મન હોય તો માળવે જવાય

રાજસ્થાનના પાલી મારવાડની રહેવાસી ઉમ્મુલ ખેર બાળપણથી જ ‘ઓસ્ટીઓ જેનેસીસ’થી પીડીત વીકલાંગ હતી. તેમણે વીકલાંગતાને પોતાની તાકાત બનાવી, સફળતાની સીડી પર ચઢ્યા. તેમનો સંઘર્ષ વાંચીને તમે વીશ્વાસ નહીં કરી શકો કે કોઈનો ધ્યેય આટલો ઉંચો હોઈ શકે છે.

મન હોય તો માળવે જવાય

–ફીરોજ ખાન

‘મન હોય તો માળવે જવાય’ જેવી ઘણી કહેવતો દુનીયાની લગભગ દરેક ભાષાઓમાં છે. આ કહેવત પાછળનો ઈરાદો એ છે કે ગમે તેવી મુશ્કેલ પરીસ્થીતીઓમાં પણ આપણે હીમ્મત હારવી ન જોઈએ. તમારા લક્ષ કે ધ્યેયની પ્રાપ્તીમાં અનેક અડચણો અવવાના જ; પરન્તુ હીમ્મત હાર્યા વીના એ મુશ્કેલીઓનો મક્કમતાથી સામનો કરવો જોઈએ. વીશ્વમાં આજપર્યંત અનેક વ્યક્તીઓ આ કહેવત મુજબ જીવ્યા છે. એટલું જ નહીં તેને સાર્થક પણ ઠેરવી, અન્ય લોકો માટે માર્ગ પણ ચીંધ્યો છે. મારી ‘વ્યક્તી વીશેષ’ કૉલમમાં મેં આ પહેલાં પણ એવા લોકો વીષે લેખ લખ્યાં અને વાંચકોએ એને પસંદ કર્યા એ મારું સૌભાગ્ય છે. આવા લોકો વીષે હું હમ્મેશ લખતો રહીશ. એનું કારણે આ મારો પ્રીય વીષય છે.

ધોરણ દસ કે બારમાં નાપાસ થયા પછી આત્મહત્યા કરનારાઓના કીસ્સા સમાચારપત્રોના પાના પર આપણે સહુ વાંચીએ છીએ. અતી સામાન્ય કહી શકાય તેવા મામુલી કારણોસર અમુલ્ય જીવન ટુંકાવી નાંખનારાઓ પણ ઘણા છે. એવા લોકો આ લેખો વાંચીને પ્રોત્સાહીત થાય એ જ મારો આશય છે. એ સીવાય જેમના વીષે હું લખું છું એનાથી પ્રોત્સાહીત થઈ અન્ય લોકો પણ સારા કામો કરવા પ્રેરીત થાય એ ઈરાદો પણ ખરો જ.

ભારતની સીવીલ સેવાઓ જેના માટે આઈ.એ.એસ., આઈ.પી.એસ. જેવી પરીક્ષાઓ અને ઈન્ટરવ્યું પાસ કરવા પડે છે તે સેવાઓ દુનીયામાં શ્રેષ્ઠ ગણાય છે. દુનીયાભરમાં લેવાતી પરીક્ષાઓ અને ઈન્ટરવ્યુમાં એમનો બીજો નંબર આવે છે. આના પરથી કલ્પના કરી શકાય કે આ પરીક્ષાઓ કેટલી મુશ્કેલ (tough) હોય છે. ખુબ મહેનત અને સમય માગી લેનારી આ પરીક્ષાઓ અને ઈન્ટરવ્યુ પાસ કરવા એટલે લોઢાના ચણા ચાવવા બરાબર છે. અનેક લોકો ઘણાં પ્રયત્નો કર્યા છતાં પણ સફળ નથી થતાં.

આજે ફરી એક વખત એક વીરાંગના વીષે લખી રહ્યો છું. આજના લેખની નાયીકાનું નામ છે : ઉમ્મુલ ખેર. રાજસ્થાનના પાલી મારવાડમાં ઉમ્મુલનો જન્મ થયો હતો. ઉમ્મુલ જન્મથી જ ‘ઓસ્ટીઓ જેનેસીસ’ નામક બીમારીથી પીડાય છે. આ બીમારીમાં માણસના શરીરના હાડકાં કમજોર હોવાના કારણે પ્રેશર અથવા માર વાગવાથી તુટી જાય છે. ઉમ્મુલના શરીરમાં 16 ફેક્ચર થયા અને 8 ઑપરેશનો થયાં છતાં હીમ્મત હાર્યા વીના તેઓ 2016માં આઈ.એ.એસ. પાસ કરી, આઈ.એ.એસ. અધીકારી બન્યા.

ઉમ્મુલના કુટુંબની આર્થીક પરીસ્થીતી સારી ન હતી. પરીવારમાં ત્રણ ભાઈ–બહેનો છે, ઉમ્મુલ જયારે પાંચ વર્ષની હતી ત્યારે આજીવીકા માટે એમનો પરીવાર દીલ્હી આવ્યો હતો. એમનો પરીવારને દીલ્હીમાં નીઝામુદીન ઓલીયાની દરગાહની પાસે આવેલ ઝુપડપટ્ટીમાં રહેતો હતો. એ લોકો ત્યાં રહેતાં હતાં ત્યારે સરકારના આદેશ મુજબ એ ઝુંપડાં તોડી પાડવાને કારણે દીલ્હીમાં જ એક નાની ખોલી ભાડે લઈ તેઓ રહેવા લાગ્યા. ઉમ્મુલ સાતમાં ધોરણમાં ભણતી હતી ત્યારે નાની વયે જ તેણીએ ટ્યુશન આપવાનું શરુ કર્યું. ઉમ્મુલ ટ્યુશન આપતી, પાપા ફેરી કરતા અને તે છતાં માંડમાંડ તેઓનું ઘર ચાલતું. ઘણી વખત ભુખ્યા જ સુઈ જવું પડતું.

તે હજી શાળામાં હતી ત્યારે તેની માતાનું મૃત્યુ થયું હતું. તેના પીતાએ ફરીથી લગ્ન કર્યા તેની સાવકી માતાને ઉમ્મુલનું વાંચવા–લખવાનું ગમ્યું નહીં. બધાએ પુરો પ્રયાસ કર્યો કે તેઓ પોતાનો અભ્યાસ છોડી દે; પરન્તુ તેઓએ અભ્યાસ છોડવા ને બદલે ઘર છોડી દીધું. ત્રીલોકપુરીમાં એક નાનકડી ખોલીમાં ભાડેથી રહેવું શરુ કર્યું. આ સમયે તે ધોરણ–9માં હતી. આટલી નાની ઉમ્મરે અલગ રહી, આઠ કલાક બાળકોને ભણાવતી. તેણે ટ્યુશનના આધારે પોતાનું અને ભણતરનું ધ્યાન રાખ્યું. તેમણે ધોરણ 10માં 91 ટકા અને ધોરણ 12માં 90 ટકા મેળવ્યા હતા. આ પછી તેણે દીલ્હી યુનીવર્સીટીની ગાર્ગી કૉલેજમાંથી સાયકોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું. જ્યારે માસ્ટર ડીગ્રીની વાત આવી તો તેમણે દીલ્હીની વીશ્વપ્રસીદ્ધ યુનીવર્સીટી જે.એન.યુ.માંથી એમ.એ., ત્યાર બાદ એમ.ફીલ. અને પીએચ.ડી.માં પ્રવેશ લીધો. 2012માં તેઓ એમ.એ.ના સ્ટુડન્ટ હતાં ત્યારે તેમનો અકસ્માત થયો. આ અકસ્માત પછી ઉમ્મુલ આજીવન વ્હીલચેર પર આવી ગયા. 2014માં ઉમ્મુલને જાપાનના ઈન્ટરનેશનલ લીડરશીપ ટ્રેનીંગ પ્રોગ્રામ માટે પસંદ કરવામાં આવી. 18 વર્ષના ઈતીહાસમાં આ કાર્યક્રમ માટે માત્ર ત્રણ ભારતીયોની પસંદગી કરવામાં આવી હતી અને ઉમ્મુલ ચોથી ભારતીય હતી. એમ.ફીલ. પછી ઉમ્મુલે જે.આર.એફ. ક્લીયર કર્યું અને અહીંથી તેની પૈસાની સમસ્યા પર લગામ લાગી.

જે.આર.એફ.ની સાથે તેણે આઈ.એ.એસ.ની તૈયારી શરૂ કરી. તેમનો સમ્પુર્ણ સમય ફક્ત શીક્ષણ માટે જ સમર્પીત કર્યો. કદાચ તેથી જ આ અઘરી UPSC પરીક્ષા તેના પહેલા જ પ્રયાસમાં 420માં રેન્ક સાથે ક્લીયર કરી, ત્યારે કોઈને આશ્ચર્ય ન થયું. ઉમ્મુલનો સંઘર્ષ જોઈને આપણને એક જ બોધપાઠ મળે છે કે જ્યાં લોકો સહેજ પણ મુસીબતમાં હાર માની લે છે અને પરેશાનીઓની આડમાં પોતાની નીષ્ફળતાને ન્યાયી ઠેરવે છે, ત્યારે દુનીયામાં ઉમ્મુલ જેવા લોકો પણ છે જે ગમે તેટલી તકલીફો અને દુ:ખો ઝીલ્યા પછી હારતા નથી; તેમની આઈ.એ.એસ. અધીકારી બનવાની ઈચ્છામાં જરાય ઓટ આવી નહીં.

એક પત્રકારને આપેલા ઈન્ટરવ્યુમાં તેઓએ બહું જ સારી વાત કહી કે, “પહેલા તો  તમે એક ધ્યેય નક્કી કરો. એ ધ્યેય પ્રાપ્ત કરવા લગનથી મહેનત કરશો તો તમને ધ્યેય સુધી પહોંચતા કોઈ રોકી શકે નહીં. તમે ગરીબ છો, બીમાર છો કે અપંગ છો એનાથી તેમાં કોઈ ફરક પડતો નથી.”

સલામ છે ઉમ્મુલ ખેરને…

–ફીરોઝ ખાન

કેનેડાના ‘ગુજરાત ન્યુઝલાઈન’ સાપ્તાહીકમાં પ્રગટ થતી વરીષ્ઠ પત્રકાર, લેખક અને સમાજસેવક જનાબ ફીરોઝ ખાનની લોકપ્રીય કટાર ‘પર્સનાલીટી’ (તા. 23 જુલાઈ, 2021)માંથી લેખકના અને ‘ગુજરાત ન્યુઝલાઈન’ના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : Mr. Firoz Khan, 23 Duntroon Cres. Etobicoke,  ON. M9V 2A1, CANADA સેલફોન : +1 416 473 3854 ઈ.મેલ : firozkhan42@hotmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 24–06–2022

5 Comments

  1. શ્રી –ફીરોજ ખાનનો હંમેશ જેમ પ્રેરણાદાયી લેખ
    રાજસ્થાનના પાલી મારવાડની રહેવાસી ઉમ્મુલ ખેર બાળપણથી જ ‘ઓસ્ટીઓ જેનેસીસ’થી પીડીત વીકલાંગ હતી. તેમણે વીકલાંગતાને પોતાની તાકાત બનાવી, સફળતાની સીડી પર ચઢ્યા. તેમનો સંઘર્ષ
    ની પ્રેરણાદાયી વાત બદલ ધન્યવાદ

    Liked by 1 person

  2. UMMUL is a perfect example of inspiration of many. What she has done is unparalleled having reached the sky from nowhere, overcoming crisis at a tender age. She has proved to be a ROLE MODEL show casing that if the determination is firm matched with strong will power and to guts to accept challenges, come what may. Thanks to Firoz Khan ji for sharing the real life inspiring story.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s