નપુંસકતા વીશે થોડુંક

શું નપુંસકતા માનસીક તથા મનોવૈજ્ઞાનીક કારણોસર થતી હોય છે? નપુંસકતાના અમુક કીસ્સાઓમાં શારીરીક પરીબળો જવાબદાર હોય છે? તબીબી અભીપ્રાય મેળવતા પહેલા નપુંસકતા માટે યુગલે શું કરવું જોઈએ? ડૉ. મુકુલ ચોકસીએ આજના ઉપક્રમમાં ફક્ત 2 પ્રશ્નોના ઉત્તરો આપવાનો સન્નીષ્ઠ પ્રયત્ન કર્યો છે.

6

નપુંસકતા વીશે થોડુંક

–ડૉ. મુકુલ ચોકસી

[‘જાતીય પ્રશ્નાવલી’ – 5 માણવા માટે લીન્ક : https://govindmaru.com/2022/06/13/dr-mukul-choksi-27/ ]

પ્રશ્ન : સમાગમ સમયે જ ઈન્દ્રીય મંદ પડી જાય છે. ઉત્થાન અપુરતું છે. તો શું કરવું?

ઉત્તર : નપુંસકતાની નીષ્ણાત તબીબ પાસે યોગ્ય સારવાર કરાવવી જોઈએ. તેમ છતાં નીમ્નસુચીત સુચનાનો અમલ કરવાથી ઘણીવાર આ સમસ્યા હળવી થઈ જતી જોવા મળે છે. તબીબી અભીપ્રાય મેળવતા પહેલાના સમયમાં નપુંસકતા માટે યુગલે આટલું અવશ્ય કરી લેવું જોઈએ.

(1) નપુંસકતાની ફરીયાદ કરનાર પુરુષને ડાયાબીટીસ, બ્લડપ્રેશર કે ડીપ્રેશન જેવી બીમારી તો નથી ને? તેની યોગ્ય તપાસ તથા તત્કાળ સારવાર શરુ કરી દેવી જોઈએ.

(2) દારુ, ચરસ, અફીણ કે બ્રાઉન શ્યુગર જેવાં કોઈ વ્યસન હોય તો છોડી દેવાં જોઈએ. લાંબા ગાળાથી વધુ પડતું ધુમ્રપાન કરતાં હોવ તો તેનો ત્યાગ કરી દેવો જોઈએ.

(3) યાદ રાખો! નપુંસકતા મોટેભાગે માનસીક તથા મનોવૈજ્ઞાનીક કારણોસર થતી હોય છે. અગાઉના જમાનામાં તો એવું જ મનાતું કે, 100માંથી 99 ટકા કીસ્સામાં નપુંસક્તા સાઈકોલૉજીકલ કારણોસર ઉદ્ભવે છે; પરન્તુ જેમ જેમ વીજ્ઞાન વીકસતું ગયું અને શીશ્નની રક્તવાહીનીઓ તથા તેના જ્ઞાનતંતુઓની તપાસ સરળ બનતી ગઈ તેમ તેમ જાણવા મળ્યું કે, અમુક કીસ્સાઓમાં શારીરીક પરીબળોય જવાબદાર હોય છે. તેમ છતાં આજની તારીખેય, સરવાળે એંશી ટકા જેટલા નપુંસકતાના કીસ્સાઓ માનસીક કારણોસર ઉદ્ભવતા જોવા મળે છે.

(4) એનો અર્થ એ થયો કે મનની સ્વસ્થતા, જ્ઞાન તથા સમજ નપુંસકતાને દુર કરવા માટે જરુરી બની રહે છે.

(5) ઘણીવાર નપુંસકતાનાં કારણો ખુબ સીધાસાદા અને સ્પષ્ટ હોય છે. પુરતું એકાંત ન મળવાને કારણે પતી–પત્ની એકમેકની નજીક ન આવી શકે એ બાબત સામાન્ય છે. ઘરમાં વૃદ્ધ વડીલો હોય, બાળકો સાથે હોય, બે રુમ વચ્ચે બારણાં ન હોય અથવા માત્ર પડદો કે ચાદર જ હોય એવા વાતાવરણમાં પતી–પત્નીએ ખુબ જ સંયમ જાળવવો પડતો હોય છે.

આવા સંજોગોને લીધે સંવનન કે પ્રણ્ય ચેષ્ટાઓ પુરતા પ્રમાણમાં, મોકળાશથી માણી શકતા નથી. જેના અભાવે શીશ્નોત્થાન અપુર્ણ રહી જવા પામે છે. આવા કીસ્સાઓમાં લાંબી સારવાર કે દવાઓ કરવાને બદલે ખાલી વાતાવરણ બદલવાની અને સમજ કેળવવાની જ જરુર હોય છે.

(6) કયારેક તો વાત આનાથીય સરળ હોય છે. વ્યક્તીને નપુંસકતા હોતી જ નથી. માત્ર પોતે ‘નપુંસક’ છે, એવી ખોટી માન્યતા હોય છે. તો કેટલાકને ‘પોતે નપુંસક હશે યા થઈ જશે’ –એવો અકારણ ભય હોય છે. આવો ભય શીશ્નોત્થાન અંગેની ખોટી માન્યતાને કારણે ઉત્પન્ન થતો હોય છે. અને એવું કે, ઘણા પુરુષોને તેમની તરુણાવસ્થામાં, એટલે કે પંદરથી વીસ વર્ષની ઉમ્મરે ખુબ જ તીવ્ર શીશ્નોત્થાન થતું હોય છે. કેમ કે પુરુષની જાતીયતાનો આ ઉચ્ચતમ શ્રેષ્ઠતમ કાળ હોય છે. હવે બને છે એવું કે પચ્ચીસ સત્તાવીસની ઉમ્મરે લગ્ન કરવા તૈયાર થાય છે; પરન્તુ ત્યારે તેમની જાતીયતા અગાઉની જેમ માત્ર કાલ્પનીક ન રહેતા વાસ્તવીક બને છે. વળી, તેમાં સામાજીક પરીબળો ઉમેરાય છે. અને પેલા મુગ્ધ તારુણ્યનો શીખરકાળ પુર્ણ થવા આવે છે. આથી તેમને એમ લાગે છે કે, તેઓને હવે શીશ્નોત્થાન પુર્ણ માત્રામાં નથી થતું અને આ લક્ષણને નપુંસકતા માની યુવાનો મનમાં ને મનમાં રીબાયા કરે છે. વાસ્તવમાં આ નપુંસકતા નથી. શીશ્નોત્થાન સમગ્ર આયુષ્ય દરમીયાન સમયે સમયે, સંજોગે સંજોગે બદલાઈ શકે એવી વસ્તુ છે. એ કોઈ નીયત જથ્થો નથી કે કાળક્રમે ઘટી જાય.

(7) વળી એથીય મહત્ત્વની વાત એ છે કે, પુરુષના પોતાના જાતીય આનન્દ માટે શીશ્નોત્થાન સહેજે જરુરી નથી. ખરેખરી નપુંસક વ્યક્તીને પણ કામેચ્છાઓ થઈ શકે છે, વીર્ય સ્ખલન થઈ શકે છે અને ચરમસીમાનું સુખ મળી શકે છે. સમાગમ માટે કેટલું ઉત્થાન જરુરી છે એવું કોઈ પાઠ્યપુસ્તકમાં શીખવવામાં નથી આવતું. લોકો માની લે છે કે, પુર્ણ ઉત્થાન એટલે ઈન્દ્રીય સુષુપ્તાવસ્થામાં હોય તેના કરતાં 180 અંશે ઉત્થાનીત થાય! પણ વાસ્તવમાં યોની પ્રવેશ માટે આનાથી ખાસ્સું ઓછું ઉત્થાન હોય તોય પર્યાપ્ત છે. વળી વધારે મહત્ત્વની બાબત સખતાઈ છે; પણ તેના કોઈ માપદંડો આપણે શીખ્યા નથી. અનેક અપરીણીતો કેવળ ધારણાથી ચલાવી લે છે અને એમાંને એમાં મુશ્કેલી નોતરી બેસે છે. તેઓ પોતે કલ્પેલી હોય એટલી સખતાઈ કે જાડાઈ નથી હાંસલ કરી શકતા અને પછી વ્યગ્ર, વ્યથીત, હતાશ રહ્યા કરે છે. અત્રે એ વાત નોંધાવી જોઈએ કે, અધુરું ઉત્થાન કે અપુરતી સખતાઈ ધરાવતા કેટલાક પુરુષો કેવળ આસન તથા ટેક્નીકમાં ફેરફાર કરીનેય સમાગમને સંતોષપુર્ણ બનાવી શકે છે.

(8) બીજી મહત્ત્વની વાત ક્ષણીક, ઓચીંતી આવતી નપુંસકતાની છે. સમાગમ પુર્વ નીરોધ પહેરવા જતાં વાર લાગે કે મચ્છર કરડવાથી ધ્યાન બીજે વળી જાય, કે પત્ની ઘરેલુ બાબતોની અથવા અનીચ્છનીય બાબતોની અચાનક ચર્ચા શરુ કરી મુડ બગાડી નાખે, કે વધુ પડતું ડ્રીંકસલઈને સમાગમની કોશીશ કરવા જઈએ કે અચાનક આગલી ક્ષણે ફોનની ઘંટડી કે ડોરબેલ વાગી ઉઠે, કે મનમાં કોઈ ભળતો જ વીચાર ઝબકી ઉઠે, કે આસન માટે યોગ્ય સ્થીતી લેતાં વાર લાગી જાય તોય ઉત્થાન મંદ પડી જઈ શકે. ટુંકમાં ધ્યાન બીજે દોરી શીશ્નને મંદ પાડી શકે જેને નપુંસકતા તરીકે ઓળખાવી શકાય. જાતીય આનન્દ કોઈ કારણે ક્ષણીક મળતો ઓછો થાય તો ઈન્દ્રીય શીથીલ થઈ શકે જે શરીરની સાહજીક પ્રતીક્રીયા છે.

(9) નપુંસકતા દુર કરવા માગતા તમામ પ્રશ્નકર્તાઓને પહેલું સુચન એ છે કે, નપુંસકતા દુર કરવા માટે જેટલી ઈચ્છા કે કોશીશ કરવામાં આવશે તેટલી નપુંસકતા વધતી જશે. શીશ્નોત્થાનનું હૃદયના ધબકારા કે ઉંઘ જેવું છે. ઉંઘ લાવવા માટે મનને જેટલું દબાણ વધારાય અને જેટલા આકરા પ્રયત્ન થાય તેટલી ઉંઘ દુર ભાગશે. ધબકારા વધારવા હૃદયને હુકમ ન કરાય; પણ યોગ્ય વાતાવરણ સર્જીએ તો અચુક, એની મેળે હૃદયની ગતી વધી શકે તે જ રીતે શીશ્નોત્થાન માટેનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તે લાવવા માટેની તમામ ગભરાટપુર્ણ, અઘરી કોશીશો પડતી મુકીને એ માટેનું યોગ્ય વાતાવરણ તૈયાર કરવું.

(10) આ સુચનને આધારે નપુંસકતાની સારવાર થાય છે. સેન્સેટફોકસ એકસરસાઈઝ તરીકે ઓળખાતી આ સારવાર પદ્ધતીમાં પતી–પત્નીને એકમેકની નજીક આવવાનું, સ્પર્શ કરવાનું, સાંનીધ્ય માણવાનું શીખવવામાં આવે છે. સમાગમ કરવાની ચીંતા છોડી જો યુગલ પરસ્પરમાં રત રહે અને ઉત્થાનને ભુલી જઈ કેવળ કામાનન્દ અર્થે પ્રણયક્રીડા માણે તો પુરુષના પુરુષત્વ પ્રાપ્તીના દ્વાર ધીમે ધીમે ફરી ઉઘડવા માંડે છે.

(11) કદાચ નપુંસકતાની સારવાર આડેના સૌથી મોટા બે અવરોધો પતી–પત્ની પોતે જ હોય છે. પતી અતી ચીંતા કરી કરીને નપુંસકતાને વધારી મુકે છે. જ્યારે પત્ની તમને આ શું થઈ ગયું? તમારા શરીરની હાલત આવી કેવી થઈ ગઈ? જેવા પ્રશ્નો પુછીને પતીની ચીંતા વધારી દે છે.

પ્રશ્ન : હું કૉલેજમાં ભણું છું અને આ વર્ષે મારાં લગ્ન લેવાવાના છે. મેં જીવનમાં કોઈ દીવસ જાતીય સુખ માણ્યું નથી. કેવળ હસ્તમૈથુન ક્યારેક ક્યારેક કર્યું છે. મને લાગે છે કે, મારા પેશાબનો અવયવ અત્યંત મોટો છે. ક્યારેક લાગે છે કે, તે પુરતો ઉત્થાન પણ નથી પામતો. તો મને લગ્ન બાદ કોઈ તકલીફ તો નહીં પડે ને તે જણાવશો?

ઉત્તર : આપના જનન અવયવોના પરીક્ષણ વગર ઉત્તર આપવો યોગ્ય નથી. તેમ છતાં કેટલીક સામાન્ય માહીતી આપવી જરુરી સમજું છું. પહેલું તો એ કે, અપવાદ રુપે કેટલાક છોકરાઓના શીશ્ન અત્યંત મોટા કદના જોવા મળ્યા છે. જ્યારે અનુત્થાનીત, સામાન્ય, લુઝ અવસ્થામાં હોય ત્યારે તે મોટાં જણાય છે અને ઉત્થાનીત અવસ્થામાંય મોટાં લાગે છે. આવા મોટા કદના શીશ્ન ધરાવનાર યુવાનોને બે પ્રકારની ચીંતા સતાવતી હોય છે. પહેલી એ કે તેમના જનનાંગો તેમના વીશાળ કદને કારણે યોનીમાર્ગમાં પ્રવેશી શકશે કે નહીં? જો યોનીમાર્ગ તેમના કદ સામે સાંકડો પડે તો પત્નીને ઈજા કે પીડા ન થાય? આ ચીંતા બહુ વજુદવાળી જણાતી નથી. કેમ કે, મુલતઃસ્ત્રીનો યોનીમાર્ગ આંશીક રીતે પ્રસરણક્ષમ અને સ્થીતીસ્થાપક હોય છે. જેને લીધે તેનું વાસ્તવીક (એકચ્યુઅલ) કદ નહીં, બલકે શક્ય (પોટેન્શીયલ) કદ મહત્ત્વનું હોય છે. યોનીમાર્ગની પોટેન્શીયલ સાઈઝ વધારે હોય છે. જેને લીધે એ માર્ગમાંથી જ નોર્મલ ડીલીવરી થાય છે અને પુરુષના શીશ્ન કરતાં ઘણા મોટા કદનું નવજાત શીશુ એ માર્ગથી પસાર થઈને પ્રસુતી વખતે બહાર આવે છે. આથી કેવળ મોટા કદનું શીશ્ન યોનીમાર્ગમાં દાખલ ન થઈ શકવાને લીધે સમાગમ ન કરી શકતા એવા દર્દીઓ જોવા નથી મળતાં. મોટા કદનું લીંગ ધરાવનાર યુવકોને બીજી ચીંતા લીંગના ઉત્થાન અંગેની હોય છે.

વીશાળ કદને કારણે શીશ્ન પોતે પોતાનો ભાર ઉંચકી ન શકતું હોવાને લીધે અપુરતું ઉત્થાનીત યા નમેલું રહેતું હોય એમ લાગે છે.

આવા યુવકોમાંના ઘણાખરા લગ્ન બાદ વ્યવસ્થીત સમાગમ કરી શકતાં હોવાનું જણાયું છે. કેમ કે તેઓના શીશ્નની સખતાઈ, યા કડકાઈ (રીજીડીટી) બરાબર હોય છે. યોની પ્રવેશ માટે આ સખતાઈ યા રીજીડીટી, ઉત્થાન કરતાં વધારે મહત્ત્વની મનાય છે. તેઓએ પોતાની સમાગમની શૈલીમાં કદાચ થોડા ઘણા ફેરફારો કરવા પડ્યા હોય. આપને પણ આમાંના કેટલાક ફેરફરો જો જરુરી જણાય તો કરવાનું સુચન કરું છું.

(1) એવું આસન પસંદ કરો જેમાં ઉત્થાનમાં આછીપાતળી ઓછપ હોય તો ચાલી જાય.

(2) જરુર પડે તો યોનીપ્રવેશની આગલી ક્ષણે શીશ્નને હાથ વડે જરા ટેકો કે સપોર્ટ આપો જેથી પ્રવેશ સરળ બની જાય.

(3) શક્ય હોય તો આ ટેકો આપવાનું કામ આપની પત્નીને કરવા દો, જેથી એ ક્રીયા કંટાળાજનક કે યાંત્રીક (મીકેનીકલ) ન બની રહે. અને આપની પ્રણયક્રીડાનો જ એક ભાગ બની રહે.

(4) આ સમગ્ર આયામ અંગે બીનજરુરી ચીંતાઓ ન કર્યા કરો. કેમ કે ઉત્થાનમાં ઘટાડો આણવામાં ચીંતા વધારે મહત્ત્વનો ભાગ ભજવે છે. કદાચ શીશ્નનું કદ આપને જીવનભર નડતર ન ઉભું કરે પણ વધુ પડતી ચીંતા આપને માટે અનેક અવરોધો ઉભા કરશે.

સાચું પુછો તો ખરેખર જેને વીશાળકાય કહી શકાય એવું લીંગ તો ભાગ્યે જ હોય છે. મેં જોયેલા કીસ્સાઓમાં બેએક યુવકોને તો કેવળ એવી ખોટી ચીંતા જ સતાવતી હતી કે, તેમના શીશ્નનાં કદ મોટાં છે. તેમની એ માન્યતા બીનઆધારભુત હતી. અને કેવળ ધારણાંઓ પર આધારીત હતી. અલબત્ત, પોતાનું શીશ્ન અત્યંત નાનું છે, એવી ગેરમાન્યતાઓ ધરાવનારાઓની સંખ્યામાં તો આવા યુવકો અત્યંત જુજ હશે.

આપ એ પણ નોંધી રાખશો કે, જો શીશ્ન ખરેખર જ અત્યંત વીશાળકાય હોય અને યૌન વ્યવહારમાં તેનું કદ નડતરરુપ હોય તો શસ્ત્રક્રીયા પણ મદદરુપ થઈ શકે છે; પણ જેની જરુર અપવાદરુપે જ સંભવે છે. વીશાળ કદ શીશ્નની તકલીફવાળા યુવકોની તબીબી તપાસ એટલા માટે જરુરી છે કે કયારેક પેરાફાઈમોસીસ યા લીમ્ફઈડીમા જેવી અવસ્થામાં અન્ય શારીરીક રોગોને કારણે શીશ્ન મોટું દેખાય છે. જેમાં ઉપરોક્ત બીમારીઓના ઈલાજથી સ્થીતી સાધારણ થઈ શકે છે.

–ડૉ. મુકુલ ચોકસી

સાઈકીઆટ્રીસ્ટ તથા સૅક્સ થૅરાપીસ્ટ ડૉ. મુકુલ ચોકસીનું મનુષ્યની સૅક્સલાઈફનાં અનેકાનેક પાસાંઓની તલસ્પર્શી છણાવટ કરતું પુસ્તક ‘જાતીય પ્રશ્નાવલી’ (પ્રકાશક : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395003 ફોન : (0261) 7431449 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવા સીદી, ગોપીપુરા, સુરત – 395003 ફોન : (0261) 7427882/7432563 પાનાં : 124, મુલ્ય : રુપીયા 90/–)માંથી લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક : DR. MUKUL M CHOKSI “ANGAT CLINIC” 406, WESTERN BUSINESS PARK, OPP. S. D. JAIN SCHOOL, VESU CHAR RASTA, UNIVERCITY ROAD, SURAT –395 007.  Phone : (0261) 3473243, 3478596 Fax : (0261)  3460650 e.Mail : mukulchoksi@gmail.comA

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 27–06–2022

4 Comments

 1. નિષ્ણાત ડૉ. મુકુલ ચોકસીએ -‘ શું નપુંસકતા માનસીક તથા મનોવૈજ્ઞાનીક કારણોસર થતી હોય છે? નપુંસકતાના અમુક કીસ્સાઓમાં શારીરીક પરીબળો જવાબદાર હોય છે? તબીબી અભીપ્રાય મેળવતા પહેલા નપુંસકતા માટે યુગલે શું કરવું જોઈએ? જેવા કહેવાય નહીં અને સહેવાય પણ નહીં એવા પ્રશ્નો’ના ઉત્તરો આપવાનો પ્રયત્ન કર્યો છે.તે બદલ
  .
  ધન્યવાદ

  Liked by 1 person

 2. This is perfect article for younger generation from expert Dr Mukul Choksey.
  Myth breaking & explained in full details & last also advised to see Dr. If any further doubt.
  This is more prevalent also these days seeing porn films which is one of additional reason also – comes comparing complex subconsciously.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s