ગુપ્તતા ભુલોને પોષણ આપે છે

સરકારી ‘ગુપ્તતા’એ મુળભુત રીતે નોકરશાહીની ભુલોને ચાલુ રહેવા દેવા માટે છે. લોકશાહીમાં ભ્રષ્ટાચારને ઉઘાડો પાડવો હોય તો દેશના વહીવટ અંગે સાચી હકીકતો જાણવાનો લોકોને હક છે.

ગુપ્તતા ભુલોને પોષણ આપે છે

– પ્રા. ધવલ મહેતા

લોકશાહીના નીચેના ચાર મુળભુત તત્ત્વો છે. પહેલુ તત્ત્વ; મુક્ત અને ન્યાયપુર્ણ ચુંટણીઓ જેને લીધે લોકોને રાજકીય ભાગીદારી મળે છે; પરન્તુ આ ભાગીદારી અધુરી છે. સરકારને ચુંટવાનો અધીકાર અમુક સમયે જ મળે છે. એક વખત ચુંટાયા પછી સરકાર લોકોના કાબુમાં રહેતી નથી. બીજુ તત્ત્વ; પ્રચાર અને પ્રસારના માધ્યમોને લોકોના અભીપ્રાયો અને માન્યતાઓ રજુ કરવાનું સ્વાતન્ત્ર્ય. અભીવ્યક્તીનું સ્વાતન્ત્ર્ય લોકશાહીનો પ્રાણ છે તે સરકારને કાબુમાં રાખે છે. જગતની દરેક સરકાર બીજા કશાથી નહીં; પરન્તુ મીડીયાથી બહુ ગભરાય છે. ત્રીજુ તત્ત્વ; વહીવટ, સરકાર અને ન્યાયતન્ત્ર વચ્ચે સત્તાની વહેંચણી અંગેનું છે. આ ત્રણે અલગ ના હોય તો સરકાર અને તેનો રાજકીય પક્ષ ભ્રષ્ટાચાર અને આપખુદીની હદ વટાવી જાય. સરકાર અને તેનો રાજકીય પક્ષ વીરોધીઓને મારી નાંખે અને ન્યાયતન્ત્ર તેનું મુક સાક્ષી બની જાય, ન્યાયતન્ત્ર તો સમ્પુર્ણ સ્વતન્ત્ર હોવું જોઈએ. ભારતમાં હવે ધીરે ધીરે જયુડીસીઅલ એક્ટીવીઝમ – ન્યાયતાંત્રીક દરમીયાનગીરી ને લીધે સરકારે કાંઈક લોકો માટે સજાગ બની છે. ચોથુ તત્ત્વ; ખુલ્લો નાગરીક સમાજ જેમાં નાગરીકોનો સંગઠન કરવાનો અને શાંતીપુર્ણ સભા–સરઘસો–પ્રતીકાર કરવાનો અધીકાર આવી જાય છે; પરન્તુ ભારતમાં નાગરીક સમાજના સંગઠનો જેઓ માનવ અધીકારની રક્ષા કરવા રાજ્ય સામે લડે તેવા ઓછા છે. હજારો અને લાખો ધાર્મીક સંગઠનો અવશ્ય છે; પરન્તુ તેઓ માનવ અધીકારો માટે બેફીકર છે. તેઓની મુખ્ય પ્રવૃત્તી ધાર્મીક ઉત્સવોની ઉજવણી, ભજન, કીર્તન, ગુરુપુજન, ધાર્મીક સ્થળોની ભવ્ય બાંધણી પુરતી મર્યાદીત છે.

દેશના વહીવટ અંગે સાચી હકીકતો જાણવાનો લોકોને હક છે. ઓફીસીઅલ સીક્રેટ્સ એક્ટની કલમ–5 મુજબ કોઈ પણ ખાનગી બાબતને જાહેર કરવાની મનાઈ ફરમાવે છે; પરન્તુ કઈ બાબતને ખાનગી રાખવી તેનો નીર્ણય સરકારી અધીકારી કે સરકારી ખાતાઓ મનસ્વી રીતે કરે છે. આ કલમ વહીવટને અપારદર્શક બનાવે છે. ભ્રષ્ટાચારને ઉઘાડો પાડવો હોય તો સરકારી વ્યવહારો પારદર્શી જોઈએ. અમેરીકામાં ફ્રીડમ ઓફ ઈન્ફર્મેશન એક્ટ, 1966 ત્યાંના નાગરીકને સરકાર કઈ રીતે કામગીરી બજાવે છે તે જાણવાનો પુર્ણ હક આપે છે. ત્યાંના લોકો જાહેર આરોગ્ય, ચીજવસ્તુની સલામતી, કામગીરી, વાતાવરણીય પ્રદુષણ, રાષ્ટ્રીય સંરક્ષણ અને અર્થકારણ વીષે અનેક સવાલો પુછે છે અને સરકારે તેનો જવાબ આપવો પડે છે. બ્રીટનમાં પણ ફ્રીડમ ઓફ ઈન્ફર્મેશન એક્ટની નીચે લોકોના સવાલોનો વહીવટકર્તાઓએ વીસ દીવસમાં લેખીત જવાબ આપવો પડે છે. વળી અમેરીકામાં તો પ્રાઈવસી એક્ટ 1974 નામનો ધારો છે. તેની નીચે તમારે વીષે કોઈ પણ ખોટી હકીકત સરકારી દફતરમાં હોય તો તેની નકલ મંગાવી તેને સુધરાવવાનો હક છે.

ભારતમાં ભ્રષ્ટાચારે માઝા મુકી છે. ભ્રષ્ટાચાર ખાનગી જગ્યાઓમાં ફાલેફુલે છે. જાહેર જગ્યાઓથી તે ગભરાય છે. આ કારણે જો લોકોને સરકારી સંસ્થાઓ પાસેથી માહીતી મેળવવાનો હક હોય તો ભ્રષ્ટાચારની માત્રા ઓછી થતી જાય. ભ્રષ્ટાચારની સામે લડવા માટે સરકારી વહીવટમાં પારદર્શકતા જરુરી છે. વળી ભ્રષ્ટાચાર જાહેર માધ્યમોના પ્રચારથી ઘણો ગભરાય છે. ગુપ્તતા હેઠળ ભ્રષ્ટાચારને છુપાવી શકાય છે. સરકારી ‘ગુપ્તતા’એ મુળભુત રીતે નોકરશાહીની ભુલોને ચાલુ રહેવા દેવા માટે છે. પુરેપુરી માહીતીના આધારે ખુલ્લી ચર્ચા અને જાહેર પ્રશ્નની ચર્ચા આપણા સામાજીક સ્વાથ્ય માટે અત્યંત જરુરી છે. ખુલ્લા સમાજમાં જાહેર સત્તાએ ભાગ્યે જ કશું છુપાવવું જોઈએ. દેશના વહીવટ અંગે સાચી હકીકતો જાણવાનો લોકોને હક એ લોકશાહી રાષ્ટ્રના પાયાનો સ્તમ્ભ છે.

– પ્રા. ધવલ મહેતા

લેખક–સમ્પર્ક : પ્રા. ધવલ મહેતા, બી-13, કોણાર્ક – કરીશ્મા એપાર્ટમેન્ટ, રેણુકા હૉલ સામે, વસ્ત્રાપુર, અમદાવાદ – 380 015 ફોન નંબર : 079 2675 4549 ઈ.મેલ : dhawalanjali48@yahoo.com

શ્રી રમેશ સવાણી સમ્પાદીત ‘નદીની મોકળાશ કાંઠા વચ્ચે’ પુસ્તીકા (સમ્પાદક–પ્રકાશક : ‘માનવવીકાસ ટ્રસ્ટ, ગુજરાત’ 10, જતીન બંગલો, ફાયર સ્ટેશન રોડ, બોડકદેવ, અમદાવાદ – 380 054, ઈ–મેલ : rjsavani@gmail.com )માંથી, લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત રૅશનલ બ્લોગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુgovindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ :  17/06/2022

6 Comments

 1. હજારો અને લાખો ધાર્મીક સંગઠનો અવશ્ય છે; પરન્તુ તેઓ માનવ અધીકારો માટે બેફીકર છે. તેઓની મુખ્ય પ્રવૃત્તી ધાર્મીક ઉત્સવોની ઉજવણી, ભજન, કીર્તન, ગુરુપુજન, ધાર્મીક સ્થળોની ભવ્ય બાંધણી પુરતી મર્યાદીત છે.👍 “સરકારી ‘ગુપ્તતા’એ મુળભુત રીતે નોકરશાહીની ભુલોને ચાલુ રહેવા દેવા માટે છે”✔

  Liked by 2 people

 2. ..

  નોકરસાહી અને ભુલો

  ..

  ૨૦૦૧ના ભુકંપ વખતે સરકારી માલમીલકત ને પણ ઘણું નુકસાન થયેલ જેમકે પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, આરોગ્ય કેન્દ્ર, અને અન્ય માલ મીલકત. ઘણીં સહાયતા મળેલ અને વીવીધ યોજનાઓથી નવા મકાનો બનેલ.

  કચ્છના ડુમરા ગામે સરકારી ઉચ્ચ માધ્યમિક શાળા માટે જરુરી જમીન માટે એક ટ્રસ્ટે મને જમીન આપવા કાર્યવાહી કરવા પત્રવ્યવહાર માટે જણાંવેલ અને કોઈજ શરત વગર ટ્રસ્ટની એ જમીન ઉપર વીશાળ સરકારી મકાન તૈયાર થયું.

  એ મકાનના ખાત મુહરત વખતે મુખ્ય મંત્રી શ્રી સુરેશ ભાઈ મહેતા તથા કચ્છ જીલ્લાના અન્ય રાજકીય તથા સરકારી અમલદારો સાથે આજુબાજુના ત્રીસ ગામોના પ્રતીનીધીઓ હાજર રહેલ.

  ઘણાં સમય પછી એ હાઈસ્કુલની મુલાકાત વખતે મને જણાંવવામાં આવેલ કે સરકારી બાંધકામ ખાતામાં નોંધ માટે ભેટ આપેલ જમીનના જરુરી દસ્તાવેજ બનેલ નથી અને મકાનની જાળવણી કે સમારકામ માટે જરુરી છે. મેં બે ચાર જગ્યાએ પત્ર તથા રીમાઈન્ડર લખ્યા પણ કોઈએ જવાબ ન આપ્યો.

  છેવટે ગુજરાત સરકારના મુખ્ય સચિવને જણાંવેલ કે ગુજરાતમાં ભુકંપ વખતે દસ હજાર કરોડથી વધુનું જે બાંધકામ થયેલ છે એ કોણે કરાવેલ છે? સચિવે એનો જવાબ આપવા જાહેર બાંધકામ ખાતાને જણાંવ્યું. પછી ગાંધીનગર થી ગુજરાતના બાંધકામ ખાતાના વહીવટી વિભાગ, ત્યાંથી બધા જીલ્લા બાંધકામ અધિકારી અને છેવટે તાલુકા બાંધકામ અધિકારી સુધી તપાસ કરી મને જણાંવવાં સુચના આપવામાં આવેલ.

  મને લગભગ ૨૦૦ જગ્યાએથી જણાંવવામાં આવેલ કે એવું કોઈ બાંધકામ થયું નથી. મેં સાદો પત્ર સાદી ટપાલથી લખી સાથે ૨૦ રુપીયાનો ઈન્ડીયન પોસ્ટલ ઓર્ડર મોકલાવેલ. હજી સુધી ખબર નથી ગુજરાતમાં ઠેર ઠેર લાખો કરોડોનું એ બાંધકામ કોણે કરાવેલ છે ?

  વી.કે. વોરા, મોબ. ૯૮૨૦૦ ૮૬૮૧૩. તા. ૧.૭.૨૦૨૨.

  ..

  Liked by 3 people

 3. RTI Act ની ખામી એ છે કે સંબંધિત અધિકારી ખોટો જવાબ આપે તેની સામે દંડાત્મક કાર્યવાહીની જોગવાઈ નથી. જવાબ ન આપે તો દંડની જોગવાઈ છે. એટલે ખરો કે ખોટો જવાબ આપી દે અથવા નિયત સમયમર્યાદામાં અન્ય કચેરીને મોકલી આપે! પ્રસ્તુત કેસમાં સ્થળ પરના પંચનામા તથા ફોટો વીડીઓ દ્વારા સ્પષ્ટપણે સાબિત થાય છે કે બાંધકામ થયેલુ છે એટલે આપેલો જવાબ તદ્દન ખોટો છે

  Liked by 2 people

 4. પ્રા. ધવલ મહેતાનો ગુપ્તતા ભુલોને પોષણ આપે છે અંગે અભ્યસપૂર્ણ લેખ
  રાજકારણમા વિવાદાસ્પદ અંગે નવું જાણવા મળ્યું.

  Liked by 2 people

 5. Desired transperancy as per USA & Uk as author said is not possible here – atleast for this generation – it may change later fir better.
  However you tried to analyse nicely complete issue i congratulate.

  Liked by 2 people

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s