રમણ પાઠક – એક બહેનના ભાઈ તરીકે

“મારો ભાઈ તે મારો ભાઈ… પણ નકરો ભાઈ નહીં, મીત્ર અને માર્ગદર્શક. અમારી તમામ ફરીયાદોને સાંભળનાર. એનો ઉકેલ લાવનાર. અમારા કોઈ કામમાં ટાઢ–તડકો–વરસાદ કશું ન ગણકારે…..”

પાસાદાર ર.પા.ની ‘જન્મશતાબ્દી’ નીમીત્તે ર.પા.નું પાસું બીજું – 1

રમણ પાઠક – એક બહેનના ભાઈ તરીકે

– રજનીકુમાર પંડ્યા

“હે પ્રાણનાથ પ્રાણશંકર….”

સોળ વરસની બેબી જશીબહેન એના પરણ્યાને પહેલો પ્રેમપત્ર લખવા બેઠી – પણ પહેલે જ કોળીયે માખી! સંબોધન જ સુઝે નહીં. ‘પ્રાણનાથ’ જેવું કંઈક વાંચેલું. નાટકના ગાણામાં પણ આવતું; પણ પ્રાણનાથથી આગળ? એનાથીય અધીક? સુઝતું નથી. ‘પ્રાણનાથ’ શબ્દ હૃદયમાં ઉમટતા પ્રેમભાવને માત્ર રુપીયે ચાર આની જ વ્યક્ત કરે છે – બાકીના અવ્યક્ત માટે કોઈ જોરદાર શબ્દો શોધી કાઢો જશીબહેન હીમતરામ પાઠક! જડ્યો, જડ્યો, પ્રાણનાથ કરતાંય વધુ ઉંચો શબ્દ મળ્યો : પ્રાણશંકર, પ્રાણશંકર.

લખ્યું, ‘પ્રાણનાથ, પ્રાણશંકર.’

હજુ ત્રીજું કંઈક ‘પ્રાણાધાર’ કે એવું લખવા કલમ ઉપાડતી હતી ત્યાં જ એ ખાનગી કાગળ ઝટઝટ ડુચો વાળીને હથેળીમાં સંગોપી દેવો પડ્યો; કારણ કે કોઈનો પગરવ સંભળાયો. બહેન રમા અને હીરા તો નાની, એની બીક ન હોય. પોતાનાથી મોટાં છ ભાંડરડાંમાંથી કોઈ પણ હોય; જો કે એમાંથીય બહેનો પુષ્પા, કપીલા કે ડાહીબહેન ન હોય. છોકરીઓ તો કામકાજમાં ગુંચવાયેલી હોય. તો પછી સૌથી મોટા લક્ષ્મીરામભાઈ પણ ન હોય, યજમાનવૃત્તીએ બહાર નીકળી ગયા હોય. બાકી રહ્યા બે મોટા ભાઈઓ : જયંત અને રમણ. એમાં જયંતભાઈથી તો જરાતરા પણ શરમ લાગે, એમની ગરવાઈ જ એવી પણ પોતાનાથી બે જ વર્ષ મોટા રમણ ઉર્ફે શાંતીયાની તો બીક જ નહીં. એ કદી કોઈને બીક લગાડે એવો જ નથી. જાણભેદુ છે એ તો જાણભેદુ, મોટો ભાઈ ખરો; પણ મીત્ર જેવો.

હા, એ જ હતો રમણ.

“શું ચાલે છે?”

હથેળીનો બંધ જરા ઢીલો થયો. અધુરો પ્રેમપત્ર નોટબુકનાં પાનાં પર મુક્યો. કહે, “ભાઈ, મને એમણે પત્ર લખવાનું કહ્યું છે. કહે છે, તારા બેય ભાઈઓ કવીતડાં કરે છે તો હવે તારી કલમ બી જોઉં – ફર્સ્ટક્લાસ પ્રેમપત્ર લખી મોકલ. જોઉં છું દેવી સરસ્વતી તારી કેવીક બેનપણી બની છે?”

“તે લખની?’ રમણે કહ્યું : “અમારી સાથે તો આખો દીવસ બહુ લવારી કરે છે.” “તમારી સાથે ન કરું તો કોની સાથે કરું. આ દસ ખોરડાના ગામમાં?”

પંચમહાલના કાલોલથીય આગળ સાવ નાનકડું ગામ ઘોઘંબા, ને એની લગભગ અડોઅડ દસ ખોરડાનું ગામ ગોઠ. એની બાજુમાં જુના રાજગઢ નામે ઓળખાતું થાણું. દસ ખોરડાના ગામ ગોઠમાં મોટે ભાગે બ્રાહ્મણોની જ વસ્તી. ધંધો મોટેભાગે યજમાનવૃત્તી અને કર્મકાંડ; પણ કોણ જાણે કેમ એ ગામનાં બાળકોમાં સાહીત્યનો રસ જીવનના પ્રભાતથી જ. જશીબહેનના ભાઈઓ જયંત અને રમણ તો ઠીક પણ થોડે જ દુરના જેઠાલાલ પાઠકનો દીકરો નન્દકુમાર પણ કવીતડાં કરે. એમના મોટા ભાઈ ચંદ્રકાંત જેઠાલાલ પાઠક પણ સારા લેખક, પત્રકાર – જેમણે ‘જન્મભુમી’માં તંત્રી–વીભાગમાં લાંબો સમય સેવાઓ આપી હતી. અરે વૅકેશનમાં તો જશીબહેનનાં સગી માસી મંછામાસીનો (પાછળથી ‘ઉશનસ્’ના નામે સુવીખ્યાત થનાર તે) નટવરલાલ કુબેરદાસ પંડ્યા ફરવા આવે તો એ પણ કાવ્યરચનાની જ રમતો રમે, છંદસ્પર્ધા રચે, રમે અને એમાં જ હારેજીતે. જુના સાહીત્યનાં પુસ્તકો ક્યાયથી લઈ આવ્યા હોય તો તેના માટે બાળસહજ લડાઈઓ કરે. ગોઠના ગોંદરે આવેલી કરડ નદીના કાંઠે પાણીમાં કાંકરા ફેંક્તાં, કદીક એમાં ધુબાકા દેતાં ડુબકદાવ દેતાં દેતાં સાહીત્યની જ રમતો રમે. યજમાનવૃત્તી કરવા જતાં મોટા ભાઈ લક્ષ્મીરામ પણ ક્યારેક છંદોબદ્ધ શબ્દવીલાસ કરી લે.

જશીબહેનને એમાંથી તો ‘પ્રાણનાથ’ જેવો ભારેખમ શબ્દ જડ્યો. પછી એનો પીછો પકડતાં જ ‘પ્રાણશંકર’ ને ‘પ્રાણાધાર’ શબ્દો મનગગનમાં ચમકવા માંડ્યા; પણ પછી પટ્રોલ ખુટી ગયું. પતીને પ્રણયભીનો પ્રેમપત્ર લખવા માટે પ્રગટપણે જ વડીલબંધુની મદદ માગવી પડી.

એવું થયું ત્યારે રમણને દયા આવી ગઈ, ‘લાવ લખી દઉં!’ કહી લખેલો કાગળ હાથમાં લીધો, વાંચ્યો ને પછી મોં બગાડ્યું. “આ શું? આનન્દશંકરે વળી નામ ક્યારે બદલાવ્યું?”

“કેમ?”

“કે પછી પ્રાણશંકર નામનો કોઈ બીજો દુર્ભાગી?” રમણે આંખો ચમકાવીને મશ્કરીમાં કહ્યું : “એવું હોય તો કહી દેવું હો? હું તો બહુ ઉદારમતવાદી છું.”

રમણ નાનપણથી સ્વભાવે રમુજી, ઉદારમતવાદી પણ ખરેખર જ; પણ આ મશ્કરી જશીબહેનથી સહન ન જ થાય. તડ્ દઈને કહ્યું : “ખબરદાર, એવી કોઈ મજાક કરી છે તો મોટા ભાઈ! સુધારવો હોય તો સુધારી દો પત્ર, નહીતર આ પત્ર હું એમ ને એમ એમને પોસ્ટ કરી દઈશ.”

“તો બીચારા આનન્દશંકર માથું કુટશે.” એમ કહીને હસીને રમણે હળવેકથી પ્રેમપત્રમાં પ્રાણશંકર નામ ચેકીને આનન્દશંકર નામ લખી દીધું. અને નાની બહેનને શીખ આપી : “પ્રાણનાથ એ વીશેષણ સંબોધન રુપે વપરાય પછી સીધું આનન્દશંકરનું નામ જ લખવાનું; સીવાય કે સરકારી ગેઝેટમાં નોટીફીકેશન દ્વારા આનન્દશંકરે નામ બદલીને પ્રાણશંકર કરી નાખ્યું હોય. પ્રેમપત્રમાં તે નામ ચેકીને સુધાર્યું ન હોત તો બીચારા આનન્દશંક એ બધી તરખડ હવે કરવી પડત. શું થાય, પ્રેમપત્ર પોતાને ફીટ કરવા માટે આનન્દશંકર એવું કરે એવા પણ છે. હું મારી સાથે કાલોલમાં ભણતા ત્યારથી એમને ઓળખું.’ એ પછી આખો પ્રેમપત્ર બહેનને રમણલાલ હીમંતરામ પાઠકે સારા અક્ષરે, શુદ્ધ જોડણીમાં લખી આપ્યો. પ્રીય પણ ઉમેરી દીધું. કવરમાં બંધ પણ કરી આપ્યો ને પછી કહ્યું : “લે, આના પર ટપાલની ટીકીટ ચોડીને પાસ્ટ કરી દેજે.”

ટપાલની ટીકીટના પૈસા ક્યાં? એ કુટુંબના એ દીવસો તો એવી ગરીબાઈના હતા કે પગમાં પહેરવા મામુલી ચંપલ પણ ન મળે, એટલે ખાખરાનાં લીલાં પાનને શુળ ખોસી ખોસીને એના ચંપલ બનાવવાં પડતાં. ત્યાં વળી ટપાલના બે પૈસા ક્યાંથી કાઢવા?

બહેન બીચારી મોં વકાસીને ઉભી રહી એટલે રમણ પાઠક દ્રવી ગયા. હળવેથી કવર હાથમાં લઈને કહે : “સારું, હું જ જાતે એમને આપી દઈશ. ને હા…” વળી જતાં જતાં એમણે બહેનને કહ્યું : “તું ચીંતા ન કરીશ. હું ખોલીને વાંચી નહીં લઉં હો! કોઈનાય પ્રેમપત્રો વાંચું એવો હું દુષ્ટ નથી.” કહીને એમણે મઝાકમાં આંખ મીંચકારી. અતીશય હેતથી સજળ આંખે બહેન ભાઈની આ રમુજને પણ માણી રહી.

******

આ વાતને આજે સાઠ ઉપરાંત વર્ષો વીતી ગયાં છે. રમણ પાઠક ‘વાચસ્પતી’ આજે છોતેરના થયા અને જશીબહેન આનન્દશંકર જોશી આજે ચુંમોતેરનાં. રમણ પાઠકના પંચોતેર વર્ષના ‘અમૃત મહોત્સવ’ના નીમીત્તે, એમના ચુંટેલા પંચોતેર લેખોનો સંચય ‘મધુપર્ક’ એમની સન્માન સમીતી વતી, અમદાવાદના શબ્દલોક પ્રકાશને (બાલા હનુમાન પાસે, ગાંધી રોડ, અમદાવાદ–380 001 કીંમત – રુપીયા 200/-) પ્રગટ કર્યો એમાં તેમની એક પ્રખર રૅશનાલીસ્ટ – વીચારક તરીકેની વીચારછબી ઝીલાઈ છે; પણ એમના અંગત જીવનની પણ ઓળખ પડે એટલા સારુ સુરતના એમના ચાહકો વલ્લભદાસ ઈટાલીયા અને છગનભાઈ બરવાળીયાએ બીજો એક ‘રમણીયમ્’ નામનો સ્મૃતીગ્રંથ પણ બહાર પાડવાનું નક્કી કર્યું. એના સમ્પાદક તરીકે મેં રમણ પાઠકના મોટા ભાઈ ગુજરાતના સુવીખ્યાત કવીવીવેચક જયંત પાઠક અને એમના મસીયાઈભાઈ એવા પ્રસીદ્ધ કવી ઉશનસ્-ના એમના વીશેના સ્મૃતીલેખો મેળવ્યા. રમણ પાઠકનાં વાર્તાકાર પત્ની સ્મરણીય સરોજ પાઠકનો પણ એમના દાંપત્ય વીશેનો એક લેખ મળી આવ્યો. એમના શીક્ષક, બાળગોઠીયા અને મીત્રોના કેટલાક લેખ મેળવ્યા પણ એક લગભગ સરખી હેડીની કહી શકાય એવી બહેનના ચીત્ત પર ભાઈ સાથેના સહીયારા નાનપણનું કેવું ચીત્ર છે એ જોવા માટે મેં એ બહેનની – જશીબહેનની – હાલમાં જ વડોદરામાં મુલાકાત લીધી કે એમની આજ સાઠ વર્ષ પછી હેતથી એવી જ સજળ આંખો જોઈ. સંસારની કોઈ જ તડકી – છાંયડી એને સુકવી શકી નથી. ‘હા’ જશીબહેન બોલ્યાં : “એ વખતે પણ મને પ્રેમપત્ર લખાવી દેવાથી માંડીને એને પહોંચાડી દેવા સુધીનું દુતકર્મ પણ મારો આ રમણભાઈ કરતો. હા, એ વખતેય એ એવો ઉદાર હતો કે જેવો આજે છે.”

મારા મનમાં એ વખતે એક વાતનું સ્મરણ થઈ આવ્યું. “મારા મૃત્યુ પછી તું એકવાર અમેરીકાની સહેલ કરી આવજે” એમ કહીને સરોજબહેને એના માટે જુદા રાખેલા હજારો રુપીયા રમણ પાઠકે એમના એક સ્વજન અતીશય તંગીમાં જીવે છે એ જોયા પછી વગર માગ્યે તો ઠીક; પણ સામાની વગર અપેક્ષાએ એને આપી દીધા. આ ઘટનાનો સાક્ષી હું ખુદ. એટલે આ લીટીઓને માનપત્ર ન ગણતાં ડોક્યુમેન્ટરી માનવી. ૨.પા. એ વખતે અમેરીકા ન ગયા અને પાછળથી ગયા તે તો બીજા જ કોઈ આયોજને.

******

નવ ભાંડરડાં કુલ; પણ એમાંથી જશીબહેન, રમાબહેન, હીરાબહેન, જયંતભાઈ અને રમણભાઈ – આટલા પાંચનું બચપણ સહીયારું વીત્યું. બન્ને ભાઈઓ તો ભણે; પણ ઈચ્છાબા છોકરીઓ ભણે એમ તો ન જ ઈચ્છે. એટલે જશીબહેન પાંચ ચોપડી તો માંડ ભણ્યાં. એ પછી આ પાઠકબંધુના જ ગોઠીયા અને નાતીલા એવા આનન્દશંકર શંકરલાલ જોશી જોડે સગપણ થયું. આનન્દશંકર તો બી.એ.નું ભણે એટલે એમના શીક્ષક પીતાને મનમાં સંશય થયો કે આવા તેજસ્વી છોકરાનો સંસાર આ પાંચ ચોપડી ભણેલી કન્યા ચલાવી શી રીતે શકશે? એમણે બેધડક કહેવરાવ્યું કે મારે છોકરીની પરીક્ષા લેવી પડશે. જવાબમાં ‘ખુશીથી’ આવ્યું. જશીબહેનનો તો ફડકે જીવ જાય. હાય બાપ, ભણતરમાં તો આમેય કાચી ને પાછા આખા જીવતર પર અસર પાડનારી પરીક્ષા આપતાં તો આકાશના તારા ધોળે દીવસે દેખાઈ જાય. ભાઈ સાથે સલાહમહાવરો કર્યો ત્યારે ઉકેલ મળ્યો. સગાકાકા ધનસુખલાલ પાઠક જ શાળામાં હેડમાસ્તર હતા. એમની સાથે મેળાપીપણું કર્યું. સસરા પરીક્ષા લેવા શાળામાં જ આવે એમ ગોઠવ્યું. આવ્યા અને અઘરા અઘરા પાંચ દાખલા અંકગણીતના આપ્યા. જશીબહેન સાથે બીજા દસ છોકરા ‘એમનું પણ જ્ઞાન વધે’ની મીષે સ્લેટ લઈને બેઠા. બધા જયારે નીચું મોં કરીને લખવા બેઠા. (જીશીબહેન પણ) મને ક્લાસમાં જયારે સ્લેટ સાથે પેનના ટપ ટપ ટપ ટપ અવાજ એકધારા સંભળાવા માંડ્યા ત્યારે હળવેકથી ધનસુખકાકાએ શંકરલાલ જોશીને ચા–પાણીનો વીવેક કર્યો. “હું ચા પીતો નથી.” એમ શંકરલાલ જોશીએ કહ્યું. જવાબમાં વધુ વીવેક અને અમારા ગોઠ–રાજગઢની ચા તો આ કળીયુગનું અમૃત છે. કહેવાય છે કે રાજા હરીશ્ચંદ્ર પણ આ જ ચા પીતો, એમ કહીને ચાર ડાયલૉગ આમ, ને ચાર ડાયલૉગ તેમ થયા – અંતે શંકરલાલે ચા ન પીધી તે ન જ પીધી; પણ દરમ્યાન સીતાની અગ્નીપરીક્ષા પાર પડી ગઈ. અકબર નામના હોશીયાર ગોઠીયાની તૈયાર દાખલા ગણેલી સ્લેટ જશીબહેનની સ્લેટ સાથે અદલાબદલી પામી ગઈ. જશીબહેન ફુલ્લી પાસ. બહાર રમણ પાઠક અને જયંત પાઠક આટાપાટા રમ્યા કરે. વેવાઈ લાપસી ખાતા મોંએ બહાર નીકળ્યા એ બન્નેએ જોયું. આનન્દશંકરને આજે એમના સાઠ વરસના ઘરસંસાર પછી મેં આ ઘટના વીશે પ્રતીક્રીયા આપવા કહ્યું તો બોલ્યા : “રમણ પાઠકમાં તમે જે આઝાદ, મીજાજ અને મૌલીક વીચારો જોયા તેની ઝીણી ઝીણી રજોટી તમને જશીના સ્વભાવમાં પણ મળે. આ ઘટનાને હું તો એની બુદ્ધીના ચમકારા તરીકે જ જોઉં છું. સાહીત્યના તણખાવાળાં આ સૌ ભાઈબહેનો – એમની સર્જકતા આવામાંય પ્રગટ થાય. તમને નવાઈ લાગશે–જશીએ પણ લેખન પર હાથ અજમાવ્યો છે.” ઉભાં થઈને એમણે ‘સ્ત્રી’ સાપ્તાહીકનું વર્ષો અગાઉનું એક પીળું પડી ગયેલું પાનું બતાવ્યું – એમાં જશુમતી આનન્દશંકર જોશીના નામ ખરેખર એક વીચારોત્તેજક લખાણ ‘દાયજા’ પ્રથા વીરોધનું છપાયેલું હતું. સાલ 1965.

વાત તો સાચી. ચાર–પાંચ વર્ષ પહેલાં બધાં ભાંડરાંમાં વડીલબંધુ એવા લક્ષ્મીશંકર પાઠકનો એક કાવ્યસંગ્રહ “નીજાનંદે હમ્મેશાં રામ” પણ પ્રગટ થયેલો. એમાનાં મોટાભાગનાં પ્રણયકાવ્યો હતાં.

કેમ ન હોય ? રંગીલા રમણ પાઠકના જ એ મોટા ભાઈ!

1941માં અમદાવાદમાં ભયંકર હુલ્લડ ફાટી નીકળ્યું હતું. સત્તર વર્ષનાં જશીબહેનને અમદાવાદ જવાનું થયું. આનન્દશંકરની નોકરી લૅન્ડ રેકર્ડ ખાતામાં સર્વેયર તરીકેની હતી. અમદાવાદના રાયપુરવાળા ઘરમાં તો વીજળીબત્તી છે એમ જેવી ખબર પડી કે આજદીન લગી નકરા ટમટમીયા કે ફાનસથી જ ટેવાયેલાં જશીબહેને સંકટ સમયની સાંકળ એવા રમણ પાસે ધા નાખી. ‘મને વીજળીબત્તીની ચાંપ પાડતાં, ઉપાડતાં શીખવાડો; કારણ કે મારે સાસરે જઈને અક્કલનું પ્રદર્શન નથી કરવું.’ ઓગણીસ વર્ષના રમણ પાઠક ઘોઘંબામાં વીજળીબત્તી ક્યાંથી કાઢે? પણ બહેનની આંખમાં વીનવણી તો એ આજની તારીખે પણ સહન નથી કરી શકતા. દેવઢબારીયા સાવ નજીક જ. ત્યાં એક સ્નેહી મનુભાઈ ડૉક્ટરને ત્યાં લઈ ગયા. આખો દીવસ હર્યાફર્યા. મઝા કરી. રાત પડી એટલે કહે કે અમે (હું ને જશી) એક રુમમાં સુઈશું. એનો તો કશો વાંધો નથી. સગ્ગાં ભાઈબહેન; પણ મધરાતે ઉઠીને જશીબહેનને લાઈટ ઑફ–ઑન કરતાં શીખવવા માંડ્યા. ઓફ–ઑન, ઑફ–ઑન. ઑફ–ઑન. જશીબહેન શીખવા જાય પણ આવડે જ નહીં. એ ઝડપથી ચાલતા મશીનની ગતીએ ચાંપને પાડ–ઉપાડ, પાડ–ઉપાડ કર્યા કરે. બાજુના ઓરડામાં આ રીતે બત્તીનું વીચીત્ર રીતે ઝડપભેર લપકઝપક થતું જોઈને ઘરનાં સૌ ભેગાં થઈ ગયાં. “અરેરે, આ શું?” કાકી બળાપો કરવા માંડ્યાં : “આ વાનરસેના તો મારા મોંઘા ભાવના ગોળા ઉડાડી મેલશે, અરેરે…” પણ મનુભાઈ ડૉક્ટર બધો ખેલ સમજી ગયા. કાકીને એમણે વાર્યાં. અંતે જશીબહેન બત્તીની સ્વીચ પાડતાં–ઉપાડતાં શીખ્યાં.

“આજે પણ બત્તીની સ્વીચ પર હાથ જાય ત્યારે….” જશીબહેન મને કહે : “ત્યારે રમણભાઈ યાદ આવે, આવે ને આવે જ.”

રમણભાઈ જેવા અણસારવાળા એમના વૃદ્ધ મોં પર પ્રકાશ–અંધારની તે જ રમત તો આજે પણ હું જોઈ શક્યો.

એકસાથે અનેક સંસ્મરણો જશીબહેનને યાદ આવે છે. નાનો નથી. ચુમોતેર વર્ષનો પાકેલી રાયણ જેવો એ સમ્બન્ધ છે. સહેજ મમળાવતાં જ એમાંથી દુધના સગપણની સુગંધ અને શર્કરા બન્ને અનુભવાય. વધુ મમળાવો તો માવો બનીને ક્યાંય લગી તૃપ્તી આપતો રહે – જયંત પાઠક મોટા અને ગુજરાતનું ઘરેણું ગણાય એવા કવી. રમણ પાઠક તો રૅશનાલીઝમ–વીવેકબુદ્ધીવાદના ક્ષેત્રે ગુજરાતના ભીષ્મપીતામહ ગણાય તેવા વીચારક અને સાહીત્યકાર; પણ આ બન્ને ભાઈઓની બહેન જશીબહેનને મન તો બાળગોઠીયાના રુપધરો. “ચાર યાદગાર વાત કહો”ના જવાબમાં એમની જીભે ચારસો સ્મરણો ધસી આવે. “અરે, અરે, શી વાત કરું?’’ એ કહેતાં કહેતાં ડુમો અનુભવે છે : “મારો ભાઈ તે મારો ભાઈ… પણ નકરો ભાઈ નહીં, મીત્ર અને માર્ગદર્શક. અમારી તમામ ફરીયાદોને સાંભળનાર. એનો ઉકેલ લાવનાર, આ રમણભાઈ, મારા વીપુલના જુવાનજોધ મરણનો કારી ઘા મને લાગેલો ને હું વડોદરાની હૉસ્પીટલમાં. એ અમેરીકાથી આવીને સીધા જ હૉસ્પીટલમાં આવીને મારી ચાકરીમાં લાગી ગયા. રુપીયે–પૈસે, દયાએ–માયાએ, કોઈ વાતે કાંઈ કમી રાખે નહીં. અરે મારી દીકરીની ડીલીવરી વખતે એણે દવાખાનાના આંટાફેરા કરવા આખી રાતની રીક્ષા બાંધેલી–કદી કોઈ ફરીયાદ નહીં, કદી કોઈ વાતે એને ઓછું ન આવે. મારી દરેક ઈચ્છા એને અનુકુળતા હોય કે ન હોય પણ પુરી કરે જ છુટકો. અમારા કોઈ કામમાં ટાઢ–તડકો–વરસાદ કશું ન ગણકારે. ને દીલના તો એવા ઉદાર, એવા ઉદાર, એવા તે ઉદાર… કે…”

એમના આ સહજ ઉદ્ગારો આગળ પછી બીજું શું સાંભળવાનું?

“એમની આ દીલની ઉદારતા તો સૌને માટે છે.” મેં કહ્યું : “ક્યારેક તમારી અપેક્ષાઓ સામે પારકા સામે બતાવાતી એમની ઉદારતા ટકરાય કે?’’

એમણે જરા તોફાની નજરથી રમણભાઈ સામે જોયું. બોલ્યા, “એવું તો થાય ક્યારેક. એક વાર સગામાં એક ઘર સાથે મારે કંઈ બોલવાનું થયું. રમણભાઈ તો મારો ભાઈ – એ પણ પેલા લોકો જોડે ન બોલે એમ જ હું ધારું ને? પણ એ તો બીજા જ કલાકે એ લોકો જોડે ચા – પીતાં ઝડપાયા. મેં તરત જ સરોજભાભી (વાર્તાકાર સરોજ પાઠક)ને કહ્યું, “અલી ભાભી, જુઓ તો ખરાં, આવા તે કેવા મારા ભાઈ.” પણ ભાભીય પક્કાં. મીઠું હસીને બોલ્યાં : “તમારા ભાઈ છે બહેન, મને કાં પુછો?”

આ નીમીત્તે એમને ભાભી પણ યાદ આવી ગયાં – જશીબહેનની આંખોમાં આંસુ ઝબકી ગયાં : “ગુજરાતની ગમે તેવી મોટી લેખીકા હતી મારી ભાભી; પણ મારા માટે એમણે રમણભાઈની જેમ જ અથાગ પ્રેમ રાખેલો.”

“એકવાર હું દીલ્હી ટ્રેનીંગમાં ગયેલો.” વચ્ચે જ આનન્દશંકરે કહ્યું : “મને ત્યાં જમવાનું ફાવતું નહોતું. એ વખતે રમણભાઈનો ઘરખટલો બધો દીલ્હી હતો; પણ સરોજબહેન બહારગામ હતાં છતાં મારી આપદા જાણીને મને જમાડવા માટે તરત દીલ્હી પાછા ફર્યાં.”

પછી રમણ પાઠક તરફ જોઈને એ પણ જરા ભાવવીવશ થઈ ગયા. કહે : “આ તો મારા સાળા કરતાંય વીશેષ તો મીત્ર છે. એના કુટુંબમાં બધાય કવી પણ રમણ પાઠક કંઈક ઉફરા છે, બીજા કરતાં. હું તો એમને યોગી કહું. યોગી–સ્થીતપ્રજ્ઞ. ભલે પોતે રૅશનાલીસ્ટ. ખુદ પુજાપાઠ ન કરે, મન્દીરે ન જાય પણ અમારી સાથે ક્યાંય આવ્યા હોય ને અમે મન્દીરમાં જઈએ તો અમારી લાગણી દુભાય તેવું કશું બોલે નહીં. અમે મુર્તી સમક્ષ નમન કરતાં હોઈએ ત્યારે એ બહાર ઓટલે બેઠા હોય, કશો કંટાળો નહીં. કશી ઉતાવળ નહીં.”

જશીબહેન તરફ કંઈ પુછવા માટે મેં દૃષ્ટી કરી; પણ પછી પુછ્યું નહીં, એ તો ભાઈ તરફ અમીભરી નજરે અનીમેષ તાકી રહ્યાં હતાં. બધા પ્રશ્નોનો એ જ તો જવાબ હતો.

– રજનીકુમાર પંડ્યા

ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતની લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’ (હવે બંધ)ના પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)એ પોતાના ભાતીગળ આયુષ્યનાં 75 વર્ષ પુર્ણ કર્યાં ત્યારે ર.પા.ના અંગત તથા જાહેર એમ વ્યક્તીગત જીવનનો પરીચય આપતા 75 લેખોનું સંકલન કરીને શ્રી રજનીકુમાર પંડ્યાએ ‘રમણીયમ્’ ગ્રંથ સાકાર કર્યો હતો. [પ્રકાશક : શ્રી એમ. કે. મદ્રાસી, ‘શબ્દલોક પ્રકાશન’, 1760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ – 380 001; પ્રથમ આવૃત્તી : 1998; પાનાં : 224 મુલ્ય : રુપીયા 150/- (‘રમણીયમ્’ ગ્રંથ આઉટ ઓફ પ્રીન્ટ છે.)] લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

સમ્પાદક–સમ્પર્ક : શ્રી. રજનીકુમાર પંડયા, બી 3/જી એફ 11; આકાંક્ષા ફલેટસ, જયમાલા ચોક, મણીનગર–ઈસનપુર રોડ, અમદાવાદ – 380 050 ઈ.મેલ : rajnikumarp@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરબાદ, આમ સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ  ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 26/09/2022

 

2 Comments

 1. રમણ પાઠક – એક બહેનના ભાઈ તરીકે…
  વાહ
  મા રજનીકુમાર પંડ્યાની ધારદાર અને કસાયેલ કલમ નો કસબ … વાંચવાની મજા આવી ગઈ .
  શરુઆતથી ‘જશીબહેન તરફ કંઈ પુછવા માટે મેં દૃષ્ટી કરી; પણ પછી પુછ્યું નહીં, એ તો ભાઈ તરફ અમીભરી નજરે અનીમેષ તાકી રહ્યાં હતાં. બધા પ્રશ્નોનો એ જ તો જવાબ હતો’સુધી લેખ બે વાર માણવાની મજા આવી.આમાની કેટલીક વાતો તો બ્રાહ્મણોની સ્થિતી અને વિદ્વતા અંગે અમારા દાદાજી અને અમારા કુટુંબે અનુભવી હતી તે સાંભળેલી વાત યાદ આવી
  ધન્યવાદ

  Liked by 2 people

 2. “જશીબહેન તરફ કંઈ પુછવા માટે મેં દૃષ્ટી કરી; પણ પછી પુછ્યું નહીં, એ તો ભાઈ તરફ અમીભરી નજરે અનીમેષ તાકી રહ્યાં હતાં. બધા પ્રશ્નોનો એ જ તો જવાબ હતો.” 👍🏼

  Liked by 2 people

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s