સ્કીઝોફેનીયા કે સ્કીઝોઈડ પર્સનાલીટી, ‘બૉર્ડરલાઈન મેન્ટલ રીટાર્ડેશન’, ‘સ્લીપ ઓર્ગેઝન્સ’ અને સ્પ્રેના ઉપયોગથી શરીરસુખ લંબાવવા અંગેના 6 પ્રશ્નોના ડૉ. મુકુલ ચોકસીએ આપેલા ઉત્તરો પ્રસ્તુત છે.
5
મારો ભાઈ ગમે તે બહાનું કાઢીને
સગાઈ કરવાની ના પાડે છે
–ડૉ. મુકુલ ચોકસી
[‘જાતીય પ્રશ્નાવલી’ – 4 માણવા માટે લીન્ક : https://govindmaru.com/2022/05/23/dr-mukul-choksi-26/ ]
પ્રશ્ન : મારો નાનો ભાઈ 26 વર્ષનો છે. અમારા કુટુંબની સળગતી સમસ્યા એ છે કે, મારો ભાઈ સગાઈ કરવાની ના પાડે છે. શું તેને સેક્સમાં રસ જ ન પડતો હશે? કે પછી કોઈક મુંઝવણમાં હશે? તે દેખાવે હેન્ડસમ છે. સારી સારી છોકરીઓના માંગા આવે છે પણ વીવેક ગમે તે બહાનું કાઢીને ટાળી દે છે. અમારે આ પરીસ્થીતીમાં શું કરવું તે સમજાતું નથી. માતા પીતા તેને સમજાવી સમજાવીને હતાશ થઈ ગયા છે. વળી ભાઈ પોતાના આ નીર્ણય પાછળનું કારણ પણ નથી જણાવતો. તે કોઈ બુરી લતમાં ફસાયો હોય એવુંય નથી. કોઈક રસ્તો બતાવશો.
ઉત્તર : લગ્ન કરવાની ના પાડતો છોકરો, આ એક એવી સમસ્યા છે કે, ઘણાં કુટુંબોએ ફેઈસ કરવી પડે છે. આના મુળમાં અનેક કારણો હોઈ શકે છે. વ્યક્તીગત, ફીલોસૉફીકલ, માનસીક, સામાજીક, શારીરીક વગેરે જાતીય કારણો પણ શકય છે. આપે પાઠવેલ વીગતો ઓછી હોવાથી કેવળ ધારણાથી ચલાવવું પડશે.
સામાન્ય રીતે પુરુષોમાં આ ઉમ્મરે તીવ્ર જાતીય ઈચ્છા હોય છે; પરન્તુ અપવાદ રુપે એ ન હોય તો માણસ લગ્નની ના પાડી શકે. સ્કીઝોફેનીયા કે સ્કીઝોઈડ પર્સનાલીટી એ એવી માનસીક સમસ્યાઓ છે, જેમાં વ્યકીત એકાકી, નીરસ અને અલાયદું જીવન જીવવા માંડે છે. તેઓ હ્યુમન રીલેશનશીપથી દુર ભાગે છે અને આત્મીયતા કે નીકટતા કેળવવી ટાળે છે. આવા લોકો લગ્નમાં રસ ન લે એ શકય છે. સ્કીઝોફેનીયામાં પાગલપણાનાં લક્ષણો દેખાય છે; પણ સ્કીઝોફેનીયા તરીકે ઓળખાતા આ પ્રકારના દર્દીઓમાં જાતીયતાના ઉન્મેષ ન દેખાય એવું બની શકે. વળી ‘બૉર્ડરલાઈન મેન્ટલ રીટાર્ડેશન’ (આછી પાતળી મંદબુદ્ધી)ના કીસ્સામાંય શક્ય છે કે, વ્યક્તી સેક્સ પ્રત્યે નીરુત્સાહી યા નીરસ હોય.
મેં એવા કીસ્સાઓ જોયા છે, જેમાં છોકરાઓ ચોક્કસ ફીલોસૉફીકલ વલણને કારણે પરણવાની ના પાડતા હોય. બ્રહ્મચર્ય અંગેનો અતીશય આગ્રહ, કોઈ ધાર્મીક માન્યતા કે બંધનનું પરીણામ યા ચોક્કસ જીવનશૈલીના નીષ્કર્ષરુપે તેઓ એકલા રહેવાનું પસંદ કરે છે. લગ્નની આખી સીસ્ટમમાં ન માનનારાય તેમની રહેણીકરણીને લીધે લગ્નજીવનથી અળગા રહેવાનું પસંદ કરે.
વળી ક્યારેક મનગમતું પાત્ર ન મેળવી શક્યાના અફસોસ રુપે કેટલાક એકલા જીવવાનું પસંદ કરે છે. તો કોઈક વળી એક જ વ્યકીતને વફાદાર રહી શકવાની પોતાની અસમર્થતાને લીધે લગ્નબંધનથી દુર રહે છે. પોતાને સારી ન થઈ શકે એવી (કેન્સર જેવી) બીમારી હોવાથી લગ્નની વાત ટાળતા યુવાનોના કીસ્સાઓ, વાર્તા, નવલકથા કે ફીલ્મોમાં વધુ આવે છે. વ્યવહારમાં ભાગ્યે જ જોવા મળે છે.
મેં એક એવો છોકરો જોયો હતો, જે પોતાની વીચીત્ર એવી માનસીક ગુંચવણોને કારણે લગ્નની વાત ટાળ્યા કરતો હતો. હતું એવું કે, એ છોકરાને સૌંદર્ય, પૈસો, હાઈટ, ભણતર, સંસ્કાર, બોલ્ડનેસ અને પ્રતીષ્ઠા બધું જ હોય એવી છોકરી સાથે જ પરણવું હતું. ધીમે ધીમે એ કન્વીન્સ થઈ ગયો કે, પોતાના જેવા કેલીબરવાળા છોકરાને આવી છોકરી મળી શકે એમ નથી. બીજી બાજુ તેનું મન પોતાની જરુરીયાતમાં કોઈ બાંધછોડ કરવા તૈયાર થતું નહોતું. આથી છેવટે તે લગ્ન ન કરવાનો નીર્ણય લઈ બેઠો.
રહી વાત જાતીય કારણોની. પોતાના કોઈ ગુપ્ત, કહી ન શકાય એવા સેક્સ પ્રોબ્લેમ્સને કારણે લગ્નની વાત ટાળનારા યુવકોય સારી એવી સંખ્યામાં હોય છે. આમાં આઘાતની વાત તો એ છે કે, આવા ઘણા ખરા યુવકો ખરેખર તો કોઈ રોગીષ્ટ હોતાં જ નથી. તેમની કહેવાતી જાતીય બીમારી એ તેમની ખોટી ધારણા જ હોય છે. એક યુવક પોતે નાનપણથી એવું માનતો આવ્યો હતો. કે, તેની ઈન્દ્રીય નાની હોવાથી તે સ્ત્રીને શરીર સુખ આપી શકે એમ નથી. આ કારણે તે લગ્નની વાત ટાળતો રહેતો હતો. પોતાની આવી માહીતી શરમજનક છે એવું માનતો હોવાથી તે કોઈની સાથે સાચા કારણની મુક્ત ચર્ચા પણ કરવા તૈયાર નહોતો; પણ છેવટે તેના જાતીય પરીક્ષણમાં બહાર આવ્યું કે, તેની ગેરમાન્યતા સીવાય તેને ખરેખર કોઈ જ જેન્યુઈન સેક્સની બીમારી નહોતી.
બીજા એક યુવકનો કીસ્સો જુઓ તેણે તેની ફ્રેન્ડ સાથે અધકચરો જાતીય વ્યવહાર કરવાનો એકાદ નીષ્ફળ પ્રયત્ન કરી જોયો હતો. પરન્તુ અણસમજ, અણઆવડત અને ગભરાટમાં તે કશું કરી શક્યો નહોતો. પરીણામે તેને એવી ધાસ્તી રહેવા માંડી કે, તે નપુંસક છે. હવે આ વાત ઘરમાં તો કોઈને કહી શકાય એવી હતી નહીં. આથી તે કારણ જણાવ્યા વગર લગ્નની ના પાડતો રહ્યો. છેવટે તબીબી પરીક્ષણ વખતે તેણે પોતાના ભુતકાળના નીષ્ફળ પ્રયત્નની વાત કહી અને જેને આધારે લેવાયેલા પોતાના આજીવન કુંવારા રહેવાના નીર્ણયની વાત કહી.
આવો જ એક અન્ય વીચીત્ર કીસ્સો યાદ આવે છે. એક છોકરો સતત લગ્નની ના જ પાડ્યા કરતો હતો. તે કશું કારણ આપતો નહોતો. છેવટે તેના માતાપીતાએ બળજબરીથી તેના વીવાહ નક્કી કરવાનો તખ્તો ગોઠવી દીધો છેક ત્યારે તેણે રહસ્ય ખોલ્યું કે તે પોતે હોમોસેકસ્યુઅલ, અર્થાત્ સજાતીય સમ્બન્ધ ધરાવનાર પુરુષ હતો અને તેને ક્યારેય કોઈ સ્ત્રી પ્રત્યે જરા જેટલીય વાસના ઉદ્ભવી નહોતી.
છોકરીઓથી શરમાતા, પોતાનો પૌરુષી આત્મવીશ્વાસ જાગ્રત ન કરી શકનાર, સેક્સને બહુ મોટી ધાડ મારવાની ચીજ સમજનારા, દબાયેલા ઓછી ઉગ્ર જાતીયવૃત્તીવાળા તથા સેક્સથી અજાણ હોવાથી ડરનારાય કેટલાક યુવકો હોય છે. જેઓ લગ્નજીવનને ટાળવાની કોશીશ કરે છે. પોતે બહુ હસ્તમૈથુન કરીને મોટાભાગનું વીર્ય ગુમાવી દીધું છે, એવી ધડમાથા વગરની કલ્પના કરી કરીને દુઃખી થનારા અને અપરાધભાવથી દબાઈ જનારા યુવકોય હોય છે. જેઓ લગ્નથી બચવા કોશીશો કર્યા કરે છે. હકીકતમાં ઉપરના ઘણા પ્રસંગોમાં છોકરાઓ લગ્ન પછી સરળ અને સ્વસ્થ થઈ જતાં જોવા મળે છે. પોતાના મોટી ઉમ્મરના પરીણીત મીત્રો પાસેથી તેમનાં સેક્સ સાહસો સાંભળીને પોતાની કાબેલીયત ઉપર શંકા કરનારા કમનસીબ યુવકોય હોય છે.
આપના ભાઈના કીસ્સામાં આમાંનું કોઈ પણ કારણ હોઈ શકવાનો સંભવ છે. તે માટે પુરતી વીગતો જરુરી છે. આપ આ ઉત્તરને આધારે ભાઈ સાથે નીખાલસપણે ચર્ચા કરી શકો.
હા, કેટલીક (પણ બહુ ઓછી) એવી જેન્યુઈન જાતીય બીમારીઓ હોય છે, જેમાં લગ્ન ટાળવાની અમારા જેવા સેક્સ થેરાપીસ્ટોએ સામેથી સલાહ આપવી પડે છે. જનાઈટલ્સ એમ્બીગ્યુઅસ (સ્ત્રી કે પુરુષનો ભેદનપાડી શકાય એવા) હોવા, ગોળીઓ નહોવી, વીર્ય ક્યારેક ય નીકળેલું ન હોવું, લીંગ એકાદ સેન્ટીમીટરથીય ઓછું હોવું (માઈક્રોપેનીસ) વગેરે પ્રકારની સ્થીતીઓમાં સેક્સ થેરાપીસ્ટોના માર્ગદર્શન તથા સુચના હેઠળ લગ્નનો નીર્ણય લેવો જોઈએ.
પ્રશ્ન : હું નવપરીણીત યુવક છું. મારી મુશ્કેલી એ છે કે, મારે નોકરી માટે બહારગામ જવું પડે છે. દર અઠવાડીયે એક જ દીવસ–રાત અમે સાથે ગાળી શકીએ છીએ. મારી પત્નીની વય વીસ વર્ષની છે. તે નીયમીત સેક્સનો આનન્દ ન મળવાથી ચીડાઈ જાય છે અને ગુસ્સામાં તોડફોડ કરે છે. મારા પર ખરાબ આક્ષેપો કરે છે. તો મારે શું કરવું જોઈએ?
ઉત્તર : લગ્નના શરુઆતનાં ગાળામાં દરેક યુગલનું જાતીય જીવન વધુ સક્રીય હોય એ સ્વાભાવીક છે. વળી એ મુજબની અપેક્ષાઓ પણ સહુએ રાખી હોય છે. હું માનું છું કે, કેવળ સેક્સ ન મળવાને લીધે નહીં, બલકે તમારો સહવાસ, તમારું સાંનીધ્ય ન મળવાને લીધે તમારી પત્ની ચીડાતી હશે. તમે એમને ધીરજ આપી શકો. જે દીવસે ઘરે આવો તે દીવસ પુરો એમને માટે ફાળવો. અલગ રહેવાનું તમને પણ ગમતું નથી, એ એમને જણાવો. બને તો વચગાળાના સમયમાં ટપાલ કે ફોનથી એમનો સમ્પર્ક કરો; પણ સાથે જ એમના ગુસ્સા કે આક્રમણથી ડરીને હતાશ ન થઈ જાઓ. તમારા પત્નીએ શીખવું જ પડશે કે, જીવનમાં આવા સમયખંડો પણ આવે છે. તેને સમજપુર્વક જીરવવા જોઈએ. તમે નોકરીમાંથી સ્થાયી થાઓ ત્યાં સુધીમાં એમણે એ વાત સ્વીકારતા શીખવું પડશે કે, પ્રલંબ દામ્પત્યજીવનને પ્રેમભર્યું રાખવા માટે ક્યારેક અલ્પસમયનો ચીરકાળ પણ જરુરી હોય છે.
પ્રશ્ન : હું અપરીણીત યુવક છું. મેં જીવનમાં ક્યારેય સ્ત્રીસંગ કર્યા નથી. એટલું જ નહીં, મને સેક્સનો કે એ પ્રકારની કોઈ પ્રવૃત્તીનો આછોપાતળો અનુભવ નથી. આવતા મહીને મારા લગ્ન થવાના છે. મને હમણાં જ જાણવા મળ્યું છે કે, મારા જ કેટલાય સહાધ્યાયીઓને તો લગ્ન પહેલા સ્ત્રી સાથે શારીરીક અનુભવો હતાં તો શું મારે લગ્ન પહેલા સ્ત્રી સાથે શારીરીક અનુભવ મેળવવો જરુરી છે? મને સતત આવા વીચારો આવ્યા કરે છે.
ઉત્તર : લગ્ન પહેલા જાતીય અનુભવો ક્યારેય લેવા ખાતર ન લેવા જોઈએ. તે કુદરતી રીતે થાય તે જ મહત્ત્વનું અને ઈચ્છનીય છે. લગ્ન પહેલાં ઘણા યુવકોને આવા પ્રશ્નો મુંઝવે છે; પણ તે દુર કરવા કોઈક ડૉક્ટરને મળીને ચર્ચા કરી લેવી જોઈએ. માત્ર પોતે ‘ફીટ’ છે કે નહીં તે ચેક કરવા માટે શરીરસમ્બન્ધ બાંધવો સલાહભર્યું નથી. મોટેભાગના અપરીણીતો માટે સેક્સલાઈફ એ કેવળ ધારણાનો વીષય હોય છે. આથી તે અંગે થોડીઘણી ચીંતા રહે એ સ્વાભાવીક છે; પણ એ ચીંતા દુર કરવા ચેકીંગ કરવા ન જશો. કેમ કે ક્યારેક એ ચેકીંગ જ નવી સમસ્યા ઉભી કરે છે. એના કરતાં શાણપણ એમાં છે કે, તમે તમારી વાગ્દત્તાને વધારે નજીકથી ઓળખો. તેની પસંદગી, તેના મુડ, તેના ગમા–અણગમા વગેરેથી પરીચીત થાવ. જે મહીના બાકી છે તે હળવાશ અને આનન્દથી વીતાવો. અને એવા મીત્રો સાથે સેક્સની ચર્ચા કરવાનું ટાળો જે મીત્રો સેક્સને સાહસ કરવાની, કોઈ મોટી ધાડ મારવાની કે કોઈ બહાદુરી બતાવવાની પ્રવૃત્તી સમજતા હોય.
પ્રશ્ન : હું વીસ વર્ષની કુમારીકા છું અને જાતીય બાબતોમાં તદ્દન બીનઅનુભવી છું. મને શીલ અને સંસ્કારનું સારું ભાથું મળ્યું છે. આથી હું કોઈ સાથે લફરાં કરવા કે પ્રેમમાં ફાગ ખેલવા જેવી હરકતોમાં પડતી નથી. તેમ છતાં ઘણીવાર રાત્રે ઉંઘમાં મને સેક્સનો અનુભવ થાય છે. હું રાત્રે સુતી વખતે હમ્મેશાં ભગવાનનું સ્મરણ કરું છું. તેમ છતાં ક્યારેક ઓચીંતું ખરાબ સ્વપ્ન આવી જાય છે. હું ખરાબ વીચારો પણ ક્યારેય નથી કરતી. તેમ છતાં ક્યારેક તો વગર સ્વપ્ને પણ હું સફાળી ઉંઘમાંથી ઝબકીને જાગી જાઉં છું અને તે વખતે મને સેક્સની અદમ્ય, તીવ્રતમ એવી અનુભુતી થાય છે. મને આવું કેમ થાય છે? અને એને શી રીતે રોકવું એ જણાવશો?
ઉત્તર : આપને જે અનુભવ થઈ રહ્યો છે અને બીમારી ગણવી ઉચીત નથી તેમ જ એને રોકવા માટે કોઈ ઉપચાર કરવો પણ સલાહભર્યું નથી. આ એક સાહજીક સ્થીતી છે. જે ‘સ્લીપ ઓર્ગેઝન્સ’ને નામે ઓળખાય છે અને કટલીક યુવતીઓને એનો અનુભવ થાય છે. જાતીય આનન્દની સાથે ઉંઘમાં ઘણીવાર યોનીમાર્ગમાં ભીનાશ વ્યાપી જવાનો અનુભવ પણ સમાંતરે થઈ શકે છે, એ કોઈ રીતે નુકસાનકારક નથી. એ થવું, ન થવું કુદરતી છે, આપણા હાથની વાત નથી. પરીણીત, અપરીણીત ગમે તે સ્ત્રીને ‘સ્લીપ ઓર્ગેઝન્સ’ આવી શકે છે. એનાથી આપણે ચારીત્ર્યહીન કે અસંસ્કારી નથી બની જતાં. તમને કદાચ ખબર ન હશે કે લગભગ બધા જ પુરુષોને તરુણાવસ્થામાં લગ્નપુર્વે રાત્રી દરમીયાનના સ્ખલનનો કુદરતી અનુભવ થતો જ હોય છે. આ બન્ને એક જ પ્રકારના અનુભવો છે. એનાથી ચીંતીત થવાની જરુર નથી.
પ્રશ્ન : ગયા મહીને જ મારા લગ્ન થયાં છે. મારી ઉમર બત્રીસ તથા પત્નીની ઉમ્મર અઠ્ઠાવીસ વર્ષની છે. અમારે જલદી બાળક જોઈએ છે; પણ મુશ્કેલી એ છે કે સમાગમ પછી થોડું પ્રવાહી યોનીની બહાર નીકળી આવે છે. શું એ વીર્ય જ હશે? જો એમ થાય તો અમને બાળક કઈ રીતે થશે? આમ થતું રોકવા શું કરવું?
ઉત્તર : વીર્યમાં રહેલાં શુક્રજંતુઓ હલનચલન તથા ગતી કરવા સક્ષમ હોય છે. આથી યોનીમાર્ગની દીવાલ પર તે ગતી કરતાં ગર્ભાશયના મુખ તરફ આગળ વધે છે. વીર્યમાં શુક્રજંતુ સીવાયનું પ્રવાહી પણ હોય છે તે તથા યોનીમાર્ગમાં સ્રાવ સમાગમ પછી બહાર આવી શકે છે. પ્રવાહી બહાર નીકળી આવતું હોય એવી ઘણી સ્ત્રીઓ કોઈ જાતની સારવાર વીના પણ ગર્ભવતી થતી આવી છે. તેમ છતાં ઘુંટણો ઉંચા અને પગ ભીડાયેલા હોય એવાં આસનો દ્વારા બહાર નીકળતા પ્રવાહીને કેટલાક લોકો આંશીક રીતે રોકે છે.
ટુંકમાં કહેવું હોય તો એકવાર યોનીમાર્ગમાં વીર્યદાખલ થાય તો તે સ્ત્રીને ગર્ભવતી કરી શકે છે. (જો વીર્ય કે સ્ત્રીમાં અન્ય ખામી ન હોય તો.) એટલાં જ માટે સમાગમ પછી યોનીમાર્ગને પાણી વડે ધોઈને સાફ વીર્યરહીત કરવાની પદ્ધતી તરીકેની માન્યતા મળી શકી નથી.
પ્રશ્ન : હું લગ્ન કરતાં ખુબ ડરું છું. મેં વીવાહ કર્યા હતા પણ એકવાર મારી મંગેતર સાથે ફરવા ગયો ત્યારે થોડાઘણાં રોમાન્સ બાદ મારું વીર્ય સ્ખલીત થઈ ગયું. અમે સંયમીત હોવાથી શરીરસુખ તો આમ પણ માણવાના નહોતા; પણ આવું થવાથી હું એટલો ડઘાઈ ગયો કે મેં મારા વીવાહ સામે ચાલીને તોડી નાખ્યા છે.
મારા મીત્રોની વાતમાંથી મેં જાણ્યું કે, કોઈક પ્રકારનું સ્પ્રે છાંટવાથી તેઓ શરીરસુખનો સમય લંબાવે છે. તો શું રોમાન્સ દરમીયાન વીર્યસ્ખલન થાય તેવા આ મારા જેવા કીસ્સામાં હું આવું સ્પ્રે છાંટી શકું ખરો?
ઉત્તર : આપે આટલા નજીવા અને ક્ષુલ્લક કારણસર વીવાહતોડી નાખ્યા તે જરાય ઠીક નથી. હજુ પણ તમે પાછા વળી શકો એમ હો તો ફરીથી તમારી વાગ્દત્તાનો સમ્પર્ક કરીને સમ્બન્ધો પાછા સ્થાપવા કોશીશ કરી જુઓ. કેમ કે આપને શીધ્રસ્ખ્લન નામની સામાન્ય મનોજાતીય બીમારીથી વીશેષ કશું નથી. જે સારી થઈ શકે છે. તમે જે સ્પ્રેની વાત કરો છો તે એક પ્રકારના ત્વચાને સંવેદન શુન્ય બનાવનારા એનેસ્થેટીક સ્પ્રે હોય છે. તેની તબીબી ઉપયોગીતા થોડી વીવાદાસ્પદ છે. કેમ કે આ સ્પ્રે શીશ્નની કુદરતી સંવેદનશીલતાનો નાશ કરતાં હોવાથી સેક્સના આનન્દમાં વીક્ષેપ નાખી શકે છે. વળી શીશ્નના પ્રાકૃતીક ઉત્થાન માટેય તેની સંવેદનશીલતા જરુરી છે. સ્પ્રેના આડેધડ વપરાશથી અલ્પજીવી નપુંસક્તાના ભોગ બન્યા હોય એવા કીસ્સાઓ અમારા જોવામાં આવ્યા છે. લીડોકેન ઑઈન્ટમેન્ટ કે જેલી બે ટકા તથા પાંચ ટકા જેટલી સ્ટ્રેન્થમાંય મળે છે. જે ઓછા જોખમી નીવડી શકે.
પણ મારી સલાહ એ છે કે, તબીબી માર્ગદર્શન વગર કોઈ ‘ઓવર ધ કાઉન્ટર’ કે વગર પ્રીસ્ક્રીશને મળતા સ્પ્રે વાપરશો નહીં. કેમ કે, ઘણીવાર લાંબા ગાળાના શીધ્રસ્ખલનને લીધે આમ પણ વ્યક્તીને સહેજસાજ નપુંસક્તાની અસર આવી પડી હોય છે. તેમાં આવા સ્પ્રે વધારે નુકસાનકારક નીવડી શકે છે. વળી લીડોકેઈનની એલર્જી કે રીએકશન પણ આવી શકે છે. આથી સેક્સ થેરાપીસ્ટની સલાહ વગર સ્પ્રે વાપરવા હીતાવહ નથી. મારી જાણ મુજબ અહીં કે વીદેશમાં કોઈ અધીકૃત સેક્સ થેરાપીસ્ટો સ્પ્રેનો ઉપયોગ કરાવતા નથી.
–ડૉ. મુકુલ ચોકસી
સાઈકીઆટ્રીસ્ટ તથા સૅક્સ થૅરાપીસ્ટ ડૉ. મુકુલ ચોકસીનું મનુષ્યની સૅક્સલાઈફનાં અનેકાનેક પાસાંઓની તલસ્પર્શી છણાવટ કરતું પુસ્તક ‘જાતીય પ્રશ્નાવલી’ (પ્રકાશક : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395003 ફોન : (0261) 7431449 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવા સીદી, ગોપીપુરા, સુરત – 395003 ફોન : (0261) 7427882/7432563 પાનાં : 124, મુલ્ય : રુપીયા 90/–)માંથી લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..
લેખક સમ્પર્ક : DR. MUKUL M CHOKSI “ANGAT CLINIC” 406, WESTERN BUSINESS PARK, OPP. S. D. JAIN SCHOOL, VESU CHAR RASTA, UNIVERCITY ROAD, SURAT – 395 007. Phone : (0261) 3473243, 3478596 Fax : (0261) 3460650 e.Mail : mukulchoksi@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 13–06–2022
ડૉ. મુકુલ ચોકસી જેવા નિષ્ણાતના સરળ ભાષામા –‘ સ્કીઝોફેનીયા કે સ્કીઝોઈડ પર્સનાલીટી, ‘બૉર્ડરલાઈન મેન્ટલ રીટાર્ડેશન’, ‘સ્લીપ ઓર્ગેઝન્સ’ અને સ્પ્રેના ઉપયોગથી શરીરસુખ લંબાવવા અંગેના ૬ પ્રશ્નોના ખૂબ સ રસ ઉતરો આપ્યા છે.
સાંપ્રત સમયે અનેક કારણોને લીધે લગ્નના પ્રશ્નો ગુંચવાયા છે.ખૂબ મોંઘા પડતા છુટાછેડાના પ્રશ્નોને લીધે લીવ ઇન રીલેશન અને અનેક માનસિક રોગોના ભોગ બનતા યુવાનો પોષણ ક્ષમ્ય સારવાર ન મળતા વધુ ગુંચવાય છે અને નશાના બંધાણી બની ખુવાર થાય છે.
આવા પ્રશ્નોમા સલાહ સાથે સારવાર પણ પોષણ ક્ષમ્ય ભાવે મળે તેવી આશા
LikeLiked by 1 person
પરણીત કે અપરણીત યુવાન સ્ત્રી-પુરુષો માટે ખુબ જ ઉપયોગી અને ખાસ જાણવી જ જોઈએ એવી માહીતી ડૉ. મુકુલભાઈ ચોક્સી આપે છે. એમની તથા ગોવીન્દભાઈ આપની આ સેવા માટે અભીનંદન અને આભાર.
LikeLiked by 1 person
lekh saras chhe.
LikeLike
ખુબ જ સરળ સમજૂતી આપી છે અને બહોળો પ્રચાર પ્રસાર જરૂરી છે. હજી પણ sex અંગે ખુલીને વાત થતી નથી. પરિણામે લેભાગુ ટોયલેટ ડોક્ટરોની છેતરપીંડીનો ભોગ બને છે. Sex Education જરૂરી છે. ધન્યવાદ
LikeLiked by 1 person