જેમ્સ સીમ્પસન

સંપુર્ણ શરીર અને કદાવર બાંધાવાળા યોદ્ધાના ‘સ્પાર્ટન ડેથ રેસ’માં હાજાં ગગડી જવાના બનાવો બન્યા છે. ત્યારે બન્ને પગ ગુમાવનાર દૃઢ મનોબળવાળા એક સૈનીકે આ પડકારજનક સ્પર્ધામાં ભાગ લઈ પ્રેરણાત્મક દૃષ્ટાંત પુરુ પાડ્યું છે. મોત સામે બાથ ભીડનાર આ જવાંમર્દની આજે વાત કરવી છે.

જેમ્સ સીમ્પસન

–ડૉ. જનક શાહ અને ભારતી શાહ

‘સ્પાર્ટન રેસ’ને ન્યુયોર્ક ટાઈમ્સ ‘સ્પાર્ટન ડેથ રેસ’ તરીકે ઓળખાવે છે અને સ્ત્રીઓ તો કહે છે કે આ સ્પર્ધામાં ભાગ લેવા કરતા બાળકને જન્મ આપવાની પીડા સહ્ય હોય છે. આ સ્પર્ધા પુરી કરનારાનો આંક 10 ટકા જેટલો છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સર્વોત્તમ શરીરસૌષ્ઠવ હોવું પુરતું નથી; પણ સ્પર્ધકમાં જીવીત રહેવાનું કૌશલ્ય તેમ જ સખ્તાઈભર્યું ચપળ મન હોવું જરુરી છે.

‘સ્પાર્ટન રેસ’ વીવીધ અંતર અને મુસીબતોનો સામનો કરવાની વીઘ્નદોડની સ્પર્ધાની શૃંખલાઓ છે જેમાં એક માઈલથી મેરેથોન દોડ સુધીના અંતરને આવરી લેવાય છે. તે નોર્થ અમેરીકા, યુરોપ, દક્ષીણ કોરીયા અને ઑસ્ટ્રીલીયામાં યોજાય છે. આ શૃંખલામાં સ્પાર્ટન સ્પ્રીન્ટ (3 માઈલની વીઘ્નદોડ), સુપર સ્પ્રીન્ટન (8 માઈલ),  સ્પાર્ટન બીસ્ટ (12 માઈલ) અને અલ્ટ્રા બીસ્ટ (26 માઈલ – મેરેથોન માંહેની એક વીઘ્નદોડ) યોજાય છે. ‘સ્પાર્ટન રેસ’માં મર્યાદીત સમયમાં અવરોધોને પાર કરવાના હોય છે. તે રેસમાં એક માઈલનું અંતર મર્યાદીત સમયમાં વીઘ્નો પાર કરતાં કરતાં પસાર કરવાનું હોય છે. આ રેસના વીઘ્નોનું આયોજન યુનાઈટેડ સ્ટેટ્સનો લશ્કરી વીભાગ નક્કી કરે છે. જેમાં સ્પર્ધકની સહનશક્તીની પણ ચકાસણી થાય છે. ESPN આ રમતને ‘ઈચ્છા શક્તીની કસોટી’ તરીકે ઓળખાવે છે.

‘સ્પાર્ટન રેસ’ એક માઈલથી મેરેથોન સુધીના અલગ–અલગ અંતરમાં યોજાય છે. તેમાં આયોજાતા અવરોધોના પ્રકારો પણ અલગ–અલગ હોય છે. સ્પર્ધકોએ અવરોધો પાર કરવા પડે અથવા તો તેની દંડનીય કસરતો કરવી પડે. ઘણાં અવરોધો દરેક ‘સ્પાર્ટન રેસ’માં સામેલ હોય છે. રેસની શરુઆત પહેલાં ‘સ્પાર્ટન રેસ’ના આયોજકો રસ્તાનો મેપ કે અવરોધોની યાદી સ્પર્ધકોને આપતા નથી. ફાયર જમ્પ, કાંટાળા વાયરમાં સરકવું, દીવાલ ઉપરથી–નીચેથી અને અંદરથી પસાર થવું, ભાલાફેંક, લાકડાની વાડ ઓળંગવી, વજન ઉંચકીને દોડવું, હરક્યુલીઅન હોઈસ્ટ, ટાયરોલીન ટ્રાવર્સ, સરકણી દીવાલ, ગ્લેડીએટર એરીઆના, હોબી હોપ, લાંબો કુદકો  વગેર અવરોધો ‘સ્પાર્ટન રેસ’માં સામેલ કરાય છે.

સંપુર્ણ શરીર અને કદાવર બાંધાવાળા યોદ્ધા આ સ્પર્ધામાં ભાગ લેતાં પહેલાં લાંબો વીચાર કરે, અનેક તૈયારી કર્યા પછી પણ હાજાં ગગડી જવાના બનાવો બન્યા છે ત્યારે ઉપરોક્ત પ્રકારો જાણ્યા પછી કપાયેલ પગ હોય તેવી પ્રથમ વ્યક્તી એવો રોઉડનનો લેન્સ બોમ્બાર્ડાયર જેમ્સ સીમ્પસન ‘સ્પાર્ટન રેસ’ની ઈવેન્ટમાં ભાગ લેવા આજે કૃતનીશ્ચયી છે. ખુલ્લા ગ્રામ્ય પ્રદેશમાં સજા કરાતી હોય તેમ યોજાતી આશ્ચર્યજનક ‘સ્પાર્ટન રેસ’માં કાદવના ખાડા સરકી–સરકીને અને બરફના ખાડા ખુંદીને, તેમ જ કાર્ગોની નેટ ખુંદી, ચઢી, સળગતા કોલસામાં દોડ લગાવી પાર નીકળી જવાની આ સ્પર્ધા કેટલી જોખમી હોય તે તો ભાગ લેનાર જ વધુ જાણે!

સીમ્પસન રોયલ આર્ટીલેરીની પાંચમી રેજીમેન્ટમાં ફરજ બજાવતો હતો. હેલ્માન્ડમાં પગે ચાલીને પેટ્રોલીંગ કરી તે પાછો આવી રહ્યો હતો ત્યારે તેનો પગ કામચલાઉ વીસ્ફોટક સાધનમાં મુકાઈ ગયો. નવેમ્બર 2009માં ઘુંટણથી ઉપરના બન્ને પગો તેણે તે વીસ્ફોટમાં ગુમાવ્યા તેમ જ હાથોને પણ ઈજા પહોંચાડી.

હાલ તે આગામી મહીનામાં યોજાવાની ‘સ્પાર્ટન રેસ’ માટે તેના ઘરથી નજીક આવેલા જંગલના પ્રદેશમાં પોતાના જુદા જુદા પ્રોસ્થેટીકસ સાથે અવરોધોને તેના માર્ગમાં ફેંકી તે માર્ગ ઓળંગવાની તૈયારી કરી તાલીમ લઈ રહ્યો છે.

દોડવા માટે પેરાલીપ્કીસ ટ્રેક રમતવીરો ઉપયોગમાં લેતી બ્લેડોને નાની–મોટી–ટુંકી કરીને ઉપયોગ કરતાં શીખવા મંડ્યો છે. તે તેને તેની સ્ટબીઝ તરીકે ઓળખાવે છે જે તેના સાથળ નીચેના તળીયાના બાકી રહેલા ભાગ પર નાનાંનાનાં પેડ બંધબેસતાં થાય છે.

સીમ્પસન રીપન નજીક, 8મી સપ્ટેમ્બરે સ્પાર્ટન યોર્ક સ્પ્રીન્ટ સાથે પોતાની દોડ શરુ કરી રહેલ છે જેમાં 5 કી.મી.ના માર્ગમાં તેણે 25 અવરોધો પાર કરવાના છે.  યુકે ‘સ્પાર્ટન રેસ’ના ઉદાહરણરુપ ડાયરેક્ટર અને રોયલ મેરીન્સ કમાન્ડો  રીચાર્ડ લીએ કહયું, “જેમ્સનું પ્રેરણાદાયક ઉદાહરણ હૃદયસ્પર્શી છે. તેની પ્રથમ રેસમાં નોંધણી કરાવવામાં જ તેની બહાદુરી દેખાઈ આવી હતી અને તેણે બન્ને કપાયેલા પગ સાથે યુકે ‘સ્પાર્ટન રેસ’માં ભાગ લેનાર પ્રથમ એવા તેણે નવો બ્રીટીશ રેકૉર્ડ સેટ કર્યો હતો. તે એક ‘સ્પાર્ટન રેસ’માં ભાગ લેનાર ખેલાડીનું સંપુર્ણ અને આદર્શ ઉદાહરણ હતો.”

સંયોજકો તેના ભાગ લેવા અંગે કહે છે કે આ એક ગાંડપણ જ છે. અત્યારે તે વેસ્ટ યોર્કશાયરના ઘર પાસેની વનરાઈઓમાં તેના વીવીધ પ્રકારના કૃત્રીમ પગ સાથે અવરોધો વીંધવાની તાલીમ લઈ રહ્યો છે. ‘સ્પાર્ટન રેસ’નું નામ પ્રાચીન ગ્રીક યોદ્ધાઓના નામ પરથી આપવામાં આવ્યું છે. આ ઉનાળામા કુલ સાત રેસ યોજાવાની છે.

ત્રણ વર્ષ પહેલાં પોતાની જાતને વેરાન બનાવી દે તેવી ઈજા પામ્યા પછી બર્મીંગહામની સેલી ઓક  હૉસ્પીટલમાં આવ્યા બાદ સીમ્પસન ફરીથી કેવી રીતે તે ચાલી શકશે તેની કલ્પના કરી રહ્યો હતો; પણ સુરેના હેડલી કોર્ટમાં આવેલા લશ્કરના પુનર્વસવાટ કેન્દ્રની મદદથી કૃત્રીમ પગથી ચાલવાની નીપુણતા તેણે જલ્દીથી હાંસલ કરી લીધી અને આ વર્ષની શરુઆતમાં તે યોગ્ય રીતે ફરીથી દોડવાની તૈયારી કરવા ઈચ્છતો હતો. ઘવાયેલા સશસ્ત્રદળના સૈનીકોના લાભાર્થે યુનાઈટેડ સ્ટેટ્સની વોરીઅર ગેમ્સમાં 1500 મીટર દોડમાં ભાગ લેવાનો તેણે નીર્ણય કર્યો. તેને પોતાને તે દોડમાં ભાગ લઈને આશ્ચર્ય થયું કે તેને તેમાં કેટલો આનન્દ આવ્યો હતો!

સીમ્પસન પોતે કહે છે, “મારા માટે પ્રથમ પડકાર તો ફરી કેમ ચાલવું તે હતો, નહીં કે પુષ્કળ પ્રમાણમાં કાદવવાળા રસ્તા પર દોડી જવું. થોડા મહીના ચાલવાની તાલીમ લીધા પછી, પુરેપુરું સમતોલન આવી ગયા પછી મેં દોડવા તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું; પણ દોડ પ્રત્યે મને ખરેખર વધુ લગાવ ન હતો. આ વર્ષે જ કંઈક ગંભીરતાથી દોડવાનું શરુ કર્યું છે. અચાનક મારા મીત્રોના ફોટા પર મારી નજર ગઈ. તેઓએ અમેરીકાની ‘સ્પાર્ટન રેસ’માં ભાગ લીધો હતો અને હું પણ તેમાં ભાગ લેવા માટે કૃતનીશ્ચયી બન્યો.”

પોતાની વાતમાં ઉમેરો કરતા તે કહે છે, “મારા કુટુંબીજનો મને ખરેખર સારી રીતે ઓળખે છે અને હું તેમને કહું કે હું એવરેસ્ટ શીખર સર કરવા જઈ રહ્યો છું તો તેઓ સહજતાથી કહે કે વારું, મંગળવારે તું શરુઆત ન કરતો; કારણકે અમે બધા સાંજનું ભોજન સાથે લેવા આવી રહ્યા છીએ. કોઈ જ બાબતથી હવે તેમને આંચકો લાગતો નથી.”

‘જસ્ટ ગીવીંગ પેજ’માં પોતાનો પરીચય આપતા તે કહે છે, ‘જસ્ટ ગીવીંગ પૃષ્ઠ’ની મુલાકાત લેવા બદલ તમારો આભાર. મારું નામ જેમ્સ સીમ્પસન છે. નવેમ્બર 2009માં અફઘાનીસ્તાનના નોધર્ન હેલમન્ડના સંગીન શહેરમાં એક સ્ફોટક સાધન (Improvised Explosive Device (IED))પર મારાથી પગ મુકાઈ ગયો. પરીણામે મારા ઘુંટણ ઉપરના બન્ને પગના ફુરચા બોલી ગયા અને બન્ને હાથમાં દેખીતી ઈજા પહોંચી. લશ્કરી પુનર્વસવાટ પદ્ધતી તથા વીજ્ઞાન અને ટેકનોલૉજીની અજાયબ આધુનીક વ્યવસ્થામાં અત્યંત વ્યવસાયીકરણના કારણે ધંધાદારી રીતે જીવતા સૈનીકોની સાથે કામ કરતો હોવાથી આજે જીવતો રહ્યો છું અને હાલ અત્યંત સક્રીય તેમ જ ઉત્તેજનાપુર્ણ જીંદગી જીવી રહ્યો છું.

મારો લશ્કરનો સમય અધીકૃત રીતે પુરો થઈ ગયો છે અને આ સપ્ટેમ્બરમાં તે બધું જ પાછળ છોડી જઈ રહ્યો છું. મારા જીવંત રહેવાની બાબતને એક ઉત્સવ રુપે માની તેની ઉજવણી કરવા 8મી સપ્ટેમ્બરે ત્રણ મીત્રોની ટીમ સાથે થકવી નાખે તેવી નોર્થ યોર્કશાયરના રીપનમાં યોજાય રહેલ ‘સ્પાર્ટન સ્પ્રીન્ટ’માં હું ભાગ લઈ રહેલ છું. 15થી વધુ અવરોધો સાથે 5 કીલોમીટરની એક કસોટી રુપ પડકારજનક દોડની સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો છું.

હું બે બ્લેડ જેને મેં  સૌથી નાનામાં નાની કદની કરેલ છે તે પહેરીને દોડવાનો છું. તે મને યોગ્ય ગુરુત્વાકર્ષણના નીયમ મુજબ સમતોલન પુરું પાડશે.  દોડવાની બ્લેડથી મારા અવરોધભર્યા રસ્તાઓ પાર નહીં થઈ શકે તેમ હોય, મારી સાથે હું મારા બીજા ઠીંગણા પગ રાખવાનો છું. લગભગ 100 વર્ષથી સ્થપાયેલ SSAFA, (Soldiers, Sailors and Airmens Families Association) માટે એક સારી સખાવત ઉભી કરવા હું આ દોડમાં ભાગ લઈ રહ્યો છું. નોકરી કરતા લશ્કરી અમલદારો અને તેમના કુટુંબીજનોને સંઘર્ષ વેઠવો પડે ત્યારે જેમ કે બીજા વીશ્વયુદ્ધથી શરુ કરી આધુનીક યુગમાં અફઘાનીસ્તાનમાં જંગ ખેલી રહેલા સૈનીકો માટે SSAFA હાજર છે. આજે દીવસના અંતે આપણે બધા સૈનીકો, ખલાસીઓ કે હવાઈ દળના માનવીઓ હતા અને આપણી દરેકની પોતાની કથની હતી. મારું ધ્યેય આ સખાવત માટે 500 પાઉન્ડ એકઠા કરવાનું છે પણ હું નીચા નીશાનને તાકવાને બદલે ઉંચું નીશાન તાકવાનું પસંદ કરીશ.

હું સખત તાલીમ લઈ રહ્યો છું. શક્ય તેટલું લાંબું દોડી જવાનું ધ્યેય રાખું છું. દોડ પહેલાં થયેલ ઈજાની દરકાર કર્યા વગર હું તો ‘સ્પાર્ટન સ્પ્રીન્ટન રેસ’ના દરેક પગલે આવતા એકોએક અવરોધોને વીંધીને મારી જાતે અંતીમ રેખા ઓળંગવાની/ પુરી કરવાની ખ્વાઈશ ધરાવું છું. પછી ભલે ગમે તેટલો વધુ સમય લેવો પડે.

મુખ્ય કોચ માઈકલ કોહેન તેને પોતાના માર્ગમાં આવતા અવરોધોનો કેવી રીતે સામનો કરવો તેની તૈયારી કરાવી રહ્યા છે. કોહેન કહે છે, “મને લાગે છે કે જાણે તેની સાથે ચંદ્ર પર કામ કરવાની અને કુશળ બનાવવાની મને તક મળી ન હોય! આ પ્રાકૃતીક પ્રદેશમાં તે લહેરાતો આવતો હોય તેવો લાગે છે. તે કાદવ–કીચડથી ભરપુર, લપસી જવાય તેવા ઢાળ ઓળંગતો, બધી હદોને વીંધતો આવી રહેલ મને દેખાય છે. અદ્ભુત મનોબળ અને અદ્ભુત સંકલ્પ! અત્યંત પ્રેરણાદાયી.”

યુકેની ‘સ્પાર્ટન રેસ’ના રેસ ડાયરેકટર અને રોયલ મેરીન્સના ભુતપુર્વ કમાન્ડો રીચાર્ડ લી કહે છે, “જેમ્સનું પ્રેરણાત્મક ઉદાહરણ હૃદયસ્પર્શી છે.”

 દોડમાં નક્કી કરાયેલ અવરોધો દોડના સ્પર્ધકો માટે ખાનગી રાખવમાં આવે છે. તેઓ તેમાં 15 ફુટ દોરડાથી ચઢવાની સ્પર્ધા, લપસી જવાય તેવો ઉપર–નીચે જવાનો 7 ફુટ જેટલો ઢોળાવવાળો માર્ગ, રેતીની થેલી ઉંચકીને જવાની સ્પર્ધા, કાંટાળા વાયર પરથી કાદવમાં સરકી જવાની સ્પર્ધા, 25 ફુટ જેટલું ઉંચુ કાર્ગો જાળીનું ચઢાણ તેમ જ અર્ધ–ડુબકી લગાવીને ગટરના બોગદામાંથી પસાર થવાની સ્પર્ધા આ રેસના વીવીધ પાસા છે.

સપ્ટેમ્બરમાં લશ્કર છોડી રહેલ સીમ્પસન ઉત્સાહભેર તાલીમાર્થી બનવા જઈ રહ્યો છે. તેને શ્રદ્ધા છે જે–તે માટે સારી એવી સખાવત ભેગી કરી શકશે.

 સલામ છે જવાંમર્દ એવા જેમ્સ સીમ્પસનને જે મોત સામે બાથ ભીડવા તૈયાર છે. ભલે મોતની દોડ હોય. ભલે બનાવટી પગ હોય પણ તેણે તો આ રેસ જીતી જગતને બતાવી આપવું છે કે “હું અપંગ નથી. હું અવરોધોને પાર કરી સફળતા મેળવી શકું છું. ભલે મને કુદરતે અપાહીજ કર્યો પણ મારા સંક્લ્પબળે મને પ્રેરણા આપી છે કે હું એક યોદ્ધો છું અને યોદ્ધો કદી હાર સ્વીકારતો નથી.”

–ડૉ. જનકભાઈ શાહ અને ભારતીબહેન શાહ

‘ડીસેબલ્ડ’ નહીં પણ ‘સ્પેશ્યલી એબલ્ડ – ફીઝીકલી ચેલેન્જ્ડ’ માનવીઓના મનોબળની વીરકથાઓનો સંગ્રહ ‘અડગ મનના ગજબ માનવી’ ‘અભીવ્યક્તી’ બ્લૉગને ભેટ મોકલવા બદલ ડૉ. જનકભાઈ શાહ અને સુશ્રી. ભારતીબહેન શાહનો દીલથી આભાર..

‘અડગ મનના ગજબ માનવી’ પુસ્તકના (પ્રકાશક : માનવવીકાસ અને કલ્યાણ ટ્રસ્ટ, એમ–10, શ્રીનન્દનગર, વીભાગ–4, વેજલપુર, અમદાવાદ – 380 051 પ્રથમ આવૃત્તી : 2016 પૃષ્ઠ : 90 + 4, મુલ્ય : રુપીયા 120/– ઈ.મેલ : madanmohanvaishnav7@gmail.com )માંથી, લેખકદમ્પતીના અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : ડૉ. જનક શાહ અને સુશ્રી. ભારતી શાહ, 101, વાસુપુજ્ય–।।, સાધના હાઈ સ્કુલ સામે, પ્રીતમનગરના અખાડાની બાજુમાં, એલીસબ્રીજ, અમદાવાદ – 380 006 ફોન : (079) 2658 1534 સેલફોન : +91 94276 66406 ઈ.મેલ : janakbhai_1949@yahoo.com વેબસાઈટ : http://janakbshah.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે બપોરબાદ આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 2–09–2022

5 Comments

  1. ડૉ. જનકભાઈ શાહ અને સુશ્રી. ભારતીબહેન શાહની જેમ્સ સીમ્પસનની પ્રેરણાદાયી વાત બદલ ધન્યવાદ તેમની આવી સુંદર સ રસ બીજી વાતો મુકતા રહેશો

    Liked by 1 person

    1. ‘જેમ્સ સીમ્પસન’ પોસ્ટને આપના બ્લૉગ ‘કાન્તિ ભટ્ટની કલમે’ પર ‘રીબ્લોગીંગ’ કરવા અને પ્રતીભાવ લખવા બદલ ખુબ ખુબ આભાર..

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s