નીલેષભાઈ વૈશ્યક

શારીરીક કમી હોવા છતાં અનેક અડચણો પાર કરી, પોતે તો આગળ વધ્યા જ; પણ સાથોસાથ દીવ્યાંગો અને અનેક સામાન્ય વ્યક્તીઓના વીકાસ કરવા માટે અનન્ય સામાજીક જવાબદારી નીભાવનાર મુકસેવક શ્રી નીલેષભાઈના કાર્યોમાંથી આપણે પ્રેરણા મેળવીએ.

નીલેષભાઈ વૈશ્યક

–ડૉ. જનક શાહ અને ભારતી શાહ

સંક્લ્પ વીના એ શક્ય નથી,
તું રોક નયનનાં આંસુ મથી.
તું હાથની મુઠ્ઠી વાળી જો,
રેખાઓ બધી બદલાઈ જશે!

શેખાદમ આબુવાલાએ ખુબ સરસ વાત ઉપરોક્ત પંક્તીઓમાં અભીવ્યક્ત કરી છે. માનવી સંકલ્પ કરે અને સફળતા તેના ચરણોમાં આવી પડે છે તે હકીકત અનેક મહામાનવીઓએ પોતાના જીવન દ્વારા સાકાર કરી છે. મહાન તત્ત્વચીંતક સોક્રેટીસથી લઈ વીશ્વસમ્રાટ સીકંદર, માર્કોપોલો, કોલંબસ, વાસ્કો–ડી–ગામા, મહાત્મા ગાંધી, સ્વામી વીવેકાનન્દ, ચાર્લ્સ ડાર્વીન, અબ્રાહમ લીંકન, માર્ટીન લ્યુથર કીંગ, નેલ્સન મંડેલા જેવા અનેક મહાપુરુષોનાં જીવન સંકલ્પશક્તીના ચમત્કારનાં જીવંત ઉદાહરણ છે. સંકલ્પશક્તી માનવીને તળેટીથી શીખર સુધી પહોંચાડી શકે છે તેનું પ્રમાણ આપણને અનેક પર્વતારોહકોના વીક્રમજનક આરોહણો પરથી મળી આવ્યું છે. ‘હું આ કરવા શક્તીમાન છું’ તેવો વીચાર જ સફળતાનું પ્રથમ સોપાન છે. ‘I can’ સાથે ‘I will’ ને જોડી દઈશું તો અર્ધી બાજી જીતી ગયેલી જ છે.

જગવીખ્યાત નવલકથા ‘લા મીઝરેબલ’ના મહાન લેખક વીક્ટર હ્યુગોએ બહુ સરસ વાત કરી છે. “આપણામાં શક્તી અને બળનો ક્યારેય અને કોઈ પણ સમયે અભાવ હોતો નથી. તે બધું તો આપણામાં ભરપુર પડેલું છે, પરન્તુ જો કોઈ એક વસ્તુનો અભાવ હોય તો તે છે માત્ર સંકલ્પશક્તીનો. તમારી સંકલ્પશક્તી કોઈ પણ કાર્યને સાકાર કરી શકે છે.”

સંકલ્પશક્તી શું કરી શકે છે તેનું જીવતુંજાગતું ઉદાહરણ એટલે શ્રી નીલેષભાઈ વૈશ્યક. ગાંધીનગર જીલ્લાના ડભોડા ગામમાં જન્મેલા નીલેષભાઈ જીવનમાં અનેક તડકા–છાયાનો અનુભવ કરીને એક એવા સ્થાને પહોંચ્યા છે કે તેઓને દીલથી અભીનન્દન આપવા તમે મારી સાથે જોડાશો તેની મને ખાતરી છે. ચાલો આપણે તેમના જ શબ્દોમાં સંકલ્પશક્તીના આધારે અનેક સંઘર્ષો વેઠી સ્વામાનભેર જીવન જીવી અનેક વીકલાંગો માટે કેવી રીતે પ્રેરણા–સ્ત્રોત બની રહ્યા છે તેની વાત જાણી તેમને અભીનન્દનથી નવાજીએ.

“ઈન્જેકશનથી મને ડાબા પગે પોલીયો થયો અને બચપણથી જ કેલીપર્સ પહેરી એક નીશાળીયો બન્યો. ગ્રામ્ય જીવનમાં સુવીધાના અભાવે તકલીફ રહેતી, પરન્તુ મારા માતા–પીતા દ્વારા મને ઓછામાં ઓછી તકલીફ પડે તેવી કાળજીથી હું ઉછરતો જતો હતો. સૌથી મહત્ત્વની વાત એ છે કે બચપણમાં મારા ઑપરેશન પછી કસરત માટે દરરોજ સવારે 8.30ની ટ્રેનમાં અમદાવાદ મને મારા માતા–પીતા લઈને આવે અને 11.30ની ટ્રેનમાં મારી બા મને લઈને પાછા આવે અને મારા પીતાજી નોકરીએ જાય. આમ મારી સંકલ્પશક્તીનું મુખ્યબળ જો કોઈ હોય તો મારા પીતા જ છે. આજે હું દુનીયા સામે સ્વમાનભેર જીવી શકું છું તે મારા પીતાની દેન છે. એક કીલોમીટર ચાલીને હું શાળાએ જતો થયો તેમાં મારા પાપાનો ખુબ મોટો ફાળો છે. ધોરણ 1થી 10 સુધીના અભ્યાસમાં મારો 1થી 4 નંબર આવતો. મારા શીક્ષકોમાં હું પ્રીય વીદ્યાર્થી બની રહ્યો હતો. મારે ધોરણ 1થી 3 તો વર્ગમાં બેસવાનું રહેતુ. રીસેશમાં મારાં બા મને લેવા આવી જાય. આમ હું વર્ગમાં બેસતો થયો. બીજા વીદ્યાર્થીઓ સાથે હળતો–મળતો થયો અને મારું અતડાપણું દુર થયું.

ધોરણ દસ સુધી મને હું અપંગ છું તેવો અહેસાસ ક્યારેય થયો નથી. મીત્રો મારી પાસે હોંશેહોંશે શીખવા આવતા અને હું મને જેટલું આવડે તે તઓને શીખવતો. ગ્રામ્ય જીવન પસાર કરતાં–કરતાં હું કાકાના દીકરા સાથે લખોટીથી રમતો, ક્રીકેટ રમતો અને ગીલી–દંડા પણ રમતો. ક્રીકેટ રમતી વખતે તો ક્યારેક હું કેપ્ટન પણ બનતો. અમારી ટીમમાં મારી સાથે મારો નાનો ભાઈ, ગીરીશકાકાના દીકરાઓ બળવંત, હર્ષદ અને સંજય રહેતા. બીજા ફળીયાની ટીમ સાથે ક્રીકેટ જીતીને બગલ ઘોડીથી હું દોટ મુકતો તે મને આજે પણ યાદ છે.  ક્રીકેટ રમતી વખતે હું સ્લીપમાં ઉભો રહેતો અને પાંચથી સાત ફુટ જેટલો જંપ મારતો. મારી બાજુમાંથી દડો જાય નહીં કે કેચ છટકે નહીં. પછી બૉલ ભલે ગમે તેટલો ફાસ્ટ હોય. હું ધોરણ નવ અન દસમાં અભ્યાસ કરતો હતો ત્યારે ગામમાં ક્રીકેટ ટુર્નામેન્ટનું આયોજન થાય અને આજુબાજુના ગામડાના ખેલાડીઓ ભાગ લેવા આવે ત્યારે હું કોમેન્ટ્રી આપતો.

ધોરણ દસ પાસ કરી મેં ઈલેક્ટ્રોનીક ટ્રેડમાં આઈ.ટી.આઈ. પાસ કર્યું અને ધોરણ 12ની પરીક્ષા શાળાએ ગયા વગર ખાનગી વીદ્યાર્થી તરીકે અને ટયુશન વીના જાત મહેનતથી પાસ કરી. તેમાં શ્રી ઈશ્વરભાઈ મકવાણા સાહેબની હુંફ મને જીવનનાં કપરાં ચઢાણોમાં ખુબ કામ આવી. હવે જીવનની કડવી વાસ્તવીકતાઓ સામે આવી. વીકલાંગ તરીકે લોકોની દયા પર નીર્ભર રહેવું પડે અને લોકોનો વીકલાંગ પ્રત્યેનો જે અણગમો હોય તે જોઈને જીવનમાં ગંભીરતા આવવા લાગી. બચપણમાં વીતાવેલા તે ખેલકુદના દીવસો ક્યારેક યાદ આવતા ત્યારે સમસ્યા વગરની તે જીંદગીનો અહેસાસ થઈ આવતો. કૉલેજ દરમીયાન એ જ જુસ્સાસથી પણ ગંભીરતાથી અભ્યાસ ચાલુ કર્યો. મીત્રોમાં હું પ્રીય હતો. બધા જે મુક્તપણે એન્જોય કરતા તે હું મારી મર્યાદાને ધ્યાનમાં રાખી માણતો. દરેક ટેલેન્ટ મોર્નીંગ કે ઈવનીંગમાં હાજર રહેવામાં હું પહેલો હતો. કૉલેજની જી.એસ. અને સી.આર.ની ચુંટણીમાં કૉલેજ લીડર તેમની સમસ્યા લઈ મારી પાસે આવતા અને તે સમસ્યાઓને હું ઉકેલી આપતો. મીત્રોના પરીક્ષાના ફોર્મ કે સ્કૉલરશીપના ફોર્મ ભરી આપવામાં હું એક્કો હતો. આમ મને ખબર ન પડી કે હું ક્યારે સ્નાતક થઈ ગયો.

જીંદગીમાં સૌથી કડવો અનુભવ અનુસ્નાતક કક્ષાના અભ્યાસ વખતે થયો. અનુસ્નાતક કક્ષાની ઓરલ કસોટીમાં જ કેલીપર્સ પહેરેલા આ બીરાદરને પુછવામાં આવ્યું કે વર્ગમાં લાંબા પગ કરીને બેસશો તો બીજા વીદ્યાર્થીને તમે નહીં નડો? ત્યારે મને ખબર પડી કે કુદરત કેવી કેવી કસોટીની એરણે ચડાવે છે. ફક્ત વીકલાંગતાના લીધે નીચે ન બેસી શકવાને કારણે હું પ્રવેશ પરીક્ષામાં તે મહાવીદ્યાલયમાં નાપાસ થયો. જીવનની ખરી વાસ્તવીકતા સામે આવી. મને થયું કે મારી વીકલાંગતા નડતી હોય તો મારે આગળ અભ્યાસ નથી કરવો. હું ઘરે આવી ખુબ રડ્યો. મારી વેદના મારો મીત્ર રાજુ અને મારાં માતા–પીતા સમજતા હતા. મને દીલાસો આપવા તેમણે ખુબ પ્રયત્નો કર્યા. હું જીંદગીમાં આજ સુધી ડગ્યો ન હતો. મારા પાપાએ મને એવી કેળવણી આપી હતી કે હું સહેલાયથી ડગી ન જાઉં. ભગવાન મારી તરફેણમાં હતા. અચાનક સરદાર પટેલ યુનીવર્સીટી તરફથી મને એક કાગળ મળ્યો. પાછો હું રડી પડ્યો; પણ આ આંસુ ખુશીનાં હતાં. મને સરદાર પટેલ યુનીવર્સીટીએ લાઈબ્રેરી સાયન્સના અભ્યાસ માટે પ્રવેશ આપ્યો હતો. મને ફેકલ્ટીના હેડ એવા રાવલ સાહેબ અને  ઉર્મીલાબહેન તરફથી અનેરી હુંફ મળી અને હું ત્યાં હૉસ્ટેલમાં રહી અભ્યાસ પુરો કરી શક્યો. ત્યાંના મીત્રો એવા કમલેશભાઈ, વીનોદભાઈ બારીયા, અમીબહેન, ભારતીબહેન અને સ્મરણીય સંધ્યાબહેને મારા અભ્યાસમાં અને રહેઠાણમાં કોઈ ઉણપ આવવા ન દીધી. હું મનથી મક્કમ બનતો ગયો. બી.લીબ. કરી માસ્ટર ડીગ્રી પણ મેળવી. એસ. વી. કૉલેજ કે જ્યાંથી મેં સ્નાતકની પદવી લીધી હતી ત્યાં જ મારા ફોઈના દીકરા વી. જી. પંડ્યાની ભલામણથી અને ત્યાંના એક હોશીયાર વીદ્યાર્થીની કદરના ભાગ રુપે મને ગ્રંથપાલ તરીકેની જોબ ટ્રસ્ટીશ્રી ઉર્મીલાબહેન અને ડાયરેક્ટરશ્રી દર્શનસીંઘ શીખ સાહેબ તથા મારા સમયના કૉલેજના આચાર્યા મીરાબહેન મેનનના પ્રયત્નથી મળી.

શ્રી નીલેશભાઈની જીવન ઝરમર જાણી તેમની સંકલ્પશક્તીને બીરદાવ્યા વગર નહીં ચાલે. તે આજે માને છે કે વીકલાંગતા તેમની કમજોરી નથી, પણ તે વીકલાંગતાએ જ તેમને બહાદુર, નીરાભીમાન, પરીશ્રમી અને ભલા બનાવ્યા છે. આજે શારીરીક કમી હોવા છતાં અનેક અડચણો પાર કરી તેઓ આગળ વધ્યા છે. અનેક કાર્યોમાં વ્યસ્ત હોવા છતાં વીકલાંગો અને સામાન્ય વ્યક્તીના વીકાસના કાર્યોમાં રસ લઈ પોતે પણ આગળ વધી રહ્યા છે. તેઓએ  એપ્રીલ, 2008માં સરદાર પટેલ યુનીવર્સીટીમાંથી એમ.ફીલ. કરી શીક્ષણ ક્ષેત્રે પુર્ણવીરામ નથી મુક્યું. હાલ તેઓ વીર નર્મદ યુનીવર્સીટીમાંથી પીએચ.ડી.નો અભ્યાસ કરી રહ્યા છે. તેમના સંશોધનનો વીષય છે ‘અન્ધ ફીઝીઓથેરાપી ડૉક્ટરોની માહીતી, જરુરીયાત અને ઉપયોગીતાની પદ્ધતી’.

વર્તમાનમાં તેઓ ચીમનભાઈ પટેલ ઈન્સ્ટીટ્યુટમાં ગ્રંથપાલ તરીકેની સેવા આપે છે. ફક્ત ગ્રંથપાલ તરીકેની જ નોકરી કરી તેમણે સંતોષ માન્યો નથી. તેઓએ ડૉ. બાબાસાહેબ ઓપન યુનીવર્સીટીનાં એલ. ડી. આર્ટસ કૉલેજ સેન્ટરમાં લેક્ચર આપ્યા છે. તેમણે 21 કોન્ફરન્સમાં ભાગ લીધો છે, જેમાંથી 7 રાષ્ટ્રીય કક્ષાએ અને 14 રાજ્ય કક્ષાની હતી. તેમના 13 સંશોધન પેપરમાંથી 3 રાષ્ટ્રીય કક્ષાએ અને 10 રાજ્ય કક્ષાએ પ્રકાશીત થયા છે. રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ કુલ 5 સંશોધન પેપર પર તેમણે પ્રેઝન્ટેશન આપેલ છે.

પોતાની પાસે રહેલ શક્તીઓનો ઉપયોગ કરી તેઓ પોતાની સામાજીક જવાબદારી નીભાવે છે. ‘વીશ્વાસ ચેરીટેબલ ટ્રસ્ટ’, સૈજપુરમાં 2001થી ચેરમેન તરીકે સેવા આપે છે. ટ્રસ્ટ દ્વારા તેમણે 650થી વધુ વીકલાંગો અને વીદ્યાર્થીઓને સાધનસહાય, આર્થીકસહાય તથા રોજગારી ક્ષેત્રે સહાય કરેલ છે. મ્યુઝીકલ કાર્યક્રમો, રક્તદાન શીબીરો તેમ જ બાળકોના કાર્યક્રમો કર્યા છે. 2010થી આજ સુધીમાં જરુરીયાતમંદ વીદ્યાર્થીઓને વીનામુલ્યે દસ હજાર નોટબુકોનું વીતરણ કરવામાં આવ્યું છે. તેઓએ પાંચ વખત રક્તદાન પણ કરેલ છે.

ઉપરોક્ત સંસ્થા દ્વારા નીલેશભાઈના પ્રતીનીધીત્વમાં ડીસેમ્બર 2009થી આજ સુધી સૈજપુરમાં ટીમ અગ્રેસર ગીરીશભાઈ ચાવડા અને નવીનભાઈ સોલંકી સાથે રહી સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો વીનામુલ્યે ચલાવ્યા છે. આ સ્પર્ધાત્મક પરીક્ષાનું મટીરીયલ વીનામુલ્યે અપાય છે. અત્યારે 100 વીદ્યાર્થીઓ તેનો લાભ લે છે. જેમાં નીલેષભાઈ ફેકલ્ટી વ્યવસ્થા સંભાળે છે તેમ જ પોતે ઇતીહાસ, ભુગોળ અને ભારતીય બંધારણનાં વીષયો ભણાવે છે. તેઓ તમામ વીષયના પેપર સેટ કરી મોક ટેસ્ટની જવાબદારી પણ સંભાળે છે. તેમના માર્ગદર્શન હેઠળ વીદ્યાર્થીઓની શીસ્ત અને જીવનના મુલ્યો શું છે તે ઉપર ભાર આપી વીદ્યાર્થીઓને ખાસ ટ્રેનીંગ અપાય છે. અત્યાર સુધીમાં તલાટી, કૉન્સ્ટેબલ, પીએસઆઈ, બેંક ક્લાર્ક, ગૌણ સેવા અને ગુજરાત હાઈકૉર્ટમાં ક્લાર્ક તરીકે કુલ પચાસ જેટલા યુવાનોને નોકરી મળી છે.

‘નવસર્જન સેવા ટ્રસ્ટ’માં ફાઉન્ડર ટ્રસ્ટી તરીકે તેઓ સેવા આપે છે. ટ્રસ્ટમાં રજીસ્ટર થયેલ ઉમેદવારોને સરકારી નોકરીઓની જાહેરાતોની માહીતી ઈ.મેલ દ્વારા આપવામાં આવે છે. ‘વાકસ્વમાન’ પાક્ષીકમાં કમીટી મેમ્બર તરીકે તેઓ સેવા પણ આપે છે. અમદાવાદના PHA INTERNATIONAL દ્વારા વીકલાંગોના વીકાસના કાર્યો કરે છે જેમાં તેઓ એક્ટીવ મેમ્બર તરીકે સેવા આપે છે. PHA INTERNATIONAL માં છેલ્લા ચાર વર્ષથી રાજ્ય કક્ષાએ વીકલાંગો માટે ગરબાનું આયોજન કરે છે. નવરાત્રીના ગરબામાં ગુજરાતભરના વીકલાંગો ભાગ લે છે અને તેમાં તેઓ સ્ટેજ સંચાલન સુપેરે નીભાવે છે.

‘સ્પર્ધાત્મક પરીક્ષા અભ્યાસ વર્તુળ’, અમદાવાદમાં તેઓ કો–ઓર્ડીનેટર તરીકે સેવા આપે છે. આ સંસ્થા દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શન માટે શીબીરોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જે તે વીસ્તારના સંગઠનોના સહયોગ અને સહકારથી ગુજરાતના અમદાવાદ, વાડજ, અડાલજ, મહેસાણા, પાલનપુર, ઈડર, આણંદ, રાજકોટ, ધોળકા, રાધનપુર, સૈજપુર, દહેગામમાં કુલ 14 સેમીનારનું આયોજન કરવામાં આવેલ. તેમાં 1575 જેટલા ગુજરાતના વીદ્યાર્થીઓએ લાભ લીધો હતો. તેમણે બેંક અને જીપીએસસીનાં બે પુસ્તકો પ્રકાશીત કર્યા છે. તેમણે 14 સેમીનાર અને બે પુસ્તકોમાં કોર્ડીનેટર તરીકે સીંહફાળો આપ્યો છે. કલોલ, ગાંધીનગર, ઈસનપુર દાણીલીમડા, રાણીપ અને ધોળકાનાં સેન્ટરોમાં વીનામુલ્યે વ્યાખ્યાનો આપી જ્ઞાનગંગા વહેવડાવી છે.

બોલો, હવે તો તમે શ્રી નીલેષભાઈની સંકલ્પશક્તીના આધારે મેળવેલી સીદ્ધીઓને બીરદાવશોને? ‘માનવવીકાસ અને ક્લ્યાણ ટ્રસ્ટ’ તરફથી નીલેષભાઈને ખુબ ખુબ ધન્યવાદ અને હજી પણ તેઓ ઉત્તરોત્તર પ્રગતી કરતા રહે તેવી હાર્દીક શુભેચ્છાઓ. નમ્રતા, શુદ્ધ પ્રેમ, દયા, ક્ષમા અને કરુણાનો વીકાસ થાય એવા દીવ્ય ભાવ સાથે માનવસેવાનાં કાર્યો દ્વારા હૃદયને શુદ્ધ કરો. તમે પ્રેમ, પવીત્રતા અને સ્વાર્થ ત્યાગમાં ખુબ આગળ વધો એ જ અભ્યર્થના.

તા.ક.; બન્ને પગે દીવ્યાંગ હોવા છતાં આજીવન સેવાકીય પ્રવૃત્તી કરનાર મુકસેવક નીલેશભાઈ કરશનભાઇ વૈશ્યક (ઉમ્મર : 47 વર્ષ) તા. 14.04.2021ના રોજ કોરોના સામે જંગ હારી ગયા હતા. સ્મરણીય નીલેશભાઈને ‘અભીવ્યક્તી’ પરીવાર હૃદયાંજલી પાઠવે છે. ..ગોવીન્દ મારુ..

‘ડીસેબલ્ડ’ નહીં પણ ‘સ્પેશ્યલી એબલ્ડ – ફીઝીકલી ચેલેન્જ્ડ’ માનવીઓના મનોબળની વીરકથાઓનો સંગ્રહ ‘અડગ મનના ગજબ માનવી’ ‘અભીવ્યક્તી’ બ્લૉગને ભેટ મોકલવા બદલ ડૉ. જનકભાઈ શાહ અને સુશ્રી. ભારતીબહેન શાહનો દીલથી આભાર..

‘અડગ મનના ગજબ માનવી’ પુસ્તકના (પ્રકાશક : માનવવીકાસ અને કલ્યાણ ટ્રસ્ટ, એમ–10, શ્રીનન્દનગર, વીભાગ–4, વેજલપુર, અમદાવાદ – 380 051 પ્રથમ આવૃત્તી : 2016 પૃષ્ઠ : 90 + 4, મુલ્ય : રુપીયા 120/– ઈ.મેલ : madanmohanvaishnav7@gmail.com )માંથી, લેખકદમ્પતીના અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : ડૉ. જનક શાહ અને સુશ્રી. ભારતી શાહ, 101, વાસુપુજ્ય–।।, સાધના હાઈ સ્કુલ સામે, પ્રીતમનગરના અખાડાની બાજુમાં, એલીસબ્રીજ, અમદાવાદ – 380 006 ફોન : (079) 2658 1534 સેલફોન : +91 94276 66406 ઈ.મેલ : janakbhai_1949@yahoo.com  વેબસાઈટ : http://janakbshah.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 04–07–2022

5 Comments

 1. સરળ સ્વભાવ અને હંમેશા સ્માઈલી ચેહરા સાથે તેઓ મળતા હતા. ખરેખર એક શ્રેષ્ઠ લાઇબ્રેરીયન હતા. તેઓશ્રીની ખોટ હંમેશા રહેશે. તેમના શ્રી ચરણોમાં મારા વંદન

  Liked by 1 person

 2. Read all Sankalp Shakti of Nileshbhai & reading last note of corona became depressed as if I lost one of my family member.
  Having done such a great service he left many eyes crying & missing him.

  Liked by 1 person

 3. ડૉ. જનક શાહ અને ભારતી શાહનો શારીરીક કમી હોવા છતાં અનેક અડચણો પાર કરી, પોતે તો આગળ વધ્યા જ; પણ સાથોસાથ દીવ્યાંગો અને અનેક સામાન્ય વ્યક્તીઓના વીકાસ કરવા માટે અનન્ય સામાજીક જવાબદારી નીભાવનાર મુકસેવક નીલેષભાઈના કાર્યોનો પ્રેરણાદાયી લેખ
  ધન્યવાદ

  Liked by 1 person

 4. મૂક સેવક નિલેશભાઈના કાર્યોનો પ્રેરણાદાયી લેખ… ખરેખર અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s