શું આપણી બીક (ભય) કામની, વાજબી કે ખોટી અથવા અવાસ્તવીક હોય છે? શું આપણે જાતે જ કેટલીક ખોટી બીકના ઉપાય કરી શકીએ?
ખોટી બીક
–ડૉ. રમેશ શાહ
બીક (ભય) માનવ સ્વભાવનું એક અગત્યનું પાસુ છે. કેટલીક બીક જન્મજાત હોય છે અને કેટલીક અનુભવથી શીખાયેલી હોય છે. મોટો અવાજ સાંભળીને લગભગ બધા જ બાળક રડવા લાગે છે. આગ કે ગરમ વસ્તુની બીક દાઝ્યાના અનુભવથી ઘડાય છે. આપણામાંથી અમુક લોકો જન્મથી કે પછી ભયભીત વાતાવરણમાં ઉછેરને કારણે બીકપ્રધાન કે નર્વસ સ્વભાવના હોય છે. કેટલીક બીક કામની હોય છે. જેમ કે, પહાડ પર કીનારે જવાની બીક ખીણમાં પડી જવાના જોખમથી બચાવે છે. જેને તરતાં ન આવડતું હોય તેને માટે ઉંડા પાણીમાં જવાની બીક ફાયદાકારક છે. કેટલીક બીક એક વસ્તુમાંથી તેના જેવી બીજી વસ્તુમાં ફેલાય છે. દા.ત.; દુધનો દાઝ્યો છાસ ફુંકીને પીએ છે, વીદ્યાર્થી પર દાઢી–મુછવાળા એક માસ્તર બહુ ગુસ્સે થયા હોય તો પછી તે કોઈ બીજા દાઢી–મુછવાળાથી પણ બીવે છે.
કેટલીક બીક વ્યાજબી હોય છે તો કેટલીક ખોટી અથવા અવાસ્તવીક હોય છે. ભય ઉપજાવતી અમુક પરીસ્થીતીઓનો ભાગ્યે જ સામનો કરવો પડે એવી હોય (દા.ત.; રાતના જંગલમાં જવું, શાર્ક હોય ત્યાં દરીયામાં નહાવા જવું) તો તેનાથી દુર રહીને જીવવામાં વાંધો આવતો નથી. બીજી બાજુ, કેટલીક બીક વ્યક્તીના જીવનમાં બાધારુપ કે પીડાદાયક બની રહે છે, જેમ કે, શીક્ષક માટે સમુહ સામે બોલવાની બીક અથવા રસોઈ કરનાર ગૃહીણીને ધારવાળી વસ્તુઓની બીક.
ઘણા માણસો જુદા જુદા પ્રકારની ખોટી બીકોથી પીડાતા હોય છે. જેમ કે, સાંકડી જગ્યાની બીક (લીફ્ટ), વાદળના ગડગડાટની બીક, છીછરા પાણી પાસે જવાની પણ બીક, બારણાના હેંડલને અડવાથી ચેપી જંતુ લાગી જવાની બીક, પોતાથી કોઈ ગમ્ભીર ભુલ થઈ જવાના વીચારો સતાવવા, એક મોટા આઘાતજનક અનુભવ પછી એને લગતા બીહામણા સ્વપ્ના ફરી ફરી આવવા વગેરે. આવી બીક તીવ્ર હોય અથવા રોજીંદા જીવનને મુશ્કેલીભર્યું બનાવી દે તો તે માનસીક રોગનું સ્વરુપ પકડે છે. આવું થતું હોય એવી વ્યક્તીઓને આ વીષયના જાણકાર પાસે સારવાર કરાવવાથી ફાયદો થઈ શકે છે. ખોટી બીકના રોગો ઈંગ્લીશમાં જુદા જુદા નામથી ઓળખાય છે. દા.ત.; ફોબીયા, પેનીક ડીસઑર્ડર, ઓબ્સેસીવ કમ્પલ્સીવ ડીસઑર્ડર, પોસ્ટ ટ્રોમેટીક સ્ટ્રેસ ડીસઑર્ડર.
આપણી કેટલીક ખોટી બીકના ઉપાય આપણે જાતે પણ કરી શકીએ છીએ. ખોટી બીક ઘટાડવાનો મુળભુત રસ્તો તેનાથી દુર ભાગવાને બદલે તેનો વધારે ને વધારે સામનો કરવો એ છે. જેમ કે, ઉંચાઈની બીક ઓછી કરવા માટે પહેલાં સલામતીવાળી નાની ઉંચાઈ પર જઈ ઉભા રહેવું ને પછી ધીમે ધીમે આવી વધારે ને વધારે ઉંચી જગ્યાએ હીમ્મતથી (મનમાં ગભરાટ હોય તો પણ) ઉભા રહેતાં ટેવાવું. સમુહમાં બોલવાની બીક દુર કરવા, પહેલાં એક બે મીત્ર સામે ઉભા રહીને થોડું બોલવું. ધીમે ધીમે વધુ ને વધુ માણસો પાસે હીમ્મતથી બોલવું, ભલે જીભ અચકાય. તમને લોકો શાંતીથી સાંભળશે ત્યારે સુખદ આશ્ચર્ય થશે. વળી, ભુલ થવાની બીકે જો નવું શીખવાનો પ્રયત્ન પણ ના કરીએ તો જીવન મર્યાદીત બને છે. એક વાત સ્વીકારી લો કે ભુલ કરવાનો આપણો મુળભુત માનવ અધીકાર છે. સમાજમાં લોકો સામે સીધી નજરે જોઈને ચાલવાની ટેવ પાડીએ. લોકો મારા તરફ અણગમાથી જોશે કે મારી વાતો કરશે એવા વીચાર આવે તો મનમાં બોલવું ‘તો શું થઈ ગયું? એનાથી મારું શું દાઝી ગયું?’ ખરેખર તો તમે ‘હલો’ કહેશો તો લોકો હસીને સામે તમને ‘હલો’ કહેશે! જીવન માણવા માટે છે, શું કામ ડરી ડરીને જીવીએ?
આંખોંસે આંખે મીલાને સે ડરના ક્યા?
અબ આંખેં મીલાને સે ડરના ક્યા?
આંખ મીલાઈ, કોઈ ચોરી નહીં કી.
છુપ છુપ આંહે ભરના ક્યા?
અબ આંખેં મીલાને સે ડરના ક્યા?
–ડૉ. રમેશ શાહ
ન્યુ જર્સી (અમેરીકાના)ના સાયકોલૉજીસ્ટ અને ક્લીનીકલ નીષ્ણાત તરીકે 40 વર્ષથી વધુ અનુભવ ધરાવતાં ડૉ. રમેશ શાહે ‘અભીવ્યક્તી’ બ્લૉગ માટે ખાસ લખેલો લેખ, લેખકના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : Dr. Ramesh Shah, 9 Bloomfield Court, Dayton. NJ 08810 USA. e.Mail : nitaram18@yahoo.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@gmail.com
Objective view point to emphasize open mind to others and their perspectives! If we feel that way, we are blessed by Super-Power (i.e. GOD) and that will protect us from falling down!
LikeLiked by 1 person
ડૉ. રમેશભાઈએ ભુતપ્રેતની ખોટી બીકનો ઉલ્લેખ ન કર્યો. નાના હોઈએ ત્યારે ભુતપ્રેતની ઘણી વાતો, ખાસ કરીને આપણા ગામનાં અમુક સ્થળે ભુત રહે છે એવું સાંભળવામાં આવે છે. આથી એ સ્થેળેથી રાત્રે જો પસાર થવાનું થાય તો બીક લાગતી હોય છે. અમારા ગામમાં બે ભુતીયા વડ વીશે નાનો હતો ત્યારે સાંભળેલું અને રાત્રે ખુબ બીક લાગતી, પણ કેટલીક વાર ફરજીયાતપણે રાત્રે ત્યાંથી પસાર થવું જ પડ્યું અને કશું ન અનુભવતાં બીક જતી રહી.
સરસ લેખ. આભાર ગોવીન્દભાઈ આપનો તથા રમેશભાઈનો.
LikeLiked by 1 person
ડૉ. રમેશ શાહનો ખોટી બીક અંગે સ રસ લેખ
આપે ફોબીયા, પેનીક ડીસઑર્ડર, ઓબ્સેસીવ કમ્પલ્સીવ ડીસઑર્ડર, પોસ્ટ ટ્રોમેટીક સ્ટ્રેસ ડીસઑર્ડરની ખોટી બીક અંગે સરળ ભાષામા સમજાવ્યું.અભય એટલે ભયમુક્ત, નીડર, માણસમાત્રને અહીં ભ્રમ અને અજ્ઞાાનના કારણે ડર લાગે છે. માણસ રાત્રે રસ્તે જતાં પડેલી દોરીને સાપ માનીને ડરે છે. કારણ કે તેને દોરીમાં સાપનો ભ્રમ થાય છે. પરંતુ એવે સમયે કોઈ દીવો ધરી અજવાળું કરે તો સાપને સ્થાને દોરી જોતાં જ તે નીડર બની જાય છે.
मा भै मा भै: ડરીશ ના ! કોઈથી ડરીશ ના ! ‘અભય’નું એ ગાન વિશ્વનું મહાગાન મનાયું છે. અન્ય એકેય ધ્વનિ એ ‘અભય’ના નાદ થકી ઉંચેરો જાણ્યો નથી. ‘અભય’ સિવાય અન્ય મૂક્તિ પણ સરજાયેલી નથી. જગતને મનુષ્ય પગલે ને ડગલે ભયભીત બની જીવતા નરકનો અનુભવ કરે છે.મરણનો ડર અજબ છેે. જેણે જન્મેલાનું મૃત્યુ ખરેખર નક્કી છે એમ જાણેલું છે તે નીડર. જે મનુષ્ય અભયને આ રીતે જાણી વ્યવહાર કરશે.મનમાં એ વિચાર આવે છે કે હું ભગવાનનો અંશ છું. આથી કદી નષ્ટ થવાવાળો નથી. એવો વિવેક સ્પષ્ટરૂપે પ્રગટ થતાં ભય આપોઆપ નષ્ટ થઈ જાય છે.
હાલ કોરોના કાળે ડોકટરો અને દર્દીની સેવા કરતા સ્ટાફ પણ સદા બીકમા રહે છે.ત્યારે બીજી તરફ-‘The BMJ confirms that medical errors are the third leading cause of death in United States,’વાંચી ડોકટરોની બીક લાગે છે!
LikeLiked by 1 person
“ડર” નામનો શબ્દ મારા શબ્દકોષમાં નથી. મૃત્યુનો તો જરા પણ ભય નથી.. એ આવવાનું છે. ખબર છે. ગીતામાં કૃષ્ણ ભગવાન ‘અભય’ બનવાની સલાહ આપે છે.
માતાની પરવરિશ એવી હતી, ડર લાગતો નથી. મારી માતા પણ ખૂબ પ્રેમાળ અને નીડર હતી.
LikeLiked by 1 person
ખોટા ભય માંથી અભય તરફ જવાનો રસ્તો ડોક્ટર સાહેબે બતાવ્યો તે વાંચીને ખૂબ જ આનંદ થયો અને સરળ પ્રક્રિયાઓ પણ બતાવી કે હાઈટનો ડર લાગતો હોય તો થોડાક ઊંચાઈ ઉપર જઈને ઉભા રહો ડર લાગે તો પણ ઉભા રહો પછી ક્રમશઃ થોડી વધારે ઊંચાઈ પર જાવ આમ કરતા કરતા ડર નીકળી જશે તો નીડરતાથી જીવો ડર વગર જીવો અને ખૂબ જીવો-આનંદથી જીવો.
LikeLiked by 1 person