે. જેમાં દુનીયાભરના જ્યોતીષીઓ વીશે લોકો જે માનતા હોય તે લખી મોકલે છે. જે માંહેની એક ફરીયાદ નીચે મુજબ છે.
વીદ્યાના ધામ ગણાતા વલ્લભવીદ્યાનગરની વીઠ્ઠલભાઈ પટેલ સાયન્સ કૉલેજના અને કરમસદમાં રહેતાં પ્રૉ. નીરંજન જે. જોષીએ મને તા. 19-03-1983ના રોજ એક પત્ર લખીને જણાવ્યું કે પાઠકે તેમને રુપીયા1440/-માં નવરાવી નાખ્યા છે! તા. 25-11-1981ના રોજ નીરંજનભાઈએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાની અમદાવાદ શાખા ઉપર કે. એચ. પાઠકની તરફેણનો એકાઉન્ટ પેઈ ડ્રાફ્ટ નમ્બર TT/A-6 150387 બીડેલ. પાઠકે નીરંજનભાઈના પુત્ર હેમંતનું લગ્ન રુપીયા 1440/-ની ફી પડાવીને 92 દીવસમાં થાય એવી આગાહી કરેલ જે ખોટી પડતાં નીરંજનભાઈએ તા. 28-05-1982ના રોજ રજી. પત્રથી પાઠકને લખ્યું કે, તમારી આગાહી ખોટી પડતાં વહેવાર મુજબ મને મારા રુપીયા 1440/- પાછા મોકલશો. વીકલ્પે મારે આગળ તજવીજ કરવી પડશે તો તેની સઘળી જવાબદારી તમારે શીરે રહેશે.
પાઠકજીએ રજી. પત્રનો રજી. પત્રથી જવાબ તા. 1-06-1982ના દીવસે આપ્યો : ‘કામ ન થાય તો પૈસા પાછાની અમારી કોઈ લેખીત બાંહેધરી તમારી પાસે હોય તો આપ વીનાસંકોચે રકમ પાછી લઈ જવા હકદાર છો અને કોર્ટ મારફત પણ આપ હકદાર છો. તે તજવીજમાં આપ નીષ્ફળ સાબીત થશો તો અમારી પ્રતીષ્ઠા અને ધંધાને જે નુકશાન થશે તેની સઘળી જવાબદારી આપની રહેશે તેની નોંધ લેશો.’
પાઠકજી પોતાના પ્રચાર સાહીત્યમાં લખે છે કે , “ફળ પ્રાપ્ત થવું તે ઈશ્વરને આધીન છે. આગાહી ખોટી પડે તો અમે પૈસા પાછા આપતા નથી.’
પોતાની આવી કીલ્લેબંધી અને સલામત વ્યુહને કારણે પાઠકજી આવું ઠાઠથી લખી શકે છે. ‘દુનીયા ઝુકતી હે ઝુકાનેવાલા ચાહીએ’ – ઝુકનારા એવા પ્રૉફેસર કક્ષાના માણસોનો જ્યાં આપણા દેશમાં તુટો નથી ત્યાં ઝુકાવનાર પાઠકને આપણે શું દોષ દેવા બેસીશું? પણ… હા… ‘થાય તે કરી લો, કોર્ટના દ્વાર ઉઘાડા છે’ – એવું ગુમાન રાખવું ઠીક નથી; કેમ કે પડાવી લીધેલા પૈસા પચાવી જ પાડવાના છે એવી સ્પષ્ટ શરત રાખી છે, પછી શું ચીંતા? એવી ગણતરી ક્યારેક નીષ્ફળ બની જાય એ પાઠકે ભુલવું જોઈએ નહીં!
અમદાવાદના દૈનીક ‘પ્રભાત’ના રાણપુરના પ્રતીનીધી ઉપેન્દ્ર રાવલ એકવાર મારે ઘેર આવ્યા. પાઠકની લીલા વીષે વાતો થઈ. તેમના કહેવા મુજબ પાટડીના એક શીક્ષક ભાઈએ પોતાને બે પુત્રીઓ હોવા પછી ભાગ્યમાં હવે પછી જો પુત્ર હોય તો જ આગળ વધવું અથવા ઑપરેશન કરાવી લેવું – એવો નીર્ણય લીધો હતો. ત્યાં કોઈએ પાઠકનું નામ સુચવ્યું. આ ભાઈ પછી પાઠકને મળ્યા. પાઠકે સો ટકાની ખાત્રીપુર્વક બાબો આવવાની આગાહી કરવાથી આ ભાઈએ તે માટેના પ્રયત્નો આદરી દીધા! પત્ની ગર્ભવતી બની. ભાઈને હવે તો બાબા માટેની દ્રઢતા તો પાક્કી જ હતી; પરન્તુ બે બેબીઓ પછી ત્રીજી પણ બેબી જ આવી! આ ભાઈ પાઠક ઉપર રુપીયા એક લાખની નુકશાનીનો દાવો માંડવાનું વીચારતા હતા; પરન્તુ કોણ જાણે કેમ પણ પાઠકનું નામ આપ્યા વગર વઢવાણમાં અને અમદાવાદમાં ઑફીસ ધરાવતા જ્યોતીષી એવા મોઘમ ઉલ્લેખ સાથેના સમાચારો ગુજરાતના કેટલાક દૈનીકમાં છપાવીને તેમણ સંતોષ માની લીધો. ઉપેન્દ્રભાઈનું કહેવું એવું થયું કે, જો આ માણસે પાઠક ઉપર દાવો માંડ્યો હોત તો પાઠકની ઘણી અને ઘણા પ્રકારની વાતો કોર્ટમાં બહાર આવી જાત.
પાઠકજી 1960થી એટલે કે પોતાની વીસેક વરસની કુમળી વયથી જ જ્યોતીષ જોતા થઈ ગયા છે. એક જગ્યાએ તેમણ એવું લખ્યું છે કે, ‘જ્યોતીષ અંગેનું કામ નીસ્વાર્થપણે કરી રહ્યા છીએ.’ જ્યારે વલ્લભવીદ્યાનગરના નીરંજન જોષી ઉપર લખેલા પત્રમાં પાઠકજી જણાવે છે કે, “…અમારી પ્રતીષ્ઠાને અને ધંધાને નુકશાન થશે.”
બહુ જ સરળપણે સમજાય એવી વાત છે કે, નીસ્વાર્થપણે કામ કરતાં કરતાં તેઓ ધંધાને રવાડે ચડી ગયા છે! અને ધંધો પણ કેવો? કદાચ જેટલો વકરો એટલો જ નફો! ફીના રુપમાં બદલામાં કેટલી રકમનો તેઓ માલ આપે છે તે તેમણે જાહેર કર્યું નથી!
આંખમાં આંસુ સાથે કેટલીયે બહેનોએ અમને એમ જણાવ્યું છે કે, સંતાનના વીષયમાં પુછાવવા જતાં એક જ્યોતીષી મહાશય અમારા કપડાં કઢાવે છે. ટેપની ફુટપટ્ટીથી અમારા સ્તનના અને કમરના માપ લે છે. “તમે તમારા પતી સાથેનું શૈયાસુખ કેવી રીતે માણો છો?” એમ પુછીને, “જુઓ, હવે તમારા પતીને કહેજો કે, આમ નહીં પણ આમ…” એમ જણાવી અમને પતનના માર્ગે ખેંચવા પ્રયત્ન કરે છે. પતનની ગર્તામાં ગબડનાર સત્વશીલ સન્નારીઓની આવી ફરીયાદ હોય. જ્યારે પુત્ર પ્રાપ્તી માટે જ્યોતીષી પાસે હસતા મુખે પતન સ્વીકારી લેનારી મહીલા જે હોય તે મને એવું કહેવા થોડી આવવાની છે, કે મને જ્યોતીષીની કૃપાથી એટલે કે જે રીત આપણે આગળ લખી ચુક્યા એ રીતથી પુત્ર પ્રાપ્ત થયો છે. પતન પછી પુત્ર કદાચ અવતરે ત્યારે ઠગારા અને લમ્પટ જોશીને તો બે હાથમાં લાડવા મળે છે. પોતાના કહ્યા પ્રમાણે કાર્ય કરતાં પુત્ર મળ્યો એવી જાહેરખબરો કરીને બીજી કેટલીયે ભલી ભોળી નીર્દોષ મહીલાઓને ફસાવવા માટે આકર્ષી શકાય છે તેમ જ લાગ મળે તો ફસાવીને દેહને ભોગવવાનો રસાસ્વાદ પણ તે માણી શકે છે!
આ જ્યોતીષી મહાશય એટલે કોણ? એ પ્રશ્ન અસ્થાને છે. નામ લખીએ એટલે કોઈ પણ સ્ત્રી આ કાર્યમાં સહભાગી બની હોય તે સ્ત્રી જરુર પડે ત્યારે સાહેદી આપવા તૈયાર ન જ થાય! આગળ ઉપર પ્રખર મહીલા પત્રકાર શીલા ભટ્ટની વાત આવશે. મેં મીત્રોને કહ્યું : “શીલાબહેને ઉદારતાપુર્વક એ જ્યોતીષીનું નામ જાહેર ભલે કર્યું નથી; પરન્તુ તમે લોકો એક ચર્ચા સભા ગોઠવો. એ જ્યોતીષી મહાશય કોણ હોઈ શકે? એ વીષે ચર્ચા કરીને કોઈ એક નામ પસન્દ કરો! મીત્રોએ ચર્ચા કરી તો એક જ્યોતીષી ઉપર પસન્દગીનો કળશ સર્વાનુમતે ઢોળાયો. અત્યારે આપણે થોભી જઈશું. પાછળના પાનામાં વીસ્તારથી એ ચર્ચા આવશે જ; કે જેમાં જ્યોતીષીએ શીલાબહેનની સમક્ષ જ તેમના સ્તનની અને ગુપ્તાંગની વાતો કરેલી. આવા નપાવટ, નરાધમ અને લમ્પટ જ્યોતીષીઓની તો ચામડી જ ઉતરડી લેવી જોઈએ; પણ એવું કરવાની હીમ્મ્ત અને તે પણ મહીલાઓ પાસે તો ક્યાંથી જ હોય?”
ખેર! હવે પાછા પાઠકજીના નામ સાથે અને પાઠકજીની વાતો ઉપર આવી જઈએ. બીજી વાતો તો હજુ ઘણી આવ્યા કરશે.
પાઠકજી પોતાને ભારતના પ્રથમ સુવર્ણચન્દ્રક વીજેતા ગણાવે છે. દીલ્હીથી આ સુવર્ણચન્દ્રક મને મળ્યો છે, એનાથી વધુ ખુલાસો એમણે ક્યાંય અને ક્યારેય કર્યો હોય એવું જાણવામાં આવ્યું નથી. દીલ્હીની કોઈ રાજકીય વ્યક્તીએ કે સંસ્થાએ કે હોદ્દેદારે કે કઈ પ્રતીષ્ઠીત વ્યક્તીએ કે કયા અધીકારીએ, કયા અધીકારની રુએ કે માનનીય વડાપ્રધાન કે મહામહીમ રાષ્ટ્રપતીએ અને તે કયા કાર્યની કદરરુપે તેમ જ કયા સમારમ્ભમાં, કોની હાજરીમાં તે પાઠકજીએ જાહેર કર્યું નથી.
‘દીલ્હીથી તા. 5-06-1967ના રોજ મળેલો છે’ એમ કહેવાતો આ સુવર્ણચન્દ્રક ગોંડલમાં યોગીજી મહારાજ પાઠકને એનાયત કરતા હોય એવો ફોટો છે. એ સીવાય વઢવાણના મામલતદાર ઉદાણીસાહેબ પાઠકને એ જ સુવર્ણચન્દ્રક એનાયત કરતા હોય એવો બીજો પણ ફોટો છે. અચરજ થાય એવી વાત એ છે કે દીલ્હીથી જેણે આ સુવર્ણચન્દ્રક આપ્યો છે તેનું ક્યાંય નામેય નહીં, નીશાનેય નહીં અને ફોટોય નહીં!!
સુવર્ણચન્દ્રક આપનાર દીલ્હીની પાર્ટી બતાવ્યા વગર ગોંડલના યોગીજી મહારાજ અને વઢવાણના મામલતદારને માત્ર બતાવ્યા કરવા તેની પાછળ પાઠકજીની કઈ ભેદભરી ચાલ કામ કરી ગઈ હોય તેનો વીચાર વાચકોએ કરી લેવાનો રહે છે; કેમ કે પાઠકે એ જાહેર કરવાનું યોગ્ય માન્યું નથી.
લાગે છે કે વઢવાણના સોની પાસે ગાંઠના ખર્ચે ઘડાવી યોગીજી મહારાજ તથા ઉદાણીસાહેબ સહીત હજારો માણસોને પાઠકજી સીફતથી બેવકુફ બનાવી જાણ્યા છે! આ બન્ને મહાશયો પાઠકની કપટલીલામાં સામેલ હોય એ પણ એક શક્યતા તો ખરી જ. જો એમ ન હોય તો પણ અમને વાંધો નથી. હવે મોડે મોડે આટલા વર્ષે પણ પાઠકજીએ આ સુવર્ણચન્દ્રક કોણે અને કયા કાર્યની કદરરુપે કોની હાજરીમાં આપ્યો તે દસ્તાવેજી આધાર તથા પુરાવાઓ સાથે જાહેર કરવું રહ્યું! અને એ ખુલાસો તો અવશ્ય અમે માગવાના જ કે તો પછી એ વખતે તમે આ બધું શા માટે છાનું અને છપનું રાખ્યું હતું?!!!
પાઠકજી મૃત્યુની આગાહી પણ સચોટ કરી શકે છે એવો તેમનો દાવો છે.
તા. 2-07-1980ના ‘ગુજરાત સમાચાર’માં પાઠકે પ્રથમ પાના ઉપર એક જાહેરખબર છપાવી હતી, જેમાં પંચાયત મન્ત્રીશ્રી ત્રંબકભાઈ દવેએ સંજય ગાંધીના અવસાનની આગાહી સાચી પડતા અભીનન્દન આપતો પત્ર લખ્યો. તે પત્ર છપાયો હતો અને સંજય ગાંધીના અવસાનની સત્ય આગાહી કરવા બદલ ત્રંબકભાઈ આ જ્યોતીષી પાઠકજીને હારતોરા કરીને સન્માનતા હોય એવો ફોટો પણ સાથે સાથે જાહેરખબરમાં છપાયો હતો.
આ તરકટી અને બનાવટી – ઠગવીદ્યા ભરેલી આગાહીની વાત સમજવા જેવી છે.
ત્રંબકભાઈનો આ પત્ર ગાંધીનગરથી તા. 30-06-1980ના રોજ પાઠક ઉપર લખાયેલો હતો. જે પત્ર ખુબ જ વહેલો મળી જાય તો બીજે દીવસે તા. 1-07-1980ના દીવસે પાઠકને વઢવાણમાં મળે. (જુનમાં 31મી તારીખ હોતી નથી!)
હવે મારી વાત એ છે કે વઢવાણમાં આ પત્ર મળ્યા પછી પંચાયત મત્રીશ્રી પાઠકનું સન્માન કરવા માટે વઢવાણ રુબરુ ક્યારે પધાર્યા? હારતોરા ક્યારે કર્યા? પ્રસંગનો ફોટો વઢવાણમાં ક્યારે પાડ્યો? ક્યારે અને કોને એ ફોટો બ્લૉક બનાવવા આપ્યો? બ્લૉક ક્યાં બન્યો? બ્લૉક બનીને ક્યારે આવ્યો? અને પાછો એ બ્લૉક અમદાવાદમાં ‘ગુજરાત સમાચાર’ને ક્યારે મોકલ્યો? કેમ કે પત્ર તથા સન્માનના ફોટા સહીતની જાહેરખબર બીજા દીવસે ‘ગુજરાત સમાચાર’માં આવી છે.
પત્ર આજે લખાય ગાંધીનગરથી!
સન્માન બીજે દીવસે થાય વઢવાણમાં! ફોટાઓ પણ પડે! (બીજે દીવસે ત્રંબકભાઈ સન્માન કરવા અને પાઠકને હાર પહેરાવવા વઢવાણ જવાના હોય તો પછી આજે પત્ર લખવાની શી જરુર?)
ત્રીજે દીવસે પત્ર અને ફોટો છાપામાં એક સાથે છપાય!
વઢવાણના ત્રંબકલાલે વઢવાણના પાઠકના હીત માટે પોતાની ગુજરાતની જનતા પ્રત્યેની વફાદારીની સરેઆમ હરરાજી બોલાવી દીધી!
સામાન્ય વીવેકબુદ્ધીથી વીચારીએ તો ‘સંજય ગાંધીના અવસાનની આગાહી’ ગુજરાતની જનતાને ‘ઠગવા’ માટે ઉપજાવી કાઢી હોય એમ લાગે છે! છતાં આ પ્રશ્ન સમજવામાં અમારી ગેરસમજ થઈ હોય તો તે ખુલાસા દ્વારા સીદ્ધ કરી બતાવવા અમે પાઠકને તા. 15-07-1980ના રોજ રજી. પત્રથી નોટીસ આપી. ખેદ સાથે લખવું પડે છે કે ભારતના યુવારત્ન શ્રી. સંજય ગાંધીના અવસાનના દુ:ખદ અને અઘટીત બનાવનો ‘કમાણી’ કરવાના બદઈરાદાપુર્વકના હેતુસરનો ઉપયોગ કરી તથા કોઈ જ ખુલાસો ન આપી પાઠકે પોતે જ્યોતીષવીદ્યાના નામે જનતાને ઠગવા માગતા ‘ધુતારા’ હોવાની સમ્ભાવના ઉઘાડી પાડી દીધી છે.
એકવાર જોરાવરનગરના નવઘણ નામના વીસેક વરસના પશુપાલક યુવાનનું ખુન થઈ ગયું. ખુન થયા અગાઉ પોતાનું ભવીષ્ય જાણવા પાઠકજી પાસે ગયો હતો. બે મહીનામાં સારાવાના થઈને લીલાલહેર થઈ જશે એવું ભવીષ્ય પાઠકજીએ જોઈ આપ્યુ. ખુન થઈ જવું એ ‘સારાવાના’ કે ‘લીલાલહેર’ કહેવાતું હોય તો પાઠકની આગાહી આપણે ખોટી કહી શકીએ નહીં!!
વઢવાણમાં બેઠાબેઠા દીલ્હીના વડાપ્રધાનના પુત્રના અવસાનની આગાહી કરી શકે છે તે પશુપાલક યુવાનના ખુનની વાત કરવા વખતે નમાલો, બીચારો અને બાપડો બની જાય, એનાથી વધુ મોટી કરુણતા પાઠક માટે બીજી શું હોઈ શકે?
પાઠકની પાખંડલીલાનો તદ્દન નગ્ન ચીતાર મેળવવા હવે પાછા ફરીથી આપણા જાણીતા અનસુયાબહેન તરફ નજર માંડવી પડશે.
તા. 7-06-1984ના ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ’, ‘જનસત્તા’ દૈનીકો તથા ‘ચીત્રલોક’ જેવા સીને સાપ્તાહીકમાં પ્રથમ જ પાના ઉપર પાઠકની ચોંકાવનારી જાહેર ખબરો પ્રગટ થવા પામી. એ જાહેરખબરોમાં આઘાત લાગતી બીના એ હતી કે અનસુયાબહેનનો જ લખેલો એક પત્ર આખેઆખો પાઠકે છપાવ્યો હતો. છોકરા પેદા થયાની આગાહી અંગેની સાહેદી માટે આખા અમદાવાદમાં શું, આખા ગુજરાતમાં માત્ર અનસુયાબહેન ઉપર જ પાઠકની આંખ શા માટે વારેવારે પડતી હશે? એ સંશોધનનો વીષય ગણાવો જોઈએ!
જાહેખબરની થોડી પ્રાસ્તાવીક ભુમીકા સમજવી જરુરી છે. (તા. 7-06-1984)
ઉષાબહેન નામના એક બહેન છે. જેમના લગ્ન થયે 20 વર્ષ વીતી ચુક્યા છે. તેમના પતીની ટકાવારી ઓછી છે તથા ઉષાબહેન છેલ્લા નવ વર્ષથી માસીક ધર્મમાં અનીયમીત બની ચુક્યા છે. તેમને 20 વર્ષના દામ્પત્ય જીવનમાં સંતાન થવા પામેલ નહીં. એક દીવસ અચાનક અનસુયાબહેનને ઉષાબહેન ભટકાઈ પડ્યા. પાઠક વતી ‘દલાલી’ કરતાં અનસુયાબહેને ઉષાબહેનને સન્તાન માટે સાંત્વન આપીને પાઠક માટે ભલામણ કરી. ઉષાબહેન જણાવે છે કે ઘણાય ડૉક્ટરોને બતાવ્યું હતું. દરેકે સન્તાન નહીં થાય એવો અભીપ્રાય આપેલ.
અનસુયાબહેન હૈયાધારણા આપતાં બોલે છે : “ડૉક્ટરની તો ઐસી–તૈસી! ડૉક્ટરો ‘ના’ પાડે તો તેથી શું થઈ ગયું? ” – પાઠકની મુલાકાત લેવાય છે. પાઠકે કહ્યું : “આજથી 11 માસ અને 1 દીવસે ત્રણ જોડીયા સન્તાનો એટલે બે બેબીઓ અને એક બાબો થશે. બેબીઓ મરી જશે. બાબો જીવતો રહેશે.” આગાહી મુજબ ઉષાબહેનને સુવાવડ આવી. બે બેબીઓ જન્મીને મરી ગઈ. બાબો જીવતો રહ્યો. બાબાને લઈ ઉષાબહેન પરદેશ ચાલ્યા ગયા.
આ રીતે પાઠકની આગાહી સાચી પડી અને અનસુયાબહેને પાઠકની પીઠ થાબડી આવો અભીનન્દન પત્ર લખ્યો.
વાહ… વાહ… શું અફલાતુન સ્ટોરી છે.!
આવી જાહેરખબરો ગુજરાતના ધુરન્ધર અખબારોમાં પ્રગટ કરાવી તેના પ્રચારના પરીણામે પાઠકે ગુજરાતની જનતાના પાંચ દસ લાખ અવશ્ય ભેગા કરી લીધા હશે!
સત્ય સુધી પહોંચવા મેં બીજે જ દીવસે પાઠકને તથા અનસુયાબહેનને રજી. નોટીસ મોકલી. જેમાં અનસુયાબહેનને મોકલવામાં આવેલ નોટીસ નીચે મુજબ છે.
રવાના: જમનાદાસ કોટેચા
માનસ પ્રદુષણ નીવારણ કેન્દ્ર
જોરાવરનગર. તા. 8-06-84
Reg. A.D.
શ્રીમતી અનસુયાબહેન ગોપાલ કૃષ્ણ ભટ્ટ,
તા. 7-06-1984ના ‘ગુજરાત સમાચાર’ના પ્રથમ પાના ઉપર જ્યોતીષી પાઠકની જાહેરખબરમાં આપે પાઠકને લખેલ આખેઆખા પત્રનો સમાવેશ કરવામાં આવેલો છે. તે અન્વયે આપને જણાવવાનું કે જ્યોતીષીઓની આગાહી પ્રત્યેના અમારા વલણથી આપ પરીચીત હોઈ અમને ઉદ્ભવેલ શંકાનું નીવારણ થવા, ચોક્કસ નીર્ણયો લેવા તથા સ્પષ્ટ વૈચારીક ભુમીકા સુધી પહોંચવા માટે સહાયરુપ બને એવા અમારા નીચેના મુદ્દાઓના આપના ખુલાસાની અપેક્ષા છે.
- આપે સદરહું પત્ર પાઠકજીને કઈ તારીખે લખેલો? (જાહેરખબરના પત્રમાં તમે તારીખ શા માટે લખી નથી?)
- ઉષાબહેનને દરેક ડૉક્ટરોએ સન્તાન નહીં થાય એવો અભીપ્રાય આપેલ છે – તો તે દરેક ડૉક્ટરોના નામ જણાવશો.
- ઉષાબહેનની સુવાવડ ઘેર કરેલી કે દવાખાનામાં? જો દવાખાનામાં તો કયા દવાખાનામાં? જો ઘેર કરી હોય તો ત્યારે તમે ત્યાં હાજર હતા ખરા? જોડીયા ત્રણેય સન્તાનોનો જન્મ કઈ તારીખે થયો? બન્ને પુત્રીઓનું મરણ કઈ તારીખે થયું? ત્રણેય બાળકો જોડીયા એમ જન્મ્યા જ હોય એવો આધાર પુરાવો ખરો?
- પાઠકની આગાહી સાચી પડી તો અભીનન્દન પત્ર ઉષાબહેનને બદલે આપે શા માટે લખ્યો? (તમે શું પાઠકની ‘દલાલી’ કરવાની એજન્સી રાખી છે?)
- ઉષાબહેન પરદેશ ગયા તો ક્યાં અને ક્યારે ગયા? બાબાની ત્યારે ઉમ્મર કેટલી? તેમનું પરદેશનું સરનામું શું? તમે ઉષાબહેનને મળ્યા ત્યારે તે ક્યાં રહેતા હતા? તેમના પતી હાલ પરદેશમાં છે કે ભારતમાં? તેમનો વ્યવસાય શું છે?
– ઉપરના મુદ્દાઓના વીગતવાર ખુલાસા દીવસ આઠમાં લખી મોકલવા.
લી. જમનાદાસ કોટેચા
પાઠક અને અનસુયાબહેન બન્નેમાંથી કોઈએ નોટીસ સ્વીકારી નથી. મણીનગરના પોસ્ટમાસ્તર સાહેબનો તો પરત થયેલા કવર ઉપર શેરો છે કે : ‘જાણ કરવા છતાં ડીલીવરી સમયે (અનસુયાબહેન) મળતા નથી.’
અનસુયાબહેનને ઉષાબહેનની ડીલીવરીમાં રસ છે – અને પોસ્ટમેન ટપાલની ડીલીવરી કરવા આવે ત્યારે મોઢું સંતાડવામાં રસ છે!
દરેક ડૉક્ટરોએ સન્તાન ન થાય એવો અભીપ્રાય આપ્યો હોય અને તેમ છતાં પાઠકની આગાહી તારીખ સુદ્ધા સાચી પડી હોવાનું માની લઈએ તો ડૉક્ટરો માટે તે મહાન નામોશીની વાત ગણાવી જોઈએ અને પાઠક તો દેવનો દીકરો ગણાવો જોઈએ.
ડૉક્ટરોને નીચા પાડતા અનસુયાબહેનના આવા નીવેદનથી મેડીકલ સોસાયટી, ડોક્ટર્સ એસોસીએશન, આરોગ્ય ખાતા વગેરેએ તેમની સામે મોરચો કાઢી સત્ય હકીકત જાણવા બન્નેને ભીંસમાં લેવા જરુરી છે અને જાહેર અખબારોમાં જણાવેલી વાર્તા જે રીતથી અને જે ઢંગથી જણાવી છે તે રીતે સાચી ન હોય, જુઠ્ઠી અને બનાવટી તથા માત્ર લોકોના પૈસા ખંખેરી લેવા માટે જ ઘડાયેલી હોવાનું સાબીત થાય તો આ આગાહી પ્રકરણના બન્ને આરોપીઓ સામે છેતરપીંડીની ફરીયાદ દાખલ થવી જોઈએ; કેમ કે અનસુયાબહેન ખુદના કીસ્સામાં સમગ્ર ગુજરાતની જનતા સાથે કપટરમત રમીને આ બન્ને પાત્રોએ પોતાની વીશ્વાસપાત્રતા ગુમાવી દીધી છે.
અહીંથી એક જાહેર અનુરોધ કરું કે, તા. 7-06-1984ની જાહેરખબર મુજબ ઉષાબહેનને ત્રણ બાળકો જન્મ્યા તે અંગે જે કોઈ વ્યક્તી જે કાંઈ માહીતી લખશે તેની અમે કદર સાથે નોંધ લઈશું. સાચી વાત તો એ છે કે પોતાની પ્રતીષ્ઠા અને ધંધાની સલામતી ખાતર ખુદ પાઠકે જ અનસુયાબહેન પાસેથી એ જવાબો મેળવીને અખબારો દ્વારા જાહેરખબરના રુપમાં પ્રકાશીત કરવા જોઈએ.
ખેર! પાઠક શાણપણભર્યું પગલું ભરી શંકાશીલોને સન્તોષ આપવો તે પોતાની ફરજ સમજે તો તે આખરે તેના પોતાના જ ધંધાના હીતમાં ગણાશે. (ધંધા(!)નું હીત!)
હવે આ પ્રકરણ પુરું કરતાં એક ઠોસ મુદ્દા ઉપર આવીએ.
તો તા. 7-06-1984ના અખબારની જાહેરખબર મુજબ ઉષાબહેન ત્રેલડું જન્માવી ચુક્યા હતા અને ત્રેલડું જન્માવ્યા અગાઉ 11 માસ પહેલાં તેઓ પાઠકને મળ્યા હતા. તા. 7-06-1984નું ‘ગુજરાત સમાચાર’ અથવા ‘સંદેશ’ શોધી કાઢજો; કેમ કે આ જાહેરખબરમાં પાઠકને મળતાં અગાઉ (–એટલે કે 1983માં) અનસુયાબહેને પોતાનો દાખલો આપતાં જણાવેલ કે, ‘મારો બાબો આજે 11 વરસનો થયો છે’ (–એટલે કે 1972માં પેદા થયો છે).
હવેની વાત તો તેના કરતાં વધુ સાફ છે કે પોતાના તા. 3-03-1977ના પત્ર મુજબ અનસુયાબહેન બાળકની યાચના કરવા પાઠકને મળ્યા ત્યારે તેમને ઘેર ચાર વરસનો બાબો તો હતો જ!
– આ રીતે, છતા દીકરાએ 1976માં પાઠકને મળવા ટાણે પોતાને વાંઝણી ગણાવતી તેમ જ ચોરને વાદે ચણા ઉપાડતી આ ‘મા’ને તથા પુત્રના આશીર્વાદ આપતા પાઠકને ‘ચોરમંડળી’ જ ગણવી રહીને?!!
–જમનાદાસ કોટેચા
અસત્યો–ધતીંગો–ફરેબો સામે આજીવન ઝઝુમેલા સ્મરણીય જમનાદાસ કોટેચાએ જ્યોતીષીઓની આગાહીઓ વીષે લખેલ પુસ્તક ‘કપટ કુંડલી’ (પ્રકાશક : ‘માનસ પ્રદુષણ નીવારણ કેન્દ્ર’, જોરાવરનગર. ત્રીજી આવૃત્તી : 2002; પાનાં : 224 મુલ્ય : રુપીયા 100/)ના ‘કપટ કુંડલી’ : ભાગ–2નો તૃતીય લેખનાં પૃષ્ઠ ક્રમાંક : 128થી 138 ઉપરથી (આ પુસ્તક અપ્રાપ્ય છે)], લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : અફસોસ, જમનાદાસ કોટેચા (હવે આપણી વચ્ચે નથી)
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com
શ્રી જમનાદાસ કોટેચાનો -‘ તરકટી અને બનાવટી –ઠગવીદ્યા ભરેલી આગાહી!’ અંગે સ રસ માહિતી. આમેય લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે મરતા નથી .બીજી તરફ સામાન્ય લોક અજ્ઞાનતાને કારણે ઠગોની વાતમા ભેરવાઇ જતા હોય છે.આ સ્થિતીમા આવા સત્યો ઉજાગર કરી સામાન્ય પ્રજાને સતત જાગૃત કરવાની જરુર છે.
ધન્યવાદ
LikeLiked by 1 person
આમેય લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે મરતા નથી એકદમ સાચી વાત બેન.
LikeLiked by 1 person
ઝૂકતી હે દુનિયા ઝુકાને વાલા ચાહીયે
ચમત્કાર ને નમસ્કાર
જ્યોતિશિઓ ( ઊર્દુ માં નજુમી, તથા અંગ્રેજી માં Astrologer ) એ પેટ પાળવાનો એક ધંધો છે, જેમાં આ પાખંડીઓ ભોળા અને અંધશ્રધ્ધાળુઓ ને આંબા આંબલી દેખાડી ને તેમની પરસેવાની કમાણી લુંટી લે છે. આ મુંઝી રોગ ભારત અને પાકિસ્તાન ઉપરાંત ઉત્તર અમેરિકા ના દેશો માં પણ ફેલાયેલો છે, અને ત્યાં અખબારો માં તેઓની લલચામણી જાહેરાતો જોવા મળે છે. અરબ દેશો માં આવા પાખંડીઓ ની જાહેરાતો કદાપિ જોવા નહિ મળે, કારણ કે ત્યાં આવા ઘોર કૃત્ય માટે સખત સજા ની જોગવાઈ છે.
આ પાખંડીઓ ના દાવાઓ અનુસાર તેઓ પોતાની આ વિધા ( કે લુંટ માર ની તરકીબો ) દ્રારા જગત ની દરેક શમસ્યા નો ઉકેલ તેમના પાસે હોવા ના દાવો કરે છે, અને આ રીતે ભોળા અંધશ્રદ્દાળુઓ ને લુંટી લે છે.
કોઈ પણ દેશ ની સરકાર માં આ વિષે કોઈ કાયદાઓ નથી કે તેમના પર નિયંત્રણ કરી શકાય, કે તેમના આ પાખંડી ધંધા ને ગેર કાયદેસર જાહેર કરી ને તેમને સજા કરી શકાય. મુસ્લિમ ધર્મ માં તો આ ધંધા માટે સખત મના કરવા માં આવેલ છે, તેમ છતાં મુસલમાનો માં પણ આ રોગ ફેલાયેલ છે. ફક્ત અરબ દેશો માં આ ધંધા પર સંપુર્ણ પાબંદી છે.
આ મુંઝી રોગ ને રોકવા માટે મોટા પાયે ચળવળ ની જરૂરત છે.
LikeLiked by 1 person
People go for false promises given by rogues. They do not use their logic. Greed overtakes their common sense.
LikeLiked by 1 person
વઢવાણમાં બેઠાબેઠા દીલ્હીના વડાપ્રધાનના પુત્રના અવસાનની આગાહી કરી શકે છે તે પશુપાલક યુવાનના ખુનની વાત કરવા વખતે નમાલો, બીચારો અને બાપડો બની જાય, એનાથી વધુ મોટી કરુણતા પાઠક માટે બીજી શું હોઈ શકે?
અને દિકરના મોહમાં પોતાનું સર્વસ ખોઇ બેસતી સ્ત્રીની દયા તો આવે પણ એમની મુર્ખામીમાફી ને યોગ્ય તો નથી જ
પોતન ઘર પતિ છોડીને ધુતારા બાબાઓની સેવામાં દોડી જતી આવી મહિલાઓ માટે શું કહેવું???.?.
LikeLiked by 1 person