દરેક ધર્મ માટે રસાયણશાસ્ત્ર કે પ્રાણીશાસ્ત્રનું સત્ય એક જ છે. હીન્દુ, મુસ્લીમ, ખ્રીસ્તી કે શીખનું રસાયણશાસ્ત્ર જુદું જુદું હોઈ શકે? ભૌતીક સત્યના સ્તરે બધા ધર્મો એક છે તો આધ્યાત્મીક સત્યના સ્તરે એક થઈ શકે?
રુઢીચુસ્તતા અને અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય
–રમેશ સવાણી
મનુષ્ય અસ્તીત્વની ઝંખના ધરાવે છે. તે ‘માનવ’ તરીકે જીવવાની ઝંખના ધરાવે છે. મનુષ્ય કરતાં ઉતરતું જીવન જીવવા કરતા તો તે મરણ વધારે પસન્દ કરે છે. આમ ‘માણસ’ તરીકે જીવવાની ઝંખના માટે સ્વતન્ત્રતાની પ્રથમ જરુરીયાત રહે છે. સ્વતન્ત્રતાનો અર્થ છે, અંકુશ કે નીયન્ત્રણનો અભાવ. વ્યક્તીની મનુષ્ય તરીકેની જે ઢંકાયેલી સંભાવનાઓ છે તેને ખુલ્લી થવાના માર્ગમાં જે નીયન્ત્રણ હોય તે દુર કરીએ તો જ ‘વ્યક્તી’ ‘મનુષ્ય’ બની શકે. રાજયના સન્દર્ભમાં સ્વતન્ત્રતાનો અર્થ થાય છે, અભીવ્યક્તીની સ્વતન્ત્રતા, માહીતી પ્રાપ્ત કરવાની સ્વતન્ત્રતા. સત્તાના મનસ્વી ઉપયોગ સામેની સ્વતન્ત્રતા. ધર્મમાં માનવાની અને ધર્મ માત્રનો વીરોધ કરવાની સ્વતન્ત્રતા. સામાજીક સન્દર્ભમાં સ્વતન્ત્રતાનો અર્થ થાય છે, અબૌદ્ધીક રુઢીઓ અને પરંપરાઓનો અભાવ. જ્ઞાતીઓ અને સમુહો વચ્ચેના સમ્બન્ધોની સ્વતન્ત્રતા. અનુસુચીત જાતીઓની બાબતમાં રાજકીય નીયન્ત્રણો કરતાં સામાજીક નીયન્ત્રણો તેના સ્વાતન્ત્રને વધુ રુંધે છે, જેમ કે અસ્પૃશ્યતા, ભેદભાવ. આર્થીક સન્દર્ભમાં સ્વતન્ત્રતાનો અર્થ છે અછત, અભાવ, અસલામતી ન હોય તે. સ્વતન્ત્રતાનો અર્થ વ્યક્તી પરના ગેરવાજબી તમામ નીયન્ત્રણોનો અભાવ એવો થાય છે. એક મનુષ્ય તરીકે સંપુર્ણ અને ભર્યું ભર્યું જીવન જીવવાની વ્યક્તીની શક્તી, એ સ્વતન્ત્રતાનો સાચો અર્થ છે. વ્યક્તીએ પોતાની સંભાવ્ય શક્તીઓનો વીકાસ એવી રીતે કરવાનો છે જેથી બીજી વ્યક્તીઓના એવા જ પ્રયાસો સાથે સુમેળ સધાય. એટલે કે એણે જાહેરહીતમાં મુકવામાં આવેલાં વાજબી નીયન્ત્રણો સ્વીકારવા જોઈએ. બીજી વ્યક્તીઓની સ્વતન્ત્રતાઓના હેતુ માટે જ સ્વતન્ત્રતા પર વાજબી નીયન્ત્રણો મુકી શકાય, અન્યથા નહીં. સમાનતાનો અર્થ બધાને સરખી સ્વતન્ત્રતા એવો થાય. તેથી સમાનતાના હેતુ માટે એક વ્યક્તીની સ્વતન્ત્રતા ઉપર વાજબી નીયન્ત્રણો મુકી શકાય. સર્જનાત્મક કળાના ક્ષેત્રમાં વ્યક્તીની સુષુપ્ત શક્તીઓનો વીકાસ થઈ શકે. સાહીત્ય, સંગીત, ચીત્રકળા, શીલ્પ, નૃત્ય, નાટક અને ફીલ્મમાં કળાત્મક સીદ્ધીઓ પ્રાપ્ત કરી શકાય. આવી સીદ્ધી હાંસલ કરનારને સંતોષ મળે છે. આમ મનુષ્ય વધુ સારું, સગવડભર્યું ભૌતીક જીવન જીવી શકે છે અને ઘણા મોટા પ્રમાણમાં માનસીક આનન્દ અને સંતોષ આપતી બૌદ્ધીક, નૈતીક અને કળા વીષયક પ્રવૃત્તીઓમાં પોતાને પ્રયોજી શકે છે. વીવીધ પ્રકારના શારીરીક, ભૌતીક તેમ જ માનસીક સંતોષો અને સીદ્ધીઓથી મનુષ્ય જીવન સમૃદ્ધ બનાવી શકાય છે. પુર્ણ જીવન પ્રાપ્ત કરવાના માર્ગમાં જે જે અવરોધો, આડખીલીઓ, નીયન્ત્રણો આવતાં હોય તે બધાં દુર કરવામાં જ સ્વાતન્ત્ર્ય રહેલું છે. ‘દરેક વ્યક્તી રાષ્ટ્ર છે!’ એમ કહી શકાય તેવી આદર્શ સ્થીતી વીજ્ઞાન અને ઈન્ફર્મેશન ટેકનોલૉજીના કારણે શક્ય બનશે.
વીચારનો સામનો વીચારથી જ થવો જોઈએ, સત્તા કે હીંસાથી નહીં. વીચારોને રુંધવાથી કે દબાવવાથી તેનો નાશ થઈ શકતો નથી. માનવ પ્રગતીનો ઈતીહાસ દર્શાવે છે કે વીચારોના સંઘર્ષમાંથી જ સત્ય પ્રગટે છે. વીરોધ પ્રદર્શીત કરવાનો દરેકને હક છે, કાયદો હાથમાં લેવાનો કોઈને હક નથી. વારાણસીમાં ફીલ્મનીર્માત્રી દીપા મહેતા ‘વૉટર’નું શુટીંગ કરી રહ્યાં હતાં, તે સમયે ધાંધલવાદીઓએ હુમલો કરી ફીલ્મનો સેટ તોડી નાખ્યો. આ હુલીગેનીઝમ કહેવાય. દરેક નાગરીકને પોતાની સર્જનાત્મક શક્તીને વહેતી મુકવાનો અધીકાર છે. આ અધીકારને કેસરી, સફેદ, કાળી, લાલ, લીલી, પીળી ઘેટાંશાહી છીનવી શકે નહીં. આ હુમલો, લોકશાહીના પ્રાણ સમાન અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય ઉપરનો ગણાય. વીરોધી વીચાર થકી ધાર્મીકોની લાગણી દુભાય છે, જ્ઞાનીઓની નહીં. બર્ટ્રાન્ડ રસેલ કહે છે : “લોકશાહીને જાળવી રાખવા માટે સામુહીક ઉત્તેજના પેદા કરે એવા સંયોગો ટાળવા અને આ પ્રકારની મનોદશા તરફ લોકો વળે નહીં એ રીતે તેને કેળવવા એ બન્ને બાબતો અગત્યની છે. સામુહીક ઉત્સાહ પર વારી જવું એમાં દુઃસાહસ અને બેજવાબદારી છે કેમ કે ઘાતકીપણું, યુદ્ધ, મૃત્યુ અને ગુલામી એ જ એના ફળ છે.”
કલ્ચરલ પોલીસ એવું ઈચ્છે છે કે અમારી સમજ મુજબની જ ‘ભારતીય સંસ્કૃતી’ હોવી જોઈએ; અને એનું રક્ષણ અમે જ કરીશું. વડોદરામાં સૌંદર્યસ્પર્ધા યોજાઈ ત્યારે એના પર તુટી પડ્યા, મારફાડ ને ભાંગતોડ. રુઢીચુસ્તતા અને ધર્મજડતા ચીંતન સ્વાતન્ત્ર્યને નષ્ટ કરે છે. મુળભુતવાદીઓ, ધર્મજડસુઓ, રુઢીચુસ્તો અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય સહન કરી શકતા નથી. તેઓ વૈજ્ઞાનીક મીજાજને શંકાની દૃષ્ટીએ જુએ છે. દુરદર્શન ઉપર ‘કબીર’ સીરીયલ રજુ થઈ ત્યારે ધર્મજડસુઓએ કહેલું કે કબીરને અવતારી પુરુષ તરીકે રજુ કરો. સ્વામીનારાયણ સંપ્રદાય કહે છે કે ‘સત્યાર્થ પ્રકાશ’ ઉપર પ્રતીબન્ધ મુકો.
લાગણી દુભાશે એવા ડરના કારણે પુસ્તકો, લખાણો, ચીત્રો, કાર્ટુન્સ કે ફીલ્મ ઉપર પ્રતીબન્ધ મુકવાની પ્રથા પાડીએ તો; આ દેશમાં ધર્મ, ભાષા, સંસ્કાર, રીતરીવાજોનું એટલું વૈવીધ્ય છે કે સર્જક ગમે તેટલી કાળજી રાખે તો પણ કોઈ ને કોઈની લાગણી તો દુભાય. આવી લાગણી ક્યારે, શા માટે અને કેટલી દુભાઈ તેનું માપ કાઢવું પણ મુશ્કેલ છે. ‘તમસ’ સીરીયલ ઉપર પ્રતીબન્ધ મુકવાની માંગણી નકારતા નામદાર સુપ્રીમકોર્ટે કહ્યું હતું : “લખાણનો પ્રકાર અને તેનાં અપેક્ષીત પરીણામો અંગેનો નીર્ણય ધર્માન્ધ, વધુ પડતા સંવેદનશીલ કે ચંચળ મનના માણસોએ નથી લેવાનો; પરન્તુ મજબુત મનોબળ ધરાવતા લોકોએ લેવાનો છે.”
ક્યા પ્રકારનું ચીંતન સ્વાતન્ત્ર્ય, અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય આપણા માટે નૈતીક રીતે તંદુરસ્ત હોઈ શકે તે આપણામાંના ઓછામાં ઓછા સમર્થ લોકોએ નક્કી કરવાનું નથી. અમુક અંશો ઉશ્કેરવાનું તત્ત્વ ધરાવતા હોય; પરન્તુ એકંદરે સમગ્ર ફીલ્મ કે પુસ્તક કે ચીત્ર ઉશ્કેરણીજનક અસર ધરાવતું ન હોય તો તેની ઉપર પ્રતીબન્ધ મુકી શકાય નહીં. આખી રચના લોકોના મન પર કેવી અસર ઉપજાવશે એ હકીકત ધ્યાનમાં લેવી જોઈએ. કોઈ સર્જનાત્મક કૃતી અંગે ઉદારભાવથી વીચારવું જોઈએ. ફીલ્મ, પુસ્તકના કેન્દ્રીય ભાવ અને તેની માવજતનો આદર કર્યા વીના પ્રતીબન્ધ મુકી શકાય નહીં. ‘સેતાનીક વર્સીસ’ નવલકથા વાંચી નહોતી તેવા લોકોએ કહેલું કે આ પુસ્તક આયાત થશે તો કોમી હુલ્લડો થશે! પરીણામ પ્રતીબન્ધ. આ પ્રકારના પ્રતીબન્ધથી અન્ય ધર્મના રુઢીચુસ્તોમાં અસહીષ્ણુતાની ભાવનાને પ્રોત્સાહન મળે છે. જ્ઞાન અને માહીતી પ્રાપ્ત કરીને પોતાનો અભીપ્રાય બાંધવાનો દરેક નાગરીકને હક છે. એક જ સત્યને પામવા બધા ધર્મો પ્રયત્નશીલ હોય તો તેનામાં વીરોધાભાસ કેમ છે? દરેક ધર્મ માટે રસાયણશાસ્ત્ર કે પ્રાણીશાસ્ત્રનું સત્ય એક જ છે. હીન્દુ, મુસ્લીમ, ખ્રીસ્તી કે શીખનું રસાયણશાસ્ત્ર જુદું જુદું હોઈ શકે? ભૌતીક સત્યના સ્તરે બધા ધર્મો એક છે તો આધ્યાત્મીક સત્યના સ્તરે એક કેમ ન થઈ શકે? ધર્મના નામે ધર્મગુરુઓએ અત્યાચારો કર્યા છે, અજ્ઞાનનો પ્રચાર કર્યો છે અને સત્યને ઢાંકી રાખવાનો પ્રયાસ કર્યો છે. જ્ઞાનીઓને રંજાડ્યા છે, સજાઓ કરી છે. ધર્મે માણસ માણસ વચ્ચે ભેદ પાડ્યા છે અને અનુસુચીત જાતીઓનું શોષણ કરવા માટે ઉત્તેજન આપ્યું છે. જરુર છે વૈજ્ઞાનીક દૃષ્ટીબીંદુની; પરન્તુ ધર્મજડસુઓ એક મુઢતામાંથી બીજી મુઢતામાં જવાની હમ્મેશાં કોશીશ કરે છે, ધાંધલ કરે છે. જ્યાં મુળભુતવાદ, કટ્ટરતા, રુઢીચુસ્તતા હોય ત્યાં લોકશાહી મીજાજનો અભાવ હોય. સંકુચીત વીચારોમાંથી અસહીષ્ણુતા, ઝનુન ઉદ્ભવે છે. મુળભુતવાદીઓ લાગણીઓને ઉશ્કેરી પોતાનો સ્વાર્થ સાધે છે અને પોતાની સત્તા ટકાવી રાખે છે. આવા લોકોને તસલીમા નસરીન ખતરનાક લાગે છે! સંવેદનશીલ સર્જક ભયજનક લાગે છે. તમે જ્યાં સુધી આ લોકોને ગમતી, આવડતી, ફાવતી, થાબડતી ભાષામાં વાત કરો ત્યાં સુધી એ લોકો તમને મોતીડે વધાવશે; પણ જ્યાં તમે એમના વલણોને વખોડો કે પોકળતાને પડકારો કે તરત તમારી સામે ફતવા કાઢે. જુના શાસ્ત્રોના હવાલા આપે. તમારા અસ્તીત્વને કચડી નાખે.
‘વોટર’ ફીલ્મમાં, 1930માં એક ઉંચી જ્ઞાતીની વીધવા નીચી જ્ઞાતીના પુરુષ સાથે પ્રેમમાં પડે છે એવી કથાવસ્તુ છે. આમાં ફીલ્મનો સેટ તોડી નાખવા જેવું શું છે? કોઈની લાગણી દુભાશે એવી દલીલના આધારે ઈતીહાસને ગુપ્ત રાખી શકાય નહીં. સંપ્રદાયો પોતાનો પ્રચાર કરવા ચમત્કારનો, જુઠનો આશરો લે છે. આ વાત સ્વામીનારાયણ સંપ્રદાય વીશેના સંશોધન લેખમાં રજુ કરવા માટે તેના લેખક સામે તથા સામયીક ‘અર્થાત્’ સામે, લાગણી દુભાવવા બદલ કેસ કરવાની ગુજરાત સરકારે મંજુરી આપેલી. ધર્મે લોકોને, લોકોના વ્યક્તી સ્વાતન્ત્ર્યને બાનમાં રાખ્યું છે. સંપ્રદાય એક સ્થાપીતહીત હોય તે પોતાની તાકાત અને પકડ નીરંતર વધારતો જ ગયો. પરીણામે રાજ્યના મોટાભાગના સુત્રધારો આ કે તે ધર્મના – સંપ્રદાયના અનુયાયીઓ છે. તેથી રાજયતન્ત્ર ઉપર તેની જબરજસ્ત પકડ જામી છે. ધર્મ વીદ્યાકીય, સંશોધનાત્મક, વૈજ્ઞાનીક કે બૌદ્ધીક પ્રગતીને રુંધી રહ્યો છે. તર્ક વીચારે છે, જયારે ધર્મ તરંગી બનાવે છે. રુઝવેલ્ટે કહ્યું છે : “જો તમારે ખરેખર સત્યને પામવું હોય, તો જુદા જુદા મત વ્યક્ત કરતી વ્યક્તીઓને સાંભળો ને વાંચો. એને આધારે જ તમે ખરેખર કઈ પરીસ્થીતીમાં જીવી રહ્યા છો એ યથાર્થ જાણી શકશો.”
સમાજદ્રોહ કરવાનો કોઈ ધર્મગુરુને પણ અધીકાર નથી. નક્કર દલીલો અને તર્ક દ્વારા સત્યને પ્રગટ કરવા માટે; ગમે તે વ્યક્તીની, ધર્મગ્રંથની, ધર્મગુરુની, અરે પ્રગટ બ્રહ્મસ્વરુપની ટીકા કરી શકાય. 21 ઓક્ટોબર, 1860ના રોજ ‘સત્યપ્રકાશ’માં કરસનદાસ મુળજીએ જદુનાથજી બ્રીજરતનજી મહારાજના વ્યભીચાર વીશે લખ્યું. મામલો કોર્ટે ગયો. ચુકાદો આપતાં સર જૉસેફ આર્નોલ્ડ કહ્યું : “જે વાત નીતીથી નઠારી કહેવાય તે ધર્મથી સારી કહેવાય જ નહીં. જે રીવાજથી નીતીનો પાયો ખોદાઈ જાય, જે રીવાજથી લોકોના હકનો ભંગ થાય, તે રીવાજ પ્રમાણે લોકોને ચાલવું પડતું હોય તો માણસજાતના સુખને માટે તે રીવાજ વીરુધ્ધ થવું જોઈએ, તે રીવાજ ઉઘાડા પાડવા જોઈએ. લેખકે એક નઠારી અને જબરદસ્ત ઠગાઈની સામે મજબુત લડાઈ કીધી છે. હવે એટલી જ આશા રાખવી જોઈએ કે આ લડાઈનાં બીજ વાવ્યાં છે તો તેનાં ફળ ઉગી નીકળશે.”
નઠારા રીવાજો સામે સંઘર્ષ કરવાને બદલે પ્રગતીશીલ, સર્જનાત્મક, અભીવ્યક્તી ઉપર ધાંધલવાદીઓ હુમલાઓ ચાલુ રાખશે તો બહુ કડવા, કડવા ઝેર જેવાં ફળ ઉગી નીકળશે.
કવયીત્રી સરુપ ધ્રુવ રસ્તો ચીંધે છે :
તસલીમા!
આ નદીઓ
આમ સદીઓથી કેમ વહ્યા કરે છે સાવ ચુપચાપ?
કેમ ડઘાતી બઘવાતી જોયા કરે છે ઈતીહાસનું અગડંબગડં?
આ કહેવાતી સંસ્કૃતીની સુફીયાણી સાક્ષી બનીને જ
વહ્યું જવાની આ નદીઓ? આ સીંધુ ને સતલજ?
આ નાઈલ ને જોર્ડન? આ મીસીસીપી ને એમેઝોન?
આ વોલ્ગા ને આ ગંગા?
ક્યાં સુધી આમ નીચું ઘાલીને પસાર થતી રહેશે આ નદીઓ?
આ જો ને, આપણી બ્રહ્મપુત્ર.. એને આ કાંઠે ને પેલે કાંઠે
કેવા એક સરખા નાટારંગ ખેલાઈ રહ્યા છે!
ઉપરથી ભલે ભીન્ન લાગે;
પણ કેવી એકસરખી ભાષા બોલાય છે બન્ને કાંઠે?!
એ જ શસ્ત્રો ને એ જ શાસ્ત્રો એ જ પ્રતીબંધો ને એ જ પ્રહારો…
કેવાં ધમધમી રહ્યાં છે આ કહેવાતા રાષ્ટ્રોનાં કાળમીંઢ કારાગારો?
આ તરફ અને પેલી તરફ પણ… ને આ નદી?
વર્ષોથી પોતાના વક્ષ પર પડતા આ બીહામણા પડછાયાને ભુંસવા
કેમ ધસી નથી જતી કાંઠાનો કચ્ચરઘાણ કરતી?
તસલીમા! ચાલ, આપણે નદી બની જઈએ. નવી નદી;
ને પછી રચીએ ઈતીહાસની નવી ગતી.
ચાલ, છલકાઈ જઈએ, રેલાઈ જઈએ, ધસમસી જઈએ
એ લોકોનાં ધતીંગોને ધમરોળવા, જુઠ્ઠાણાંને જળબંબાકાર કરવા
બન્ને કાંઠાને એકાકાર કરવા.
ચાલ તસલીમા !
આપણે નદી બની જઈએ.,
–રમેશ સવાણી
લેખક શ્રી રમેશ સવાણીની પુસ્તીકા ‘નદીની મોકળાશ કાંઠા વચ્ચે’ (પ્રકાશક : ‘માનવવીકાસ ટ્રસ્ટ, ગુજરાત’ 10, જતીન બંગલો, ફાયર સ્ટેશન રોડ, બોડકદેવ, અમદાવાદ – 380 054, ઈ.મેલ : rjsavani@gmail.com )માંથી, લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..
લેખક સમ્પર્ક : શ્રી. રમેશ સવાણી – ઈ.મેલ : rjsavani@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરબાદ આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 7–10–2022
ચાલ તસલીમા આપણે નદી બની જઈએ. અદ્ભુત!! આભાર રમેશભાઈ તથા આપનો પણ ગોવીન્દભાઈ, આ સુંદર લેખ માણવાનો મોકો આપવા બદલ.
LikeLiked by 3 people
Objective & appropriate view-point for all walks of life!
LikeLiked by 2 people
“આ નદીઓ આમ સદીઓથી કેમ વહ્યા કરે છે સાવ ચુપચાપ? ” સુંદર રચના
LikeLiked by 2 people
મા.રમેશ સવાણીનો પ્રશ્ન-‘દરેક ધર્મ માટે રસાયણશાસ્ત્ર કે પ્રાણીશાસ્ત્રનું સત્ય એક જ છે. હીન્દુ, મુસ્લીમ, ખ્રીસ્તી કે શીખનું રસાયણશાસ્ત્ર જુદું જુદું હોઈ શકે? ભૌતીક સત્યના સ્તરે બધા ધર્મો એક છે તો આધ્યાત્મીક સત્યના સ્તરે એક થઈ શકે?’
આ અંગે સંતોએ કહ્યું છે કે દરેક ધર્મમા પ્રેમને પરમ તત્વ માન્યું છે અને તે માટે શહિદી વહોરી લીધી છે પરંતુ દરેક ધર્મના ધર્માન્ધ લોકો પોતાની રીતે પોતાના સ્વાર્થ માટે ગુંચવાડો કરે છે અને નામદાર સુપ્રીમકોર્ટે કહ્યું હતું : “લખાણનો પ્રકાર અને તેનાં અપેક્ષીત પરીણામો અંગેનો નીર્ણય ધર્માન્ધ, વધુ પડતા સંવેદનશીલ કે ચંચળ મનના માણસોએ નથી લેવાનો; પરન્તુ મજબુત મનોબળ ધરાવતા લોકોએ લેવાનો છે.”
આ અંગે સમાજમા સુધારો છે જ પણ તેની ગતિ ધીમી છે.
LikeLiked by 3 people
લખાણનો પ્રકાર અને તેનાં અપેક્ષીત પરીણામો અંગેનો નીર્ણય ધર્માન્ધ, વધુ પડતા સંવેદનશીલ કે ચંચળ મનના માણસોએ નથી લેવાનો; પરન્તુ મજબુત મનોબળ ધરાવતા લોકોએ લેવાનો છે.”
આ અંગે સમાજમા સુધારો છે જ પણ તેની ગતિ ધીમી છે.
નામદાર સુપ્રિમ કોર્ટે જે કહ્યું છે તે વ્યાજબી છે.
જોવા જઈએ તો દરેક ધર્મ એક જ વાત કરે છે. તોફાન બધું તેમના અનુયાયીઓને સુજે છે. મન ફાવતું અર્થ ઘટન કરી સમાજમાં અંધાધુંધી ફેલાવે છે.
મારા મત પ્રમાણે “નદીઓ ચૂપચાપ નથી વહેતી. તેની ઉછળતી ચાલ મન મોહક છે. વિશાળ પટ હોય ત્યારે ધીર, ગંભિર લાગે પણ પોતાનું કર્તવ્ય અહર્નિશ
બજાવે છે “.
LikeLiked by 2 people
મિત્રો,
રમેશભાઇ સવાણીજીનો આ લેખ ખૂબ વિચારો માંગી લે છે….જ્યારે માણસ
ચંન્દ્ર ઉપર પહોચ્યો…મંગલનો અભ્યાસ તેની ઉપર સાઘનો મોકલીને કર્યો.
દ્વિલીંગી જીવ ફક્ત બે જાતીમાં જ જન્મેલા હતાં. ૧. સ્ત્રી અને પુરુષ…..જેમ
જેમ બુઘ્ઘિ વિચારતી થઇ…આર્ગયુમેંનટ કરતી થઇ…વિચારતી થઇ ત્યારે તેણે જીવનના
ભાગો પાડવા માંડયા. ઘર્મો બન્યા. પોલીટીક્સ બનાવીને રમાતુ થયું.
બુઘ્ઘિશાળી માણસે પોતાની રીતે બોલવા વાંચવાના લખવાના શબ્દો અને તે શબ્દોની
વ્યાખ્યા…બનાવી…..નિતી નિયમોમાં બાંઘી ને…
રુઢીચુસ્તતા અને અભિવ્યક્તિ સ્વાતંત્ર…….
રુઢીચુસ્તતા….રૂઢ શબ્દની વ્યાખ્યા…પ્રણાલિકાથી અમલી કે સ્થિર
થયેલું…પ્રચલિત અને રૂઢિચૂસ્તતા…તે પ્રણાલિકાને ચૂસ્તતાથી જીવનમા
વાપરવી…
સ્વતંત્રતા….આઝાદી…ફ્રિદમ…સ્વાયત્તા…મુક્તિ…..પરંતું રોજીંદા જીવનમાં
તનો વપરાસ નિતી, નિયમોથી બંઘાયેલો….જ્યારે ત નિયમોને પાર કરી જાય ત્યારે તે
સ્વચ્છંદતામાં પરિવર્તિત થઇ જાય….નો કન્ટરોલ…..
રુઢીચૂસ્તાતા અને સ્વચ્છંદતા બન્ને નાશકારક બને છે.
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 2 people
..
વ્યક્તીની મનુષ્ય તરીકેની જે ઢંકાયેલી સંભાવનાઓ છે તેને ખુલ્લી થવાના માર્ગમાં જે નીયન્ત્રણ હોય તે દુર કરીએ તો જ ‘વ્યક્તી’ ‘મનુષ્ય’ બની શકે.
..
LikeLike