‘લગોઠી કલકલીયો’ કદમાં નાનું પરન્તુ ચકલી કરતાં જરાક મોટું સ્ફુર્તીવાળું ચપળ પક્ષી છે. તે નાનું છતાં રંગોના કારણે બધાને ગમી જાય તેવું મનમોહક પક્ષી છે. તેને હીન્દીમાં કીલકીલા કહેવામાં આવે છે; કારણ કે તે હમ્મેશાં કીલા… કીલા… એવો તેજ અવાજ કાઢે છે એટલે તેને કલકલીયો [……………..]
‘પક્ષી પરીચય’ હારમાળાની ભુમીકા
આ સૃષ્ટીમાં જાત–જાતનાં અને ભાત–ભાતનાં જીવો છે. તેમની આકૃતી અને પ્રકૃતીની પણ ભારે વીવીધતા છે. પ્રકૃતીએ પશુઓ અને માનવોની સરખામણીએ પંખીઓને બહુ નાજુક બનાવ્યા છે; પરન્તુ તેમના જેવી તાજગી અને સ્ફુર્તી અન્યમાં જોવા મળતી નથી. પક્ષી એટલે પીંછાંવાળું જીવ. પક્ષીઓ સીવાય જગતમાં કોઈને પીંછાં હોતાં નથી. પક્ષીઓ કરોડવાળા, ઉષ્ણ રક્તવાળા હોય છે. તેમનાં શરીરનું તાપમાન હમ્મેશાં એકસરખું રહેતું હોય બહારના વાતાવરણની ઠંડી–ગરમીની તેમના ઉપર કોઈ અસર થતી નથી. તેની સામે શરીરસૃપો અને માછલાં ઠંડા લોહીવાળા હોય છે. શરીરસૃપો અને માછલાંના શરીરના તાપમાનને બહારની ગરમી–ઠંડીની અસર થાય છે.
માનવી હમ્મેશાં સુંદરતા માણવાની અને કંઈક નવું જાણવાની વૃત્તી ધરાવે છે. પ્રકૃતીની સુંદરતા આપણને સુંદર બનવાની પ્રેરણા પુરી પાડે છે. ‘લોકનિકેતન માસિક પત્રિકા’ના સૌજન્યથી આપણે અને તેમાંય આજની ઉગતી પેઢી પ્રકૃતીને પામવાની ઉંચી દૃષ્ટી પ્રાપ્ત કરે તેવી ભાવનાથી પ્રકૃતીનો નીજાનન્દ માણવાનો અવસર પુરો પાડવાનો આ વીનમ્ર પ્રયાસ છે. આપ સર્વ સુજ્ઞજનોને વીનન્તી છે કે આ હારમાળા અંગે આપના પ્રતીભાવ લખશો અને આપના મીત્રોને પણ જણાવશો તો અમને આનન્દ થશે. ધન્યવાદ…
– ગોવીન્દ મારુ
પક્ષી પરીચય : 1
લગોઠી કલકલીયો
સં. : પ્રા. દલપત પરમાર
ગુજરાતી નામ : નાનો કલકલીયો
હીન્દી નામ : सामान्य किलकिला (छोटा किलकिला)
અંગ્રેજી નામ : Common kingfisher (Small Blue kingfisher)
વૈજ્ઞાનીક : Alcedo atthis
પરીચય :
‘લગોઠી કલકલીયો’ કદમાં નાનું પરન્તુ ચકલી કરતાં જરાક મોટું સ્ફુર્તીવાળું ચપળ પક્ષી છે. તે નાનું છતાં રંગોના કારણે બધાને ગમી જાય તેવું મનમોહક પક્ષી છે. આ પક્ષીને હીન્દીમાં સામાન્ય રીતે કીલકીલા (છોટા કીલકીલા) કહેવામાં આવે છે; કારણ કે તે હમ્મેશાં કીલા… કીલા… એવો તેજ અવાજ કાઢે છે એટલે તેને કલકલીયો નામ આપવામાં આવ્યું છે. આ પક્ષીને અંગ્રેજીમાં kingfisher કહેવામાં આવે છે; કારણ કે તે તરાપ મારીને પાણીમાં માછલીનો શીકાર કરે છે. Kingfisherને ‘મત્સ્ય રાજા’ પણ કહેવામાં આવે છે.
વૈશ્વીકસ્તરે કલકલીયાની 87 જેટલી જાતીઓ જોવા મળે છે. તેમાંથી ભારતમાં લગભગ 9 જાતીના કલકલીયા જોવા મળે છે. તેમાં આપણે ત્યાં મુખ્યત્વે ત્રણ પ્રકારના કલકલીયા : (1) સફેદ ગળાવાળો કલકલીયો, (2) કાબરો કલકલીયો અને (3) લગોઠી ક્લકલીયો જોવા મળે છે. આ ત્રણેય જાતોમાં લગોઠી કલકલીયો સૌથી નાનો છે. લગોઠી કલકલીયાની એક વીશીષ્ટ જાતી દક્ષીણ ભારતમાં જોવા મળે છે. તેના શરીર પર વાદળી રંગ વધારે હોય છે. તેનામાં નર – માદા દેખાવમાં એક જેવાં હોય છે.
લગોઠી કલકલીયાની વસ્તી સમગ્ર ભારતમાં જોવા મળે છે. તે આપણું સ્થાયી પક્ષી છે. તે કદમાં 18 સે.મી. જેટલી લંબાઈ ધરાવે છે. તેના શરીરનો અધીકાંશ ભાગ વાદળી અને નારંગી રંગનો છે; પરન્તુ તે વાદળી અને લીલો રંગ પણ ધરાવે છે. તેની પીઠ અને શરીરનો ઉપરનો ભાગ ચમકદાર આસમાની અને લીલો રંગ હોય છે. તેનો નીચેનો અને પેટનો રંગ હલકો લાલ અને કાટ જેવો રતુમડા પડતા નારંગી રંગનો હોય છે. તેની પાંખો આસમાની – લીલા રંગની હોય છે. તેની પુંછડીની પાંખો ટુંકી બુઠ્ઠી હોય છે અને ઉડવાવાળી પાંખો કરતાં થોડાક હળવા રંગની હોય છે. તેનું માથું વાદળી રંગનું હોય છે અને તેના ઉપર કાળા રંગની ગાઢ લીટીઓ હોય છે. તેની ચાંચ લાંબી અને કટાર જેવી અણીદાર હોય છે. ચાંચનો રંગ ઘાટા કાળાશ પડતા લીલા રંગનો હોય છે. તેના પગ ટુંકા હોય છે. નર અને માદા બન્નેની બાહ્ય રીતે શારીરીક રચના લગભગ એક સમાન હોય છે. તે બન્ને દેખાવમાં પણ એક જેવાં જ લાગે છે. પરીણામે નર – માદાને અલગ અલગ રીતે સરળતાથી ઓળખી શકાતાં નથી. આ કલકલીયાને પાણીની સપાટીની નજદીક થઈ ઉડતો જોવાની મજા આવે એવું છે. એ વખતે ચીં… ચી, ચીં… ચી એવો તીણો અવાજ કરી, એ આપણી નજર સામેથી એકદમ ઝડપથી પસાર થઈ જતો જોવાની મજા અલગ જ છે.
આ પક્ષીની ખાસીયત એ જોવા મળે છે કે તે નદી, નાળાં, તળાવ, ખાબોયચીયાં વગેરેના જળકાંઠે, વીજળીના તાર ઉપર કે પથ્થર પર અથવા તો ઝાડની કોઈ ડાળી ઉપર બેઠેલો જોવા મળે છે. તે પાણી ઉપર ઝુકેલી ડાળી ઉપર બેસી થોડી થોડી વારે ચારે બાજુ નજર કરવા ડોકું આમતેમ ફેરવે છે. સાથે ધીમા કલીક અવાજ સાથે પુંછડી આંચકો મારીને ઉંચીનીચી કરે છે. પાણીની સપાટી ઉપર એક જગ્યાએથી બીજી જગ્યાએ પુરઝડપે ઉડે છે ત્યારે તીણો ચીંચી, ચીંચી અવાજ કરે છે. તે મોટેભાગે એકલો રહે છે; પરન્તુ તેની માદા નજદીકમાં જ ક્યાંક હોય છે. ક્લીક્ ક્લીક્ એવો અવાજ એકબીજાને બોલાવતાં અને બન્ને અરસપરસનો સમ્પર્ક રાખતાં હોય છે.
આહાર :
લગોઠી કલકલીયાનો ખોરાક નાની માછલી, દેડકાં અને પાણીનાં જંતુ અને તેમનાં ડીંભકને પણ ખાય છે. આ પક્ષીનું ઉડ્ડયન એટલું બધું બળવાન ન હોવાને કારણે તે બેઠો બેઠો શીકાર શોધે છે. આ ક્લકલીયો માછલીનો શીકાર કરવા માટે નદી કીનારે વૃક્ષમાં ઝળુંબી રહેલી ડાળી પર બેસે છે, જ્યાંથી નદીના પાણીમાં તરતી માછલીઓ દેખાતી હોય. તેને જેવી માછલી દેખાય કે તરત ત્રાંસમાં શીકાર ઉપર તુટી પડે છે. કોઈ કોઈ વાર તે પાણીની સપાટીથી અધ્ધર ઝઝુમીને પણ શીકાર કરતો જોવા મળે છે. શીકારમાં સાવ નાની માછલી મળી જાય તો એને એ સીધી પેટમાં પધરાવી દે છે; પણ માછલી સહેજ મોટી હોય તો માછલી સાથે એ પોતાના સ્થાને પાછો આવે છે અને ત્યાં માછલીને પથ્થર કે લાકડા સાથે વારે – વારે પછાડે છે. પછડાટ ખાઈ શાંત બનેલી માછલીનું મોઢું પોતાના મોંમાં આવે તે રીતે ઉછાળી ને આરોગી જાય છે.
આ પક્ષી પાણીની સપાટી પર કોઈ માછલી કે દેડકું આવે તેની તપાસમાં એકાગ્રતાથી જોતો હોય છે. ત્યારે ધ્યાનવાળો અને એકાગ્રતાની મુર્તી જેવો લાગે છે; પણ તેની એકાગ્રતા નીશ્ચેષ્ટ હોતી નથી. શીકારને જોતાં જ ચાંચ આગળ ધરીને તેની ઉપર તીરની જેમ પડે છે. તે પાણીની અંદર પણ ઉતરી જાય છે અને તરત જ શીકારને ચાંચમાં આડો પકડી બહાર આવી ને પોતે બેઠો હોય ત્યાં ધસી જાય છે. જ્યાં તે શીકારને પછાડીને મારી નાખે છે અને ગળી જાય છે. પ્રસંગોપાત તે પાણી પર ઉડતો ઉડતો ઝળુંબી રહે છે અને કાબરા કલકલીયાની લાક્ષણીક રીતે શીકારની પાછળ પાણીમાં પડતું મુકે છે. લગોઠી કલકલીયો સ્વભાવે કજીયાખોર હોય છે. પોતાની હદમાં તે બીજા કલકલીયાને પેસવા દેતા નથી.
પ્રજનન :
લગોઠી કલકલીયો એક અપ્રવાસી પક્ષી છે. તે પુરા વર્ષ દરમીયાન કોઈ એક સ્થાન પર પોતાના સીમા વીસ્તારને નક્કી કરીને રહે છે. તે ભારે તેજ અવાજ દ્વારા પોતાના વીસ્તારની સીમાનો ખ્યાલ આપે છે. કોઈ કલકલીયાના નક્કી કરેલા સીમા વીસ્તારમાં બીજો બહારથી કોઈ કલકલીયો આવી જાય તો બન્ને કલકલીયા વચ્ચે શક્તી પરીક્ષણ થાય છે. તેના માટે બન્ને કલકલીયા બે અલગ અલગ ડાળીઓ ઉપર સામેસામે બેસી જાય છે. અને જુદા જુદા પ્રકારની આક્રમક મુદ્રાઓ બનાવી શક્તીપ્રદર્શન કરે છે. આ પ્રદર્શનથી જ અડધો નીર્ણય થઈ જાય છે. શક્તીપ્રદર્શન પછી શક્તીશાળી કલકલીયો સામેના કલકલીયા પર આક્રમણ કરી તેને નીચે પાડવાનો પ્રયાસ કરે છે. તે બન્નેમાંથી કોઈ એક પાણીમાં પડે તો નીર્ણય થઈ જાય છે. જો બહારથી આવેલો કલકલીયો વીજેતા થાય તો જે તે સીમા વીસ્તારના કલકલીયાના વીસ્તાર પર પોતાનો અધીકાર કરી લે છે.
લગોઠી કલકલીયાનું પ્રજનન કાર્ય ભારે રોચક અને આકર્ષક હોય છે. પ્રજનન કાળ સમયે નર ભારે આનન્દીત જોવા મળે છે અને ભારે તેજ અવાજ કરે છે. આ પક્ષીની એક વીશેષતા એ છે કે નર જે માદા સાથે જોડાય તે માદા સાથે તે જીવનભર સાથે રહે છે. સમાગમ કાળ દરીયાન નર – માદા બન્ને મોટાભાગનો સમય સાથે વીતાવે છે. આ સમયે માદા પોતાની ચાંચ ઉપરની બાજુ ઉંચી કરીને બેસી જાય છે ત્યારે માદા માટે નર ભેટ રુપે એક માછલી લાવીને તેને આપે છે. માદા આ ભેટ ભારે પ્રેમથી સ્વીકારી ને આરોગે છે. ત્યાર પછી તેઓ સમાગમ કરે છે.
લગોઠી કલકલીયાની પ્રજનન ઋતુ માર્ચથી જુન સુધીની છે. તે નદી, તળાવ કે ખાઈના કાંઠાની ભેખડમાં સીધી સમાંતર સુરંગ ખોદીને ઈંડાં મુકે છે. આ સુરંગ 50 સે.મી.થી 1 મીટર જેટલી કે તેથી પણ વધારે લાંબી સીધી હોય છે. આ સુરંગના છેડાના ભાગમાં ઈંડાં મુકવા માટે પહોળું ખાનું હોય છે. તેમાં માળા જેવું કંઈ નથી હોતું; પણ માછલાંનાં કાઢી નાખેલાં ગંધાતાં હાડકાં અને ઢાલીયા જીવડાંના ખોખાં હોય છે. લગોઠી ક્લકલીયો સામાન્ય રીતે એકદમ સફેદ, ચળકતી સપાટીવાળા 5થી 7 લંબગોળ ઈંડાં મુકે છે. નર અને માદા સાથે મળીને સંપુર્ણ સહકારથી કુટુંબ પ્રત્યેની ફરજો અદા કરે છે, એટલે કે ઈંડાં સેવવાની અને બચ્ચાં ઉછેરવાની જવાબદારી નર–માદા બન્ને સાથે મળી સંભાળે છે.
લગોઠી કલકલીયાનો માળો સરળતાથી જડે એવો હોતો નથી પણ એના બચ્ચાંને ખવડાવવા માટે માછલી લઈ જતો જોવાથી તે આસાનીથી મળી આવે છે. તેનો માળો ઘણો ગંદો હોય છે. માળામાં માછલીઓનાં હાડકાં અને બચ્ચાંના મળનો ઢગલો થઈ જાય છે. તેના માળાની ગંદકીનો ખ્યાલ એના ઉપરથી આવે છે કે લગોઠી કલકલીયાના નર – માદા બન્ને પોતાનાં બચ્યાંને ખોરાક ખવડાવવા જાય પછી બહાર આવીને તેમને તળાવ કે અન્ય પાણીમાં સ્નાન કરવું પડે છે. તે સ્નાન કર્યા પછી જ સારી રીતે ઉડી શકે છે.
પ્રાપ્તીસ્થાન :
લગોઠી કલકલીયો ભારત, બાંગ્લાદેશ, પાકીસ્તાન, નેપાળ, શ્રીલંકા, મ્યાનમાર, ઈંડોનેશીયા તથા એશીયા અને યુરોપના કેટલાક દેશોમાં જોવા મળે છે. ભારતમાં પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોને બાદ કરતાં પુરા દેશમાં જોવા મળે છે. આ ક્લકલીયો ભારતમાં ઘણા મોટા વીસ્તારોમાં મળી આવે છે. ઉપરના તમામ વીસ્તારોમાં રંગ – કદના ફેરફાર પ્રમાણે પ્રજાતીઓ જેવા મળે છે.
સં. : પ્રા. દલપત પરમાર
વ્યક્તી અને સમષ્ટીના સ્વસ્થ વીકાસ અંગે 34 વર્ષથી પરીશીલન કરતું સામયીક ‘લોકનિકેતન’ (સરનામું : ‘લોકનિકેતન’ મુ. પો. રતનપુર તા. પાલનપુર જી. બનાસકાંઠા – 385001 ફોન : [02742] 245171, 246444નો ઈ.મેલ : lokniketanratanpur@gmail.com જાન્યુઆરી, 2022ના અંક)માંથી તંત્રી/સંપાદક અને સંકલનકારના સૌજન્યથી સાભાર…
‘લોકનિકેતન’ સામયીકનું વાર્ષીક લવાજમ : રુપીયા 350/– અથવા આજીવન લવાજમ : રુપીયા 4,000/– બેંકમાં Name : Lokniketan Masik Patrika Bank A/c No. : 34990733811 IFSC Code : SBIN0000443થી જમા કરાવી શકાય અથવા ‘લોકનિકેતન માસિક પત્રિકા’ નામનો ડ્રાફ્ટ ‘લોકનિકેતન’ના ઉપરોક્ત સરનામે મોકલવો.
તંત્રી/સંપાદક–સમ્પર્ક : પ્રા. દલપતભાઈ પરમાર, અધ્યાપક, બેચલર ઓફ રુરલ સ્ટડીઝ, લોકનિકેતન, રતનપુર તા. પાલનપુર જી. બનાસકાંઠા – 385001 સેલફોન : 94266 48824 ઈ.મેલ : dalpatparmar008@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.
અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 31–10–2022
ખુબ જ સુંદર. માહિતી સભર. આનંદ સાથે અભિનંદન.
LikeLiked by 1 person
શ્રી દલપત પરમારનો લગોઠી કલકલીયો–kingfisher– સ્ફુર્તીવાળું ચપળ મનમોહક પક્ષી અંગે ખૂબ સ રસ માહિતી.ધન્યવાદ
LikeLiked by 1 person
માહિતી સભર લેખ. પક્ષીઓતો આમેય રંગીન અને તેમાંય આપે ભાષાના રંગો ભરીને આકર્ષક બનાવી દીધો.
LikeLiked by 1 person
કલકલિયા વિશે સુંદર ફોટાઓ સાથે ખૂબ રસપ્રદ માહિતી. આ નાનકડાં પંખીની વિશેષતાઓ જાણવી ગમી.
LikeLiked by 1 person
Dalpat parmar ૩૧/૧૦/૨૨ નિવૃત્ત થયા.આ નિવૃત્તિ પ્રસંગે મારું સાહેબે આર્ટિકલ આપ સૌ ને શેર કરી અભિનંદન આપવા બદલ આભાર!
LikeLiked by 1 person
વહાલા દલપતભાઈ સાહેબ,
31 વર્ષની સફળતાપુર્વક નોકરી પુર્ણ કરીને આજે આપશ્રી વયનીવૃત્તીથી નીવૃત્ત થાઓ છો તે બદલ અઢળક અભીનંદન… તમે હવે પછીના જીવનકાર્યમાં સક્રીય રહો… તમારી જીન્દગીનો બગીચો સદા ખુશીઓથી લહેરાતો રહે એવી હાર્દીક શુભકામનાઓ… 💐
LikeLike
Dhanyawad
LikeLiked by 1 person
Publish suc articles
LikeLiked by 1 person
માહિતી સભર લેખ પક્ષીઓતો આમેય રંગીન અને તેમાંય આપે ભાષાના રંગો ભરીને આકર્ષક બનાવી દીધો.
ખુબ જ સુંદર. માહિતી સભર લેખ આપવા બદલઆનંદ સાથે અભિનંદન.
LikeLiked by 1 person
ભાવનગરમાં ગૌરીશંકર તળાવ અને તેની આજુબાજુ વિશાળ વીકટોરીયા પાર્ક હતો. અમે નાના હતા ત્યારે પંચવટી અખાડામાંથી વહેલી સવારે પાર્કના એક દરવાજેથી બીજા દરવાજે જવાનો નાનો પગપાળા પ્રવાસ માં જતા. કેડી ઉપર ચાલતા ઝાડી ઝાંખરા વચ્ચે એક ભમ્મરિયો કૂવો આવતો. તેના ઓટા પર બેસી આજુબાજુ નાં પક્ષીઓનું નિરીક્ષણ કરવાનું એ મુખ્ય કાર્યક્રમ. અમારા સ્કાઉટ માસ્ટર પાસે દૂરબીન હતું. એક પછી એક પક્ષીની ઓળખ આપે, તેની ખાસિયત વિશે કહે. નિરીક્ષણ કરતી વખતે બધાએ શાંત રહેવાનું. અવાજથી પક્ષી ઊડી જાય. કુવામાં ચામાચીડ હોય, હૂપો, લપાય ને બેઠેલું ઘુવડ તો નસીબદાર ને જોવા મળે, અમારી શાળામાં ચિત્રકામ શીખવાડતા કાલા ગુરુ શ્રી સોમાલાલ શાહ નું આ બાબતમાં નિરીક્ષણ અદભુત હતું. તેમના આ પક્ષીઓનાં વોટર કલર ચિત્રો નિલમબાગ પેલેસમાં હજી જોવા મળે છે. મહારાજના નાનાભાઈ શ્રી ધર્મકુમારસિંહજી ગોહિલ, જે પોતે પક્ષી વિશારદ્ હતા, તેમનું પુસ્તક Birds of Saurashtra વાંચવા જેવું છે. તે પુસ્તકમાં શ્રી સોમાભાઈનાં ચિત્રો છે. આપનો આ લેખ વાંચી જૂની વાતો યાદ આવી ગઈ. એટલે લખ્યું.
LikeLiked by 1 person
ભલે પધાર્યા…નીતીનભાઇ,
‘અભીવ્યક્તી’ બ્લૉગ પર દર મહીને પહેલા અને ત્રીજા સોમવારે ‘પક્ષી પરીચય’ હારમાળાનો લાભ લેવા અને અમને માર્ગદર્શન આપવા પધારવા વીનંતી છે. ,
ધન્યવાદ…
LikeLike