જનનાંગો વીશે પ્રવર્તતી કેટલીક ગેરમાન્યતાઓ – 1

યુવાવર્ગમાં જનનાંગો સમ્બન્ધી પ્રવર્તતી કેટલીક ગેરમાન્યતાઓ દુર કરવા ડૉ. મુકુલ ચોકસી14 પ્રશ્નોના ઉત્તરો આપવાનો સન્નીષ્ઠ પ્રયત્ન કર્યો છે.

ખુશ ખબર

લોકોને અન્ધશ્રદ્ધાના બદલે બુદ્ધીના આધારે ચાલવાનું શીખવતા વીશ્વવીખ્યાત રૅશનાલીસ્ટ ડૉ. અબ્રાહમ ટી. કોવુરનું મુળ પુસ્તક ‘Begone Godmen!’નો ગુજરાતી અનુવાદ ‘એ લોકો તમને છેતરે છે’ ‘ની ત્રીજી આવૃત્તી ‘ડૉ. કોવુરની જન્મ શતાબ્દિ વર્ષ’માં  પ્રગટ થઈ હતી. અઢી દાયકાથી બજારમાં આ પુસ્તક અપ્રાપ્ય છે. આ પુસ્તકની ઈ.બુક ડાઉનલોડ કરવા માટે સ્રોત : https://govindmaru.files.wordpress.com/2022/07/ebook_62_dr_abrahm_kovur_e_loko_tamane_chhetarechhe_2022-07-10_6.30_am-1.pdf પર મૂકવામાં આવી છે. મને આશા અને વીશ્વાસ છે કે ‘એ લોકો તમને છેતરે છે’ ઈ.બુકના વાંચનથી ધર્મની ધાક, વહેમોનો વકરેલો વળગાડ દૂર થશે.

7

જનનાંગો વીશે પ્રવર્તતી
કેટલીક ગેરમાન્યતાઓ – 1

–ડૉ. મુકુલ ચોકસી

[‘જાતીય પ્રશ્નાવલી’ – 6 માણવા માટે લીન્ક : https://govindmaru.com/2022/06/27/dr-mukul-choksi-28/  ]

પ્રશ્ન : અમે ટુંક સમયમાં લગ્ન કરનાર છીએ. હાલ હાફમેરેજ થઈ ગયાં છે. અત્યારે તો અમે શરીરસુખ નથી માણતા પણ ભવીષ્ય અંગે એક મુંઝવણ છે અને તે એ કે લગ્ન બાદ શરીરસુખ કઈ રીતે માણી શકીશું? અમને ડર છે કે, જો ભુલમાં યોનીને બદલે પેશાબના સ્થળે શીશ્ન દાખલ થઈ જાય તો? શી રીતે ખબર પડે? કોઈ નુકસાન?

ઉત્તર : આપની ચીંતાનું કારણ કેવળ એ છે કે, આપને સેક્સનો કોઈ અનુભવ કે માહીતી નથી. આપણી જાતીય શરીરરચના વાસ્તવમાં જટલી જણાય છે એટલી સંકુલ કે મુંઝવણભરી નથી હોતી. સ્ત્રીનાં જનનાંગોમાં મુત્રદ્વારનું મુખ તથા યોનીદ્વારનું મુખ અલગ અલગ હોય છે, જેમાં મુત્રદ્વારનું મુખ ઉપર તરફ અને યોનીદ્વારનું મુખ નીચે તરફ હોય છે. યોનીદ્વારના મુખ દ્વારા માસીક સ્રાવ, સમાગમ અને પ્રસુતી શક્ય બને છે. યોનીદ્વારનું મુખ મુત્રદ્વારના મુખ કરતાં મોટું હોવાથી મીલન ટાણે શીશ્ન આ જ દ્વારમાં દાખલ થઈ શકે છે. મુત્રદ્વારનું મુખ અત્યંત નાનું હોવાથી તેમાં શીશ્ન પ્રવેશવાનું શક્ય નથી હોતું. આથી આપે આવો કોઈ ભય રાખવાની જરુર નથી. હા, કદાચ શરુશરુમાં આસનો, શરીરની ગોઠવણ વગેરેમાં પડતી તકલીફોને લીધે પ્રવેશમાં તકલીફ પડી શકે; પણ સમય જતા આવી કોઈ તકલીફો રહેતી નથી. જે રીતે જમવાનો કોળીયો મોંમાં જ જાય છે,  તે કોળીયો નાકમાં નથી જતો રહેતો. કંઈક એ જ રીતે યોનીદ્વાર અને મુત્રદ્વારનાં મુખો પોતપોતાનાં કાર્યો કરતાં જોવા મળે છે.

પ્રશ્ન : મારી ઉમ્મર વીસ વર્ષની છે. મને થોડાં વર્ષો પહેલાં પેશાબની નીચે આવેલ ગોળીઓમાં સોજો આવેલો. ત્યાર બાદ ગોળીઓ ધીમે ધીમે નાની થઈને સુકાઈ ગઈ છે. વળી દાઢી–મુછ પણ ખાસ ઉગ્યા નથી. મારા મીત્રો ઘણી વાર મારી મજાક કરે છે, કેમ કે તેઓ છોકરી સાથે વાતો કે મજાક કરે તેમાં હું જોડાતો નથી. અલબત્ત, ટીવી પર ઉત્તેજક દૃશ્યો જોઉં તો મને ઉત્થાન તથા વાસના જરુર જાગે છે. ક્યારેક હું હસ્તમૈથુન પણ કરી લઉં છું પણ તે વખતે કંઈ દ્રવ્ય નીકળતું નથી. મારા મીત્રો કહે છે કે, તે વખતે ચમચી ભરીને સફેદ, ચીકણું દ્રવ્ય નીકળવું જોઈએ. જો એ ન નીકળે તો તું નામર્દ થઈ જશે. હવે આ સંજોગોમાં હું ડરી ગયો છું. તો મારે શું કરવું એ જણાવશો.

ઉત્તર : આપની તકલીફના મુળમાં શુક્રપીંડની સમસ્યા છે. આપ જેને ‘ગોળીઓ સુકાઈ જવી’ કહો છો એ અવસ્થાનું નામ ‘ટેસ્ટીકયુલર એટ્રોફી’ છે. શુક્રપીંડની કાર્યશક્તી ખલાસ થઈ જવાથી (ટેસ્ટીકયુલર ફેઈલ્યોરથી) બે વસ્તુઓ બને છે. એક તો એમાંથી બનતા પુરુષાતન માટેના અંતઃસ્ત્રાવ (ટેસ્ટોસ્ટેરોન)નું લોહીમાં પ્રમાણ નહીંવત્ થઈ જાય છે અને બીજું સંતાનપ્રપ્તી માટે અનીવાર્ય ગણાતા એવા શુક્રાણુ (શુક્રજંતુ, સ્પર્મ્સ)નું ઉત્પાદન થઈ શકતું નથી. સ્પર્મ્સની આ ગેરહાજરી કાયમી રહેશે. કોઈ દવાથી ટેસ્ટીક્યુલર એટ્રોફી સાજી થવાની નથી. આથી આપના જીવનમાં સંતાનપ્રાપ્તી મુશ્કેલ બનશે. તેમ છતાં કન્ફરમેશન માટે આપે વીર્યની તપાસ કરાવી લેવી હીતાવહ છે. જો તેમાં ‘એઝુસ્પર્મીયા’ (શુક્રાણુઓનો સદંતર અભાવ) એવો રીપોર્ટ આવે તો ઉપરોક્ત શક્યતા સાચી ગણી લેવી જોઈએ.

આ વાતની શંકા આપની તબીબી તપાસ ઉપરથી આવી શકે છે.

પણ હું નથી માનતો કે, આપને જાતીય સુખ માણવામાં કોઈ મોટી મુશ્કેલી પડે! કેમ કે આપને સ્ત્રીઓમાં સહેજસાજ ઓછો તો ઓછો પણ ચોક્કસ રસ પડે જ છે. વળી આપ શીશ્નોત્થાન પણ અનુભવો છો અને હસ્તમૈથુન પણ કરો જ છો. ‘વીર્ય’ ભલેને ન નીકળતું હોય. વીર્ય નીકળ્યા વગરની સ્થીતી ‘ઓર્ગેઝન્સ’ કહેવાય છે. આમ સ્ત્રીસંગમાં સફળ થવા માટેની બધી આવશ્યક્તાઓ આપ ધરાવો છો. આથી હું માનું છું કે, જાતીય આનંદમાં થોડીઘણી વ્યવહારીક મુશ્કેલીઓ બાદ કરતાં આપને બહુ મોટી ખોડ આવવાની શક્યતા હાલ તો જણાતી નથી. મારા મતે આપે એવી કન્યા સાથે લગ્નસંબંધ બાંધવા જોઈએ, જેને પોતાને પણ ગર્ભાશયની કે એવી કોઈક ક્ષતી હોય. જો છોકરા, છોકરી બેઉમાં મા–બાપ બનવાની ક્ષતી હોય અને તેનું લગ્ન પહેલાં યોગ્ય નીદાન થઈ ગયું હોય તો તેઓ આમ પણ એકલા એકલા તકલીફમાં રહેતાં હશે. આથી આવાં છોકરાં છોકરી લગ્ન કરે તો તેઓની ક્ષતી પરસ્પર પુરક હોય બેવડાતી નથી. વંધ્યત્વ (સ્ટરીલીટી) એટલે કે સંતાન પ્રાપ્ત કરવાની ઉમ્મર જો બેઉ પક્ષે હોય તો બેઉએ એકમેક સાથે લગ્ન કરીને કંઈ વીશેષ ગુમાવવાનું નથી. ઉલટું તેઓ પોતાની ક્ષતી છુપાવીને અન્ય નોર્મલ માણસ સાથે લગ્ન કરશે તો બીજી એક વ્યક્તીને દુઃખી કરશે અને એકને બદલે કુલ બે દંપતી સંતાન વગરના રહી જશે. વળી આવી ગોઠવણથી બેઉને એકબીજાનો લાગણીગત આધાર પણ મળી રહેશે.

તમે તમારા ફેમીલી ડૉકટરને, આવી કોઈ કન્યા ધ્યાનમાં હોય તો તેને વીષે ગુપ્તતા જાળવવાના સોગંદ સાથે માહીતી પુછી શકો અને લગ્નની દીશામાં આગળ વધી શકો.

આપનાં દાઢીમુછ અંગે જો આપને વધારે પડતી ચીંતા હોય તો લોહીમાં હોર્મોન્સ (ટેસ્ટોસ્ટેરોન) વગેરેની તપાસ કરાવીને પછી તબીબી સલાહ અનુસાર હોર્મોન્સ લઈ શકો. ટેસ્ટોસ્ટેરોન કેમ્યુલ તથા લોંગટર્મ ડેપો ઈજેકશન્સના સ્વરુપમાં મળતું હોય છે. હોર્મોન્સ લીવર, પ્રોસ્ટેટ વગેરેની યોગ્ય તપાસ કરાવીને જ લેવાં. તેનાથી શુક્રજંતુ બનતા નથી થઈ જવાના પણ કદાચ કામેચ્છા તથા ઓર્ગેઝમ્સની ગુણવત્તામાં થોડો સુધારો થાય. એનાથી કદાચ વીર્યની ચીકાશ–જે આપને કવચીત અલ્પ માત્રામાં નીકળતી હોય–તેમાંય સહેજસાજ વધારો થઈ શકે; પણ તેમ થવાથી આપને કે આપના ભાવી પત્નીને મળનાર જાતીય સુખમાં ખાસ ફરક પડશે નહીં. કારણ કે ઓર્ગેઝમ એ ઓર્ગેઝમ જ રહેશે. વીર્યનીકળે કે ન નીકળે એનાથી ઓર્ગેઝમની ગુણવત્તામાં કોઈ ફરક પડશે નહીં. હોર્મોન્સ ક્યાં સુધી લેવા તે અંગે કોઈ ચોક્કસ ગાઈડલાઈન્સ નથી સુચવતો. કેમ કે એનો આધાર ક્લીનીકલ રીસ્પોન્સ, આપની જરુરીયાત, બીમારીનો તબક્કો તથા આડઅસરો ઉપર નીર્ભર રહેશે.

રહી વાત મીત્રોના આપના તરફના વલણની એ અંગે ઝાઝું ધ્યાન ન આપો. આપ અપસેટ થશો તો તેમને મજાક કરવાની વધારે ઈચ્છા થશે. છોકરીઓની વાતો ગ્રુપમાં કરવામાં કંઈ ધાડ નથી મારવાની, આપ ઈચ્છો તો આપ પણ એ કામ આસાનીથી કરી શકો. એમાં કંઈ લઘુતા અનુભવવાની જરુર નથી. બને તો થોડું વધારે શેવીંગ કરો. હસ્તમૈથુન ઈચ્છો ત્યારે કરી શકો. એ માટે જાત ઉપર બળજબરી ન કરો. જરુરી જણાય તો સાથે ઈરોટીક ફેન્ટસી કે લીટરેચરનો ક્યારેક ઉપયોગ કરી શકો. સેક્સ થેરાપીસ્ટ, એન્ડોક્રાઈનોલૉજીસ્ટ કે એન્ડ્રોલૉજીસ્ટના સમ્પર્કમાં રહો. યાદ રાખો! ઘરેલુ નુસખાઓથી મનની સાંત્વના મળશે પણ ઝાઝો ફાયદો આ સ્થીતીમાં નહીં થશે. બહુ ચીંતામાં રહેવાનો ગેરફાયદો એ છે કે ચીંતાને કારણે ઉદ્ભવતી સેક્સની સમસ્યાઓને આપણે ભોગવવી પડે છે અને આપણે એમ માનતા રહી જઈએ કે, આપણી સમસ્યા ગોળીની ખામીને કારણે ઉદ્ભવી છે.

પ્રશ્ન : હું કૉલેજમાં ભણું છું. વીસ વર્ષનો છું. હમણાં એક દીવસ મેં જોયું કે, મારા લીંગની ચામડી નીચે સફેદ પદાર્થ ચોંટેલો હતો, જે ઉખેડવા જતાં આછો દુઃખાવો થયો. મને ચીંતા છે કે, એ શું હશે? શું ચામડીની અંદરના એ ભાગને સ્પર્શી શકાય?

ઉત્તર : આપે જે જોયું તે વાસ્તવમાં લીંગને ચોંટેલો કચરો હતો. જેને ‘સ્મેગ્મા’ કહેવાય છે. મ્યુકસ, ચીકણાસ્રાવો, પરસેવો, વાળ, રજકણો વગેરેના મીશ્રણથી બનેલ આ પદાર્થ કચરો હોવાથી એનો નીકાલ જરુરી છે. જેને માટે કંઈ ખાસ અઘરી પ્રક્રીયા કરવાની હોતી નથી. આપે જે ચોંટેલો પદાર્થ જોયો તે લીંગના અગ્રમણી અને નળાકારને જોડતી રીંગ ઉપર હશે. એ આખી વતુર્ળાકાર ધાર ઉપર ચોંટેલા કચરાને હળવેથી સાબુ તથા પાણીની મદદથી પોચો કરી ઉખેડી નાંખો. ત્યારબાદ ફરીથી એ જામે નહીં એ માટેનાં પગલાં તરીકે નહાતી વખતે હમ્મેશ લીંગને હુંફાળા પાણી અને સાબુ વડે પુરેપુરું સ્વચ્છ કરવાની ટેવ પાડી દો. .

તમે તમારા દાંત, વાળ, ચહેરો અને હાથપગ જે રીતે નહાતી વખતે નીયમીતપણે સાફસુથરાં રાખો છો, એ જ રીતે લીંગને પણ સ્વચ્છ રાખવું જરુરી છે. કેમ કે આ કચરો વધુને વધુ જમવાથી લીંગમાં ચેપ તથા બગાડ લાગવાનો સંભવ રહે છે. વૈજ્ઞાનીક તારણો પરથી જાણવા મળ્યું છે કે, આ કચરા (સ્મેગ્મા)ને કારણે જે તે પુરુષની પત્નીને ગર્ભાશયના કેન્સરનું જોખમ વધારે રહે છે.

આપણા દેશમાં જનનાંગો પરત્વેની સુગ, વધુ પડતા સંસ્કારો તથા અજ્ઞાનને કારણે ઘણા યુવકો પોતાના લીંગને અસ્વચ્છ જ રહેવા દે છે. અરે, કેટલાક યુવકો તો નહાતી વખતે પોતાનાં અંદરનાં વસ્ત્રો સુદ્ધાં પહેરી રાખે છે. કેટલાક વળી પ્રાઈવસીના અભાવને કારણે જાહેરમાં નહાવાનું હોવાથી કપડાં પહેરીને નહાય છે. આ સંજોગોમાં લીંગને અંદરથી સાફ કરવાનું રહી જવાનો સંભવ રહે છે. જેનાથી લાંબેગાળે કચરો ઉર્ફે ‘સ્મેગ્મા’ એકત્રીત થાય છે.

પ્રશ્ન : મને પેશાબના ભાગ પર ચાંદું પડ્યું છે તથા બળતરા થાય છે. ડૉક્ટરની દવા ચાલુ છે. આ ગુપ્તરોગ વખતે બીજી કઈ કાળજી રાખવી?

ઉત્તર : ગુપ્તરોગ થાય તે વખતે જ નહીં, તે પહેલાં પણ કાળજી રાખવી જોઈતી હતી. અન્ય સ્ત્રીઓ સાથેનો સમાગમ બંધ કરો. હાલ પુર્ણ સાજા નહીં થાવ ત્યાં સુધી પત્ની સાથે પણ સમાગમ ન કરો. પત્નીની પણ તપાસ તથા જરુરી હોય તો સારવાર કરાવી લો. નીરોધનો ઉપયોગ કરવાની ટેવ પાડો.

પ્રશ્ન : હું અઢારેક વર્ષનો હતો ત્યારથી જ મારી જનનેન્દ્રીય ડાબી તરફ સહેજ ત્રાંસી રહે છે. ઉત્થાનીત અવસ્થામાં આ સમસ્યા રહેતી નથી; પણ સુષુપ્તાવસ્થામાં રહે છે. જો કે મારાં લગ્નને દોઢ મહીનો થયો છે અને અમે સેક્સલાઈફ સારી રીતે માણી શકીએ છીએ; પણ મનમાં ભીતી રહે છે કે ઈન્દ્રીય એક તરફ સહેજ ઝુકેલી રહે તે નુકસાનકર્તા તો નથી ને?

ઉત્તર : આપની ભીતી અસ્થાને છે. પુરુષેન્દ્રીય એક તરફ સહેજ ઝુકેલી રહે તો તેમાં કોઈ નુકસાન નથી. વાસ્તવમાં ડાબું શુક્રપીંડ સહેજ નીચું હોવાને લીધે ઘણા પુરુષોની ઈન્દ્રીય એ તરફ સહેજ ઝુકેલી અવસ્થામાં રહેતી હોય છે. ઉત્થાનીત અવસ્થામાં પણ શીશ્ન કાટખુણે હોવાને બદલે એક તરફ સહેજ ઝુકેલું હોઈ શકે. આમાં કશો વાંધો નથી. જો શીશ્ન ઉત્થાનીત અવસ્થામાં ધનુષાકારે વાંકું વળી જતું હોય અને એ સમયે પીડા થતી હોય તો એને બીમારી ગણવી. ‘પેરોનીઝ ડીસીઝ’ તરીકે ઓળખાતી એક સામાન્ય બીમારીમાં આવું બને છે; પરન્તુ મોટેભાગના લોકોને આ બીમારી નથી હોતી. તેઓને ‘નોર્મલ વળાંક’ અંગેની ચીંતા જ હોય છે. આ માટે દવા કરવાને બદલે માત્ર સમજ કેળવીને ચીંતામુક્ત થવા વીનંતી.

પ્રશ્ન : લગ્ન વખતે કઈ રીતે ખબર પડે કે, પતી–પત્ની સેક્સની રીતે એકબીજાને મૅચ થશે કે કેમ? અર્થાત્ શીશ્ન અને યોનીમાર્ગની સાઈઝ એકમેકને મળતી, બંધબેસતી આવતી હશે કેમ કે તે લગ્નપુર્વકઈ રીતે જાણી શકાય?

ઉત્તર : આવું વીચારવાની જરુર જ નથી. યોનીમાર્ગ એક પ્રસારણક્ષમ, સ્ટ્રેચેબલ અવયવ છે. જરુરી નથી કે તે ઈન્દ્રીયના માપની જ હોય! જે યોનીમાર્ગમાંથી જતે દહાડે એક નવજાત શીશુ બહાર આવવાનું છે, તે એક ઈન્દ્રીયને દાખલ ન થવા દે એવું ન બને. આથી યોની તથા શીશ્નની સાઈઝને મૅચ કરવાનો પ્રશ્ન જ ઉપસ્થીત થતો નથી. આ બાબતમાં ‘મીસમેચ’ અપવાદરુપ જ સંભવે છે.

પ્રશ્ન : અમારી દીકરી હજુ બાર જ વર્ષની છે. તેમ છતાં તેનાં સ્તનો મોટી છોકરીની જેમ ઝડપથી વીકસી રહ્યાં છે. હજુ તો તેને માસીકપણ નથી આવ્યું તો શું કંઈક ખોટું થઈ રહ્યું હશે?

ઉત્તર : જી, ના. જુજ છોકરીઓમાં આવું જોવા મળે છે કે પોતાની બારમી વર્ષગાંઠના સમયે જ તેઓનાં સ્તનો પુર્ણવીકસીત અવસ્થામાં આવી જાય છે. એનાથી ચીંતીત થવાની જરુર નથી. સામાન્ય સંજોગોમાં સ્તનોના વીકાસ બાદ, શારીરીક વૃદ્ધી અને રજોસ્રાવની શરુઆત થતી હોય છે તેમ છતાં તબીબી અભીપ્રાય મેળવી શકો.

પ્રશ્ન : પુરુષને પેશાબ તથા વીર્યએકજ રસ્તેથી નીકળે છે. સ્ત્રીઓમાં આ માટે કેવી રચના હોય છે?

ઉત્તર : એક રસ્તો પેશાબ માટે તથા અન્ય એક માસીક રજોસ્રાવ માટે. રજોસ્રાવ માટેનો રસ્તો એ યોનીમાર્ગ છે જે પોતે જ સમાગમ માટેનો તથા પ્રસુતી વખતે શીશુને બહાર આવવા માટેનો માર્ગ પણ બની રહે છે.

પ્રશ્ન : ક્યારેક મારી સ્ત્રીમીત્રની નજીક હોઉં છું તોય હું ઉત્તેજના નથી અનુભવતો. તો મારો પ્રશ્ન છે કે, શું જ્યારે જ્યારે વીજાતીય વ્યક્તી સાથે શારીરીક નીકટતાનાં પ્રસંગો બને, ત્યારે ત્યારે જાતીય ઉત્તેજના અનુભવાવી જ જોઈએ? એ અનીવાર્ય છે?

ઉત્તર : ના. જાતીય ઉત્તેજના અનુભવવાથી અને જનન અવયવ ઉપર એની અસર દેખાવી એનો આધાર વાતાવરણ, અપેક્ષાઓ, મનમેળ, સ્ફુર્તી, મનની અવસ્થા વગેરે ઘણી ચીજો ઉપર રહેલો હોય છે. આથી એવું સહેજ પણ જરુરી નથી કે, જેથી શારીરીક નીકટતા વધે કે તરત જાતીય ઉત્તેજના અનુભવાવી જ જોઈએ. ઉલટું, આવી અવાસ્તવીક અપેક્ષા રાખવાથી જ ઘણીવાર મુશ્કેલી ઉભી થવાની શરુઆત થાય છે.

પ્રશ્ન : મને મુત્રમાર્ગે કયારેક સફેદ ચીકાશ જાય છે અને એ દ્વારા પોષકદ્રવ્ય ગુમાવું છું. દવાથી ફરક નથી પડતો. કુંવારો છું તો ખોરાક લેવાથી એ દ્રવ્ય પાછું મેળવી શકું, તે સુચવશો?

ઉત્તર : મુત્રમાર્ગે કોઈ પોષક દ્રવ્ય જતું નથી. તમને થાય તે નીયમીત સંભોગ કે હસ્તમૈથુન ન કરનાર ઘણા પુરુષોને થઈ શકે છે. એ માટે કોઈ વીશીષ્ટ ખોરાક કે દવા લેવાની જરુર નથી. એની ચીંતા છોડી દેશો તો શરીરને વધુ ફાયદો થશે.

પ્રશ્ન : મારાં સ્તનોનાં અલ્પવીકાસની સમસ્યા છે. હાલ તો હું હળવી કસરતો, ખોરાકમાં ફેરફારો થતા પેડીંગ કરીને ચલાવું છું. શું મારે હોર્મોન્સ કે એવી દવાઓ લેવી જોઈએ?

ઉત્તર : જી, ના. સમસ્યા કે અસંતોષ અતીશય તીવ્ર હોય તો પ્લાસ્ટીક સર્જનની સલાહ લઈ શકો.

પ્રશ્ન : શીશ્નની લંબાઈ ઓછામાં ઓછી કેટલી હોય તો પત્નીને કામસુખમાં વાંધો ન આવે?

ઉત્તર : ઉત્તેજીત અવસ્થામાં બે ઈંચ.

પ્રશ્ન : શું સમાગમ દરમીયાન વાતચીત કરી શકાય?

ઉત્તર : જો તે પ્રણયને લગતી હોય તો અવશ્ય.

પ્રશ્ન : જાતીય સમાગમ વખતે મને ઈન્દ્રીયમાં અસહ્ય વેદના થાય છે. અને ચીસ પાડી ઉઠાય છે. મારે શું કરવું?

ઉત્તર : સમાગમ દરમીયાન પહેલાં યા પછી જનનાંગોમાં પીડા થવાના ઘણાં કારણો હોઈ શકે. તેનું યોગ્ય નીદાન કર્યા પછી જ ઉપાય સુચવી શકાય. જેમ કે, ઈન્દ્રીય ઉપરની અગ્રત્વચા સામાન્ય સંજોગોમાં સમાગમ પુર્વની ઉત્તેજીત અવસ્થામાં સરકીને ઉપર જતી રહેતી હોય છે. જો આ અગ્રત્વચાનું મુખ સાકડું હોય (ફાઈમોસીસ), તો ત્વચા શીશ્નમણી ઉપરથી સરકી શકતી નથી, જેને કારણે પીડા થઈ શકે છે. ક્યારેક આવી તંગ અગ્રત્વચાને બળપુર્વક પાછળ સરકાવવાની કોશીશમાં નવી સમસ્યા સરજાઈ શકે છે. જો અગ્રત્વચા (ફોરસ્કીન)ને જબરદસ્તીથી જોરપુર્વક પાછળ ખેંચી લેવામાં આવે તો ક્યારેક તેને ફરી આગળ લાવવાની સમસ્યા ઉભી થઈ શકે છે. ‘પેરેફાઈનોસીસ’ નામની આ અવસ્થા જબરદસ્ત પીડાકારક હોય છે. જેમાં લીંગ સુજીને મોટું થઈ જાય છે. આ તબીબી ઈમરજન્સી હોવાથી તાત્કાલીક ચીકીત્સકને મળવું જોઈએ. સાંકડા મુખવાળી તંગ અગ્રત્વચા (ફાઈમોસીસ) માટે પણ વહેલું મોડું ‘સર્કમસીઝન’ (સુન્નત) નામનું ઑપરેશન કરાવવું પડે છે.

પણ સમાગમ દરમીયાનની પીડાનાં આ સીવાય પણ ઘણાં કારણો હોઈ શકે છે. ક્યારેક મુત્રમાર્ગ (યુરેક્ષા)ના સોજા અથવા ઈન્ફેકશન, પથરી કે પ્રોસ્ટેટ ગ્રંથીના ઈન્ફલેમેશનને લીધે પણ સંભોગ પીડાકારક નીવડી શકે. સ્ત્રીની યોની પુરતી ભીની ન થતી હોય તોય વધુ ઘર્ષણને લીધે સમાગમની શરુઆતનો ભાગ કષ્ટદાયક નીવડી શકે. જનનાંગને ઈજા થઈ હોય કે એની ત્વચા પર અન્ય કોઈ પીડાકારક રોગ હોય તો તેને લીધે સમાગમ વેદનાપુર્ણ બની શકે.

આપને પીડા ક્યારે થાય છે, તેની માત્રા કેટલી છે તથા સમસ્યા કેટલા સમયથી છે તે જાણવું જરુરી છે. વળી ઉપરની બાબતોને આધારે તબીબી નીદાન જરુરી છે. જે તે બીમારી જાણ્યા પછી સારવાર થઈ શકે. અપવાદરુપ કીસ્સાઓમાં એવું બન્યું છે કે, પતીપત્ની યોગ્ય આસન કે સમાગમ સ્થીતીનું નીર્માણ કરવામાં નીષ્ફળ ગયા હોય, જેથી ઈન્દ્રીય સીધી રેખામાં યોનીપ્રવેશ પામવાને બદલે આંશીક ખુણે અથવા વક્ર રીતે પામે. આમ યોનીમાર્ગના કોણને સમાંતર ઢાળ જાળવીને થવું જોઈતું લીનીયર પેનીટ્રેશન ન થવા પામે. જે પણ દુખાવો ઉપજાવી શકે. આવા અપવાદરુપ કીસ્સામાં અપુર્ણ યોનીપ્રવેશ પછી બળપ્રયોગ થવાને લીધે જનનાંગનું રીતસરનું ફ્રેકચર થયું હોવાનુંય નોંધાયું છે.

–ડૉ. મુકુલ ચોકસી

સાઈકીઆટ્રીસ્ટ તથા સૅક્સ થૅરાપીસ્ટ ડૉ. મુકુલ ચોકસીનું મનુષ્યની સૅક્સલાઈફનાં અનેકાનેક પાસાંઓની તલસ્પર્શી છણાવટ કરતું પુસ્તક ‘જાતીય પ્રશ્નાવલી’ (પ્રકાશક : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395003 ફોન : (0261) 7431449 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવા સીદી, ગોપીપુરા, સુરત – 395003 ફોન : (0261) 7427882/7432563 પાનાં : 124, મુલ્ય : રુપીયા 90/–)માંથી લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક : DR. MUKUL M CHOKSI “ANGAT CLINIC” 406, WESTERN BUSINESS PARK, OPP. S. D. JAIN SCHOOL, VESU CHAR RASTA, UNIVERCITY ROAD, SURAT–395 007.  Phone : (0261) 3473243, 3478596 Fax : (0261)  3460650 e.Mail : mukulchoksi@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 11–07–2022

8 Comments

  1. નિષ્ણાત ડૉ. મુકુલ ચોકસી દ્વારા જનનાંગો વીશે પ્રવર્તતી કેટલીક ગેરમાન્યતાઓ વિષે સ રસ માર્ગદર્શન બદલ ધન્યવાદ.
    અને
    ‘એ લોકો તમને છેતરે છે!’ ઈ.બુક નો રેશનલ માહિતીનો ખજાનો ફુરસદના સમયે નીરાંતે મણાશે

    Liked by 1 person

  2. ડૉ. કોવુરનું ‘એ લોકો તમને છેતરે છે’ પુસ્તક ઓન-લાઈન પ્રાપ્ય કરાવવા બદલ હાર્દીક આભાર ગોવીન્દભાઈ. ડૉ. મુકુલ ચોક્સીના લેખમાં યુવાનો માટે બહુ જ ઉપયોગી અને જાણવા માટે અનીવાર્ય માહીતી છે. એ ઉપલબ્ધ કરાવવા માટે પણ ગોવીન્દભાઈ આપનો તથા ડૉ. મુકુલ ચોક્સીનો ખુબ ખુબ આભાર.

    Liked by 1 person

    1. Beneficial information provided by Dr. Mukul Choksey to younger generation & even read first time few problems & he nicely guided to youngsters. How about senior people over 85 yrs age ?

      Like

  3. Beneficial information provided by Dr. Mukul Choksey to younger generation & even read first time few problems & he nicely guided to youngsters. How about senior citizens over 85 yrs. for sex, Your opinion,
    please.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s