પાસાદાર ર.પા.ની ‘જન્મશતાબ્દી’ નીમીત્તે ર.પા.નું પાસું પહેલું – 2
બચપન કે દીન ભી ક્યા દીન થે!
ગોઠનો (રાજગઢનો) ગોઠીયો રમણ પાઠક
– હરીપ્રસાદ શુક્લ
[ર.પા.નું પાસું પહેલું – 1 પર જવા માટે સ્રોત : https://govindmaru.com/2022/08/08/h-m-shukla/ ]
રમણ પાઠક વીસના હોય કે પંચોતેરના થાય તેમાં કોઈ ફરક પડતો નથી. આજેય રમણ પાઠક એટલા જ તરવરીયા, વીદ્રોહી, સ્પષ્ટભાષી અને નીખાલસ છે. વધતી ઉમ્મરે પણ તેમનામાં એટલી જ રસીકતા, વાચાળતા અને યુવા–સહજ પ્રકૃતી ઉછળકુદ કરે છે.
મારા પીતાની દેશી રજવાડા દેવગઢ બારીયા સ્ટેટના રાજગઢ થાણામાં બદલી થઈ, ત્યારે હું કાલોલ ભણતો હતો. શરુઆતમાં વૅકેશનમાં રાજગઢ ગયો ત્યારે રમણ અને જયંત પાઠકની ઓળખાણ થઈ. રમણ મારા કરતાં એકાદ વર્ષ નાનો હશે; પણ એ રમતીયાળ અને તરવરીયો. જયંત પાઠક પ્રમાણમાં કંઈક ગંભીર; પણ તેમની વચ્ચે જબરો મેળ હતો. થાણાની તદ્દન પાસે તેમનું કુટુંબ ગોઠ ગામમાં રહેતું. મોટા બહેન પરણાવેલાં; પણ ત્રણ નાની બહેનો, મોટાભાઈ એટલે કે લક્ષ્મીશંકર પાઠક અને વીધવા માતા એટલું કુટુંબ રહે. બાજુમાં જ કાકાનું ઘર. નવાઈ લાગે; પણ ગોઠ ગામમાં આઠ– નવ પાઠક કુટુંબનાં ઘર એ તમામ ઘરમાં સાહીત્યપ્રેમીઓ, કવીઓનો વાસ હતો. કદાચ ગોઠ ગામની ધરતીની આ દેન હોય! લક્ષ્મીરામ પાઠક પણ અચ્છા સાહીત્યપ્રેમી અને કવી. ધોધંબાની શાળામાં શીક્ષક હતા અને આ શાળામાં એક સમૃદ્ધ પુસ્તકાલય સ્થાપવામાં તેમનું મોટું પ્રદાન હતું. ઘરમાં સામાન્ય વાતોમાં પણ સાહીત્યપ્રેમની ઝલક વર્તાઈ આવતી. રમણ પાઠક અને જયંત પાઠક દોસ્તી કરવામાં ખુબ સરળ નીવડ્યા અને અમારી ત્રીપુટી જામી પડી.
ગામની આસપાસનું વાતાવરણ અમારી વગડા–મહેફીલોને રોમાંચક બનાવતું. જાણીતા લેખકો–કવીઓ વીષે આ યુવા સાહીત્યપ્રેમીઓ દ્વારા મારામાં ત્યારથી જ રસ પેદા થયો હતો. ગામની પાસે જ નદી અને કોતરો. થાણા પાછળ પણ જંગલો અને જંગલમાં પુરાણું વીશાળ વૈજનાથ મહાદેવનું મંદીર.
રમણ પાઠક વીષે બાળપણની અનેક નાનીમોટી સ્મૃતીઓ છે. વૅકેશનમાં આવીને બપોર પછી નદીમાં નહાવાનો કાર્યક્રમ હોય જ. નહાતાં નહાતાં માછલી ડેંડવાં જોવા મળે એટલે મગર અને ડેંડવાંની કૃત્રીમ ભય પમાડતી રમતો રમતા કે તે હજુય યાદ છે. લાંબા અંતર સુધી ફરવા જતા અને લેખકો, કવીઓ અને તેમની કૃતીઓ વીષે ચર્ચા કરતા. એક દીવસ અમે વગડામાં બપોરની ચા પીવાનો કાર્યક્રમ યોજ્યો. ઘેરથી દુધ, ચા, ખાંડ લોટામાં નાખી ચાલ્યા અને પીલુડીના ઝાડ નીચે ઢેફાના ચુલા પર આસપાસથી વીણી લાવેલાં સાંઠીકડાં સળગાવી ચા બનાવી. ગળણીય મૌલીક, ખાખરાના પાનમાં કાણાં પાડી ચા ગાળી. પછી તો આ ઘટાદાર પીલુડી નીચે અનેકવાર ચા–પાણી થતાં અને લાંબી બેઠકોનો દોર ચાલુ રહેતો. આવી હતી અમારી જંગલની પીકનીકો.
એક વૅકેશનમાં અમે કરડ નદીના મુળ. જે હાથણી નામે ઓળખાતું ત્યાં તથા પાણી માઈન્સની ખાણ પર જવાનું નક્કી કર્યું. થાણદાર કાકાનો મનુ વૅકેશનમાં આવ્યો હતો. પીતાજીએ વાત કરી અને થાણદાર કાકાએ ગાડાની સગવડ કરી. વહેલી સવારે ગાડામાં ગાદલાં પાથર્યાં અને સાથે નાસ્તો પણ બંધાવ્યો. અમારી સાથે એક નાકેદાર અને એક જમાદાર પણ મોકલ્યો. અમે ચાર ગોઠીયા અને બે સથવારા સાથે પ્રયાણ કર્યું. રસ્તામાં જમાદારે સીગરેટ સળગાવી. અમને પણ તલબ લાગી. ચારેય જણાએ એક એક સીગરેટનો દમ માણ્યો. પછી તો જમાદારે સીગરેટ આપવાની ના પાડી એટલે દબાઈચંપાઈને બેસી રહ્યા. અગીયાર વાગે અમે ડુંગરની તળેટીમાં વહેતી કરડ નદીના કાંઠે પડાવ નાખ્યો. ખાણમાં તે કાંઈ જ જોવાનું ન હતું; પણ નદીની વીશાળ બખોલમાં વર્ષોથી ઉપરથી ટપકતાં પાણીએ બેઠેલા હાથીના આકારની વીશાળ આકૃતીનું સર્જન થયું હતું તે જોતાં ભારે આશ્ચર્ય થયું. એ જ હાથણી નદીમાં ધુબાકા માર્યા અને નહાયા–ધોયા. પેટમાં કકડીને ભુખ લાગી હતી. જમાદારે નજીકના ગામના ઠાકોરને કહેવડાવી દીધું હતું, એટલે અમો ડેલીબંધ મકાનમાં પહોંચી પરસાળમાં ઢાળેલા ખાટલામાં આરામ કર્યો. કોઈ જમાનાના ગામધણી એવા ઠાકોરનું ખોરડું આમ તો ઘસાયેલું હતું; પણ અમલદારના દીકરાઓની કમને સંભાળ લેવી પડી. અચાનક રમણે મને કાનમાં કહ્યું “બાબુભાઈ, (મારું બાળપણનું નામ) મારા પેટમાં તો ચાની ભુખ લાગી છે!” ઠાકોરને કહેવું કેવી રીતે? પણ અમારા જમાદારનો દમામ જુદો હતો. તેણે ઠાકોરના માણસને સાત–આઠ કપ ચાનો આદેશ આપી દીધો. અર્ધા–પોણા કલાકે જેને ચા કહેવામાં આવી હતી તે પીણું આવ્યું તો ખરું અને અમારે કમને પીવી પણ પડી; પણ રમણનો પ્રતીભાવ જુદો હતો. તેણે બધાંની વચ્ચે સંતોષના ઓડકાર સંભળાવ્યા હતા. થોડી વાર પછી અમને બાજુની ઓસરીમાં જમવા બોલાવ્યા, ભુખ કકડીને લાગી હતી. થાળીમાં લાપસી, શાક અને દાળ પીરસાયાં. લાપસીના રંગને નજરઅંદાઝ કરીને ઝપાટો બોલાવ્યો. કેમેય કરીને બીજી વાર લાપસી ન આવી એટલે રમણે ધીમેથી કહ્યું કે દાળ છે એટલે ભાત આવશે. ભાતની રાહ જોતા બેઠા. ભાત તો ન આવ્યો એટલે હારી–થાકીને દાળ પીને ચલાવી લીધું, પછી તો વીદાયની ચા મળે એવી યાદ અપાવવાની હીમ્મત ન રહી. રસ્તામાં આ પ્રસંગ યાદ કરીને ખુબ હસ્યા, ત્યારે રમણનો પ્રતીભાવ તેમાંથી મળેલા આનન્દના ઓડકારનો જ રહ્યો હતો. ત્યારપછી અમારી ઉપરની મહેફીલ વીષે અનેક વાર રસપ્રદ સાહીત્ય પરીષદો યોજાઈ હતી. રમણ પાઠકનો આ ગુણ આજ સુધી અકબંધ રહ્યો છે.
થાણાની બરાબર સામે કરડ નદી અને સામા કાંઠે દુર જાણે કોઈએ વીશાળ ખોબો ભરી ઢગલો કર્યો હોય તેવો મોરડીયો ડુંગર. અમે ઘણી વાર ત્યાં જતા. મોટાભાઈ લક્ષ્મીશંકર આ ડુંગરને પુરાણના મયુરધ્વજ રાજાના પ્રસંગ સાથે સાંકળી, અમને પ્રભાવીત કરતા તે મને યાદ છે. એમણે એક વાર મોરડીયાની તળેટીમાં પાકી ઉજાણી ગોઠવી. થાણાના અધીકારીઓ અને પાઠક કુટુંબોએ રસભેર ભાગ લીધો. સ્વાદીષ્ટ લાડુનું ભોજન કર્યા પછી, મોટાભાઈએ મોરડીયા ડુંગર પર દોડતાં ચઢીને પાછા આવવાની રમત ગોઠવી. અમે કેટલાક ઉત્સાહી છોકરાઓએ રસપુર્વક ભાગ લીધો; પણ અમારી સાથે દોડે એ રમણ નહીં. તેમણે માત્ર સાહીત્યીક વાણી દ્વારા રમતની રનીંગ કોમેન્ટ્રીનો આસ્વાદ જ કરાવ્યો. મોટાભાઈ અમારા વડીલ પણ અમને સૌને મીત્ર જેવા લાગે. તેમની વાતોમાં ઉત્સાહ અને જોમ ભારોભાર રહેતાં. હમણાં ચારેક માસ પહેલાં મારી બાળપણની સ્મૃતીઓને મોટી ઉમ્મરે માણવા રાજગઢ ગયો. ત્યારે ધોધંબામાં તેમણે બંધાવેલા ઘરને શોધવું પડ્યું. ટુંકી પોતડી અને પહેરણમાં વીંટાયેલી તેમની જર્જરીત કાયામાં એ જ ઉત્સાહ અને વાણીમાં એટલું જ જોમ કાયમ રહ્યાં હતાં. અમને વૈજનાથ મહાદેવ લઈ ગયા અને ફરી વાર અમારા કુટુંબ સાથેનો ઘરોબો યાદ કરાવી અમને ભાવવીભોર બનાવી દીધા હતા. વૈજનાથ મહાદેવનું મંદીર એક વીશીષ્ટ ઈમારત છે. મંદીરની દીવાલો 5–7 ફુટ જાડી, વીશાળ ઘુમ્મટ અને આસપાસની દેરીઓ, સમાધીઓ પરીસરની ભવ્યતામાં ઉમેરો કરે છે. કહેવાય છે કે ચાંપાનેરના પતઈ રાવળનું રાજય મધ્યાહ્ને તપતું ત્યારે આ મંદીર બંધાયું હતું. અમારી ત્રીપુટીએ કેટલીયવાર આ મંદીરમાં ભાંગ પીવાના કાર્યક્રમો યોજ્યા હતા અને ભાંગ પીધા પછી રમણ–જયંત સાચા અર્થમાં તાનમાં આવી જતા અને અમારી કલ્પનાઓ વીવીધ કલ્પનાવીશ્વમાં સરી જતી હતી.
મારા પીતાજીની બદલી રાજગઢથી અન્ય સ્થળે થઈ. આ સમયમાં હું સ્વાતંત્ર્ય લડતમાં પુરેપુરો ડુબી ગયો હતો. રમણ પાઠકનો સમ્પર્ક કપાઈ ગયો. કૉલેજકાળ પુરો કર્યા પછી એક વાર હું બારીયા ગયો, ત્યારે જાણ્યું કે રમણ પાઠકે સ્થાનીક શાળામાં શીક્ષકી સ્વીકારી હતી. મારા ઘર નજીક જ તેમણે ઘર રાખ્યું હતું. મળવા ગયો ત્યારે તેઓ આ અંધારીયા ઘરમાં શાક બનાવતા હતા. તેમની બનાવેલી ભાખરી–શાક અમે ઝપાટી ગયા, અને પાઠકજીએ અધુરી ભુખથી ચલાવી લીધું. તેમના જીવનમાં સરોજબહેન આવ્યાં અને ગયાં પણ ખરાં. તેમની સાથે અમદાવાદમાં ગાળેલી એક યાદગાર સાંજમાં જાણે કંઈ જ બન્યું નથી તેવા સહજ ભાવે સરોજબહેનની વાત ટાળીને એ બીજી વાતે ચઢી ગયા અને “યાર, આપણે તો મસ્તરામ છીએ. ગઈ ગુજરી ભુલી જવામાં જ માલ છે.” એવું કંઈક કહીને તેમના જીવનની ફીલસુફીનું રમતીયાળ પાનું આગળ ધરી દીધું.
આજે એ ગોઠ ગામ અને થાણું પાધર થઈ ગયું છે. જંગલો સાફ થઈ ગયાં છે. અને પીલુડીઓ અદૃશ્ય થઈ ગઈ છે. ધોધંબામાં નવા વસવાટો બન્યા છે. હુંય હતો તેવો નથી; પણ રમણ પાઠક આજેય, હતા તેવા રમતીયાળ, નીઃસ્પૃહી છતાં સંવેદનશીલ અને આત્મીય રહ્યા છે. ભલે તે વીસના હોય કે પંચોતેરના થાય કોઈ જ ફરક પડ્યો નથી.
– હરીપ્રસાદ શુક્લ
‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતની લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’ (હવે બંધ)ના પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)એ પોતાના ભાતીગળ આયુષ્યનાં 75 વર્ષ પુર્ણ કર્યાં ત્યારે ર.પા.ના અંગત તથા જાહેર એમ વ્યક્તીગત જીવનનો પરીચય આપતા 75 લેખોનું સંકલન કરીને શ્રી રજનીકુમાર પંડ્યાએ ‘રમણીયમ્’ ગ્રંથ સાકાર કર્યો હતો. [પ્રકાશક : શ્રી એમ. કે. મદ્રાસી, ‘શબ્દલોક પ્રકાશન’, 1760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ – 380 001; પ્રથમ આવૃત્તી : 1998; પાનાં : 224 મુલ્ય : રુપીયા 150/- (‘રમણીયમ્’ ગ્રંથ આઉટ ઓફ પ્રીન્ટ છે.)] લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…
સમ્પાદક–સમ્પર્ક : શ્રી. રજનીકુમાર પંડયા, બી 3/જી એફ 11; આકાંક્ષા ફલેટસ, જયમાલા ચોક, મણીનગર–ઈસનપુર રોડ, અમદાવાદ – 380 050 ઈ.મેલ : rajnikumarp@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરબાદ, આમ સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ – ઈ.મેલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 22/08/2022
શ્રી રમણભાઈ પાઠક લેખ સરસ માણવાલાયક રહ્યો.
આભાર શ્રી હરિપ્રસાદ શુક્લનો
LikeLiked by 1 person
શ્રી હરીપ્રસાદ શુક્લનો ‘બચપન કે દીન ભી ક્યા દીન થે! ગોઠનો (રાજગઢનો) ગોઠીયો રમણ પાઠક બે વાર માણ્યો.બારડોલીમા આખા કુટુંબ સાથે સંબંધ છતા આ અંગે ખાસ જાણ્યું નહીં ! તે આજે માણતા આનંદ
શ્રી રજનીકુમારની સિધ્ધ કલમે લખાયેલ રમણિયમ ના લેખો આપના બ્લોગ પર મુકશો
LikeLiked by 1 person
શ્રી રજનીકુમારની સિધ્ધ કલમે લખાયેલ રમણિયમ ના લેખો આપના બ્લોગ પર મુકશો
બેનની જેમ અમારો પણ આગ્રહ છે.
LikeLiked by 1 person
શ્રી રજનીકુમારની સિધ્ધ કલમે લખાયેલ રમણિયમ ના લેખો આપના બ્લોગ પર મુકશો.
બેનની જેમ અમારો પણ આગ્રહ છે.
LikeLiked by 1 person
સ્મરણીય રમણભાઈ પાઠકની ‘જન્મશતાબ્દી’ નીમીત્તે ‘રમણીયમ્’ પુસ્તકના લેખોની હારમાળા દર બીજા અને ચોથા શનીવારે પ્રગટ થશે.
LikeLike
આ લેખ અને આવા કઈં કેટલાય લેખો, પ્રકાશનો અને આ પ્રવૃત્તિ બદલ સહુનો ખૂબ ખૂબ આભાર.
LikeLiked by 1 person
માનનીય હરિપ્રસાદ શુક્લાની કલમે લખાયેલો આ લેખ ખૂબ જ ગમ્યો. ભાઈ શ્રી રજનીકુમાર પંડ્યા લેખિત અને પ્રિય ગોવિંદભાઈ દ્વારા અક્ષર અક્ષરાંકન.
LikeLiked by 1 person