‘એઈડ્સ’ સાથે સમ્બન્ધ ધરાવતા તેમ જ મનોવૈજ્ઞાનીક–જાતીય સારવારની જરુર હોય તેવા 4 પ્રશ્નોના વૈજ્ઞાનીક માળખામાં સમાવીષ્ટ થઈ શકે તેટલી સ્પષ્ટતા સાથે ડૉ. મુકુલ ચોકસીના ઉત્તરો પ્રસ્તુત છે.
12
એઈડ્સ કોને અને કઈ રીતે થઈ શકે?
–ડૉ. મુકુલ ચોકસી
[‘જાતીય પ્રશ્નાવલી’ – 11 માણવા માટે લીન્ક : https://govindmaru.com/2022/09/19/dr-mukul-choksi-33/ ]
પ્રશ્ન : મારા નજીકના એક મીત્રને ત્રણ પત્નીઓ છે. અને ત્રણેય સાથે તે સેક્સના સમ્બન્ધો રાખે છે. અમે વાંચ્યું છે કે એકથી વધુ સ્ત્રીઓ સાથે સેક્સના સમ્બન્ધ રાખનારને એઈડ્સ થઈ શકે છે. તો શું મારા આ ત્રણ પત્ની ધરાવનાર મીત્રને પણ એઈડ્સ થઈ જશે?
ઉત્તર : જી, ના. આપ વાક્ય સાચું બોલો છો પણ એનો મર્મ સમજવામાં ભુલી કરી બેઠા છો. સેક્સ એજ્યુકેશનની આ એક કમનસીબી છે કે, આપણે સાચી માહીતી મેળવતા હોવા છતાં કંઈક ભળતું જ અર્થઘટન કરી બેસીએ છીએ. એઈડ્સનો ચેપ કોને અને કઈ રીતે લાગી શકે તે આપે ઉંડાણપુર્વક સમજી લેવાની તાતી જરુર છે. પહેલું તો એ કે એઈડ્સ વીષાણુ (વાઈરસ)થી થતો રોગ છે. અને એઈડ્સના વાયરસ ધરાવતી વ્યક્તીનાં શરીરમાં પ્રસરે છે. હવે આપના મીત્રની ત્રણેય પત્નીઓમાંથી કોઈના શરીરમાં એઈડ્સનાં જંતુઓ ન હોય તો પછી આપના મીત્રને ડરવાની કશી જ જરુર નથી. ત્રણ શું જો ત્રેવીસ પત્નીઓ હોય અને એમાંથી એક્કેયને પોતાને એઈડ્સનો ચેપ ન લાગ્યો હોય તો પણ આપના મીત્રે ડરવાની જરુર નથી. કેવળ એકથી વધુ વ્યક્તીના જાતીય સંપર્ક માત્રથી જ કંઈ એઈડ્સનો ચેપ નથી લાગી જતો. જે વ્યક્તી સાથે જાતીય સંપર્ક હોય તેમાંના એકાદને પણ એઈડ્સનો ચેપ લાગ્યો હોય તો જ તે અન્ય સુધી પ્રસરી શકે છે.
તેમ છતાં સેક્સ થેરાપીસ્ટો એકથી વધુ વ્યક્તીઓ સાથે સેક્સ ભોગવવાની ના પાડતાં હોય છે. તેના કારણમાં પહેલું એ કે કઈ વ્યકીતના શરીરમાં એઈડ્સના વીષાણું હશે અને કઈ વ્યક્તીના શરીરમાં તે ન હશે તે જાણવું અઘરું છે. ધારો કે એક પુરુષ પોતાના લગ્નજીવનની બહાર એક સ્ત્રી સાથે સમ્બન્ધ બાંધવા માંગે છે. હવે તેણે જાણવું હોય કે એ કામસમ્બન્ધ કેટલો સેઈફ હશે, તો તે જાણવું અત્યંત મુશ્કેલ હશે. કેમ કે કોઈ શારીરીક તપાસથી તે સ્ત્રી એઈડ્સનાં જંતુ ધરાવે છે કે નહીં તે જાણી શકાતું નથી. એકમાત્ર લોહીના એચ.આઈ.વી. (H.I.V.) નામના પરીક્ષણથી જ એ વાતનો આડકતરો પુરાવો મળી શકે કે, એ સ્ત્રીનાં શરીરમાં ક્યારે એઈડ્સ વાયરસ પ્રવેશ્યા હશે.
પણ મુળ મુદ્દાની વાત એ છે કે, શું પેલો પુરુષ સ્ત્રીને એચ.આઈ.વી. રીપોર્ટ આપે અને એ સ્ત્રી પોતાને બદલે લેબૉરેટરીમાં કોઈક બીજાનું જ બ્લડ ટેસ્ટીંગ માટે આપી આવે અને એના રીપોર્ટ પર પોતાનું નામ લખાવી દે તો? અથવા કદાચ બે વર્ષ જુનો એચ.આઈ.વી. નેગેટીવ રીપોર્ટ પેશ કરે તો? આથી છેવટે પુરુષ પાસે એક જ રસ્તો બાકી બચે. અને તે એ કે સ્ત્રીને જાતે લેબૉરેટરીમાં લઈ જઈને પોતાની આંખ સામે તેનું બ્લડ લેવડાવીને તેની એચ.આઈ.વી. તપાસ કરાવડાવવી. જે વાત તદ્દન અવ્યવહારુ છે. હા! પુનાના ઓશો રજનીશના આશ્રમમાં આવનાર નવા કે જુના આગંતુકોની પહેલા સ્થળ પર જ તાજી એચ.આઈ.વી. તપાસ કરવામાં આવે છે અને તે નેગેટીવ હોય તેને જ તેમાં પ્રવેશ આપવામાં આવે છે. પણ સંસ્થામાં શક્ય હોય એવી આ વાત વ્યક્તીગત ધોરણે રોજબરોજના વ્યવહારમાં શકય નથી.
ધારો કે પુરુષ તેની સેક્સ પાર્ટનર બનવા માગતી સ્ત્રીનું પોતાની આંખ સામે પરીક્ષણ કરાવે અને ‘એચ.આઈ.વી.’ રીપોર્ટ નેગેટીવ આવે તોય તેની સાથેનો થનાર યૌન સમ્બન્ધ ‘સો ટકા સેઈફ’ ન ગણી શકાય. કેમ કે ઘણીવાર એવું બને છે કે, વ્યક્તીના શરીરમાં એઈડ્સનાં જંતુઓ પ્રવેશ્યા બાદ તરત બીજે દીવસે તેનો એચ.આઈ.વી. રીપોર્ટ કંઈ ‘પોઝીટીવ’ નથી બની જતો. એચ.આઈ.વી. નેગેટીવ વ્યક્તીને ચેપ લાગ્યા બાદ નેગેટીવમાંથી પોઝીટીવ થાય તે ઘટનાને ‘સીરોકન્વર્ઝન’ કહેવાય છે. આ ‘સીરોકન્વર્ઝન’ થયા બાદ જ વ્યક્તીનું ‘એચ.આઈ.વી. પોઝીટીવ’ તરીકે નીદાન થઈ શકે છે.
આ ‘સીરોકન્વર્ઝન’ થતા ત્રણેક મહીના જેટલો સમય પણ લાગી શકે છે. શરીરમાં જંતુ પ્રવેશે અને એચ.આઈ.વી. પોઝીટીવ થાય એ વચ્ચેનો આ ત્રણ મહીનાનો ગાળો એકદમ જોખમી હોય છે. કેમ કે એ વ્યક્તી એઈડ્સ ફેલાવી શકે છે; પણ લોહીની તપાસમાં એચ.આઈ.વી. પોઝીટીવ તરીકે પકડાતી નથી. વાતનો મર્મ એ જ કે અન્ય સ્ત્રી સાથે સમ્બન્ધ બાંધવા ઈચ્છુક પુરુષ સ્ત્રીનો ‘નેગેટીવ એચ.આઈ.વી. રીપોર્ટ’ હાથમાં લઈને ખાતરી કરે તોય તે પુરતું સલામત નથી.
હવે આપની વાત ઉપર ફરીથી આવીએ. આપના મીત્રના કીસ્સામાં સામેલ ત્રણે પત્નીઓ મીત્રની પત્નીઓ જ છે. જો એ ત્રણેયને ક્યાંક અન્યથા આડા સમ્બન્ધો ન હોય કે લોહી દ્વારા તેમને એઈડ્સ ન લાગ્યો હોય તો આપના મીત્રે ગભરાવું નહીં.
આપના જેવી ગેરસમજ ઘણે ઠેકાણે થાય છે. એક ૨મુજી કીસ્સો ટાંકું છું. એક સરકારી હોર્ડીંગ પર ચીતરેલું હતું કે, ‘અજાણી વ્યક્તી સાથેનો સેક્સ વ્યવહાર એઈડ્સ નોતરી શકતો હોવાથી જોખમી છે.’ – જેનો વીરોધ કરતાં અમારા એક ડૉક્ટર મીત્રના દર્દીએ કહ્યું, ‘સાહેબ! એ તો પહેલીવાર અજાણી ને! પછી તો બધી વ્યકીતઓ ધીમે ધીમે જાણીતી જ થઈ જાય છે ને! તો પછી એમની સાથે સમ્બન્ધ બાંધવામાં વાંધો ખરો?’
મારા જ એક યુવાન દર્દીને એક જબરી ગેરસમજ થઈ હતી. તે લગ્ન કરવાની ના પાડતો હતો અને તેનાં મા-બાપને કારણ નહોતો જણાવતો. છેવટે લાંબી ઉલટ તપાસ બાદ તેણે મને તેના ડર વીષે જણાવ્યું. તેને ડર હતો કે, તે લગ્ન કરશે તો તેને એઈડ્સ થઈ જશે. કારણ એ કે લગ્નપુર્વ તેણે એક પરીચીત કન્યા સાથે એક વાર સેક્સ ભોગવ્યો હતો. ત્યારબાદ એઈડ્સના પ્રચાર માટેના સાહીત્યમાં તેણે ક્યાંક એવું વાંચ્યું હતું કે, ‘એકથી વધુ સાથે સંભોગ અંતે એઈડ્સનો રોગ.’
આ વાક્ય વાંચતા તેના મનમાં ધ્રાસ્કો પડ્યો કે, પોતે અગાઉ એક કન્યા સાથે સેક્સ ભોગવ્યો હતો. હવે લગ્ન બાદ પોતાની થનાર પત્ની તો બીજી સ્ત્રી થશે. આમ એકથી વધુ સાથે સંભોગ થવાથી અંતે તે પણ એઈડ્સના રોગનો શીકાર બની જશે. આ યુવકને સમજાવવું પડ્યું કે, ભાઈ, આ જાહેરખબર ભ્રમરવૃત્તીનાં અનેક સ્ત્રીઓનો સંગ કરનાર બેજવાબદાર પુરુષો માટે છે. તું લગ્ન કરે તેથી કંઈ તને એઈડ્સ નથી થઈ જવાનો.
પ્રશ્ન : હું એક અભાગી છોકરો છું. ધંધાદારી સ્ત્રીસંગની લતમાં ફસાયો હતો. ગયા મહીને મને તાવ અને શ્વાસ ચડવાથી હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મારી એચ.આઈ.વી. નામની લોહીની તપાસ કરાઈ. ડૉકટરો કહે છે કે હું એચ.આઈ.વી. પોઝીટીવ છું અને મને ગમે ત્યારે એઈડ્સ થઈ શકશે. ડૉક્ટરોએ સેક્સ ન કરવા સલાહ આપી છે. મારો પ્રશ્ન છે કે, જો એઈડ્સ થવાનો જ હોય તો પછી હવે નીરોધ કે બ્રહ્મચર્ય કે એવી બધી કાળજી રાખવાની શી જરુર છે?
ઉત્તર : આપે આટલી વાતો સમજવી જોઈએ : [1] આપ એચ.આઈ.વી. પોઝીટીવ છે, કબુલ (હું માનું છું કે વેસ્ટર્ન બ્લોટ નામની સંવેદનશીલ રીતથી આપની લેબૉરેટરી તપાસથી પરીણામો કન્ફર્મ થયાં હશે) પણ હજુ આપ સારા છો અને હરી ફરી શકો છો. કેટલાંક દર્દીઓ એચ.આઈ.વી. પોઝીટીવ આવ્યા પછીય અમુક વર્ષો સાજાસમા વીતાવી શકતાં હોય છે. આથી તમારું એક ખુન કી સજા મૌત! તો દો ખુન કી સજા ભી મૌત હી હોગી! વાળું લૉજીક યોગ્ય નથી. જાણીબુજીને મુશ્કેલીમાં મુકાવાની જરુર નથી. [2] આથીય મહત્ત્વની વાત એ છે કે, તમે એચ.આઈ.વી. અને એ દ્વારા એઈડ્સનો ચેપ અન્યને લગાડી શકો છો (સેક્સ કે લોહી દ્વારા) એથી આપની બેકાળજી અન્ય માટે જોખમી નીવડી શકે, જેવી રીતે અન્યની બેકાળજી આપને માટે જોખમી નીવડી ચુકી છે. [3] મારા મતે ડૉક્ટરોએ તમને યોગ્ય સલાહ આપી છે. તેમ છતાં આપ પણ માણસ છો. ભલે અપરીણીત છો; પણ આપને પણ જાતીય આવેગો યોગ્ય રીતે સંતોષવાનો પુરો અધીકાર છે. તમારે અનીવાર્ય સંજોગોમાં જો સેક્સ માણવો જ હોય તો સ્ત્રીને તમારા એચ.આઈ.વી. રીઝલ્ટ વીષે જણાવો. યોગ્ય તકેદારીરુપ પગલાં લો. નીરોધનો ઉપયોગ કરો. દબાણપુર્વકનું ચુંબન, મુખમૈથુન, લોહીની ટશરો ફુટી નીકળે તે રીતનો પ્રણયવ્યવહાર (નખક્ષત, દંતક્ષત, ગુદામૈથુન) વગેરે ટાળો. આ દ્વારા પણ એઈડ્સ પ્રસરી શકે છે. એના કરતાં હળવો સ્પર્શ, લોહી, વીર્ય કે યોનીસ્રાવની અદલાબદલી ન થાય એ રીતનું સામીપ્ય તથા અરસપરસના હસ્તમૈથુન દ્વારા કામાનન્દ લઈ શકો.
પ્રશ્ન : મને ભુતકાળમાં ચરસનું તથા દારુનું વ્યસન હતું. હાલ સારવાર બાદ હું એમાંથી મુક્ત છું. હમણા દાદરાનગર હવેલીની સરકારી જાહેરખબરમાં મેં વાંચ્યું કે, નશીલી દવાઓનું સેવન કરનારને એઈડ્સ થાય છે. તો શું મેં ભુતકાળમાં ચરસ-ગાંજાનું સેવન કર્યું હોવાથી મન પણ એઈડ્સ થવાનું જોખમ ખરું?
ઉત્તર : જી, ના. મોં વાટે (ગોળીઓ), ધુમ્રપાન સાથે, ચેઝીંગ કે ચલમ સાથે લેવાતા નશીલા પદાર્થો એઈડ્સ નથી કરતાં. હકીકતમાં કોઈ નશીલા પદાર્થો પોતે એઈડ્સ નથી કરતાં. કેવળ સીરીંજ-નીડલ (ઈંજેકશન) દ્વારા સીધા લોહીની નસોમાં લેવાતા બ્રાઉનશ્યુગર જેવા પદાર્થોને કા૨ણે એઈડ્સ થઈ શકે છે. આવા કીસ્સાઓમાંય બ્રાઉનશ્યુગર પોતે એઈડ્સ નથી ફેલાવતો પણ એકની એક સોય એકથી વધારે નશાબાજો વાપરતા હોવાથી એઈડ્સ પ્રસરી શકે છે. તમે ઈંજેકટેબલ ફૉર્મમાં નશો કર્યો ન હોવાથી તમને એઈડ્સનું કોઈ જોખમ નથી. ફરીથી ચરસ-ગાંજા કે અન્ય વ્યસનમાં ન પડવા માટે ખાસ વીનંતી. કેમ કે, નશીલી દવાના સેવનથી એઈડ્સ કરતાંય મોટી સમસ્યાઓ લાંબે ગાળે સરજાઈ શકે છે.
પ્રશ્ન : આજકાલ એઈડ્સ વીષે ઘણું વાંચવા-સાંભળવામાં આવે છે. હું બી. કોમ. ભણી રહી છું. મારાં માતાપીતા મારા માટે સારા છોકરાની શોધ કરી રહ્યાં છે. પણ આજકાલ યુવકો માટે હું સારી છાપ ધરાવતી નથી. મારી જ એક સહેલીને અજાણ્યા યુવક સાથે થયેલ લગ્ન બાદ થયેલ આઘાતજનક અનુભવથી હું ચોંકી ગઈ છું. મારો પ્રશ્ન એ છે કે, જો કોઈ યુવક એઈડ્સના વાયરસ ધરાવતો હોય એટલે કે એચ.આઈ.વી પોઝીટીવ હોય તો તે માટે મારે શી રીતે જાણવું? મારી સાથે લગ્ન કરવા માગતો યુવક કેવો હોય એની મને શી ખબર પડે? એચ.આઈ.વી.ની તપાસ સીવાય અન્ય કોઈ રસ્તો છે કે નહીં, જેના દ્વારા યુવકના શરીરમાં એઈડ્સના વીષાણું છે કે નહીં તે જાણી શકાય?
ઉત્તર : આપની સહેલીનો અનુભવ આપે લખ્યો નથી પણ હું ધારી લઉં છું કે, એને પરણનાર યુવક એચ.આઈ.વી. પોઝીટીવ હશે. આપનો પ્રશ્ન આજના સમયમાં સારો એવો પ્રસ્તુત છે. ખાસ કરીને લગ્નનોત્સુકો માટે. કેમ કે જો પાર્ટનરને એઈડ્સ હોય તો બન્નેને અને આવનાર બાળકનેય થવાની સંભાવના રહે છે. પણ જેવો પ્રશ્ન એક છોકરી તરીકે આપને થયો, તેવો જ શું આપને જોવા આવનાર છોકરાને ન થઈ શકે? એઈડ્સ જાતીય સમ્બન્ધથી ફેલાય છે. આથી કોઈ છોકરી પણ એચ.આઈ.વી. પોઝીટીવ કેમ ન હોઈ શકે?
મારા મતે આ પ્રશ્ન જાતીય વીજ્ઞાન કરતાં આપણી સમાજવ્યવસ્થાને વધુ સ્પર્શે છે. શું આપને પરણવા ઈચ્છનાર યુવક આપને એમ પુછે કે, મારે લગ્ન પહેલાં આપનો એચ.આઈ.વી. રીપોર્ટ જોવો છે તો આપ તે કરાવવા સંમત થશો?
વાસ્તવીકતા એ છે કે, આપણા સમાજમાં હજુ આવી કોઈ વીચારણા કે એનું આચરણ શક્ય નથી. બે વ્યક્તી એકમેકના એચ.આઈ.વી. રીપોર્ટ મેળવીને પરણે એ વાત તર્કબધ્ધ જરુર છે; પણ લાગણીશીલત્તાની દૃષ્ટીએ અવીશ્વાસ સર્જનારી છે અને વ્યવહારીક રીતે મુશ્કેલ છે. આપણા સમાજમાં કુંડળી મેળવવાનો રીવાજ છે, પણ આપની વીચારસરણી જોતાં લાગે છે કે, થોડા વર્ષો બાદ જન્મકુંડળીને બદલે એચ.આઈ.વી. રીપોર્ટ મેળવવાનું જરુરી બનશે.
પરન્તુ વ્યવહારીક મુશ્કેલીઓ હશે કે, કોઈ વ્યક્તી લેબૉરેટરીમાં જઈ પોતાના મીત્રનું લોહી તપાસવા આપે અને એના રીપોર્ટ પર પોતાનું નામ લખાવી દે તો તેની સત્યતા કોણ ચેક કરવા જવાનું? વળી ક્યારેક વ્યક્તીના શરીરમાં એઈડ્સનાં જંતુ હોવા છતાંય તેને એચ.આઈ.વી. પોઝીટીવ બનાવવામાં ત્રણ-ચાર મહીના જેટલો સમય લાગતો હોય છે. આથી નેગેટીવ એચ.આઈ.વી. રીપોર્ટ લાવનાર વ્યક્તીને પણ સલામત તો ન જ જાણી શકાય.
જો કોઈને એઈડ્સ જ થયો હોય તો અવશ્ય જાણી શકય કેમ કે એઈડ્સ રોગ છે અને જીવલેણ બીમારી કંઈ છુપી ન રહે; પણ એચ.આઈ.વી.ની વાત અલગ છે. એઈડ્સ થતાં પહેલાં ઘણીવાર વર્ષો સુધી વ્યક્તી એચ.આઈ.વી. પોઝીટીવ રહી શકે છે તેને એઈડ્સ નહીં પણ ‘સંભવીત એઈડ્સનું જોખમ’ હોય છે. જેનું વહેલું નીદાન થવું આમ પણ જરુરી છે. કેમ કે એ અવસ્થામાં વ્યકીતમાં પોતાનામાં ભલે હજુ એઈડ્સનાં લક્ષણો ન દેખાયાં હોય, પણ તે જાતીય સંસર્ગથી બીજાને એઈડ્સ આપવા શક્તીમાન હોય છે. આપનાં લગ્નને નીમીત્તે પણ કોઈકના રક્તપરીક્ષણથી એચ.આઈ.વી. પોઝીટીવ અવસ્થાનું નીદાન થાય તે સરવાળે તો સારી જ વસ્તુ છે.
અલબત્ત, આપના મુળ પ્રશ્નનો જવાબ કોઈ પાસે નથી. લોહીની તપાસથી જે રીતે વ્યક્તીને એઈડ્સ થનાર છે કે નહીં તે જાણી શકાય છે. તેવું તે તપાસ સીવાય બીજી કોઈ રીતે જાણવું શક્ય નથી. કેવળ વાતચીત કે દેખાવ કે હાવભાવ કે અન્ય કોઈ શારીરીક નીશાન પરથી વ્યક્તીના એઈડ્સ સ્ટેટસ વીષે જાણવું શક્ય નથી.
આથી હાલના સમયમાં તો જો એચ.આઈ.વી. તપાસ શક્ય ન હોય તો કેવળ વીશ્વાસથી જ કામ ચલાવવું રહ્યું. કેમ કે, ધારો કે એકવાર સાચ્ચે જ એચ.આઈ.વી. નેગેટીવ રીપોર્ટ લઈને કોઈક યુવક આપને લગ્નનો પ્રસ્તાવ કરે. અને આપ નચીંતપણે તેની સાથે પરણો. પછી કાલે ઉઠીને તે લગ્નોતર સમ્બન્ધો ન જ રાખે, કે એચ.આઈ.વી. પોઝીટીવ ન જ થાય તેની શી ખાતરી?
–ડૉ. મુકુલ ચોકસી
સાઈકીઆટ્રીસ્ટ તથા સૅક્સ થૅરાપીસ્ટ ડૉ. મુકુલ ચોકસીનું મનુષ્યની સૅક્સલાઈફનાં અનેકાનેક પાસાંઓની તલસ્પર્શી છણાવટ કરતું પુસ્તક ’જાતીય પ્રશ્નાવલી’ (પ્રકાશક : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395003 ફોન : (0261) 7431449 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવા સીદી, ગોપીપુરા, સુરત – 395003 ફોન : (0261) 7427882/7432563 પાનાં : 124, મુલ્ય : રુપીયા 90/–)માંથી લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..
લેખક સમ્પર્ક : DR. MUKUL M CHOKSI “ANGAT CLINIC” 406, WESTERN BUSINESS PARK, OPP. S. D. JAIN SCHOOL, VESU CHAR RASTA, UNIVERCITY ROAD, SURAT –395 007. Phone : (0261) 3473243, 3478596 Fax : (0261) 3460650 e.Mail : mukulchoksi@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરબાદ આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 17–10–2022
ઍડસ રોગી
તે લોકો પણ હવે સામાન્ય જીવન જીવતાં થઈ ગયા છે તેની પણ દવા શોધાય લાગે છે.તેથી પહેલાં ની જેમ ડરવાની જરૂર નથી.
LikeLiked by 1 person
BHAI SHREE GOVINDBHAI,
ATTENTION OF DR. MUKULBHAI CHOKSHI
AIDS SUBJECT IS REALLY TABOO AND ESSENTIAL TO KNOW ABOUT THIS DISEASE AS, IF ONE OF THE PERSON HAS AIDS IT ALSO SPREAD TO THEIR GENERATIONS AND IF A PERSON IS AWARE OF THIS HE SHOULD NEVER NEVER GET MARRIED TO THE OPPOSITE PERSON.I WOULD CONSIDER THIS AS CRIMINAL !! THIS IS MY OPINION . I WOULD LIKE TO CONGRATULATE DR. MUKULBHAI CHOKSHI TO BRING AWARENESS OF THIS DISEASE EVEN IF THEY ARE CURED BY CHANCE.
IF THIS PROBLEM IS KNOWN TO PARENTS , THEY ARE ALSO RESPONIBLE TO HAVE THEIR CHILDRN TO GET MARRIED. AS A RESPONSIBLE CITIZEN WE SHOULD NOT
HARM THE LIFE OF THE OPPSITE SEX.HOWEVER THIS PROBLEM EXISTS AND WE DONOT CONTINUE TALKING ABOUT THIS PROBLEM.
IT IS BETTER TO KNOW THAN NOT KNOW ABOUT THIS UNFORTUNATE DISEASE !!
LikeLiked by 1 person
‘એઈડ્સ’ સાથે સમ્બન્ધ ધરાવતા તેમ જ મનોવૈજ્ઞાનીક–જાતીય સારવારની જરુર હોય તેવા ૪ પ્રશ્નોના વૈજ્ઞાનીક માળખામાં સમાવીષ્ટ થઈ શકે …’ ઘણા અભ્યાસુ વિદ્વાનોને પણ સમજ ન પડે તેવા પ્રશ્નોના સ્પષ્ટતા સાથે ઉતર બદલ ડૉ. મુકુલ ચોકસીને ધન્યવાદ.
We know how billions of dollars are spent on AIDS research across the globe, said that we are living in the era where diseases are sold. All the crises modern medicine is facing is due to money. The lure for money has resulted in diseases mongering. Diseases are sold.આવા પ્રશ્નોનો સ્થાપિત હીતો ધરાવનાર દ્વારા ખોટો પ્રચાર થાય છે તેથી આ અંગે યુવાનોને જાગ્રત કરવાની જરુર છે
LikeLiked by 1 person
“.આવા પ્રશ્નોનો સ્થાપિત હીતો ધરાવનાર દ્વારા ખોટો પ્રચાર થાય છે તેથી આ અંગે યુવાનોને જાગ્રત કરવાની જરુર છે”✅ pragnabenji
LikeLiked by 1 person