રમણલાલ પાઠક નીશાળીયા તરીકે કેવા?

પ્રા. રમણ પાઠક(વાચસ્પતી)એ પોતાના ભાતીગળ આયુષ્યનાં 75 વર્ષ પુર્ણ કર્યાં ત્યારે તેમના  જાહેર તથા વ્યક્તીગત જીવનનો પરીચય આપતા 75 લેખોનું સંકલન કરીને શ્રી રજનીકુમાર પંડ્યાએ ‘રમણીયમ્’ ગ્રંથ સાકાર કર્યો હતો. ર.પા.ની ‘જન્મશતાબ્દી’ નીમીત્તે દર બીજા અને ચોથા સોમવારે ‘અભીવ્યક્તી’ પર પાસાંદાર ર.પા.નાં વીવીધ પાસાંઓને પ્રસ્તુત કરવામાં આવશે. સુજ્ઞ વાચકમીત્રોને તે ગમશે એવો મને વીશ્વાસ છે. –ગો.મારુ

પાસાદાર ર.પા.ની ‘જન્મશતાબ્દી’ નીમીત્તે ર.પા.નું પાસું પહેલું – 1

રમણલાલ પાઠક નીશાળીયા તરીકે કેવા?

– એચ. એમ. શુક્લ

“એમ? આ તો મને ખબર જ નથી!” બ્યાસી વર્ષના શીક્ષકે પંચોતેર વટાવી ચુકેલા પોતાના ભુતપુર્વ વીદ્યાર્થી વીશેની ગૌરવગાથાનું ‘ટ્રેલર’ સાંભળીને કહ્યું. પછી ‘ખબર નથી’નું આનન્દમીશ્રીત આશ્ચર્ય ખડખડાટ હાસ્ય દ્વારા વ્યક્ત કરીને સાહેબ કહે, “એનો આ સ્વભાવ તો હું પહેલેથી જાણું; પણ તમે કહેલી વાતોથી વર્ષો પહેલાં મેં જોયેલું બીજ વીરાટ વડલો બન્યાનું સાંભળતો હોઉં એવું લાગે છે.”

આટલું બોલીને ફરી મોકળું હાસ્ય કરનાર 82 વર્ષના સાહેબ એટલે કાલોલ (પંચમહાલ)ની એમ. જી. એસ. હાઈસ્કુલના ગણીતશીક્ષક એચ. એમ. શુક્લ અને જે વીદ્યાર્થી વીશે સાંભળીને સાહેબનો અવસ્થાગ્રસ્ત ચહેરો હસી ઉઠ્યો તે વડ એટલે ગુજરાતભરના વીવેકબુદ્ધીવાદીઓના વડલા જેવા વયવડીલ – જ્ઞાનવડીલ પ્રા. રમણ પાઠક,

“રમણ અને જયંતનું વતન તો રાજગઢ (દેવગઢબારીયા); પણ અંગ્રેજી છઠ્ઠું અને મૅટ્રીક (આજનું દસમું – અગીયારમું ધોરણ) ભણવા માટે બન્ને ભાઈઓ કાલોલમાં એમના કોઈ સગાને ત્યાં રહેતા હતા.” શુક્લ સાહેબે 1936થી 1975 સુધીની પોતાની કારકીર્દીમાંથી પાઠક બંધુઓની સ્મૃતી અલગ તારવવાનો પ્રયત્ન આદર્યો. બી.એસસી. થયા પછી 1936ના નવેમ્બરમાં હું કાલોલની મફતલાલ ગગલદાસ સાર્વજનીક હાઈસ્કુલમાં જોડાયો, ત્યારે બે વર્ષ માટે જયંત અને રમણ મારા હાથ નીચે આવ્યા. એ લોકોની અને મારી જ્ઞાતી એક – શ્રીગૌડ બ્રાહ્મણ – એટલે મારું એમની પર વીશેષ ધ્યાન પડેલું.

“રમણ ભણવામાં તેજસ્વી અને સ્વભાવે તરવરીયો. મારો તો વીષય ગણીત હતો; પણ ગુજરાતી જેવા વીષયમાં જ્યાં અંગત અભીપ્રાયો અસર કરતા હોય ત્યાં, હું ધારું છું કે રમણ શીક્ષકને પણ બે ઘડી શીયાંવીયાં કરી નાખે એવો હતો. મને કોઈ ચોક્કસ કીસ્સો યાદ આવતો નથી; પણ મારા મનમાં એવી છાપ ખરી કે રમણ પોતાને સાચું લાગે તે કહેવામાં શીક્ષકની પણ સાડીબાર ન રાખે; એટલો એ માથાભારે નહીં; પણ સ્પષ્ટવક્તા.”

સ્કુલમાં રમણભાઈ બીજી કોઈ પ્રવૃત્તીમાં ભાગ લેતા? ક્લાસમાં આગળ બેસતા કે પાછળ? ચાલુ ક્લાસે ધમાલ કરતા? ક્લાસમાંથી ગુલ્લા મારતા? આખા ક્લાસમાં કોઈ કન્યા હતી? આ અને આવા પ્રશ્નો સાંભળીને શુકલ સાહેબ દર વખતે હસીને કહે, “ભાઈ, આ બધી વાતોને સાઠ વર્ષ થયાં. અત્યારે બધું ઝીણુંઝીણું ક્યાંથી યાદ હોય? પણ એટલું કહું કે રમણ પહેલેથી સ્વતંત્ર વીચારનો અને રુઢી તોડવાના મીજાજનો હતો. (થોડી વાર વીચારીને) મને કોઈ પ્રસંગ યાદ નથી આવતો – કદાચ એ વખતે કોઈ એવો પ્રસંગ બન્યો પણ ન હોય; છતાં આવી મારી છાપ છે.”

શુક્લ સાહેબની વાત સાંભળીને સ્વાભાવીક રીતે એવું લાગે કે સાહેબના મનમાં વીદ્યાર્થી રમણની છબી પર પ્રા. રમણ પાઠકની છબી ‘ઓવરલૅપ’ થઈ ગઈ છે. એટલે એ વાત રમણની કરે છે અને ખાસીયતો પ્રા. રમણ પાઠકની વર્ણવે છે; પરન્તુ દુરના ફલેશબેકમાંથી બહાર આવતાં શુક્લ સાહેબની વાત સાંભળ્યા પછી આ ધારણા ખોટી ઠરી.

“કાલોલ છોડ્યા પછી હું અમદાવાદ આવ્યો. રમણ–જયંત સુરત તરફ ગયા.” શુક્લસાહેબે કહ્યું, ‘બન્નેએ પ્રગતી કરી, જયંત કવી બન્યો. એના નામની ચોપડીઓ છપાઈ એ બધી મને ખબર; પણ દાયકાઓ સુધી અમે મળેલા નહીં. જયંત સાહીત્ય પરીષદનો પ્રમુખ બન્યો ત્યારે જ્ઞાતી તરફથી એનું સન્માન થયું હતું. એ સમારંભમાં હું ખાસ જયંતને મળવા ગયો હતો. રમણને તો હું ત્રણ–ચાર મહીના પહેલાં એનો ફોન આવ્યો ત્યાં સુધી, મળ્યો જ ન હતો.”

અને રમણભાઈની રૅશનાલીસ્ટ તરીકેની ખ્યાતી, ‘રમણભ્રમણ’ કૉલમ, એનો ચંદ્રક – આ બધી વાતો સાહેબને કરી એના પ્રતીભાવમાં, લેખના પ્રારંભે થયેલો સંવાદ!

“હશે પણ. ત્રણ–ચાર મહીના પહેલાં રમણ અમદાવાદ આવ્યો હશે ત્યારે મને મળવા આવ્યો હતો. એ વખતે પણ એ કંઈક એવી વાત કરતો હતો કે, ‘લાકડાની આટલી તંગીમાં શબને અગ્નીદાહ શું કામ આપવો જોઈએ? મૃત શરીરનો નાશ કરવાના બીજા અનેક રસ્તા છે ને!” જીવનગણીતમાં પણ પોતાના વીદ્યાર્થીને સોમાંથી સો માર્ક આપતાં શુક્લસાહેબ બોલ્યા.

અડધો–પોણો કલાક પાતાના વીદ્યાર્થીની સ્મૃતીના ટેકે ભુતકાળમાં વીહર્યા પછી, વર્તમાનમાં ઉભા થવા માટે શુક્લ સાહેબે બાજુમાં પડેલી લાકડી મજબુતીથી પકડી, ઉભા થઈને દરવાજા સુધી આવ્યા. ફરી એક પાર વય પ્રગટાવતા એમના ચહેરા પર વયનાં ચીહ્નોને ઢાંકી દેતું હાસ્ય ઝળક્યું અને સાચેસાચું કહી દેવાની સ્ટાઈલમાં અવાજને સહેજ ધીમો કરી એમણે કહ્યું, “હું તો રમણને ગણીત શીખવતો હતો. એની અત્યારની સીદ્ધીમાં આપણું કંઈ પ્રદાન નહીં; પણ જુના વીદ્યાર્થી એટલા નમ્ર કે આપણને મળે ત્યારે ‘જે કંઈ છું તે તમારે લીધે’ની મુદ્રામાં ઉભા રડી જાય. અને રમણ જેવા માટે આપણને પણ એવું ગૌરવ થાય કે, ભલે ગુજરાતીમાં નહીં ને ગણીતમાં, એ મારો વીદ્યાર્થી તો હતો!”

મુલાકાતકાર : ઉર્વીશ કોઠારી

ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતની લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’ (હવે બંધ)ના પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)એ પોતાના ભાતીગળ આયુષ્યનાં 75 વર્ષ પુર્ણ કર્યાં ત્યારે ર.પા.ના અંગત તથા જાહેર એમ વ્યક્તીગત જીવનનો પરીચય આપતા 75 લેખોનું સંકલન કરીને શ્રી રજનીકુમાર પંડ્યાએ ‘રમણીયમ્’ ગ્રંથ સાકાર કર્યો હતો. [પ્રકાશક : શ્રી એમ. કે. મદ્રાસી, ‘શબ્દલોક પ્રકાશન’, 1760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ – 380 001; પ્રથમ આવૃત્તી : 1998; પાનાં : 224 મુલ્ય : રુપીયા 150/- (‘રમણીયમ્’ ગ્રંથ આઉટ ઓફ પ્રીન્ટ છે.)] મુલાકાતકાર, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

સમ્પાદક–સમ્પર્ક : શ્રી. રજનીકુમાર પંડયા, બી 3/જી એફ 11; આકાંક્ષા ફલેટસ, જયમાલા ચોક, મણીનગર–ઈસનપુર રોડ, અમદાવાદ – 380 050 ઈ.મેલ : rajnikumarp@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરબાદ, આમ સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ  ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 8/08/2022

 

4 Comments

 1. શ્રી રજનીકુમાર પંડ્યા ની કલમે લખાયેલ લેખો માણવાની મજા હોય છે તેમના ‘રમણીયમ્’ ગ્રંથ નો ઇંતેજાર
  શ્રી: ઉર્વીશ કોઠારીઓ લેખ પણ રસપ્રદ
  ધન્યવાદ

  Liked by 1 person

 2. Yes nice interview and as a teacher at any age when his student says “What ever i am is because of you” make us feel proud, though we may be teaching mathematics.
  Awaiting further series fortnightly on 2nd and 4th Monday is awaited eagerly. thx Govind Bhai

  Liked by 1 person

 3. શ્રી રજનીકુમાર પંડ્યા ના ‘રમણીયમ્’ ગ્રંથ નો ઇંતેજાર….
  શ્રી: ઉર્વીશ કોઠારીનો લેખ માણવાલાયક રહ્યો.
  આવા સરસ લેખો આપવા બદલ શ્રી ગોવિંદભાઈ મારુ નો ઘણો આભાર.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s