નર્મદની ભુમીકા એક વીર સુધારકની છે, જ્યારે રમણ પાઠક મોટે ભાગે એક વીચારક છે. ર.પા.નો વીચાર–વીકાસ એમને એક માનવતાવાદી નાસ્તીકતા તરફ લઈ ગયો છે અને એ રીતે તે નર્મદથી સાવ નોખો પડી જાય છે. નર્મદમાં પીછેહઠ અને પરીવર્તન છે, તો રમણ પાઠકનો વીકાસ એકધારો આગળ ને આગળ જતો દેખાય છે.
પાસાદાર ર.પા.ની ‘જન્મશતાબ્દી’ નીમીત્તે ર.પા.નું પાસું બીજું – 3
મારો મહાન મસીયાઈ
– ઉશનસ્
તા. 30.07.1922ના રોજ જન્મેલા શ્રી રમણલાલ હીમ્મતરામ પાઠકનું આ અમૃત મહોત્સવનું વર્ષ છે; 75 વર્ષ એટલે પોણી સદી. આટલાં વર્ષોના અંતરે એમનાં કાર્ય અને વ્યક્તીત્વનું મુલ્યાંકન થાય એ સર્વથા ઉચીત છે. એ મુલ્યાંકનમાં સૌથી ઉડીને આંખે વળગે એવું લક્ષણ તે એમની સદાતરુણ એવી માનસીકતા છે, એવું લાગે છે. એ ચીખલીની આર્ટ્સ કૉલેજમાંથી 60 વર્ષે નીવૃત્ત થયા ત્યારે એ નીવૃત્તી–સમારંભમાં મને હાજર રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. ત્યારે મેં મારા વક્તવ્યમાં કહ્યું હતું કે, “રમણ પાઠકને વળી સાઠ વર્ષ થયાં છે, એવું કોણ કહે? હું તો એમણે ત્રીજી પચીશીમાં પ્રવેશ કર્યો છે, એમ જ કહીશ.” તા. 23.02.1997ના રોજ નવસારી મુકામે એક અનોખું મૈત્રીપર્વ ઉજવાયું હતું, એનું નીમીત્ત હતા અમે ચાર અમૃતપર્વ સૌભાગ્ય પ્રાપ્ત કરનાર મીત્રો : શ્રી ચંદ્રકાન્ત જે. પંડ્યા [બાનો ભીખુ], હું – ઉશનસ્, ડૉ. જયન્ત પાઠક ને ભાઈ રમણ પાઠક. એમાં અમે પ્રથમ ત્રણ તો ઠીકઠીક વૃદ્ધ; પણ ભાઈ રમણ તો બાહ્ય દેખાવે અને આંતરીક સત્ત્વે કરીને પણ નવયુવાન જ કહેવાય એવો છે! સભાઓમાં એ નખશીખ ટાપટીપ કરીને, યૌવનમુર્તી જ બનીને આવે. અમૃત મહોત્સવની વયે પણ અમારી જેમ તે અર્ધ–મૃત નહીં, જીવનામૃતથી તરબતર! ત્રીજી પચીશી પાર કરીને ચોથી પચીશીમાં હવે એ પ્રવેશ્યા છે.”
રમુજમાં મેં ત્યારે કહ્યું હતું. અમારા ત્રણની તો લગભગ મડા પચીશી; પણ રમણની તો, એમણે જ ઉમેર્યું કે, ‘ગદ્ધાપચીશી’ ને મૈત્રીપર્વના સમારંભમાં મેં એમને નર્મદનો વારસદાર કહી ઓળખાવ્યો હતો, અને સાચે જ ભાઈ રમણને ગુજરાતમાં કોઈનો વારસદાર કહીને ઓળખાવવો હોય તો તેને યૌવનમુર્તી નર્મદનો વારસદાર જ કહેવો જોઈએ. એણે ‘નર્મદ’ વીશેના એક નાટકમાં નર્મદનું પાત્ર પણ ભજવ્યું હતું. એવું સ્મરણ છે. નર્મદની જેમ જ રમણ પાઠકના મુલ્યાંકનમાં ‘પુર્વ’ રમણ પાઠક અને ‘ઉત્તર’ રમણ પાઠક – 1976ની વીદેશયાત્રા પછીના, એમ બે વીભાગ પાડી શકાય છે; પણ પછી ઝાઝું સામ્ય ટકતું નથી. નર્મદ ચુસ્ત સનાતનીમાંથી સુધારક નર્મદ રુપે વીકસી, ઉત્તરવયમાં વળી પાછો રુઢીચુસ્ત સનાતની સવાયો સનાતની થઈ નીર્વાણ પામે છે. નર્મદનો મધ્યકાળ જ સૌથી મહત્ત્વનો છે; પણ રમણ પાઠકનું તો એમ કહી શકાશે નહીં, મેં એમને છેક શૈશવકાળથી જોયા કર્યા છે, એનું ઘરગથ્થુ નામ ‘શાંતી’ – ‘શાંતીયો’; પણ મને એ શાન્ત. ઠરેલ ક્યારેય લાગ્યો નથી, એમનું ખરું નામ જ માત્ર રમણ નહીં, “રમણભ્રમણ” એ એમની ‘ગુજરાત મીત્ર’ની કટારનું જ શીર્ષક નથી: એનું પોતાનું પણ એ જ ગુણવાચક નામ છે.
મુળ પંચમહાલના વનાંચલમાં આવેલા નાનકડા ‘ગોઠ’ ગામનું રમણ સંતાન છે, અન કુળ છે, બ્રાહ્મણનું. પણ સનાતન બ્રાહ્મણ ધર્મમાં એ જન્મ્યો નથી. વનાંચલમાં જ સંભવે એવો ઉછેર પામનારો એ જીવ છે; એમના બે મોટા ભાઈઓ મુ. શ્રી લક્ષ્મીરામભાઈ તથા ડૉ. જયંત પાઠક વનાંચલીક ભલે; પણ તમનામાં બ્રાહ્મણ કુટુંબના સંસ્કારો આજ સુધી કાયમ છે, એમ જોઈ શકાય છે. જયંતભાઈના ‘વનાંચલ’માં આજે નગરજીવનમાં વૈજ્ઞાનીક રીતે અમાન્ય ઠરે એવા બનાવોની વાત આવે છે; તેને રમણ પાઠક એક સત્ય ઘટના તરીકે સ્વીકારતો નથી.
હું જાણું છું કે ભાઈ રમણે સનાતન ધર્મપુષ્ટ કેટલાક આયુર્વેદીક દીનચર્યાના પ્રયોગો પોતે કરી જોયા છે, એમણે તાંબાના લોટાનું મળસ્કે પાણી પીવાના; તથા શીર્ષાસન કરવાના વગેરે પ્રયોગો કરી જોયા છે. ત્યારે તે એની અભીનીવેશપુર્વક વકીલાત પણ કરતો હતો; હવે એ બધું જ ખોટું છે ને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે; એમ કહેવામાં પણ તે કંઈ અચકાતો નથી. આમ બધું જ, જાણે નર્મદ જેવું જ વલણ રમણમાં છે. એ જે માને તેને માટે અભીનીવેશપુર્વક વકીલાત કરે ને જો શ્રદ્ધા ઉઠી જાય; તો તેની વીરુદ્ધ પણ એ અભીનીવેશવાળી દલીલ કરે! તે કહે કે, ‘મેં આ બધું કરી જોયું છે. જાતે તે પછી જ મીથ્યા લાગતાં તે છોડી દીધું છે.’
પરપ્રત્યયનેય બુદ્ધીની તો કશી વાત જ હવે એનામાં નથી. સુરતની એક સભામાં રમણ પાઠકનું પ્રવચન હતું, પછી પ્રશ્નોત્તરી હતી; મને વાંચ્યાનું યાદ છે કે, કોઈ કે રમણને પુછ્યું, “ખરેખર ઈશ્વરનું અસ્તીત્વ છે ખરું?’’ રમણ આ પ્રશ્ને આ અગાઉ લગભગ અજ્ઞેયવાદી બની ચુક્યા હતા. ઈશ્વરના અસ્તીત્વ વીશે તેમને તે ક્ષણે થોડીક દ્વીધા હોય એમ હું માનું છું. જવાબ આપતાં તે થોડાક અચકાયા ને પછી કહ્યું, “મને લાગે છે કે ઈશ્વર મોટે ભાગે નથી.” એ બરાબર આમ જ બોલ્યો હતો, તેમ નહીં કહું; પણ મેં આવું છાપામાં વાંચ્યું હતું; એની ઉક્તીમાં હવે તો કોઈ દ્વીધા નથી; આ બાબતમાં પણ મને નર્મદ યાદ આવી જાય છે.
‘મહારાજ લાયબલ’ કેસમાં વૈષ્ણવ મહારાજની હાજરીમાં નર્મદને પુછવામાં આવે છે, “શું વેદો અપૌરુષેય નથી?” નર્મદની નીર્ભીકતાની આ કસોટી પણ હતી. એ પણ થોડીક દ્વીધા – આનાકાનીની મનોદશા અનુભવે છે ને થોડીવાર પછી એ કહી દે છે, “ના, વેદો અપૌરુષેય નથી.” એટલે કે તે પૌરુષેય છે, માનવ–નીર્મીત છે. આમ જાહેરમાં બોલવું ખુબ જોખમકારક હતું, પણ નર્મદ ખરેખર ભડવીર હતો; ‘વીર નર્મદ’ એ જ એની ખરી ઓળખાણ છે. રમણ પાઠક કદાચ નર્મદ જેવો વીરપુરુષ નથી, એ વહેમજવનની સામે લડતો કડખેદ નથી. જો કે રમણ પાઠકના લેખો તો નર્મદના ‘ડાંડીયા’ના અનુસંધાન જેવા જ છે. સુરતની ભુમી જ આ બન્નેને જીરવી શકે, રમણ પાઠક જ પ્રાણવંતાપુર્વજના યૌવનમુર્તી એવા નર્મદના વારસદાર છે. નર્મદની ભુમીકા એક વીર સુધારકની છે, જ્યારે રમણ પાઠક મોટે ભાગે એક વીચારક છે. રમણ પાઠકનો વીચાર–વીકાસ એમને એક માનવતાવાદી નાસ્તીકતા તરફ લઈ ગયો છે અને એ રીતે તે નર્મદથી સાવ નોખો પડી જાય છે. નર્મદમાં પીછેહઠ અને પરીવર્તન છે, તો રમણ પાઠકનો વીકાસ એકધારો આગળ ને આગળ જતો દેખાય છે.
આ વીકાસમાં મહત્ત્વનું લક્ષણ તે તેની નીરીશ્વરતાનું છે. નર્મદ પોતાના ઉત્તરજીવનમાં પરીવર્તન પામી સવાયો સનાતની બ્રાહ્મણ બને છે ને પોતાના સુધારાવાદી જીવનને લગભગ નકારે છે. રમણ પાઠકની મુળભુત શ્રદ્ધા માર્ક્સવાદી નીરીશ્વરતાની છે. પછીની બધી જ વીચારણા આ મુળભુત શ્રદ્ધા કેન્દ્રમાંથી ઉત્સર્જના પામે છે. વલસાડમાં મેં પ્રબોધીની સંસ્થાની સ્થાપનાના પ્રસંગે એને મુખ્ય વક્તા તરીકે આમંત્ર્યો હતો; તે પુર્વે ‘ગુજરાતમીત્ર’ની એની કટારમાં એમણે એક લેખ પ્રગટ કર્યો; ‘મુલં નાસ્તી કુતઃ શાખા?’ જેનું મુળ જ નથી તેની શાખાઓ વીશે વાત કરવી કેવળ વ્યર્થ વ્યાયામ છે. જોઈ શકાય છે કે એ ઈશ્વરની સત્તા વીશે હવે નીર્ભ્રાન્ત થઈ ગયો છે. જો ઈશ્વરરુપી મુળ જ નથી, તો તેને અનુષંગે ઉદ્ભવતી ધાર્મીક માન્યતાનો શો અર્થ? વહેમ, ચમત્કાર, પ્રાર્થના, પુજા બધું જ વ્યર્થ છે, એ એની તાર્કીક પ્રતીતી છે. આથી નર્મદ સાથે એની તુલના છેક સુધી ખેંચવાનો કોઈ અર્થ નથી. શ્રી રજનીશજી, સ્વામીશ્રી સચ્ચીદાનંદજી જેવા એકેશ્વરવાદી ધાર્મીક નવા વીચારકો કે ડૉ. ગુણવંત શાહ કે ડૉ. બી. જી. નાયક જેવા સામ્પ્રતકાલીન નવા વીચારકો સાથે પણ એની તુલના ઝાઝી ટકે એવી નથી એના મુળમાં રમણ પાઠક અનીશ્વરવાદી નાસ્તીક છે એ મુળ વાત રહેલી છે.
શ્રી રમણ પાઠક એ ગાંધીયુગની આમ તો પેદાશ ગણાય; પણ ગમે તે કારણે તેને ગાંધીવાદ તરફ આકર્ષણ નથી; પણ તે વખતનાં બીજાં આંતરરાષ્ટ્રીય બળ તરફ એ વળી ગયા છે. એને પશ્ચીમના ફ્રૉઈડ, માર્ક્સ, રેન્ડ અને બર્ટ્રાન્ડ રસેલના ચીંતનમાં વધુ તાર્કીકતા લાગી છે. ગાંધી ફીલસુફી એને એક દેશી માણસની ગામઠી એવી બહુ વીકસીત નહીં એવી વીચારણા લાગી છે. મુળે એમને પશ્ચીમની સંસ્કૃતી ગમે છે. વૈજ્ઞાનીક પદ્ધતી ગમે છે. ભારતીય સંસ્કૃતીમાં એનો જન્મ છે, ઉછેર છે; છતાં એમાં એનાં મુળીયાં ઉંડા ઉતર્યાં નથી. રમણ પાઠકની ધાર્મીકતા વીશેનો મુદ્દો વધુ ગહનતાથી ચર્ચવા – સમજવા જેવો છે : આપણે ત્યાં જ પ્રાચીન દર્શનોમાં જ એક તે ‘ચાર્વાક દર્શન’ છે, જે નીરીશ્વરવાદી છે. રમણમાં આ ‘ચાર્વાક દર્શન’નો પ્રભાવ શોધીએ તો જડે પણ ખરો; એ ઘણી વાર ચાર્વાકને ટાંકે છે. ‘ઋણ કૃત્વા ઘૃતં પીબેત્, યાવત્જીવેત્ સુખંજીવેત્, ભસ્મીભુતસ્ય દેહસ્ય પુનરાગમનં કુતઃ?” વગેરે.
આમ તે જીવનના ઉલ્લાસમાં [વીલાસમાં પણ] માનતો લાગે છે. આથી જ તે બહ્મચર્યનો, સંયમનો, ઈન્દ્રીયનીગ્રહનો, મનના દમનનો ઘોર વીરોધ કરે છે, આથી જ તે ‘વસંતઋતુનો જીવ છે, જે ખીલી ઉઠવાની, ખુલી જવાની ઋતુ છે, તેમાં માને છે.’ આથી જ તે મદ્યનીષેધનો વીરોધી છે. ને બીડી–સીગરેટની પણ એને છોછ નથી. તે બ્રહ્મચર્યને જીવન–ઉલ્લાસનું વીરોધી ને અકુદરતી વ્રત ગણે છે, ધીમે ધીમે તે લગ્નજીવનની, એકપત્નીવ્રતના ગાર્હસ્થ્યની પણ ટીકા કરતા થઈ ગયા છે. મેં એમને એક લેખમાં ‘મુક્તજીવનદાસ’ કહીને ઓળખાવ્યા હતા તેવા રુપે તે વીકસ્યા છે. આ અર્થમાં એ સ્થાપીત સમાજની વીરુદ્ધ છે. સમાજમાં ઓછામાં ઓછું બંધન જોઈએ. એવો એનો મુક્ત સમાજનો આશય દેખાય છે. આટલું જ હોત તો રમણ પાઠક પ્રજાઓને જે સમાન દૃષ્ટીથી જુએ છે એમ ન થાત. એનો અમૃત મહોત્સવ ન ઉજવાત અને રૅશનાલીસ્ટોમાં પણ અગ્રણી ઋષીકક્ષાનો આદ્ર જીવ જે ગણાય છે, તે ન ગણાત. તે નર્યો વીલાસવાદી નથી, નથી તો તે સાવ અસામાજીક. એક વાર ‘ઈશ્વર’ને કેન્દ્રમાંથી ને મુળમાંથી લઈ લો, પછી જે સમાજ રહે છે; તેને પરમ સંવાદમાં સુખી જોવા તે તીવ્ર રીતે ઈચ્છે છે. એટલે કે તેનામાં માત્ર ‘ચાર્વાક’ની ભોગાત્મક નાસ્તીકતા નથી; પણ ભગવાન બુદ્ધના જેવી કરુણાર્દ્ર નાસ્તીકતા છે. આપણે બધા જ જાણીએ છીએ કે, બુદ્ધ તો કરુણામુર્તી હતા.
ઈશ્વરની સત્તા વીશે બુદ્ધ ખાસ કંઈ બોલ્યા નથી; બોલ્યા છે, માત્ર જગતમાં ખુબ દુઃખ છે એ વીશે. એ દુઃખ ઓછું શી રીતે થાય? – એ જ માત્ર એમની પ્રમુખ ચીંતા ને ચીંતન રહ્યાં છે.
‘ન ત્વહં કામયે સ્વર્ગં ન સ્વર્ગં નાયનર્ભવમ્ |
કામયે દુ:ખતપ્તાનાં પ્રાણીનામાર્તીનાશનમ્ ||’
આ શ્લોક એમને નામે ચઢ્યો છે, એમ સહૃદયો માને છે. બૌદ્ધ ધર્મનાં જે ચાર આર્ય સત્યો છે : મૈત્રી, કરુણા, મુદીતા ને ઉપેક્ષા તે તમામ રમણને અભીષ્ટ છે; એ અર્થમાં તે બુદ્ધની નજીક છે. આપણા મહાન ધર્મચીંતક શ્રી આનંદશંકર ધ્રુવે પંડીત નહેરુની નાસ્તીકતાને ધાર્મીકતાની જેમ જ વધાવી છે, તે તો જાણીતું છે. આ અર્થમાં રમણ પાઠકને નર્યો નાસ્તીક કે અસામાજીક કહી શકાય તેમ નથી; બલ્કે નર્મદ પછી આપણે ત્યાં જે વીધાયક જીવનવીચારણાઓ આવી, તેમાં જીવનના ઉલ્લાસનો નીષેધ નથી. ખુદ ગાંધીયુગને શ્રી વીજયરાય વૈદ્ય ‘મોહનયુગ’ કહ્યો છે ને ‘મોહન’ કહેતાં ગાંધીજી અને મુનશી એમ બન્નેનો તેમાં સાર્થક સમાવેશ છે, એમ ગણે છે. ગાંધીજીથી ઘણી જુદી રીતે ક. મા. મુનશી જીવનના ઉલ્લાસમાં માનતા હતા. અનુગાંધીયુગમાં સ્વામીશ્રી સચ્ચીદાનંદ, ડૉ. ગુણવંત શાહ વગેરે ચીંતકો છે. ખુદ ગાંધીયુગમાં એમના સમકાલીન એવા રવીન્દ્રનાથ કહે છે, ‘હું સાધુ થવાનું પસંદ નહીં કરું.’ અથવા તો ગાંધીજીના જે પરમ શીષ્ય એવા કાકાસાહેબનો એક પ્રીય શબ્દ ‘જીવન’ હતો, તો એટલો જ બીજો પ્રીય શબ્દ ‘આનન્દ’ હતો. તેઓ જીવનના આનન્દમાં માનતા હતા. રજનીશજી પણ જીવનના આનન્દમાં માનતા હતા. રમણ પાઠક પોતાના લેખોમાં ગીતામાંથી અવતરણો ટાંકે છે ખરા; પણ વર્ણાશ્રમ, નીષ્કામ કર્મ, કર્મ પ્રમાણે જન્મ વગેરે બાબતમાં તેમને શ્રદ્ધા નથી; પણ શ્રીકૃષ્ણમાં એને ડૉ. ગુણવંત શાહ જેટલો રસ પડી શકે, કેમ કે શ્રીકૃષ્ણ આનન્દમુર્તી છે. એને રામમાં કદાચ ઓછો રસ પડ્યો છે. કૃષ્ણમાં જીવનનો ઉલ્લાસ છે એટલે, અને બુદ્ધમાં કરુણાનું પ્રાધાન્ય છે એટલે એને વધુ રસ પડે છે. રમણ પાઠકનું જગદર્શન મુખ્યત્વે દુઃખ પ્રધાન ને સુખ અલ્પથી ભરેલું છે. એ પશ્ચીમના ફ્રૉઈડ, માર્ક્સ અને તે પછીના સાર્ત્ર, સેલાદી વીચારકોથી પ્રભાવીત છે; એટલે એ પોતાને માર્ક્સીસ્ટ રુપે ઓળખાવે છે; પણ માર્ક્સીસ્ટ હોવા છતાં તે એવો રૅશનાલીસ્ટ છે કે જે વેદાભ્યાસની જેમ સામ્યવાદાભ્યાસ – જડ નથી; પણ તેનામાં બુદ્ધની મૈત્રી–કરુણાનો વીપુલ માત્રામાં પુરવઠો છે. એ ફ્રોઈડની જેમ સેક્સને એક પાયાનો જીવનચાલક અંશ ગણે છે. એટલે તે સ્ત્રીઓનું દુઃખ સહન કરી શકતો નથી. દહેજ વગેરે સામાજીક કુરુઢીઓ સામે એ લડે છે; ત્યારે એ માત્ર એક સમાજસુધારકનો અભીનીવેશ પ્રગટ કરતો નથી. એને દુઃખી માણસ પ્રત્યે અપાર સહાનુભુતી છે; એટલે જે નીર્દોષ ‘નાનાં બાળકો’નું ભણવાની બાબત હોય તો પણ, માતાપીતા અને શીક્ષણ સંસ્થાઓ તરફથી આચરાતું શીક્ષણાત્મક વર્તન તેને અમાનુષી અને અસહ્ય લાગે છે અને એમનો પુણ્યપ્રકોપ પ્રજળી ઉઠે છે. એની બરાબરના આવા ઉદ્ગારોમાં એ લગભગ ક્રાન્તીકારક [પેગંબરી શબ્દ એને નહીં ગમે] ઉંચાઈ પ્રાપ્ત કરે છે.
મુળભુત રીતે રમણ પાઠકનું હોવું એક સાંસ્કૃતીક ઘટના છે. એને શોષણવીહીન સમાજરચનાની ઝંખના છે. આપણા ભારતીય બંધારણના લોકશાહી સીવાય લગભગ બીજા બધા જ આદર્શોમાં એને શ્રદ્ધા છે. એક વર્ગવીહીન, શોષણવીહીન, લીંગભેદવીહીન સર્વસમાન ને સંવાદી, સહકારી સમાજરચનામાં એને શ્રદ્ધા છે. આપણા બંધારણમાં ખુબ બંધબેસતા આવે એવા એ ભારતીય નાગરીક છે ને એને સામ્યવાદીની જેમ પ્રાદેશીક રાષ્ટ્રીયતા પણ કઠે છે. એ રીતે તે ખુબ ખુલ્લા એવા વીશ્વનાગરીક થઈ શકે એવી શક્યતાવાળો જીવ છે. મને એના આ ખાસ મહોત્સવ પ્રસંગે એક શ્રદ્ધાપુર્વકની ઘોષણા કરવાનું મન થાય છે કે, ગુજરાતના અનુગાંધીયુગીન સુધારાનો ઈતીહાસ જ્યારે લખાશે ત્યારે પ્રો. રમણ પાઠકની [રમણ પાઠક – 1976 અમેરીકાથી પાછો આવી ‘ગુજરાતમીત્ર’ની “રમણભ્રમણ” લેખમાળામાં પ્રગટ થયો છે તેની] અગ્રીમ હરોળમાં સ્થાપના થશે. એમણે કેટલા બધા વીષયો ઉપર કલમ ચલાવી છે! એમનું રસાત્મક વીશ્વ કેટલું મોટું છે! એમનું સહાનુભુતીનું ક્ષેત્ર કેટલું બધું વીશાળ છે! એને આપણે વીકસીત આત્મા નહીં કહીએ તો શું કહીશું? ‘આત્મા’ શબ્દને ભલે એ ઈન્કારે છે! તે ક્યારેક તો ઠરશે જ. તો જ અને ત્યારે નીરક્ષીર–વીવેકથી ભગવાન કાળ પોતે ક્ષીરાત્મક “રમણભ્રમણ”માંથી નવનીતની નેમ તારવશે જ. આપણા આધુનીક પ્રભાવક ચીંતકોમાં રમણ પાઠકનું ઉંચું સ્થાન હશે એમ તારવવું મને ગમે છે અને બધું જ તો કોનું શ્રેષ્ઠ હોય છે? કાળની ઝીણી ચાળણીમાં કચરો તો ચળાઈ જ એ નક્કી. એક વનવગડામાં જન્મેલો રમણ પાઠક વનો, પહાડો, આકાશ, સમુદ્રો વગેરેના વેદોઉપનીષદોમાં છે તેવા આનન્દમય ધર્મમાં એને શ્રદ્ધા છે, એ રીતે એ ધાર્મીક છે; પણ એમાં વનવાસીનું શોષણ થાય તો તે સામે તે વીરોધ પાકારે છે. તેમને ખીલી ન શકતા માણસ પ્રતી અપાર કારુણ્યની ભાવના છે, વેદના છે. વનાંચલના નાના ગામમાં જન્મેલો આ માણસ મહાનગરોમાં પણ હવે તો માતો નથી; એવી તે પોતાની સહાનુભુતીની ને પ્રીતીની હદો વીસ્તારી અખીલ વીશ્વનાગરીક બનવા તરફ વળ્યો છે. ત્યારે આ અમૃત મહોત્સવ પ્રસંગે એમને પુરાં સો વર્ષોનું નીરામય સુખી આયુષ્ય પ્રાપ્ત થાઓ એમ ઈચ્છીએ… અસ્તુ!
– ઉશનસ્
‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતની લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’ (હવે બંધ)ના પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)એ પોતાના ભાતીગળ આયુષ્યનાં 75 વર્ષ પુર્ણ કર્યાં ત્યારે ર.પા.ના અંગત તથા જાહેર એમ વ્યક્તીગત જીવનનો પરીચય આપતા 75 લેખોનું સંકલન કરીને શ્રી રજનીકુમાર પંડ્યાએ ‘રમણીયમ્’ ગ્રંથ સાકાર કર્યો હતો. [પ્રકાશક : શ્રી એમ. કે. મદ્રાસી, ‘શબ્દલોક પ્રકાશન’, 1760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ – 380 001; પ્રથમ આવૃત્તી : 1998; પાનાં : 224 મુલ્ય : રુપીયા 150/- (‘રમણીયમ્’ ગ્રંથ આઉટ ઓફ પ્રીન્ટ છે.)] લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…
સમ્પાદક–સમ્પર્ક : શ્રી. રજનીકુમાર પંડયા, બી 3/જી એફ 11; આકાંક્ષા ફલેટસ, જયમાલા ચોક, મણીનગર–ઈસનપુર રોડ, અમદાવાદ – 380 050 ઈ.મેલ : rajnikumarp@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરબાદ, આમ સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ – ઈ.મેલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 24/10/2022
સરસ રમણભાઈ નું આરપાર વણર્ન ખૂબ જ પારદર્શી લેખ રમણભાઈ નું સમગ્ર દશર્ન કરાવે છે ગોવિંદ ભાઇ તમે તો રમણભાઈ ને નજર સમક્ષ લાવી દીધા છે ખૂબ ખૂબ ધન્યવાદ.
LikeLiked by 2 people
મા.ઉશનસનો મારો મહાન મસીયાઈ ખૂબ સુંદર લેખ
તેમનું આ ચિંતન-‘નર્મદની ભુમીકા એક વીર સુધારકની છે, જ્યારે રમણ પાઠક મોટે ભાગે એક વીચારક છે. ર.પા.નો વીચાર–વીકાસ એમને એક માનવતાવાદી નાસ્તીકતા તરફ લઈ ગયો છે અને એ રીતે તે નર્મદથી સાવ નોખો પડી જાય છે. નર્મદમાં પીછેહઠ અને પરીવર્તન છે, તો રમણ પાઠકનો વીકાસ એકધારો આગળ ને આગળ જતો દેખાય છે. ‘
ખૂબ સ રસ
ધન્યવાદ
LikeLiked by 2 people
‘ઉશનસ’નો બહુ જ વીદ્વતાપુર્ણ લેખ. ઘણું જાણવા મળ્યું. મને યોગાસનોમાં રસ હોવાને કારણે જ્યારે વાંચવામાં આવેલું કે રમણભાઈ એને વ્યર્થ ગણે છે, ત્યારે મને થયેલું કે યોગાસનનો અનુભવ લીધા વીના કદાચ રમણભાઈએ એમનો આ અભીપ્રાય આપ્યો હશે તો એ બરાબર કહેવાય નહીં. પરંતુ એમણે અનુભવ કરીને પોતાનો અભીપ્રાય આપેલો એ જાણી એમના પ્રત્યેનું માન ઘણું બધું વધી ગયું. આ પ્રકારની માહીતી આપવા માટે ગોવીન્દભાઈનો હાર્દીક આભાર.
“માતાપીતા અને શીક્ષણ સંસ્થાઓ તરફથી આચરાતું શીક્ષણાત્મક વર્તન તેને અમાનુષી અને અસહ્ય લાગે છે” અહીં મને લાગે છે કે ‘શીક્ષણાત્મક’ નહીં, કદાચ ‘શીક્ષાત્મક’ શબ્દ હોવો જોઈએ? શીક્ષણ આપવાનો તો આપણો આશય હોય છે. કે શીક્ષણ આપી શકાતું નથી, માત્ર લઈ શકાય જ?
LikeLiked by 2 people
.
ગોવીન્દભાઈએ આ પોસ્ટ મુકી રજનીકુમાર પંડયા, રમણ પાઠક, ગ્રંથ, પ્રકાશકવગેરેની માહીતી આપેલ છે. ગ્રંથ આઉટ ઓફ પ્રીન્ટ છે. આ વેબસાઈટ કે બ્લોગ ઉપર હવે ઘણાં વાંચશે અને રેશનલવીચાર વીશે આવી માહીતી ” ગુજરાત મીત્ર ” અને મુંબઈના દૈનીક સમાચાર પત્ર ” સમકાલીન ” માં ક્યારેક પ્રગટ થયેલ છે અને આવી સગવડ શ્રી ગોવીન્દભાઈ મારુએ કરી આપેલ છે.
.
LikeLiked by 2 people