ડૉ. રમેલ ટેડ

ડૉ. રમેલ ટેડ

–ડૉ. જનક શાહ અને ભારતી શાહ

“તબીબ એટલે જે વીશ્વમાં સૌથી પ્રથમ શ્વાસ લેવા મથનાર
શીશુને ઉમંગભેર આવકારે, ચીરવીદાય લેતા માનવના
અંતીમ શ્વાસે પ્રેમપુર્વક હાથ ફેરવવાની તક જતી ન કરે,
જેની પ્રકૃતી અને પ્રવૃત્તી આંસુ લુછવાની હોય,
કેન્સરથી કણસતા અવાજને મૃદુતાથી પંપાળે,
એના અશ્રુબીંદુઓને મોતી લેખે,
આંસુની ભાષાનો કસબી હોય, અંતીમ સ્થીતી રોગીની,
આર્થીક, માનસીક કે શારીરીક એનો સાથીદાર હોય,
જે દર્દીને પરણે છે દોલતને નહીં.
તે રોગને જ વશ નથી કરતો,
રોગીને પણ પોતીકો કરે છે.
કરુણા એનું સાધન છે.
કસબ એનું કવચ છે. પ્રેમ એનો મંત્ર છે.
કુદરતમાં તેને શ્રદ્ધા છે.
કુદરત જ એનું બળ છે અને
મનનું જાગરણ એની શક્તી છે.”
ડૉ. વસંતભાઈ પરીખ

ડૉકટર અને દર્દી વચ્ચેનું તાદાત્મ્ય ત્યારે સધાય છે જ્યારે દર્દીની સંવેદનાને તેના ડૉકટર સમ્પુર્ણપણે સમજતા હોય. આવા એક ડૉકટર એટલે ઓર્થોપેડીક સર્જન ડૉ. રમેલ ટેડ. તેઓ તેમના દર્દીઓની લાગણીને સમજે છે. એક સમયે વ્યસ્ત એવા ઓર્થોપેડીક સર્જન ડૉ. રમેલ લગભગ 60 જેટલા દર્દીઓને રોજ તપાસતા અને વર્ષ દરમીયાન એક હજાર જેટલી સર્જરી કરતા. નવરાશના સમયમાં તેઓ ગોલ્ફ, સ્કીંગ અને બાઈકીંગનો આનંદ લેતા; પણ ડૉ. રમેલની સક્રીય જીંદગીનો અંત એક વર્ષ પહેલાં આવી ગયો, જ્યારે તેઓને કરોડરજ્જુની ભયંકર બીમારી લાગુ પડી. આ બીમારીના પરીણામે તેઓને કમરથી લકવા લાગુ પડ્યો અને તેમણે વ્હીલચેરનો આસરો લેવો પડ્યો; પણ હીમ્મત હાર્યા વગર તેઓ તેમના ઑપરેશન રુમમાં સર્જરી કરવા અને લોકોની સંભાળ લેવા પાછા ફર્યા.

 ડૉ. રમેલ કહે છે, “હવે હું મારા દર્દી પાસે સો ટકા કાંઈક જુદો જ છું. હું વધુ સારી રીતે સાંભળું છું અને હું વધારે સહાનુભુતી દર્શાવનારો બન્યો છું. હું તેમની પરીસ્થીતીને ખરેખર અનુભવતો થયો છું. તેઓની જીંદગીમાં તેમની પરીસ્થીતી તેમને કેટલી અસર કરે છે તે મને સમજાય છે. સેંટ લુઈઝના પુનરુત્થાન કેન્દ્રમાં રહ્યા પછી અને પક્ષાઘાતથી પીડાતા ઘણાં લોકોને પડકાર ઝીલતા જોયા પછી મને આશા બંધાઈ છે કે તેવા પડકારો ઝીલતા લોકોને હું મદદ કરી શકીશ.”

ડૉ. રમેલ પોતાના કામ પર પાછા ફરવા તૈયાર હતા ત્યારે તેમણે પ્રોગ્રેસ વેસ્ટ હૉસ્પીટલ અને બાર્ન્સ જ્યુઈશ હૉસ્પીટલના પ્રેસીડેન્ટ જ્હોન એન્ટનો સમ્પર્ક સાધ્યો. ઑપરેશન થીએટરના સ્ટાફની મદદથી પ્રોગ્રેસ વેસ્ટ હૉસ્પીટલમાં પ્રેસીડેન્ટ એન્ટે ડૉ. રમેલ સર્જરીના પોષાકમાં ઈલેક્ટ્રીક વ્હીલચેરની મદદ વડે પાછા ફરી શકે તેવું શક્ય બનાવ્યું.

પ્રોગ્રેસ વેસ્ટ હૉસ્પીટલના ઑપરેશન થીએટરનું બંધારણ તેમના માટે બરાબર અનુકુળ હતું જે જુની હૉસ્પીટલોમાં નથી હોતું. જંતુરહીત ઑપરેશન થીએટરમાં તેમની વ્હીલચેરને જંતુરહીત કપડાથી આવરી લઈ શકાય તેમ હતું. પ્રેસીડેન્ટ એન્ટ કહે છે, “હું ડૉ. ટેડને લગભગ છ વર્ષથી ઓળખું છું. તેઓનું જીંદગી પ્રત્યેનું વલણ હમ્મેશાં સજ્જનતાભર્યું રહ્યું છે. આ પ્રતીકુળતા પર તેમણે જે રીતે પ્રભુત્વ મેળવી લીધું તે તેમેની સંકલ્પશક્તીનું પ્રમાણ છે.” આ સંકલ્પશક્તીથી તેઓ પક્ષઘાતવાળા શરીરે પ્રથમ ઑપરેશન કરવા જતા હતા ત્યારે તેમનો ઉત્સાહ અનેરો હતો. તેમની પત્ની કેથીને ભેટીને તેઓ ઑપરેશન થીએટરમાં ગયા ત્યારે ઑપરેશન થીએટરના સ્ટાફે તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા.

આજે ડૉ. રમેલ પાઈપ સ્પાઈન કેર, પ્રોગ્રેસ વેસ્ટ હૉસ્પીટલ અને બાર્ન્સ જ્યુઈશ પીટર હૉસ્પીટલમાં દર્દીઓને તપાસે છે. તેઓ અઠવાડીયામાં એક વખત હાથ અને કોણીની સર્જરી કરે છે. લીઝા નામની દર્દી ડૉ. રમેલને એક વીકલાંગ સર્જનને બદલે ખુબ દરકાર લેતા સર્જન તરીકે જુએ છે. તે કહે છે, “મારે ડાબા કાંડાની સર્જરી હતી અને તેના પરીણામથી હું એટલી બધી ખુશ હતી કે હું મારા જમણા કાંડાની સર્જરી કરાવવા પાછી ફરી. વ્હીલચેર પર રહીને ઑપરેશન કરવામાં તેમને કોઈ મર્યાદા નડતી ન હતી. મારા ખ્યાલ પ્રમાણે સર્જન ઑપરેશન કરતી વખતે તેમના હાથ, જ્ઞાન અને ડહાપણનો ઉપયોગ કરે છે નહીં કે પગનો.”  બહુ સરસ અને સાચી વાત લીઝાએ કરી. વીકલાંગ લોકો પ્રત્યેના અવરોધોમાં  લોકોના અભીગમ પર આધાર રહે છે. જરુરી આધાર અને વ્યવસ્થાની મદદ વડે ડૉ. રમેલને બીજા સર્જનની જેમ ઑપરેશન કરવું ચોક્કસ શક્ય બની શક્યું છે. પ્રોગ્રેસ વેસ્ટ હૉસ્પીટલ અને બાર્ન્સ જ્યુઈશ પીટર હૉસ્પીટલ આ માટે નોંધપાત્ર ઉદાહરણ છે.

મક્ક્મ મનના ડૉ. રમેલ ઑપરેશન થીએટરમાં અગાઉની જેમ બધું જ કરી શકે છે અને પોતાની શારીરીક તાકાત રોજીંદી કસરત વડે જાળવી રાખે છે અને માનસીક તાકાત પોતાના સર્મપીત કુટુંબીજનોને કારણે અને ખાસ કરીને પોતાની પત્ની કેથીના પ્રોત્સાહનના કારણે જાળવી શકે છે.

 પ્રોગ્રેસ વેસ્ટ હૉસ્પીટલમાં ડૉ. રમેલ ખુબ ઝડપથી પોતાના કૌશલ્યને બતાવવા લાગ્યા. તેમને વસવસો એ હતો કે તેઓ કોણી, પગ, કાંડા અને ઢાંકણીની સર્જરી કરી શકતા હતા; પણ ખભાની સર્જરી કરી શકતા ન હતા. કારણકે તેના માટે તેઓએ ઉભા રહેવાની સ્થીતીમાં ઑપરેશન કરવું પડતું હતું; પણ નીરુત્સાહી બન્યા વગર આ સમસ્યા પર પણ તેમણે વીજય મેળવી લીધો. આજે ખાસ પ્રકારની સ્ટૅન્ડ–અપ વ્હીલચેરના ઉપયોગથી તેઓ ખભાની સર્જરી કરવા પણ સક્ષમ બની ગયા. આ માટે દર્દીને બેસવાની સ્થીતીમાં રહેવું પડે છે જ્યારે સર્જને ઉભા રહેવાની સ્થીતીમાં રહેવું પડે છે. તેઓ સ્ટૅન્ડ–અપ વ્હીલચેરની મદદ વડે આ પ્રકારની સર્જરી પણ કરવા લાગ્યા છે.

કમરેથી પક્ષાઘાત હોય તે વ્યક્તીએ કાંઈ પણ કાર્ય કરવા માટે સમતોલન જાળવવા પટ્ટાનો ઉપયોગ કરવો જ પડે. ડૉ. રમેલ જ્યારે ખભાના હાડકાની સર્જરી કરતા ત્યારે ટટ્ટાર રહેવા માટે તેમના માટે પટ્ટો બાંધવો અનીવાર્ય હતો. ફક્ત આ પટ્ટો બાંધવાથી ઑપરેશન કરવાની તાકાત આવી જાય તેમ ન હતું. આ માટે માનસીક તૈયારી અને તાકાત ક્યાંથી આવતી હતી? ડૉ. રમેલના શબ્દોમાં જ આપણે જાણીએ – “આ માટેની ચાવી મને મારા કુટુંબીજનો અને મને ચાહનારા સાથેના વાર્તાલાપમાંથી મળી આવતી હતી. આ સર્જરી શક્ય બનવામાં મારા કુટુંબીજનોનો જ હું ચમત્કાર માનું છું. ખાસ કરીને આ શક્તીશાળી અનુભવ માટે સૌથી વધુ યશ મારી પત્ની કેથરીનને ફાળે જાય છે. હું મારા વીષયમાં પારંગત ભલે હોઉં પણ આ પરીસ્થીતીમાં જંગ જીતીને ફરીથી બેઠો થયો હોય તો મારા સ્નેહીનજનો અને પત્નીને લીધે. આ માટે મારી પત્નીનો અને સ્નેહીજનોનો હું આભારી છું.

 ડૉ. રમેલની વાત માન્યમાં ન આવે તેવી છે પણ પ્રેરણાદાયી છે. મીસુરીના આ ડૉક્ટરના પુનરુત્થાનની વાત અજબની છે અને તેમની પોતાના વ્યવસાયમાં લકવાગ્રસ્ત શરીર સાથે પાછા આવવાની પ્રકીયા પણ આશ્ચર્યજનક છે; પણ તેઓ હીમ્મત, ધૈર્ય અને સંકલ્પશક્તીના સહારે પોતાના વ્યવસાયમાં  પાછા આવ્યા તે કોઈ નાનીસુની બાબત નથી. આ પરીસ્થીતીમાં એક સમયે તેમને તેમના મસ્તક પર બંધુક તાકવાનો વીચાર આવ્યો હતો; પણ પત્ની, બાળકો અને પૌત્રોના વીચારે તેઓ તેનો અમલ ન કરી શક્યા.

ડૉ. રમેલે હમ્મેશાં બહાદુરીથી જાહેરમાં આવવાનું પસંદ કર્યું છે. તેઓએ કદી પોતાની તકલીફો માટે રોદણાં નથી ગાયા. સૌથી ખરાબ પરીસ્થીતીમાં તેમણે તેના મીત્રને એટલું જ લખ્યું હતું કે ‘ખરાબ દીવસો જાય છે’. લોકોએ તેમના આશાવાદી સ્વભાવ, રમુજવૃત્તી અને અડીખમ રહેવાના અભીગમને વધાવ્યો છે. તેઓને કોઈ પોતાના પર દયા ખાય તેવું ગમતુ ન હતું. તેઓએ કદી નકારાત્મક અભીગમ અપનાવ્યો ન હતો. 17 વર્ષથી તેમની સાથે કામ કરતી તેમની મદદનીશ નર્સ ડાએનાએ ઉચ્ચારેલા શબ્દો જાણીશું તો ડૉ. રમેલને સલામ કરવાનું મન થઈ આવશે. તેણી કહે છે, “તેઓ મને કહેતા, ‘તમારી  દૃષ્ટી નીચે તરફ  હશે તો હમ્મેશાં અહીયાથી ફેંકાઈ જશો’.”

આ અભીગમ ડૉ. રમેલને પોતાના પ્રીય એવી રમત – ગોલ્ફ તરફ દોરી ગયો. મોટોરાઈઝડ ગોલ્ફ ચેરનો ઉપયોગ કરીને તેઓ બન્ને હાથ વડે ટટ્ટાર રહી ઝુલવા સક્ષમ બન્યા. તેઓ દડાને લગભગ 200 વાર જેટેલો દુર ફેંકી શકતા હતા. ગોલ્ફની રમત રમવી ડૉ. રમેલ માટે પુરતી ન હતી. તેમની ઝંખના તો ઑપરેશન ખંડમાં પાછા ફરવાની હતી. તેમની પત્ની કેથીએ તેમનામાં રહેલી ઉર્જા અને ઉત્કટ જુસ્સો જોયો ત્યારે તેમને ખાતરી થઈ કે તેઓ જરુરથી ઑપરેશન થીએટરમાં પાછા જઈ શકે છે. અને તેઓ ઑપરેશન થીએટરમાં પાછા ગયા. તેમની આ સીદ્ધી અસાધારણ હતી છતાં તેઓ તેનાથી સંતુષ્ટ ન હતા. તેમની પ્રીય સર્જરી તો ખભાના સાંધાની હતી. જે ઉભા રહીને જ થઈ શકે. અને તેમણે તે પણ શક્ય બનાવ્યું. દેખીતી રીતે પોતાની વ્હીલચેર પરથી તેઓ ખભાના સાંધાને બરાબર પહોંચી શકતા ન હતા. તેમણે સ્ટેન્ડીંગ વ્હીલચેરની એક કલ્પના કરી અને અનેક કસોટીમાંથી પસાર થઈ તેને મુર્ત સ્વરુપ આપવા કામયાબ નીવડ્યા. જે હૉસ્પીટલમાં તેઓ કામ કરતા હતા તેઓએ 35,000 ડૉલરની તેમના માટે ખાસ બનાવેલી આ સ્ટેન્ડીંગ વ્હીલચેર ખરીદવાની સમ્મતી આપી. તેમાં સીટ બેલ્ટ અને ચેસ્ટ બેલ્ટની એવી વ્યવસ્થા હતી કે તેઓને ઉભા રહેવા માટે પુરતો ટેકો મળી રહેતો હતો.

ઘણી કસોટી પછી ડૉ. રમેલની સ્ટેન્ડીંગ વ્હીલચેર તૈયાર થઈ. ડીસેમ્બર, 2012માં તેમના પ્રથમ દર્દી તરીકે ડેવ શેલ્ટન હતા જેમની પત્નીનું વર્ષો પહેલાં ડૉ. રમેલે જ ઑપરેશન કર્યું હતું. શેલ્ટન ઑપરેશન ટેબલ પર આવવા અને ડૉ. રમેલના આ ઑપરેશનના સાક્ષી બનવા ખુબ જ ઉત્સુક હતા. તેઓએ કહ્યું હતું, “મને સહેજ પણ ચીંતા થતી નથી. હું તો તેમને તેમના નીયમીત ક્રમમાં જોવા આતુર છું.” ડૉ. રમેલે પોતે વ્હીલચેરમાં બેસતા મજાક કરતા શેલ્ટનને કહ્યું, “મારા ચહેરાનો રંગ બદલાઈ જાય તો માનજો કે કાંઈક ખરાબ બન્યું છે!”

ઑપરેશન સફળ રહ્યું અને ડૉ. રમેલે ત્યારથી પાછું વળી નથી જોયું.

ડૉ. રમેલ કહે છે, “તમારી પાસે જે હોય તેને લઈ લેવામાં આવે તો તમે તેને મેળવવા ઉત્કટ પ્રયત્ન કરો. મેં તે પ્રયત્ન કર્યો અને આજે મને તે મારી જીંદગીમાં પાછું મળ્યું છે. તે પ્રચંડ છે. તે અજોડ છે.” ચોક્કસ ડૉ. રમેલ અજોડ છે. તેમની વાત ખરેખર પ્રેરણાદાયી છે. તેઓએ તેમની વીકલાંગતાને પોતાના રસભર્યા કાર્યમાં અવરોધરુપ બનાવા ન દીધી. આથી બીજી અજોડ વાત શી હોઈ શકે?

–ડૉ. જનક શાહ અને ભારતી શાહ

‘ડીસેબલ્ડ’ નહીં પણ ‘સ્પેશ્યલી એબલ્ડ – ફીઝીકલી ચેલેન્જ્ડ’ માનવીઓના મનોબળની વીરકથાઓનો સંગ્રહ ‘અડગ મનના ગજબ માનવી’ ‘અભીવ્યક્તી બ્લૉગને ભેટ મોકલવા બદલ ડૉ. જનકભાઈ શાહ અને સુશ્રી. ભારતીબહેન શાહનો દીલથી આભાર..

શાહદમ્પતીનું પુસ્તક ‘અડગ મનના ગજબ માનવીના (પ્રકાશક : માનવવીકાસ અને કલ્યાણ ટ્રસ્ટ, એમ–10, શ્રીનન્દનગર, વીભાગ–4, વેજલપુર, અમદાવાદ – 380 051 પ્રથમ આવૃત્તી : 2016 પૃષ્ઠ : 90 + 4, મુલ્ય : રુપીયા 120/– ઈ.મેલ : madanmohanvaishnav7@gmail.com )માંથી, લેખકદમ્પતીના અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : ડૉ. જનક શાહ અને સુશ્રી. ભારતી શાહ, 101, વાસુપુજ્ય–।।, સાધના હાઈ સ્કુલ સામે, પ્રીતમનગરના અખાડાની બાજુમાં, એલીસબ્રીજ, અમદાવાદ – 380 006 ફોન : (079) 2658 1534 સેલફોન : +91 94276 66406 ઈ.મેલ : janakbhai_1949@yahoo.com  વેબસાઈટ : http://janakbshah.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ…

અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 20–06–2022

12 Comments

  1. હ્રદય ને ઝંકોરનાર, લોકો માટે ઉપયોગી,માનવ તરીકે માનવોને મદદરૂપ એવા ડોક્ટર ને દિલથી સલામ

    Liked by 1 person

  2. પ્રેરણાદાયી જીવન. જે થાય, તેને સારો વળાંક આપનાર ખરેખર ઈશ્વરના અનુયાયી છે.
    સરયૂ પરીખ

    Liked by 1 person

  3. મીસુરીના ડૉ. રમેલ ટેડ હીમ્મત, ધૈર્ય અને સંકલ્પશક્તીના સહારે ઓર્થોપેડીક સર્જનના વ્યવસાયમાં લકવાગ્રસ્ત શરીર સાથે પાછા આવી સેવા કરવાની પ્રેરણાદાયી વાતે તેઓને શત શત વંદન

    Liked by 1 person

  4. નાની નાની આવી પડતી પરિસ્થિતિ માટે આપઘાત નો નિર્ણય લઈ ઈશ્વરે બક્ષેલ અમૂલ્ય જીંદગી નો અંત લાવનાર માટે પ્રેરણાદાયી બની રહે એવો અદ્ભુત કિસ્સો. અનાયાસે નમન થઈ જાય એવા ડૉ.રમેલ પડેને ખૂબ ખૂબ ધન્યવાદ

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s