પેરીયાર રામાસામી [જન્મ : 17 સપ્ટેમ્બર, 1879]નું પુરું નામ શું છે? ‘પેરીયાર’નો શાબ્દીક અર્થ શું છે? સામ્યવાદીઓ/નારીવાદીઓ/તર્કવાદીઓ/તમીલ રાષ્ટ્રભક્તો શા માટે તેમનું સન્માન કરે છે?
પેરીયાર રામાસામીનું શું યોગદાન છે?
[જન્મ : 17.09.1879]
“દુનીયાના દરેક સંગઠીત ધર્મોથી મને સખ્ત નફરત છે./ શાસ્ત્ર, પુરાણ અને એમાં દર્શાવેલ દેવી–દેવતાઓમાં મને કોઈ આસ્થા નથી; કેમ કે એ બધાં દોષી છે, એને સળગાવવા અને નષ્ટ કરવાની હું લોકોને અપીલ કરું છું./ લોકોને નીચલી જાતીઓમાં રજુ કરવા માટે ધર્મ અને ઈશ્વરનો સહારો લેવો તે વાહીયાત બાબત છે./ તમે કોઈ ધાર્મીક વ્યક્તી પાસેથી કોઈ પણ તર્કસંગત વીચારની અપેક્ષા રાખી શકો નહીં; તે પાણીમાં લાંબા સમયથી પથ્થર મારી રહ્યા છે./ બ્રાહ્મણોના પગમાં શા માટે પડવું? શું તે મન્દીર છે? શું તે તહેવાર છે? ના, તે કંઈ નથી. આપણે બુદ્ધીમાન વ્યક્તી તરીકે વ્યવહાર કરવો જોઈએ, આ જ પ્રાર્થનાનો સાર છે./ બ્રાહ્મણ આપણને અન્ધવીશ્વાસમાં નીષ્ઠા રાખવા તૈયાર કરે છે. તે પોતે આરામદાયક જીવન જીવે છે. તમને અછુત કહીને નીંદા કરે છે. હું આપને સાવધાન કરું છું કે એમનો વીશ્વાસ ન કરતા./ દરેક મનુષ્ય સમાન રીતે પેદા થયેલ છે; તો માત્ર બ્રાહ્મણોને ઉચ્ચ અને અન્યને નીચ કઈ રીતે ઠરાવી શકાય?/ બ્રાહ્મણોએ આપણને શાસ્ત્રો અને પુરાણોની સહાયતાથી ગુલામ બનાવ્યા છે. પોતાની સ્થીતી મજબુત કરવા માટે મન્દીર, ઈશ્વર, દેવી, દેવતાઓની રચના કરી છે!/ આપ પોતાની મહેનતની કમાણી મન્દીરોમાં લુંટાવો છો; શું ક્યારેય બ્રાહ્મણોએ, આ મન્દીરો/તળાવો/અન્ય પરોપકારી સંસ્થાઓ માટે એક રુપીયાનું દાન કર્યું છે?/ ન કોઈ દેવી છે, ન કોઈ દેવતા છે. જેણે એનો આવીષ્કાર કર્યો છે તે મુર્ખ છે. જે ભગવાનનો પ્રચાર કરે છે તે બદમાશ છે. જે ભગવાનની પુજા કરે છે તે બર્બર છે./ દ્રવીડ કઝગમ આંદોલનનો હેતુ એ છે કે આર્ય બ્રાહ્મણવાદી અને વર્ણ વ્યવસ્થાનો અંત લાવી દેવો. જેના કારણે સમાજ ઉંચી અને નીચી જાતીઓમાં વહેંચાયેલો છે. વર્ણ અને જાતી વ્યવસ્થાને ટકાવી રાખનાર બધાં શાસ્ત્રો, પુરાણો, દેવી–દેવતાઓમાં દ્રવીડ કઝગમ આંદોલનન વીશ્વાસ રાખતું નથી./ વીદેશી લોકો ગ્રહો ઉપર અંતરીક્ષ યાન મોકલી રહ્યા છે અને આપ પોતાના મૃત માતા–પીતાને બ્રાહ્મણોના માધ્યમથી ચાવલ અને અનાજ મોકલી રહ્યા છો. આ એક ધુર્ત ચાલ છે./ યુવાનોની ઈચ્છા મુજબ લગ્ન થવા જોઈએ. એ એમના દીલની ઈચ્છા છે કે કોની સાથે લગ્ન કરવા.” આ વીચારો છે પેરીયારના. એમનું પ્રસીધ્ધ પુસ્તક છે – ‘સચ્ચી રામાયણ’
પેરીયારનું પુરું નામ ઈરોડ વેંકટ નાયકર રામાસામી હતું. લોકોએ તેમને ‘પેરીયાર’ની ઉપાધી આપી હતી. ‘પેરીયાર’નો શાબ્દીક અર્થ છે, એક મહાન નેતા! આઝાદી પહેલા અને પછી, તામીલનાડુમાં પેરીયાર રામાસામીના [17 સપ્ટેમ્બર, 1879 – 24 ડીસેમ્બર, 1973] વીચારોનો જબરજસ્ત પ્રભાવ રહ્યો છે. સામ્યવાદીઓ/બહુજન સમાજ/નારીવાદીઓ/તર્કવાદીઓ/તમીલ રાષ્ટ્રભક્તો શા માટે પેરીયારનું સન્માન કરે છે? 1919માં ગાંધીજીના કટ્ટર સમર્થક તરીકે રાજકીય સફર શરુ કરી. દારુબંધી/ખાદી/અસ્પૃશ્યતા નીવારણ જેવી બાબતોથી તેમને આકર્ષણ થયું હતું. તેમણે પત્ની નાગમણી અને બહેન બાલામ્બલને રાજનીતીમાં જોડવા પ્રોત્સાહન આપ્યું. આ બન્ને બહેનોએ તાડીની દુકાનનો વીરોધ કર્યો. પેરીયારે અસહયોગ આંદોલનનાં સક્રીય ભાગ લીધો અને જેલમાં ગયા. તેઓ કોંગ્રેસના મદ્રાસ પ્રેસીડેન્સી યુનીટના અધ્યક્ષ બન્યા. 1924માં કેરળમાં ત્રાવણકોરના રાજાના મન્દીર તરફ જતા રસ્તા ઉપર અનુસુચીત જાતીઓના લોકોને જવાનો પ્રતીબંધ મુકેલ ત્યારે તેનો વીરોધ કરનારાઓને રાજાએ અટક કરી લીધા. આ વીરોધનું નેતૃત્વ કરવા પેરીયાર કેરળ ગયા. રાજાએ પેરીયારને જેલમાં પુર્યા. કોંગ્રેસ સંમેલનમાં જાતી અનામત માટે ઠરાવ પાસ કરાવવા તેમણે પ્રયત્નો કર્યા; પણ સફળતા ન મળી. દરમીયાન ચેરનદેવી શહેરમાં કોંગ્રેસના અનુદાનથી ચાલતી સુબ્રમણ્યમ અય્યરની સ્કુલમાં બ્રાહ્મણ અને બીનબ્રાહ્મણ વીદ્યાર્થીઓ સાથે ભોજન પીરસતી વેળાએ અલગ વ્યવહાર કરવામાં આવે છે; તે બાબત પેરીયારના ધ્યાને આવી. તેમણે બ્રાહ્મણ અય્યર છાત્રોને સમાન વ્યવહાર કરવા આગ્રહ કર્યો. ન અય્યર માન્યા કે ન તો કોંગ્રેસે અનુદાન બંધ કર્યું; એટલે પેરીયારે કોંગ્રેસ છોડી. બીન બ્રાહ્મણોમાં, જેને તેઓ દ્રવીડ કહેતા હતા, આત્મ–સન્માન પ્રગટાવવા તેમણે આંદોલન શરુ કર્યું. 1944માં દ્રવીડ કઝગમની રચના કરી. તેમણે રશીયાનો પ્રવાસ કર્યો. સામ્યવાદી આદર્શોથી તેઓ પ્રભાવીત થયા.
પેરીયાર રામાસામીનું શું યોગદાન છે? ઉત્તરભારત અને મધ્યભારતમાં કોમવાદી પરીબળો જેટલા બળુકા છે, એટલા દક્ષીણ ભારતમાં નથી; ત્યાં ભાગ્યે જ કોમી હુલ્લડો થાય છે. ત્યાં શીક્ષણનું પ્રમાણ વધુ છે. તેનો શ્રેય પેરીયારની રૅશનલ ઝુંબેશને જાય છે. પેરીયારે મહીલાઓની સ્વતન્ત્રતા માટે ઝુંબેશ શરુ કરી. મહીલા શીક્ષણ/વીધવા વીવાહ/પાર્ટનરની પસંદગી – નાપંસદગી કરવાના અધીકાર ઉપર ભાર મુક્યો. બાળલગ્ન અને દેવદાસી પ્રથાનો વીરોધ કર્યો. વીવાહના કર્મકાંડોનો વીરોધ કર્યો. લગ્નના નીશાન તરીકે મંગળસુત્ર પહેરવા સામે વીરોધ કર્યો. તેમનું માનવું હતું કે સમાજમાં જે અન્ધવીશ્વાસ છે/ભેદભાવ છે તેના મુળીયા વૈદીક હીન્દુ ધર્મમાં છે. ચાર વર્ણમાં વીભાજન અને બ્રાહ્મણોનું સ્થાન બધાથી ઉપર હતું; એટલે તેઓ વૈદીક ધર્મ અને બ્રાહ્મણ વર્ચસ્વ તોડવા માંગતા હતા. દક્ષીણના રાજ્યો માટે તેમણે અલગ દ્રવીડનાડુની [દ્રવીડદેશ] માંગણી કરી હતી; પરન્તુ દક્ષીણના બીજા રાજ્યો સહમત ન થતાં એ શક્ય ન બન્યું. પેરીયાર; તર્કવાદી/સમતાવાદી/આત્મસન્માન પ્રહરી/કર્મકાંડ–અન્ધશ્રધ્ધાના વીરોધી/ધર્મ અને ભગવાનની ઉપેક્ષા કરનાર/જાતી અને પીતૃસત્તાના વીરોધી તરીકે જાણીતા છે. પેરીયારે કહ્યું હતું : “આપણા દેશને આઝાદી ત્યારે મળી સમજવી; જ્યારે ગામડાના લોકો દેવતા/અધર્મ/જાતી અને અન્ધવીશ્વાસથી છુટકારો મેળવી લે!”
–રમેશ સવાણી
તા. 17 સપ્ટેમ્બર, 2021ના રોજ લેખકની પ્રગટ થયેલ ‘ફેસબુક’ (સ્રોત : https://www.facebook.com/rameshsavani29/posts/238827354918136 ) પોસ્ટમાંથી, લેખકના અને ‘ફેસબુક’ના સૌજન્યથી સાભાર…
લેખક સમ્પર્ક : શ્રી. રમેશ સવાણી, નીવૃત્ત આઈ.પી.એસ. અધીકારી ઈ.મેલ : rjsavani@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરબાદ આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 16–09–2022
Very honest, objective, appropriate analysis … I am 76 yr old engineer, settled in USA for 53 years (i.e. blessed by God to be open-minded)! Thanks Ramesh Savani & Govind Maru for your efforts and commitments!
LikeLiked by 1 person
પેરીયાર વીશે અને એમના રેશનાલીસ્ટ વીચારો વીશે જાણીને ખુબ આનંદ થયો. આ માહીતી બદલ રમેશભાઈનો તથા ગોવીન્દભાઈ આપનો પણ ખુબ આભાર. આ પ્રકારના વીચારોનો બને તેટલો વધુ પ્રચાર કરવાની આપણા સમાજમાં ખાસ જરુર છે.
LikeLiked by 1 person
પેરીયાર વીશે અને એમના રેશનાલીસ્ટ વીચારો ‘ ‘ મધ્યભારતમાં કોમવાદી પરીબળો જેટલા બળુકા છે, એટલા દક્ષીણ ભારતમાં નથી; ત્યાં ભાગ્યે જ કોમી હુલ્લડો થાય છે. ત્યાં શીક્ષણનું પ્રમાણ વધુ છે. તેનો શ્રેય પેરીયારની રૅશનલ ઝુંબેશને જાય છે. પેરીયારે મહીલાઓની સ્વતન્ત્રતા માટે ઝુંબેશ શરુ કરી. મહીલા શીક્ષણ/વીધવા વીવાહ/પાર્ટનરની પસંદગી – નાપંસદગી કરવાના અધીકાર ઉપર ભાર મુક્યો. બાળલગ્ન અને દેવદાસી પ્રથાનો વીરોધ કર્યો. વીવાહના કર્મકાંડોનો વીરોધ કર્યો’ વાતે સર્વ સંમત થાય
તે સ્વાભાવિક છે.મા રમેશભાઈને ધન્યવાદ
LikeLiked by 1 person
Excellent thoghts and acts of periyar ramsami. And thanks to govind maruji and Ramesh savaniji for posting this article in the media.
LikeLiked by 1 person
પેરીયાર વીશે અને એમના રેશનાલીસ્ટ વીચારો વીશે ખુબ સરસ સચોટ માહીતી બદલ રમેશભાઈનો તથા ગોવીન્દભાઈ આપનો પણ ખુબ આભાર. આ પ્રકારના વીચારોનો બને તેટલો વધુ પ્રચાર અને પ્રસાર કરવાની આપણા સમાજમાં ખાસ જરુર છે.
દશિણ ભારત આપણા દેશનો સૌથી ભણેલો હોવા છતાં ત્યાં પણ મેં ઘણીં બધી અંધશ્રધ્ધાળુ પ્રજા જોઈ છે ..
ઘણી બધી પ્રજા ધાર્મિક હોઈ તો ચાલે પણ અંધશ્રધ્ધાળુ પણું નુકશાન કારક હોઈ છે તે ધાર્મિક પ્રજા સમજતી નથી.
LikeLiked by 1 person
‘પેરીયાર રામાસામીનું શું યોગદાન છે?’ પોસ્ટને આપના બ્લૉગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
LikeLike
Very good article written on Ramasami Periyar. We received more information about our great leader Ramasami Periyar Saheb. We learned about Manuwad from this article. Now a days bramnizam is increased in our country and they are in power. So at this juncture, Periyar Saheb’s thoughts are most relevant and important. Thank you very much.
LikeLiked by 1 person
રમેશભાઈ સવાણી અને ગોવિંદભાઈ મારુને ખુબ ખુબ ધન્યવાદ.
૧૭-૦૯-૧૮૭૯માં જન્મેલા પેરિયાર રામાસામી એક મહાન વિભૂતિ થઈ ગયા.
રમેશભાઈ દ્વારા આવા મહાન વિભૂતિની વાતો વાંચીને ખૂબ આનંદ થયો અને તેઓ એક સાચા રેશનાલિસ્ટ હતા અને સમાજમાં પરિવર્તન લાવ્યા.
LikeLiked by 1 person
આજે પણ મોટાપાયે લોકોમાં નીચી જાતિનાં લોકો પ્રત્યે અસમાનતા, આપરદર્શિતા, અસહજ રીતે વર્તવાની કુટેવ છે, જે બદલાવાવી જોઈએ જ્યાં સુધી માણસ બીજા પ્રત્યે માણસની લાગણી નહીં રાખે ત્યાં સુધી પેરિયાર, ફુલે, અને આંબેડકર જેવી વિભૂતિઓ લોકોમાં દિલોદિમાગમાં જીવીત રહેશે.
લોકજાગૃતિ માટેના પ્રયાસ બદલ ખુબ ખુબ આભાર મા.ગોવિંદભાઈ તથા લેખક રમેશભાઈ સાહેબનો.
LikeLiked by 1 person
में एक इंडियन हूं। ramaswami के विचार मुझे कहीं एक बार गुगल पर मिले तो में ने फिर उनका नाम सर्च कर के उनके बारे में जानकारी प्राप्त की।
पर मुझे जानकारी हिंदी में नहीं बल्कि गुजराती में चाहती थी। क्यूं की गुजराती में हमारे अनपढ़ (फक्त गुजराती समझनार) पढ़ सके
आपका आभार की आपकी मदद से में इन ब्राह्मण वादी ओ का अंत कर सकूं।
LikeLiked by 1 person