ચમત્કારીક ઘટનાઓ, સીદ્ધીઓ તો અફવાઓ હોય છે, હેતુપુર્વક વ્યવસ્થીત રીતે જુઠો પ્રચાર હોય છે અથવા તો હાથચાલાકી અને રસાયણોની કમાલ હોય છે. અહીં સાત ચમત્કારો કેવી રીતે કરવામાં આવે છે તેનું રહસ્ય જણાવ્યું છે.
ઠગ સાધુ, સ્વામીઓના ચમત્કારોની ભીતરમાં
–લક્ષ્મીદાસ ખટાઉ
ચમત્કાર પ્રકૃતીના અફર નીયમોથી વીરુદ્ધ છે. ચમત્કાર અશક્ય છે. ચમત્કારીક ઘટનાઓ, સીદ્ધીઓ તો અફવાઓ હોય છે, હેતુપુર્વક વ્યવસ્થીત રીતે જુઠો પ્રચાર હોય છે અથવા તો હાથચાલાકી અને રસાયણોની કમાલ હોય છે. દક્ષીણ ભારતના વીશ્વવીખ્યાત રૅશનાલીસ્ટ બી. પ્રેમાનંદે ‘SCIENCE AND MIRACLES’ પુસ્તક લખ્યું છે. તેમાં તેમણે ઠગ સાધુ, સ્વામીઓ જે ચમત્કારો કરી બતાવે છે તેની પાછળનાં રહસ્યો ખુલ્લાં પાડ્યાં છે. હાથચાલાકી કે રસાયણોથી થતા ચમત્કારોનાં સોએક દૃષ્ટાંતો આપ્યાં છે. ગુજરાતીમાં પણ જમનાદાસ કોટેચા, ડૉ. જેરામભાઈ દેસાઈ, ચતુરભાઈ ચૌહાણ તથા અન્ય રૅશનાલીસ્ટોએ ચમત્કારોના નામે થતી છેતરપીંડીનાં દૃષ્ટાંતો આપતાં તથા આ ચમત્કારોનાં રહસ્યો ખુલ્લાં પાડતાં પુસ્તકો પ્રસીદ્ધ કર્યા છે. આ પુસ્તકોના આધારે અહીં ચમત્કારો કેવી રીતે કરવામાં આવે છે તેનું રહસ્ય જણાવ્યું છે.
[1] નાડીના ધબકારા બંધ કરી દેવા :
એવો દાવો કરવામાં આવે છે કે યોગી સાધકો જ્યારે ધ્યાનની પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે હૃદયના ધબકારા લગભગ બંધ થઈ જાય છે. તેમની નાડી પર હાથ મુકો તો નાડીના ધબકારા સંભળાય નહીં. સામાન્ય રીતે હૃદય એક મીનીટમાં 70 વાર ધબકે છે, કસરત કે ક્રોધ કર્યો હોય તો ધબકારા વધી જાય પણ હૃદયને ધબકતું તદ્દન બંધ કરી દેવું તદ્દન અશક્ય છે.
પણ ઢોંગી સાધુ–સ્વામીઓ પોતે યોગના અઠંગ સાધક છે અને ધ્યાન–અવસ્થામાં પોતાની નાડીની ધડકન બંધ કરી શકે તેવા પ્રયોગો જાહેરમાં કરી બતાવે છે. ક્વૉલીફાઈડ ડૉક્ટરની હાજરીમાં સાધુ થોડી વાર ધ્યાનસ્થ બને છે તેવો ઢોંગ કરીને પછી સાધુનો ચેલો ડૉક્ટરને સાધુની નાડી તપાસવાનું કહે. ડૉક્ટર નાડી પર હાથ મુકીને નાડીના ધબકારા પકડવા પ્રયાસ કરે પણ નાડીના ધબકારા સંભળાય જ નહીં. નાડી તદ્દન બંધ હોય! ડૉક્ટર તો સ્તબ્ધ થઈ જાય અને જો જરા શ્રદ્ધાળુ હોય તો સાધુનો ભક્ત બની જાય. તે સમયે હાજર રહેલા અન્ય લોકો પણ સાધુની યોગ–સાધનાના ચમત્કારથી પ્રભાવીત થઈ જાય અને સાધુનો જયજયકાર બોલાવી તેના આશીર્વાદ લેવા માટે નોટોની ભેટ ધરાવે.
આ ઢોંગી સાધુ યોગનો અઠંગ સાધક નથી હોતો પણ એક તરકીબ કરીને થોડી ક્ષણો માટે પોતાની નાડીના ધબકારા બંધ કરાવી શકે છે. હૃદયમાંથી આખા શરીરમાં લોહીનું પરીભ્રમણ થાય તે માટે અલગ અલગ નસો હોય છે. હાથમાં લોહીના પ્રસારણ માટે એક નસ બગલમાં હોય છે. સાધુ પોતાની કફનીની અંદર બગલમાં રબરનો જરા સખત દડો અથવા કપડાનો દડો મુકે છે. પોતાના ખંભાના દબાણથી સાધુ દડા પર દબાણ લાવે એટલે બગલની અંદર વચ્ચે રહેલ લોહીની નસ પર દબાણ આવે. એટલે નસમાંથી લોહી વહેતું લગભગ બંધ થઈ જાય. તે દરમીયાન જો નાડી પર હાથ મુકવામાં આવે તો નાડીના ધબકારા સંભળાય નહીં. ડૉક્ટર નાડી પર હાથ મુકીને એક–બે મીનીટમાં જાણી લે છે કે ધબકારા કેટલા છે અથવા નથી. એક–બે મીનીટ માટે હાથમાં લોહી વહેતું બંધ થાય તેથી હાથને કંઈ પણ નુકસાન ન થાય. કોઈવાર હાથપગ પર વધારે દબાણ આવી ગયું હોય ત્યારે લોહી વહેતું બંધ થઈ જાય. ત્યારે આપણને તે અંગમાં ઝણઝણાટી થાય, સોઈઓ ભોંકાતી હોય તેવો ભાસ થાય. તે પ્રકારનો અનુભવ બગલમાં દડો મુકીને લોહીનું પરીભ્રમણ અટકાવાય ત્યારે થાય. આ પ્રયોગ કોઈ પણ કરી શકે છે. પણ વધારે સમય લંબાવવો નહીં. તેની સાવચેતી રાખવી.
[2] અગ્ની–પથારી પર ચાલવું :
ધાર્મીક પ્રસંગે અગ્ની પર ચાલવાની પ્રથા ભારતના ઘણા પ્રદેશોમાં છે. જેને પોતાના ઈષ્ટદેવમાં શ્રદ્ધા હોય તે વ્યક્તી ચાર–પાંચ ફુટની લંબાઈવાળી અગ્ની–પથારી પર ઈષ્ટદેવનું નામ લઈને ચાલે તો તેના પગ દાઝે નહીં એવી માન્યતા છે. અને ઘણા લોકો ધાર્મીક પ્રસંગે અગ્ની પર ચાલે છે અને તેમના પગ પર દાઝવાની જરા સરખી નીશાની પણ હોતી નથી. આને ઈષ્ટદેવની કૃપા અને ચમત્કારમાં ખપાવવામાં આવે છે. હકીકતમાં તો આમાં ન તો ઈષ્ટદેવની કૃપા હોય છે ન તો ઈષ્ટદેવમાં શ્રદ્ધાની જરુર પડે છે.
ચુલા પર વાસણમાં પાણી ઉકળતું હોય અને ભુલથી આંગળી અડકી જાય અને તરત આંગળી ખેંચી લેવામાં આવે. એક–બે સેકંડ માટે આંગળીની ત્વચા ગરમ વાસણ સાથે સમ્પર્કમાં આવે તો તેથી ચામડી તરત દાઝી જતી નથી. વાસણની ગરમી વાસણમાંથી ત્વચામાં ગતી કરે તે દરમીયાન આંગળીની ત્વચા પરની ભીનાશ અને ઠંડક વાસણની ગરમીને ગ્રહણ ન કરે. બસ આ એક સાદા દૃષ્ટાંત અને સીદ્ધાંત પર અગ્ની પર ચાલવાથી પણ દઝાતું નથી. તેનું કારણ મળી રહે છે.
અગ્ની પર ચાલનારો એકદમ ઝડપથી ચાલી જાય છે. આંખો આકાશ તરફ રાખે છે અને ઈષ્ટદેવનું સ્મરણ કરે છે. એટલે તેનું ધ્યાન અગ્નીની પથારી પર રહેતું નથી. ચાર–પાંચ સેકન્ડમાં તો તે અગ્ની પથારી પર ચાલે છે. પથારી પરની ગરમી તેના પગને દઝાડે તે પહેલાં તો ચાલનારો પોતાના એ પગને ઉંચકી લે છે અને બીજા પગને મુકે છે. તે દરમીયાન એક પગ જરા ગરમ થાય અને પછી ઠંડો પડે ત્યારે બીજો પગ ઠંડો હોય. તે ક્રમવાર ઠંડો પડે. આ રીતે દાઝયા વગર અગ્ની પર કોઈ પણ વ્યક્તી ચાલી શકે છે. ફક્ત મનોબળ હોવું જોઈએ અને અગ્ની–પથારી પર હળવેથી, ઝડપથી ચાલવાનો મહાવરો હોવો જોઈએ.
– ● – ♦ – ● – ♦ – ● –
પક્ષીપ્રેમીઓ માટે 100થી વધુ પક્ષીઓનો પરીચય કરાવતી હારમાળા
તા. 31.10.2022થી ‘અભીવ્યક્તી’ પર શરુ થશે. – ગોવીન્દ મારુ
– ● – ♦ – ● – ♦ – ● –
[3] આંગળીના સ્પર્શથી કોઈ પણ પદાર્થને મીશ્ર બનાવી દેવો :
પુનાના એક ઉસ્તાદે તુત ઉભું કરીને પોતાના માટે રોટી, કપડાં અને મકાનની જોગવાઈ કરી લીધી. તે દાવો કરતો હતો કે તેનામાં એવી અદ્ભુત શક્તી છે કે તે કોઈ પણ વસ્તુને સ્પર્શ કરે એટલે તે વસ્તુનો સ્વાદ મીશ્ર બની જાય. તેના હાથ તપાસવામાં આવે તો તેના હાથમાં મીશ્ર પ્રવાહીના લેપ જેવું કંઈ ન હોય. હાથ ધોઈને પછી પ્રયોગ કરવામાં આવે તો પણ જે ચીજને તે સ્પર્શ કરે તેને અન્ય લોકો જીભથી ચાટી જુએ તો તે ચીજમાં મીઠો સ્વાદ આવે! બસ, શ્રદ્ધાળુ અને અન્ધશ્રદ્ધાળુઓ તો ઉમટી પડે આ ચમત્કાર જોવા અને જોયા પછી પ્રભાવીત થઈને પૈસા, નાળીયેર, વસ્ત્રોની ભેટ ધરી દે.
આ તરકીબ બે રીતે કરી શકાય છે. નખ વધારવા પડે અને પછી આંગળીના પાંચ નખમાં સૅકેરીનની ભુકી ભરી દેવામાં આવે. તમાશો જોનારાઓને ઠગ પોતાની હથેળી દેખાડે પણ નખમાં ભરેલ સૅકેરીન દેખાય નહીં તેની સાવચેતી રાખે. અને પછી પ્રયોગ શરુ કરતી વખતે દરેક નખમાંથી ચાલાકીપુર્વક સૅકેરીનની ભુકીના થોડાક કણો જે ચીજને તે હાથ અડકાડે તે પર ખંખેરે છે. સૅકેરીન તો ખાંડ કરતાં અનેક ઘણું વધારે મીશ્ર હોય છે. એટલે જે કોઈ પદાર્થ પર ઠગે સૅકેરીનની ભુકીના બેચાર કણો ચોંટાડી દીધા હોય તે તરફ કોઈનું ધ્યાન ખેંચાય નહીં અને ચીજ પર જીભ ફેરવનારને મીશ્ર સ્વાદનો અનુભવ થાય. લાકડી, ચમચો, બોલપેન વગેરે તે પ્રયોગ વખતે જે કંઈ ચીજો હાથવગી હોય તે પર ઠગ, આંગળીઓથી સ્પર્શ કરતો જાય અને જોનારાઓ તેના પર જીભ ફેરવે એટલે મીશ્ર સ્વાદવાળી જણાય. આ પ્રયોગ મર્યાદીત પ્રમાણમાં કરી શકાય; કારણ કે પાંચ નખમાં તમે કેટલુંક સૅકેરીન ભરી શકો. પ્રયોગ કરતી વખતે નખમાંથી સૅકેરીન પદાર્થ પર ચોંટાડવાના પ્રયાસ વખતે કેટલુંક સૅકેરીન ભોંય પર પણ ઢોળાઈ જાય. એનાથી પણ વધારે સલામત અને વધારે પ્રમાણમાં વારંવાર કરી શકાય તેવી બીજી તરકીબ પણ છે.
જાહેરમાં આ પ્રયોગ કરતાં પહેલાં પ્રયોગ કરનાર એક હાથરુમાલ કે નેપ્કીનને સૅકેરીનવાળા પાણીમાં ઝબોળીને પછી પાણી નીચોવી નાખે. રુમાલ કે નેપ્કીન તો ભીનો હોય. પ્રયોગ કરનાર પોતાના હાથને સાબુથી ધોઈને બતાવે. જેથી પ્રેક્ષકોને ખાતરી થઈ જાય કે પ્રયોગ કરનારે હાથ પર કોઈ મીષ્ટ પદાર્થનો લેપ કરેલ નથી. હાથ ધોયા પછી લુછવાના બહાને પ્રયોગ કરનારા પોતાના સૅકેરીનવાળા રુમાલ કે નેપ્કીનનો ઉપયોગ કરે. ત્યારે તે રુમાલ કે નેપ્કીનમાં રહેલું સૅકેરીનનું પાણી પ્રયોગ કરનારા હાથ અને આંગળીઓ પર ચોંટી જાય. આ રીતે પ્રયોગ કરનાર વારંવાર આ પ્રયોગ કરી બતાવી શકે. હાથ સાફ કરવાના બહાને સૅકેરીનવાળા ભીના રુમાલને જરુર પડે ત્યારે હાથથી સ્પર્શ કરીને હથેળી તથા આંગળીઓને સૅકેરીનવાળી બનાવતો રહે. પછી હાથની આંગળી કોઈને ચાટવાનું કહે તો આંગળી મીઠી લાગે. પોતાની આંગળી કોઈની બોલપેનને અડકાડીને પછી ચાટવાનું કહે તો બોલપેનનો સ્વાદ મીઠો લાગે! આને પોતાની દૈવી શક્તી કે યોગની શક્તી તરીકે ખપાવે.
[4] નાળીયેરમાંથી કંકુ, ચોખા કાઢી બતાવવા :
નાળીયેરમાંથી કંકુ, ચોખા કે કોઈ દેવની નાની મુર્તી કાઢી બતાવવી એ તો હવે બહુ જ સામાન્ય પ્રકારનો ચમત્કાર થઈ ગયો છે. ગામડાંઓમાં લોકોને પ્રભાવીત કરવા ઠગ સાધુઓ આ તરકીબ કરીને લોકોને મુર્ખ બનાવે છે અને પોતે દૈવી શક્તીવાળા કે ફલાણા ફલાણા દેવના આશીર્વાદ પામેલા ભક્ત છે અને દૈવી સીદ્ધી પ્રાપ્ત કરી છે એમ કહીને પૈસા કમાય છે.
આ તરકીબ બહુ જ સરળ છે. નાળીયેરના બે સરખા ટુકડા કરી તેમાં કંકુ, ચોખા અને હનુમાન, અંબાજી, ગણેશ, રામકૃષ્ણ વગેરે કોઈ પણ એક દેવ–દેવીની નાની મુર્તી મુકીને તે બે ટુકડાને આખું નાળીયેર બનાવી દેવાય. જ્યાં સાંધો હોય ત્યાં નાળીયેર પરના રેસાઓથી સાંધો ઢાંકી દેવામાં આવે. પછી સાધુમહારાજ કોઈ જાહેર સભામાં શ્રોતાજનોને થોડી અગડમ બગડમ વાતો કરીને પોતાની દૈવી શક્તીનો પરચો બતાવવા પોતાની થેલીમાંથી નાળીયેર કાઢે. અને તે નાળીયેરની પુજા કરી, થોડા મંત્રો ભણીને શ્રોતાઓમાંથી એક જણને નાળીયેર ફોડવાનું કહે. નાળીયેર ફુટે એટલે ભક્તજનોની અજાયબી વચ્ચે નાળીયેરમાંથી કંકુ, ચોખા, અને ઈષ્ટ દેવની મુર્તી નીકળે. જોનારાઓ તો આ ચમત્કાર જોઈને સ્તબ્ધ થઈ જાય અને સાધુમહારાજ તો ખરેખર દૈવી શક્તી ધરાવતા મહારાજ છે એમ માનીને તેમના આશીર્વાદ પણ મેળવે. પોતાની મનોકામના પુરી કરવા મહારાજને પગે લાગી તેમને પૈસા, અનાજ, કપડાં વગેરેની ભેટ ધરે. ચરણસ્પર્શ કરે અને ધન્ય ધન્ય બને. તે સાથે સાધુમહારાજ પણ સારી કમાણી કરીને ધનધન્ય બની જાય.
આ તરકટને જરા વધારે વીશ્વસનીય બનાવવા માટે ઠગ સાધુઓ બીજી પદ્ધતીઓ પણ અપનાવે છે. પોતાની થેલીમાંથી અગાઉથી તૈયાર કરેલ નાળીયેર કાઢવાને બદલે શ્રોતાજનોમાંથી કોઈને નાળીયેર લઈ આવવાનું કહે છે. આ નાળીયેર તો સાધુનું પોતાનું ન હોય. એટલે જ્યારે આ નાળીયેરમાંથી પણ કંકુ વગેરે નીકળે ત્યારે તેમને લોકોને ખાતરી થઈ જાય કે આમાં કંઈ બનાવટ નથી; પણ સાધુમહારાજ તો બહુ હોશીયાર હોય છે. શ્રોતાજને લઈ આવેલ નાળીયેરને પોતાના બાજઠ પર મુકીને તે પર કપડું ઢાંકીને મંત્રો ભણવાનો કે પ્રાર્થના કરવાનો ઢોંગ રચે. તે સમયે પહેલેથી તૈયાર કરેલ પોતાનું નાળીયેર પણ બાજઠ પર મુકાયેલા કપડા નીચે ઢંકાયેલા બીજા નાળીયેરની બાજુમાં જ શ્રોતાઓને દેખાય નહીં તે રીતે મુકેલું હોય છે. પછી મંત્રો ભણીને કપડા નીચેથી બીજું નાળીયેર ત્યાં જ રહેવા દઈને પોતાનું નાળીયેર કપડા નીચેથી કાઢીને ફોડવાનું કહે. તે ફોડવામાં આવે એટલે તેમાંથી કંકુ વગેરે નીકળે.
એક ઠગ સાધુએ તો તેથી વધારે ચાલાકીપુર્વકની ગોઠવણ કરી હતી. તે તો ગામના એક મોદી સાથે સમજુતી કરીને અગાઉથી તેમાં કંકુ વગેરે મુકેલાં નાળીયેર વેચવા માટે આપી આવે. પછી સાધુમહારાજના ચમત્કાર બતાવવાનો જ્યાં કાર્યક્રમ હોય ત્યાં જે કોઈ જાય અને આ ચમત્કાર જોવો હોય તો તેને તે મોદીની દુકાનેથી નાળીયેર લઈ આવવાનું કહે. પછી તે નાળીયેર ફોડવામાં આવે તો તેમાંથી પણ કંકુ વગેરે નીકળે. એટલે લોકોને તો વીશ્વાસ બેસી જાય કે આમાં કંઈ બનાવટ નથી. પણ પછી આવા ઠગ સાધુઓના પ્રપંચોનો ભાંડો ફોડતા અન્ધશ્રદ્ધા–નીવારણ કેન્દ્રના કાર્યકરોએ મોદી પાસેથી નાળીયેર ખરીદવાને બદલે પોતાનું જ નાળીયેર સાધુ–મહારાજને આપ્યું. જ્યારે મહારાજે ફોડયું તો તેમાંથી ફક્ત પાણી નીકળ્યું! અને સાધુમહારાજનું તરકટ ખુલ્લું પડી ગયું.
[5] મનોબળથી વસ્તુ ખસેડવી :
ફક્ત મનની શક્તીથી કોઈ પણ પર્દાથને ખસેડવો અથવા તેના આકારમાં ફેરફાર કરવો તેને અંગ્રેજીમાં Phycho–Kinesis કહેવામાં આવે છે. યુરોપ, અમેરીકામાં ચમત્કારોની ઘટનાઓવાળા પ્રકરણમાં યુરીગેલર મન– શક્તીથી ચમચાઓ, સળીયાઓ વાળી આપતો હતો તે દાવો ખોટો સાબીત થયો તેનો ઉલ્લેખ કરેલ છે. પણ યુરી ગેલર તો વીશ્વનો એક નમ્બરનો ચાલાક ઠગ કહી શકાય તેવો ઠગ હતો. ભલભલા વૈજ્ઞાનીકોને પણ તેણે મુર્ખ બનાવ્યા હતા. જડ પદાર્થ પર ત્રાટક કરવાથી મનશક્તીનો પ્રભાવ પડે છે તેવા પ્રયોગો યુરોપ, અમેરીકા અને ખાસ કરીને રશીયામાં પણ કરવામાં આવે છે. આ પ્રકારની શક્તી ધરાવતી સ્ત્રી વીશે રશીયાનાં અખબારો, ટેલીવીઝનમાં અહેવાલો આવતા હતા કે આ સ્ત્રી મનોબળથી ટેબલ પર પડેલ સીગારેટ, હળવા વજનના સીલીન્ડરને ખસેડી શકે છે અથવા પુસ્તકના પાનાને હાથ લગાડ્યા વગર ફેરવી શકે છે. પછી વૈજ્ઞાનીકોએ આ દાવાઓની તપાસ કરી તો જાણી શકાયું કે આમાં કંઈ મનોબળ, PHYCHO KINESIS, PSI નો પ્રભાવ ન હતો. યોગ્ય ઉંચાઈ પર મુકેલ ટેબલ પરની સીગારેટ કે હળવા વજનના સીલીન્ડરને તે સ્ત્રી ફુંક મારીને ખસેડતી હતી. જોનારાઓનું ધ્યાન ન ખેંચાય તે પ્રમાણે કોઈ મધ્યમ કદના પુસ્તકનાં પાનાં ટેબલ પર તમારા મોઢાની ઉંચાઈએ ગોઠવો અને પુસ્તકના પાના નજીક મોઢામાંથી અવાજ ન થાય તે રીતે હાસ જેવો ઉચ્ચાર કરે તો મોઢામાંથી હવા નીકળે. તેથી પુસ્તકનાં પાનાં ઉથલવા મંડે. થોડીક પ્રેક્ટીસ પછી આ પ્રયોગ તદ્દન સરળ બની જાય છે. મનોબળથી પદાર્થને ખસેડવાની બીજી સાદી તરકીબ તો બહુ જ સરળ છે અને કોઈ પણ તેનો પ્રયોગ કરીને કુટુંબીજનો, મીત્રોને ઘડીભર સ્તબ્ધ કરીને આનન્દ આપી શકે છે. એક બંગડીમાં દોરી બાંધી તે બંગડીને ટેબલ પર મુકી તેના પર ટેબલ ક્લોથ ઢાંકી દેવું. દોરીનો બીજો છેડો ટેબલને એક છેડે પહોંચે એટલી લંબાઈ દોરીની હોવી જોઈએ. ટેબલ ક્લોથ નીચે મુકાયેલ બંગડી વચ્ચે દડો કે મોસંબી મુકવાં. પછી પ્રયોગ કરનાર ટેબલના જે છેડે દોરીનો બીજો છેડો ટેબલ ક્લોથ નીચે ટીંગાતો હોય ત્યાં ખુરશી પર બેસીને દડા કે મોસંબી પર ત્રાટક કરવાનો થોડી વાર ઢોંગ કરીને ટેબલ ક્લોથ નીચે રહેલી દોરીને ખુરશી પર બેસી રહીને ધીમેધીમે ખેંચે. એટલે દોરી સાથે ટેબલ ક્લોથ ઉપર બંગડી વચ્ચે મુકેલ દડો કે મોસંબી પણ ખેંચાવા મંડશે. જોનારાઓને બંગડી અને દોરી તો દેખાતાં ન હોય એટલે તેમને તો એવો ભાસ થાય કે મનોબળથી પ્રયોગ કરનાર દડા કે મોસંબીને પોતાની તરફ ખેંચી રહ્યો છે.
[6] ઘી, પાણી રેડીને અગ્ની પ્રગટાવવો :
મંત્ર–શક્તીથી અગ્ની પ્રગટાવવાનો ઢોંગ કરતા ઢોંગી સ્વામીઓ પાસે એવી કોઈ શક્તી હોતી નથી કે ઘી કે પાણી ઢોળીને અગ્ની પ્રગટાવી શકે; પણ રસાયણોની મદદથી, દીવાસળી કે અગ્ની ઉત્પન કરતા કોઈ પણ સાધન વગર ફક્ત ઘી કે પાણી ઢોળીને યજ્ઞકુંડમાં કે અન્ય કોઈ પાત્રમાં અગ્ની પ્રગટાવી શકાય છે. તે માટે પોટાશીયમ પરમેંગેનેટ અને ગ્લીસરીન જોઈએ. કુંડમાં મુકેલા લાકડા કે કોલસા પર પોટાશીયમ પરમેંગેનેટનો પાઉડર અગાઉથી છાંટી મુકવામાં આવ્યો હોય, જેની જાણ પ્રેક્ષકોને હોતી નથી. પછી પ્રયોગ કરનાર મંત્રો ભણવાનો ઢોંગ કરીને લોટામાંથી પાણી જેવું દેખાતું પ્રવાહી કુંડમાં ધીમે ધીમે ઢોળે અને થોડીવારમાં કુંડમાં અગ્ની પ્રગટે! પુરોહીત મહારાજનો જયજયકાર બોલાય. ગ્લીસરીન પાણી જેવું રંગહીન અને પારદર્શક દ્રવ્ય છે. પાણીથી જરા ઘટ્ટ હોય છે પણ દુરથી જોનારાઓને તેની જાણ ન થાય. આ ગ્લીસરીન અને કુંડમાં બળતણ સાથે મુકાયેલ પોટેશીયમ પરમેંગેનેટ સાથે રાસાયણીક સંયોજન થાય. તેમાંથી અગ્ની પ્રગટે છે. પાણીને બદલે ઘીમાં પણ ગ્લીસરીન ભેળવીને આ પ્રયોગ કરી શકાય છે.
[7] જીભની આરપાર અણીદાર સોયો ભોંકવો :
આ ચમત્કાર કરનાર પોતાના હાથમાં એકાદ ફુટ લાંબો લોખંડનો સોયો પકડીને પ્રેક્ષકોને બતાવે છે અને ખાતરી કરાવે છે કે તે સળીયો ધાતુનો છે અને તેની અણી ધારદાર છે. પછી પ્રયોગ કરનાર તે સળીયાને પોતાના બે હાથથી મોઢા સુધી લાવીને જીભ બહાર કાઢીને તે સળીયો જીભની આરપાર પસાર કરી દે છે. ન તો તેને કંઈ પીડા થાય છે કે ન તો લોહી નીકળે છે. ભોળા લોકો તો તેને અદ્ભુત સીદ્ધી – ચમત્કાર માનીને પ્રભાવીત થઈ જાય છે; પણ હકીકતમાં તો આ એક હાથચાલાકીથી વધારે કંઈ નથી. આ પ્રકારના ચમત્કાર માટે ખાસ પ્રકારનો સોયો બનાવવામાં આવે છે.
આ સળીયાને પ્રયોગ કરનાર એક હાથે બરાબર વચ્ચેથી પકડે છે. એટલે પ્રેક્ષકોને સળીયાનો વળેલો ભાગ દેખાતો નથી, ફક્ત સળીયાના બે છેડા દેખાય છે. પ્રેક્ષકોને સોયાના બે છેડા દેખાડે છે અને વચ્ચેનો વળેલો ભાગ મુઠીમાં સંતાયેલો હોય છે. પછી પ્રયોગ કરનાર પ્રેક્ષકોથી જરા દુર ઉભો રહીને સોયાને બે હાથ વડે ઉંચો કરી મુખ સુધી લાવે છે. તે પહેલાં પ્રેક્ષકોને પોતાની જીભ મોઢામાંથી બહાર કાઢીને બતાવે છે અને સોયો જીભમાં ભોંકવા માટેની વીધી કરવા માટે બે હાથે પકડીને સોયાને જીભ સુધી લાવે છે. તેમ કરતી વખતે એક હાથે સોયાને ઉંચો કરતાં કરતાં જ્યારે સોયાનો વળેલો ભાગ બરાબર જીભ પાસે આવે ત્યારે પોતાની જીભ તે વળેલા ભાગમાં બેસાડી દે. અને વળેલા સોયાને હાથથી જરા ફેરવીને વળેલા ભાગને ગાલના પડખે ફેરવી દે. જેથી જ્યારે પ્રયોગ કરનાર પોતાના બન્ને હાથ ખસેડીને સોયાને જીભની આરપાર થઈ ગયેલ દેખાડે ત્યારે જોનારાઓનો જીભનું ટેરવું દેખાય અને જીભની આરપાર નીકળેલ સોયો દેખાય નહીં. સોયાનો વળેલો ભાગ જીભ સાથે બરાબર ચપોચપ બેસી ગયો હોય. એટલે બન્ને હાથ ખસેડી લીધા પછી સોયો જીભ સાથે ચોંટેલો અને જીભની આરપાર નીકળેલો દેખાય.
હાથચાલાકી, રસાયણો કે યાંત્રીક તરકીબોથી આવા તો નાનામોટા ચમત્કારો સર્જી શકાય છે. તેમાંના થોડાકનાં દૃષ્ટાંતો અહીં આપ્યાં છે. ચમત્કાર પ્રકૃતીના ભૌતીક નીયમોથી વીરુદ્ધની ઘટના છે. પ્રકૃતીના નીયમો અફર છે, તેમાં અપવાદ કે વીકલ્પ નથી. જ્યારે પણ તમે કોઈ ચમત્કારીક ઘટના, સીદ્ધીની વાત સાંભળો કે જુઓ ત્યારે તમારી વીવેકબુદ્ધી રુપી એલાર્મ ક્લૉકની ઘંટડી વાગવી જોઈએ અને સાવધ બનીને એ ઘટનાનું રહસ્ય જાણવા પ્રયાસ કરવો જોઈએ. ચમત્કાર જોઈને નમસ્કાર કરવા એ તો બુદ્ધીની નાદારી છે.
– લક્ષ્મીદાસ ખટાઉ
ડૉ. અશ્વીન શાહ, ચીફ મેડીકલ ઑફીસર અને મેનેજીંગ ટ્રસ્ટી, ખારેલ સાર્વજનીક હૉસ્પીટલ, ખારેલ તરફથી લોકજાગૃતી માટે ‘અભીવ્યક્તી’ને મોકલવામાં આવેલ પુસ્તક ‘તમને કોણ, કેવી રીતે છેતરે છે?’ (પ્રકાશક : આર. આર. શેઠની કમ્પની, મુમ્બઈ – 400 002 પ્રથમ આવૃત્તી : ઓગસ્ટ, 2002 મુલ્ય : રુપીયા 75/– ઈ.મેલ : sales@rrsheth.com વેબસાઈટ : www.rrsheth.com )માંથી, લેખક, પ્રકાશક અને ડૉ. અશ્વીન શાહના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : અફસોસ, સ્મરણીય લક્ષ્મીદાસ ખટાઉ હવે આપણી વચ્ચે નથી.
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 28–10–2022
Reblogged this on માનવધર્મ.
LikeLiked by 1 person
‘માનવધર્મ’ બ્લૉગ પર ‘ઠગ સાધુ, સ્વામીઓના ચમત્કારોની ભીતરમાં’ પોસ્ટને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
LikeLike
” ચમત્કાર ને નમસ્કાર ” અને ” લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે ” આ બે કહેવાતો અનુસાર આવા તરકટ અને તુત લેભાગુઓ કરી રહ્યા છે. આવા તરકટ ખ્રિસ્તી ધર્મ માં તથા મુસ્લિમ ધર્મ માં પણ થઈ રહ્યા છે, અને લેભાગુઓ આ થકી પોતાના માટે ઘી કેળા પ્રાપ્ત કરે છે.
આ બધું તરકટ ધર્મ ના નામે થઈ રહ્યું છે, અને તેનો શિકાર અંધ શ્રદ્ધાળુઓ જ હોય છે. આ એકવીસ મી સદી માં હવે જેટલી જાગૃતિ આવવી જોઈએ તેટલી જાગૃતિ નથી આવેલ. શ્રીમાન ગોવિંદ મારુ તથા આપણા જેવા બીજા આ તરકટ અને તુત નો પરદો ફાશ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ તે પ્રયત્નો પુરતા નથી. તેના માટે એક મોટી ક્રાંતિ ની જરૂરત છે.
LikeLiked by 1 person
શ્રી લક્ષ્મીદાસ ખટાઉ દ્વારા-‘ચમત્કારીક ઘટનાઓ, સીદ્ધીઓ તો અફવાઓ હોય છે, હેતુપુર્વક વ્યવસ્થીત રીતે જુઠો પ્રચાર હોય છે અથવા તો હાથચાલાકી અને રસાયણોની કમાલ હોય છે. અહીં સાત ચમત્કારો કેવી રીતે કરવામાં આવે છે તેનું રહસ્ય જણાવ્યું છે.ઠગના ચમત્કારોની ભીતરમાં….સ રસ લેખ
LikeLiked by 1 person
આ તરકટ અને તુત નો પરદો ફાશ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, . તેના માટે એક મોટી ક્રાંતિ ની જરૂરત છે✅👍🏿.
LikeLiked by 1 person
Reblogged this on કાન્તિ ભટ્ટની કલમે.
LikeLiked by 1 person
‘કાન્તિ ભટ્ટ ની કલમે’ બ્લૉગ પર ‘ઠગ સાધુ, સ્વામીઓના ચમત્કારોની ભીતરમાં’ પોસ્ટને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
LikeLike