દેશમાં હજારો–લાખોની સંખ્યામાં થતાં બાળલગ્નોને અટકાવવા માટે કાયદાઓ હોવા છતાં પોલીસ, નેતાઓ, સામાજીક સંસ્થાઓ અને સરકાર શું કરી રહી છે? બાળલગ્નો સાથે વસતીવધારો, સ્વાસ્થ્ય અને વધતી ગરીબીને શું સ્નાનસુતકનો સમ્બન્ધ છે?
મને છોકરી પાટુ મારે છે
–ભગવાનજી રૈયાણી
શીર્ષક વીચીત્ર લાગે છે? પણ આ એક સત્ય ઘટના છે. વાત છે 1942ની એટલે કે 80 વર્ષના અરસાની. આ લેખકના મોટા ભાઈના છ વરસની વયે લગ્ન લેવાયા. કોડીલી કન્યાને જાનની વીદાય વખતે શણગારેલા સૌથી આગળના ગાડામાં થોડા વખત માટે વરની પાસે બેસાડીને ઉતારી લેવાનો રીવાજ. ઢોલ, શરણાઈ અને જાનડીયુંના ગીત–સંગીત સાથે મારા પાંચ વરસના ‘ભાભી’ને ઉંચકીને ‘પતી’ પાસે બેસાડ્યા અને એમણે ભેંકડો તાણીને પગ ઉછાળવા માંડ્યા. બાળ વરરાજાએ પણ રાડારાડ કરી મુકી અને કીધું કે ‘આ કોઈની છોકરી મને પાટુ મારે છે, એને મારી પાસેથી લઈ લ્યો.’
આજે વાત માંડવી છે બાળલગ્નોની. તાજેતરમાં પ્રસીદ્ધ થયેલ એક નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યુરોના અહેવાલ મુજબ 2019 કરતાં 2020માં બાળલગ્નોની સંખ્યામાં 50 ટકા જેટલો વધારો થયો છે. આવા લગ્નોને રજીસ્ટર તો કરાવવા જ પડે છે. કોરોનાની બેકારીએ પણ આવા લગ્નો પ્રતીબંધીત હોવા છતાં દીકરીઓના હાથ પીળા કરાવ્યા છે. ચાઈલ્ડ મેરેજ રીસ્ટ્રેઈન્ટ એક્ટ, 1929 મુજબ યુવાન 21 અને યુવતી 18 વરસની થાય પછી જ લગ્નની વય નક્કી થઈ છે. એની પહેલા બાળકોના લગ્ન કરાવનાર માતા–પીતા અને ગોર તકસીરવાર ઠરે છે. ફરીયાદ ન નોંધનાર પોલીસ પણ સજાને પાત્ર ઠરે છે. જુના જમાનામાં આવું નહોતું. રામ, લક્ષ્મણ, કૃષ્ણ, પાંડવો, કૌરવો, ઋષીઓ ક્યાં કુમળી વયે પરણ્યા હતા! એ તો સ્વયંવરનો જમાનો હતો.
બાળલગ્નો એ માત્ર ભારતનો જ પ્રશ્ન નથી. પશ્ચીમ આફ્રીકાના નાઈઝર અને ચાડ તેમ જ એશીયાના બાંગ્લાદેશ જેવા ગરીબ દેશોમાં તો આ પ્રથા જાણે સામાન્ય હોય એમ આ પ્રમાણ 63થી 75 ટકા જેટલું છે. દુનીયાભરમાં આવા 10 લાખ બાળલગ્નો થાય છે એના ત્રીજા ભાગનાં માત્ર ભારતમાં જ થાય છે. ગાંધીજી કસ્તુરબાને તેરમે વર્ષે અને સરદાર પટેલ ઝવેરબાને સોળમે વરસે પરણાવ્યા હતા. એ વખતે બ્રીટીશ શાસનમાં બાળપ્રતીબંધક લગ્નનો ધારો અમલમાં નહોતો. તેઓ આવો કાયદો છેક 1929માં લાવ્યા. અમુક સમાજમાં ‘મોલકી’ની પ્રથા હતી, જેમાં વરના બાપે કન્યાના બાપને અમુક નક્કી થયેલ રકમ અથવા ઘેટાં, બકરાં, ગાય, ભેંસ, બળદ વગેરે આપવા પડતા. આ મોલકી એટલે હ્યુમન ટ્રાફીકીંગ કે દીકરીનું ખરીદખત. દીકરીને સાસરીમાં મોલકી કહીને ઉતારી પાડવામાં આવતી. સમાજમાં એની ઈજ્જત નહોતી.
આઝાદીના 75મા વરસે પણ આપણે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ના ગાણાં ગાતાં રહીએ છીએ; પણ સંવીધાનની ક્લમ 14 મુજબ સ્ત્રીપુરુષ સમાનતા અને 21મી ક્લમ લાઈફ એન્ડ લીબર્ટીના ધ્યેયથી આપણે હજુ જોજનો દુર છીએ. આપણા આધુનીક સમયમાં પણ કહેવાતા શીક્ષીત અને પ્રગતીશીલ માણસો સાત સાત દીકરીએ દીકરાની રાહ જોતા હોય છે. અન્ધશ્રદ્ધા તો એવી કે પીંડદાન તો દીકરો જ કરી શકે છે અને ઘડપણમાં અમારી લાકડી બનીને અમને પાળશે, પોષશે પણ આવી કોઈ ગેરંટી છે? હા, વૃદ્ધાશ્રમને દરવાજે પણ ઉતારી જાય. 80 વરસ પહેલાં આપણા કડવા પાટીદાર સમાજમાં એક રીવાજ હતો એ મુજબ દર બાર વરસે ઉંઝા સ્થાનકથી ઉમીયા માતાજીની લગ્નના ચોક્સ મહીનાની ચીઠ્ઠી ફાટે એ દરમીયાન જ દીકરા–દીકરીનાં લગ્ન થઈ શકે. એમાં ઘોડીયામાં સુતેલ બાળકથી માંડીને 24 વરસે પહોંચેલ (કેટલાક આગલી ચીઠ્ઠીમાં રહી ગયા હોય) છોકરાછોકરીઓનાં લગ્ન લેવાય. અરે બે સખીઓ સગર્ભા હોય તો પેટે ચાંદલા થાય. જો એકને દીકરો અને બીજીને દીકરી આવે તો આગલી બાર વરસની ચીઠ્ઠીના માસ દરમીયાન પરણાવી દેવાના. એ જમાનામાં લગ્ન પહેલાં એકબીજાને જોવાનો રીવાજ નહોતો. કજોડાનો પાર નહીં; છતાં આજના જેટલા છુટાછેડા નહોતા થતા. પડ્યું પાનું નીભાવી લેવાતું. સમયની સાથે તાલ મેળવવામાં ભારત હરગીઝ પાછળ નથી. આપણી સંસદે પણ બાળકોને જંગાલીયતમાંથી બચાવવા માટે ધ જુવેનાઈલ જસ્ટીસ એકટ, 2000 અને પ્રોટેકશન ઓફ ચીલ્ડ્રન ફ્રોમ સેક્યુઅલ ઓફેન્સીસ એકટ (પીઓસીએસઓ), 2012ર જેવા પ્રગતીશીલ કાનુનો બનાવ્યા છે. અંગ્રેજોના વખતનો ચાઈલ્ડ મેરેજ એકટ અને ઉપરોક્ત બન્ને કાયદા 18 વર્ષીય નાના સગીરોના રક્ષણ માટે છે. સગીર ગુનો કરે તો પણ એને હળવી સજા કરીને સરકારના સુધારગૃહ (રીફોર્સ હોમ)માં અમુક મહીના કે એક–બે વર્ષ માટે નીષ્ણાત મનોચીકીત્સકોની નીશ્રામાં મોક્લી આપવામાં આવે છે, જેમ કે નીર્ભયા કેસમાં રેપ અને ખુનમાં સંડોવાયેલા છોકરાને આ રીતે જ રક્ષણ મળી ગયું અને ફાંસીમાંથી બચી ગયો.
આપણને થાય કે દેશમાં હજારો–લાખોની સંખ્યામાં થતાં બાળલગ્નોને અટકાવવામાં આટલા સરસ કાયદાઓ હોવા છતાં પોલીસ, નેતાઓ, સામાજીક સંસ્થાઓ અને સરકાર શું કરી રહી છે? જવાબ છે કે પોલીસ હપ્તા ખાય છે, નેતા પોતાની ગેંગ લઈને ચાર કે સાત ફેરા ફરતાં બાળકોને આશીર્વાદ આપીને શોભામાં અભીવૃદ્ધી કરે છે, બધા સામાજીક કાર્યકરો આકરી પ્રતીક્રીયા (રીટેલીયેશન)નો સામનો કરવાનું જોખમ લેતા નથી અને સરકારનું તો ન બોલવામાં નવ ગુણ જેવું છે. બાળલગ્નોની વીભીષીકાના પરીણામો પર નજર નાખીએ તો સમજાશે કે એમાં ક્યાંય સરવાળો નથી, બધે બાદબાકી જ છે. 18 વરસથી નાની કીશોરીનાં તન અને મનના વીકાસનો ગ્રાફ હજુ ઉર્ધ્વ ગતીમાં ચાલી રહ્યો હોય છે. કાચી ઉમ્મરે બાળક જન્મવાથી એનો શારીરીક વીકાસ સ્થગીત થઈ જાય છે, માનસીક રીતે એ ઘર, વર અને પરીવારની જવાબદારીઓ સાથે બાળઉછેરને પુરતો ન્યાય આપી શકતી નથી. રોગપ્રતીકારક શક્તીનો પુરો વીકાસ થયો હોતો નથી. માંદગી દરમીયાન લાંબા સમય સુધી તરફડતી રહે છે અને ક્યારેક પ્રસુતીમૃત્યુ (મેટરનલ ડેથ)નું જોખમ રહે છે. અવીકસીત માતાનું અવીકસીત બાળક એ સમીકરણ પણ લાગુ પડે છે. વૈવાહીક દેહસમ્બન્ધ (મેરીટલ સેકસ) ઉપર પણ આપણે ત્યાં ક્રીમીનલ લૉ (એમેન્ડમેન્ટ) એકટ, 2013 લાગુ થયો છે, જે બાળલગ્નોને લાગુ પડે છે. કોઈ પણ રેપ કાયદાની દૃષ્ટીએ ગુનાહીત સજાને પાત્ર ઠરે છે. એ પહેલાં આ કાયદો પંદર વરસની યુવતી સુધી લાગુ પડતો હતો. એની સામે ઈન્ડીપેન્ડન્ટ થોટ નામે એક એનજીઓ (બીનસરકારી સંગઠન) સુપ્રીમ કોર્ટમાં ગયું. 2017ના કોર્ટના જજમેન્ટમાં ન્યાયાધીશોએ આંતરરાષ્ટ્રીય કન્વેન્શન ઓન ધ ચાઈલ્ડ (સીઆરસી)નો આધાર લીધો અને લખ્યું કે એના કોવેનન્ટ (પ્રતીજ્ઞાપત્ર) પર ભારતે પણ સહી કરી છે એ મુજબ 15–18 વયની સામે બે પરીણીત વ્યક્તીઓના સમ્મતીસુચક દેહસમ્બન્ધને પણ 18 વર્ષની નીચેનાને અમાન્ય ઠેરવ્યા. અદાલતે નોંધ્યું કે પરણ્યા પછી પણ મહીલાને પોતાના શરીર અને ગર્ભાધાન પર સમ્પુર્ણ અધીકાર કાયમ રહે છે. પત્નીની ઈચ્છા વીરુદ્ધ પતી પણ એમાં કોઈ દખલ કરવાને હકદાર નથી, સંવીધાનની કલમ 14 પ્રમાણે સ્ત્રી–પુરુષ સમાનતા અને ક્લમ 21 મુજબ જીવવાની સ્વતન્ત્રતા એ દરેક નાગરીકનો અબાધીત અધીકાર મનાયો છે. કમનસીબે સગીર કન્યાઓ કે પુખ્તવયની શીક્ષીત, અર્થ ઉત્પાદન કરીને પરીવારને સમૃદ્ધ કરતી મહીલાઓમાંની મોટા ભાગની આવા અધીકારોથી અજાણ હોય છે અને પતીઓની જોહુકમીનો ભોગ બનતી રહે છે. રાજ્યના સ્ત્રી અને બાળકલ્યાણ વીભાગ, નેશનલ કે રાજ્યોના વીમેન કમીશનો જનજાગૃતી ફેલાવવામાં સમ્પુર્ણ નીષ્ફળ ગયા છે. સ્ત્રીઓના હક્કો માટે લડતી મહીલા સંસ્થાઓએ પણ આવા કાયદાઓનો આધાર લઈને બાળલગ્નો અટકાવવાની ઝુંબેશ ઉપાડી નથી. સરકાર તો એની મતપેટીઓમાં કેદ થઈને બેઠી છે. બાળલગ્નો સાથે વસતીવધારો, સ્વાસ્થ્ય અને વધતી ગરીબીને કોઈ સ્નાનસુતકનો સમ્બન્ધ છે કે નહીં એનું ‘જ્ઞાન’ તો સરકારને નથી જ નથી. સંવેદનશીલ બીનસરકારી સંસ્થાઓ અને મહીલા વકીલો આ પ્રશ્ન ગંભીરતાથી ઉપાડી લે તો એ એક જ આશા છે.
–ભગવાનજી રૈયાણી
રૅશનાલીસ્ટ ભગવાનજી રૈયાણી ઍડવોકેટ નથી; છતાં ભારતભરમાં સૌથી વધુ 115 ‘જનહીંતની અરજી’ (Public Interest Litigation) નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. તેઓ ‘ફોરમ ફોર ફાસ્ટ જસ્ટીસ’ના સ્થાપક અને માનદ્ અધ્યક્ષ છે. તેઓ અંગ્રેજીમાં ‘ન્યાય દીશા’ ત્રીમાસીક ( http://fastjustice.org ) પણ પ્રકાશીત કરે છે. આ લેખ ‘અભીવ્યક્તી’ બ્લોગ માટે ખાસ મને મોકલવા બદલ હું તેઓનો આભાર માનું છું.
‘જન્મભુમી પ્રવાસી’ દૈનીક, મુમ્બઈમાં દર રવીવારે પ્રગટ થતી એમની કટાર ‘મેરા ભારત મહાન! મગર કભી કભી’માં તા. 14 નવેમ્બર, 2021ના રોજ પ્રગટ થયેલ એમનો આ લેખ, લેખકના અને ‘જન્મભુમી પ્રવાસી’ના સૌજન્યથી સાભાર…
લેખક સમ્પર્ક : Mr. Bhagvanji Raiyani, Ground Floorm, Kuber Bhuvan, Bajaj Road, Vile Parle (West), Mumbai – 400 056 Cellphone: 98204 03912 Phone (O): (022) 2614 8872 eMail: fastjustice@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 08–07–2022
Reblogged this on માનવધર્મ.
LikeLiked by 2 people
હવે આજકાલ બાળલગ્ન થતાં નથી.
LikeLike
Chimanlalbhai, simply go to Google search engine and type : law against child marriages india and other countries and widespred violations or simply child marriages corrently done in India and rewrite your comment.
LikeLiked by 1 person
શ્રી ભગવાનજી રૈયાણી ની વાત-‘ બાળલગ્નોની. તાજેતરમાં પ્રસીદ્ધ થયેલ એક નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યુરોના અહેવાલ મુજબ 2019 કરતાં 2020માં બાળલગ્નોની સંખ્યામાં 50 ટકા જેટલો વધારો થયો છે. ‘જાણી આશ્ચર્ય સાથે આઘાત લાગ્યો.
LikeLiked by 2 people
શ્રી ભગવાનજી રૈયાણી ની વાત-‘ બાળલગ્નોની. તાજેતરમાં પ્રસીદ્ધ થયેલ એક નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યુરોના અહેવાલ મુજબ 2019 કરતાં 2020માં બાળલગ્નોની સંખ્યામાં 50 ટકા જેટલો વધારો થયો છે. ‘જાણી આશ્ચર્ય સાથે આઘાત લાગ્યો.
હવે એવું રહ્યું નથી.
LikeLike
Please go to Google search and find out the truth.
LikeLiked by 1 person
બાળ લગ્નો આપણા દેશની વસ્તી વધારની સૌથી મોટી નબળી કડી છે. રાજકરણીઓ વોટબેન્ક માટે કાયદનો ક્ડક અમલ કરાવવામાં સંદતર નિષ્ફળ રહ્યાં છે.
LikeLiked by 2 people
સ્ત્રીઓના હક્કો માટે લડતી મહીલા સંસ્થાઓએ પણ આવા કાયદાઓનો આધાર લઈને બાળલગ્નો અટકાવવાની ઝુંબેશ ઉપાડી નથી. સરકાર તો એની મતપેટીઓમાં કેદ થઈને બેઠી છે. ✅✅✅
LikeLike
“સ્ત્રીઓના હક્કો માટે લડતી મહીલા સંસ્થાઓએ પણ આવા કાયદાઓનો આધાર લઈને બાળલગ્નો અટકાવવાની ઝુંબેશ ઉપાડી નથી. સરકાર તો એની મતપેટીઓમાં કેદ થઈને બેઠી છે”✅✅✅
LikeLiked by 1 person