રમણ – એક ચાહવા જેવો માણસ 

રમણને માણસમાં રસ. મનુષ્યને મનુષ્ય તરીકે જુએ એમાં રમણને રસ. એ કારણે રમણ રસેલ, માર્ક્સ, નર્મદ કે રજનીશની નજીક વધારે લાગે. કદાચ એ બધાથી રમણ એક ડગલું આગળ પણ હશે…!!

પાસાદાર ર.પા.ની ‘જન્મશતાબ્દી’ નીમીત્તે ર.પા.નું પાસું પહેલું – 4

રમણ – એક ચાહવા જેવો માણસ

– ચંદ્રકાન્ત પંડ્યા

[ર.પા.નું પાસું પહેલું – 2 પર જવા માટે સ્રોત : https://govindmaru.com/2022/08/22/hariprsad-shukla/ ]

ન અન્ય સ્વપ્નો ભલે ફળ્યાં
મારું મોટું સદ્ભાગ્ય,
મને આવા મીત્રો મળ્યા.
નીરંજન ભગત

કવી ઉશનસ્, ડૉ. જયન્ત પાઠક, રમણ પાઠક અને મારી મૈત્રીની સુવર્ણ જયંતી તા. 23–02–1997ના રોજ નવસારીમાં ઉજવાઈ ગઈ. ચાર સારસ્વતોના પાંચ દાયકાની મૈત્રીનું એ મૈત્રી પર્વ હતું. આ પ્રકારની ઉજવણી ગુજરાતમાં કદાચ પ્રથમ વાર થઈ એ અનોખી ઘટના ગણી શકાય. રમણ અમારા ત્રણેયથી ઉમ્મરમાં નાનો; પરન્તુ બીજી રીતે ઘણો માટો, ઉદાર મનનો, માણસ માત્રને ચાહનારો – કરુણા અને આદમીયતથી ભર્યોભર્યો. રમણના બહુશ્રુત અને બહુઆયામી, પારદર્શક વ્યક્તીત્વ વીશે લખવા માટે એક પુસ્તક પણ ઓછું પડે. એના વીશે લખવાની મને તક મળી તેને હું મારું સદ્ભાગ્ય સમજું છું.

આમ જુઓ તો, રમણ અને મારી વચ્ચે કોઈ સામ્ય નથી. રમણ ઈશ્વરમાં ન માનમારો નાસ્તીક, જ્યારે ઈશ્વર છે કે ઈશ્વર નથી એની કોઈ સમજ મારામાં નથી. રમણ સુધારક, અજ્ઞાન સામે બહારવટે ચઢેલો મરદ માણસ, જયારે હું સંસારમાં ગળાડુબ ઘણું ખોટું ચાલે છે, એવું જાણનારો; છતાં સ્વભાવે ભીરુ. રમણ આઉટસાઈડર, જ્યારે હું સમાજના કોચલામાં પુરાયેલો, લગ્ન અને સેક્સ બાબતમાં રમણ અને મારા વીચારોમાં પરસ્પર ભીન્નતા; છતાં અમારી મૈત્રી દક્ષીણ ગુજરાતમાં એક આદર્શ મૈત્રી ગણાય. કેમ કે અમારી વચ્ચે કોઈ ઈર્ષા–અદેખાઈ નહી, કોઈ હરીફાઈ નહી, પરસ્પર મદદરુપ થવું એમાં અમને આનન્દ, ઠેઠ રસોડા સુધ્ધાંનો અમારો વ્યવહાર. રમણ સાથે સરોજ અને શર્વરી અમે સૌ એક જ પરીવારનાં સભ્યો હોઈએ તેવો પ્રેમસમ્બન્ધ.

મારા પુસ્તક ‘બાનો ભીખુ’ની પ્રથમ આવૃત્તી ‘જવાળા અને જ્યોત’ તરીકે પ્રગટ થયેલી. એ પુસ્તક અંગે ત્યારના વીવેચન – માસીક ‘ગ્રંથ’માં એના તંત્રી શ્રી યશવંત દોશીએ ટીકા કરતાં લખ્યું, ‘આવાં પુસ્તકો લખવાનો શો અર્થ? આનું મુલ્ય શું?’ એમ પુસ્તકને તુચ્છકારી કાઢવામાં આવ્યું, ત્યારે એ જ ‘ગ્રંથ’ માસીકમાં રમણ પાઠકે યશવંત દોશીના ઉધડો લેતો લેખ લખી, મારી એ કીશોર કથાનો બચાવ કર્યો. એ ‘જવાળા અને જ્યોત’ પુસ્તક પણ ‘બાનો ભીખુ’ તરીકે પ્રસીદ્ધ થયું. પછી તો એની છ આવૃત્તીઓ થઈ અને હીંદી અનુવાદ થયો. આમ મને અને મારા પુસ્તકને ગુજરાતી સાહીત્યમાં રમણ પાઠકે જ પ્રથમ પ્રતીષ્ઠા અપાવી.

અમારી મૈત્રીનો પ્રારંભ હાલોલ હાઈસ્કુલમાંથી – સુરતી સ્વભાવનો થયો. ડૉ. જયંત પાઠક અને રમણ પાઠક 1945માં ત્યાં શીક્ષક તરીકે જોડાયા. હું ધરમપુરનો અલગારી. જયંતભાઈ અને રમણભાઈ સુરત કૉલેજમાં ભણેલા. એ સમાનતાથી અમારી ત્રીપુટી હાલોલમાં જામી. તે આજસુધી અતુટ રહી. હાલોલમાં મારા ઘરની અગાશીમાં ક્યારેક મીજલસ જામતી. ત્યારે વડોદરાથી ઉશનસ્ આવતા. એટલે કવી સંમેલન જેવી હવા જામતી. આ ત્રણ સારસ્વતોની મૈત્રીએ સાહીત્યમાં મને રસ લેતો કર્યો. હું હાલોલ છોડી મીયાગામ ગયો, પછી ધરમપુર ગયો, ત્યાં આ બન્ને ભાઈઓ અવારનવાર આવતા. પછી તો પાઠકબંધુઓ સુરતમાં સ્થાયી થયા અને હું નવસારીમાં સ્થાયી થયો. અમે વધુ નજીક આવ્યા. રમણ કેવો ઉષ્માભર્યો મીત્ર તેનું એક દૃષ્ટાંત અહીં રજુ કરું છું : ત્યારે રમણ–સરોજ સુરતના ભુતીયા વાસ મહોલ્લામાં રહેતા હતાં. હું એક રાત્રે ત્યાં જઈ ચઢ્યો. સરોજ પાઠક ત્યારે બી.એ.ની પરીક્ષાની તૈયારી કરતાં હતાં; છતાં રસોઈ બનાવી. રમણ ઠેઠ ભાગોળ સુધી જઈ બાસુંદી લઈ આવ્યો અને સાથે જમવા બેઠા. એટલે રમણ કહે, “પંડ્યા આવે ત્યારે મીજલસ ન જામે એવું કેમ બને?”

સરોજ બારડોલી કૉલેજમાં પ્રાધ્યાપીકા, રમણ ચીખલીમાં, એટલે રમણ મોટે ભાગે દર અઠવાડીયે ચીખલીથી મીની–રાજદુત ઉપર, વાયા નવસારી બારડોલી જાય. જમવાનો સમય થયો હોય એટલે કપીલા જમવાનો આગ્રહ કરે; પણ દાળનો એક વાટકો પીને રમણ બારડોલીનો રસ્તો પકડે. નવસારીમાં હું લલીત કલાની પ્રવૃત્તી ચલાવું. એટલે ગરબાના કે નાટકના નીર્ણાયક તરીકે સરોજ નવસારી વાવાઝોડાની જેમ આવે. નાટક–ગરબામાંથી પરવારે પછી ઘરે આવી મારા કુટુંબને ભેગું કરી મોડી રાત સુધી વાતો જમાવે. આમ રમણ સાથે અમારો સમ્બન્ધ વધુ ગાઢ અને કૌટુંબીક બની ગયો.

પાંચ દાયકાના અમારા મૈત્રીસમ્બન્ધમાં રમણ પાઠકને દીલોજાન દોસ્ત તરીકે, ઉત્તમ શીક્ષક તરીકે, લેખક, વીચારક, સુધારક અને તેજાબી કલમના કસબી તરીકે એમ વીવીધ સ્વરુપો મેં માણ્યા છે. રૅશનાલીસ્ટ તરીકે જર્જરીત જીવનવ્યવસ્થાને ‘ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા’ એવા નીર્ભીક સુધારક તરીકે, સરોજ સાથે લગ્ન પછી પ્રેમાળ પતી અને સ્ત્રીસ્વાતંત્ર્યના હીમાયતી તરીકે, શર્વરીના પ્રેમાળ પીતા તરીકે, ડૉ. જયંત પાઠકના લઘુબંધુ છતાં વધારે તો મીત્ર રુપે એક નીડર, નીસ્પૃહ પત્રકાર તરીકે અને સમગ્ર માનવજાત પ્રત્યે કરુણા અને પ્રેમ વરસાવતા રમણને મેં જાણ્યો છે અને પ્રત્યેક સ્વરુપમાં માનવતાથી મહેકતો અને ઉષ્માભર્યો એ લાગ્યો છે. એ મળે એટલે આનન્દની હેલી વરસે. ‘રસો વૈ સઃ’ એટલે રમણ.

રમણ અને એના ‘ભ્રમણ’ની કદાચ કોઈ મર્યાદાઓ પણ હશે. રુઢીચુસ્ત સમાજને રમણના કેટલાક વીચારો ગમતા નહી હોય, તેના વાચકો પણ અંદરખાને તો સ્વીકારતા જ હોય છે કે ‘રમણ–ભ્રમણ’ના વીચારોમાં ઘણું તથ્ય છે. દુન્યવી દૃષ્ટીની એ મર્યાદાઓ, સમાજે પરમ્પરાગત – વારસામાં આપેલાં બંધીયાર જીવનધોરણો. ધર્મની જર્જરીત દીવાલો એણે ક્યારેય સ્વીકાર્યા નથી. ઈશ્વરના અસ્તીત્વનો કે ચમત્કારોનો જોખમ ખેડીને એણે વીરોધ કર્યો છે, કહેવાતા સંતો–મહંતો અને કથાકારોને એણે ઉઘાડા પાડ્યા છે. રમણ એને મનફાવતું જીવ્યો છે અને જીવે છે. કશાય દંભ વીના પોતે જેવો છે તેવો બતાવીને રમણને જીવતાં આવડ્યું છે. કોઈનાય સામે એને વેષ નહી. બુરું કરનાર કે કહેનારનું સ્વપ્ન પણ એ અહીત ઈચ્છે નહી. એવો પ્રાણીમાત્રનાં દુઃખો દુર કરવા ઝઝુમતો. લાગણીશીલ, અને, નીસ્વાર્થ નીષ્કપટ અર્વાચીન જમાનાનો એ ઋષી છે. રમણ સાથે મૈત્રી સમ્બન્ધોને કારણે એની બહુસુત બહુમુખી પ્રતીભાનો મને પરીચય થયો છે.

રમણ નથી વીનમ્ર કે અહંકારી, એ શાંત નથી અને અશાંત પણ નથી, તત્ત્વજ્ઞાની કે મર્મજ્ઞ પંડીત હોવાનો એનો દાવો નથી, રમણ નથી કોઈનો ગુરુ કે નથી કોઈનો શીષ્ય. પોતાની ભીતરની અનુભુતીથી, પોતાની મસ્તીમાં જીવનારો રમણ માત્ર રમણ છે. સમગ્ર સમાજ જે મુર્દાની જેમ જીવતી લાશો બની જીંદગીની ભાષા ભુલી, પોતાના ભ્રામક ખ્યાલોમાં જીવી રહ્યા છે અને ધક્કો મારી જાગ્રત કરનારો, સામા પ્રવાહે તરનારો એ એકલવીર છે. રમણનો કોઈ પર્યાય નથી. આજે પંચોતેરે પહોંચ્યા પછી પણ એની બુદ્ધી ધારદાર છે. રમણ સદા યુવાન છે, એને વૃદ્ધત્વ ક્યારેય આવે નહી. એને ક્યારેય ઉદાસીન જોયો નથી. એની હાજરીમાં માત્ર આનન્દની હેલી વરસતી હોય. એ ક્ષણમાં વર્તમાનમાં જીવનારો, પ્રત્યેક પરીસ્થીતીમાં જીવનનો સ્વીકાર કરી એના પડકારો ઝીલનારો ઝીંદાદીલ ધબકતો માણસ છે. એના વીચારો અને ચીંતનમાં પ્રૌઢતા છે.

હાલોલની હાઈસ્કુલમાં રમણ અંગ્રેજી અને ગુજરાતી વીષયો સરસ રીતે શીખવે, એટલે વીદ્યાર્થીઓમાં રમણ બહુ પ્રીય, કોઈ ઠોઠ વીદ્યાર્થી લેસન કરે કે ન કરે, પીરીયડ ભરે કે ન ભરે અથવા વર્ગમાં તોફાન કરે એવા વીદ્યાર્થીઓ ઉપર રમણ ક્યારેય ગુસ્સે ન થાય. એના પીરીયડમાં કોઈને કંટાળો આવે તો એ વીદ્યાર્થીને ભાગી જવાની છુટ. હાલોલના સાઠી વટાવી ગયેલા રમણના આજે ઘણા વીદ્યાર્થીઓ છે. તેમાં કૉલેજ અને માધ્યમીક શાળાના નીવૃત્ત આચાર્ય છે; કેટલાક સમાજના આગેવાનો છે અને ઉધાગપતીઓ પણ છે, જેમણે ત્રણેક વર્ષ પુર્વે રમણ, ડૉ. જયંત અને મારું હાલોલમાં સન્માન કર્યું હતું. આ સમારંભના પ્રમુખ ઉશનસ્ હતા; જ્યારે મુખ્ય મહેમાન ઈન્દીરા બેટીજી હતાં.

રમણના સ્વતંત્ર મીજાજનાં અનેક દૃષ્ટાંતોમાંથી અહીં એક રજુ કરું છું : હાલોલની મહાજન સાર્વજનીક હાઈસ્કુલમાં ત્યારે એ. પી. શાહ આચાર્ય હતા. રમણને ત્યાં કોઈ મહેમાન આવે ત્યારે કોઈનો ફ્રી પીરીયડ હોય તેવા શીક્ષકને વર્ગ સોંપી આચાર્યને : ‘હું ઘરે જાઉં છું.’ એમ કહી આચાર્યની હા કે ના સાંભળ્યા વીના ચાલતી પકડે. બીજે દીવસે આચાર્ય રમણને બોલાવી પુછે : “તમે મારી સમ્મતી વીના કાલે શાળામાંથી જતા રહ્યા એ ઠીક ન કહેવાય.” અને રમણ હસતાં હસતાં આચાર્યને કહે : ‘સાહેબ, મેં તમને ઘેર જાઉં છું એમ તો કહેલું; પછી તમારા મંજુરી–નામંજુરીનો સવાલ જ ક્યાં ઉભો થાય છે? તમે ના કહી હોત તો પણ હું જવાનો હતો. તમારે જોઈએ તો ગઈકાલની મારી સી.એલ. ગણજો!’

સાંજે શાળા છુટ્યા પછી અમે કાલોલના રસ્તે ફરવા જઈએ. અમારી સાથે બેત્રણ વીદ્યાર્થીઓ પણ હોય. રમણની હાજરીમાં કોઈને કશું બોલવાનું નહી, માત્ર રમણ બોલે અને અમે સાંભળીએ. હાલોલ–કાલોલની સડકની બન્ને બાજુ જાંબુનાં વૃક્ષો. હાટડી કરી કે ખેતરમાંથી ખાખરાનાં પાનનો ભારો લઈને ભીલ કન્યાઓ ઘેર જતી હોય, ત્યારે રમણ કહે : મહાભારતમાં જેનો ઉલ્લેખ છે એ આ જાંબુવતીઓ ચાલી.

જયંત – રમણ હાલોલમાં જે ઘરમાં ભાડે રહેતા એ ઘર એક દરજીનું હતું. માલીકનાં પત્ની શકરીબહેન સ્વભાવે બોલકાં અને થોડાં દેખાવડાં પણ ખરાં, રમણ સુટબુટ, ટાઈ પહેરે, એની અલગારી જીંદગી જોઈ શકરીબહેન ખીલે. રમણ સાથે વાતો કરતાં જીવનનો અસંતોષ વ્યક્ત કરે, ‘બળ્યું, અમે મુવાં ભણેલાં નહી એટલે તમારી જેમ બોલતાં ન આવડે!’ ક્યારેક જયંતભાઈ અને એમનાં ધર્મપત્ની ધનુબહેન બહાર ગયાં હોય, ત્યારે શકરીબહેન કંઈક નવું બનાવ્યું હોય તે રમણને વાતો કરતાં પ્રેમથી જમાડે, ‘બળ્યું તમારી સાથે વાતો કરતાં અમને તો શરમ આવે.’ એટલે રમણ બહેનને ચગાવે, “તમે બહુ સુંદર છો, ભલભલા ભણેલાઓનાં પાણી ઉતારો એવાં હોશીયાર છો!” શકરીબહેન આજે ઘરડાં થઈ ગયાં છે; છતાં રમણ હાલોલ જાય ત્યારે અવશ્ય મળે અને બહેન રમણભાઈને કહે, “તમે તો હજી એવા ને એવા જ રહ્યા અને હું મુઈ ઘરડી થઈ ગઈ!’’

હાલોલની પ્રાથમીક શાળામાં મારાં પત્ની – કપીલા નોકરી કરે, ત્યારે મારો મોટો દીકરો સતીશ નાનો હતો. હું બહારગામ ગયો હોઉં ત્યારે સતીશને સાચવવાનું કામ રમણ કરે. રમણ સતીશને રમાડે. દુધ પાય, ઘોડીયામાં સુવાડી, હીંચકે ઝુલાવે, ભીનું થયું હોય તે બદલાવે. રમણને બાળકો બહુ ગમે અને એને સાચવતાં પણ આવડે. સતીશને રમાડતાં એ ઝાડો–પેશાબ કરે તો એ સાફ કરવાની રમણને સુગ નહી. દૌહીત્ર મલ્હારને વર્ષો પછી, એણે એવી જ પ્રેમ–કાળજીથી ઉછેર્યો. હાલોલ આખું વૈષ્ણવ વણીકોનું મરજાદી ગામ. રમણ–જયંત કોઈ આભડછેટમાં માને નહી. એટલે કોઈ વાણીયાને ત્યાં લગ્નપ્રસંગ હોય તો વીદ્યાર્થીઓ થાળી ભરીને ભાણું લઈ આવે તે બન્ને ભાઈઓ પ્રેમથી જમે. મરજાદીઓને આ ન ગમે અને ટીકા કરે. “બોમણ (બ્રાહ્મણ) છે; છતાં બધાં ધરમ–કરમ નેવે મુક્યાં છે.”

રમણનું મુળ ગામ રાજગઢ. ત્યાંથી કોઈક વાર એમના મોટાભાઈ લક્ષ્મીરામ હાલોલ આવે અને રાતવાસો કરે. બન્ને ભાઈઓથી જુદો લક્ષ્મીરામનો સ્વભાવ રુઢીચુસ્ત: દેવ–દેવીઓ, ભુત–પીશાચ અને ચમત્કારોમાં એ માને. હાલોલના ઘરના અગાશીમાં અમારી મીજલસ જામે. લક્ષ્મીરામની વાતો કરવાની આગવી શૈલી. કલાકો સુધી એ વાતો કરે તોય સાંભળનારને કંટાળો ન આવે. રાજગઢની આસપાસ એમણે ભુત–ડાકણ, હણગાં જોયેલાં તેની વાતો મોડી રાત સુધી કરે. મોટાભાઈની વાતો પુરી થાય પછી રમણ હસતાં હસતાં કહે, “શાનાં ભુત અને શાનું હણગાં : આ તો બધાં મનની ભ્રમણા છે.” એટલે મોટાભાઈ ગુસ્સામાં કહે, “તું છોન મોનો બેસ. હેંડ મારી હંગાથે રાજગઢ, તો બધી ખબર પડશે.”

રમણ સ્વભાવે પહેલેથી જ જીપ્સી જેવો, કોઈ એક સ્થળમાં લાંબું રહેવાનું એને ફાવે નહી. મુમ્બઈ, દીલ્હી, સંખેડા, ગુરુકુળ સુપા, ચીખલી, બારડોલી, સુરત એમ ગામેગામ એણે ભ્રમણ કર્યું : મુમ્બઈમાં એ ‘હીન્દુસ્તાન’ દૈનીકમાં હતો ત્યારે અંધેરીમાં જુના નાગરદાસ રોડ ઉપર – ભેંસોના છાણ–મુતરથી ગંધાતા તબેલા નજીકની એક ચાલીમાં રમણ અને જયંતભાઈ રહેતા. રમણ અંધેરીથી ચર્ચગેટ પરની ગાડીમાં આવ–જા કરે. મુમ્બઈમાં જયારે ભારત–વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ટેસ્ટ મૅચ ચાલતી હતી ત્યારે એ મૅચ જોવા હું મીયાગામથી ગયો હતો. સવારે રમણ અને હું અંધેરીથી ચર્ચગેટ જતા હતા ત્યારે રમણ એકાગ્ર ચીત્તે કશું લખવામાં વ્યસ્ત હતો. એ જોઈ મેં કહ્યું, “છોડને આ લખાપટ્ટી, વાતો કરવાને બદલે સવારે–સવારે આ શો ધંધો માંડ્યો છે?” એટલે રમણ કહે : “યાર, એક છોકરી ઈન્ટરમાં ભણે છે, એ મારા પ્રેમમાં પડી છે. કૉલેજના મૅગેઝીનમાં એ છોકરીને એક વાર્તા આપવી છે. મારી પાછળ એ મંડી છે કે તમે એક વાર્તા લખી આપો. આજે વાર્તા લખીને એને આપવાની છે.” રમણ પહેલેથી જ સ્ત્રીઓ પ્રત્યે પરોપકારી! એ છોકરી તે જ સરોજ ઉદ્દેશી! પ્રેમ કરવો અને લગ્ન કરવાં બન્ને રમણ પાઠક માટે અલગ અલગ બાબત. રમણ એટલે દીલ્હી ભાગ્યો. સરોજે દીલ્હી જઈ એની સાથે લગ્ન કરવાની ફરજ પાડી. એ પાછળથી સરોજ પાઠક બની અને ગુજરાતી સાહીત્યમાં લબ્ધપ્રતીષ્ઠ લેખીકા બની. દીલ્હીમાં બન્ને આકાશવાણીમાં નોકરી કરે. ત્યાં શર્વરીનો જન્મ થયો, થોડો સમય વીત્યા બાદ સરોજ ફરી સગર્ભા બની; પણ એક જ સંતાનથી વધુ ન જોઈએ એવો બન્નેનો આગ્રહ, ત્યારે ગર્ભપાત કાયદેસર નહોતો. એટલે દીલ્હીના ડૉક્ટરો ગર્ભપાત માટે મોટી ફી માંગતા. એ ભરવાની એમની ત્રેવડ નહી. હું ત્યારે નવસારીમાં એટલે બન્ને નવસારી આવ્યાં. નવસારીમાં મારા એક ડૉક્ટર મીત્ર બલ્લુભાઈ દેસાઈ હતા. જનરલ પ્રેક્ટીસ સાથે ડૉ. રમાબહેન કાપડીયાના પ્રસુતી ગૃહમાં એનેસ્થેટીક ડૉક્ટરની સેવા પણ આપે. ડૉ. બલ્લુભાઈ સરોજને ડૉ. રમાબહેનના દવાખાને લઈ ગયા અને ગર્ભપાત કરી આપવાની વાત કરી. એટલે રમાબહેન ચીડાઈને બલ્લુભાઈને કહ્યું કે, “તમે ઘડી ઘડી આવાં લફરાં લઈને આવો તે બરાબર નથી.” ડૉ. બલ્લુભાઈનો સ્વભાવ મજાક કરવાનો. એમણે કહ્યું : “આ મારું લફરું નથી, બીજાનું છે!’ પછી સરોજ પાઠક દસેક દીવસ નવસારીમાં રહ્યાં ત્યારે ફળીયામાં ટીકાઓ પણ થતી રહી.

રમણ–સરોજનાં પ્રસન્ન દામ્પત્યની ઘણી વાતો છે. રમણ–સરોજ સુરત આવ્યાં. રમણને એમ કે, એમ.એ. થઈને ક્યાંક કૉલેજમાં નોકરી કરવી એટલે રમણે કૉલેજ જવાનું શરુ કર્યું. કે. સી. મહેતાની ભલામણથી સરોજને સ્કુલમાં નોકરી મળી. રમણ બીજા વર્ગ સાથે એમ.એ. થયો. પછી એણે સરોજને ભણાવી અને સરોજ એમ.એ. થઈ. બારડોલીમાં પ્રાધ્યાપીકા બની. કૉલેજ સાથે સરોજે લેખનપ્રવૃત્તી ચાલુ રાખી અને સાહીત્યમાં રમણ કરતાં પણ પોતાની સ્વપ્રતીભાથી આગળ નીકળી ગઈ અને એક મોટા ગજાની લેખીકા બની. એમાં રમણનો મોટો ફાળો અલબત્ત ખરો જ.

શીક્ષણ અને સાહીત્ય ઉપરાંત રાષ્ટ્રીય કલા કેન્દ્રની પ્રવૃત્તીમાં સરોજને ભારે રસ, એટલે ઘરમાં રસોઈ બનાવવાનું ન બને તો લૉજમાંથી મંગાવીને બન્ને જમે. સરોજના વ્યક્તીત્વવીકાસમાં રમણે સરોજને પુરેપુરી સ્વતંત્રતા આપેલી. એક વાર હું સુરત ગયો હતો, ત્યારે કોઈના સ્કુટર પાછળ બેસીને જતા સરોજને મેં જોઈ. ‘ગુજરાતમીત્ર’માં અચાનક રમણની મુલાકાત થઈ, ત્યારે આ વાત મેં કરી. એટલે રમણે સહજ ભાવે કહ્યું, ‘પારકા પુરુષ સાથે સ્કુટર ઉપર જાય એ સરોજ પાઠક જ હોય!’ સરોજ પુરુષોની કમ્પનીમાં ફરે એમાં રમણને વાંધો નહી. તેમ વળી રમણ ક્યાં કોની સાથે ફરે છે તેની સરોજનેય ચીંતા નહી! ‘છેવટ રખડીને મારી પાસે જ આવશે ને!’ એવી ઉદારતા સરોજમાં પણ ખરી. એટલે બન્નેનું દામ્પત્યજીવન અપવાદરુપ ગણાય એવું આનન્દમય હતું. (અને રમણેય મોટે ભાગે સ્ત્રી–કમ્પનીમાં જ ફરે!)

રમણના સુધારક બંડખોર સ્વભાવથી જયંતભાઈ, ઉશનસ્ અને હું પરીચીત; એટલે રમણ પ્રત્યે અમને ખોટું ન લાગે. બારડોલીથી એ સુરત જાય ત્યારે જયંતભાઈને ત્યાં એ હોટલમાં જમીને જાય. ધનુબહેન ઠપકો આપે તો : ‘કોઈને તકલીફ આપવાનું મને ગમતું નથી.’ એમ કહે. એમાં પછી કોઈને ખોટું લાગવાનો સવાલ જ નહીં. મારે ત્યાં નવસારી આવે ત્યારેય ઘણી વાર વલ્લભ મીઠાની સેવ–ખમણી ખાઈને જ આવે. ઉશનસ્ રમણના માસીના દીકરા, ઉશનસ્ ની દીકરી અલકાનાં લગ્ન સુરતમાં થયાં, ત્યારે રમણ સુરતમાં હતો. પહેલાં તો રમણે ‘હું લગ્નમાં માનતો જ નથી’ એમ કહી આવવાની ના પાડી; પણ બહુ આગ્રહ કર્યો ત્યારે આવ્યો. અમે સૌ જમવા બેઠા; પણ ‘હું તો અબ્રાહ્મણ. મને બ્રાહ્મણીયા જમવાનું ફાવે નહી.’ એમ કહી જમ્યા વીના ભાગી છુટ્યો; પણ રમણને સૌ જાણે એટલે કોઈને ખોટું ન લાગે. રમણ વ્યવહારમાં બહુ માને નહી; પણ કોઈ ભીડમાં હોય તો સામો દોડી જાય. મને ખ્યાલ છે તે પ્રમાણે, શરુઆતમાં રમણે જ જયંતભાઈને વ્યવહારમાં મદદ કરેલી. અમે ક્યાંક ફરવા જઈએ ત્યારે રમણ અમને કોઈને ખીસ્સામાં હાથ નાંખવા ન દે.

ધર્મ, સમાજ, ગાંધીવાદ, સેક્સ અને ચારીત્ર્ય બાબતમાં રમણના વીચારો પરમ્પરાવાદીઓને આઘાત પહોંચાડે એવા. રમણને રસ માણસ માત્રમાં : ‘સાબાર ઉપર મનુષ્ય સત્ય. તોહાર ઉપર નાહી.’ એવો મનુષ્યમાં રમણને રસ. મનુષ્યને મનુષ્ય તરીકે જુએ એમાં એને રસ. એ કારણે રમણ રસેલ, માર્ક્સ નર્મદ કે રજનીશની નજીક વધારે લાગે. કદાચ એ બધાથી રમણ એક ડગલું આગળ પણ હશે!!

આમ તો રમણચરીત ઉપર ઘણું લખી શકાય; પરન્તુ રમણના સંપુર્ણ વ્યક્તીત્વને બાથ ભીડવી એ મારા ગજા બહારની વાત છે. બાલસહજ નીર્દોષતા, ડોળ કે દંભ વીનાનું ખુલ્લી કીતાબ જેવું એનું જીવન. અજાતશત્રુ જેવો સ્વભાવ અને રમણનું અલગારીપણું આ બધા કારણે રમણ મને ગમે છે. એ ચાહવા જેવો અને વીશ્વાસ રાખવા જેવો મીત્ર છે. ‘ગુજરાતમીત્ર’માં ‘રમણભ્રમણ’ અને ‘સમકાલીન’માં ‘સંશયની સાધના’ બન્ને કૉલમ વાંચનારો બાહોળો સમાજ છે, તો એની ટીકા કરનારાઓ પણ ઘણાં છે; પરન્તુ નીંદા કે સ્તુતીથી પર રમણ પાઠક એ રમણ પાઠક છે. સમય સાથ આપે ત્યાં સુધી અમારી મૈત્રી અખંડ–કાયમ રહેવાની છે. એના અમૃત મહોત્સવ પ્રસંગે એને દીર્ઘ અને નીરામય જીવનની મારી શુભ કામના પાઠવું છું.

– ચંદ્રકાન્ત પંડ્યા

ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતની લોકપ્રીય કટારરમણભ્રમણ’ (હવે બંધ)ના પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)એ પોતાના ભાતીગળ આયુષ્યનાં 75 વર્ષ પુર્ણ કર્યાં ત્યારે ર.પા.ના અંગત તથા જાહેર એમ વ્યક્તીગત જીવનનો પરીચય આપતા 75 લેખોનું સંકલન કરીને શ્રી રજનીકુમાર પંડ્યાએ ‘રમણીયમ્ગ્રંથ સાકાર કર્યો હતો. [પ્રકાશક : શ્રી એમ. કે. મદ્રાસી‘શબ્દલોક પ્રકાશન’, 1760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ – 380 001; પ્રથમ આવૃત્તી : 1998; પાનાં : 224 મુલ્ય : રુપીયા 150/- (રમણીયમ્ગ્રંથ આઉટ ઓફ પ્રીન્ટ છે.)] લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

સમ્પાદક–સમ્પર્ક : શ્રી. રજનીકુમાર પંડયા, બી 3/જી એફ 11; આકાંક્ષા ફલેટસ, જયમાલા ચોક, મણીનગર–ઈસનપુર રોડ, અમદાવાદ380 050 ઈ.મેલ : rajnikumarp@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરબાદ, આમ સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ  ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 12/09/2022

 

2 Comments

  1. પોતાની વિચારધારા માં માનનારા પ્રશંસા કરે એ સ્વાભાવિક છે.પરંતુ, ઉલટી દિશાના મિત્રો સાથે મિત્રતા ટકાવી રાખવી અને તેમની પ્રશંસા મેળવવી ખૂબ જ કઠિણ છે.રમણભાઇની જેવા છીએ તેવા દેખાવા ની સાદગી ભરી રીત અનુકરણીય છે.ગોવિદભાઇ આપના લીધે રમણભાઈ વિશે આટલું બધું વાંચવાં મળે છે ઓનલાઇન ધન્યવાદ.

    Liked by 1 person

  2. શ્રી ચંદ્રકાન્ત પંડ્યાની વાત ‘ગુજરાતમીત્ર’માં ‘રમણભ્રમણ’ અને ‘સમકાલીન’માં ‘સંશયની સાધના’ બન્ને કૉલમ વાંચનારો બાહોળો સમાજ છે, તો એની ટીકા કરનારાઓ પણ ઘણાં છે; પરન્તુ નીંદા કે સ્તુતીથી પર રમણ પાઠક એ રમણ પાઠક છે. સમય સાથ આપે ત્યાં સુધી અમારી મૈત્રી અખંડ–કાયમ રહેવાની છે. એના અમૃત મહોત્સવ પ્રસંગે એને દીર્ઘ અને નીરામય જીવનની મારી શુભ કામના પાઠવું છું.’વાત અમે અનુભવી છે.કોઇક વાતે મતભેદ હતો પણ મનભેદ કદિ થયો ન હતો.

    Liked by 2 people

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s