વૈચારીક મુખત્યારશાહી અને અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય

આપણું બંધારણ સેક્યુલર – ઐહીક છે. એની વીશીષ્ટતા એ છે કે તેમાં પરલોક અંગેની કોઈ જોગવાઈ નથી! આ બંધારણે આપણને નાગરીકત્વ આપ્યું છે તેથી આપણી વફાદારી બંધારણ પ્રત્યે હોવી જોઈએ. [………………..]

વૈચારીક મુખત્યારશાહી અને
અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય

–રમેશ સવાણી

અફઘાનીસ્તાનમાં 2000 વર્ષ જુની બુદ્ધની પ્રતીમાઓ ‘ધર્મના હીત’માં તોડી પાડી! આ પ્રતીમાઓનું સાંસ્કૃતીક મુલ્ય શું છે તેનો ખ્યાલ કટ્ટરવાદીઓને ના હોય. આવેગ માણસને અન્ધ બનાવે છે. સામુહીક હીસ્ટીરીઆ માણસને વીચારહીન કરી મુકે છે. રાજા રામમોહન રૉયે સતીપ્રથા સામે બળવો કર્યો ત્યારે ધર્મજડસુઓએ કહ્યું હતું : ‘હવે હીન્દુધર્મનો નાશ થશે.’ મુસ્લીમ અભીનેત્રીએ હીન્દુ વીધવાના પાત્રની ભુમીકા માટે માથું મુંડાવ્યું તેથી ધર્મજડસુઓએ કહ્યું : ‘ઈસ્લામધર્મમાં સ્ત્રીનું માથું મુંડવાની પરંપરા નથી. ઈસ્લામ ધર્મ અને સમાજનું આ અપમાન કહેવાય!’

આપણું બંધારણ સેક્યુલર – ઐહીક છે. એની વીશીષ્ટતા એ છે કે તેમાં પરલોક અંગેની કોઈ જોગવાઈ નથી! આ બંધારણે આપણને નાગરીકત્વ આપ્યું છે તેથી આપણી વફાદારી બંધારણ પ્રત્યે હોવી જોઈએ, ધર્મગ્રંથો કે સંપ્રદાયો તરફ નહીં. કરુણતા એ છે કે ધર્મગ્રંથો તરફ મોઢું રાખીને જીવતા ધર્મજડસુઓ બંધારણના મુલ્યો તરફ આદર રાખી શકતા નથી. આપણે બંધારણીય મુલ્યો મુજબ નહીં; ધાર્મીક – સંકુચીત અસ્મીતા મુજબ જીવીએ છીએ. બંધારણ કરતા આપણને ગીતા, કુરાન વધુ આદરપાત્ર લાગે છે. માણસ કરતા ગાય પવીત્ર લાગે છે. માણસ કરતા જેહાદ પવીત્ર લાગે છે. આનો ઉકેલ છે : આવેગનું પ્રમાણ ઘટાડીએ અને વીચારીને સ્થાપીએ. જે વ્યક્તી જ્ઞાનપ્રાપ્તીના સાધન તરીકે લાગણીનો વીનીયોગ કરે છે તે માણસને મીસ્ટીક કહેવાય. શ્રદ્ધા એ લાગણીને જ્ઞાનની બરાબર ગણવાનું વલણ છે!

સાંસ્કૃતીક અને વૈચારીક વીકાસ માટે સ્વાતન્ત્ર્ય જરુરી છે. વૈચારીક મુખત્યારશાહી સ્વાતન્ત્ર્યનો ભોગ લે છે. કટ્ટરવાદીઓ નક્કી કરે તે સાચું બાકી બધું ખોટું, અધાર્મીક! શું ગાવું શું ન ગાવું, કેવા ચીત્રો દોરવા અને કેવા ચીત્રો ન દોરવા, કેવા નાટકનૃત્ય કરવા અને કેવા ન કરવા, કેવી ફીલ્મો ઉતારવી, પુરુષોએ દાઢી રાખવી, મહીલાઓએ બુરખો પહેરવો, વગેરે બાબતો અંગેના હુકમો સ્વાતન્ત્ર્યનો ભોગ લે છે, આને સાંસ્કૃતીક ફાસીઝમ કહેવાય. માન્યતા, શુદ્ધ ઝેર છે. કોઈ પણ રાષ્ટ્ર માન્યતાને આધારે નહીં, સત્યને આધારે જ ટકે અને પ્રગતી કરી શકે. લોકશાહીની સફળતા અને સ્થીરતા માટે સહીષ્ણવૃત્તી જોઈએ. કટ્ટરતા કાયમ સહીષ્ણુતાનો વીરોધ કરે છે. રસેલ કહે છે : “કટ્ટરવાદી નેતા પોતાના શ્રોતાઓમાં માન્યતાઓના બે સ્તર ઉભા કરે છે. ઉપરના સ્તરમાં, તે શત્રુના બળને એવું મોટું કરી દેખાડે છે, જેથી ઘણાં મોટા વીરત્વની જરુર સમજાઈ રહે, જયારે નીચેના સ્તરમાં, તે વીજયની દૃઢ પ્રતીતી ઉપજાવે છે. આ બન્ને સ્તરોને ‘બળ ઉપર સત્ય વીજય મેળવશે’ એવા સુત્રમાં વીંટાળવામાં આવે છે. કટ્ટરતાવાદીને એવું ટોળું અપેક્ષીત હોય છે, જે વીચાર કરતા લાગણીને સવીશેષ વરેલું હોય, જેના મનમાં અનેક ભયો અને દ્વેષો ભરેલા હોય, જેને ગણી ગણીને પગલાં મુકવાની મંદ પદ્ધતિઓ અંગે નફરત હોય, જે એક સાથે અકળાયેલું હોય. આવું ટોળું વીચારશે કે બુદ્ધી કરતાં લાગણી એ વધારે સારો ભોમીયો છે અથવા આપણા અભીપ્રાયો ચીત્તથી નહીં પણ રક્તથી ઘડવા જોઈએ અથવા માનવજીવનના ઉત્તમ તત્ત્વો વૈયક્તીક નહીં પણ સામુદાયીક હોય છે!

અમદાવાદના શાહપુર વીસ્તારમાં મીલકમ્પાઉન્ડમાં હજાર મકાન વણીકોના હતા. તેમાં એક મકાન મુસ્લીમે ખરીદ્યું અને વણીકો ભડક્યા. સસ્તામાં મકાનો વેચીને વણીકો હીન્દુ વીસ્તારોમાં જતા રહ્યા. એક હીન્દુ સોસાયટીમાં અમુક મુસ્લીમ વેપારીઓએ એપાર્ટમેન્ટ ખરીદ્યા. હીન્દુઓએ એનો વીરોધ કર્યો, તોડફોડ કરી. મારામારી કરી. આવો વીરોધ કેમ? મુળ કારણ સુગ. સુગમાંથી તીરસ્કાર જન્મે અને તીરસ્કારમાંથી હીંસા જન્મે, જંગલવાદ જન્મે. ગુજરાતમાં રહેવું છે પણ ગુજરાતી બનવું નથી. અરબસ્તાનમાં જે વેશભુષા હતી તે ગુજરાતમાં રાખવામાં આવે તો તેમાં સુગ ન જન્મે તો શું થાય? ગુજરાતીઓ અમેરીકા જઈને ઘાઘરા–ઝભ્ભા પહેરે તો કેવું લાગે? પારસી લોકોની જેમ જ્યાં જઈએ ત્યાં ભળી જઈએ તો વાંધો શું? ધર્મજડતા, રુઢીચુસ્તતા, મુળભુતાદ, સંકુચીત અસ્મીતાઓ છોડવી જોઈએ. આ ‘બોન્ડેજ’થી છુટવું જોઈએ. કીશોરલાલ મશરુવાળાએ તા.19.09.1947ના રોજ લખ્યું હતું : ‘બહુજનસમાજનો જે શીષ્ટાચાર હોય તે જ સૌએ સ્વીકારવો જોઈએ. દેશ તેવો વેશ, એ કહેવતમાં ઘણું ડહાપણ છે. વેશનો અર્થ કેવળ કપડાં જ નહીં; પણ ભાષા, લીપી વગેરે. કંઈક વીચીત્ર અહંતાને વશ થઈ આપણને જુદે ઠેકાણે વસીનેય ત્યાંની પ્રજા સાથે ઓતપ્રોત થવાને બદલે પોતાની જુની રીતોને પકડી રાખીએ છીએ, અને તેમ રાખવાનો હક સમજીએ છીએ. ગુજરાતમાં વસતા સર્વે હીન્દુમુસલમાનપારસીખ્રીસ્તીઅંગ્રેજ ગુજરાત માટે નીશ્ચીત કરેલો જ વેશ રાખે, ગુજરાતી ભાષા જ અપનાવે, ગુજરાતી લીપી જ સ્વીકારે એવો નીયમ હોવો જોઈએ. બધાની વચ્ચે પોતાનો જુદો વાડો રાખવાનો આગ્રહ ઈષ્ટ નથી. ભાષા, લીપી, વેશ, વંશ–વારસો, સદાચાર–શીષ્ટાચાર વગેરે તે તે કાળના અને દેશના સમાજની સાર્વજનીક બાબતો છે તે કોઈ ખાસ ફીરકાની વસ્તુઓ નથી.’

સ્વાતન્ત્ર્ય માટેની મનુષ્યની ઝંખના ખોટી દીશામાં વળાંક લેતો ગુજરાતમાં અર્બસ્તાન અને અમેરીકામાં ગુજરાત ઉભું થાય! વળી આવી ઝંખના અવળી દીશા પકડે તો માણસ, આ ‘ભૌતીક’ જગતમાં સ્વતન્ત્રતા પ્રાપ્ત કરવાની મથામણ મુકીને, પરલોકમાં સ્વતન્ત્રતા પ્રાપ્ત કરવાની મથામણમાં ખુંપી જાય. ગુઢતામાં, આધ્યાત્મીકતામાં સ્વતન્ત્રતા શોધે! ‘ઈશ્વરપ્રાપ્તી’નો દરેક ધર્મનો આદર્શ, એ સ્વતન્ત્રતા પ્રાપ્ત કરવાની અવળી મથામણ છે. જીવનના દુઃખો, પ્રશ્નો તરફ પીઠ ફેરવી લેવાથી સ્વતન્ત્રતા હાંસલ થતી નથી. સ્વતન્ત્રતાના ખ્યાલમાં આર્થીક સુસ્થીતી અને સલામતીનો સમાવેશ થાય છે. વ્યક્તીએ પોતાની આર્થીક સુધારણા અને સલામતી પોતાના પ્રયાસો થકી હાંસલ કરવાની છે. આ માટે, પોતાના પર આધાર રાખવાને બદલે વ્યક્તી ઘણીવાર પોતાના આર્થીક ઉત્કર્ષ અને સલામતી માટે કોઈ રાજકીય તારણહાર પર આધાર રાખતી થઈ જાય છે. આર્થીક સ્વતન્ત્રતા પ્રાપ્ત કરવા આવો સહેલો રસ્તો પસન્દ કરવામાં વ્યક્તી ઘણીવાર પોતાનું રાજકીય સ્વાતન્ત્ર્ય ગુમાવી બેસે છે. આપખુદશાહી શાસનો આ રીતે સ્થપાય છે.

ધર્મજડતા હોય ત્યાં ખોમેની હોય. ધર્મજડતા હોય ત્યાં વીચાર, સાહીત્ય, કળા, વીજ્ઞાન બધું જ ધર્મજડતા મુજબ હોવું જોઈએ તેવો આગ્રહ હોય. વ્યક્તીને ગૌણ ગણવામાં આવે. તેઓ ફાસીવાદી હોય છે. ઝનુન, ધાકધમકી, વૈચારીક અસહીષ્ણુતા અને હીંસા વડે લોકો ઉપર આતંક ફેલાવે. લોકશાહી મીજાજ નહીં; પરન્તુ માતાજી, દેવ, પેગંબરના આદેશો મુજબની માનસીકતા હોય. ધર્મજડસુઓનો ધ્યેય સત્તા છે. ધર્મ તો માત્ર સાધન છે. તેને નીતી, સત્ય, પ્રમાણીકતા, માનવતા, ન્યાય, પ્રેમ જેવા ગુણો સાથે કશી લેવાદેવા નથી. તેમની પાસે હોય છે : જુઠાણાં, છેતરપીંડી, બેવડા ધોરણો, લુચ્ચાઈ, લાલસા… તેઓ લોકકલ્યાણનું નામ લઈને સ્વકલ્યાણ કરે છે. તેઓ ધર્મજડસુઓના સંગઠનમાં જોડાઈને અમર્યાદીત સત્તા ભોગવે છે. તેઓ ઝનુની સુત્રો આપે છે, સાંપ્રદાયીક લાગણીઓ ઉશ્કેરે છે, ખોટાં અને પાળી ન શકાય તેવા વચનો આપે છે, જાતીદ્વેષ ફેલાવે છે. વીચાર સામેની લડત પ્રગતીને રુંધે છે.

સરુપ ધ્રુવ મુખત્યારશાહીને ખુલ્લી કરે છે :

એમને નથી તો કોઈના દીલમાં વસવું કે
નથી કોઈને વસવા દેવા,
એટલે જ મન્દીરો ને
મસ્જીદો બાંધે છે અને તોડે છે
એ લોકો પ્રેમ નથી કરી શકતા એટલે જ
પાપ અને પુણ્યના હીસાબ માંડે છે
જવા દો, રહેવા દો, આ ‘માયા’ના
તર્કબદ્ધ તુત અને ‘લીલા’ના
લયબદ્ધ ટીલાંટપકાળા ભવાઈવેશ!
અમને કહેવા દો કે તમે પોતે જ માણસમાં નથી
એટલે જ તમારે ઢોલનગારાં પીટીપીટીને
જાતની જાહેરાતો કરવી પડે છે.
નાતનાં છબછબીયાં વગાડવાં પડે છે
ગળાં ફાડી ફાડીને ગલીએ ગલીએ
ભજનીયાં ગાવાં પડે છે!
આવો દોસ્તો! એ કાચબાઓ અને
શાહમૃગોને કહી દઈએ
માણસથી વધારે બીજું કંઈ જ
કશું જ કોઈ જ ના હોઈ શકે?

અને એટલે જ, એક નહીં જન્મેલા,
કહેવાતા ભગવાનની પાછળ
અફસોસ કરવાને બદલે
આપણે લાખો માણસો
એક અખંડ અક્ષત રહ્યા
આપણાંમાંનો એક પણ ઓછો ના થયો
એનો ઉત્સવ ઉજવીએ…
આજે અત્યારે, આ જનમમાં આપણને
કૈક જાણવા, માણવા, પ્રમાણવા મળ્યું
એનો મહીમા કરીએ.

–રમેશ સવાણી

લેખક શ્રી રમેશ સવાણીની પુસ્તીકા ‘નદીની મોકળાશ કાંઠા વચ્ચે’ (પ્રકાશક : માનવવીકાસ ટ્રસ્ટ, ગુજરાત’ 10, જતીન બંગલો, ફાયર સ્ટેશન રોડ, બોડકદેવ, અમદાવાદ – 380 054, ઈ.મેલ : rjsavani@gmail.com )માંથી, લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક : શ્રી. રમેશ સવાણીઈ.મેલ : rjsavani@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરબાદ આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 04–11–2022

7 Comments

  1. ” આપણું બંધારણ સેક્યુલર – ઐહીક છે. એની વીશીષ્ટતા એ છે કે તેમાં પરલોક અંગેની કોઈ જોગવાઈ નથી! ” ——- રમેશ સવાણી

    ભારત તથા બીજા અસંખ્ય ત્રીજા તથા પછાત દેશો ના બંધારણ માં પરલોક અંગેની કોઈ જોગવાઈ નથી. તે કારણ થી પરલોક નું અસ્તિત્વ છે કે નહિ તે વિષે પ્રશ્ન ઉભો થઈ શકે છે. પ્રગતિશીલ દેશો નું ઉદાહરણ લઈએ તો બ્રિટન એટલે ઇંગ્લેન્ડ માં “God. save. the. Queen.” અને હવે રાણી ની વિદાય પછી “God. save. the. King.” સરકરી રીતે લખાય છે અને ગવાય છે. તે ઉપરાંત વિશ્વ ના સૌથી શક્તિશાળી તથા પ્રગતિશીલ દેશ અમેરિકા માં પણ “In. God. We. Trust.” સરકારી રીતે લખાય છે. અમેરિકા ની ડોલર ની નોટ જોઈએ લો. તેના પાર અંગ્રેજી માં સાફ રીતે લખેલું છે “IN. GOD. WE. TRUST. ”

    આ સત્ય અનુસાર શું એ માનવું રહ્યું કે બ્રિટન અને અમેરિકા જેવા પ્રગતિશીલ દેશો માં સરકારી રીતે GOD. નું અસ્તિત્વ છે, અને તે અનુસાર પરલોક નું પણ અસ્તિત્વ છે ?

    શું શ્રીમાન રમેશ સવાણી કે કોઈ અભ્યાસી આ વિષે વધુ પ્રકાશ પાડી શકશે ?

    Like

  2. ” આપણું બંધારણ સેક્યુલર – ઐહીક છે. એની વીશીષ્ટતા એ છે કે તેમાં પરલોક અંગેની કોઈ જોગવાઈ નથી! ” ——- રમેશ સવાણી

    ભારત તથા બીજા અસંખ્ય ત્રીજા તથા પછાત દેશો ના બંધારણ માં પરલોક અંગેની કોઈ જોગવાઈ નથી. તે કારણ થી પરલોક નું અસ્તિત્વ છે કે નહિ તે વિષે પ્રશ્ન ઉભો થઈ શકે છે. પ્રગતિશીલ દેશો નું ઉદાહરણ લઈએ તો બ્રિટન એટલે ઇંગ્લેન્ડ માં “God. save. the. Queen.” અને હવે રાણી ની વિદાય પછી “God. save. the. King.” સરકરી રીતે લખાય છે અને ગવાય છે. તે ઉપરાંત વિશ્વ ના સૌથી શક્તિશાળી તથા પ્રગતિશીલ દેશ અમેરિકા માં પણ “In. God. We. Trust.” સરકારી રીતે લખાય છે. અમેરિકા ની ડોલર ની નોટ જોઈએ લો. તેના પાર અંગ્રેજી માં સાફ રીતે લખેલું છે “IN. GOD. WE. TRUST. ”

    આ સત્ય અનુસાર શું એ માનવું રહ્યું કે બ્રિટન અને અમેરિકા જેવા પ્રગતિશીલ દેશો માં સરકારી રીતે GOD. નું અસ્તિત્વ છે, અને તે અનુસાર પરલોક નું પણ અસ્તિત્વ છે ?

    શું શ્રીમાન રમેશ સવાણી કે કોઈ અભ્યાસી આ વિષે વધુ પ્રકાશ પાડી શકશે ?

    Liked by 1 person

  3. મા.શ્રી રમેશ સવાણી દ્વારા -‘ માણસથી વધારે બીજું કંઈ જ –કશું જ – કોઈ જ ના હોઈ શકે? અને એટલે જ, એક નહીં જન્મેલા,કહેવાતા ભગવાનની પાછળ અફસોસ કરવાને બદલે આપણે લાખો માણસો એક – અખંડ – અક્ષત રહ્યા –આપણાંમાંનો એક પણ ઓછો ના થયો એનો ઉત્સવ જવીએ…આજે અત્યારે, આ જનમમાં આપણને કૈક જાણવા, માણવા, પ્રમાણવા મળ્યું એનો મહીમા કરીએ.
    અંગે સુંદર વિચારની સ રસ રજુઆત

    Liked by 2 people

  4. ” આ પ્રતીમાઓનું સાંસ્કૃતીક મુલ્ય શું છે તેનો ખ્યાલ કટ્ટરવાદીઓને ના હોય. આવેગ માણસને અન્ધ બનાવે છે. સામુહીક હીસ્ટીરીઆ માણસને વીચારહીન કરી મુકે છે. “✅✅✅

    Liked by 2 people

  5. This article is itself valuable. It may neither be understood nor be comfortable to those who feel religious day in and day out. Our constitution is outcome of modernity and hence supernatural power is not mentioned anywhere. Scientific temper in Indian constitution is well incorporated so as to move ahead with modernity. The concept Supernatural power was invented in stone age and it continued even during Neolithic period when we the human beings ushered in Agriculture Revolution. With agriculture revolution religion began to be systematised with concept of supernatural power culminating in the concept of God that is eternal, omnipresent, omnipotent, omniscient, immanent and yet transcendent. The concept of God out of supernatural power evolved with civilization coming into being. This continued from ancient times to late mediaeval period. With Renaissance, scientific temper, enlightenment and industrial revolution the concept of God has been dropped because it is no more useful. So is the situation with religion that evolved in ancient time. Evolutionary psychology has proved it that religion is by-product of evolutionary process. Modernity has completely replaced religion. And yet, majority of people in India are stuck to religion by claiming that it’s their fundamental right. Then, what about fundamental duty?? Let us remember Article 51A(h) of constitution of India. Article 51 A(h) deals with Fundamental Duties that states: [It shall be the duty of every citizen of India] To develop scientific temper, humanism and the spirit of inquiry and reform. This article in our constitution is to cultivate and shape our behaviour so as to become member of modern India. I request to understand modernity first so as to become modern. 🌹

    Rabhdia Himmatbhai Belapur
    +91 98692 25374
    Education & Knowledge Group
    Mumbai

    Like

  6. સ્નેહીશ્રી ગોવિંદભાઇ,
    પરલોક ?
    પરલોકને અને ભારતની સરકારને શું સંબંઘ ?
    જે વસ્તુ કોઇઅે જોઇ નથી, જીવી જાણી નથી , સાબિત કરી જોઇ નથી તેને વિષે ચર્ચા
    કરવાનો કોઇ અર્થ ?
    વર્ણવ્યવસ્થા ? ભારતની અેક સનાતન ઘર્મને ભયંકર નુકશાનના ખાડામાં નાખીને બેઠી
    છે. જે હજારો વરસોથી હજી સુઘારી શકાય નથી.
    ૨૦૧૪ના વરસ પછી ભારતે અૌદ્યોકીક હરણફાળ ભરી છે. સાથે સાથે મંદિરો અને
    ઘર્મને પણ ઉંચે માર્ગે ચલાવ્યુ છે. વૈજ્ઞાનિક સુઘારા દાખલ થવા જોઇઅે. શ્રઘ્ઘા
    જરુરી છે.
    સનાતનીઓમાં અેકતા…યુનિટી….સો ટકા બનવી જરુરી છે. આ જો નહિ બને તો
    પલા હજારો વરસોથી ચાલતા રીત રીવાજો…જીવતા જ રહેશે. તે રીવાજોના પરિણામો પણ
    સજીવ રહેશે.
    સામાજીક સુઘારાઓ ઘીમે ઘીમે જીવાઇ રહ્યા છે…સંપૂર્ણ જીવાવા જોઇઅે.
    પરલોક સાથે પણ આવા રીત રીવાજો જીવે છે.
    સ્વ. રમણભાઇના લેખો વાચો…વાચસ્પતિ….

    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

Leave a comment