‘સાંચ બીના સુખ નાહી’ પુસ્તીકામાં ‘રામ’ અને ‘શ્રીરામ’ વચ્ચેનો તફાવત/શીક્ષણમાં સરકારી સડો/ધર્માંધતા એટલે મૃત્યુ/ધર્મ છે; માણસાઈ છે?/સાંસ્કૃતીક ફાસીઝમ : શું પહેરવું, શું ન પહેરવું? – આ લેખો સેક્યુલરીઝમને સમજવામાં ઉપયોગી છે. આશા છે કે આ વીચારદૃષ્ટી સ્વચ્છ કરતી ઉપયોગી પુસ્તીકાની ‘ઈ.બુક’ વાંચકોને ગમશે.
આ ‘ઈ.બુક’ના મંથન થકી
કેટલાંય જેલમાં જતા અટકી જશે!
–રમેશ સવાણી
“જો તોહી કર્તા વર્ણ વીચારા,
જન્મત તીન દંડ અનુસારા!
જો તુમ બ્રામ્હન બ્રામ્હની જાએ,
ઔર રાહ તુમ કાહે ન આએ?
જો તુ તુરક તુરકીની જાયા,
પેટે કાહે ન સુનત કરાયા?
જો સર્જનહારે જ તારી જાત નક્કી કરેલી હોત તો શુદ્ર, બ્રાહ્મણ, મુસલમાન ત્રણે જુદી જુદી લાકડીઓની જેમ જુદા જ જન્મ્યા હોત! અરે, જો તું જન્મથી જ શ્રેષ્ઠ બ્રાહ્મણીને પેટે જન્મેલો બ્રાહ્મણ હોય તો તું આ દુનીયામાં જનેતાની કુખને બદલે બીજે કોઈ ખાસ રસ્તેથી શા માટે ન આવ્યો? અને જો તું જન્મથી જ મુસ્લીમ સ્ત્રીને પેટે મુસલમાન જન્મ્યો હો તો પછી જનેતાના પેટમાં હતો ત્યારે જ શા માટે તારી સુન્નત કરાવી ન લીધી?” આજે, આવું કોઈ કહે તો ટ્રોલસેના/કટ્ટરવાદીઓ પાછળ પડી જાય! પરન્તુ આ તો કબીર (1440–1518)ના શબ્દો છે. કબીરે આટલા ટુંકા શબ્દોમાં સેક્યુલરીઝમ સમજાવી દીધું છે! સેક્યુલરીઝમ એટલે ધર્મનીરપેક્ષતા. પરલોકની કોઈ ‘દીવ્યશક્તી આ જગતનું સંચાલન કરતી નથી. ઈશ્વરે અગાઉથી નક્કી કરેલું કોઈ ભાવી નથી. માનવી પોતાનું ભવીષ્ય પોતાની બુદ્ધી પ્રમાણે ઘડવા શક્તીમાન છે’ – આ વીચારને સેક્યુલરીઝમ કહેવાય. યુરોપમાં બારમી સદીની શરુઆતથી રેનેસાં–પુનરુત્થાન ચળવળે દેવળની સર્વોપરીતા સામે પડકાર ફેંક્યો. આ સંઘર્ષમાંથી રાજ્ય અને દેવળના કાર્યક્ષેત્રો અલગ પડ્યાં અને ‘સેક્યુલર સ્ટેટ’નો ખ્યાલ ઉદભવ્યો. રાજકીય, આર્થીક, સીવીલ–ફોજદારી કાયદાનું પાલન, લગ્ન, કુટુંબ, કેળવણી, સ્વાથ્ય વગેરે બાબતો મનુષ્યજીવનની સેક્યુલર, ધર્મનીરપેક્ષ બાબતો ગણવામાં આવી.
સત્તાપક્ષ; સત્તા માટે ભોળા લોકોને હીન્દુરાષ્ટ્રના નશામાં ડુબેલાં રાખે છે! માની લઈએ કે ભારત હીન્દુરાષ્ટ્ર બની જાય તો ઉદ્ધાર થઈ જાય? ધર્મના આધારે રાષ્ટ્રનું નીર્માણ થાય ખરું? યુરોપમાં અનેક ખ્રીસ્તી રાજ્યો છે, આફ્રીકા અને મધ્ય–પુર્વમાં અનેક મુસ્લીમ રાજ્યો છે; તે બધાંમાં એકત્વ કેમ નથી? ધર્મના આધારે ‘રાષ્ટ્રીય એકતા’ સંભવી શકે? ધર્મથી જ રાષ્ટ્રીય એકતા ઉગી નીકળતી હોય તો પાકીસ્તાન અને બાંગલાદેશ અલગ પડ્યાં ન હોત! ધર્મ ક્યારેય એકતાનો આધાર બની શકે નહીં, ઉલટાનું એ વીખવાદ ઉભો કરે છે. ગુજરાતમાં સહજાનંદજીએ સ્વામીનારાયણ ધર્મ સ્થાપ્યો. બસો વર્ષ ન થયાં ત્યાં 15–20 ફાંટાઓ પડી ગયા છે! ભાઈચારાનો દાવો કરનારા બખેડામાં સંડોવાયા છે; કોર્ટ–પોલીસ કેસો થયા છે; જુનું મંદીર, હરીફ મંદીર વચ્ચે ખેંચાખેંચી ચાલુ છે! આવું તો દરેક ધર્મમાં જોવા મળે. ઈશ્વરશ્રદ્ધા, અવતારશ્રદ્ધા, પવીત્ર ગ્રંથો, પ્રગટબ્રહ્મસ્વરુપો હોવા છતાં શ્રદ્ધાળુઓમાં એકતા સ્થપાતી નથી! આમ ધર્મ કે સમ્પ્રદાયથી ક્યારેય માનવનીર્માણ કે રાષ્ટ્રનીર્માણ થઈ શકે નહીં. માનવનીર્માણ, રાષ્ટ્રનીર્માણનું કાર્ય સેક્યુલર વેલ્યુઝથી જ થઈ શકે; કેમ કે સેક્યુલરીઝમ સાથે [1] સહીષ્ણુતા, સ્વતન્ત્રતા, મુક્ત વીચારસરણી અને લોકશાહી જીવનપદ્ધતી, [2] આર્થીક અને સામાજીક સમાનતા, [3] સામાજીક ન્યાય, [4] માનવઆધારીત નીતીવાદ, અને [5] પ્રગતીશીલતા સંકળાયેલાં છે; અને આ મુલ્યો વીના કોઈ પરીણામ હાંસલ કરી શકાય નહીં. આ મુલ્યો ‘હીન્દુ રાષ્ટ્ર’ કે ‘ઈસ્લામીક રાષ્ટ્ર’ પાસે હોતાં નથી. એમની પાસે હોય છે : બીનલોકશાહી વ્યવહાર, વીચારસ્વાતન્ત્ર્યનો અભાવ, સામાજીક ભેદભાવો, સામાજીક અન્યાય, ઈશ્વર આધારીત નીતીવાદ, સ્થગીતતા અને કટ્ટરતા! જે અન્યાય હાલ થઈ રહ્યો છે તે તો પાછલા જન્મનાં કર્મના કારણે છે, તેમ ઠસાવનાર ધર્મ કે સમ્પ્રદાયો કઈ રીતે અન્યાય દુર કરી શકે? આમ ‘હીન્દુત્વ’ કે ‘હીન્દુ રાષ્ટ્ર’ ન્યાય અપાવી શકે નહીં. માણસને થઈ રહેલો અન્યાય એ ઐહીક બાબત છે અને તેનો ઉકેલ પણ ઐહીક જ હોય, ઈશ્વરભક્તી કે પ્રાર્થના ન હોય. સેક્યુલરીઝમ જ સામાજીક ન્યાય અપાવી શકે. સેક્યુલર દૃષ્ટીકોણવાળો મનુષ્ય બીજી વ્યક્તીઓને માત્ર મનુષ્ય તરીકે જ જુએ છે; હીન્દુ, મુસ્લીમ, ખ્રીસ્તી તરીકે નહીં.
સેક્યુલર વીચારધારા કઈ રીતે ઉપયોગી થાય? અંગત વાત કરું. ‘સાંચ બીના સુખ નાહી’ પુસ્તીકા ઓગસ્ટ, 1999માં પ્રસીદ્ધ થઈ હતી. મુમ્બઈથી પ્રકાશીત થતાં ‘સમકાલીન’ અખબારમાં 24 એપ્રીલથી 24 જુલાઈ, 1999 દરમીયાન ‘સેક્યુલરીઝમ : તુત અને તથ્ય’ શીર્ષક હેઠળ સાત લેખો પ્રસીદ્ધ થયા હતા; જેણે ઉગ્ર ચર્ચા જગાવી હતી. બાકીના લેખો નીરીક્ષક/નયામાર્ગ/વૈશ્વીક માનવવાદમાં 2000–2001માં પ્રગટ થયા હતા. જ્યારે એક લેખ– ‘ધર્મ છે; પણ માણસાઈ છે?’ ઓગસ્ટ, 2002માં પ્રગટ થયો હતો. આ બધાં લેખો ‘પેનનેઈમ’થી પ્રગટ થયા હતાં. અનુક્રમ 8થી 12ના લેખો દ્વીતીય આવૃત્તી (ઓક્ટોબર, 2002) વેળાએ પુસ્તીકામાં મુક્યા હતા. ટુંકમાં એક લેખ સીવાય બાકીના લેખો ગોધરાકાંડ (27 ફેબ્રુઆરી, 2002) પહેલાં લખાયેલ હતા. ગોધરાકાંડ વેળાએ હું અમદાવાદ શહેરમાં ઝોન–5માં DCP હતો. સેક્યુલર વીચારધારાના કારણે, મારા સુપરવીઝન હેઠળના ગોમતીપુર, રખીયાલ, બાપુનગર, ઓઢવ અને અમરાઈવાડી પોલીસ સ્ટેશન વીસ્તારમાં સામુહીક હત્યાકાંડની ઘટના ન બને તેની કાળજી લીધી હતી; જેનો મને ઉંડો સંતોષ છે! સેક્યુલર વીચાર માનવીની હત્યાઓ રોકે છે! આ વીચારધારાને આકાર આપનાર/ઘડનાર ‘સમકાલીન’, ‘નીરીક્ષક’, ‘નયામાર્ગ’ અને ‘વૈશ્વીક માનવવાદ’ સામયીકોનો; તેના તંત્રીઓનો મોટો ફાળો છે. ‘અભીવ્યક્તી’ બ્લૉગના સર્જક ગોવીંદભાઈ મારુએ ‘સાંચ બીના સુખ નાહી’ પુસ્તીકાને ‘ઈ.બુક’માં ઢાળીને વાંચકોને વીના મુલ્યે વહેંચી છે; તેથી ખાતરી છે કે સેક્યુલર વીચારના પ્રસારના કારણે માનવીઓની હત્યાઓ રોકાશે! સેક્યુલરીઝમ આપણને ધર્મ, સમ્પ્રદાય, પંથ અને જ્ઞાતીના સંકુચીત વર્તુળમાંથી બહાર કાઢે છે!
✳
‘સાંચ બીના સુખ નાહી’ ઈ.બુક ડાઉનલોડ કરવા માટે સ્રોત : https://govindmaru.files.wordpress.com/2022/06/ebook_61_-ramesh_savani_saanch_binaa_sukh_naahi_2022-06-10.pdf
✳
સવાલ એ છે કે ધર્મએ રાજ્યમાં માથું મારવું ન જોઈએ, તેવા સેક્યુલર વીચારનો જન્મ શા માટે થયો? સેક્યુલર વ્યવસ્થાની હીમાયત કરવાની જરુર કેમ પડી? કોઈ પણ ધર્મ; સ્થાપના સમયે ક્રાંતીકારી હોય છે, સમાજ ઉપયોગી હોય છે; પરન્તુ સમય જતાં ધર્મમાં રુઢીચુસ્તતા/જડતા/ કટ્ટરતા/કર્મકાંડ/અન્ધશ્રદ્ધાઓનું વર્ચસ્વ સ્થપાઈ જાય છે; સ્થાપીતહીતોનું વર્ચસ્વ ઉભું થાય છે! દુનીયાના દરેક ધર્મની બાબતમાં આવું બન્યું છે. ધર્મ પાસેથી સ્વર્ગ/નરક/પરલોકની કલ્પના છીનવી લો તો તેનો દંભ ખુલ્લો પડી જાય! ‘સેક્યુલર સ્ટેટ’ પરલોકની ચીંતા કરવાને બદલે આ લોકની ચીંતા કરે છે. સેક્યુલર એટલે ઐહીક. આપણા રાજકીય પક્ષોએ પોતપોતાને અનુકુળ આવે તેવી સેક્યુલરીઝમની વ્યાખ્યા કરી છે. એક પક્ષ બીજાને સ્યુડો સેક્યુલર કહે છે. જગત માયા નથી પરન્તુ પરલોક માયા છે. ધાર્મીક શ્રદ્ધાઓ માયા છે, તેથી તેમાં પડવાનું ન હોય. સત્તાપક્ષે સેક્યુલરીઝમ સામે ‘હીન્દુત્વ’નો વીચાર મુક્યો છે. ‘હીન્દુત્વ’ એટલે શું? વીરોધાભાસનો સમુહ. આર્યસમાજ મુર્તીપુજામાં, અવતારવાદમાં માનતો નથી. કોઈ જ્ઞાનની ગાદીમાં માને છે, તો કોઈ જન્મની ગાદીમાં માને છે. કોઈ નીરાકારમાં માને છે તો કોઈ આકારમાં માને છે. કોઈ દ્વૈતમાં માને છે તો કોઈ અદ્વૈતમાં માને છે. કોઈ ભગવાં વસ્ત્રોમાં માને છે તો કોઈ વસ્ત્રવીહીન દશામાં માને છે. આમાં એકતા કઈ રીતે શક્ય બને? ‘વૈદીક હીન્દુત્વ’ મુર્તીપુજા, અવતારવાદનો વીરોધ કરે છે, જ્યારે ‘પૌરાણીક હીન્દુત્વ’ અવતારવાદ અને મુર્તીપુજા ઉપર જ આધારીત છે. હીન્દુ સંસ્કૃતી ઐહીક જીવનને નાશવંત માનીને તેની ઉપેક્ષા કરે છે. ઐહીક જીવન કરતાં પરલોક જીવન વધુ ઈચ્છવાયોગ્ય છે; તેમ માનનાર ‘હીન્દુ ધર્મ’ ગરીબી દુર કરી શકે નહીં. ‘સેક્યુલર સ્ટેટ’ ગરીબીને દુર કરવા વીજ્ઞાન અને ટેક્નોલૉજીનો ઉપયોગ કરે છે. જ્યારે ધર્મવાદીઓ મંદીર/મસ્જીદ નીર્માણમાં કલ્યાણ જુએ છે! મુલ્લાઓ કે મોરારીબાપુઓની કથાઓમાં પાંચ લાખ માણસોએ ભેગા થવું ન જોઈએ; તેમ રાજ્ય કહે તો તે સેક્યુલર કહેવાય. રથયાત્રા અને તાજીયાના ઘોંઘાટ, પ્રદુષણ ફેલાવતાં જુલુસો કાઢવાની ના પાડે; તો સેક્યુલર હેવાય. જે દેશમાં મોટાભાગના લોકોને બે ટંક જમવાનું મળતું ન હોય ત્યાં આ પ્રકારનાં ક્રીયાકાંડો ઉપર સેક્યુલર રાજ્યે ત્વરીત પ્રતીબંધ મુકવા જોઈએ; પરન્તુ આપણે ત્યાં આવા ક્રીયાકાંડોને રાજ્ય તરફથી પ્રોત્સાહન આપવામાં આવે છે. ધર્મગ્રંથોમાં લખેલું છે, તેથી માથું ન મરાય એવું સેક્યુલર સ્ટેટ કહી શકે નહીં. ધર્મના આદેશો માનવગૌરવ/માનવઅધીકાર ભંગ કરનાર હોય ત્યારે સેક્યુલર સ્ટેટ મૌન ધારણ કરી શકે નહીં. વાસ્તવમાં ધર્મમાં માથું મારે તે સેક્યુલર સ્ટેટ કહેવાય!
ઈશ્વર સંસ્થાનો એક મુળભુત સીદ્ધાંત એ છે કે દેવની ઈચ્છાથી બધું થાય છે, દેવની કૃપા હોય તો બધા પ્રકારનાં દુ:ખ, સંકટ, કષ્ટ ટળી જાય છે. ઈશ્વરસંસ્થા/ધર્મસંસ્થા; ઉચ્ચ, ધનીક, સત્તાધારી વર્ગે ઉભી કરેલી છે. સત્તાધારી શોષક વર્ગ સામે શોષીત વર્ગ વીદ્રોહ ન કરે, શાંતી કાયમ રહે એટલા માટે સામાજીક વીષમતા અને સુખદુઃખની સમ્પુર્ણ જવાબદારી ભગવાનને માથે નાખી છે અને આ ભગવાનની સંકલ્પનાને શોષીત વર્ગે વાસ્તવીક માની લીધી છે! ધર્મ, શોષીત બહુજન સમાજ માટે અફીણ છે. નશામાં શોષીત વર્ગ શોષણને/દુઃખોને ચુપચાપ સહન કરે છે. ધર્મ પરમ શાંતીનો માર્ગ છે – એ સીદ્ધાંતનો અર્થ શોષક અને શોષીતો માટે અલગ અલગ છે. શોષક વર્ગને શોષણ કરતાં કરતાં શાંતી મળતી રહે છે, જ્યારે શોષીત વર્ગને શોષણ સહન કરીને શાંતી જાળવવાની છે! રથયાત્રા કાઢવાથી, રામમંદીર બાંધવાથી, ધર્મસંસદના પડકારથી વીકાસ થતો નથી; પણ જડતા વધે છે! અસહીષ્ણુતા વધે છે! ધાર્મીક લાગણીઓને ઉશ્કેરવાથી માણસ ભાન ભુલી જંગલી કૃત્યો કરે છે. માનવમુલ્યો માટે જોખમ ઉભું કરે છે. માનવગૌરવ, બંધુત્વ અને વ્યક્તીસ્વાતન્ત્ર્ય નંદવાય છે. ધાર્મીક ગ્રંથોને, ધાર્મીક લાગણીઓને મહત્ત્વ આપવામાં આવે ત્યારે કોમવાદ ઉભો થાય છે. મુળભુતવાદ ઉભો થાય છે. ભુતકાળમાં કૃષ્ણ, ઈસુ, મહમ્મદના જમાનામાં ‘રામરાજ્ય’ હતું અને હવે કળીયુગને કારણે માનવજાતને દુખો સહન કરવો પડે છે; તેથી ભુતકાળના આદર્શોને, મુલ્યોને પુનર્જીવીત કરવાં જોઈએ, તેમ મુળભુતવાદીઓ માને છે. રીલીજીયસ રીવાઈવલીઝમથી બધા પ્રશ્નોનો ઉકેલ આવી જશે તેમ શ્રદ્ધાળુઓ માને છે. ‘હીન્દુત્વ’/‘સાંસ્કૃતીક રાષ્ટ્રવાદ’ એ ‘રીલીજીયસ રીફોર્મીઝમ’ કહેવાય. ધાર્મીક પુનરુત્થાનનો કોઈ અર્થ નથી; મડદાની હજામત ન હોય, તેને તો બાળી નાખવાનું હોય! વાસ્તવમાં ઐહીકતાને પ્રાધાન્ય આપવામાં આવે તો જ માનવજાતનાં દુ:ખો ઓછાં થાય. એવી કઈ બાબતો છે, જેના ઉપર સેક્યુલરીઝમની ઈમારત ટકી શકે? : [1] રૅશનાલીઝમ, વૈજ્ઞાનીક અભીગમ. [2] પરલોક કે દીવ્યતાનો નકાર, ઐહીકતા જ સર્વોપરી. [3] કોઈ પણ તાત્ત્વીક વાદની સ્થાપના સીવાય માનવલક્ષી ચીંતન. [4] સંદીગ્ધ નહીં; પણ સ્પષ્ટ પ્રતીપાદન કે અભીવ્યક્તી. [5] સ્થગીતતા નહીં; પણ પ્રગતીશીલતા. [6] ઈશ્વરશાહી, ધર્મશાહી નહીં, માનવઅધીકારો સાથેની લોકશાહી. [7] વીવીધતાનો સ્વીકાર અને સહીષ્ણુતા, અપીલ ટુ રીઝન, અપીલ ટુ ઈમોશન નહીં… 2014થી 2022 સુધીમાં દેશમાં બનેલી ઘટનાઓ ઉપરથી કહી શકાય કે સેક્યુલરીઝમ સામેના પડકારો અનેક છે : [1] કોમવાદ, [2] ગુઢવાદ, [3] અસહીષ્ણુતા, ઝનુન, [4] અબૌદ્ધીકતા, [5] લાગણીઓની ઉશ્કેરણી, [6] સંદીગ્ધતાવાદ, ડબલ થીંક, [7] સ્થગીતતાવાદ, મુળભુતવાદ, [8] માનવવીરોધી વલણ, બીનલોકશાહી વલણ, [9] અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યનો વીરોધ.
આપણી લોકશાહી વ્યવસ્થા ગંભીર રોગનો ભોગ બની છે. સંવેદનશીલ વ્યક્તી હતાશા અનુભવે એવું વાતાવરણ ઉભું થયું છે. ચારે બાજુ ઈશ્વરવાદી, સાંપ્રદાયીક, સર્વસત્તાધીશો, આપખુદ પ્રથાઓ પથરાયેલી હોય તેવા સંજોગોમાં લોકશાહી ટકી શકે નહીં. લોકોમાં લોકશાહી મીજાજ નથી, સામંતવાદી રુઢીઓ છે. સેક્યુલરીઝમ, રૅશનાલીઝમ, માનવીય ગૌરવ, સ્વતન્ત્રતા, સમાનતા અને બંધુત્વના મુલ્યો; સાંસ્કૃતીક રાષ્ટ્રવાદમાં/ ‘હીન્દુત્વ’માં જોવા મળતાં નથી. માળખું ભલે લોકશાહી હોય; પરન્તુ તેના સંચાલકો, નીયન્ત્રકોના વલણ અને વર્તનમાં સેક્યુલર મુલ્યો ન હોય તો એવી લોકશાહી સ્વાંગનું, નાટકનું સ્વરુપ ધારણ કરે છે. રાજકીય માળખું લોકશાહી સ્વરુપનું હોય; પરન્તુ આર્થીક અને સામાજીક માળખું લોકશાહી ન હોય તો પણ રાજકીય લોકશાહીના સંચાલનમાં વીકૃતી પ્રવેશે છે. સામાજીક માળખામાં લોકશાહી મુલ્યો અને વલણો પ્રવર્તતાં ન હોય તો તે પાયાના લોકશાહી સંસ્કારોનો અભાવ સુચવે છે. ટુંકમાં સમાજનું એકંદર વલણ જો લોકશાહી મુલ્યોવાળું ન હોય તો તે સમાજ લોકશાહી માર્ગેથી ભ્રષ્ટ થાય. કોઈ સમાજ રાજકીય ક્ષેત્રે સ્વતન્ત્રતા અને સમાનતા ચાહે તો તે આર્થીક તથા સામાજીક ક્ષેત્રે તેની અવહેલના કરી શકે નહીં. સમાજના તમામ ક્ષેત્રમાં આવું મુલ્યસાતત્ય ત્યારે જ આવે, જ્યારે સમાજ રચતી પ્રત્યેક વ્યક્તી, સ્વાતન્ત્ર્ય તથા સમાનતાનું સમર્થન કરતાં મીજાજ અને વલણ કેળવે અને પોષે. ભારતમાં બધું ઉલટું છે. આપણે હીન્દુ છીએ, મુસ્લીમ છીએ, પરન્તુ માણસ નથી! કેમ કે આપણને ધર્મ/જરીપુરાણી સંસ્કૃતીનો બોજ ઉપાડવાનું વ્યસન થઈ ગયું છે! કુદરત બીલકુલ સેક્યુલર છે; જો તે સેક્યુલર ન હોત તો હીન્દુનું લોહી કેસરી, મુસ્લીમનું લોહી લીલું અને ખ્રીસ્તીનું લોહી સફેદ હોત! બકરી લીલા રંગની હોત અને ગાય હોત કેસરી! એક વ્યક્તી દલીતને ત્યાં અવતરી તેથી અમુક પ્રકારના અન્યાય તેના કપાળે અવશ્ય લખાઈ જાય; પરન્તુ એ જ વ્યક્તી બ્રાહ્મણ/ક્ષત્રીય/વૈશ્યને ત્યાં અવતરે તો એના ભાગ્યમાં વીશેષાધીકારો લખાઈ જાય!
સેક્યુલરીઝમ એટલે શું? સેક્યુલરીઝમ શા માટે? ક્યા ક્યા સેક્યુલર વેલ્યુઝ છે? તેના આધારસ્તંભો ક્યા ક્યા છે? સેક્યુલરીઝમ સામેના પડકારો ક્યા ક્યા છે? સેક્યુલરીઝમમાં કઈ કઈ ભેળસેળ અને વીરોધાભાસો છે? સેક્યુલરીઝમ અને લોકશાહી/સામાજીક પરીવર્તન તથા સેક્યુરીઝમ સામેની શંકાઓની ચર્ચા ‘સાંચ બીના સુખ નાહી’ પુસ્તીકામાં કરી છે. ઉપરાંત ‘રામ’ અને ‘શ્રીરામ’ વચ્ચેનો તફાવત/શીક્ષણમાં સરકારી સડો/ધર્માંધતા એટલે મૃત્યુ/ધર્મ છે; માણસાઈ છે?/સાંસ્કૃતીક ફાસીઝમ : શું પહેરવું, શું ન પહેરવું? – આ લેખો સેક્યુલરીઝમને સમજવામાં ઉપયોગી છે. સત્ય વીના સુખપ્રાપ્તી છે જ નહીં – કબીરની આ વાત સાથે સહમત થવું જ પડે. આશા છે કે આ વીચારદૃષ્ટી સ્વચ્છ કરતી ઉપયોગી પુસ્તીકાની ‘ઈ.બુક’ વાંચકોને ગમશે. ગોવીંદભાઈ મારુએ અથાક પરીશ્રમે આ પુસ્તીકાને ‘ઈ.બુક’ રુપે રજુ કરી છે; તેથી તેના મંથન થકી કેટલાંય જેલમાં જતા અટકી જશે!
‘સાંચ બિના સુખ નાહિ’ ઈ.બુકનો આવકારમાંથી, લેખકના સૌજન્યથી સાભાર…
લેખક સમ્પર્ક : શ્રી. રમેશ સવાણી, નીવૃત્ત આઈ.પી.એસ. અધીકારી સેલફોન : 99784 06070 ઈ.મેલ : rjsavani@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 10–06–2022
“આપણને ધર્મ/જરીપુરાણી સંસ્કૃતીનો બોજ ઉપાડવાનું વ્યસન થઈ ગયું છે! કુદરત બીલકુલ સેક્યુલર છે; જો તે સેક્યુલર ન હોત તો હીન્દુનું લોહી કેસરી, મુસ્લીમનું લોહી લીલું અને ખ્રીસ્તીનું લોહી સફેદ હોત! બકરી લીલા રંગની હોત અને ગાય હોત કેસરી! એક વ્યક્તી દલીતને ત્યાં અવતરી તેથી અમુક પ્રકારના અન્યાય તેના કપાળે અવશ્ય લખાઈ જાય; પરન્તુ એ જ વ્યક્તી બ્રાહ્મણ/ક્ષત્રીય/વૈશ્યને ત્યાં અવતરે તો એના ભાગ્યમાં વીશેષાધીકારો લખાઈ જાય!”
રમેશભાઈના બધા જ લેખો વાંચવા ઘણા ગમે છે. કેટલી ઉત્તમ અને સચોટ વાત ઉપર કહી છે!! આભાર રમેશભાઈનો તથા આપનો ગોવીન્દભાઈ.
LikeLiked by 1 person
saras lekh
LikeLike
સેક્યુલરીઝમને સમજવામાં ઉપયોગી લેખો અને વીચારદૃષ્ટી સ્વચ્છ કરતી ઉપયોગી પુસ્તીકાની ‘ઈ.બુક’ બદલ શ્રી ગોવીંદભાઈને ધન્યવાદ
LikeLiked by 1 person
saras lekh
LikeLike
માનનીય રમેશ ભાઈ સવાણી ,
તમારા ઈ-બુક નો સારાંશ વાંચ્યો અને ગમ્યો તમે બહુ સરસ રીતે વિશ્લેષણ કર્યું છે.
તમારી એક વાત સાથે સહમત થવું અઘરું છે કે ‘કૃષ્ણ,ઈશુ, કે મૂહમદના જમાનામાં કોઈ રાજરાજ્ય હતું’ તેવું કેમ માની શકાય !
તે સમય અને કાળમાં પણ સમાજમાં ઘણાં સ્થળોએ યુદ્ધો અને મારામારી થતી રહેતી તેમ ઇતિહાસ કહે છે.
માનવ જ્યારથી સમૂહમાં રહેવા લાગ્યો ત્યારથી વિચારોની હરીફાઈ શરૂ થઈ હોય તેવું માલૂમ પડ્યું છે.
તમારા લેખમાં નીચેનનું લખાણ નીચે લખેલ છે.
“ભૂતકાળમાં કૃષ્ણ, ઈશુ, મહમ્મદના જમાનામાં ‘રામ રાજ્ય’ હતું અને હવે કળિયુગને કારણે માનવ જાતને દુ:ખો સહન કરવા પડે છે; તેથી ભુતકાળના આદર્શને, મુલ્યોને પુનર્જીવિત કરવાં જોઈએ, તેમ મુળભુતવાદીઓ માને છે”
LikeLiked by 1 person