જનનાંગો વીશે પ્રવર્તતી કેટલીક ગેરમાન્યતાઓ – 2

યુવાવર્ગમાં જનનાંગો સમ્બન્ધી પ્રવર્તતી કેટલીક ગેરમાન્યતાઓ દુર થાય તે માટે ડૉ. મુકુલ ચોકસી16 પ્રશ્નોના ઉત્તરો આપવાનો સન્નીષ્ઠ પ્રયત્ન કર્યો છે.

8

જનનાંગો વીશે પ્રવર્તતી કેટલીક ગેરમાન્યતાઓ – 2

–ડૉ. મુકુલ ચોકસી

[‘જાતીય પ્રશ્નાવલી’ – 7 માણવા માટે લીન્ક : https://govindmaru.com/2022/07/11/dr-mukul-choksi-29/  ]

પ્રશ્ન : મારી ઉમ્મર વીસ વર્ષની છે. હું અભ્યાસ કરું છું. મારી ઈન્દ્રીય ક્યારેક સંકોચાઈ જાય છે તો ખુબ નાની લાગે છે. વળી ઉપર નસો પણ દેખાય છે. ઉપરના ભાગે એક તલ જેવો ડાઘ પણ છે. મારા લગ્ન થાય ત્યારે કોઈ વાંધો આવશે ખરો?

ઉત્તર : આપના પત્રનો સારાંશ એ છે કે, તમને જાતીય ઈચ્છાઓ થાય છે. ઉત્થાન થાય છે. તથા સ્ખલન થાય છે. ઈન્દ્રીયની ત્વચા પર તલ કે નસો દેખાય એ સામાન્ય બાબત છે. એનાથી લગ્નજીવનમાં તકલીફ પડતી નથી. વળી ચીંતા, ઠંડક, શરીર સ્થીતી, લોહીના ભ્રમણ કે અન્ય કારણોસર ઈન્દ્રીય ક્યારેક અત્યંત સંકોચાયેલી લાગી શકે. એમાં ગભરાવા જેવું કશું નથી. માણસ ટુંટીયું વાળીને સુએ તો કાંઈ દોડવાનું ભુલી જતો નથી.

પ્રશ્ન : મને સતત એ વાતની ચીંતા રહે છે કે, મારી પુત્રી જ્યારે માસીક ધર્મમાં આવશે ત્યારે હું એને શી રીતે સમજાવી શકીશ? હાલ તે તેર વર્ષની છે અને ખુબ હોશીયાર હોવાથી જાતજાતના પ્રશ્ન પુછ્યા કરે છે!

ઉત્તર : જો તમારી પુત્રી સમજુ અને હોશીયાર હોય તો તમારી અડધી મુશ્કેલી તો આમ જ ઓછી થઈ જાય છે. બાળકો પ્રશ્નો ન પુછે તો એને મુશ્કેલી ગણવી જોઈએ. રજસ્ત્રાવની શરુઆત તેર–ચૌદ વર્ષની ઉમ્મરે થાય છે.

તમારી પુત્રીને તમે આગોતરી આ અંગે માનસીક રીતે સજ્જ કરી શકો છો. એને એના શરીરનાં જનન અવયવો જેવા કે ગર્ભાશય, ફેલોપીયન ટ્યુબ, અંડાશય વગેરેની તથા તેનાં કાર્યોની સરળ ભાષામાં માહીતી આપો. કેવળ માસીક દરમીયાન થતા રક્તસ્રાવ અંગે જ વાત કરીને અટકી ન જાવ. આ તકનો લાભ લો. મનમાં ઉઠતાં જાતીય સ્પંદનો અંગે પણ એને સભાન કરો. તેની પાસે કેવા વર્તનની અપેક્ષા છે તે જણાવો. માસીકધર્મ અંગે મા, બહેન કે અન્યો સાથે નીઃસંકોચ વાત કરી શકાય એમ છે એવું તેને લાગવા દો. તેને જણાવો કે, આ અનુભવ તેનો એકલાનો નહીં, બલકે તમામ સ્ત્રીઓનો છે. અને હા! તમારી પુત્રીને જે વીષયથી માહીતગાર કરવાની હોય, તે વીષયથી પહેલાં તમે પોતે પુરેપુરા માહીતગાર થાવ. યાદ રાખો! પહેલવહેલા રજસ્ત્રાવ વખતે તરુણીનાં મનમાં લગ્ન, શરમ, બીક, અપરાધભાવ, મુંઝવણ વગેરે અનેક નકારાત્મક ભાવો જન્મી શકે છે. જો તમે એને યોગ્ય રીતે ન સમજાવો તો સાથે જ રજસ્ત્રાવનું શું કરવું, સેનીટરી નેપકીન કે ટેમ્યુનનો ઉપયોગ કઈ રીતે કરવો વગેરે બાબતોની પણ તેને માહીતી આપો.

પ્રશ્ન : કાનની બુટ, સ્તન અને પુરુષનાં જાતીય અંગોની વૃદ્ધી માટે મેં વાંચ્યું છે કે, ભેંસના દુધમાં ચણોઠીનું બારીક ચુર્ણ નાંખીને દુધનું દહીં બનાવી તેની છાશ ફેરવી તેમાંથી માખણ કાઢી એકઠું કરીને રોજ સવાર–સાંજ તેનાથી માલીશ કરવાથી લીંગ, સ્તન અને બ્યુટીમાં વધારો થાય છે. આના પર પ્રકાશ પાડશો.

ઉત્તર : આધુનીક જાતીય વીજ્ઞાન આવા કોઈ નુસખાઓને માન્ય નથી રાખતું. આકર્ષક અને પ્રેમાળ પત્ની જો જગતનું કોઈ પણ તૈલી પ્રવાહી લગાડીને આપને માલીશ કરે તો આપના લીંગમાં ઉત્થાન આવશે જ અને આપ વગર પ્રવાહીએ પણ જો પુરતા પ્રેમ અને ઉત્કટતાથી આપની પત્નીની ઈચ્છા સહીત સ્તન મર્દન કરશો તો સ્તનોમાં ઉભાર વર્તાશે જ; પણ લીંગ ઉત્થાન અને સ્તન ઉભાર જાતીય કર્મ દરમીયાનના ક્ષણીક જ હશે. કોઈ પ્રવાહીના માલીશ કાયમની અંગ વૃધ્ધી બક્ષતા નથી.

પ્રશ્ન : સમાગમ વખતે સ્ત્રીનાં યોનીદ્વારને પુરુષે હાથો વડે પહોળું કરવાની જરુર પડતી હોય છે કે પછી એ આપોઆપ થાય છે?

ઉત્તર : સંભોગ દરમીયાન ઘણી બધી વસ્તુઓ સ્વાભાવીક રીતે બનતી હોય છે. જેમ કે સ્ત્રી–પુરુષ પરસ્પરનો સંગ કરે તો આકર્ષણ કુદરતી રીતે થાય છે. આકર્ષણ થયા બાદ પુરુષને શીશ્નનું ઉત્થાન તથા સ્ત્રીના યોનીમાર્ગમાં ચીકાશયુક્તસ્રાવ પણ સ્વાભાવીક રીતે થાય છે. આ માટે કોઈ વધારાની કોશીશ કે પ્રક્રીયા કરવાની હોતી નથી. આ જ રીતે શીશ્ન–યોનીનું મીલન થાય છે. તે માટે હાથનો ઉપયોગ કરી દ્વારા પહોળું કરવાની જરુર રહેતી નથી. ક્યારેક સ્ત્રીદ્વાર લીંગપ્રવેશ ટાણે સંકોચાઈ જવાથી તકલીફ હોય તો એ સારવારથી મટાડી શકાય છે. આમાંય સંભોગ સમયે એને હાથથી પહોળું કરવાનું હોતું નથી.

પ્રશ્ન : અમે સોળ વર્ષના છીએ. ઈન્દ્રીય, ઉત્થાન, કલાઈમેક્ષ વગેરે જેવા અનેક શબ્દોના અર્થો સમજ નથી પડતાં તો અમારા જેવા વાચકો માટે આવા વૈજ્ઞાનીક શબ્દોના યોગ્ય અર્થો તદ્દન સરળ, બોલચાલની ભાષામાં આપવા વીનંતી જેથી અમે સમજી શકીએ.

ઉત્તર : વ્યવહારની ભાષા કંઈક એવી હોય છે જેમાં તમામ જાતીય બાબતો વર્ણવવી સરળ નથી. ક્યારેક તદન સાદી માહીતી પણ અશ્લીલ બની જવાનો ભય રહે છે. તેમ છતાં આવા કેટલાક વારંવાર વપરાતા શબ્દોના અર્થ સરળ ભાષામાં આ રીતે લખી શકાય.

ઈન્દ્રીય : શીશ્ન, લીંગ, જનનેન્દ્રીય–પુરુષો જે ભાગથી પેશાબ કરે છે અને જે ભાગથી વીર્ય નીકળે તે અવયવ.
સ્ખલન : શીશ્નને રસ્તે વીર્ય હળવા આંચકા સહીત બહાર નીકળવાની પ્રક્રીયા–જેને ડીસ્ચાર્જ તરીકે પણ ઓળખવામાં આવે છે.
હસ્તમૈથુન : સંભોગ સીવાય અન્ય રીતે જાતીય આનન્દ મેળવવાની પ્રવૃત્તી, જેમાં સામાન્ય રીતે જનનાંગોને જાતે જ ઉત્તેજીત કરવામાં આવે છે.
ઉત્થાન : સ્ત્રી સંગને લીધે યા તેની કલ્પનાથી યા એવું દૃશ્ય જોવાથી શીશ્નની લંબાઈ, પહોળાઈ તથા કડકાઈમાં થતો વધારો.
યોની : સ્ત્રીમાં આવેલું સેક્સ માટેનું અવયવ, જેમાં શીશ્ન પ્રવેશ પામે છે. આ જ દ્વારમાંથી માસીકનો સ્ત્રાવ તથા પ્રસુતી વખતે નવજાત શીશુ બહાર આવે છે.
કલાઈમેકસ : સંભોગને અંતે અનુભવાતી તૃપ્તી.
ઓર્ગેઝમ : સંભોગને અંતે અનુભવાતી તૃપ્તી.
પરાકાષ્ટા : સંભોગને અંતે અનુભવાતી તૃપ્તી.
ચરમસીમા : સંભોગને અંતે અનુભવાતી તૃપ્તી.

પ્રશ્ન : એક વાર મને સાઈકલ પર બેસતાં અચાનક એક શુક્રપીંડ દબાઈ જતાં તીવ્ર દુખાવો થયો હતો. ત્યાર બાદ દવા કરતાં સારું છે અને હવે કોઈ સોજો કે દુખાવો રહ્યાં નથી. મને ભવીષ્યમાં સેક્સલાઈફમાં આને લીધે કોઈ તકલીફ ન થાય તે માટે શું કરવું?

ઉત્તર : શુક્રપીંડ પર દબાણ આવવાથી સેક્સલાઈફ પર કોઈ લાંબાગાળાની અસર પડતી હોવાનું જાણમાં નથી. તેનાથી નપુંસકતા એવું કશું થતું હોવાનું નોંધાયું નથી. તેમ છતાં શુક્રપીંડ શરીરની બહાર આવેલો ભાગ હોવાથી તેને વારંવાર ઈજાઓ ન પહોંચે એ માટે કાળજી તેમ જ યોગ્ય તકેદારી રાખવાં જરુરી છે.

પ્રશ્ન : મારી વૃષણ કોથળી ઢીલી રહે છે. દવા કરાવ્યા બાદ એક વાર તે ટાઈટ થઈ હતી પણ ફરીવાર ઢીલી પડી ગઈ હોય તેમ જણાય છે. તો શું કરવું?

ઉત્તર : વૃષણ કોથળીને ટાઈટ કરવા માટે, મારા મતે કોઈ જ દવા કરવાની જરુર નથી. વૃષણ કોથળીની ચામડી આપોઆપ તંગ થતી હોય છે અને ફરી ઢીલાશપુર્ણ બની જતી હોય છે. વૃષણ કોથળી લીંગ નજીક હોવાથી અમુક માણસો તેના વીષે અકારણ ચીંતીત રહેતા હોય છે. આપ પણ બીનજરુરી ચીંતા છોડશો.

વ્યક્તીની સેક્સલાઈફ ઉપર કોઈ ખાસ અસર પડતી હોતી નથી. વૃષણ કોથળી નહીં, બલકે એમાં રહેલા શુક્રપીંડ (ટેસ્ટીકલ્સ) જાતીય જીવન માટે મહત્ત્વના હોય છે. કેમ કે શુક્રપીંડમાં શુક્રજંતુઓ (સ્પર્મ્સ) તથા ટેસ્ટોસ્ટેરોન (પુરુષ હોર્મોન) બનતા હોય છે. વૃષણ કોથળીનું જાતીય જીવનમાં ખાસ મહત્ત્વ નથી. ઘણી વાર વધરાવળ કે હાઈડ્રોસીલ તરીકે ઓળખાતા રોગમાં વૃષણ કોથળીમાં પાણી ભરાઈ જતું જોવા મળે છે.

પ્રશ્ન : પેશાબનાં અવયવને ફરતે આવેલા વાળ દુર કરી શકાય ખરા?

ઉત્તર : અચુક ચોખ્ખાઈના ભાગરુપે એ નીયમીત રીતે દુર કરતાં રહો તો સારું.

પ્રશ્ન : ઈન્દ્રીય ઉપર સાબુ લગાડી શકાય? હું ઘણીવાર નહાતી વખતે આમ કરવાનો વીચાર કરું છું.

ઉત્તર : જનન અવયવોને ચોખાં રાખવા ખુબ જરુરી છે. અગ્રત્વચા ઉપર લઈને શીશ્નમણી (ગ્લાસ) તથા આસપાસનો ભાગ હમ્મેશાં સાફ કરવો જોઈએ. સાબુ લગાડી શકાય.

પ્રશ્ન : મળદ્વાર, શીશ્ન તથા વૃષણની આસપાસ ઉગેલા વાળને રેઝરને બદલે લોખંડની કાતરથી કાપીએ તો ચાલે?

ઉત્તર : મુળ પ્રશ્ન ચોખ્ખાઈનો છે, કયું સાધન વાપરવું તે વ્યક્તીએ પોતે નક્કી કરવાનું હોય છે. જે રીતે શરીરના અન્ય ભાગો ઉપરના વાળ બેઉ રીતે કાપી શકાય, તે જ રીતે જનનાંગો ઉપરના વાળ પણ સાવચેતીપુર્વક, બેઉ રીતે કાપી શકાય.

પ્રશ્ન : શું બાથરુમમાં નહાતી વખતે સમ્પુર્ણ નીર્વસ્ત્ર થવું જરુરી છે?

ઉત્તર : જી, હા. ચોખ્ખાઈ માટે એ જરુરી છે. જાતથી શરમાનાર, અલગ એકાંત ન મેળવી શકનાર તથા નાનપણથી ટેવાઈ જનાર કેટલાક લોકો પુખ્તવયે પણ સ્નાનાગારમાં નીર્વસ્ત્ર નથી થઈ શકતાં. સંજોગો અનુકુળ હોય તો એમ કરવામાં શરમાવું ન જોઈએ.

પ્રશ્ન : સ્ત્રીની યોનીમાં કૌમાર્યપટલ કયા સ્થાને હોય છે?

ઉત્તર : કૌમાર્યપટલ શબ્દ ગેરસમજ કરનારો છે. એને યોનીપટલ અથવા હાઈમેન કહી શકાય. એ યોનીનાં મુખ અથવા પ્રવેશદ્વાર આગળ આવેલો હોય છે. આંગળી નાંખવાથી એ તુટી જઈ શકે છે. ક્યારેક એ પહેલેથી જ છીદ્રાળુ હોય એવુંય બની શકે. પ્રથમ સમાગમ વેળા બ્લીડીંગ થવું જરુરી નથી.

પ્રશ્ન : બે કે ત્રણ મહીનામાં મારા મેરેજ થવાના છે. મારી સમસ્યા અવીકસીત સ્તનની છે. આજે 21 વર્ષે પણ સ્તનનો યોગ્ય વીકાસ થયો નથી. તો કઈ દવા લેવી તે સુચવશો. જેથી મારા પતીને પુરતો સંતોષ આપી શકું.

ઉત્તર : સ્તનપ્રદેશ વીકસાવવા માટેની એવી કોઈ વીશીષ્ટ દવાઓ આવતી હોતી નથી. હોર્મોન્સનો આડેધડ ઉપયોગ ન કરશો. ક્યારેક પેકટોરાલીસ મસલ્સ (સ્તનની પાછળ આવેલા સ્નાયુઓ)ની કસરતથી બ્રેસ્ટ વધારે ભરાવદાર હોવાનો દેખાવ ઉભો કરી શકાય. સ્તનની પ્લાસ્ટીક સર્જરી દ્વારા થતી ‘રીકન્સ્ટ્રકીટવ સર્જરી’ કેટલાક કીસ્સાઓમાં મદદ કરી શકે છે. શ્રેષ્ઠ વાત એ છે કે, આપ તથા આપના ભાવી પતી આ વાતને સાહજીકતાથી સ્વીકારી લો. નાનાં સ્તનોએ બેડોળપણાની નીશાની નથી. તથા હરહમ્મેશ જાતીય આનન્દમાં બાધારુપ જ બનતા હોતા નથી. લોકો ઈચ્છે તો અલ્પવીકસીત સ્તન સાથેય પુરતો જાતીય આનન્દ લઈ શકે છે.

પ્રશ્ન : અમારાં હમણાં જ મેરેજ થયા છે. મારે સંતાન હાલ જોઈતાં નથી. એટલા માટે હું સમાગમ વખતે વીર્યને બહાર સ્ખલીત થઈ જવા દઉં છું પણ પત્ની સહકાર નથી આપતી. તો શું કરવું?

ઉત્તર : આપ જે કરો છે તેને ‘કોઈટસ ઈન્ટરપ્ટ્સ’ કહેવાય છે. અર્થાત્ સ્ખલનની ક્ષણ પુર્વે અળગા થઈ જવું અને વીર્યને યોનીમાર્ગમાં ન જવા દેવું. આમ કરવું સલાહભર્યું નથી. કેમ કે સ્ત્રીના આનન્દમાં ઘટાડો થાય છે. બીજું એ કે ગર્ભનીરોધક તરીકે નીરોધથી માંડીને પીલ્સ સુધીના બીજા અનેક સરળ રસ્તાઓ મૌજુદ છે. વળી આ પ્રક્રીયા પુરતી સલામત પણ નથી. કેમ કે સ્ખલન પુર્વ પણ કેટલાક પુરુષોને એકાદ બે ટીપા જેટલો સ્ત્રાવ થતો હોય છે. જેની તેમને પોતાને પણ જાણ નથી હોતી. આ પ્રી–ઈજેક્યુલેટરી ફલ્યુઈડમાં શુક્રજંતુઓ હોય તો ગર્ભ રહેવાની શક્યતા ઉભી થઈ શકે છે. તમે અન્ય કોઈ રસ્તા અપનાવો તો વધું સારું.

પ્રશ્ન : મારા હાથપગ પર વાળની રુંવાંટી ખુબ જ ઓછી છે. શીશ્ન, છાતી કે બગલ ઉપર પણ વાળ નથી. વળી વીર્ય જેવું કશું નીકળતું નથી. સૌથી ચીંતાજનક વાત તો એ છે કે, મારી ઉમ્મર અઢાર વર્ષની થઈ ગઈ હોવા છતાં મને દાઢી–મુછ પણ પુરેપુરા ઉગ્યાં નથી તો આનો યોગ્ય ઉપાય બતાવશો.

ઉત્તર : સામાન્ય રીતે તરુણાવસ્થામાં પ્રવેશ વેળાએ લોહીમાં પૌરુષ હોર્મોન્સનું પ્રમાણ વધવાથી પુરુષમાં ઉપર મુજબના ફેરફારો જોવા મળે છે. દાઢી–મુછ ઉપરાંત તેનો અવાજ દૃઢ થાય છે અને સ્ત્રીનો ભરાવદાર બને છે. આ બધા ફેરફારને ‘સેકન્ડરી સેક્સ’ કહેવામાં આવે છે. જો એ બરાબર ડેવલપન થાય તો એ શરીરમાં પૌરુષજનક હોર્મોન્સની ઉણપ સુચવે છે. આવી ઉણપવાળા કેટલાક પુરુષો અવીકસીત ઈન્દ્રીયની, ઉપસતાં સ્તનની પણ ફરીયાદ કરે છે. કેટલીક ક્રોમોઝોમલ કે એન્ડોક્રાઈનલ બીમારીઓમાં આવું બને છે. જેના સમ્પુર્ણ નીદાન માટે નીષ્ણાત ડૉકટરને મળવું અનીવાર્ય છે. તબીબી સલાહ વગર હોર્મોન્સ લેવા હીતાવહ નથી. કેમ કે કેટલાક કીસ્સાઓમાં સારવાર પુર્વ અને સ્રાવોની તથા રંગસુત્રોની લેબોરેટરી પણ જરુરી હોય છે.

પ્રશ્ન : હું એકવીસ વર્ષનો યુવક છું તો મને દાઢીમુછ સાવ જ અલ્પ પ્રમાણમાં આવે છે. મેં હોરમોન્સની કમી તથા તેને માટે અપાતા કેપ્સ્યુલ અને ઈંજેકશન વીશે જાણ્યું છે; પણ એ બજારમાં ક્યા નામે મળે છે એ જણાવ્યું નથી. મારે એ લેવા હોય તો શું કરવું તે જણાવશો, જેથી મારી લઘુતાગ્રંથી દુર થાય.

ઉત્તર : ભાઈશ્રી આપ કોઈ એલોપેથીક દવા કે ઈંજેકશન જાતે જાતે બજારમાંથી ખરીદીને લઈ જોવાનો પ્રયોગ કરશો નહીં. આપની બીમારી માટે ટેસ્ટોસ્ટોરોનના લોગ એકટીંગ, ડેપો પ્રેપરેશન બજારમાં ઉપલબ્ધ છે; પરંતુ નીષ્ણાત ડૉકટરની તપાસ તથા સલાહ વગર જાતેજાતે લેવા ઉચીત નથી. કેમ કે, આ હોર્મોન્સ લીવર ઉપર ખરાબ અસર કરી શકે એમ છે. વળી એનાથી પ્રોસ્ટેટ નામની ગ્રંથીમાં કેન્સર થતું હોવાનું પણ નોંધાયું છે માટે એની આડઅસરો ધ્યાનમાં રાખીને જ નીષ્ણાત તબીબીની સલાહ મુજબ હોર્મોન્સ લેવા જોઈએ.

–ડૉ. મુકુલ ચોકસી

સાઈકીઆટ્રીસ્ટ તથા સૅક્સ થૅરાપીસ્ટ ડૉ. મુકુલ ચોકસીનું મનુષ્યની સૅક્સલાઈફનાં અનેકાનેક પાસાંઓની તલસ્પર્શી છણાવટ કરતું પુસ્તક ‘જાતીય પ્રશ્નાવલી’ (પ્રકાશક : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395003 ફોન : (0261) 7431449 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવા સીદી, ગોપીપુરા, સુરત – 395003 ફોન : (0261) 7427882/7432563 પાનાં : 124, મુલ્ય : રુપીયા 90/–)માંથી લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક : DR. MUKUL M CHOKSI “ANGAT CLINIC” 406, WESTERN BUSINESS PARK, OPP. S. D. JAIN SCHOOL, VESU CHAR RASTA, UNIVERCITY ROAD, SURAT –395 007.  Phone : (0261) 3473243, 3478596 Fax : (0261)  3460650 e.Mail : mukulchoksi@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 25–07–2022

4 Comments

  1. ડૉ. મુકુલ ચોકસીએ -ન કેવળ યુવાવર્ગમાં પણ સર્વેના- ‘ જનનાંગો સમ્બન્ધી પ્રવર્તતી કેટલીક ગેરમાન્યતાઓ દુર થાય તે માટે પ્રશ્નોના ઉત્તરો આપવાનો સન્નીષ્ઠ પ્રયત્ન કર્યો છે.’
    ધન્યવાદ

    Liked by 1 person

Leave a comment