ટૅલીપથી, ક્લેરવોયન્સ, ESP, Telekinesis, Psychic surgery વગેરે સ્યુડો સાયન્સ – ફરેબી વીજ્ઞાનના નામે લોકોને છેતરવામાં આવે છે. સાઈકીક સર્જરીના નામે ફીલીપાઈન્સમાં એક મોટું તુત ચાલે… તો ટૅલીકીનેસીસ એટલે મનની શક્તીથી જડ પદાર્થ પર પ્રભાવ પાડવો એ તુત છે.
યુરોપ, અમેરીકામાં ચમત્કારોના નામે છેતરપીંડી
–લક્ષ્મીદાસ ખટાઉ
પથ્થરયુગનો માનવી હોય કે એકવીસમી સદીનો માનવી હોય પણ ચમત્કાર શબ્દ સાંભળે એટલે તેના કાન સળવળી ઉઠે અને ચમત્કાર શબ્દ વાંચે એટલે મગજ સળવળી ઉઠે. અંગુઠાછાપ હોય કે વીદ્વાન, શહેરવાસી હોય કે ગામડીયો, આફ્રીકાના જંગલમાં રહેતા હોય કે ન્યુયૉર્ક, લંડન કે મુમ્બઈમાં રહેતા હોય તેવા લગભગ 99.99 ટકા લોકો ચમત્કાર શબ્દથી પ્રભાવીત થઈ જાય છે. એવું નથી કે એશીયા, આફ્રીકાના દેશોના લોકો ચમત્કારોમાં માને છે. ભારતમાં ભુતપ્રેત વળગ્યાની કે માતાજી શરીરમાં પ્રવેશ્યાં છે તેવી માન્યતાઓ પ્રચલીત છે, તો યુરોપ, અમેરીકામાં પ્રેતાત્માઓને બોલાવી તેમની સાથે વાતો કરાવાનો ઢોંગ કરતા ભુવાઓ હોય છે. જેમને તેઓ મીડીયમ્સ કહે છે. મીડીયમ્સ એટલે મૃત્યુ પામેલા આત્માઓ સાથે વાત કરવા માટેનું માધ્યમ. ભુતપ્રેતનો વળગાળ, માતાજીનો પ્રવેશ કે પ્રેમાત્મા સાથેની વાતચીત એ ત્રણે એક તુત છે.
ભારતમાં પાખંડી સાધુઓ, સ્વામીઓ, હવામાંથી ભસ્મ, કંકુ વગેરે પદાર્થો પેદા કરવાનાં તુત કરે છે તો યુરોપ–અમેરીકામાં ટૅલીપથી, ક્લેરવોયન્સ, ESP, Telekinesis, Psychic surgery વગેરે સ્યુડો સાયન્સ–ફરેબી વીજ્ઞાનના નામે લોકોને છેતરે છે. ટૅલીપથી એટલે કોઈ પણ સાધન વગર, વાતચીત કર્યા વગર, સમ્પર્ક સાધ્યા વગર, ફક્ત મનશક્તીથી બીજાના વીચાર જાણી લેવા અથવા બીજાને સંદેશો પહોંચાડવો. ટૅલીપથી જેવી શક્તી છે એમ માનનારાઓમાં તો કેટલાક મનોવીજ્ઞાનના નીષ્ણાતો પણ છે અને સંશોધન સંસ્થાઓ સ્થાપીને આ વીશે સંશોધન કરે છે. તેમાં તેઓ થોડી સફળતા મેળવી શકે છે એવો દાવો કરે છે; પણ તેમના દાવો તેઓ તટસ્થ નીરીક્ષકોની હાજરીમાં સાબીત કરી શક્યા નથી. ક્લેરવોયન્સ એટલે સંજયદૃષ્ટી. દુરના સ્થળે શું બન્યું છે તે મનની શક્તીથી જાણી શકવાની સીદ્ધી. આ પણ એક મોટું તુત છે અને નવાઈની વાત તો એ છે કે યુરોપ–અમેરીકાના કેટલાક પોલીસખાતાના ઑફીસરો, ચોરી, ખુન વગેરેની તપાસ માટે અથવા કોઈ વ્યક્તી ગુમ થઈ ગઈ હોય તે મેળવવા આ પ્રકારના ક્લેરવોયન્સ–ભુવાઓની મદદ લે છે. ઈ.એસ.પી. એટલે એક્સ્ટ્રા સેન્સરી પરસેપ્શન એટલે પાંચ ઈન્દ્રીયો સીવાયની એક કલ્પીત છઠ્ઠી ઈન્દ્રીયની જાણકારી મેળવવી. તેમની પાસે ઈ.એસ.પી. સીદ્ધી છે એવો દાવો કરનારા ઠગો પણ ત્યાં હોય છે. અને તેમાં માનનારાઓ પણ હોય છે.
ટૅલીકીનેસીસ એટલે મનની શક્તીથી જડ પદાર્થ પર પ્રભાવ પાડવો. આ સીદ્ધી ધરાવનાર પોતાની મનશક્તીથી ટેબલ પર પડેલ દડો કે મોસંબી જેવી વસ્તુને હાથ કે કોઈ પણ વસ્તુથી ખસેડ્યા વગર ગતીમાન બનાવી શકે છે અથવા ધાતુના ચમચા, સળીયાને બળનો ઉપયોગ કર્યા વગર ફક્ત મનશક્તીથી વાળી શકે છે. એવો દાવો કરવામાં આવે છે. યુરી ગેરીન નામના એક જાદુગરે તો પોતાની ટૅલીકીનેસીસ સીદ્ધીથી તો યુરોપ, અમેરીકાના ભલભલા વૈજ્ઞાનીકોને પણ અચંબામાં નાખી દીધા અને તેઓ માનતા થઈ ગયા કે તેની પાસે મનશક્તીથી જડ પદાર્થો પર પ્રભાવ પાડવાની શક્તી છે અથવા તો તે આ તરકીબ કેવી રીતે કરે છે તે તેઓ સમજી શક્યા ન હતા. બી.બી.સી. પર અને અમેરીકાના ટૅલીવીઝન ઉપર તેના પ્રયોગો કરી બતાવવામાં આવ્યા. યુરોપ, અમેરીકાના વૈજ્ઞાનીકો, બૌદ્ધીકો અને સામાન્ય લોકો યુરી ગેરીનની દૈવી મનશક્તીના પ્રયોગોથી પ્રભાવીત બની ગયા અને માનવા લાગ્યા કે આની પાસે જરુર કોઈ દૈવી શક્તી છે. બહુ વખત આ તુત ચાલ્યું.
પછી જેમ્સ રેન્ડી નામના એક જાદુગરે તેનો ભાંડો ફોડ્યો. તેણે જાહેરમાં કહ્યું કે યુરી ગેરીન એક જાદુગરથી વધારે કંઈ નથી. તેની પાસે કોઈ ચમત્કારીક શક્તી નથી. ચમચા વાળવા વગેરેમાં જે કંઈ પ્રયોગો કરે છે તે હાથચાલાકી છે. તે જે ચમત્કારીક પ્રયોગો કરી બતાવે છે તે બધા પ્રયોગો જેમ્સ રેન્ડી પણ કરી બતાવવા તૈયાર છે. યુરી ગેરીને જેમ્સ રેન્ડી પર બદનક્ષીનો દસ મીલીયન ડૉલરનો કેસ કર્યો; પણ કોર્ટે તે દાવો મંજુર ન કર્યો. ઉલટાનો યુરી ગેરીન કોર્ટ કેસના ખર્ચની રકમ જેમ્સ રેન્ડીને મજરે આપે એવો ચુકાદો આપ્યો. જેમ્સ રેન્ડીએ તો કાયમ માટે પડકાર ફેંક્યો છે કે કોઈ પણ વ્યક્તી પાસેથી કોઈ પ્રકારની ચમત્કારીક સીદ્ધી હોય તો તે સાબીત કરી બતાવે તો દસ હજાર ડૉલરનું ઈનામ આપવા તે તૈયાર છે. તે ઉપરાંત ન્યુયૉર્ક ટાઈમ્સમાં મોટા અક્ષરે જાહેરખબર આપવામાં આવી કે કોઈની પાસે પણ કોઈ ચમત્કારીક સીદ્ધી હોય અને તે તટસ્થ નીરીક્ષકો સમક્ષ સાબીત કરી બતાવશે તેને એક મીલીયન ડૉલરનું ઈનામ આપવામાં આવશે; પણ કોઈ ચમત્કારીક સીદ્ધીઓના દાવા કરનારા અનેક લફંગાઓમાંથી કોઈ એકેયે પણ આ પડકાર ઝીલ્યો નહીં.
સાઈકીક સર્જરીના નામે ફીલીપાઈન્સમાં એક મોટું તુત ચાલે. આ દૈવી ઑપરેશનમાં કોઈ ધારદાર ઓજારોનો ઉપયોગ કર્યા વગર ફક્ત મનશક્તી અને હાથ ફેરવીને ઑપરેશન કરી આપવાના દાવાઓ કરવામાં આવે છે. યુરોપ, અમેરીકાના શ્રીમંત મુર્ખો તેવાં ઑપરેશન કરાવવા જાય છે. આ વીશે વધારે માહીતી ડુંગરપુરવાળાના પ્રકરણમાં આપી છે. અન્ધમાન્યતાઓ, અન્ધશ્રદ્ધાનો ઈજારો ફકત એશીયા, આફ્રીકાના લોકો પાસે નથી. યુરોપ–અમેરીકાના લોકો પણ અન્ધ માન્યતાઓ, અન્ધશ્રદ્ધા ધરાવે છે. આ અન્ધમાન્યતાઓ અને અન્ધશ્રદ્ધાનો ગેરલાભ ઉઠવનારાઓ, લફંગાઓ પણ ફક્ત પછાત દેશોમાં નથી, યુરોપ અમેરીકામાં પણ આવા લફંગાઓ હોય છે અને લોકોને મુર્ખ બનાવી પૈસા કમાય છે. જ્યોતીષશાસ્ત્ર, ભુતપ્રેતમાં માનનારાઓની સંખ્યા પણ આ દેશોમાં બહુ મોટી છે.
ભારતમાં જેમ માતાજી પધાર્યાં છે, તેમનાં દર્શન થાય છે એ પ્રકારનું તુત ચાલે છે તેમ યુરોપમાં મધર મૅરી – ઈશુ ખ્રીસ્તી માતાજી દર્શન આપે છે. આ પ્રકારનું તુત ચાલે છે. જે સ્થળે મધર મૅરી દર્શન આપે છે એવી અફવા ફેલાવવામાં આવે તે સ્થળે અન્ધશ્રદ્ધાળુઓ ઉમટી પડે અને પછી મધર મૅરીનાં દર્શનની વાત તો કોઈએ ઉપજાવી કાઢેલ હોય છતાં પણ લોકો માટે તો એ સ્થળ પવીત્ર બની જાય. જે નાના દેવળ વીશે દેશના લોકો કંઈ જાણતા ન હોય તે દેવળ એકાએક પ્રખ્યાત બની જાય, યાત્રાનું ધામ બની જાય અને દેવળના પાદરીઓ માલદાર બની જાય. ભારતમાં પણ જરા જુદી રીતે આ તરકીબ વાપરીને ઠગ સાધુ મંદીર ઉભું કરીને આવકનું સાધન ઉભું કરી દે છે. પોતાને સ્વપ્નમાં ગણેશ, હનુમાન, શીવ વગેરેમાંથી કોઈ આવેલ અને કહ્યું કે ગામ કે શહેરમાં પાદરે તે દેવ પ્રગટ થયા છે તેની યોગ્ય રીતે પ્રસ્થાપના કરો. સાધુ શહેરવાસીઓ પાસે આ વાત કરે અને પાદરે લઈ જાય અને સ્થળ બતાવે. ત્યાં જમીન ખોદવાથી દેવની મુર્તી નીકળે. બસ ચમત્કાર થઈ ગયો. ત્યાં પછી મંદીર બંધાય અને સાધુને રહેવા માટે ઘર અને રોટી–કપડાં માટે મંદીરની આવક તેની થઈ જાય. હકીકતમાં તો સાધુ પહેલેથી જ મુર્તી દાટી આવ્યો હોય અને સ્વપ્નમાં દેવ આવ્યા તે વાત ઉપજાવી કાઢેલ હોય.
EDGAR CAYCE નામના એક ચાલાક ધુતારાએ તો અમેરીકામાં કેટલાંય વર્ષો સુધી પોતાની દીવ્ય શક્તી વીશે તુત ચલાવ્યું. અખબારોમાં, ટૅલીવીઝન પર તેના અહેવાલો આવવા લાગ્યા અને તેના મૃત્યુ પછી તેના નામે સંસ્થા પણ સ્થપાઈ છે. આ ધુતારા પાસે મેડીકલ સાયન્સ કે હેલ્થ સાયન્સની કોઈ ડીગ્રી ન હતી પણ તે દાવો કરતો હતો કે તે Auto–Hypnosis એટલે સ્વ–સંમોહન–અવસ્થામાં હોય ત્યારે કોઈ પણ રોગનું સચોટ નીદાન અને ઉપચાર બતાવી શકે છે. જે વ્યક્તીના રોગનું નીદાન કરવાનું હોય તે વ્યક્તીને એડગર સમક્ષ રુબરુ આવવાની પણ જરુર નહીં. ફક્ત રોગીનું નામ અને સરનામું આપવામાં આવે એટલે આ દૈવી શક્તીવાળા વૈદ્યરાજ તંદ્રાવસ્થામાં ધ્યાનમગ્ન થાય અને પછી એ સંમોહીત અવસ્થામાં રોગનું નીદાન કરે અને શું ઉપચાર કરવો તે બોલે. ત્યાર પછી જ્યારે તે જાગૃત થાય ત્યારે તેણે શું કહ્યું હતું તે પુછવામાં આવે તો તેમને યાદ ન હોય!
તેમને પુછવામાં આવે કે પોતે ડૉક્ટર ન હોવા છતાં રોગના નીદાન અને ઉપચાર કેવી રીતે બતાવી શકે છે? તો તે કહેતો હતો કે જ્યારે તે સંમોહીત અવસ્થામાં હોય છે ત્યારે મૃત્યુ પામેલા એક ડૉક્ટરનો આત્મા તેના શરીરમાં પ્રવેશે છે અને મૃત આત્મા રોગના નીદાન અને ઉપચાર બતાવે છે! પોતે તો ફક્ત બોલવાનું જ કામ કરે છે! બુદ્ધી અને તર્કનું કચુંબર થઈ જાય તેવી વાત છે ને! છતાં પણ, અમેરીકાના ભણેલાગણેલા લોકો આ ઠગ ડૉક્ટરની સલાહ લેવા ઉમટી પડતા હતા.
મુમ્બઈમાં એક હૉસ્પીટલમાં એક એલોપથી ડૉક્ટરે પણ આ પ્રકારનું તુત ઉભું કરીને પૈસા અને પ્રતીષ્ઠા કમાવવા પ્રયાસ કર્યો. તે ડૉક્ટરને તેમાં થોડી સફળતા પણ મળી; પણ અમેરીકાના ઠગ જેટલી સફળતા મળે તે પહેલાં ગુજરાતના રૅશનાલીસ્ટો રજનીકુમાર પંડ્યા અને જમનાદાસ કોટેચાએ તેનો ભાંડો ફોડી નાખ્યો હતો. આ ડૉક્ટર પણ પોતાના દરદીને રુબરુમાં તપાસવાને બદલે પોતાની દૈવી શક્તીથી તપાસતો હતો અને સારવાર કરતો હતો. બહારગામ વસતા દરદીનું નામ તથા સરનામું આપવામાં આવે એટલે ડૉક્ટર સાહેબ આંખ બંધ કરીને તે રોગીના રોગનું નીદાન કરે અને ઉપચાર પણ લખી આપે. કેટલીકવાર તો ફક્ત ફોટો જોઈને પણ નીદાન કરે અને ઉપચાર બતાવતો. તેને એમ પુછવામાં આવે કે બહારગામ રહેતા દરદીને જાતે તપાસ્યા વગર રોગનું નીદાન કેવી રીતે કરી શકાય? તો જવાબમાં કહેતા કે મૃત્યુ પામેલા ડૉક્ટરોના મૃતાત્માઓ અંતરીક્ષમાં પ્રવાસ કરીને દરદી જ્યાં રહેતો હોય ત્યાં પહોંચી, તેની તપાસ કરીને રોગનું નીદાન કરે છે અને પછી ડૉક્ટર પાસે પાછા આવીને તેઓ ડૉક્ટરને બધી વીગત આપે છે. તે પરથી ડૉક્ટર રોગનું નીદાન જાણીને ઉપચાર બતાવે છે! આ પણ બુદ્ધી અને તર્કની ચટણી કરી નાખવાની વાત છે ને? છતાં પણ કેટલાંક વર્ષો સુધી મુમ્બઈ જેવા શહૅરમાં અને એક અગ્રગણ્ય પ્રતીષ્ઠીત હૉસ્પીટલમાં આ ધતીંગ ચાલુ રહેલ.
ફ્રાંસમાં લોર્ડ્સ નામે એક ગામડામાં એક ઝરણું છે. તેનું પાણી પીવાથી કે તેમાં સ્નાન કરવાથી અસાધ્ય રોગો મટી જાય છે એવી અન્ધમાન્યતા છે. દર વરસે યુરોપ–અમેરીકાથી હજારો લોકો આ સ્થળે પોતાના રોગના નીવારણ માટે આવે છે. મધર મેરીએ આ સ્થળે દર્શન દીધાં હતાં પછી આ સ્થળમાં આવેલું ઝરણું દૈવી બની ગયું. એક નાનકડું ગામડું આજે યાત્રાળુઓથી ધમધમતું શહેર બની ગયું છે. ભાગ્યે જ કોઈને આ પાણીથી કંઈ ફાયદો થાય છે અને થયો હોય તો પણ યોગાનુયોગ હોય.
– લક્ષ્મીદાસ ખટાઉ
ડૉ. અશ્વીન શાહ, ચીફ મેડીકલ ઑફીસર અને મેનેજીંગ ટ્રસ્ટી, ખારેલ સાર્વજનીક હૉસ્પીટલ, ખારેલ તરફથી લોકજાગૃતી માટે ‘અભીવ્યક્તી’ને મોકલવામાં આવેલ પુસ્તક ‘તમને કોણ, કેવી રીતે છેતરે છે?’ (પ્રકાશક : આર. આર. શેઠની કમ્પની, મુમ્બઈ – 400 002 પ્રથમ આવૃત્તી : ઓગસ્ટ, 2002 મુલ્ય : રુપીયા 75/– ઈ.મેલ : sales@rrsheth.com વેબસાઈટ : www.rrsheth.com )માંથી, લેખક, પ્રકાશક અને ડૉ. અશ્વીન શાહના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : અફસોસ, સ્મરણીય લક્ષ્મીદાસ ખટાઉ હવે આપણી વચ્ચે નથી.
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 18–11–2022
શ્રી લક્ષ્મીદાસ ખટાઉનો યુરોપ, અમેરીકામાં ચમત્કારોના નામે છેતરપીંડી કેવી રીતે થાય છે તેમા ‘ટૅલીપથી, ક્લેરવોયન્સ, ESP, Telekinesis, Psychic surgery વગેરે સ્યુડો સાયન્સ – ફરેબી વીજ્ઞાનના નામે લોકોને છેતરવામાં આવે છે. સાઈકીક સર્જરીના નામે ફીલીપાઈન્સમાં એક મોટું તુત ચાલે… તો ટૅલીકીનેસીસ એટલે મનની શક્તીથી જડ પદાર્થ પર પ્રભાવ પાડવો એ તુત છે.’ દ્વારા ખૂબ સ રસ લેખ
યુરોપ, અમેરીકાના નામે ઘણા ભ્ર્મમા રહેતા હતા તે અંગે આંખ ઉઘાડનારો લેખ બીજી તરફ ઘણા ક્ષેત્રોમા છેતરપીંડી થાય છે એટલે દરેક વાત સાવધાન રહેવાની જરુર છે
LikeLiked by 1 person
ખુબ સુંદર લેખ. કોઈની પણ આંખ આ લેખ વાંચવાથી ઉઘડી જાય અને ફરી કદી આવી છેતરપીંડીમાં ના ફસાય એ પ્રકારનો આ લેખ અદ્ભુત છે. ભાઈ શ્રી લક્ષ્મીદાસ ખટાઉનો આવા કીંમતી લેખ માટે ખુબ ખુબ ધન્યવાદ. ગોવીન્દભાઈ, આવા અમુલ્ય લેખ વાંચવાની તક પુરી પાડવા માટે આપનો પણ ઘણો આભાર.
LikeLiked by 1 person
ખુબ સુંદર અધભૂત લેખ. મનુષ્ય માત્ર ની આ લેખ થી દિમાગની બત્તી થાય અને ફરી કદી આવી છેતરપીંડીમાં ના ફસાય એ પ્રકારનો આ અધભૂત લેખ છે. ભાઈ શ્રી લક્ષ્મીદાસ ખટાઉનો આવા કીંમતી લેખ માટે ખુબ ખુબ ધન્યવાદ. ગોવીન્દભાઈ, આવા અમુલ્ય અને અધભૂત લેખોનું વાંચવાની તક પુરી પાડવા માટે આપનો પણ ઘણો આભાર.
ભવિષ્યમાં આવા લેખો વાંચવા મળે તેવી અપેક્ષાઓ….
LikeLiked by 1 person
આવા સરસ લેખ બદલ આભાર. રશિયાના ઇતિહાસમાં રાસ્પુટિનનું નામ આવેછે. ઝાર નિકોલસ અને તેની પત્ની એલેક્ઝાન્ડ્રા અને તેના વ્હાલા દીકરા એલેક્સીને હિમોફિલિયા-શરીરમાંના લોહીનું ગઠન ન થવાની બીમારી. દીકરા ટાંકણી પણ વાગે તો લોહી વહેતું બંધ ન થાય. દાક્તરો ખડે પગે તૈયાર રહે, દીકરો પીડાથી ચીસો પાડે તે મા થી સહન ન થાય. ઝારને પ્રજાના પ્રશ્નો માટેની માટેની અગત્યની બેઠક છોડી દીકરા અને મા પાસે આવવું પડે. આ વચ્ચે સંમોહન અને બીજી મેલી વિદ્યામાં પારંગત ગ્રિગોરી રસ્પુટિનનો “હાઉસ ઓફ રોમોનોવ” – ઝારના મહેલ માં પ્રવેશ. બીજી બાજુ દેશમાં ભુખમરો અને બેકારી અને લોકો બળવો. બળવાખોરોનો નાયક વ્લાડીમીર લેનિનનો ઉદય અને પછીનો રશિયાનો લોહિયાળ ઇતિહાસ.
આ આખી ઐતિહાસિક ઘટનાઓ પાછળ છે મેલી વિદ્યા. ફરી એક વખત લેખ બદલ આભાર.
LikeLiked by 1 person
ખરેખર સુંદર છણાવટ ,
LikeLike
Reblogged this on કાન્તિ ભટ્ટની કલમે.
LikeLiked by 1 person
સ્વર્ગસ્થ લક્ષ્મીદાસ ખટાઉના લેખો હંમેશા ધારદાર હોય છે.
Edgar Cayce ફાઉન્ડેશનમાં હું 1968 માં ભાષણ આપવા ગયેલો .
He was known as sleep prophet. He was taken into deep sleep & he was having secretary who was writing his finding for patient in sleep & many books are written & sold.
Then i happened to meet one clairvoyant lady with my host in Newyork- you have to write your name & put in one basket – she will take one by one chit & talk about your future.
And like these many superstions i have seen during my tour to Europe ( Paris France also ) & USA in last century also.
LikeLiked by 1 person