રાજબાજ – Northern goshawk

પંજાબ રાજ્યનું રાજ્યપક્ષી ‘રાજબાજ’ એક શાનદાર સાહસીક શીકારી પક્ષી છે. રાજબાજ તમામ પ્રકારના બાજ પક્ષીઓમાં સોથી વધારે ખુંખાર અને આક્રમક સ્વભાવના હોય છે. તેથી તેને બાજના સરદાર કહેવામાં આવે છે. [……………..]

પક્ષી પરીચય : 2

પંજાબ રાજ્યનું રાજ્યપક્ષી
રાજબાજ

સં. :  પ્રા. દલપત પરમાર

ગુજરાતી નામ : રાજબાજ
હીન્દી નામ : राजबाज
અંગ્રેજી નામ : Northern goshawk
વૈજ્ઞાનીક નામ : Accpiter gentilis

પરીચય :

રાજબાજ એક શાનદાર સાહસીક શીકારી પક્ષી છે. ચીલ, બાજ, ગરુડ, સમડી, ચીબરી શીકારી પક્ષીઓ છે. આ કુળના પક્ષીઓ મોટેભાગે એકલા અથવા જોડીમાં રહે છે. તેઓ ક્યારેય નાના કે મોટા સમુહ બનાવતા નથી. આ કુળના પક્ષીઓની માદાઓ નર કરતાં વધારે સુંદર, આકર્ષક અને શક્તીશાળી હોય છે.

રાજબાજ તમામ પ્રકારના બાજ પક્ષીઓમાં સોથી વધારે ખુંખાર અને આક્રમક સ્વભાવના હોય છે. તેથી તેને બાજના સરદાર કહેવામાં આવે છે. આ ભારતીય પક્ષી આખું વર્ષ ભારતમાં રહે છે. રાજબાજની શારીરીક રચના જ એવા પ્રકારની હોય છે કે તે લાંબી તેજ ઉડાન ભરી શકે છે. તે પોતાના દુશ્મન સાથે યુદ્ધ કરીને તેને સરળતાથી હરાવી દે છે. અન્ય બાજ પક્ષીઓની જેમ રાજબાજમાં પણ નર રાજબાજ માદાથી નાનો હોય છે. નર રાજબાજની લંબાઈ 48 સે.મી.થી 52 સે.મી. સુધીની હોય છે. માદા નર કરતાં લગભગ 10 સે.મી. મોટી હોય છે. તેના શરીરની લંબાઈ 62 સે.મી. સુધીની હોઈ શકે છે.

રાજબાજનાં નર–માદાના આકાર સીવાય બાકી શારીરીક રચના લગભગ એક સરખી હોય છે. તેનું માથું, પીઠ અને શરીરનો ઉપરનો ભાગ રાખોડી રંગથી ઘાટો કથ્થઈ રંગનો હોય છે. તેની છાતી, પેટ અને શરીરનો નીચેનો ભાગ સફેદ રંગનો હોય છે અને તેની ઉપર કાળા–કથ્થઈ રંગની પાતળી પાતળી રેખાઓ હોય છે. તેનું માથું મોટુ અને લાંબુ હોય છે. રાજબાજની ચાંચ ભારે મજબુત હોય છે અને તેનો રંગ ભુખરો હોય છે. તેની ચાંચનો ઉપરનો ભાગ તીક્ષ્ણ અને નીચેની બાજુ વળેલો હોય છે.

રાજબાજની ઉડવાવાળી પાંખો ગોળાકારની હોય છે અને તેનો રંગ કથ્થઈ હોય છે. તેની પાંખોનો ફેલાવો વધારે હોય છે જે માત્ર રાજબાજ ઉડે છે ત્યારે જ જોવા મળે છે. તેની પુંછડીનો ઉપરનો ભાગ હલકા કથ્થઈ રંગનો હોય છે અને પુંછડી લાંબી ગોળાકારની હોય છે. તેની પુંછડીના મુળ ભાગમાં પાંખો સફેદ રંગની અને ગાઢી હોય છે. તેના પગ મેલા પીળાશ પડતા રંગના હોય છે અને પંજાનો રંગ કાળો હોય છે. તેના પંજા ઘણા મોટા, અણીદાર અને મજબુત હોય છે. તેના કારણે તે સરળતાથી શીકાર કરી શકે છે.

આહાર :

રાજબાજનો આહાર વીવીધતાપુર્ણ હોય છે. તે નાના–મોટા ઉંદરો જેવા કાતરી ખાનારા જીવોથી માંડી જંગલી બીલાડીઓ સુધીનાં પ્રાણીઓ તેનો ખોરાક હોય છે. સામાન્યરીતે તે ઉંદર, સસલાં, ખીસકોલી, જંગલી કુકડા, કબુતર, ગોકળગાય વગેરેને નીશાન બનાવી ખોરાક મેળવે છે. તે ક્યારેક ક્યારેક તો જંગલી બીલાડીઓ અને શીયાળ ઉપર પણ આક્રમણ કરીને મારી નાખે છે. સાપનો શીકાર કરવો તેના માટે ડાબા હાથનો ખેલ છે. આ પક્ષીમાં થાક્યા વગર શીકાર કરવાની અદ્ભુત શક્તી હોય છે.

રાજબાજ શીકારની શોધમાં આકાશમાં ચક્કર લગાવે છે ત્યારે જેવો તેને કોઈ શીકાર દેખાય કે તરત જ ઝડપથી નીચે ઉતરે છે અને પોતાના બન્ને પંજાથી પકડીને ઉડી જાય છે. ક્યારેક ક્યારેક તે ગાઢ વૃક્ષોની ડાળી ઉપર બેસીને શીકારની પ્રતીક્ષા કરે છે અને જેવો કોઈ શીકાર દેખાય તો ભારે તેજ ગતીથી તે વૃક્ષોની વચ્ચેથી નીકળે છે અને શીકાર પર ઉપરથી અથવા તો પાછળથી ઝપટ મારીને આક્રમણ કરી પકડીને ઉડી જાય છે. ત્યારબાદ તે આરામથી જમીન ઉપર અથવા તો કોઈ વૃક્ષ ઉપર બેસીને ખાય છે. આ કાર્ય તે કેટલીક ક્ષણોમાં જ પુરું કરી દે છે.

પ્રજનન :

રાજબાજની સમાગમની રીત અને પ્રજનન અન્ય બાજ પક્ષીઓના જેવું જ હોય છે. રાજબાજ શીયાળાની ઋતુમાં હીમાલયના પર્વતીય ભાગોમાં પ્રજનન કરે છે. સામાન્ય રીતે રાજબાજ એક્લો જ રહે છે; પરન્તુ સમાગમ કાળમાં નર–માદા સાથે જોવા મળે છે. આ સમય દરમીયાન નર–માદા બન્ને ભારે અવાજ કરે છે. સમાગમકાળમાં તે ધીરે ધીરે ઉંચે ઉડે છે અને ઉંચાઈ પર પહોંચીને નીચે કુદકો મારે છે. તે પોતાની પાંખો ફ્ફડાવે છે અને શારીરીક પ્રદર્શન કરે છે. અંતે નર–માદા બન્ને સમાગમ કરે છે.

માળો :

રાજબાજનો માળો વીવીધતાપુર્ણ હોય છે. તે કોઈ ઉંચા વૃક્ષ ઉપર ઘણી ઉંચાઈ પર વૃક્ષની પાતળી ડાળીઓ, ઘાસ, પાંદડાં વગેરેની મદદથી મોટો સાધારણ જેવો માળો તૈયાર કરે છે. ક્યારેક–ક્યારેક તે પોતાનો જુનો માળો હોય તેને સરખો કરી ઉપયોગમાં લેવા જેવો બનાવી દે છે અથવા તો બીજા કોઈ અન્ય પક્ષીઓ દ્વારા છોડી દીધેલો હોય તેવા માળાને ઠીકઠાક કરીને ઉપયોગ કરી લે છે. રાજબાજ માદાને આકર્ષીત કરવા માટે પોતાના માળાની પાસે અથવા તો માળાની પર થોડી ઉંચાઈએ શારીરીક પ્રદર્શન કરી, અવાજ કરી માદાને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે.

સમાગમ પછી માદા રાજબાજ 3થી 4 ઈંડાં આપે છે અને તેને સેવવાનું કામ કરે છે. તેના ઈંડાંનો રંગ હલકા વાદળી પડતા સફ્દ રંગનો હોય છે. નર માળાની આસપાસ જ રહે છે અને માદાના માટે ભોજનની વ્યવસ્થા કરે છે. તેની ખોરાક પુરો પાડવાની રીત પણ નોખી છે. તે માદાને માટે શીકાર લઈને આવે છે અને માળાની પાસે કોઈ ડાળી પર મુકીને ચાલ્યો જાય છે તો ક્યારેક ક્યારેક તે શીકાર લઈને આવે છે અને માદાને પોતાની પાસે બોલાવે છે અને માદા પાસે આવતાં તેની તરફ શીકારને ઉછાળી દઈને ફેંકીને પાછો ઉડી જાય છે.

રાજબાજના ઈંડાં 36થી 38 દીવસમાં પરીપકવ થઈ ફુટે છે અને તેમાંથી નાનાં નાનાં બચ્ચાં બહાર નીકળી આવે છે. તે નવજાત બચ્ચાંના શરીર ઉપર સફેદ રંગનું પડ હોય છે. લગભગ ત્રણ અઠવાડીયામાં તો બચ્ચાંના શરીર ઉપર પાંખો આવવાની શરુઆત થઈ જાય છે. આ સમય દરમીયાન નર રાજબાજ ખોરાક પુરો પાડે છે. બચ્ચાંના જન્મ પહેલાં માત્ર માદા માટે ખોરાક લાવતો હતો તે હવે બચ્ચાંના જન્મ પછી માદા અને બચ્ચાં બન્ને માટે ખોરાક લાવે છે. માદા પહેલાં નર પાસેથી શીકાર મેળવી સાફ કરી બચ્ચાંને ખવડાવે છે. બચ્ચાં પુર્ણરુપથી વીકસીત થઈ ગયા પછી નર અને માદા બન્ને મળીને શીકાર કરે છે અને બચ્ચાંને ખોરાક પુરો પાડે છે.

બચ્ચાં  લગભગ 6 અઠવાડીયા થઈ જાય પછી માળો છોડી દે છે અને પાસેની ડાળીઓ પર બેસવાની શરુઆત કરી દે છે. તેના પછી 2–3 દીવસમાં જ તે સંપુર્ણ રીતે માળાને છોડી દે છે અને સ્વતંત્ર જીવન જીવવાની શરુઆત કરી દે છે. શરુઆતના સમયમાં આ બચ્ચાંના પેટ, છાતી અને શરીરના નીચેનો ભાગ હલકા કથ્થઈ રંગનો હોય છે તથા તેના ઉપર ઘાટા કથ્થઈ રંગની લીટીઓ હોય છે. આ રંગ લાંબો સમય રહેતો નથી અને પુર્ણ રીતે પુખ્ત થઈ જતાં જન્મ આપનાર નર–માદા જેવો રંગ થઈ જાય છે.

રાજબાજનો શીકાર માનવ કરે છે. માનવને તે દુશ્મન માને છે પરીણામે આજે રાજબાજની સ્થીતી સારી નથી. તેની સંખ્યા ઝડપથી ઘટી રહી છે ત્યારે તેને બચાવવા આપણે પુરા પ્રયત્નો કરવા જરુરી છે.

સં. :  પ્રા. દલપત પરમાર

વ્યક્તી અને સમષ્ટીના સ્વસ્થ વીકાસ અંગે 34 વર્ષથી પરીશીલન કરતું સામયીક ‘લોકનિકેતન’ (સરનામું :લોકનિકેતનમુ. પો. રતનપુર તા. પાલનપુર જી. બનાસકાંઠા – 385001 ફોન : [02742] 245171, 246444નો ઈ.મેલ : lokniketanratanpur@gmail.com ફેબ્રુઆરી, 2022ના અંક)માંથી તંત્રી/સંપાદક અને સંકલનકારના સૌજન્યથી સાભાર…

લોકનિકેતન’ સામયીકનું વાર્ષીક લવાજમ : રુપીયા 350/– અથવા આજીવન લવાજમ : રુપીયા 4,000/– બેંકમાં Name : Lokniketan Masik Patrika Bank A/c No. : 34990733811 IFSC Code : SBIN0000443થી જમા કરાવી શકાય અથવા ‘લોકનિકેતન માસિક પત્રિકા’ નામનો ડ્રાફ્ટ ‘લોકનિકેતન’ના ઉપરોક્ત સરનામે મોકલવો.

તંત્રી/સંપાદક–સમ્પર્ક : પ્રા. દલપતભાઈ પરમાર, અધ્યાપક, બેચલર ઓફ રુરલ સ્ટડીઝ, લોકનિકેતન, રતનપુર તા. પાલનપુર જી. બનાસકાંઠા – 385001 સેલફોન : 94266 48824 ઈ.મેલ : dalpatparmar008@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 7–11–2022

4 Comments

 1. શ્રી દલપત પરમારનો પક્ષી પરીચય લેખમા પંજાબ રાજ્યનું રાજ્યપક્ષી રાજબાજ અંગે ખૂબ સરસ લેખમા ઘણી નવાઇ લાગે તેવી માહિતી જાણવા મળી
  ધન્યવાદ

  Liked by 2 people

  1. અત્યાર સુધીમાં ગુજરાત માં બાજ પક્ષી ની કેટલીક માહિતી હતી પણ આ લેખ દ્વારા બાજ ની લાક્ષણિક્તા વિશે અવગત કરાવવા બદલ આભાર

   Liked by 1 person

 2. પંજાબ ના રાજ બાજ પક્ષી માટે ઘણી વિવિધતા ભરીમાહિતી મળી.નર નાનો માદા કરતા, અને તે કેવી રીતે માદા ને પ્રસન્ન કરે છે, પ્રજનન કરે છે,માદાને ખોરાક પૂરો પાડે છે અને પછી બચ્ચાઓને માટે પણ ખોરાક પુરો પાડે છે.બચ્ચા છ થી આઠ અઠવાડિયામાં તૈયાર થઈ જાય છે માળો છોડવા.
  ઘણી વિવિધ માહિતી મળી ધન્યવાદ.

  Liked by 2 people

 3. ખૂબ સરસ માહિતીસભર લેખ…. લેખક આયુ. દલપતભાઈ પરમાર અને બ્લોગ પોસ્ટ દ્વારા આવી વૈજ્ઞાનિક માહિતી ધરાવતા ઉચ્ચ કક્ષાના લેખો લોકો સુધી પહોંચાડવા બદલ મુ.આયુ. ગોવિંદભાઈ સરનો ખૂબ ખૂબ આભાર 🙏

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s