ટોનીક લેવાથી સેક્સ વધારી શકાય?

જો શક્તીવર્ધક દવાઓ ઝાઝી ઉપયોગી ન હોય તો ડૉક્ટરો શું કામ લખી આપે છે? શું આકર્ષક, પ્રેમાળ તથા સમજુ પત્ની સર્વશ્રેષ્ઠ ટોનીક છે? આજે ડૉ. મુકુલ ચોકસીએ 5 પ્રશ્નોના ઉત્તરો આપવાનો સન્નીષ્ઠ પ્રયત્ન કર્યો છે.

9

ટોનીક લેવાથી સેક્સ વધારી શકાય?

–ડૉ. મુકુલ ચોકસી

[‘જાતીય પ્રશ્નાવલી’ – 8 માણવા માટે લીન્ક : https://govindmaru.com/2022/07/25/dr-mukul-choksi-30/  ]

પ્રશ્ન : મારા દોસ્તો કહે છે કે, એલ.એસ.ડી. ટાઈપની ચીજ લેવાથી સેક્સની કેપેસીટી તથા ઈચ્છા વધી જાય છે. હું કૉલેજમાં ભણું છું. શું આવા પદાર્થ લઈ શકું?

ઉત્તર : બધાં પદાર્થો જાતીય શક્તી તો નથી જ વધારતા બલકે ઘટાડી જરુર શકે છે. વળી તેઓનો વપરાશ ગેરકાયદેસર છે. અફીણ પાવર સોમનીફેરમના ‘પીપી’ બીજમાંથી બને છે. તે દર્દશામક હોવાથી તબીબી વીજ્ઞાનમાં પીડાકારક સ્થીતીઓમાં તે આપવામાં આવે છે; પરન્તુ તેની અનેક ગંભીર આડઅસરો હોઈ તેનો વપરાશ મર્યાદીત ધોરણે જ થાય છે. ચરસ, ગાંજો વગેરેમાં ‘ટેટ્રાહાઈડો’ કેનાબીનોલ નામનું રસાયણ હોવાથી તેઓને ‘કેનાબીસ’ કહેવાય છે. ‘કેનાબીસ’, ‘એલ.એસ.ડી.’ વગેરેના સેવનથી વ્યક્તીને સમયની અલગ પ્રકારની અનુભુતી થાય છે. એક મીનીટ વીતે તો એને એમ લાગે કે જાણે કલાક વીતી ગયો છે. પોતાના સેકસ્યુઅલ્સ પરફોર્મન્સ દરમીયાન જો વ્યક્તી આવી સાઈકેડેલીક દવાઓની અસરમાં હોય તો તેને એમ લાગે કે પોતે સુદીર્ઘ કર્મ કર્યું છે. હકીકતમાં તેમ નથી હોતું. વળી આવા પદાર્થો વ્યક્તીના મુડમાં પરીવર્તન લાવતા હોવાથી પણ કેટલાકને એવો આભાસ થાય છે કે, જાણે તેઓની જાતીયતા પ્રજ્વળી ઉઠી છે. અલબત્ત, ‘કેનાબીસ’ ક્ષણેક ઈચ્છા વધારે એવુંય નોંધાયું છે; પરન્તુ લાંબા ગાળા માટે તે વાપરનારનું જાતીય કાર્ય બગડતુંય જોવા મળ્યું છે.

વાસ્તવમાં આવા બધા પદાર્થો વ્યસન કરાવનારા હોય છે. આથી જાતીય ઉત્તેજનાની ‘કીક’ માટે વ્યસન કરનારા લાંબા ગાળે પોતાની રહીસહી જાતીયતા પણ બગાડી બેસે તેવી શક્યતા હોય છે.

ચુનો, કાથો, સોપારી, તમાકુ ઉપરાંત શીલાજીત, કેસર તથા અફીણ નાંખીને બનાવાયેલા ‘પલંગ તોડ’ તરીકે ઓળખાતા પાન પણ, ખાનારા વ્યક્તીને કેવળ માનસીક હૈયાધારણ કે ધરપત જ આપતાં હોય છે. મોટા ભાગના લોકોને એનાથી કશો ફાયદો થયો નથી. તમારા દોસ્તોને વીનયપુર્વક ના પાડો અને એમને સમજાવો કે, ડૉ. પ્રકાશ કોઠારી કહે છે તેમ, આકર્ષક, પ્રેમાળ તથા સમજુ પત્ની જ સર્વશ્રેષ્ઠ ટોનીક છે.

પ્રશ્ન : હું સેક્સ વધારવા માટે હોર્મોન્સ લેવામાં માનું છું. હોર્મોન્સ શું હોય છે તે જણાવવાસ વીનન્તી.

ઉત્તર : ઈસવીસન 1900માં યુજીન સ્ટેઈને પ્રતીપાદીત કર્યું કે યુવાનીના પ્રાકૃતીક પ્રગટીકરણ માટે હોર્મોન્સ જવાબદાર છે.

ઈ.સ. 1935માં ડચ કેમીસ્ટે આખલા–ઓમાંથી એકત્રીત કરેલ એક હજાર કીલોગ્રામ વૃષણોમાંથી કેવળ અડધા ગ્રામથીય ઓછા હોર્મોન્સ જુદા પાડી બતાવ્યા. તો એડોલ્ફડ નામના જર્મન વૈજ્ઞાનીક પચીસ હજાર લીટર જેટલા પુરુષના પેશાબમાંથી કેટલાક હોર્મોનના સ્ફટીકો તારવી બતાવ્યા. ડૉ. રસેલ માર્કર નામના અમેરીકન કેમીસ્ટે ત્યારબાદ ‘લબેઝા’ કે ‘નીગ્રો’ નામના મેકીસકોમાં થતાં છોડમાંથી કૃત્રીમ હોર્મોન્સ બનાવવાની રીત શોધી.

‘ટેસ્ટોસ્ટેરોન’ નામના પુરુષ હોર્મોન્સ વીષે એવું મનાય છે કે, તે નપુંસકતાને સારી કરે છે તથા જાતીય શક્તી વધારે છે. હકીકતમાં જનનેન્દ્રીયના ઉત્થાનને હોર્મોન સાથે ઝાઝી લેવાદેવા નથી. હોર્મોન કુદરતી રીતે આવતી તરુણાવસ્થામાં જરુર ભાગ ભજવે છે; પણ કહેવાતી ‘જાતીય નબળાઈઓ’માં તે ખાસ કંઈ મદદ કરતાં નથી. ઉલટું, બહારથી લીધેલા હોર્મોન્સ વીર્ય બનાવવાની પ્રક્રીયામાં નડતરરુપ થઈ શકે છે. વળી સસેપ્ટીબલ વ્યક્તીમાં પ્રોસ્ટેટનું કેન્સર કે લીવરનો બગાડો પણ કરી શકે છે.

મોટેભાગના નપુંસક વ્યક્તીઓના લોહીમાં હોર્મોનનું પ્રમાણ યોગ્ય જ હોય છે. આથી બહારથી અપાતા હોર્મોન બીનજરુરી અથવા નુકસાનકારક બને છે. હોર્મોન્સ વૃષણનો અભાવ હોય એવી અપવાદરુપ સ્થીતીમાં જ જાતીય ઈચ્છા તેમ જ સ્ખલન (ઉત્થાન નહીં)નું પુનઃસ્થાપન કરે છે. આમ હોર્મોન્સનો આજકાલ થતો બેફામ ઉપયોગ જોખમી તેમ જ બીનજરુરી છે. તમે પણ નીષ્ણાત ડૉકટરની સલાહ વગર આવો કોઈ પ્રયોગ કરવાનું જોખમ લેશો નહીં.

પ્રશ્ન : તમે લખો છો કે, શક્તીવર્ધક દવાઓ ઝાઝી ઉપયોગી નથી. તો ડૉક્ટરો શું કામ લખી આપે છે? અને લોકો શું કામ એ લેતાં હોય છે?

ઉત્તર : તેનાં ઘણાં કારણો હોઈ શકે છે. પહેલું દર્દી તરફથી કરવામાં આવતું દબાણ. આપણે ત્યાં દર્દી ડૉક્ટર પાસે દવા લખવાની અપેક્ષા લઈને જ આવે છે. જો તેમ કરવામાં ન આવે તો તેઓને સંતોષ થતો નથી અને તેઓ સારવાર અધવચ્ચેથી જ પડતી મુકી દે છે. આથી ડૉકટરો શીલાજીત, કાળી મુસળી, ધોળી મુસળી, વીટામીન, જીન્સેન્ગ પ્રોટીન જેવા પદાર્થો ધરાવતી એકાદ બે દવાઓ લખી દેતા હોય છે. વળી ડૉકટરો પાસે કાઉન્સેલીંગ કે જાતીય શીક્ષણ આપવા માટે પુરતો સમય નથી હોતો. દવાખાનામાં એટલું એકાંત પણ નથી મળી શકતું. તેમાં પાછું ફાર્માસ્યુટીકલ કમ્પનીઓનું દબાણ આવે છે.

ઘણા ડૉક્ટરો જાણે છે કે, તેઓ માત્ર દર્દીના સંતોષ માટે, એમ જ કહેવાતું સેક્સ ટોનીક આપી રહ્યા છે. તેઓ એવું વીચારીને સંતોષ માને છે કે, જો પોતે આ ન લખી આપશે તો દર્દી અન્ય ડૉક્ટર પાસે દવા લખાવી લેશે.

ઘણા લોકો પોતાની જાતીય સમસ્યાઓ કોઈ સમક્ષ વ્યક્ત કરતા સંકોચ અનુભવતાં હોય છે. તેઓ ડૉક્ટરોને પણ પોતાની વાત કહેતા શરમ અનુભવતાં હોય છે. આવા લોકો મોંધી આકર્ષક પેકેટમાં પેક કરેલી સેક્સના નામવાળી દવાઓથી આકર્ષાઈને જાતે જાતે જ તે લેવાનો અખતરો કરી જતાં હોય છે. મહાનગરોની ફુટપાટ ઉપર ખુલ્લે આમ, ખલમાં લસોટીને ‘ઈન્સ્ટન્ટ સેક્સ ટોનીક’ બનાવી આપનારાઓ પણ જોવા મળે છે. તેમની પાસે ગ્રાહક તરીકે જનારાઓ પણ અસંખ્ય હોય છે.

દવા ઉપરનું સોનેરી કે રુપેરી વરખ લોકોને આકર્ષે છે. વળી જાહેરખબરોમાં કે હોર્ડીંગ્સ ઉપર દર્શાવાયેલા ઘોડા કે… જે પુરુષના શરીર સૌષ્ઠવનાં ચીત્રો પણ તેઓને આકર્ષે છે; પરન્તુ સૌથી મહત્ત્વની વાત તો એ છે કે, આવી દવાઓ લેવાથી ‘પોઝીટીવ સાઈકોલૉજીકલ ઈફેકટ’ (પ્લેસીબા)ને કારણે તેઓને ક્યારેક ‘ફાયદો’ થતો જણાય છે. જે હકીકતમાં તો કહેવાતી દવાના ગુણધર્મો ઉપર આધારીત નથી હોતી.

જો લોકો દ્વારા લેવામાં તમામ નામી–બેનામી દવાઓ યોગ્ય ઓથોરીટી દ્વારા માન્ય થઈ હોય અને તેની આડઅસરો અંગેની તમામ માહીતી ઉપલબ્ધ હોય તો એ પ્રીસ્ક્રાઈબ્ડ થયા બાદ લેવામાં કશો વાંધો ન હોઈ શકે; પણ આવી મોટે ભાગની દવાઓ કોઈ ઓથોરીટી દ્વારા રેકમેન્ડ કરવામાં આવતી હોતી નથી.

પ્રશ્ન : શું શરદીની દવાથી પણ સેક્સ લાઈફ ઉપર અસર પડી શકે?

ઉત્તર : શરદીની, બ્લડપ્રેશરની દવાઓ, નશીલી દવાઓ, દારુ વગેરેના લાંબા ગાળાના અતીસેવનથી સેક્સલાઈફ ઉપર વીપરીત અસર પડી શકે છે. શરદીની તથા દમની દવાઓમાં એફીડ્રીન, શ્યુડોએફીડ્રીન વગેરે પ્રકારની દવાઓ હોય છે. જેને મુળે ડીકન્જેસ્ટન્ટ કહેવામાં આવે છે. આ દવાઓ ગળા વગેરે ભાગમાં લોહી અને સ્ત્રાવોનું કન્જેશન ઓછું કરે છે. તેઓ લોહીની નળીઓનું સંકોચન કરતાં હોવાથી ઈન્દ્રીય ઉપર એની ઉત્થાનથી ઉંધી અસર (એટલે કે ઢીલાશ) આવી શકે છે. કેમ કે ઈન્દ્રીયમાં ઉત્થાન માટે લોહીની નળીનો પ્રસાર અને લોહીનો ભરાવો (કન્જેશન) જરુરી હોય છે.

પ્રશ્ન : મારા એક મીત્રને નીરોધ વાપરવા છતાં પત્ની પ્રેગ્નન્ટ થઈ હતી. મારા લગ્ન હમણાં જ થયા છે. ડૉક્ટરોએ નીરોધ વાપરવાનું સુચન કર્યું છે; પણ મને ડર લાગે છે. વળી પત્ની પીલ્સ લેવાની કે યોનીમાં ટેબ્લેટ મુકવાનું ના પાડે છે. તો શું કરવું?

ઉત્તર : નીરોધ યોગ્ય રીતે વાપરવામાં આવે તો નીષ્ફળ જવાની શક્યતા નહીંવત્ છે. નીરોધ વાપરતા પહેલાં આટલી વાતની કાળજી રાખશો તો ડરવાની જરુર નહીં રહે. શીશ્ન ઉત્થાનીત અવસ્થામાં હોય ત્યારે નીરોધ પહેરવું જોઈએ, જેથી બંધબેસતું આવી શકે. નીરોધને પહેરતા પહેલા તાણીતુસીને ચેક કરવાની જરુર નથી. નહીંતર એમ કરવાથીય તેમાં છીદ્ર પડી શકે. કેટલાક લોકો સમાગમ વગર નીરોધ કરે છે. પછી થોડીવાર બાદ અળગા થઈ સ્ખલન થતાં પહેલાં નીરોધ પહેરી ફરી સમાગમ કરે છે. આવું કરવું હીતાવહ નથી. કેમ કે વગર નીરોધ, શરુઆતમાં થયેલ સમાગમ વખતે ક્યારેક શુક્રાણું ધરાવતા વીર્યના એકાદ બે સુક્ષ્મ ટીપાં અજાણતામાં યોનીમાર્ગમાં પ્રવેશી શકે છે. ‘પ્રી–ઈજેક્યુલેટરી ફલ્યુઈડ’ તરીકે ઓળખાતા આ ટીપાંઓય અકસ્માતે ગર્ભધારણ કરાવી શકે છે. વળી નીરોધ પહેર્યા પછી આગળ રહેલા ટોટી જેવા ભાગમાં હવા ન રહી જાય અને તે ભાગ સ્પષ્ટ હોય તો તેવી ખાતરી કરી લેવી જરુરી છે. સમાગમ પછી ઈન્દ્રીય શીથીલ થતી હોય છે. આથી અતીશયલાંબા ગાળા સુધી શીશ્ન તથા નીરોધ યોનીમાર્ગમાં ન રહેવા જોઈએ. સમાગમ પછી અળગા થતી વખતેય શીશ્ન નીરોધ સહીત બહાર નીકળે તેનું ધ્યાન રાખવું જોઈએ.

–ડૉ. મુકુલ ચોકસી

સાઈકીઆટ્રીસ્ટ તથા સૅક્સ થૅરાપીસ્ટ ડૉ. મુકુલ ચોકસીનું મનુષ્યની સૅક્સલાઈફનાં અનેકાનેક પાસાંઓની તલસ્પર્શી છણાવટ કરતું પુસ્તક ‘જાતીય પ્રશ્નાવલી’ (પ્રકાશક : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395003 ફોન : (0261) 7431449 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવા સીદી, ગોપીપુરા, સુરત – 395003 ફોન : (0261) 7427882/7432563 પાનાં : 124, મુલ્ય : રુપીયા 90/–)માંથી લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક : DR. MUKUL M CHOKSI “ANGAT CLINIC” 406, WESTERN BUSINESS PARK, OPP. S. D. JAIN SCHOOL, VESU CHAR RASTA, UNIVERCITY ROAD, SURAT –395 007.  Phone : (0261) 3473243, 3478596 Fax : (0261)  3460650 e.Mail : mukulchoksi@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 08–08–2022

4 Comments

 1. ડૉ. મુકુલ ચોકસીએ ‘જાતીય પ્રશ્નાવલી’મા મુખ્ય પ્રશ્ન ટોનીક લેવાથી સેક્સ વધારી શકાય?
  .
  જેવા ૫ પ્રશ્નોના ઉત્તરો આપવાનો સન્નીષ્ઠ પ્રયત્ન કર્યો છે.

  ધન્યવાદ

  Liked by 1 person

 2. ખુબ સરસ રીતે સમજૂતી આપી છે. લે ભાગુ અને ઊંટ વૈધ થી થતી લુંટ થી બચી શકાય છે.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s