સાવીત્રીબાઈ ફુલે અને તેમના પતી જ્યોતીબા ફુલેએ તત્કાલીન સમાજ વ્યવસ્થાને પાયામાંથી ધ્રુજાવવાનું કામ કર્યું. ફુલે દમ્પતી પુનામાં છોકરીઓ માટેની શાળાની સ્થાપના કરી શકી તેમાં ફાતીમા શેખનો મોટો ફાળો હતો. આ શાળા આજે ‘Indigenous Library’ તરીકે ઓળખાય છે તે ફાતીમાના ઘરેથી 1848માં શરુ થઈ શકી.
ભારતની પ્રથમ શીક્ષીકાઓ :
સાવીત્રીબાઈ ફુલે અને ફાતીમા શેખ
–ગૌરાંગ જાની
ભારતની પ્રથમ શીક્ષીકા કોણ? એવો સવાલ વર્ષો પહેલાં પુછ્યો હોત તો આપણી પાસે કોઈ જવાબ ન હતો; પણ આજે આ પ્રશ્નના ઉત્તરમાં બે શીક્ષીકાઓ એવો પ્રતીભાવ સ્વાભાવીક બની ગયો છે. અને હા એક હીન્દુ શીક્ષીકા અને બીજાં મુસ્લીમ શીક્ષીકા. આમ ભારતની મહીલાઓના શીક્ષણના પાયામાં હીન્દુ અને મુસ્લીમ બન્નેનો વારસો છે. સાવીત્રીબાઈ ફુલે( 1831-1897) અને ફાતીમા શેખ(1831-1900)ને આજે આખું ભારત ઓળખે છે. જો કે એ સ્પષ્ટ કરીએ કે ફાતીમા શેખને તાજેતરના વર્ષોમાં આપણે વીશેષ ઓળખતા થયા. આજથી 122 વર્ષ પુર્વે 9 ઓકટોબર, 1900ના દીવસે ફાતીમા શેખનું અવસાન થયું પણ તેમના વીશે પ્રમાણમાં મર્યાદીત માહીતી ઉપલબ્ધ છે. સાવીત્રીબાઈ અને ફાતીમા સમવયસ્ક અને સમકાલીન હોવા છતાં તેમ જ બન્નેએ મહીલા શીક્ષણ અર્થે સમાન પ્રદાન કર્યું હોવા છતાં ફાતીમા શેખને ઓછું અને ઘણું મોડું સન્માન મળ્યું એ આપણે સ્વીકારવું જોઈએ. વર્ષ 2014માં સરકારે ઉર્દુ પાઠ્યપુસ્તકમાં ફાતીમા શેખ વીશે ટુંકો પરીચય મુક્યો હતો.
આજે આપણે આ બન્ને સમાજસુધારક અને શીક્ષીકાઓના જીવનમાં ડોકીયું કરીશું અને આપણા ભવ્ય વારસાને સન્માનીત કરીશું. વર્ષ 2017માં સાવીત્રીબાઈના જન્મદીવસે (3 જાન્યુઆરી) ગુગલે તેમની તસ્વીર સાથેનું ડુડલ પ્રચલીત કર્યું. તેની સાથે સમગ્ર વીશ્વને તેમનો પરીચય થયો. એવો જ પરીચય ફાતીમા શેખના જન્મદીવસે (9 જાન્યુઆરી) ગુગલે આ વર્ષે અર્થાત્ 2022, તેમના ડુડલ દ્વારા વીશ્વને પરીચય કરાવ્યો. ગુગલે નોંધ્યું “India’s first Muslim woman teacher” આમ વર્ષ 1848માં ભારતમાં છોકરીઓ માટેની સૌપ્રથમ શાળા ખોલી તે આજે વૈશ્વીક ગૌરવ બની ચુક્યું છે. સવીત્રીબાઈનું સમાજસુધારાનું કામ પુના શહેરમાં હતું. તેને ધ્યાનમાં લઈ વર્ષ 2015માં ત્યાંની યુનીવર્સીટીને સાવીત્રીબાઈ ફુલે નામ આપવામાં આવ્યું. સાવીત્રબાઈ બહુમુખી પ્રતીભા ધરાવતાં હતાં. તેમની આવી પ્રતીભાએ અને કર્તવ્યનીષ્ઠાએ ઓગણીસમી સદીના રુઢીચુસ્ત મહારાષ્ટ્રમાં સામાજીક ક્રાંતીના મંડાણ કર્યા. એ સમયે મહારાષ્ટ્રમાં સામંતવાદી પ્રથાઓ અંગ્રેજોની રહેમ નજર હેઠળ ચાલતી હતી. સાથોસાથ પેશવાગીરી તેના કાળા કરતુતોને કારણે છેલા શ્વાસ લઈ રહી હતી. પરન્તુ તેણે સર્જેલી અન્યાયી અને શોષણયુક્ત સામાજીક વ્યવસ્થા મહીલાઓ અને દલીતો તેમ જ પછાત વર્ગોના માનવીય અધીકારો છીનવી રહી હતી. આ સંજોગોમાં સાવીત્રીબાઈ ફુલે અને તેમના પતી જ્યોતીબા ફુલેએ તત્કાલીન સમાજ વ્યવસ્થાને પાયામાંથી ધ્રુજાવવાનું કામ કર્યું.
જ્યોતીબા 12 વર્ષના હતા અને સાવીત્રીબાઈ નવ વર્ષના હતા ત્યારે તેઓના લગ્ન થયા. એ સમયે બાળલગ્નો અને તેના પરીણામે બાળ વીધવાઓની સમસ્યા વ્યાપક હતી. આ બાળ દમ્પતી ભવીષ્યમાં આ કુપ્રથાઓ સામે જંગે ચઢવાના હતા. સાવીત્રીબાઈ સુધારકની સાથે કવી પણ હતા. તેઓની કવીતાઓમાં સ્ત્રીશીક્ષણ અને જ્ઞાતી આધારીત ભેદભાવો દુર કરવાની વાત હતી. તેઓનું સૌથી મોટું યોગદાન હતું પુનામાં છોકરીઓ માટેની શાળાની સ્થાપના. ફુલે દમ્પતી આ કાર્ય કરી શકી તેમાં ફાતીમા શેખનો મોટો ફાળો હતો. આ શાળા આજે ‘Indigenous Library’ તરીકે ઓળખાય છે તે ફાતીમાના ઘરેથી 1848માં શરુ થઈ શકી. મહીલાઓને અને દલીતોને શીક્ષણ આપવાના પ્રયત્નો સામે બ્રાહ્મણો સહીત રુઢીવાદી લોકોએ ભારે વીરોધ કર્યો. આ સ્થીતમાં ફાતીમા અને તેમના ભાઈ ઉસ્માને ફુલે દમ્પતીને પોતાના ઘરમાં આશ્રય આપ્યો હતો એમ કરવાથી ફાતીમા સામે બેવડો સામાજીક વીરોધ ઉભો થયો. એક તરફ હીન્દુઓની ઉપલી જ્ઞાતીઓનો અને બીજી તરફ રુઢીચુસ્ત મુસ્લીમોનો. આ સન્દર્ભે આપણે ફાતીમા શેખને ભારતની નારીવાદી કર્મશીલોમાં શીખરે સન્માનીત બને છે.
છોકરીઓ માટેની શાળા સ્થપાયા બાદ શાળાએ જતાં સાવીત્રીબાઈ અને ફાતીમા પર લોકો પથ્થર ફેકતાં અને ગાયનું છાણ ફેંકી વીરોધ કરતા હતા. આ શાળામાં વર્ષ 1856 સુધી ફાતીમાએ ભણાવ્યું અને એ સન્દર્ભે એ ભારતની સૌ પ્રથમ મુસ્લીમ શીક્ષીકા તરીકે ઓળખાય છે. ફાતીમાના પ્રદાન વીશે સાવીત્રીબાઈએ પતી જ્યોતીબાને લખેલા પત્રોમાં અનેકવાર ઉલ્લેખ કરેલા છે. છોકરીઓ માટે અને ખાસ તેમાં ભણતી દલીત છોકરીઓ માટેની પ્રથમ શાળા શરુ કર્યા પછી સાવીત્રીબાઈના પ્રયત્નોથી બીજી 18 શાળાઓ શરુ થઈ હતી.
ફુલે દમ્પતીને સંતાન ન હતા; પરન્તુ તેઓએ એક બાળકને દત્તક લઈ તેનો ઉછેર કર્યો. એ જમાનામાં બાળલગ્નોને પરીણામે બનતી બાળ વીધવાઓને આજીવન વૈધવ્ય ભોગવવું પડતું હતું આ સ્થીતીમાં બાલીકાઓનું શારીરીક શોષણ થતું હતું અને તેઓને ગર્ભ રહી જતો. આ કારણે ની:સહાય સ્થીતમાં છોકરીઓને આત્મહત્યા પણ કરવી પડતી હતી. આ સ્થીતીમાં સુધારો લાવવા ફુલે દમ્પતી આગળ આવ્યું. એક બ્રાહ્મણ વીધવા પ્રસુતીના ભયે આત્મહત્યા માટે પ્રેરાઈ ત્યારે તેને બચાવી લેવાઈ અને તેનું બાળક ફુલે દમ્પતીએ દત્તક લીધું. યશવંતરાવ નામનો આ પુત્ર મોટો થઈને ડૉકટર બન્યો. બળાત્કારની પીડીતાઓને સહાય અને તેઓનાં બાળકોના જન્મ અર્થે સાવીત્રીબાઈના પ્રયત્નોથી “બાળહત્યા પ્રતીબંધક ગૃહ”ની સ્થાપના કરવામાં આવી. ઓગણીસમી સદીમાં આવું ગૃહ ખોલવાનો વીચાર આવવો અને તેને મુર્ત કરવો એ ક્રાંતીકારી પગલું હતું.
જ્યોતીબા ફુલે સ્થાપીત ‘સત્યશોધક સમાજ’ અને તે દ્વારા વીકસેલ સામાજીક આંદોલનમાં સાવીત્રીબાઈ સાથે ફાતીમા શેખનું પણ આગવું પ્રદાન રહ્યું હતું. મુસ્લીમ છોકરીઓમાં અક્ષરજ્ઞાન અને શીક્ષણ વધે એ માટે ફાતીમા મુસ્લીમોના ઘરે ઘરે જઈ સમજાવતી અને તેઓને શાળા સુધી લઈ આવતા. આવા સમાજસુધારક વીશે હવે જુદી જુદી ભાષાઓમાં પુસ્તક પ્રકાશીત થાય છે. તાજેતરમાં ‘શરુઆત પબ્લીકેશન’ દ્વારા સૈયદ નસીર એહમદ લીખીત પુસ્તકનું ગુજરાતી ભાષાંતર ‘આધુનીક ભારતના પ્રથમ મહીલા શીક્ષીકા : ફાતીમા શેખ’ [પ્રકાશક : શરુઆત પબ્લીકેશન, બી–109, અરવીંદ મેગા ટ્રેડ, અશોક મીલ, વી. આર. ટી. એસ. પાસે, નરોડા રોડ, અમદાવાદ – 382 345; પાનાં : 50/- મુલ્ય : રુપીયા 60/- સેલફોન : 81411 91312] પ્રકાશીત થયું છે.
લેખક–સમ્પર્ક : શ્રી ગૌરાંગ જાની, અણમોલ પ્રકાશન, 13/152, પરીશ્રમ એપાર્ટમેન્ટ, ઠાકરશી હૉસ્પીટલ પાસે, સેટેલાઈટ, અમદાવાદ – 380 015 સેલફોન : 94260 68186 ઈ.મેલ : gaurang_jani@hotmail.com
‘ફુલછાબ’ દૈનીક, રાજકોટની લોકપ્રીય કટાર ‘દીવાદાંડી’માં તા. 12 ઓક્ટોબર, 2022ના રોજ પ્રગટ થયેલ એમનો આ લેખ, લેખકના અને ‘ફુલછાબ’ના સૌજન્યથી સાભાર…
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે, આમ સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 4/11/2022
મહિલા શિક્ષણ આજે પણ શહેરી વિસ્તાર સિવાય આપણા દેશમાં ઘણું જ પછાત છે.
આજનો સાવીત્રીબાઈ ફુલે અને ફાતીમા શેખનો લેખ જાણવાલાયક રહ્યો
LikeLiked by 1 person
સાવિત્રીબાઈ ફૂલે વીશે તો સાંભળ્યું હતું, પણ ફાતિમા શેખ વીશે સૌ પ્રથમ જ જાણવા મળ્યું. ખુબ સરસ માહીતી.આભાર ગોવીન્દભાઈ. તે સમયમાં આ પ્રકારના વીચારો આવવા અને એનો અમલ કરવો એ બહુ જ ભારે ક્રાંતીકારી ગણાય. એ બંને સન્નારીઓને લાખો પ્રણામ.
LikeLiked by 1 person
શ્રી ગૌરાંગ જાનીનો પ્રેરણાદાયી લેખ તેમા સાવીત્રીબાઈ ફુલે અને તેમના પતી જ્યોતીબા ફુલેએ તત્કાલીન સમાજ વ્યવસ્થાને પાયામાંથી ધ્રુજાવવાનું કામ કર્યું. ફુલે દમ્પતી પુનામાં છોકરીઓ માટેની શાળાની સ્થાપના કરી શકી તેમાં ફાતીમા શેખનો મોટો ફાળો હતો.
ખૂબ સુંદર વાત માણી આનંદ
ધન્યવાદ
LikeLiked by 1 person
ફાતિમા શેખ પ્રથમ મહિલા શિક્ષક બની અને સાવિત્રી ફૂલે સાથે કામ કરી અને વિશિષ્ટ સ્થાન સમાજમાં પ્રાપ્ત કર્યું તે જાણી ખૂબજ આનંદ થયો.
LikeLiked by 1 person
‘ફાતિમા શેખ’ વિષે થોડી વિસ્તૃત માહિતી અહીં આપો, આપણા સમાજમાં ઉમદા વિચારોના મુસ્લિમો પણ છે અને એમનું સમાજમાં મહત્વ પૂર્ણ યોગદાન પણ છે
LikeLiked by 1 person
વહાલાં અરુણાબહેન,
નમસ્તે,
તાજેતરમાં ‘શરુઆત પબ્લીકેશન’ દ્વારા સૈયદ નસીર એહમદ લીખીત પુસ્તકનું ગુજરાતી ભાષાંતર ‘આધુનીક ભારતના પ્રથમ મહીલા શીક્ષીકા : ફાતીમા શેખ’ [પ્રકાશક : શરુઆત પબ્લીકેશન, બી–109, અરવીંદ મેગા ટ્રેડ, અશોક મીલ, વી. આર. ટી. એસ. પાસે, નરોડા રોડ, અમદાવાદ – 382 345; પાનાં : 50/- મુલ્ય : રુપીયા 60/- સેલફોન : 81411 91312] પ્રકાશીત થયું છે. તેમાંથી બહેન ‘ફાતીમા શેખ’ વીશે માહીતી મળશે.
ધન્યવાદ…
–ગોવીન્દ મારુ
LikeLike
તટસ્થ રીતે વિચારીએ તો સ્ત્રી ઉત્તમ શિક્ષિકા છે જ, બસ જરૂર છે એમનું મહત્વ સમજવાની, સ્વીકારવાની.
સાવીત્રીબાઈ ફુલે અને ફાતીમા શેખને એનાં ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આજના લેખમાં એમનાં પ્રદાન વિશે જાણકારી રસપ્રદ રહી.
LikeLiked by 1 person